સુપ્રસિદ્ધ વિદ્વાન-લેખક શ્રી યશવન્ત શુકલ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World Thinkers on Ramakrishna – Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે. પ્રસ્તુત પુસ્તકનો આ અંશ પ્રખ્યાત ફ્રેંચ મનીષી રોમા રોલાંએ ૧૯૨૬માં શ્રીરામકૃષ્ણદેવના જીવનચરિત્રમાં પ્રસ્તાવનારૂપે લખેલ હતો.

હું એમને (રામકૃષ્ણને) તમારી સમક્ષ રજૂ કરું છું, તે કોઈ નવી કિતાબ તરીકે નહીં, પણ ઘણા જૂના પુસ્તક તરીકે. તમે સૌએ આ પુસ્તકનો મર્મ ઉકેલવા પ્રયાસ તો કર્યો છે (જો કે ઘણા તો મૂળાક્ષર સુધી આવીને જ અટકી ગયા છે). આખરે તો એ એકનું એક જ પુસ્તક છે, પણ તેમાંનું લખાણ બદલાતું રહે છે….

કાયમ તે એકનું એક જ પુસ્તક છે. એમાંથી પ્રગટતો માણસ પણ એકનો એક જ છે – મનુષ્યનો બાળક, અનંત, આપણો પુત્ર, ફરી અવતરેલો આપણો ઈશ્વર, પ્રત્યેક અવતરણે એ પોતાનું રહસ્ય કંઈક વધારે પૂર્ણપણે પ્રગટ કરે છે, આ વિશ્વથી તે વધારે સમૃદ્ધ બન્યો હોય છે.

દેશકાળના ભેદો પ્રતિ દુર્લક્ષ કરીએ તો રામકૃષ્ણ એ આપણા જિસસ ક્રાઈસ્ટના નાના ભાઈ છે.

યુરોપ સમક્ષ હું રજૂ કરું છું નવી પાનખરનું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત. આ સર્વ ઉપર રામકૃષ્ણનું નામ અંકિત થયેલું છે. યુરોપને હજી એની જાણ નથી. આ સંવાદી સંગીત, આપણા પ્રશિષ્ટ સંગીતસ્વામીઓની રાહ મુજબ જ, અતીતમાંથી વહી આવતી સેંકડો જુદી જુદી રાગરાગિણીઓનું બનેલું છે એ સમજાવી શકાય એમ છે (અને એ દર્શાવવામાં અમે પાછી પાની નહીં કરીએ) પણ આ સર્વમાં ટોચ પર વિરાજતી પ્રતિભા આ બધાં તત્ત્વોનું વૈવિધ્ય પોતાનામાં ભરે છે અને તેમને ઉત્તમ સંવાદિતાનું રૂપ બક્ષે છે તેનું જ નામ આખા સંગીતવૃંદને અપાતું હોય છે, જો કે તેમાં પેઢીઓની પેઢીઓનો પરિશ્રમ સંચિત થયેલો હોય છે અને પોતાની વિજ્યમુદ્રાથી એ નવો યુગ અવતારે છે.

જે માણસની મૂર્તિનું હું અત્રે આવાહન કરું છું તે બે હજાર વર્ષના ગાળા ઉપર પથરાયેલા ત્રીસ કરોડ લોકોના આધ્યાત્મિક જીવનનો અર્ક હતો. જો કે એના દેહાવસાનને ચાળીસ વર્ષો વીતી ગયાં છે તથાપિ એનો પુણ્યાત્મા આધુનિક ભારતને સ્પંદિત કરે છે. ગાંધીની માફક એ કર્મવીર નહોતો કે નહોતી એનામાં ગ્યોટે કે ટાગોર જેવી કલા અને ચિંતનની પ્રતિભા. હતો તો એ બંગાળના એક નાના ગામડાનો બ્રાહ્મણ, જેનું બાહ્ય જીવન એના સમયસંદર્ભની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓથી વેગળું એક એવા મર્યાદિત ચોકઠામાં ગોઠવાયું હતું, જેમાં ધ્યાન ખેંચનારા પ્રસંગનો સુદ્ધાં અભાવ હતો, પણ એનું આંતરજીવન અગણિત દેવો અને મનુષ્યોને આવરી લેનારું હતું. જેને વિશે મિથિલાના પ્રાચીન કવિ વિદ્યાપતિએ અને બંગાળના રામપ્રસાદે મન ભરીને ગાયું હતું એવા ઊર્જાસ્રોતના, દિવ્યશક્તિના અંશરૂપ એ જીવન હતું.

પોતાના આદિમ પ્રભવસ્થાન ભણી બહુ ઓછા જતા હોય છે. બંગાળના નાના ખેડૂતે પોતાના હૃદયનો સાદ સાંભળીને આંતર સાગરનો પથે શોધી લીધો. એને એ વર્યો અને એમ કરીને ઉપનિષદનાં વચનોને એણે સાચાં ઠરાવ્યાં :

‘સૌની પહેલાં હું ઉત્પન્ન થયો હતો. સુપ્રકાશિત દેવો કરતાં પણ પ્રાચીન છું. હું અમૃતતત્ત્વની નાભિ છું.’

મારી ઈચ્છા એની નાડીના ધબકારનો અવાજ આતંકપીડિત યુરોપના કાન સુધી પહોંચાડવાની છે. યુરોપે પોતાની નિદ્રાનું ખૂન કર્યું છે. અનંતના રક્તથી મારે એના હોઠ ભીંજવવા છે.

Total Views: 684

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) September 27, 2022 at 11:51 pm - Reply

    જય શ્રીરામકૃષ્ણ સ્વામી. ભારતની અસ્મિતા… ભારતની દિવ્ય દ્રષ્ટિ. ભારતના આધ્યાત્મિક ગુરુ… નત મસ્તક પ્રણામ.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.