(ગતાંકથી આગળ)

૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ તેમને પૂછ્યું, “મન તો કોઈ પણ રીતે શાંત થતું નથી. શું કરવું?” મહારાજે ઉત્તરમાં કહ્યું, “મન તો બાળકના જેવું ચંચળ છે, નિરંતર અહીંતહીં ભાગતું રહે છે. તેને વારંવાર ખેંચીને ઈષ્ટના ધ્યાનમાં લગાડવું જોઈએ. પહેલાં પહેલાં તો જપધ્યાન નીરસ જ લાગે છે. પરંતુ દવાના સેવનની જેમ મનને પરાણે ઈષ્ટ ચિંતનમાં ડુબાડેલું રાખવું જોઈએ. ત્યાર પછી ધીમે ધીમે આનંદનો અનુભવ થશે. પરીક્ષામાં સફળ થવા લોકો કેટલી બધી મહેનત કરે છે! પરંતુ એની સરખામણીમાં પ્રભુપ્રાપ્તિ તો ઘણી વધારે સહેલાઈથી થઈ શકે છે?

આ ઉત્તર સાંભળી જિજ્ઞાસુના અંતરમાં આશાનો સંચાર થયો. તેણે કહ્યું, ‘આ તો ઘણી આશાજનક વાત છે. જ્યારે પરીક્ષામાં સફળ થઈ ગયો તો હવે પ્રયત્ન કરવાથી ભગવાન પ્રાપ્તિ કેમ નહીં કરી શકું? ક્યારેક ક્યારેક ઘોર નિરાશા આવી જાય છે. એવું લાગે છે કે, આટલા જપ કરવા છતાં પણ જ્યારે કંઈ જ અનુભવ થતો નથી તો આ બધું વ્યર્થ છે?’ મહારાજે ઉત્સાહ આપતાં કહ્યું, ‘ના, ના, નિરાશ થવાની કોઈ જરૂર નથી. કર્મનું ફળ તો ચોક્કસ મળે જ છે. પરાણે કરો કે ભક્તિપૂર્વક કરો. થોડા સમય સુધી નિયમિત અભ્યાસ કરો. ધ્યાનથી ફક્ત મનમાં જ શાંતિ આવે છે એવું નથી. તેનાથી શારીરિક લાભ પણ થાય છે. રોગ-દોગ દૂર થઈ જાય છે. શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન વગેરે કરવું જોઈએ.’

કોઈ કોઈને મનમાં સંશય ઉત્પન્ન થાય છે, કે ધ્યાનને શારીરિક સ્વાસ્થ્ય સાથે શો સંબંધ? પણ આધુનિક ચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે, શરીર અને મનનો ગાઢ સંબંધ છે. મનની અવસ્થાનો પ્રભાવ શરીર પર પણ પડે છે. આ વિષે રાલ્ફ વાલ્ડો ટ્રોઈને પોતાનાં પુસ્તક ‘ઈન ટ્યુન વિથ ધી ઈન્ફિનિટ’માં રસપ્રદ ચર્ચા કરી છે.

એક સમયે પ્લેગની દેવી જતી હતી. તેને એક પૂર્વ દેશવાસી મુસાફરે પૂછ્યું, ‘તમે ક્યાં અને કેમ જાઓ છો?’ દેવીએ કહ્યું. “પાંચ હજાર માણસોને મારવા હું બગદાદ જાઉં છું.” થોડા દિવસ પછી તે દેવી પાછી વળતાં મુસાફરને મળી, ત્યારે મુસાફરે કહ્યું, “તું તો કહેતી હતી કે, પાંચ હજાર મનુષ્યને મારીશ, પણ તેં તો ૫૦ હજાર મનુષ્યોને માર્યા!” પ્લેગની દેવીએ કહ્યું, “મેં તો તને કહેલું તેમ પાંચ જ હજાર માર્યાં છે અને બીજા તો નાહક ભયથી જ મરી ગયા છે.” ભય અને ચિંતાથી શરીરમાં જીવનપ્રવાહને વહેવાના માર્ગો સંકોચાઈ જાય છે અને તેથી શરીરમાં પ્રાણશક્તિ બહુ જ ધીમેથી વહેવા લાગે છે. ધ્યાન દ્વારા, આશા અને શાંતિનો સંચાર દ્વારા જીવનપ્રવાહના માર્ગો શરીરમાં વધારે વિકસિત-ખુલ્લા થાય છે, ત્યારે શરીરમાં પ્રાણશક્તિ વેગથી કૂદકા મારતી વહેવા લાગે છે, જેથી શરીરમાં રોગને સ્થાન મળી શક્યું નથી.

એક સ્ત્રીને સંધિવાનો રોગ હતો. કેમેય કર્યે મટે નહિ. નછૂટકે તે એક મનોવૈજ્ઞાનિક પાસે આવી. મનોવૈજ્ઞાનિકે વ્યાધિનાં ચિહ્નો અને અન્ય વિગતો ધ્યાનથી સાંભળી. તેને ખબર પડી ગઈ કે, રોગનું મૂળ હતું – તેની અને તેની બહેનની વચ્ચેનો અણબનાવ. તેણે માયાળુ અવાજથી પેલી સ્ત્રીને કહ્યું, ‘તમારી બહેનને માફી આપો.’ તે સ્ત્રીએ તેની તરફ જોઈ કહ્યું, “મારી બહેનને માફી આપી શકું નહિ” ત્યારે મનોવૈજ્ઞાનિકે પણ દૃઢતાથી જવાબ આપ્યો, “ત્યારે તો તમે પણ તમારાં આંગળાંની આ અકડતા અને સંધિવા વગેરે ભોગવ્યા જ કરો.”

થોડાં અઠવાડિયા પછી તે સ્ત્રી પેલા મનોવૈજ્ઞાનિક પાસે આવીને કહેવા લાગી, “તમારી સલાહ પ્રમાણે ચાલીને મેં મારી બહેનને હૃદયથી ક્ષમા આપી, તેથી અમારી વચ્ચે ફરીથી સ્નેહથી સાંકળ જોડાઈ ગઈ છે. કોણ જાણે શા કારણથી પણ જ્યારથી અમે એકબીજાને ફરીથી ચાહવાનો આરંભ કર્યો, ત્યારથી મારા વ્યાધિનાં ચિહ્નો ધીમેધીમે ઘટવા લાગ્યાં અને આજે તો તેનું નામનિશાન પણ નથી!”

એક વાર એક માતાના મનમાં ક્રોધનો ઊભરો આવવાથી તેનું બાળક ધાવ્યા પછી કલાકમાં જ મરી ગયું. કારણ કે તે માતાનું દૂધ ક્રોધના ઝેરી પરમાણુઓથી ઝેરી બની ગયું હતું. કેટલાક દાખલાઓમાં માતાના ક્રોધને લીધે તેનું ધાવણું બાળક ભારે મંદવાડમાં પડ્યું હતું અથવા તો તેને આંચકી આવી હતી.

કેટલાક વિજ્ઞાનશાસ્ત્રીઓએ એક પ્રયોગ અનેક વાર અજમાવ્યો. કેટલાક મનુષ્યોને એક ગરમ ઓરડીમાં બેસાડવામાં આવ્યા હતા. એમાં કોઈ ક્રોધી હતો તો કોઈ વિષયી હતો. ગરમીથી સર્વેને પરસેવો થયા પછી વૈજ્ઞાનિકોએ દરેકના શરીર પરથી પરસેવાનું એક એક ટીપું લીધું અને રાસાયણિક પ્રયોગથી તેનું પૃથક્કરણ કરી જોઈ તે જ વખતે તારણ કાઢી આપ્યું કે, અમુક અમુક મનુષ્યમાં કઈ કઈ લાગણી પ્રબળ હતી! મનુષ્યોનાં થૂંક તપાસીને પણ તેઓ આ પ્રમાણે કરી શકતા.

ઘોડાઓ કેળવવામાં નિપુણ રેરી સાહેબના કહેવા અનુસાર “ક્રોધભર્યા શબ્દથી ઘોડા પર એટલી બધી અસર થાય છે કે, જેથી તેની નાડીના ધબકારામાં એક મિનિટે દસનો વધારો થાય છે.” કોધથી પશુઓ ઉપર પણ જો આટલી અસર થાય, તો મનુષ્યો અને કોમળ સ્વભાવનાં બાળકો પર તેની કેટલી અસર થતી હશે!

એક પ્રખ્યાત અમેરિકન ડૉક્ટર, જેણે મનુષ્યોનાં બંધારણ વગેરેનો સારો અભ્યાસ કર્યો છે, તે જણાવે છે – “મન એ જ શરીરનો સ્વાભાવિક રચનાર છે. કોઈ પણ આકાર, રોગ અથવા દુર્વ્યસનની કલ્પના પ્રથમ જ્યારે મનમાં થાય છે, ત્યારે તેનું માનસિક ચિત્ર ખડું થાય છે અને પછી એ ચિત્રની જ અસર શરીર પર થવા લાગે છે. ક્રોધથી થૂંકમાં એટલો ફેર પડી જાય છે કે, તે થૂંક વિષરૂપ પણ બની જાય છે. એકાએક થઈ આવતી પ્રબળ લાગણીઓની અસર એટલી બધી થાય છે કે, ઘણી વાર તેથી હૃદયને ભારે ધક્કો લાગે છે અને કેટલીક વાર તો હૃદયનું ધબકવું સદા માટે બંધ થઇ જઇ મનુષ્ય મરણ પામે છે. લાગણીઓના સખત આવેશથી મનુષ્યો ગાંડા થઇ જવાના દાખલા પણ મોજૂદ છે. વિજ્ઞાનશાસ્ત્રીઓએ કેટલાક પ્રયોગો કરી સિદ્ધ કર્યું છે કે, સામાન્ય મનુષ્યના પરસેવામાં અને અપરાધ કરવાથી જેનું કાળજું ધડકી રહ્યું હોય તેવા અપરાધી મનુષ્યના પરસેવામાં બહુ જ ફેર હોય છે.”

“શું કેવળ આંતરશક્તિ પ્રયોગથી રોગીષ્ઠ શરીરને નીરોગી સ્થિતિમાં લાવી શકાય?” આ પ્રશ્નના ઉત્તરમાં રાલ્ફ વાલ્ડો જણાવે છે, “જરૂર લાવી શકાય અને તે સ્થિતિમાં લાવવાનો સ્વાભાવિક માર્ગ પણ એ જ છે. અમુક દવાઓ, ઔષધો કે બાહ્યોપચાર જ એ તો બનાવટી માર્ગ છે. જીવનશક્તિના સ્થૂળ માર્ગમાં જે કંઈ અડચણરૂપ હોય, તેને દૂર કરવું એટલું કાર્ય દવાઓ તો કરી શકે. બાકી, શરીરના વ્યાધિ મટાડવાનું ખરેખરું કામ તો આંતરશક્તિઓ જ કરે છે.” એક પ્રખ્યાત સર્જને આ વિશે પોતાનો નીડર મત આપતાં કહ્યું હતું – “શરીરને પોષણ આપનારું ખરું તત્ત્વ જે જીવનશક્તિ છે તેનો ઘણા સૈકાઓથી વૈદકશાસ્ત્રમાં બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી અને મન ઉપર જડ વસ્તુની શી અસર થાય છે તે ઉપર જ બધા ડૉક્ટરનું ધ્યાન કેન્દ્રિત થાય છે અને ઉપાયો પણ તેને અનુસરીને જ શોધવામાં આવ્યા છે. આનું પરિણામ એ આવ્યું કે, ડોક્ટરો સમયની સાથે પ્રગતિ કરી શકતા નથી અને તેથી શરીરના રોગો દૂર કરવામાં મન કેટલો અગત્યનો ભાગ ભજવે છે, તેનો વિચાર તો માત્ર બીજરૂપે જ કોઇ કોઇ સ્થળે જોવામાં આવે છે. પરંતુ હવે આ વીસમી સદીમાં કુદરતી ગુપ્ત શક્તિઓ શોધવા અને તેનો ઉપયોગ કરવા મનુષ્યજાતિનો આગળ વધેલો ભાગ દોરવાતો જાય છે. ડૉક્ટરોને પણ હવે માનસશાસ્ત્રનો અભ્યાસ કરવાની અને શરીર પર મનની થતી અસરનો સવાલ સૂક્ષ્મ રીતે તપાસવાની જરૂર જણાતી લાગે છે. આ બાબતમાં હવે જરા પણ ઢીલ, શંકા કે આનાકાની કરવા જેવું રહ્યું નથી. હવે તો જે પાછળ રહી ગયો, તે મર્યો જ સમજવો. કારણ કે મનુષ્યજાતિ હવે પ્રગતિના આ માર્ગમાં પણ દાખલ થઈ ચૂકી છે.”

(ક્રમશ:)

Total Views: 220

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.