હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ નથી. હવે જે બનવાનું છે તે સ્વામીજીની વાણીને સાચી પાડશે. ‘હાલ આપણે સ્થિત્યાંતરના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણને એ પડકાર ફેંકે છે. એક મોટી કસોટી કરે છે. આપણા દેશની સમૃદ્ધિ ભણી આપણે જોશું કે બહારથી આવતા વાયરાઓથી આપણી જાતને ઊડી જવા દેશું? અત્યારે અડગ અને ટટ્ટાર ઊભા રહેવાની જરૂર છે અને સ્વામીજીનાં કાર્યોમાંથી આપણને પ્રેરણા અને બળ સાંપડશે. આપણે મંથનની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છીએ એમ મને લાગે છે. આ અનવસ્થા અને ગરબડમાંથી જીવન બક્ષતું અમૃત ઉદ્‌ભવવાનું છે. આ મારી માન્યતા છે, મારી શ્રદ્ધા છે.’

દરેકે દરેક મુલાકાત સમયે, સ્વામીજીની વાત કરતી વખતે હેમચંદ્ર તદ્દન નવા જ માણસ જણાતા હતા. એમની આંખો અને એમની સમગ્ર મુખમુદ્રા ખૂબ ભાવ અને પ્રકાશથી અભિભૂત થઈ ઊઠતી. એમના વૃદ્ધ દેહનો પ્રત્યેક અવયવ વીર્યના ઓજસથી અને પૌરુષથી ચમકી ઊઠતો. મનુષ્યોમાં સિંહ એવા વિવેકાનંદ કેવા અતીવ સમર્થ પુરુષ હતા, તેની કલ્પના કરતી વેળા દરેક વાર એમના અંતરનાં ઊંડાણોમાં ભૂતકાળનાં સ્મરણો સળવળી ઊઠતાં. નેવુ ઉપરના એ ડોસા ખૂબ ચેતનવંતા અને પ્રેરાયેલા લાગતા હતા. એમની સાથેના મારા અગાઉના એક વાર્તાલાપમાં હેમચંદ્રે કહેલું, “સ્વામીજી મૂર્તિમંત શક્તિ હતા. એમની હાજરી અને એમના શબ્દો ચોમેર શક્તિ પ્રસારતા. અરે! એમના બોલ કેવા ઉત્તેજક અને પ્રજ્વાલક હતા! એમના શબ્દો તો, જાણે કે, મડદાંને બેઠાં કરવાની શક્તિવાળા હતા.” આ પળો દરમ્યાન સ્વામીજીના નિધન પછી દસકાઓ પછી રોમાં રોલાંએ લખેલા શબ્દોની યાદ આપતા :

“બીથોવનના પદખંડોની રીતિમાં હેંડલના સમૂહગાનના તાલલય સમા, સ્વામીજીના શબ્દો એક મહાગાન છે. ત્રીસ વર્ષને અંતરે પુસ્તકોમાં વેરાયેલ આ વચનોને, આ કથનોને વીજળીનો ઝાટકો લાગ્યા સિવાય હું સ્પર્શી શક્તો નથી અને એ વીરમુખેથી એ વચનો સર્યાં હશે ત્યારે કેવા ઝાટકા, કેવી સમાધિ તેમણે નિપજાવેલ હશે!’

હેમચંદ્રે કહ્યું કે : ‘ને હું તમને કહું છું કે, રાષ્ટ્રીય જાગૃતિ લાવનાર સ્વામીજી હતા, અને મને લાગે છે કે, એ સાચી જાગૃતિ હતી. ગાંધીજી કે એમની પહેલાંના કે પછીના કોઈ નેતા નહીં. પણ, રાષ્ટ્રીય જાગૃતિ માટેની ભારતની ઝંખનાને પ્રથમ સાચી મુખરિત કરનાર સ્વામીજી હતા. સ્વામીજીના જીવનકાળ દરમિયાન કે તે પછી, ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનના જે નેતાઓ હતા તે સર્વે જાણતાં કે અજાણપણે ઘણા મોટા પ્રમાણમાં સ્વામીજીના પ્રભાવ હેઠળ આવેલા હતા. વામપંથી કે મધ્યમમાર્ગી ટિળક, સુરેન્દ્રનાથ, ગાંધીજી, અરવિંદ, બિપીન પાલ, ગોખલે, લાજપત રાય, રાજગોપાલાચારી, રાસબિહારી બોઝ, બાઘા યતીન (યતીન્દ્રનાથ મુખર્જી), સૂર્યસેન, સી.આર. દાસ અને ભારતમાતાની મુક્તિનાં સ્વપ્ન સેવનારા અમારા જેવા સામાન્ય સૈનિકો, સૌની પાછળ, પોતાનાં પ્રેરણાનાં અને આશીર્વાદનાં કથનામૃતો સાથે સ્વામીજી ઊભા હતા.’

રાષ્ટ્રજાગૃતિના વિકાસમાં સ્વામીજીના ફાળા વિશે બોલતાં, હેમચંદ્રે, સહજ રીતે, એક વિખ્યાત ભારતીય રાજકીય નેતાની આકરી ભાષામાં ટીકા કરી અને પોતાના સમર્થનમાં એક પ્રસિદ્ધ અર્વાચીન બ્રિટિશ ઇતિહાસલેખકનું અવતરણ ટાંક્યું. તરત જ તેમણે મને પોતાના અંગત સંગ્રહમાંથી તે પુસ્તક આપ્યું. એમણે એ પુસ્તકમાંથી અવતરણ આપ્યું હતું અને એ પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક કહી અમને તેની સત્યતાની ખાતરી કરવા કહ્યું. “ભારતને કેવળ રાજકીય ગુલામીમાં ઝકડી રાખવા પૂરતું જ નહીં, પણ સદાની નૈતિક, માનસિક અને બૌદ્ધિક ગુલામીમાં બાંધી રાખવાનું એ દૂરંદેશી અને ઊંડા મૂળવાળું બ્રિટિશ કાવતરું હતું.” હેમચંદ્રે કહ્યું ને ઉમેર્યું કે, ‘દેશ પર છવાઈ જનાર ભયંકર ઉલ્કાપાત સામે પ્રથમ ચેતવણી આપનાર પણ સ્વામીજી હતા.’

એ વાત આ પછી હેમચંદ્રની દૃષ્ટિ શિષ્ય ભણીથી ગુરુ ભણી વળી. સ્વામી વિવેકાનંદથી તેઓ શ્રીરામકૃષ્ણ તરફ વળ્યા. હેમચંદ્ર માનતા હતા કે, યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઈતિહાસે શ્રીરામકૃષ્ણને હજી મૂલવ્યા નથી. ‘એક વધારે વાત મારે કહેવી જોઈએ.’ તેઓ આસ્તેથી બોલ્યા, “મોટા ભાગના ઉદ્દામવાદીઓના ધ્યાન પર એ કદી ચડી નથી. કદાચ અમારી પાસે એ માટે પૂરતી નિરાંત ન હતી. અથવા મારે કહેવું જોઈએ કે, અમારી પાસે એ અંગે વિચારવાની શક્તિ ન હતી. એ વાત આ છે : ભારતની નવજાગૃતિની કેન્દ્રસ્થમૂર્તિ શ્રીરામકૃષ્ણ છે. આજના ઇતિહાસકારો એ વિશે શું કહેશે તે હું જાણતો નથી. એમ લાગે છે કે, ભાગ્યે જ કોઈ ઇતિહાસકારે આ હકીકત પર ધ્યાન આપ્યું છે. અર્થાત્‌, એ ઇતિહાસનું યોગ્ય મૂલ્યાંકન નથી. પરંતુ હું ચોક્કસપણે માનું છું કે ભારતીય નવજાગૃતિનો ઊંડો અભ્યાસ ભવિષ્યમાં થશે ત્યારે આ વાસ્તવિકતા ધીરેધીરે પ્રકટ થતી જશે કે ગઈ સદીમાં ભારતમાં નવજાગૃતિનો જે જુવાળ આવ્યો હતો તેના મુકુટમણિ હતા શ્રીરામકૃષ્ણ! ભારતીય ઇતિહાસના અગત્યના પ્રકરણનું પરોક્ષ રીતે નિયંત્રણ કરનાર તેઓ જ હતા. ઐતિહાસિક દૃષ્ટિએ વાત કરતાં ભારતમાં એમની પહેલાં જે પ્રસિદ્ધ વ્યક્તિઓ પડદા પર આવી હતી તે બધી યોગ્ય રીતે કહીએ તો, એમની છડીદાર જેવી હતી. એમની પછીથી આવીને શ્રીરામકૃષ્ણ, જે નવસંદેશનું નવજાગૃતિનું બીજારોપણ કરવાના હતા તેને માટે ભૂમિ ખેડીને તૈયાર કરવાની તેમને સોંપાયેલી જવાબદારી અદ્વિતીય ચાતુર્યથી તેમણે અદા કરી હતી. રાજદરબારોમાં રાજા આવ્યા પહેલાં છડીદારો કે ચોપદારો આવે છે. તેઓ રાજાના આગમનની જાણ કરે છે. હું નથી તો ઇતિહાસકાર કે નથી હું પંડિત! પરંતુ, શ્રીરામકૃષ્ણના જીવનકાળ દરમિયાન અને તેમના નિર્વાણ પછી ભારતના પરિપ્રેક્ષ્યમાં જે ફેરફાર થાય તેને હું ધીમે ધીમે સમજતો થયો છું. આજથી પચાસ કે સો વરસ પછી આ સત્ય વધારે સ્પષ્ટ થશે, આ મારી માન્યતા છે. ઇતિહાસવિદોએ એ સત્ય ધીમે ધીમે સ્વીકારવું પડશે કે ભારતની જાગૃતિમાં શ્રીરામકૃષ્ણ કેન્દ્રસ્થાને હતા. અને આ વાતનો સ્વીકાર ન થાય ત્યાં સુધી એમના ઇતિહાસને ઇતિહાસ કહી શકાય નહીં એમ હું કહીશ.’

એમના ખંડની દીવાલ ઉપર શારદા દેવી, સ્વામી વિવેકાનંદ, સિસ્ટર નિવેદિતા, સી.આર. દાસ, શરત્ચંદ્ર ચેટર્જી, હાજી નજરુલ ઈસ્લામ અને સુભાષચંદ્ર બોઝની છબીઓ જોઈ મારી ઉત્કંઠા વિશેષ જાગી. શારદા દેવી, સ્વામીજી, નિવેદિતા અને સુભાષચંદ્રની તસવીરો મોટા કદની હતી અને તેમની તુલનાએ અન્ય નાના કદની હતી. આ ચારેયની પૂર્ણાકૃતિઓ તેમની લાક્ષણિક છટામાં હતી. બાકીનાની છબીઓ તેમના ઉત્તમાંગની – શરીરના ઉપરના ભાગની હતી. ઉપરાંત, એક સ્વામીજીનું અને બીજું નેતાજી સુભાષચંદ્રનું – એમ બે નાનાં ચિત્રો હતાં. સ્વામીજી અને સુભાષચંદ્રના ફોટાઓ એક કરતાં વધારે સંખ્યામાં હતા. પરંતુ, એ ઓરડામાં શ્રીરામકૃષ્ણની નાની કે મોટી એકેય છબી ન હતી. એમના પ્રત્યેનો હેમચંદ્રનો આદર જાણ્યા પછી એમની છબીની ગેરહાજરી મને અસાધારણ લાગી. અમારા આટલા વાર્તાલાપ દરમિયાન કોઈ પણ વાતના સંબંધમાં હેમચંદ્રને મુખેથી શારદાદેવીનું નામ મને કદી સાંભળવા મળ્યું ન હતું. એમને વિશેનો પરોક્ષ કે આડકતરો ઉલ્લેખ પણ એમણે કર્યો ન હતો.

શારદા દેવીનું ચિત્ર ભીંત પર જે જગ્યાએ હતું તે પરથી સ્પષ્ટ ઈશારો મળતો હતો કે, આ મહાન ક્રાંતિકારી એમને શ્રેષ્ઠ માન આપતા. એ ચિત્ર ઓરડાની દક્ષિણ દીવાલે, હેમચંદ્રની દીવાલે, હેમચંદ્રની પથારીના શિરોભાગ નજીક લટકતું હતું. એની ડાબી તરફ સિસ્ટર નિવેદિતાનું જાણીતું ચિત્ર હતું અને જમણી તરફ સ્વામીજીનું ચિત્ર હતું. મંદિરોમાં અને ભક્તોનાં અંગત પૂજાઘરોમાં પૂજા માટે રાખવામાં આવતું ચિત્ર જ તે હતું. શ્રીરામકૃષ્ણ વિશેની એમની ઉપર કહી ઉક્તિ સાંભળી મેં હેમચંદ્રને સીધો પ્રશ્ન કર્યો : “મને માફ કરજો, મહાશય! પરંતુ આપના ઓરડામાં આટલી બધી વ્યક્તિઓનાં અને ખાસ કરીને શારદાદેવી, નિવેદિતા તથા સ્વામીજીનાં ચિત્રો છે પણ, શ્રીરામકૃષ્ણનું ચિત્ર નથી.” મૃદુ સ્મિત અને ઊંડી લાગણી સાથે હેમચંદ્રે ઉત્તર આપ્યો, “ઠાકુરનું ચિત્ર? એ ક્યાં રાખવું તે મને કહેશો? (પોતાની છાતીને અડી) એટલે તો એમને મેં મારા હૃદયસિંહાસને સ્થાપ્યા છે.” પછી શ્રીરામકૃષ્ણને અનુલક્ષીને તેમણે હાથ જોડી નમસ્કાર કર્યા અને વાત આગળ ચલાવી: “તેઓ શું છે ને કોણ છે, તે સમજવાની મારામાં શક્તિ નથી. હું તો માત્ર એટલું જ જાણું છું કે, તેઓ સ્વામીજીના સર્જક હતા. સ્વામીજીની બધી શક્તિનું મૂળ હતા. જે શક્તિએ આખા જગતને હલાવી નાખ્યું હતું, કુંભકર્ણ જેવા સુષુપ્ત સિંહ જેવા ભારતની નિદ્રા ભાંગી હતી તે બધી એમનામાંથી ઉદ્‌ભવી હતી. સ્વામી વિવેકાનંદ જેવા માનવે એમને વિશે કહ્યું હતું કે, માત્ર મૂઠીભર ધૂળમાંથી ઠાકુર ક્ષણમાત્રમાં લાખો વિવેકાનંદો પેદા કરી શકે તેમ હતા. હવે આ કથનનું ઊંડાણ સમજવા પ્રયત્ન કરો. તો શ્રીરામકૃષ્ણની ગહનતા આપણે કેવી રીતે માપી શકીએ? મને એની પ્રતીતિ કરાવવામાં આવી છે કે, દક્ષિણેશ્વરના સાધનાસ્થળના વટવૃક્ષ નીચે શ્રીરામકૃષ્ણે કેવળ સ્વામી વિવેકાનંદની જ કુલકુંડલિની નહીં પણ, સ્વામી વિવેકાનંદ દ્વારા સમગ્ર રાષ્ટ્રની કુલકુંડલિની જાગૃત કરી હતી. ભારતના નવજાગરણમાં તેથી રામકૃષ્ણ મંત્રપુરુષ છે અને વિવેકાનંદ નાયક છે. રામકૃષ્ણ યોગેશ્વર કૃષ્ણ છે અને સ્વામી વિવેકાનંદ ધનુર્ધર અર્જુન છે. દક્ષિણેશ્વરની શક્તિપીઠે રામકૃષ્ણે જે યજ્ઞનો એ મહાહુતાશન પ્રગટાવ્યો હતો તેમાંથી અપેક્ષિત દેવની માફક સ્વામી વિવેકાનંદ પ્રગટ થયા હતા. લોકોથી અદૃષ્ટ, દક્ષિણેશ્વરની ગર્ભગુહાની શાંતિમાં અભણ બ્રાહ્મણ પૂજારીના વેશધારી આ યુગાવતારે ભાવિ હિંદના મહાન ઘડવૈયાનું કટકે કટકે સર્જન કર્યું. એટલે એ અનંતને ફોટો ફ્રેમની શાંત મર્યાદામાં જોવાને માટે મારું મન ના પાડે છે; મનવચનની સમજશક્તિની મર્યાદા બહારના તેઓ પુરુષોત્તમ હતા. એ માટે શ્રી રામકૃષ્ણનું કોઈ ચિત્ર મેં રાખ્યું નથી. તેઓ મારા મસ્તિષ્કમાં, મારા હૃદયમાં, મારા ચિંતનમાં અને મારી જાગૃતિમાં અધિષ્ઠિત છે.”

હેમચંદ્રે આગળ ચાલતાં કહ્યું : “પૂજ્ય શ્રીમાનું ચિત્ર મેં શા માટે રાખ્યું છે એ તમે મને ન પૂછ્યું કે? એમની મહત્તાનું માપ કાઢવું અતિ વિકટ હોવાનું હું માનતો હોવા છતાં મેં માનું ચિત્ર રાખ્યું છે. કેમ કે ખુદ ઠાકુરે પોતે સ્વીકાર્યું છે : ‘એ શું સામાન્ય નારી છે? એ મારી શક્તિ છે. એની શક્તિથી જ હું શક્તિમાન છું.’ જુઓ, સ્વામીજી કહેતા કે, પોતાની શક્તિનું મૂળ ઠાકુર છે. જે પોતે વળી એમ કહેતા કે, પોતાની શક્તિનું મૂળ મા છે. એનો અર્થ એ કે સ્વામીજીની શક્તિમાં મૂળનુંય મૂળ માં હતાં એટલે તો, સ્વામીજી ઠાકુર કરતાં તેમને ઊંચેરું સ્થાન આપતા. તમે સૌ આ વાત સારી રીતે જાણો છો. સ્વામીજી એમને સાક્ષાત દુર્ગા દેવી કહેતા. આપણાં શાસ્ત્રોમાં દુર્ગાનું જે ચિત્ર વર્ણવવામાં આવ્યું છે તેની કલ્પના કરતાં માથું ભમી જાય છે અને મા વાસ્તવમાં, રક્તમાંસમય દેહધારી સાક્ષાત્ દુર્ગા હતાં! એટલે પૂજ્ય માની મહત્તા આંકવાનું કાર્ય અકલ્પ્ય છે. છતાંય તે, એમની છબી અહીં મારા મસ્તક ઉપર મેં રાખી છે. શા માટે તે જાણો છો? કારણ કે માને હું ચાહું છું. મારી મા કોણ છે, અને એ કેટલી મહાન છે તે હું જાણતો નથી. વળી, હું એ સમજવા પણ માગતો નથી. હું એટલું જાણું છું કે એ મારી માતા છે અને મને એટલેથી સંતોષ છે.’ .

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી દુષ્યત પંડ્યા

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.