સર્વધર્મ પરિષદનો ખ્યાલ હિંદુસ્તાનમાં પરિચિત કરવાનું માન સ્વામી વિવેકાનંદને ઘટે છે. તેમણે જ જગતને સમજાવ્યું કે જે સર્વધર્મપરિષદમાં હિંદુ ધર્મનું સમાન ભાગીદાર તરીકે પ્રતિનિધિત્વ ન હોય, તે પરિષદ અધૂરી જ ગણાય. ઈ.સ. ૧૮૯૩માં હિંદુસ્તાનના શિક્ષિત વર્ગને લાગ્યું કે જગતમાં હિંદુ ધર્મની શ્રેષ્ઠતા પુરવાર થઈ છે; અને તે દિવસથી સ્વામી વિવેકાનંદનું નામ આપણે માટે ઘરગથ્થુ શબ્દ બની ગયો. હું તે વખતે નાનો હતો, પણ તે સમાચાર ચર્ચવા માટે મોટા ભાઈઓનો જ્વલંત ઉત્સાહ અને હિંદુ ધર્મના ભવિષ્ય માટેની તેમની બેશુમાર આશાઓ મને બરાબર યાદ આવે છે. સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનોનો ટૂંક સમયમાં જ મારી માતૃભાષા મરાઠીમાં અનુવાદ થયો, અને લોકો તે વ્યાખ્યાનોને ઈંતેજારીપૂર્વક વાંચવા લાગ્યા. માત્ર વિષયની દૃષ્ટિએ તો તે વ્યાખ્યાનોમાં વેદાંત જાણનાર વર્ગ માટે કશું નવીન નહોતું, પરંતુ તેમાંનો દરેક શબ્દ પ્રાણપૂર્ણ તથા આશા અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. સ્વામીજીએ હિંદુ ધર્મની કરેલી રજૂઆતની અપૂર્ણતા તેના અર્વાચીન દૃષ્ટિબિંદુમાં તેમજ આધુનિક યુગના સામાજિક અને કેળવણીવિષયક પ્રશ્નોના ઉકેલ માટે તેમણે વેદાંતના સિદ્ધાંતોના કરેલા ઉપયોગમાં રહેલી હતી. હું જેમ જેમ ઉંમરમાં વધતો ગયો તેમ તેમ તેમના ઉપદેશનું મહત્ત્વ પણ મારે મન વધતું ગયું અને હું સ્વામીજીને હિંદી સંસ્કૃતિની પરાકાષ્ટારૂપે ગણવા લાગ્યો.

સ્વામીજીએ ‘મારા ગુરુ’ એ મથાળા નીચે ગુરુ મહારાજ રામકૃષ્ણ પરમહંસને અર્પેલી શ્રદ્ધાંજલિ મારા હાથમાં થોડાં વર્ષ બાદ અચાનક આવી પડી; અને તેની મારા ઉપર અદ્‌ભુત અસર થઈ. તે નાના જીવનચરિત્ર દ્વારા સ્વામીજીએ મને આધ્યાત્મિક જીવનની વાસ્તવિકતા અને મહત્તામાં શ્રદ્ધા રાખતો કરી મૂક્યો. અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના જ્ઞાનના છાંટા વિનાનો એક અભણ માણસ સ્વામી વિવેકાનંદ જેવા ફિલસૂફ અને તેજસ્વી પ્રજ્ઞાવાળા મનુષ્યમાં શિષ્યભાવ કેવી રીતે પ્રેરી શક્યો એ મારી સમજમાં જ ન આવી શક્યું. પરંતુ હું તો અગાઉથી જ સ્વામીજીથી મંત્રમુગ્ધ બની ગયો હોઈ, તે જે કાંઈ લખતા તેમાં આંતરિક શ્રદ્ધા રાખતો. તે ટૂંકા જીવનચરિત્રે મારા માનસિક દૃષ્ટિકોણમાં ક્રાંતિ કરી મૂકી. કૉલેજ જીવનની શરૂઆતના ફળરૂપે મને પ્રાપ્ત થયેલી સંશયવૃત્તિ અને તર્કવૃત્તિમાં ભારે ક્ષોભ મચી ગયો અને આધ્યાત્મિક જીવનનું જે દર્શન હું ઘણા દિવસથી ખોઈ બેઠો હતો, તે મને પાછું મળ્યું. તે જીવનચરિત્રનું વાચન મારે માટે નવા જન્મરૂપ થઈ પડ્યું એમ કહું તો તેમાં કશી અતિશયોક્તિ નથી.

મને સમજાયું કે હિંદુસ્તાનની સાચી આવશ્યક્તા તો એવા એક કેળવણીકાર અને સમાજશાસ્ત્રીની હતી કે જે વેદાંતના મૂર્તિમંત પ્રાચીન ધ્યેય સમાન એક સાચા ધાર્મિક પુરુષના જીવંત અનુભવનો લોકોને નવેસરથી અર્થ કરી બતાવે. વિવેકાનંદને લાગ્યું કે, તેમને જો ભારતના લોકોના કાન સુધી પહોંચવું હોય તો તેમણે દૂર દૂર આવેલા અમેરિકાની ઉચ્ચ ભૂમિ ઉપર પહોંચવું જોઈએ. એટલે જગતમાં ધર્મોની પરિષદમાં હિંદુ ધર્મના સ્વનિયુક્ત પ્રતિનિધિ થઈને તેમણે પોતાનો તે અધિકાર પ્રાપ્ત કર્યો.

આજે હું આ સર્વધર્મપરિષદમાં રામકૃષ્ણ-વિવેકાનંદની અભિન્નમૂર્તિને મારી ભક્તિ નિવેદિત કરવા આવ્યો છું અને હું આ લખું છું ત્યાં જ એક ત્રિમૂર્તિના ત્રીજા અંગરૂપ ભગિની નિવેદિતા મને યાદ આવે છે. તેમનું ‘web of Indian life’ પુસ્તક, ‘The Master as I saw him’ એ કાવ્યચિત્રમાં તેમણે દોરેલી અદ્‌ભુત જીવનરેખા, “The Footfalls of Indian History” અને તેમના વિવિધ નિબંધો મારે માટે યુનિવર્સિટીની કેળવણીરૂપ થઈ પડ્યા છે; અરે, મારે તો એમ કહેવું જોઈએ કે, તેમનાં લખાણો, મેં મેળવેલી યુનિવર્સિટીની કેળવણીની ખામી સુધારનારાં થઈ પડ્યાં છે. રામકૃષ્ણ, વિવેકાનંદ અને નિવેદિતા મળીને એક જ અખંડ પ્રવાહ બને છે. તેઓ પૃથ્વી ઉપર આધ્યાત્મિકતાના અવતરણરૂપ છે; એકજ બીજના વિશાળ વટવૃક્ષરૂપે ઉદ્‌ભવ અને વિસ્તારરૂપ છે.

અહીં આગળ, મારી સ્મૃતિ, હું જ્યારે ૧૯૧૧માં રામકૃષ્ણ પરિવારની યાત્રાએ કલકત્તા આવ્યો હતો ત્યારે તે કુટુંબની બીજી વ્યક્તિઓ તરફ પાછી વળે છે શ્રી શ્રીમા, માસ્ટર મહાશય, સ્વામી બ્રહ્માનંદ અને રામકૃષ્ણ મિશન ચલાવનારા સ્વામીજી મહારાજના બીજા ગુરુભાઈઓનું ભાગ્યવંત મંડળ. ત્યાં સૌથી પ્રથમ જે સંન્યાસી મને મળ્યા તે સ્વામી પ્રેમાનંદ હતા. તે સાચા ભક્ત અને મૂક સેવક હતા. તે અંગ્રેજી બહુ થોડું જાણતા હતા; હિંદી કદાચ જાણતા જ નહોતા. તેમની પાસેથી જવાબ કઢાવવો બહુ મુશ્કેલ કામ હતું. જ્યારે મેં તેમને ગુરુમહારાજ વિશે પૂછ્યું ત્યારે તે માત્ર ધ્યાનની દશામાં ચડી ગયા અને મૂક થઈ ગયા પરંતુ તેમની તે આંસુભીની દશાએ જ મને વૈખરી કરતાં પણ વધારે અસરકારક જવાબ આપી દીધો. એક બીજે પ્રસંગે મેં તેમને બનારસમાં બંગાળી ભાષામાં વ્યાખ્યાન આપતા સાંભળ્યા. નિષ્ઠા અને ભક્તિ ઉપર તે એક પ્રાણપૂર્ણ વ્યાખ્યાન હતું.

તે વખતે તેમ જ ત્યાર બાદ મેં બ્રહ્માનંદ, તુરીયાનંદ, શિવાનંદ, કલ્યાણાનંદ અને નિશ્ચયાનંદ સ્વામીઓ પાસેથી જે બધું મેળવ્યું તેનું સવિસ્તર વર્ણન કરવાનું આ સ્થાન નથી. સ્વામી શારદાનંદનાં તો મેં માત્ર દર્શન જ કર્યા હતા. રામકૃષ્ણ મિશન પોતાની ઉપયોગિતા અને સેવામાં પ્રગતિ કરે તે માટે તે ખંતીલા પ્રયત્ન કર્યે જતા હતા, પરંતુ મારો સૌથી વધુ પરિચય તો માસ્ટર મહાશય સાથે હતો. તેમણે મારા પ્રત્યે ગુરુની વિવેકદૃષ્ટિયુક્ત પિતાનું વાત્સલ્ય છૂટથી રેલાવ્યું.

પછીની જુવાન પેઢીમાંથી પૂર્ણાનંદ અને માધવાનંદ તો હિમાલયની તળેટીના નિવાસકાળ દરમ્યાન મારા પડોશીઓ જ હતા. એટલે આજે આ મહાન સંસ્થામાં હું એક બહારના માણસ તરીકે નથી આવતો. ગૃહસ્થ દશામાં રહેલા બંધુ તરીકેના અધૂરાપણા છતાં, તમે મને કહેવા દો તો હું તમારામાંના જ એક તરીકે અહીં આવ્યો છું.

અત્યારે આપણને કઈ વસ્તુએ અહીં એક સ્થળમાં એકત્રિત કર્યા છે? મને એમ લાગે છે કે તે વસ્તુ બીજી કોઈ નહીં પણ, વિશ્વની પાછળ રહેલી તથા સર્વસહ પ્રેમશક્તિની વાસ્તવિકતાનો અનુભવ કરવા ખાતર શક્ય તેટલી સર્વ પ્રકારની સાધનાઓમાં નિર્ભયપણે વિચરનારા એક આધ્યાત્મિક કોલંબસના અનુભવની સત્યતા, તીવ્રતા અને સર્વસંગ્રાહિતા છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રયોગ કરનારા રામકૃષ્ણ જેવા મહાન પ્રયોગવીર આગળ ન્યૂટન, ફેરાડે, એડિંગ્ટન, જીન્સ અને રામન ઇત્યાદિ તો માત્ર બાળક જેવા છે. આધ્યાત્મિક પ્રયોગવીરોને તો પોતાની જાત ઉપર પ્રયોગો કરવા પડે છે; સંશય અને નિરાશાના ગાળા વિતાવવા પડે છે અને પોતાના લક્ષ્યે પહોંચ્યા પછી પણ તેમને પોતે મેળવેલાં પરિણામોની ફરી ફરીને ખાતરી કર્યા કરવી પડે છે. હિંદુસ્તાનને તેની આજની પ્રતિષ્ઠાના સ્થાન ઉપર સ્થાપિત કરનારા બ્રહ્મજ્ઞાનીઓની અખંડ હારમાળામાં રામકૃષ્ણ પ્રથમ કોટીના તેજસ્વી તારા રૂપ હતા. રામકૃષ્ણ પરમહંસની સાધનાની વિશિષ્ટતા એ વસ્તુમાં રહી હતી કે તેમણે જુદા જુદા ધર્મોએ બતાવેલી સાધનાઓ આચરી જોઈ હતી, જેથી કરીને દરેક માર્ગનું અંતિમ રહસ્ય પોતે અનુભવથી પામી શકે. અને એ જ કારણથી તે દૃઢ પ્રતીતિપૂર્વક કહી શકતા હતા કે બધા ધર્મો એક જ સ્થાને પહોંચાડે છે. તેમને માટે એ વસ્તુ તર્કનો વિષય નહોતી. પણ તેમણે તો તે વસ્તુનો સાક્ષાત્કાર કરી જોયો હતો. આ કારણે જ તે આ યુગના માર્ગદર્શક થઈ પડ્યા છે. તેમના એ અનુભવનો બૌદ્ધિક ભૂમિકા ઉપર હળવો હળવો પણ કાંઈક પડઘો પાડવા આજે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.

રામકૃષ્ણ પરમહંસે હિંદુસ્તાનના બધા મુખ્ય ધર્મોનો સાચો અભ્યાસ કરવાની અગત્ય પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવી. જગતની વિવિધ પ્રજાઓ જો એકબીજા વચ્ચેની ગેરસમજ દૂર કરવાનો અને મેળપૂર્વક જીવવાનો કોઈ માર્ગ નહીં વિચારી કાઢે તો તેમની વચ્ચે દારુણ કલહ લગભગ અનિવાર્ય થતો જાય છે. આ જાતની પરિષદો જો માત્ર બૌદ્ધિક ક્ષેત્રમાં જ કામ કર્યા કરવાનું છોડી દે, તો એ વસ્તુ પાર પાડી શકે તેમ છે. ધર્મ એ અનુભવની વસ્તુ છે. તેને પ્રેમ અને શ્રદ્ધા વડે જ પામી શકાય. વ્યાવહારિક આદર્શવાદ જ બધી પ્રજાઓ વચ્ચે તથા તેમણે વિકસાવેલા જીવનમાર્ગો વચ્ચે મેળ સ્થાપવાનો માર્ગ બતાવી શકે.

બધા ધર્મો તથા તેમણે બતાવેલા જગતના પ્રશ્નોના ઉકેલનો અભ્યાસ હવે કેવળ સંસ્કૃતિના વિદ્વાન અભ્યાસકોનો વિલાસ માત્ર રહ્યો નથી. તે તો હવે વધુ ને વધુ, સુસંગઠિત, સામાજિક જીવનની પ્રાથમિક આવશ્યકતારૂપ બનતો જાય છે. માત્ર તે અભ્યાસને માનસિક ગગનવિહારરૂપ બની જવા ન દેવો જોઈએ. તેણે જીવનસ્પર્શી બનવું જોઈએ તથા યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રયોગો પણ કરવા જોઈએ. લોકો સેવાના ભાવથી જ એકત્ર થઈ શકે તથા દિલનો મેળ સાધી શકે. બુદ્ધિ બહુ તો અન્યોન્ય સમજ વધારી શકે કે પ્રથમથી જ તેમની વચ્ચે જે સદ્‌ભાવ હોય તો તેને કંઈક અંશે ટેકો આપી શકે. પરંતુ હૃદયોને એકસાથે બાંધનાર અને આપણને સૌને એક માનવજાતિમાં એકત્રિત કરનાર વસ્તુ તો સેવા જ હોઈ શકે. સ્વાર્થત્યાગ અને સ્વાર્પણની હદે જઈ શકે તેવી સેવા જ એવી વસ્તુ છે કે જે સર્વત્ર સુમેળ સ્થાપી શકે અને આપણું એક કુટુંબ બનાવી શકે. જુદાં જુદાં સંગઠનો આ ક્રિયાને કંઈક અંશે મદદ કરી શકે ખરાં, પરંતુ સંગઠન એ આત્માનું સાધન નથી. પૃથ્વી ઉપરનાં સર્વ સંગઠનો પાર્થિવ જ છે; અને એ રીતે તેઓ ઘણી વાર આધ્યાત્મિકતાના વિકાસમાં વિઘ્નકર્તા થઈ પડે છે. ઘણી વાર તો જે પરિણામો લાવવાનું તેમના સ્વભાવમાં જ હોતું નથી તે પરિણામોની આશા તે સંગઠનો પાસેથી રાખીને આપણે તેમની ઉપયોગિતાનો નાશ કરીએ છીએ. સાચા સેવકો તો એકબીજાને સ્વાભાવિક રીતે જ ઓળખી શકે છે, અને પોતે સ્વતંત્ર રહીને જ એકબીજાને મદદ કરે છે. આપણે સર્વ ધર્મોનું વ્યવસ્થિત ફેડરેશન નથી બનાવવું, પરંતુ એક જ ક્ષેત્રમાં કાર્ય કરતા આત્માઓનો સાહજિક અને સ્વતંત્ર સહકાર મેળવવો છે. જગતના મોટા ધર્મો આજે એકબીજાના હરીફ થઈ પડ્યા છે તેનું કારણ તેમના સિદ્ધાંતોમાં તફાવત છે, એ નથી, પણ તે દરેકની પાછળ તેમને નિયંત્રિત કરનાર મોટું સંગઠન હોય છે, એ છે. એ દુ:ખદાયક સ્થિતિથી આપણે સારી પેઠે વાકેફ છીએ.

સંગઠન અને સ્વોત્કર્ષનો સિદ્ધાંત કાયદાકાનૂન અને બળજબરીના સિદ્ધાંતનો વફાદાર મિત્ર બની ગયો છે. તેનાથી અંધ અને દુ:ખપૂર્ણ માનવપ્રવૃત્તિનું ક્ષેત્ર વિસ્તારવામાં મદદ મળે છે એટલું જ. સંખ્યાનું બળ, સંગઠનની વિશાળતા અને સત્તાની કેન્દ્રિતતાએ માણસોમાંથી ન્યાય અને ભલાઈના સ્વાભાવિક સામર્થ્યમાંની શ્રદ્ધાને દૂર કરી છે. સંખ્યા, સંગઠન અને કેન્દ્રિત સત્તા એ ત્રણ જીવંત દેવતાઓને જ આજે માનવજાત પોતાની ભક્તિ અર્પી રહી છે. પ્રચલિત ધર્મો તો આપસઆપસમાં જ લડ્યા કરે છે, જ્યારે બીજી બાજુ વ્યવહારમાં તો તેઓ યુગની ઉપર જણાવેલ ત્રિમૂર્તિને જ શરમભરેલી રીતે તાબે થતા હોય છે.

આપણા જીવનમાં જોવા મળતો એક નાનો પ્રસંગ હું રજૂ કરું તો તમે ક્ષમા આપશો. સિલોનમાં કેન્ડીના વિહારમાં હું એક બૌદ્ધ સાધુ સાથે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની ચર્ચા કરતો હતો. તે સાધુ તેની વિદ્વત્તા અને – ધર્મનિષ્ઠા માટે જાણીતો હતો. બૌદ્ધ ધર્મ પ્રત્યેનો મારો પક્ષપાત તેને બહુ ગમ્યો અને તેણે મને સીધો પ્રશ્ન પૂછો : “તો પછી તમે બૌદ્ધ કેમ નથી બન્યા?” તેનું નિખાલસપણું જોઈ હું ખુશ થયો; અને તેથી તેને મેં રમૂજમાં પૂછ્યું : “હું જો ‘બુદ્ધ’ અને ‘ધર્મ’ને સ્વીકારું પણ ‘સંઘ’નો સ્વીકાર કરવાની ના પાડું, તો તમે મને બૌદ્ધ દીક્ષા આપશો?”

તેણે કહ્યું કે, તે કદી ન બની શકે. મારો પ્રસ્તાવ કબૂલ રાખે એવો તે શાસ્ત્રવિમુખ લોભી નાસ્તિક ન હતો. તેણે તરત જ અનેક શાસ્ત્ર વાક્યો ટાંકી બતાવ્યાં અને જણાવ્યું કે એ ત્રણે રત્નોનો એક સાથે સ્વીકાર કરવામાં ન આવે તો નિર્વાણ સંભવી શકતું નથી.

સંપ્રદાય જેવા સંગઠનની ઉપયોગિતા પ્રત્યે હું દુર્લક્ષ નથી કરતો. સંપ્રદાય લોકોમાં એવી શિસ્ત જમાવી શકે છે કે જેના વડે જ કોઈ પણ સિદ્ધાંત જીવંત ધર્મમાં રૂપાંતર પામે છે. પરંતુ સંપ્રદાયે તો ઝાડની છાલ જેવા રહેવું જોઈએ, કે જે અંદરના ગર્ભને રક્ષણ આપે છે એટલું જ નહીં પણ ઝાડનો પૂરેપૂરો વિકાસ થાય તે માટે દર શિયાળામાં જાતે ફાટી પણ જાય છે. પરંતુ દુર્ભાગ્ય માણસની બાબતમાં એવું બને છે કે તેના સંગઠનો ટૂંક સમયમાં તેનો જ આત્મા ગૂંગળાવનારાં થઈ પડે છે. જીવનરસને છૂટથી વહેતો અટકવનારાં બની જાય છે.

મને હંમેશાં લાગ્યું છે કે સતનું વિરોધી અસત નથી, પણ સત્તા છે. અસતને તો હંમેશ સતને નમતા રહેવું પડે છે કારણ કે તેનું બધું સામર્થ્ય સતના જ ડોળમાંથી પ્રાપ્ત થયેલું હોય છે. સતનું સાચું વિરોધી તત્ત્વ તો સત્તા છે, કે જે સતનું રક્ષણ કરવા કે તેને અમલમાં મૂકવા પ્રવૃત્ત થયું હોય છે ત્યારે પણ હંમેશાં સતને ગૂંગળાવવા, છોભીલું પાડવા કે નબળું કરવામાં જ પરિણમે છે. જગતના ધર્મોએ મધ્યયુગી રાજસત્તાઓના નમૂના પ્રમાણે પોતાનું સંગઠન જમાવવાનો પ્રયત્ન કર્યો અને માની લીધું કે સત્યને જો સત્તાનું પીઠબળ હોય તો તે જલદી પ્રચારમાં આવી શકે. નાસ્તિકતા પણ આનાથી વધુ ભૂંડું કે નુકસાન કરી શકે એમ હું માનતો નથી. જેમ ઈશ્વરને અને ધનસંપત્તિને એકસાથે પૂજી ન શકાય, તેમ સત્ય અને સત્તાને ભેગાં પૂજી જ ન શકાય; સિવાય કે તે બળ સત્યનું જ આંતરિક બળ હોય. તેથી ધર્મોએ સત્તાની જે દૃષ્ટિ અને વિચારસરણી પોતાની આસપાસ ઊભી કરી દીધી છે, તેમાંથી નીકળી જવાનો તેમણે પ્રયત્ન કરવો જ જોઈએ. અહિંસા એ સત્યનું જ વિશિષ્ટ પાસું છે. ખૂબ ઊંડે ઊતરીને તપાસીએ તો ધર્મમાત્રનું હાર્દ સત્ય અને અહિંસા પ્રત્યે એકાંતિક ભક્તિમાં જ રહેલું છે. આયરિશ કવિ ‘એ.ઈ.’ યોગ્ય શબ્દોમાં કહે છે તેમ સત્ય પોતે જ પોતાનું ઉચિત બળ છે.

બધા ધર્મો વચ્ચેના તમામ ઝઘડાના મૂળમાં એ મહાન સત્યનો અસ્વીકાર જ રહેલો છે. ધર્મો પોતાના સત્યથી વિમુખ બની એમ માનવા લાગ્યા છે કે તેમનું સંગઠન, તેમનું સંખ્યાબળ, ટૂંકમાં કહીએ તો તેમની સત્તા, એ જ વસ્તુતાએ તેમનું સત્ય છે. નહીં તો પોતાના સંપ્રદાયના માણસોની સંખ્યા વધારવા માટે આટલી ઇંતેજારી હોઈ શકે ખરી? કે ટોળાબંધ લોકોનું ધર્માંતર કરવાનો અભિમાનભર્યો દાવો સંભવી શકે ખરો? સાચામાં સાચું એકમાત્ર ધર્માંતર તો અસત્યમાંથી સત્યમાં, અંધકારમાંથી જ્યોતિમાં, બૂરામાંથી ભલામાં કે, અન્યાયમાંથી ન્યાયમાં હોઈ શકે અને એ ધર્માંતર તો જગતના બધા ધર્મોના અનુયાયીઓમાં આવવાનું બાકી છે.

દરેક ધર્મના બે અંગ હોય છે : એક તો તેના સિદ્ધાંતો એટલે કે સત્ય; અને બીજું તેનો આચારવિધિ એટલે કે સાધના. અને હિંદુ ધર્મની બલિહારી છે કે તેણે આ વસ્તુ શરૂઆતથી જ જોઈ લીધી. તેણે વળી એ પણ જોઈ લીધું કે તે બેમાંથી આચારવિધિને જ તંત્રબદ્ધ કરી શકાય; નહીં કે સિદ્ધાંતભાગને. તેથી તેણે માણસના વિચારો, કલ્પનાઓ અને ધ્યેયોને પૂરેપૂરાં મુક્ત રહેવા દીધાં. એ કારણે જ આપણને હિંદુ ધર્મમાં ઊંચામાં ઊંચી વેદાંતની ફિલસૂફી તથા વિવિધ દર્શનોની સમૃદ્ધિ જોવા મળે છે. પરંતુ કેવળ બૌદ્ધિક શોધ આપણને કદી સંતુષ્ટ ન કરી શકે. તેથી આપણે જીવનના અખતરાઓ કર્યા અને પરિણામે પોતપોતાના નિશ્ચિત જીવનમાર્ગો અને અચળ આચારવિધિઓવાળા અસંખ્ય સંપ્રદાયો ઊભા થયા. આ આચારવિધિઓ જ માણસની સાંપ્રદાયિક માન્યતાઓને વાસ્તવિક રૂપ આપે છે. પરંતુ પાછળથી આપણા લોકોની બુદ્ધિશક્તિ અને પ્રાણશક્તિ ઉપર કોઈ વિચિત્ર નિષ્ક્રિયતા છવાઈ ગઈ અને તેઓએ પોતાના સિદ્ધાંતો બદલાયા છતાં આચારવિધિ બદલતા જવાનું છોડી દીધું. કદાચ સત્તાએ સત્યને પદભ્રષ્ટ કર્યું અને સાથે સાથે ધર્મને પણ સત્ત્વભ્રષ્ટ કર્યો.

પરમતત્ત્વની કલ્પનાની બાબતમાં અદ્વૈતી અને દ્વૈતી વચ્ચે બે ધ્રુવ જેટલું અંતર છે. પરંતુ તેમનું જીવન તપાસશો તો તમને તેમના આચારમાં કશો તફાવત માલૂમ નહીં પડે. દ્વૈતી કદાચ અદ્વૈતી બની જાય તો પણ તે પ્રમાણે તેના જીવન તરફના દૃષ્ટિબિંદુમાં કે તેના આચાર વિચારવિધિમાં કશો ફેરફાર નહીં થાય. આપણા ફિલસૂફોએ જીવનમાં વ્યાવહારિક અને પારમાર્થિક એવો સગવડભર્યો ભેદ શોધી કાઢ્યો છે અને તેથી જ્યારે સ્વામી વિવેકાનંદ આગળ પંડિતો પોતાની અકર્તવ્યશીલતાના બચાવમાં આ ભેદ રજૂ કરતા ત્યારે સ્વામીજી પોતાની ધીરજ ગુમાવી બેસતા અને ખૂબ ચિડાઈ જતા.

દરેક દર્શનને પોતાને અનુરૂપ સ્મૃતિ હોવી જોઈએ. પરંતુ જૈનો પાસેથી તેમના અહિંસા અને અનેકાન્તવાદને અનુરૂપ સ્મૃતિ મળતી નથી. એમની ‘અર્હન્નીતિ’ એ સામાન્ય કોટિનું પુસ્તક છે. વેદાંતીઓએ તો નિષ્ઠુરતાથી તર્કશુદ્ધ સ્મૃતિ વિચારી કાઢી, પણ તે અનુસાર જીવવાનું યતિઓ અથવા સંન્યાસીઓ માટે અનામત રાખવામાં આવ્યું. અદ્વૈતવાદ સ્વીકારનારા ગૃહસ્થી વેદાંતીએ તો પોતાના જીવનવિધિમાં કશો ફેરફાર નથી કર્યો. આને કારણે દર્શનોની આખી ચર્ચા ચર્ચાપરિષદની નરી જીભાજોડી જેવી બની જાય છે.

જૂના જમાનાના ભાષ્યકારોએ જુદાં જુદાં દર્શનોની તર્કશુદ્ધતા અને તેઓમાં ગર્ભિત રહેલી સૈદ્ધાંતિક માન્યતાઓની એકવાક્યતા પ્રગટ કરી આપી છે. પરંતુ હવે જુદા દાર્શનિક સિદ્ધાંતો અને વિવિધ સાંપ્રદાયિક માન્યતાઓમાંથી ફલિત થતા સામાજિક આચારો બતાવી આપવાનો વખત અર્વાચીન વિચારકો માટે ક્યારનો આવી પહોંચ્યો છે. આ નવી દૃષ્ટિથી આપણાં આસ્તિક તેમ જ નાસ્તિક દર્શનોનો અભ્યાસ કરવામાં આવે તો તેમાંથી નવો તેમ જ ઉપયોગી અર્થ નીકળશે અને આપણો સમાજ પુનર્જીવિત થશે.

જૈન અને શીખ ધર્મ સાથેનો હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જરથોસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ આ બધાનો તેમ જ બીજા ધર્મોનો સામાજિક દૃષ્ટિબિંદુથી અભ્યાસ કરવામાં આવે તો જે પ્રશ્નો આજના માનવસમાજને પજવી રહ્યા છે, તેમનો ઉકેલ જરૂરી મળી આવે.

એ પ્રશ્નો ક્યા છે?

મેં ધર્માંતરના પ્રશ્ન વિશે અત્યાર અગાઉ ઉલ્લેખ કર્યો જ છે; પરંતુ એ ધર્માંતર તે એક ધર્મમાંથી બીજા ધર્મનું નહીં, પણ અસતમાંથી સતનું, અન્યાયમાંથી ન્યાયનું. એ ધર્માંતર આપણે સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પ્રવર્તાવ્યું છે? એ બધાં ક્ષેત્રોમાં આજે જે વિખવાદ મચી રહ્યો છે, તેનું કારણ તે ક્ષેત્રોમાં વ્યાપી રહેલી ન્યાયવૃત્તિનો સદંતર અભાવ છે. ઈશુ ખ્રિસ્તે એમ કહ્યું કહેવાય છે કે રાજાનું છે તે રાજાને આપો; અને ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. એક હિંદુ શાસ્ત્રવચન તો સીધું જ કહી દે છે કે, રાજ્ય ચલાવ્યા પછી તો નરકમાં જ જવું પડે છે. જે માણસ રાજા થઈ બીજાઓનાં જીવન નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે તે નરકમાં જાય છે; સત્તાને જોરે ભરી કાઢેલી રાજાની તિજોરીમાંથી દાન તરીકે મેળવેલું બધું ધન અપવિત્ર છે. તથા કોઈ પણ ધર્માત્મા પુરુષ તેનો સ્વીકાર કરી ભ્રષ્ટ થયા વિના ન રહે.

તો પછી જગતની આર્થિક પરિસ્થિતિની બાબતમાં આ સર્વધર્મ પરિષદનો શો નિર્ણય છે?

મહાન શાંતિસ્થાપક ચળવળો સર્વ પ્રકારનાં યુદ્ધોની સામે હજુ સુધી બિનઅસરકારક એવી હિલચાલો ચલાવી રહી છે; અને બીજી બાજુ સર્વત્ર લશ્કરી સરંજામ પૂરપાટ વધારવામાં જ આવે છે. આ સર્વધર્મ પરિષદ પોતાના અવાજને ભલે અસરકારક ન બનાવી શકે, પણ તેણે એટલું જાહેર તો કરવું જ જોઈએ કે યુદ્ધ એ ચાલુ શોષણપદ્ધતિરૂપી જગદ્‌વ્યાપી રોગના વખતોવખત થતા ઊથલારૂપ છે, અને એ રોગ પોતે નૈતિક જીવનધોરણને ભોગે સાધવામાં આવેલા ખર્ચાળ ભૌતિક જીવનને આભારી છે. આપણે જાહેર કરવું જોઈએ કે ઈશ્વર અને મનુષ્યમાં શ્રદ્ધા રાખનારાઓએ આ બંને જીવનધોરણોને નવેસર તપાસવાં જોઈએ. સમાજમાં રૂઢ થયેલા શીલસદાચાર, અવ્યભિચાર અને સમાજહિતના આદર્શો સામે સર્વત્ર પડકાર ઉઠાવવામાં આવે છે. પ્રાચીન વ્યવસ્થાનો બચાવ આપણે આપ્તવાક્યથી કે શાસ્ત્રોના અર્થ કાઢી બતાવીને કરવા જઈશું તો તે હવે કામમાં આવે તેમ નથી. સામાજિક આદર્શની નવી વ્યાખ્યા દ્વારા ધાર્મિક આદર્શોને લોકોના મનમાં સજીવ કરવા જોઈએ. આ બાબતમાં પણ સંગઠિત વિચાર અને સંગઠિત સંકલ્પ જરૂર મદદ કરી શકે. કામવાસના, કે જે વિવાહનો અને તેથી સામાજિક જીવનનો ખાસ પાયો છે, ભાવનાઓના ચક્રનું એક બળશાળી અંગ છે, તેમ જ આધ્યાત્મિક શક્તિ નિપજાવવા માટેની ખાસ સામગ્રી પણ થઈ શકે છે, તેનો અત્યારે કરવામાં આવે છે તેમ ભૌતિક દૃષ્ટિબિંદુથી નહીં પણ આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી અભ્યાસ કરવો જોઈએ અને તેને વિશે જવાબદાર અખતરા કરવા જોઈએ. આજના ભૌતિક તથા બિનજવાબદાર વલણ તરફ આપણે ઉદાસીન રહી શકીએ નહીં.

જગતના વિવિધ ધર્મો આ રીતે એકઠા મળે તેમાંથી બીજું પરિણામ એ નીપજવું જોઈએ કે લગભગ બધા ધર્મોમાં -અરે ગૂઢતા વિનાના હોવાનો દાવો કરનાર વિજ્ઞાનના ધર્મમાં પણ- જે અંતિમતા અને સત્યના ઈજારદાર હોવાની ભાવના પ્રવર્તે છે, તેમાં પલટો થાય. આ પરિષદના પ્રયત્નોના પરિણામે બધા ધર્મોમાં ઉદારતાની ભાવના વ્યાપવી જોઈએ, જેમ ધર્મશાસ્ત્રને કારણે કાનૂનપદ્ધતિઓ ઉદાર બની છે તેમ. આ કામ ખ્રિસ્તી પાદરીઓ કે બુદ્ધિવાદી મંડળો ઉપર ન છોડી દેવું જોઈએ.

(કાકા કાલેલકર ગ્રંથાવલી-૧૧)

(નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી)

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.