રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં રામકૃષ્ણ મઠ અને મિશનના વર્તમાન ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે યુવા વર્ગના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ રસપ્રદ પ્રશ્નોત્તરીના થોડા અંશો અમે ધારાવાહિકરૂપે આપી રહ્યા છીએ.

પ્ર. સ્વામીજી શા માટે એમ કહેતા કે કાલીની, ભયંકરની પૂજા કરો? કૃપા કરી સમજાવો.

ઉ. ઘણા લાંબા સમય સુધી પ્રજા તરીકે આપણે નિર્બળ, કાયરતાભર્યા, આપણી જાતમાં શ્રદ્ધા વિનાના રહ્યા છીએ. એમાં સ્વામીજીને પરિવર્તન કરવું હતું, તેથી તેઓ કહેતા : હિંમત ધારણ કરો, મૃત્યુની પૂજા કરો, ભયંકરની પૂજા કરો. વીરતાનું કાર્ય એમ જ થઈ શકે. નહીં તો તમે સાવ ઢીલા બની જાવ. એટલે, ભારતમાંના પોતાના એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું: “આપણે દીર્ઘકાળ સુધી રડ્યા છીએ. હવે રુદન બંધ કરો. તમારા પોતાના પગ પર ઊભા રહી મનુષ્ય બનો.” આ સંદેશ અદ્ભુત છે. હું જાકાર્તા ગયો ત્યારે, ઇન્ડોનેશિયન ભાષામાં, રાષ્ટ્રપતિ સુકર્ણ સ્વામીજીનાં સુવચનોના પુસ્તકનું વિમોચન કરી રહ્યા હતા. એ પુસ્તકમાં એમણે પ્રસ્તાવના લખી હતી, જેમાં એમણે આ ચોક્કસ કંડિકા ટાંકી હતી. પ્રસ્તાવનામાં એમણે કહ્યું છે: ‘સ્વામીજીથી હું ખૂબ પ્રભાવિત થયો છું. એમણે મને સમસ્ત માનવ જાતને ચાહતાં શીખવ્યું, મારી પ્રજાને ચાહતાં શીખવ્યું.’ પછી એમણે સ્વામીજીનાં આ વાક્યો ટાંક્યાં છે. ‘આપણે દીર્ઘકાળ સુધી રડ્યા છીએ. હવે રુદન બંધ કરો. તમારા પોતાના પગ ઉપર ઊભા રહી મનુષ્ય બનો.’ આમ, સ્વામીજી આપણા જીવનમાં વીરભાવ પ્રવેશે એમ ઇચ્છતા હતા. ઢીલાશ ઘણી બધી છે. દુર્બળતા ઘણી બધી છે. એ જવી જ જોઇએ.

વિશેષમાં, સ્વામીજીએ વેદાંતને તાકાતનું તત્ત્વજ્ઞાન, નિર્ભીકતાનું તત્ત્વજ્ઞાન, કર્મનું, વીરકર્મનું તત્ત્વજ્ઞાન કહ્યું, એટલે આજે આપણે મૃત્યુને ભેટીએ છીએ. દાખલા તરીકે, માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ-પર્વતારોહક સંસ્થા-લઇએ. યુવાનો તેમાં જાય છે. તેઓ ત્યાં શાનો સામનો કરે છે? મૃત્યુનો. કેટલાક યુવાનો મૃત્યુ પણ પામ્યા જ છે. સુંદર યુવાનો મોતને ઘાટ ઊતરે છે અને એના દ્વારા જ તમે જીવનપંથે ખાતરીપૂર્વક આગળ વધી શકો છે. અમેરિકા અને ઇંગ્લેંડ મહાન બન્યાં છે. કેવી રીતે? એમણે મોતનો સામનો કર્યો છે. પરંતુ આપણે મૃત્યુથી અરે, એના નામમાત્રથી, આઘા રહેવા માગીએ છીએ. તેથી, આટલો બધો કાળ આપણે નિર્બળ રહ્યા. સ્વામીજીએ કહ્યું છે. આપણે મોતનો સામનો કરીશું. માનવી! બહાદુર બન. તમારે મહાન બનવાનો એ જ રસ્તો છે. વેદાંત દ્વારા સ્વામીજીએ આપણા સમાજમાં એ ભાવના જગાડી એટલે, યુવાનો આજે મૃત્યુનો સામનો કરતા, કોઇ પણ આફતનો સામનો કરતા જોવામાં આવે છે. એટલેસ્તો, બ્રિટિશ અમલ દરમિયાન સ્વામીજી પ્રેરિત યુવાનો ફાંસીને માંચડે ચડતા, સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોલીસની લાઠી ખાતા તમે જોઈ શકો છો. આજે યુવાનોએ એ ભાવનાને જાગૃત રાખવી જોઇએ.

વળી, યુવાનોએ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની છે. તેથી, સ્વામીજીનો આ બોધ તેમને માટે ખૂબ ખૂબ અગત્યનો છે. મૃત્યુનો સામનો કરો. મૃત્યુનો સામનો કરો, મૃત્યુની પૂજા કરો. આ આશ્ચર્યકારક વિચારમાં બિનધાસ્ત નિર્ભયતા, હિંમત, ન્યોછાવરી, બધું સમાવિષ્ટ છે. સ્વામીજી એમ પણ કહેતા, કે, આનો અર્થ એવો નથી કે તમારે આપઘાત કરવો. એમણે એવું કહ્યું જ નથી. મૃત્યુનો સામનો કરવો એટલે મુશ્કેલીઓનો સામનો કરવો અને એમ કરતાં મૃત્યુ આવે તો ચિંતા ન કરવી. એમાંથી પાછા નહીં હટવાનું. સ્વામીજી આપણી યુવાન પ્રજાને ગ્રહણ કરવાનું કહેતા તે આ ભાવના છે, હિંમતની, મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની અને આજના ભારતમાં એ ભાવના આપણામાં વધારે ને વધારે પ્રગટી રહી છે.

પ્ર. સ્વામીજીએ કહ્યું છે કે, સમગ્ર ભારતમાં એક જ ધર્મ જોઇએ. એનો શો અર્થ તેઓ કરતા? ભારતમાંથી બીજા ધર્મની હકાલપટી કરવી એમ તેઓ માનતા હતા?

ઉ. ભારતને એકસૂત્રિત કરવા માટે બીજા ધર્મોને ભારતમાંથી હદપાર કરવાનું સ્વામીજી કદી કહી શકે નહીં. એમનો બોધ છે કે માનવજાતિના વિકાસમાં દરેક ધર્મને પોતાનો ફાળો આપવાનો છે. તેથી બધા ધર્મો ચેતનવંતા રહેવા જોઇએ. ને આમ છતાં આ બધી વિવિધતામાં તેમને એકતા જોઇએ છે. ૫,૦૦૦ વર્ષોથી આપણી નીતિ એ જ-વિવિધતામાં એકતાની રહી છે. વિવિધતામાં એકતાના પ્રાચીન સંતોનાં દર્શન ઉપર આધારિત આ દર્શન ઉપર આપણા સમાજનો, આપણી સંસ્કૃતિનો, આપણા ધર્મનો, બધાનો પાયો છે. જુદા જુદા ધર્મો રહેશે પણ, તેઓ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. ભારતમાં એકસૂત્રિત જાગૃતિની ભાવના ઊભી કરવામાં તેઓ સહાય કરે છે.

આ શી રીતે બની શકે એ મોટો વિષય છે. હું અહીં એ માર્ગની વિચારણાની ટૂંકી રૂપરેખા આપું છું. ને પછી તમે આ બાબતે આગળ વધી શકો છો. ધર્મને બે પરિમાણ છે. જાતિગત અને વૈજ્ઞાનિક. હિંદુ, ખ્રિસ્તી કે ઇસ્લામ, તમે જે ધર્મમાં જનમ્યા છો તેની સાથે જાતિગત પરિમાણને સંબંધ છે; એ બાબતમાં તમને કશો પસંદગીનો અધિકાર નથી. પરંતુ તમે જાતે જે જુઓ છો તે તપાસો છો તે વિશેનું પરિમાણ તે વૈજ્ઞાનિક પરિમાણ છે; એ સાચું આધ્યાત્મિક પરિમાણ છે. આ ખોજના, તપાસના પરિમાણ પર ભાર દેવાથી તમે દૃષ્ટિબિંદુની એકતા વિકસાવો છો અને આધ્યાત્મિક વિકાસમાં આ દેશમાં દૃષ્ટિબિંદુઓની સંવાદિતા સધાશે. શ્રીરામકૃષ્ણની મહાન શક્તિ અને બળ વડે, કેવળ આ દેશમાં જ નહીં પણ બાકીના જગતમાં સુધ્ધાં વેદાંત એ કાર્ય કરશે.

શ્રીરામકૃષ્ણે કહ્યું છે; ‘જતો મત તતો પથ!’ જેટલા ધર્મો છે તે બધા ઈશ્વરને પામવાના માર્ગો છે. ઋગ્વેદમાં કહ્યા પ્રમાણે : એકમ સદ્ વિપ્રા બહુધા વદન્તિ-સત્ય એક જ છે અને સંતો તેને જુદાં જુદાં નામે ઓળખે છે. આ બોધવચનો ચલણી સિક્કા બનશે અને દેશના ધર્મો પર અસર કરશે ત્યારે જાતિગત પરિમાણોથી આધ્યાત્મિક પરિમાણ તરફ જવાનું વલણ જોર પકડશે અને આપણે એક છીએ એમ તમને દેખાશે. જાતિગત પરિમાણોથી જોતાં ધર્મો ભિન્ન ભિન્ન છે. ભેદો ભલે રહ્યા પણ, વૈશ્વિક પરિમાણની દિશામાં આગળ વધતાં એકતા પ્રગટ થશે. વિપરીત પડેલાં દેશનાં આધ્યાત્મિક પરિબળોને સુગ્રથિત કરવાં તે રાષ્ટ્રની એકતા છે. (પ્રથમ વાક્ય) : આ દેશમાંનાં બધાં આધ્યાત્મિક પરિબળોની એકતા રાષ્ટ્રની એકતા છે. (બીજું વાક્ય). સ્વામીજીના આ કથનનો એ અર્થ છે. તો ખ્રિસ્તી આધ્યાત્મિકતા, ઇસ્લામી આધ્યાત્મિકતા, હિંદુ આધ્યાત્મિકતા અને બીજા કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતા એકત્ર થઇ શકે : એ કદી ઝઘડશે નહીં. પરંતુ ધર્મોના વિધિનિષેધોમાં સંઘર્ષનાં મૂળ છે. એ રહે ભલે પણ, પાયા તરીકે પણ, તમારે તો ઊંચેરાં પરિમાણો જ વિકસાવવાં. બધા ધર્મો પર શ્રીરામકૃષ્ણ એ રીતે અસર કરશે. ભારતના કેટલાક ધર્મોમાં આજેય એમ બની રહ્યું છે.

કેટલાંક વર્ષો પહેલાં ત્રિવેન્દ્રમમાં, એક ઉચ્ચ કક્ષાના બુદ્ધિશાળી કેથોલિક સમુદાય સમક્ષ બોલવાનું મને કહેવામાં આવ્યું હતું. મારે શાના પર બોલવું એ વિશે મેં તેમને પૂછ્યું. એમણે શું કહ્યું તે જાણો છો? ‘શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ કેથોલિક ધર્મ’ વિશે અમને કહો. બોલવા માટે મને કેવો સુંદર વિષય એમણે આપ્યો! અને હું બોલ્યો. મેં કેથોલિક ધર્મની ટીકા કરી, ઇતિહાસમાં એની વિવિધ આડાઈઓનો ઉલ્લેખ કર્યો. એનાં સુંદર તત્ત્વોનાં, એના દ્રષ્ટાઓ અને સંતોનાં, એની સેવા ભાવનાનાં અને એવી બીજી બાબતોનાં વખાણ કર્યાં, પછી મેં પૂછ્યું. ‘ધર્મમાં જે કંઈ અનિષ્ટ છે તેને દૂર કરવાનો સમય આજે આવી લાગ્યો છે. એ કાર્યમાં શ્રીરામકૃષ્ણ મદદરૂપ થશે. વિશ્વના એક આધ્યાત્મિક ગુરુ ઈસુ ખ્રિસ્તને અનુરૂપ, રચનાત્મક, સર્જનાત્મક, માનવતાવાદ ઉદાત્ત તત્ત્વ ખ્રિસ્તી ધર્મમાં એમ જ કરશે.’ મારું પ્રવચન પૂરું થયા પછી એ લોકો એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે મારો આભાર માન્યો અને કહ્યું : ‘છેલ્લા એક કલાકથી અમને લાગતું હતું અમારા કોઈ પ્રાચીન ધર્મગુરુ આવ્યા છે ને કેથોલિક ધર્મ વિશે અમને સમજાવી રહ્યા છે.’ એમણે એવી ભાષા વાપરી હતી.

ધર્મના આદર્શો વધારે ને વધારે ઉર્ધ્વગામી બને એવું થાય તે બનવાનું જ છે. કોઈને તળિયે નથી બેઠા રહેવું. એટલે જ તો સ્વામીજીએ કહ્યું હતું કે, એક સંપ્રદાયમાં જન્મવું સારું છે પણ, તેમાં મૃત્યુ પામવું તે સારું નથી. બીજા લોકોનો, બીજા ધર્મોના લોકોનો આદર કરો. એ આધ્યાત્મિક વલણ થશે. અર્થાત્, કોઈ હિંદુ મુસલમાન કે ખ્રિસ્તી જેટલો આધ્યાત્મિક તેટલી બીજા ધર્મોની સમજણ, બીજા ધર્મો પાસેની અપેક્ષાઓ સમાન થશે. શ્રીરામકૃષ્ણ આને એ કક્ષાએ ધર્મોની સંવાદિતા કહેતા. જાતીય દૃષ્ટિબિંદુને સ્થાને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ લાવવાનો અમારો પ્રયત્ન છે. જાતીય દૃષ્ટિબિંદુ તો સદા રહેલું જ છે. સ્વામીજીએ નિવેદિતાને એક પત્રમાં લખ્યું હતું : ‘દુનિયાના ધર્મો ચેતનાહીન મશ્કરી બની ગયા છે.’

આપણને જરૂર છે ઉચ્ચ ચારિત્ર્યની. ઉચ્ચ ચારિત્ર્ય આવે પછી જ ધર્મનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે, એ ઉચ્ચ વિકાસ માટે આ ધર્મોને સાધન બનાવવાના છે. ધર્મના વિજ્ઞાનનો અર્થ એ છે. તમે શું કર્યું, તમે કેટલી પૂજા કરી, કેટલા ક્રિયાકાંડો કર્યા, તેની પર નથી, અહીં પ્રશ્ન છે, તમે આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે? કોઈ કર્મકાંડે તમારો આધ્યાત્મિક વિકાસ સાધ્યો હોય તો તેનું મૂલ્ય છે. એટલે ખ્રિસ્તી કર્મકાંડમાં, મુસ્લિમ કર્મકાંડમાં કે હિન્દુ કર્મકાંડમાં તફાવત નથી. પરંતુ જાતને આ સવાલ પૂછો : એથી મારી આધ્યાત્મિક ઉન્નતિ સધાઈ છે ખરી? ધર્મ પ્રત્યેનો એ આધ્યાત્મિક, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. સ્વામીજી, પૂજ્ય શ્રીમા અને શ્રીરામકૃષ્ણે એની ઉપર ભાર મૂક્યો છે. કોઈ પણ ધર્મના સિદ્ધાંતો કે ક્રિયાકાંડોને એમણે હાથ લગાડ્યો ન હતો. એ બધાંથી તો તેઓ અળગાં જ રહ્યાં હતાં. પરંતુ પ્રત્યેક ધર્મની આધ્યાત્મિકતાની ચાનક એમણે આપણને ચડાવી હતી. ભારતમાં તેમ જ થવાનું છે – માનવજાતની આધ્યાત્મિકતાના વિકાસ માટેની એ મહાન પ્રયોગશાળા છે. શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રીમા અને સ્વામીજીના સંસ્પર્શે ભારતમાં તેમ થવાનું છે.

પ્ર. મહારાજ, મારા અંગત જીવનને લગતો એક પ્રશ્ન આપ સમક્ષ રજૂ કરું છું. ગિરીશચંદ્ર ઘોષ ઠાકુરના સંપર્કમાં આવ્યા હતા અને એમની કૃપાથી ગિરીશ જાતને સુધારી શક્યા હતા. ઠાકુર વિદ્યમાન હતા અને સમયે સમયે બોધ આપી શક્યા હતા તેથી એમ શક્ય બન્યું. પરંતુ હવે, માર્ગદર્શન માટે અને જાતને પૂર્ણ કરવા માટે, મારે કોની પાસે જવું?

ઉ. આ પ્રશ્ન સહુને લગતો છે. આપણા જેવા લાખોને એ સ્પર્શ કરે છે. હા, ઠાકુરનો અંગત સ્પર્શ મેળવવા એ સૌ ભાગ્યશાળી બન્યા હતા અને આપણને તે મળે તેમ નથી.

પરંતુ બરાબર યાદ રાખો કે, આપણે ઠાકુરને પ્રત્યક્ષ જોઈએ અને હોય તે કરતાં, ઠાકુરમાંની આપણી શ્રદ્ધા વધારે દૃઢ અને ઊંડી હોઈ શકે. ધારો કે તમે એમના કાળમાં જીવતા હતા અને એમને દક્ષિણેશ્વરમાં જોયા હતા. પૂરો સંભવ છે કે તમે એમને ગાંડા બ્રાહ્મણ કહેતા હતા. તેઓ ઠાકુરને સમજી શક્યા ન હતા. ત્યારે, ઠાકુરથી આટલા કાલાંતરે આપણે એમને વધારે સારી રીતે સમજી શકીએ. એટલે આપણે શ્રદ્ધા રાખીએ તો ગિરીશ ઘોષને મળી તે કૃપા આપણે, તમે, બીજા સૌ પ્રાપ્ત કરી શકીએ. શ્રીરામકૃષ્ણ પાસેથી આજે પણ ઘણા લોકોએ કૃપા પ્રાપ્ત કરી છે. શ્રીકૃષ્ણ સમા અગાઉના અવતારોએ પણ, પોતે સ્થૂળ રૂપે ઉપસ્થિત ન હોય તે છતાં, ઘણા પર કૃપા વર્ષાવી છે. કારણ કે ભૌતિક ઉપસ્થિતિ તો અવતારનું નાનામાં નાનું અંગ છે. આ અનંત વિરાટ સ્વરૂપો આધ્યાત્મિક રીતે પ્રકાશિત રહી યુગો સુધી માનવજાત ઉપર કૃપા વર્ષાવે છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીનું એ તત્ત્વ આજે પણ જીવંત છે અને તમને, મને તથા સર્વ કોઈને કૃપા વર્ષાવવા કાર્યરત છે. આ શ્રદ્ધાથી, શ્રીરામકૃષ્ણ દ્વારા આપણે આધ્યાત્મિક દીક્ષા લઈ શકીએ છીએ. એટલે એ બાબત તમારે ગિરીશ ઘોષની અદેખાઈ ન કરવી. એને કૃપા પ્રાપ્ત થઈ હતી. આપણને પણ થશે. ઘણાને થઈ છે અને ઘણાને થશે. પરિસ્થિતિની આપણી સમજણ આવી હોવી જોઈએ.

(કમશ:)

Total Views: 213

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.