જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે
ભારતને ભવ્ય લોક સાગર-તીરે
રે પ્રાણ જાગો ધીરે.

આંહી નર-દેવ પાય, બન્ને બાહુ પસાય,
ઊભા મહકાય દેખ ગિરિવર સ્થિરે;
એની કીર્તિના છંદ, ગાતા નાદે બુલંદ,
પરમાનંદે હો પ્રાણ વંદો ધીરે
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે.
ભારતભૂમિને લોકસાગર-તીરે.

કોના એ સાદ સુણી, ક્યાંથી આ ભોમ ભણી
માનવ-ઝરણીનાં મહાસ્રોત વળી આવ્યાં!
આર્યો ચીના દ્રવિડ, હૂણો શક અડાભીડ,
આવી આવીને સર્વ એકમાં સમાયાં;
જૂદી જૂદી જમાત ભાંગી ઘડિયો વિરાટ,
વિરમ્યા ઘોંઘાટ, એની હાક પડી રે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

ખાંડાને ખણખણાટ, જયના લલકાર ગાત,
મધ્છક જે ભાતભાત આવ્યા રણ વીંધી;
આવ્યા ભેદીને પ્હાડ, દેતા દસ્યૂ શી ત્રાડ,
ધરતી ચોગમ ઉજાડ લજ્જત સું કીધી;
આવેલા એ તમામ, થોડા દિન ધૂમધામ
ગજવીને ગયા ગળી લૂણ જેમ નીરે;
મારી રગરગ મોજાર, એ સૌની રક્તધાર
ધબકે અનિવાર આજ યુગયુગથી રે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

આજે જે દૂર ખડા, પામર અભિમાની બડા,
તે સૌને થડંથડા! કાળ નહિ ધીરે;
ગાજો રે રુદ્રવીણા! ભાંજો સહુની ભ્રમણા!
પાછા આવીને પડે અવનત શિરે
ભારતને ભવ્ય લોકસાગર-તીરે.

એક દિન અહીં અણવિરામ, ગુંજ્યાં ॐ કાર – ગાન.
જનજનને ચિત્તતંત્ર એક મંત્ર રણક્યો;
एकोऽहं – અગ્નિ પરે, બહુજન આહૂતિ ધરે,
સ્વાર્પણની વેદી તલથી વિરાટ ડણક્યો.
આજે એ બીજી વાર, ચેતાયે યજ્ઞ-જ્વાલ,
નમવા વિણ નહિ ઉગાર, મગદુર શી રે!
ભારતભૂમિને લોકસાગર-તીરે.

આજે એ યજ્ઞકુંડ, માગે છે, લાખ રૂંઢ
દુ:ખની ભેકુંડ લાલ જલતી જ્વાલા;
એ સબ દુ:ખ વહન કરી, મર્મોનું દહન કરી,
આપે સળગો અભાગી આતમ મારા!
તારી એ ભસ્મમાંય, લજ્જા ભય વિલય થાય,
લઘુતા ધોવાઈ જાય ગૌરવ-નીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.

આવો બ્રાહ્મણ ને આર્ય, આવો શૂદ્રો અનાર્ય,
આવો ક્રિસ્તાન મુસલમાન ને અછૂતો,
આવો આવો પતિત, નિશ્ચલ નિશ્ચિંત ચિત્ત,
માની મુક્તિના સર્વ સરખા દૂતો.
માના અભિષેક તણો, મંગળ આ કુંભ ઉણો,
સહુને સ્પર્શે જશે ભરાઈ પુણ્યનીરે
ભારતભૂમિને લોકસાગર-તીરે.
જાગો જાગો રે પ્રાણ જાગો ધીરે

-ઝવેરચંદ મેઘાણી

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.