(ગતાંકથી આગળ)

આનુવંશિક્તાનો સિદ્ધાંત

પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો હતો. પણ આનુવંશિકતાના એ સિદ્ધાંતનું બળ તો કેટલીક સાવ સામાન્ય બાબતો જ સમજાવી શકે છે. આધુનિક જીવશાસ્ત્ર, એક પ્રાતિભબુદ્ધિ અથવા એક મંદબુદ્ધિ બાળકના જન્મનું કોઈ સંતોષકારક સમાધાન આપી શકતું નથી. આવા બાળકના જન્મના વિષયમાં એ તો ‘આકસ્મિકતા’ને જ મુખ્ય માની લે છે. જુલિયન હક્સ્લે પોતાના “What Dare I Think’ નામના ગ્રંથમાં લખે છે : “Egg and sperm carry the destiny of generations. The egg realizes one chance combination out of an infinity of possibilities, and it is confronted with millions of pairs of sperms, each one actually different in the combination of cards which it holds. Then comes the final moment in the drama. The marriage of egg and sperm to produce the beginning of a large individual. Here, too, it seems to be entirely a matter of chance which particular union of all the millions of possible unions shall be consummated. One might have produced a genius another moron and so on.” – “આ રજ અને શુક્ર (વીર્ય) અનેક પેઢીઓના ભાગ્યનું વહન કરે છે. આ રજકણો, અનેકાનેક અગણિત સંભાવનાઓમાંથી, આકસ્મિક રીતે કોઈ એક સમવાય તરફ અભિમુખ બને છે અને આમ એ લાખ લાખ શુક્ર-યુગ્મોમાં ઘેરાઈ જાય છે. આમાંનું દરેકે દરેક શુક્રયુગ્મ એકબીજાથી તદ્દન જુદું જ હોય છે. હવે નાટકની એ અંતિમ ક્ષણ ઉપસ્થિત થાય છે કે જ્યારે રજકણ અને શુક્રકણ, એક વિશાળ વ્યક્તિત્વનો પ્રારંભ થાય, એટલા માટે પરસ્પર વિવાહિત થઈને સંમિલિત થાય છે. અહીં પણ આ પૂર્ણ સંયોગની જ વાત છે કે સંભવિત લાખ લાખ જોડામાંથી ક્યું જોડું વિવાહની સાર્થકતા પ્રાપ્ત કરશે! એક યુગલ સંભવત: એક પ્રાતિભબુદ્ધિને જન્મ આપશે, તો બીજું યુગલ કદાચ મંદબુદ્ધિને પણ જન્મ આપશે… વગેરે વગેરે.”

હવે, જૂલિયન હક્સલેની પેઠે આપણે એમ માની લઈએ કે એક પ્રાતિભબુદ્ધિ અથવા મંદબુદ્ધિનો જન્મ, શુક્ર અને રજના માત્ર આકસ્મિક મિલનનું જ પરિણામ છે. તો એ તો આપણા જાણે અનુભવેલ તથ્યનું સાવ જ શિથિલ સ્પષ્ટીકરણ થશે. આનો અર્થ તો જાણે કે એવો થાય છે કે, જૂલિયન કહે છે કે, “એ રહસ્યનું સાચું કારણ હું જાણતો નથી.” જ્યાં બધું જ કાર્ય કારણના નિયમ દ્વારા નિયંત્રિત થયેલું છે એવા આ વિશ્વમાં દરેકે દરેક પોતાની સગી આંખે જોઈ જાણી શકે. આખા સંસારે જેનો અનુભવ કર્યો છે, એવા તથ્યને આકસ્મિકતાનો વાઘો પહેરાવી દેવો, એ તો અસ્તિત્વ અને જીવનના ઊંડાણમાં પ્રવેશ કરવાનું અસામર્થ્ય જ પ્રકટ કરે છે, અને આવી આકસ્મિકતાનો છેડો ઝાલી લેવો, એ તો ભાગ્યવાદના ગુલામ થઈ જવા કરતાંય ઘણી ખરાબ વાત છે.

કર્મસિદ્ધાંત : આનુવંશિક્તાના સિદ્ધાંતથી ઘણો યુક્તિસંગત

કર્મના સિદ્ધાંતમાં, આખા વિશ્વમાં કોઈ પણ ઠેકાણે પૂર્વોક્ત આકસ્મિકતાના અથવા સંયોગને કોઈ જ સ્થાન નથી. કારણ વગર તો કશું જ બની શક્યું નથી. જેવું કારણ હશે, તેવું જ કાર્ય હશે. કાર્ય પોતાના કારણ સાથે સંબંધિત હોય છે. જેના ઉપર પુનર્જન્મનો સિદ્ધાંત ખડો થયો છે, એવો આ કર્મવાદ એ વિશ્વમાં ચાલી રહેલા કાર્યકારણભાવનો નિયમ જ છે. આ માનવીય ધરાતલ પર એ નૈતિક નિયમના રૂપમાં કાર્ય કરે છે. જેવું આપણે વાવીશું, તેવું જ આપણે લણીશું. કોઈપણના જન્મને અને એના વિકાસને પૂરી રીતે પરિતોષ થાય એ રીતે, નથી તો માત્ર આનુવંશિકતા સમજાવી શકતી કે નથી તો માત્ર વાતાવરણ સમજાવી શકતું. એ બન્નેનું મિલન-સંઘટન પણ એ સમજાવી શકે તેમ નથી. વળી, એવું પણ જોવા મળે છે કે સામાન્ય માતા-પિતાથી મંદબુદ્ધિ બાળકનો, અસ્થિર મગજના માતા-પિતાથી માનસિક રીતે સ્વસ્થ બાળકનો તેમ જ ધર્મપ્રેમી માતા-પિતાથી દુષ્ટ બાળકનો જન્મ થાય છે. આવી વિસંગતિઓને કર્મનો નિયમ જ બરાબર રીતે સમજાવી શકે છે. સાચી વાત તો એ છે કે, સંતાનો માતા-પિતા પાસે આવે છે, માતા-પિતા દ્વારા એ ઉત્પન્ન થતાં નથી. વ્યક્તિના જન્મ અને વિકાસમાં આ કર્મનિયમની જ ભૂમિકા મુખ્ય છે, બાકીનું બધું એને માટે ગૌણ છે. ગીતા કહે છે કે, જીવ પોતાને માટે અનુરૂપ માતા-પિતા ચૂંટી લે છે. (૬/૪૩, ૮/૬) વિલક્ષણ પ્રતિભાઓ આનું જ્વલંત ઉદાહરણ છે.

એ તો ચોખ્ખું જ છે કે, આ વિલક્ષણ પ્રતિભાઓ કંઈ આનુવંશિક્તાથી કે વાતાવરણથી અથવા તો એ બંનેના મેળથી પોતાની અસામાન્ય શક્તિઓ પ્રાપ્ત કરતી નથી. એમણે પોતાના પૂવર્જન્મમાં એની સાધના કરી જ હશે. પુનર્જન્મનો સિદ્ધાંત જન્મ અને મૃત્યુના આ ક્રમિક પ્રવાહમાં વ્યક્તિની ઓળખને અકબંધ સાચવી રાખે છે. એકની એક જ વ્યક્તિ ભલે ને જુદાં જુદાં શરીરરૂપી વાઘાઓમાં જોવામાં આવે, પણ દરેકે દરેક વખતે એનું મનોયંત્ર તો એકનું એક જ હોય છે, કે જે શરીરરૂપી વાઘાથી અલગ કરી શકાય છે. એની ઉન્નતિ ખાસ કરીને એના મનના વિકાસ ઉપર આધાર રાખે છે, અને મનનો વિકાસ એનાં કાર્યો અને વિચારોથી ઉત્પન્ન થયેલા સંસ્કારો ઉપર આધાર રાખે છે.

કર્મસંસ્કાર અને વિચારસંસ્કારનું અંતર

આપણે કહી ગયા છીએ કે, કર્મો અને વિચારોના સંસ્કારથી પ્રારબ્ધ બને છે. કર્મ અને વિચારોના સંસ્કારોમાં જે ભેદ-અંતર છે તે અંતર કેવળ માત્રાનું કે તારતમ્યનું અંતર છે. કલ્પના કરો કે, હું કોઈનો દ્રોહ કરું છું. એક સ્થિતિ એ હોઈ શકે કે, હું એને મનમાં ને મનમાં દ્રોહ કર્યા કરું અને મારા વિચારોને કાર્યમાં વ્યક્ત થવા ન દઉં. આવા વિચારોનો એક સંસ્કાર તો અંત:કરણમાં અવશ્ય પડવાનો જ, એટલું તો આપણે સૌ સમજી જ શકીએ છીએ. હવે માની લો કે, હું એની તરફના મારા આ દ્રોહને કાર્યમાં પણ વ્યક્ત કરવા માંડું છું. તો મારી આ ક્રિયા, મારા એ શત્રુ તરફથી પ્રતિક્રિયાને ખેંચી લાવશે. એટલા માટે આ દ્રોહાત્મક ક્રિયાનો સંસ્કાર, પેલા કેવળ વૈચારિક દ્રોહના સંસ્કાર કરતાં વધારે જ પ્રબળ રહેવાનો. બસ, આ બંનેનો આટલો જ ભેદ છે. સંસ્કાર તો વિચાર અને ક્રિયા એ બંનેના પડે જ છે.

ઈશ્વરની કલ્પના : કમ્પ્યુટરના રૂપમાં

કર્મની આ સંસ્કારાત્મક શક્તિમાંથી કોઈ જ બચી શક્યું નથી. હું ઈશ્વરની કલ્પના એક વિરાટ કમ્યુટરયંત્ર સંગણક મંત્રના રૂપમાં કરું છું. એ એટલું તો સેન્સિટિવ-સૂક્ષ્મગ્રાહી છે કે, ભાવનાના સૂક્ષ્મથીય સૂક્ષ્મ સ્પંદનને પણ તરત જ અંકિત કરી લે છે. શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહેતા કે, “ઈશ્વર તો એક કીડીના પગનો અવાજ પણ સાંભળે છે.” કમ્પ્યુટરમાં હિસાબની કોઈ ગડબડ થતી નથી, ભલેને માણસ ભૂલી જાય કે વીસ વરસ પહેલાં એણે કઈ કઈ ક્રિયાઓ કરી હતી અને કેવા કેવા વિચારો કર્યા હતા; પણ ઈશ્વરરૂપી કમ્પ્યુટરને ક્યારેય એની વિસ્મૃતિ થતી નથી. એ તો આ બધાંનો હિસાબ રાખીને હરહંમેશાં તૈયાર જ હોય છે. એમાં વિલંબ કે દીર્ઘસૂત્રતા (delay or procrastination) હોતી જ નથી. એ ઈશ્વર કંઈ આપણી પેઠે કામચોર કે ટોળટપ્પા લગાવ્યા કરવાના સ્વભાવવાળો નથી. હમણાં જ આપણે કોઈ કામ કર્યું કે તરત જ એનો સંસ્કાર ચિત્તમાં જઈને અંકિત થઈ જ ગયો! અને આ કમ્પ્યુટરે પણ તરત જ સરવાળા-બાદબાકી કરીને પોતાનો હિસાબ up-to date ચોખ્ખો ચટ્ટ તૈયાર કરી દીધો સમજો! આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય તો અથવા તો કોઈને નુકસાન કર્યું હોય એનો પણ સંસ્કાર ઝટપટ જ જમા જાય છે, અને કોઈની સેવા-સહાય કરી હોય તો એનો સંસ્કાર પણ ઝટપટ જમા થઈ જાય છે. આવું વિલક્ષણ છે. આ કમ્પ્યુટર! આ ઈશ્વરરૂપી કમ્પ્યુટરનો સાધારણ કમ્પ્યુટર કરતાં ફરક ફક્ત એટલો જ છે કે ઈશ્વરરૂપી કમ્પ્યુટર ચૈતન્ય સ્વરૂપ છે, જ્યારે સાધારણ કમ્પ્યુટર માત્ર જડ છે, ઈશ્વર કમ્પ્યુટરનું કાર્ય અનંત અને અસીમ છે, જ્યારે સાધારણ કમ્પ્યુટરનું કાર્ય સીમિત છે; આ ઈશ્વર કમ્પ્યુટરને છેતરી શકાતું નથી. એના હિસાબમાં તલભાર પણ ફરક પડતો નથી. આપણે ઈશ્વરને ક્યારેક ક્યારેક અન્યાયી કહીને દોષ દઈએ છીએ પણ એનું કારણ આપણી દૃષ્ટિશક્તિ સીમિત છે, એ હોય છે. આ સીમિત દૃષ્ટિશક્તિને આપણે બીજા શબ્દોમાં અજ્ઞાન કહીએ છીએ. પોતાના સામર્થ્ય અને શક્તિનું ખોટું મૂલ્યાંકન પણ અજ્ઞાનની સીમામાં જ આવે છે. એટલે આપણે ટૂંકી-ઓછી દૃષ્ટિવાળા પણ છીએ અને સાથોસાથ પોતાનું ખોટું મૂલ્યાંકન કરવાવાળા પણ છીએ. એટલા માટે આપણે ઈશ્વરની સાચી ધારણા કરી શકતા નથી. એ વિરાટ ઈશ્વર કમ્પ્યુટરના નિરપેક્ષ હિસાબને આપણે સમજી શકતા નથી.

(ક્રમશ:)

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.