રામકૃષ્ણ મિશનના વિશાખાપટ્ટનમ કેન્દ્રના નવનિર્મિત શ્રી રામકૃષ્ણ મંદિર સમર્પણ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે આ વર્ષે ૩૦મી જાન્યુઆરીએ જે પ્રવચન આપ્યું હતું તેનું ભાષાંતર વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

આ મંદિર ખરેખર સુંદર છે. તે એક સુંદર વિસ્તારની વચ્ચે આવેલ છે. આ વિસ્તારને એક વિશાળ મંદિરની લાંબા સમયથી ભૂખ હતી. જ્યારે શ્રી રામકૃષ્ણ મિશનની શરૂઆત ૧૯૩૮માં અહીં કરવામાં આવી ત્યારે વિશાખાપટ્ટનમ એક નાનું ગામ હતું. જો કે એ દિવસોમાં પણ એ કેળવણી અને સંસ્કારનું એક ધામ હતું. અત્યારે વિશાખાપટ્ટનમ એક ઝડપથી વિકસતું શહેર છે. તે એક મોટું બંદર અને નૌકાછાવણી બની ગયું છે. મોટા ઉદ્યોગો અહીં વિકસી રહ્યા છે. નિશાળો, મહાવિદ્યાલયો, દફતરો અને હોટેલો ઠેર ઠેર જોવા મળે છે. વસતિમાં પણ સારો એવો વધારો થયો છે. આ બધાથી અહીંનું સામાજિક તેમ જ સાંસ્કૃતિક ચિત્ર જુદું જ બની રહ્યું છે. આમ હોવાથી શ્રીરામકૃષ્ણ મિશને અહીં ઘણા નવા પડકારો ઝીલવા કમર કસવી પડશે.

રામકૃષ્ણ મિશનનું નામ ઘણી ઘણી જગ્યાઓ, જેવી કે દવાખાનાં, નિશાળો, છાત્રાલયો અને આફતના સમયમાં રાહતકાર્યની પ્રવૃત્તિઓ સાથે હંમેશાં જોડાયેલું છે. પરંતુ આપને યાદ આપતાં આનંદ થાય છે કે, તે માત્ર એક સામાજિક સેવાની સંસ્થા નથી. પ્રાથમિક રીતે જોતાં તે એક આધ્યાત્મિક સંસ્થા છે. ભવિષ્યમાં આધ્યાત્મિક પાસાંને વધુ અગત્ય આપવાની આ મિશનની નેમ છે. શહેરીકરણ અને ઉદ્યોગીકરણથી મધ્યમ વર્ગની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળે છે. આ વર્ગના લોકોને ભૌતિક મદદની જરૂર નથી. તેઓને આધ્યાત્મિક તૃપ્તિની તલાશ છે. મારા ધારવા પ્રમાણે મધ્યમ વર્ગના લોકોની આ પ્રકારની જરૂરિયાત સંતોષવા પરત્વે વધુ ધ્યાન આપવાનો સમય હવે પાકી ગયો છે.

દુનિયા અત્યારે ઈતિહાસના એક કટોકટીના કાળમાંથી પસાર થઈ રહી છે. મનુષ્યના સામાજિક સંબંધો ખૂબ જ ગૂંચવાડાભરેલા બની ગયા છે. દુનિયાના ખૂણે ખૂણે મહાન સામાજિક અને રાજકીય પરિવર્તન જોવા મળે છે. આમાંનાં ઘણાં પરિવર્તનો બેશક સારાં અને અનિવાર્ય લાગે છે. પરંતુ મહદ્ અંશે તો આમાંનાં ઘણાં પરિવર્તનોની સમાજ પર અનિચ્છનીય અસરો જોવા મળે છે. અત્યાર સુધી તો લોકો સમક્ષ ધ્યેયપ્રાપ્તિનો ખ્યાલ સ્પષ્ટ હતો અને તે કરવા અંગે તેઓ આશાવાદી પણ હતા. ધ્યેયપ્રાપ્તિની પ્રક્રિયાને ટેકારૂપ સમાજ પાસે કેટલીક પ્રણાલિકાઓ અને મૂલ્યો હતાં. પરંતુ અત્યારે ભવિષ્ય અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. મૂલ્યો અને આદર્શોનો એક મોટો ગૂંચવાડો જોવા મળે છે. આપણા ભારત દેશની જ વાત કરીએ તો, આ દેશમાં સમાજનું નિયંત્રણ નાતજાતના કઠોર માળખાથી થતું હતું. અત્યારે પણ નાતજાતનાં બંધનો સંપૂર્ણપણે અદૃશ્ય થયાં નથી. સમાજનાં સારાં પાસાંનો લોપ થયો છે, જ્યારે દૂષિત પાસાંનું અસ્તિત્વ જોવા મળે જ છે. અયોધ્યામાં બનેલ તાજેતરના બનાવોએ બતાવી આપ્યું છે કે ધાર્મિક ઘર્ષણો વધુ ને વધુ વિસ્તૃત અને સંગઠિત બનતાં જાય છે. છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન દેશની અખંડિતતા અંગે ગંભીર સમસ્યા બની ગયેલ છે. આતંકવાદ એ દેશની સમક્ષ અત્યારની એક ખૂબ જ ભયંકર સમસ્યા છે. અત્યારે લોકો સિદ્ધાંતો અને આદર્શો માટે લડતા નથી, પરંતુ એકબીજાને મારવા માટે લડે છે. માનવજીવનમાંથી મૂલ્યો અને પવિત્રતા અદૃશ્ય થઈ રહ્યાં છે. આ બધા ઉપરાંત દારૂ અને અન્ય કેફી દ્રવ્યોની બૂરી લત આપણા દેશનાં મોટાં શહેરોમાં વસતા યુવાનોને વળગી છે.

આવા સંજોગોમાં આપણે શું કરવું રહ્યું? આપણને અત્યારે એવા પ્રકાશ અને એવી શક્તિની જરૂર છે, જે ધ્યેયમાં કદી બાધારૂપ ન બની રહે. હું મક્કમ રીતે માનું છું કે, ભગવાન શ્રીરામકૃષ્ણ જ એવી એકમાત્ર શક્તિ છે. સ્વામી વિવેકાનંદજીએ તેઓને નવા યુગના અવતાર ગણાવ્યા છે. “जृम्भित युग ईश्वरः।”

ભારતનો ધાર્મિક ઈતિહાસ એ જ એનો સાચો ઈતિહાસ છે. આ ઈતિહાસ ઘણા આરોહ અવરોહથી સભર છે. પરંતુ જ્યારે જ્યારે ધર્મનું પતન થયું ત્યારે ત્યારે કોઈ મહાન દેવી શક્તિનો માનવ દેહે પ્રાદુર્ભાવ થયો અને તેઓએ ધાર્મિક સભાનતાને ઉચ્ચ કોટીએ લાવી મૂકી. સ્વામીશ્રી વિવેકાનંદજીનો દૃઢ અભિપ્રાય હતો કે, શ્રીરામકૃષ્ણ માનવજાતમાં દેવી જાગૃતિ લાવનારાઓમાં છેલ્લા હતા. સ્વામીશ્રી વિવેકાનંદજી તેઓને ભારતના રાષ્ટ્રીય આદર્શ ગણતા. સ્વામીશ્રીએ કહ્યું કે, ‘કોઈ દેશના ઉત્થાન માટે તેને એક ઉચ્ચ આદર્શની આવશ્યક્તા છે. અન્ય કોઈ વ્યક્તિઓ આપણો આદર્શ બની ન શકે. કારણ કે તેઓનો સમય પૂરો થઈ ગયો છે. વેદાંતને પ્રમાણ ગણીએ તો એક એવી વ્યક્તિનો પ્રાદુર્ભાવ થવો જોઈએ કે જેને આજની પેઢી પ્રત્યે સહાનુભૂતિ હોય. આ જરૂરિયાતની તૃપ્તિ આપણે શ્રીરામકૃષ્ણમાં જ અનુભવીએ છીએ. તેથી હવે આપણે બધાએ તેઓશ્રીને જ બીજા બધાથી ઉપર ગણવા જોઈએ. કોઈ તેઓને સાધુ ગણે કે અવતાર ગણે. તેનાથી કંઈ ફેર પડવાનો નથી.’

એક પત્રમાં સ્વામીજીએ લખ્યું છે કે, ‘શ્રીરામકૃષ્ણનો જન્મદિન એ જ અર્વાચીન ભારતનો અને સુવર્ણ યુગનો જન્મદિન છે.’ આપ એમ ધારો છો કે, સ્વામીજીએ ઉપરના શબ્દો ગુરુ તરફનો પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરવા જ ઉચ્ચાર્યા છે? સ્વામીજીએ ઉપર્યુક્ત વિધાનો વર્ષોની કસોટી, વિચારણા અને અનુભવના આધારે કરેલાં છે. આપણે તેમના શબ્દોમાં શ્રદ્ધા રાખવી જોઈએ. આપણે તેઓની શિખામણને અનુસરવી જોઈએ. ઉપર્યુક્ત પત્રમાં સ્વામીજી આગળ ચાલતાં કહે છે કે, ‘અને તમે બધા આવો સુવર્ણયુગ લાવનારા પ્રતિનિધિઓ છો. આવી દૃઢ માન્યતા સાથે કામ કરો.’ બીજા એક પત્રમાં સ્વામીજી જણાવે છે કે, “શ્રીરામકૃષ્ણના ઉપદેશનો ફેલાવો કરો. જે પ્યાલાથી તમારી તરસ તૃપ્ત થઈ છે તે બીજાને આપો.’

આપણને શ્રીરામકૃષ્ણની ઉદ્ધારક શક્તિમાં વિશ્વાસ હોવો જોઈએ અને આજુબાજુની ધાંધલધમાલથી જરા પણ વ્યથિત થવું ન જોઈએ. શ્રીરામકૃષ્ણ જેવી મહાન પ્રતિભાનો જન્મ કોઈ આકસ્મિક ઘટના ન ગણાવી શકાય. એ બનાવની મહાન ઐતિહાસિક અગત્ય છે. એ બનાવ વિસ્તૃત દૈવી યોજનાનો એક ભાગ છે. જો તેમને આપણે ધ્રુવના તારા સમાન ગણીએ તો અત્યારના સતત પરિવર્તનશીલ અને ગૂંચવાડાયુક્ત સમાજમાં પણ શાંતિ અને સ્થિરતાનો એહસાસ અનુભવી શકાય. હકીકતમાં આમ જ બનતું રહે છે. શ્રીરામકૃષ્ણને મધ્યબિંદુ ગણીને, એક નવી જ સામૂહિક સભાનતા વિકસી રહી છે. એક નવું જ આંદોલન ફેલાઈ રહ્યું છે. પરિણામે એક નવો જ આધ્યાત્મિક સમાજ અસ્તિત્વમાં આવ્યો છે. તમે અને હું, જે કોઈ અહીં ભેગા મળ્યા છીએ તે આ નવા સમાજનો એક ભાગ છીએ. વિખ્યાત અંગ્રેજ ઇતિહાસકાર આરનોલ્ડ ટૉયમ્બી દર્શાવે છે કે, ‘બધાં મહાન સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તનોની શરૂઆત લોકોના નાના સમૂહોમાંથી જ થઈ છે. એવા લોકોને ‘સર્જનાત્મક લઘુમતી’ કહે છે. જેઓ શ્રીરામકૃષ્ણના આ પ્રકારના આંદોલનના હિસ્સેદાર છે તેમને આ કક્ષામાં મૂકી શકાય. હજુ મને સ્વામીજીના પત્રોનો ઉલ્લેખ કરવાનું મન થાય છે કે, ‘ભારતમાં મહાન કાર્યો કરવા માટે ભાવિએ આપણું નિર્માણ કર્યું છે. શ્રદ્ધા રાખો, આપણે જરૂર એમ કરી શકીશું. આપણા જેવા ગરીબ અને તિરસ્કૃત, જેઓ ખરેખર લાગણી ધરાવે છે તેઓ જ એમ કરી શકશે.’ આ શબ્દો કહેવામાં આવ્યા તેને એક સૈકો થઈ ગયો. આ શબ્દો શું અત્યારે પણ એટલા જ સાચા નથી? સ્વામી વિવેકાનંદના ભવિષ્યકથનમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. સમાજના સર્વાંગી કલ્યાણ માટે આપણે શ્રદ્ધાપૂર્વક ફાળો આપવો જોઈએ.

શ્રીરામકૃષ્ણના નામ સાથે જોડાયેલ આંદોલનમાં એક અજોડ તત્ત્વ છે અને તે કોઈ ખાસ સંપ્રદાયથી રહિત છે. તે તો બધા જ ધર્મો અને આધ્યાત્મિક આદર્શોનો આદર કરે છે. ત્યાગ અને સેવા તેની નીતિરીતિનાં અંગો છે. નિ:સ્વાર્થ પ્રેમ તેના સભ્યોના હૃદયને જોડતો છે. આવો આધ્યાત્મિક જનસમુદાય માત્ર તે ખાસ સમાજ પર જ નહિ, પરંતુ સમગ્ર દેશ પર નોંધપાત્ર અસર પાડી શકે છે. આવો આધ્યાત્મિક સમુદાય ભૌતિકવાદના ફેલાવા પર, અનીતિ પર, અંધશ્રદ્ધા પર અને અધર્મનાં એવાં બીજાં પરિબળો પર નિયંત્રણ રાખી શકે છે.

આધ્યાત્મિક જનસમુદાયની શક્તિનો આધાર મહદ્ અંશે તેના સભ્યોના અંગત જીવન પર રહેલો છે. શ્રીરામકૃષ્ણ આંદોલન અથવા શ્રીરામકૃષ્ણ જનસમુદાય પોતાની તરફની ફરજો અસરકારક રીતે ત્યારે જ બજાવી શકે, જ્યારે તેના સભ્યોનાં અંગત જીવન આધ્યાત્મિકતાને વરેલાં હોય. આપણું અંગત જીવન વધુ ને વધુ આધ્યાત્મિક થશે તો જ શ્રીરામકૃષ્ણ આંદોલન વધુ ને વધુ બળવત્તર બનશે. આ કાર્યમાં પણ આપણને શ્રીરામકૃષ્ણ જ મદદરૂપ થશે. આપણા જીવનનો આધ્યાત્મિક પરિવર્તન માટે તેમની દયા અને શક્તિ અનિવાર્ય છે. સ્વામી વિવેકાનંદજીએ લખ્યું છે કે, “કોઈ પણ પુરુષ કે સ્ત્રી, જે શ્રીરામકૃષ્ણની ભક્તિ કરશે તે ભલે ઉચ્ચ હોય કે નીચ હોય, તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે.” ઘણા લોકોના જીવનમાં સ્વામીજીનું આ વિધાન સાર્થક સાબિત થયું છે. એ જ પત્રમાં સ્વામીજી કહે છે કે, “શ્રીરામકૃષ્ણ સ્ત્રીઓના ઉદ્ધારક હતા, આમજનતાના ઉદ્ધારક હતા, ઉચ્ચ હોય કે નીચ હોય તે બધાંના ઉદ્ધારક હતા. તેઓશ્રીની ભક્તિ કરવાનો હક બ્રાહ્મણ કે ચાંડાલ, પુરુષ કે સ્ત્રીને સરખો જ છે. જે કોઈ તેઓશ્રીની ભક્તિ હૃદયના ભાવથી કરશે તે હંમેશાં સુખને પ્રાપ્ત કરશે.”

આ દૃષ્ટિથી જ શ્રીરામકૃષ્ણનો મંદિર તરફ લગાવ હતો. આપ સર્વે જાણો છો એ રીતે, તેઓશ્રીએ જીવનનો મોટો દક્ષિણેશ્વરમાં આવેલ કાલીમાતાના મંદિરમાં વિતાવ્યો. મંદિર એક એવી જગ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો મળે છે. ધર્મગ્રંથોના મત પ્રમાણે મંદિર એક એવી જગ્યા છે કે જ્યાં આધ્યાત્મિક લોકો ભેગા મળે છે અને ત્યાં દેવી શક્તિનું એક પ્રકારનું નિદર્શન જોવા મળે છે. તેથી આ પ્રકારનાં મંદિરોની લોકોના આધ્યાત્મિક કલ્યાણ માટે ખાસ આવશ્યકતા છે.

તેમ છતાં આપણે એ પણ કદી ન ભૂલવું જોઈએ કે, મનુષ્ય પોતે જ એક જીવતું-જાગતું મંદિર છે. આપણા ધર્મગ્રંથો કહે છે કે ‘देहो देवालयः प्रोक्तः’ (દેહને પણ એક મંદિર કહેવામાં આવે છે.) રામેશ્વરના મંદિરમાં આપેલ પ્રવચનમાં સ્વામીશ્રી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, “તમામ પ્રકારની ભક્તિનો સાર એ છે કે, મનુષ્યે વિશુદ્ધ થવું જોઈએ અને બીજાનું ભલું કરવું જોઈએ. જે વ્યક્તિને ગરીબ, નબળા અને રોગી લોકોમાં શિવનાં દર્શન થાય છે તે જ શિવનો સાચો પૂજારી છે અને જો તેને શિવનાં દર્શન માત્ર મૂર્તિમાં જ થતાં હોય, તો તેની ભક્તિ માત્ર પ્રાથમિક કક્ષાની છે. જે મનુષ્ય ગરીબ મનુષ્યમાં શિવનાં દર્શન કરે છે અને તેની સેવા કરે છે અને તેને મદદ કરે છે અને એવા સમયે નાત, જાત, ધર્મ અને અન્ય બાબતોનો વિચાર કરતો નથી તેની સાથે શિવ વધુ પ્રસન્ન રહે છે. ‘મનુષ્યસેવા એ જ ઈશ્વરસેવા’નો ખ્યાલ સ્વામી વિવેકાનંદજીએ આપ્યો છે. શ્રીરામકૃષ્ણ મિશનની બધી જ સેવા પ્રવૃત્તિઓ, મનુષ્યસેવા એ જ પ્રભુસેવા’ના ખ્યાલ પર આધારિત છે.

તથાપિ આ ખ્યાલ મંદિર કે ધાર્મિક ક્રિયાઓનો વિરોધ કરતો નથી, કે તેને નકારી કાઢતો નથી. શ્રીરામકૃષ્ણ કહે છે કે, “ભગવાનની ભક્તિ જુદી જુદી રીતે થઈ શકે છે.” શ્રીરામકૃષ્ણ સમન્વયના ઉત્તમ પ્રતીક હતા. બધા જ મતભેદોનું સમાધાન તેઓશ્રીમાં જોવા મળે છે.

આ મંદિરના અર્પણ સાથે આ જગ્યામાં પવિત્રતા અને શક્તિનો સંચાર થયો છે. મને વિશ્વાસ છે કે, શ્રીરામકૃષ્ણદેવે સૂક્ષ્મ દેહે આ જગ્યાને આશીર્વાદ આપ્યા છે. તેઓશ્રી આપણી જુદા જુદા પ્રકારની તેમની ભક્તિથી જરૂર પ્રસન્ન થશે. મંદિરમાંની ભક્તિ, આપણા હૃદયની ભક્તિ, ‘મનુષ્યસેવા એ જ ઈશ્વર’ની ભક્તિ, જે કોઈ આ આશ્રમમાં આવે તેને શાંતિ પ્રાપ્ત હો એ જ મારી, પ્રાર્થના છે.

ભાષાંતર: શ્રી રઘુપતભાઈ મહેતા

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.