સોમૈયા અને રાજીવ નામના બે ખેડૂત પડોશમાં રહેતા હતા. તેમનાં ખેતરોય પાસપાસે હતાં. પણ બન્નેની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હતી. સોમૈયા મહેનતુ હતો જ્યારે રાજીવ પ્રમાદી. બન્યું એવું કે, એ પ્રદેશમાં સતત બે વર્ષ સુધી વરસાદ ન વરસ્યો. કારમો દુકાળ પડ્યો અને ભૂમિ વેરાન વગડો બની ગઈ. ખેડૂતો માટે ભૂખમરાના કપરા દિવસો આવ્યા. સોમૈયા તો સખત મહેનતુ અને સ્વાશ્રયી હતો. તેણે મનમાં વિચાર્યું : મારે ગમે તેમ કરીને મારા ખેતરને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી રહી. મારા ખેતરની કેનાલ ભલે ખાલીખમ હોય પણ નજીકની કોઈ વહેતી નદીમાંથી પાણી એમાં લાવવું જોઈએ. હિંમતે મર્દા તો મદદે ખુદા. તે તો સવાર-સાંજ નીકળી પડતો પાણીની ખોજમાં. ભગવાને એના પુરુષાર્થને દાદ આપી ને એક વહેતી નદી પાસે તે આવી પહોંચ્યો. તેના આનંદનો પાર ન રહ્યો. સોમૈયા તો પાવડો, ત્રિકમ કોદાળી લઈ મંડી પડ્યો નદીમાંથી ખેતર સુધી કેનાલ ખોદવા.

તે વહેલી સવારે ઘરેથી નીકળી પડ્યો. બપોર સુધી કેનાલ ખોદતો જ રહ્યો. સૂર્ય પણ બરાબર તપતો હતો અને સોમૈયા પરસેવાથી નાહી રહ્યો. પણ એણે આકરા તાપથી વહેતા પરસેવા કે થાકની પરવા કરી નહીં. કામમાં એટલો મશગૂલ બની ગયો કે તેને ખાવાનુંય ભાન ન રહ્યું.

બપોરે તેની પત્નીએ પુત્રી દ્વારા બપોરા કરવા બોલાવ્યો. પુત્રીએ પિતાને કહ્યું, ‘બાપુજી, બપોર થયા છે. તમારા સ્નાન અને ભોજનમાં મોડું થાય છે. મારી માએ બપોરા કરીને પછી નિરાંતે જરૂર હોય તો કામે લાગવાનું કહ્યું છે.’ પુત્રીના આ શબ્દો સાંભળીને હસતાં હસતાં તેને કહ્યું, ‘બેટા! પહેલાં આ કેનાલ હું પૂરી કરી લઉં પછી મને ખાવાનું ભાવશે. તું ઘરે જા, હું થોડો મોડો આવીશ. મને મારું કામ કરી લેવા દે.’ દીકરી તો ઘરે ગઈ અને માને બધી વાત કરી.

ઘડિયાળમાં ત્રણના ટકોરા થયા છતાં સોમૈયા હજુ આવ્યો ન હતો. તેની પત્નીની ચિંતા વધવા લાગી. એનાથી રહેવાયું નહીં અને તે ઊપડી ખેતરે. ખેતરે કામમાં રત પતિને કહ્યું : “આટલું મોડું કેમ કરો છો? તમને ભૂખ નથી લાગી? ખાવાનુંય ઠરી ગયું છે. તમે હંમેશાં આવો અતિરેક કરો છો. ચાલો, મારી સાથે ખાધા પછી બાકીનું કામ પતાવી લેજો.” સોમૈયાની આંખો લાલ થઈ ગઈ, ગુસ્સાથી બોલ્યો : “તું કેવી મૂરખ સ્ત્રી છો! પાણી વિના આપણાં ખેતરો સુકાઈ રહ્યાં છે તે તો જો! આપણે ભૂખે મરી જઈશું. હું તો આજે જ આપણા ખેતરમાં પાણી લાવીને જંપીશ. એ પહેલાં બીજું કંઈ ન ખપે.” પોતાના વિનમ્ર-પ્રેમાળ પતિને આ રીતે ગુસ્સે જોઈને એ ધ્રૂજી ઊઠી. તે પગ પછાડતી ત્યાંથી પાછી ફરી.

સોમૈયાએ તો ખોદવાનું ચાલુ રાખ્યું. રાતના અગિયાર વાગ્યા ને નદીના પાણી પ્રવાહ તેના ખેતર સુધી પહોંચી ગયો. પાણી તો ખળખળ કરતું ખેતરમાં મંડ્યું વહેવા. સોમૈયાના હૃદયમાંય આનંદનો પ્રવાહ વહેવા લાગ્યો.

મોડી રાતે સોમૈયા ઘરે આવ્યો. પોતાની પત્નીને કહ્યું: “ન્હાવા માટે તેલ અને સાબુ આપજે.” નિરાંતે સ્નાન કરીને પછી કેળના લીલાછમ પાનની પાતળ સામે બેસી ગયો. પ્રેમથી પીરસેલી વાનગીઓ ખાતો ગયો અને વાતો કરતો ગયો : ‘અરે, તું તો અદ્ભુત રસોઈ કરી જાણે છે! તારી વાનગી કેટલી સ્વાદિષ્ટ!’ પેટ ભરીને જમ્યો. મુખવાસ લઈને લંબાવ્યું અને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.

હવે રાજીવભાઈનીય આંખ ઊઘડી એટલે એ ય ઊપડ્યો કેનાલ ખોદવા. નદીએ જઈને મંડ્યો કેનાલ ખોદવા. બપોરે તેની પત્નીએ આવીને બપોરા કરવા ઘરે આવવા કહ્યું ને તે બોલ્યો : ‘ભલે તું કહે છે એટલે આવીને જમી જઉં.’ પોતે કોદાળી-ત્રિકમ લઈને ઊપડ્યો ઘરે. નદીએ જતાં આળસ આવી અને બીજે દિવસે કોઈક બીજા અગત્યના કામે જવું પડ્યું. આમ, કોઈક ને કોઈક બહાને કેનાલ ખોદવાનું બની ન શક્યું અને ખરે સમયે ખેતરમાં ઊભેલા પાકને પાણી ન મળ્યું અને પાક તો સુકાઈ ગયો.

થોડા દિવસોમાં પાણી પાતાં સોમૈયાનાં ખેતરો લીલાછમ પાકથી છવાઈ ગયાં. પાકથી ખેતરનો મોલ લચી પડ્યો. બીજી તરફ, રાજીવભાઈનાં ખેતરો સૂકાં ભઠ થઈ ગયાં.

સોમૈયાએ પોતાના કાર્યનું પરિણામ ન આવે ત્યાં સુધી મહેનત કર્યે જ રાખી. જ્યારે રાજીવભાઈએ તો આળસુ બનીને વચ્ચે જ કામ અટકાવી દીધું. પરિણામે એનું ધ્યેય સિદ્ધ ન થયું. આળસ માનવતાનો મહાન શત્રુ છે.

આપણે જે કામની જવાબદારી લઈએ તે કાર્ય પાર પાડીને જ જંપવું જોઈએ. આપણું ધ્યેય સંપૂર્ણ સિદ્ધ થવું જોઈએ. પૂર્ણપણે સાકાર ન કરી શકીએ તે સપનું શા કામનું?

સંકલનકર્તા: શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.