ધર્મ આપણી પ્રજાનું જીવન છે અને તેને આપણે મજબૂત કરવો જ જોઈએ. તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી એ છે, એની ખાતર બીજા બધાનો તમે ભોગ આપ્યો એ છે. તમારા પૂર્વજોએ સર્વકાંઈ બહાદુરીથી વેઠી લીધું. મૃત્યુ સુધ્ધાંને ભેટ્યા પરંતુ પોતાના ધર્મને તેમણે જાળવી રાખ્યો. પરદેશી વિજેતાએ અનેક મંદિરો તોડી નાખ્યાં, પરંતુ જેવું એ વિનાશનું મોજું પસાર થઈ ગયું કે તરત જ મંદિરનું શિખર પાછું ઊંચું આવી ગયું. દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શિખવશે. ઢગલા બંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતિહાસમાં તમને એ વધુ ઊંડી દૃષ્ટિ આપશે. જુઓ તો ખરા કે નિરંતર તોડીફોડીને સાવ ખંડિયેર જેવાં કરી નાખવામાં આવતાં, અને નિરંતર ખંડિયેરોમાંથી પાછાં બંધાઈને ઊભાં થતાં, પુનર્જીવન પામેલાં અને પૂર્વનાં જેવાં સદા મજબૂત આ મંદિરો કેવા સેંકડો હુમલાઓનાં અને સેંકડો પુનરુત્થાનનાં ચિહ્નો ધારણ કરી રહેલાં છે! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ, એનું અનુસરણ કરો તો એ તમને કીર્તિને પંથે લઈ જશે; એનો ત્યાગ કરો તો તમારો વિનાશ છે. જે ઘડીએ તમે એ જીવનપ્રવાહને ઉવેખીને ડગલું ભર્યું, તે જ ક્ષણે એકમાત્ર પરિણામ મૃત્યુ આવવાનું; એકમાત્ર ફળ સર્વનાશ જ મળવાનો.

મારો કહેવાનો અર્થ એવો નથી કે બીજી બાબતો જરૂરની નથી; હું એમ કહેવા નથી માગતો કે રાજકીય કે સામાજિક સુધારા જરૂરના નથી; પણ હું જે કહેવા માગું છું તે આ છે, અને તમારે તે ખસૂસ ધ્યાનમાં રાખવાનું છે કે એ બધાં અહીં ભારતમાં ગૌણ છે અને ધર્મ મુખ્ય છે. ભારતીય માનસ મુખ્યત્વે ધાર્મિક છે; બીજું બધું એને ગૌણ છે. તેથી એને મજબૂત બનાવવાનું છે એ કેવી રીતે કરવું? હું તમારી પાસે મારા વિચારો રજૂ કરીશ.

મારો વિચાર એવો છે કે સૌ પ્રથમ તો આપણાં જે આધ્યાત્મિક રત્નો આપણા ગ્રંથોમાં સંગ્રહાયેલાં, એક અલ્પસંખ્ય લોકોના કબજામાં, મઠોમાં ને અરણ્યોમાં જાણે કે સંતાડાયેલાં પડ્યાં છે, તેમને આપણે બહાર લાવવા અને તેમાં સંગ્રહેલું જ્ઞાન બહાર કાઢવું; એ રત્નો માત્ર જ્યાં એ છુપાયેલાં પડ્યાં છે તેમના હાથમાંથી બહાર લાવવાં એટલું જ નહીં, પરતું એથીયે આગળ વધી અગમ્ય ભંડારોમાંથી જે ભાષામાં એ સચવાઈને પડ્યાં છે તેમાંથી, સૈકાઓ થયાં સંસ્કૃત શબ્દોના જ્યાં પોપડા પર પોપડાઓ બાઝી ગયેલા છે તેમાંથી તેમને બહાર કાઢવાં. એક વાક્યમાં કહું તો, હું તેમને લોકો માટે સુગમ બનાવવા માગું છું આ વિચારોને બહાર લાવીને તે સર્વ જનતાની, ભારતમાંની દરેકેદરેક વ્યક્તિની એ સામાન્ય સંપત્તિ બને એમ હું ઈચ્છું છું, પછી એ સંસ્કૃત જાણતો હોય કે ન જાણતો હોય.

– સ્વામી વિવેકાનંદ

(‘ભારતમાં આપેલાં ભાષણો’, પૃ. સં. ૧૬૨-૧૬૩)

Total Views: 717

2 Comments

  1. કિશોરભાઈ મૂળિયા September 25, 2022 at 6:59 am - Reply

    ધર્મ મુખ્ય છે બાકી બધું ગૌણ છે માટે ધર્મની રક્ષા માટે હંમેશા આપણે સૌએ તત્પર રહેવું જોઈએ આપણા જીવનમાં ધર્મની પહેલુ સ્થાન આપી અને જીવન વ્યવહાર કરવો જોઈએ મહાપુરુષના વચનોનું પાલન કરવું જોઈએ અને તે મુજબ ભારતનો વિકાસ થાય એ જ મહત્વનું છે

  2. પરથીભાઈ ચૌધરી,"રાજ" September 15, 2022 at 6:33 pm - Reply

    સ્વામી વિવેકાનંદે ભૂતકાળમાં આપેલાં વ્યકવ્યો આજેય જીવંત છે. ભારતની સંસ્કૃતિ અને અસ્મિતા ઉપર આફત આવે છે ત્યારે જ પ્રજાનું ખૂન ઉકળે છે. અલ્પ સંખ્યક લોકોએ અસંખ્ય હિંદુ મંદિરો પર હુમલા કરીને તોડફોડ કરી, છતાંય પુનઃ નિર્માણ પામ્યાં છે. શું આ ભારતની ઋષિ સંસ્કૃતિની દેન નથી?
    આ લેખ દ્વારા જાણવા મળે છે કે પ્રજાએ રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવાની આવશ્યકતા છે.
    – પરથીભાઈ ચૌધરી,”રાજ”

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.