એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા, પહોંચી શકશો.” “કેટલે દૂર છે?” મોટર ચાલકે પૂછ્યું. વિદ્યાર્થીએ ભૂગોળનો અભ્યાસ કર્યો હતો. તેણે કહ્યું, “૨૫,૦૦૦ માઇલ દૂર છે.” “અને જો બીજે રસ્તે જઉં તો?” “તો બે માઇલ દૂર છે.” – વિદ્યાર્થીએ જવાબ આપ્યો.

કહેવાનો અર્થ એ કે, પૃથ્વી ગોળ છે એટલે ક્યારેક તો તમે તમારા ગંતવ્ય સ્થાને પહોંચશો જ. આપણે સૌ સંસારના કામકાજમાં એટલા ડૂબેલા રહીએ છીએ કે, આપણને એટલું વિચારવાની પણ ફુરસદ નથી હોતી કે આપણા જીવનનો ઉદ્દેશ્ય શો છે? આપણા જીવનની મોટર પૂરઝડપે હંકારીએ તો છીએ પણ સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહિ તેનો ખ્યાલ નથી રાખતા. દૈનંદિન જીવનમાં ધ્યાનમાં થોડી પળો ગાળવાથી આપણે પોતાના જીવનની દિશાને સમજી શકીશું અને તેને નજર સમક્ષ રાખી શકીશું. સાધકો માટે તો ધ્યાન અત્યંત આવશ્યક છે જ, પણ અન્ય લોકો, કે જેઓ જીવનમાં કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવા માગે છે, અથવા જીવનને ઉદ્દેશહીન રાખીને વેડફી દેવા નથી માગતા તે સૌ માટે પણ ધ્યાનની અત્યંત આવશ્યકતા છે.

એક જાપાની છોકરા વિષેની સુંદર વાર્તા છે. દૂરના એક ગામડામાં એક છોકરો કોઇને ત્યાં નોકર તરીકે રહેતો હતો. એક દિવસ તેના શેઠે નજીકના શહેરમાં જઇને કેટલીક વસ્તુઓ ખરીદવા મોકલ્યો. છોકરો શહેરમાં તો ગયો પણ પોતે ગામડાનો વતની હોઇ, શહેરમાં દાખલ થતાં જ ત્યાંના ભભકાથી, ત્યાંની દુકાનોથી અને ત્યાંનાં અનેક આકર્ષણોથી અંજાઈ ગયો. આ બધી લોભામણી વસ્તુઓ પાછળ તે એક હાટેથી બીજી હાટે ને એક સ્થાનેથી બીજે સ્થાને ભટકતો રહ્યો અને દરેક જગ્યાએ નવાં નવાં દૃશ્યો જોતો રહ્યો અને આવા અનુભવો માણતો રહ્યો. આ બધી ભુલભુલામણીમાં એ શહેરમાં આવવાનો હેતુ જ વીસરી ગયો અને સાંજે શેઠ માટે કશું જ લીધા વિના પાછો ગયો.

“મેં મગાવેલી ચીજ વસ્તુઓ ક્યાં? એના શેઠે જ્યારે પૂછ્યું ત્યારે છોકરાએ ઉત્તર આપ્યો, “ઓહ, એ બધું લેવાનું તો હું ભૂલી ગયો.” આપણી સ્થિતિ આવી જ છે. આપણે આ પૃથ્વી ઉપર આવી સાંસારિક કામકાજોમાં અને આકર્ષણોમાં એટલા ડૂબી જઇએ છીએ કે મનુષ્યરૂપે જન્મ લેવાનો, જીવન ધારણ કરવાનો હેતુ જ ભૂલી જઈએ છીએ. પ્રતિદિન થોડો સમય ધ્યાન કરવાથી, આપણા મનનું વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરવાથી, આપણે આપણાં કાર્યોના હેતુ પ્રત્યે, જીવનના હેતુ પ્રત્યે સચેતન થઇ શકીશું. શ્રી મા શારદાદેવી કહેતાં, “તમારી ફરજ બજાવવા ઉપરાંત જપ, ધ્યાન અને પ્રાર્થના કરવાની પણ ખૂબ જરૂર છે. ઓછામાં ઓછું સવારે અને સાંજે તો એ બધું કરવું જ જોઈએ. આ જાતનો અભ્યાસ એ હોડીના સુકાન જેવો છે. સાંજે પ્રાર્થનામાં બેસતી વખતે આખા દિવસમાં પોતે સારાં કે નરસાં કેવાં કામો કર્યા છે તેનો માણસ વિવેકબુદ્ધિથી વિચાર કરી શકે છે. તમારા કામકાજની સાથોસાથ જો તમે ધ્યાન કરો નહિ, તો પછી તમે શુભ કરી રહ્યા છો કે અશુભ, તેની તમને ખબર કેમ પડે?”

ધ્યાનથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. ‘ધ્યાન, ધર્મ અને સાધના’ નામના પુસ્તકમાં સ્વામી બ્રહ્માનંદજી મહારાજ જણાવે છે, “ધ્યાનથી ફક્ત મનમાં જ શાંતિ આવે છે એવું નથી. તેનાથી શારીરિક લાભ પણ થાય છે. રોગ-દોષ દૂર થઈ જાય છે. શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન વગેરે કરવું જોઈએ.”

પાશ્ચાત્ય દેશોમાં તો ‘ધ્યાનની સ્વાસ્થ્ય પર અસર’ વિષે ઘણી ગવેષણાઓ ચાલી રહી છે. ડોક્ટરોએ પરીક્ષણો કરીને જોયું છે કે, ધ્યાન કરવાથી હૃદયના અનેક પ્રકારના રોગો દૂર થાય છે, બ્લડપ્રેસર સ્વાભાવિક થાય છે, શરીરના અવયવોમાં સામંજસ્ય આવે છે અને માનસિક તણાવ ઓછો થાય છે.

કેટલાક વિચારકો નિયમિત ધ્યાનના અભ્યાસથી દીર્ઘાયુ બનવાની પ્રક્રિયાની વૈજ્ઞાનિક સમજ આપે છે. મૃત્યુ એ દરેક જીવ માટેની એક પ્રકારની સમતુલન સ્થિતિ (equilibrium state) છે, જ્યારે એન્ટ્રોપી (entropy) વધુમાં વધુ હોય છે. થર્મોડાયનેમિક્સ (Thermodynamics)ના બીજા નિયમ પ્રમાણે કોઈ પણ અરૂપાંતરિત તંત્ર (irreversible system)માં એન્ટ્રોપી ત્યાં સુધી વધતી રહે છે જ્યાં સુધી એ તંત્ર સમતુલન સ્થિતિ (equilibrium state) પર પહોંચી ન જાય. કોઈ પણ તંત્રમાં અવ્યવસ્થા (disorder)નું પ્રમાણ દર્શાવે છે. જો આપણે એન્ટ્રોપીની વધતી ગતિને ધીમી કરી શકીએ તો સમતુલન સ્થિતિને પાછળ ધકેલી શકીએ. તેવી જ રીતે, આપણા જીવનમાં વધતા જતા તણાવોને જો ઓછા કરી શકીએ તો આપણા જીવનની સમતુલન સ્થિતિ- એટલે કે મૃત્યુને પાછળ ધકેલી શકીએ. ધ્યાન માનસિક તણાવોને ઓછા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને મૃત્યુને પાછળ ધકેલે છે.

ધ્યાન દ્વારા મનના ઊંડાણમાં ડોકિયું કરવું શક્ય બને છે. કોઈ પણ પ્રતિરોધ વગર, ઘર્ષણ વગર, મન જ્યારે સાથીરૂપે ધ્યાન કરે છે; વિચારોનું, વૃત્તિઓનું અધ્યયન કરે છે ત્યારે અવચેતન મનમાં રહેલ વૃત્તિઓની સાચી સમજણ આવે છે અને મન પ્રગાઢ પ્રશાંતિ પ્રાપ્ત કરે છે. ત્યારે જ તેને માટે અનંતને પામવું શક્ય બને છે. વિચારકોએ આની સરખામણી આધુનિક ભૌતિક વિજ્ઞાનનાં તથ્યો સાથે કરવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રવાહી હીલીયમ (liquified helium)ને જ્યારે ૨.૧° એબ્સોલ્યુટ તાપક્રમ સુધી ઠંડું કરવામાં આવે છે ત્યારે આશ્ચર્યજનક રીતે તેનો પ્રવાહ એકદમ ઘર્ષણવિહીન, થઈ જાય છે; અને આમ થવાથી, સાધારણ પ્રવાહી કે વાયુ જેમાંથી પસાર ન થઈ શકે તેવાં અત્યંત નાનાં છિદ્રોમાંથી પણ પ્રવાહી હીલીયમ પસાર થઈ શકે છે. આ ગુણધર્મને સુપરફ્લુયીડીટી (Superfluidity) કહેવાય છે. જસત, પારો, ટીટેનીયમ, સીસું, ટીન જેવી ધાતુઓનું તાપમાન જ્યારે ૦ K જેટલું ઓછું કરવામાં આવે છે, ત્યારે તેમાંથી વિદ્યુતપ્રવાહ કોઈ પણ અવરોધ વગર પસાર થઈ શકે છે. ધાતુઓના આ ગુણધર્મને સુપરકન્ડક્ટીવીટી (Superconductivity) કહેવાય છે. સુપરફ્લુયીડીટી અને સુપરકન્ડક્ટીવીટી મનની ઘર્ષણવિહીન અને અવરોધવિહીન અવસ્થા સાથે અદ્ભુત સામ્ય ધરાવે છે. વળી, તેમ ધાતુઓના આ બંને ગુણધર્મો એક ડિગ્રી સેન્ટીગ્રેડના સોમા ભાગમાં બદલી જાય છે તેવી રીતે અવરોધવાળી સ્થિતિમાંથી મન જ્યારે અવરોધવિહીન સ્થિતિમાં પહોંચે ત્યારે મનના ગુણધર્મો પણ બદલાઈ જાય છે. ધ્યાન કાયમ ઘર્ષણ અને અવરોધો સહન કરતા મનને ઘર્ષણવિહીન અને અવરોધવિહીન સ્થિતિમાં લઈ જાય છે. આવી સ્થિતિમાં મનના પ્રસ્થાનને મનનો કવોન્ટમ જમ્પ (Quantum Jump) કરી શકાય અને એ જાણે કે મનનું ચેતનાવસ્થામાંથી અતિચેતનાવસ્થામાં જવા જેવું છે. મન જ્યારે આ સંપૂર્ણ સઘન (absolate) સ્થિતિમાં પહોંચે ત્યારે સમય, સ્થાન અને કારણ (Time, Space and Causation)થી વિલગ થઈ અનંતને આંબી જાય છે, અને પરમ સત્યનો સાક્ષાત્કાર કરે છે, શાશ્વત શાંતિ પામે છે. અલબત્ત, ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા, સમાધિની અવસ્થાની વાત છે. પણ ધ્યાનનો થોડોઘણો પણ નિયમિત અભ્યાસ અવચેતન મનની બાધાઓને ધીરે ધીરે દૂર કરી પરમ શાંતિ મેળવવાની પ્રક્રિયામાં સહાયભૂત થાય છે.

(ક્રમશ:)

Total Views: 1,020

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) September 18, 2022 at 4:46 pm - Reply

    એકાગ્રતા અને ધ્યાન વિશે ખૂબ સુંદર માહિતી સાંપડી. શરીરની સ્થિરતા અને તંદુરસ્તી માટે ઘ્યાન અતિ મહત્વનું પુરવાર થયું છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.