શ્રી ઉ. રત્નપાલ બૌદ્ધ સાધુ છે અને મહાબોધિ સોસાયટીની મદ્રાસ શાખાના વડા છે.

બે હજાર પાંચસો અને બત્રીશ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધના નિર્વાણ પછીના દિવસે, ભગવાન બુદ્ધે દેહાવશેષોની અંતિમક્રિયા કરતાં પહેલાં બૌદ્ધ સાધુઓ, શિષ્યો અને ભક્તો મહાભાગ, મહાકસ્સપના આગમનની રાહ જોઈ રહ્યા હતા. મહાભાગ કસ્સપ એ વખતે પાવાથી કુસીનાસ આવી રહ્યા હતા કે જ્યાં ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા હતા. એ વખતે રસ્તામાં જ એક ભટકતા સાધુએ પોતે કુસીનારાથી જ આવતો હોઈ મહાભાગ મહા કાસ્સપને ભગવાન બુદ્ધના નિર્વાણના સમાચાર આપ્યા. આ સાંભળીને મહાભાગ કાસ્સપ સાથેના ઘણા ભિખુઓ રડવા લાગ્યા. મહાભાગ મહાકાસ્સપના અનુયાયી શિષ્ય ભિખ્ખઓમાં એક વૃદ્ધ ભિખ્ખુ પણ હતો, જે મોટી ઉંમરે ભિખ્ખુ બનેલો. એ ભિખ્ખુ આ બીજા રડતા ભિખ્ખુઓને કહેવા લાગ્યો : “બસ થયું, ભિખ્ખુઓ! હવે બસ કરો. સારું થયું કે, આપણે એ મહાન ભિખ્ખુથી છુટકારો પામ્યા. દિલગીર થવાનું કે શોક કરવાનું કોઈ કારણ નથી. આપણને એમના આદેશો બહુ તકલીફમાં મૂકે છે. આ કરો, આ ન કરો. તમારે આમ કરવું વર્જ્ય છે, આમ કરવું માન્ય છે. પરંતુ હવે આપણને જે ગમતું હશે તે જ કરવું અને નહીં ગમતું હોય તે નહીં કરીએ.”

(મહા પરિનિર્વાણ સત્ર)

આ ઘટના બન્યા પછીનાં થોડાં અઠવાડિયાં પછી ભગવાન બુદ્ધના પ્રારંભના શિષ્યોમાંના પણ વરિષ્ઠ શિષ્ય એવાં મહાકસ્સપે ભિખ્ખુઓને કહ્યું: “મિત્રો, ચાલો આપણે નિયમો અને શિસ્તનું, ધમ્મ અને વિનયનું પારાયણ કરીએ.” પછી રસ્તામાં પેલા ભિખ્ખુએ આપેલ અભિપ્રાય-ટીકાને યાદ કરીને તેમણે કહ્યું, અત્યારથી જ ખોટા નિયમો અને ખોટાં આચરણોનું સેવન શરૂ થઈ ગયું છે. સાચા નિયમો અને આચરણોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભિખ્ખુઓએ આ સૂચનને વધાવી લીધું. ભગવાન બુદ્ધના મહાનિર્વાણ પછીના ત્રીજા મહિને મગધરાજવી અજાતશત્રુના યજમાનપદે રાજગૃહમાં પરિષદ મળી. આ પરિષદમાં માત્ર અરહંતો (મુક્તાત્માઓ) જ ઉપસ્થિતિ રહ્યા હતા. મહાભાગ મહાકસ્સપ ઉપરાંત બીજા બે ભિખ્ખુઓએ આ પરિષદમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. એ હતા મહાભાગ આનંદ તથા મહાભાગ ઉપાલી. તેમણે પરિષદ સમક્ષ ભગવાન બુદ્ધના ઉપદેશને પ્રસ્તુત કર્યો. આ પરિષદમાં જ અરહંતોએ ભગવાન બુદ્ધે જુદા જુદા પ્રસંગોએ કહેલી કેટલીક ‘ગાથાઓ’ (પદ્યરચનાઓ) એકત્રિત કરી અને એક ગ્રંથની રચના કરી, જેનું નામ રાખ્યું ‘ધમ્મપદ’. ત્યારથી આ ગ્રંથ ધમ્મપદ ગ્રંથાત્રયી ‘ત્રિપિટક’નો મહત્ત્વનો ગ્રંથ ગણાય છે.

ઈ.સ. પૂર્વે ર૯મી સદી સુધી આ ગ્રંથ મૌખિક રીતે જ ગુરુઓ પાસેથી શિષ્યોને શીખવાતો રહેલો. પહેલવહેલો એ ગ્રંથ શ્રીલંકાના રાજવી વટ્ટગામણિ અભયના યજમાનપદે લિખિત સ્વરૂપ પામ્યો.

ભગવાન બુદ્ધનો સમગ્ર ઉપદેશ ‘ત્રિપિટક’ ‘ત્રણ ટોપલીઓ’ના નામે ઓળખાય છે. આ ત્રણેયનાં નામ આ પ્રમાણે છે : વિનય પિટક, અભિધમ્મ પિટક તથા સુત્ત પિટક. આમાંથી વિનયપિટક પાંચ ખંડોનો બનેલો છે અને તેમાં મુખ્યત્વે ભિખ્ખુઓએ પાળવાના નિયમોનો સમાવેશ થયેલો છે. અભિધમ્મ પિટકમાં બુદ્ધના ઉચ્ચ ઉપદેશોનો સમાવેશ થાય છે. અને તેના સાત ખંડો છે. સુત્તપિટકમાં મુખ્યત્વે બુદ્ધનાં જુદાં જુદાં પ્રવચનોનો સમાવેશ થાય છે અને તેમાં પાંચ ખંડો છે, જેમાંનો એક ખંડ તે ખુદૃકાણિક્ય છે. ખુદૃકાણિક્ય ખંડ પાછો પંદર પેટાખંડોમાં વહેંચાયેલો છે. ખુદૃકાણિક્યના બીજા ખંડમાં ધમ્મપદનો સમાવેશ થયેલો છે. શબ્દના વ્યુત્પત્તિ-શાસ્ત્રની દૃષ્ટિએ ધમ્મપદનો અર્થ થાય છે ધર્મનો એક ભાગ, ધર્મનો એક માર્ગ, સત્યનો માર્ગ. ત્રિપિટકમાંથી આ ગ્રંથ સૌથી વધુ લોકપ્રિય થયેલ છે. હિંદુઓ માટે જે મહત્ત્વ ગીતાનું છે તે બૌદ્ધો માટે ધમ્મપદનું છે. શ્રમણોએ આ ગ્રંથ કંઠસ્થ કરવાનો હોય છે અને તેમને બુદ્ધે ભિખ્ખુ પરંપરામાં વધુ આગળની પદવી ઉપસંપદા આપવાની હોય ત્યારે કસોટીમાં આમાંના કોઈ પણ પુછાયેલા ભાગને મૌખિક પરીક્ષામાં બોલી બતાવવાના હોય છે. બૌદ્ધ ધર્મી દેશોમાં આ ધમ્મપદ પાલીભાષામાં તથા પોતપોતાની ભાષામાં પણ ઉપલબ્ધ છે. પ્રાચીન ભારતમાં આનાં સંસ્કૃત તથા પ્રાકૃત સંસ્કરણો પણ પ્રાપ્ય હતા. પરંતુ ભારતમાંથી બૌદ્ધ ધર્મની વિદાય સાથે એ ગ્રંથો પણ લુપ્ત થઈ ગયા. તિબેટ અને ચીનમાં બૌદ્ધ મઠોમાં આના તિબેટી તથા ચીની અનુવાદો સચવાયા છે. જો કે થોડા વખત પહેલાં મધ્ય એશિયાના કેટલાક મઠોમાંથી આ સંસ્કૃત-પ્રાકૃત સંસ્કરણો પણ મળી આવ્યાં છે. ધમ્મપદના અનુવાદો વિશ્વની ઘણી ભાષાઓમાં થયા છે. ડો. ફાઉઝ બોલે ધમ્મપદનું લેટિન ભાષાંતર ઈ.સ. ૧૮૮૪માં પ્રગટ કર્યું ત્યારથી પશ્ચિમ દુનિયા ધમ્મપદથી પરિચિત થઈ. ડો. મેક્સમૂલરે ૧૮૮૯માં તેનો સર્વપ્રથમ અંગ્રેજી અનુવાદ પ્રગટ કર્યો. આજે આ મૂલ્યવાન ગ્રંથના ચાલીસથી વધુ અંગ્રેજી અનુવાદો સુલભ છે. ધમ્મપદમાં બુદ્ધના ઉપદેશોનો સાર સુંદર ભાવવાહી હોય એવી ૪૨૩ રચનાઓમાં સીધી ભાષામાં અને ૨૬ પ્રકરણોમાં સંગ્રહાયેલ છે.

હિન્દી બૌદ્ધ ભિખ્ખુ મહાભાગ બુદ્ધઘોષે ધમ્મપદ પર ટીકા ઈ.સ. ૪૦૦ આસપાસ લખી છે. આ ટીકા ‘ધમ્મપદત્થ કથા’ તરીકે જાણીતી છે. તેમણે આ ટીકામાં દરેક શ્લોક-ગાથા ને સમજાવી છે, એટલું જ નહીં પરંતુ, તે કોને તથા ક્યારે સંબોધીને કહેવાય છે તે પણ દર્શાવ્યું છે. આ ટીકાનો અંગ્રેજી અનુવાદ ઈ. ડબલ્યુ બર્મિંગહામે હાવર્ડ ઓરિએન્ટલ સીરીઝમાં પ્રગટ કર્યો છે.

ભગવાન બુદ્ધે લગભગ ૪૫ વર્ષો સુધી જુદાં જુદાં સ્થળે ફરીને લોકોને ધર્મોપદેશ આપેલો. ઘણા તેમની પાસે પોતાના વૈયક્તિક, કૌટુંબિક, સાંસારિક અને આધ્યાત્મિક પ્રશ્નો લઈને આવતા. દાખલા તરીકે, પત્કારા નામની સ્ત્રી તેમની પાસે આવેલી, જેણે એક જ દિવસે એકી સાથે કરુણ સંજોગોમાં પોતાનો પતિ, બાળકો, મા-બાપ તથા એકમાત્ર ભાઈને ગુમાવેલાં. કિસા ગોતમી મૃતબાળકને જીવનદાન આપવાની વિનંતી સાથે આવેલી. ધમ્મપદના શ્લોકોમાં બુદ્ધે આવા કિસ્સાઓમાં તેમને આપેલા ઉપદેશોનો સમાવેશ થયેલો છે. આવા ૩૦ કિસ્સાઓના ઉપદેશો અહીં સંગ્રહાયા છે. બુદ્ધના આ ઉપદેશો અનેક ઉપમાઓથી અલંકૃત છે. દા.ત, સર્વપ્રથમ શ્લોકમાં જ ગાડાના પૈડાની ઉપમા અપાઈ છે. જે બળદ દ્વારા ખેચાતાં ધરી આસપાસ ફરે છે. એમજ માણસે કરેલાં કુકર્મ તેની આસપાસ ફરે છે. બીજા શ્લોકમાં વ્યક્તિના પડછાયાની ઉપમા દ્વારા મનુષ્યે કરેલાં સત્કર્મો તેને કેવી રીતે અનુસરે છે તે સમજાવ્યું છે.

મનુષ્યનાં દુ:ખોના બારામાં બુદ્ધે પોતાના ઉપદેશ આપ્યા છે. આ દુ:ખોનો ઉપાય શોધવા માટે થઈને જ તેમણે સંસારનાં વૈભવી સુખોનો ત્યાગ કરેલો.

આ દુ:ખોના અનુભવોથી ઊંચે ઊઠીને તેમાંથી મુક્તિ પામ્યા પછી તેઓ સંસારના દુ:ખી મનુષ્યોને વીસરી ગયા નહોતા. એથી જ તેમણે લોકોને સૌથી શ્રેષ્ઠ સુખ પામવાનો માર્ગ બતાવેલો. ગૃહસ્થીઓ આ માર્ગને સંપૂર્ણ રીતે અનુસરવા અશક્ત હતા. પરંતુ તેનાથી તેઓ નિરાશ નહોતા થયા. એમણે ગૃહસ્થ રહીને પણ સુખી જીવન કેમ જીવી શકાય તે તેમને શીખવ્યું. તેમણે લોકોને કહ્યું કે, નૈતિક આચરણવાળું જીવન જ સુખ આપી શકે. તેમણે લોકોને ખરાબ કાર્યોના માર્ગથી દૂર રહેવાનો અને સત્કાર્યના માર્ગે ચાલવા અનુરોધ કરેલો. મનુષ્ય પોતાના સ્વૈચ્છિક કે અજાણ સત્કર્મ કે દુષ્ટકર્મ પ્રમાણે સુખ કે દુ:ખ ભોગવે છે. તે અહીં દુ:ખી થાય છે અને પરભવમાં પણ દુઃખી થાય છે. દુષ્કર્મોનો કરનાર બન્ને સ્થિતિમાં દુ:ખી જ થાય છે. તે પોતાનાં જ અશુદ્ધ કર્મોનો ભોગ બની દુ:ખનો અનુભવ કરે છે. (૧૫મો શ્લોક) જ્યારે બીજી બાજુ તે અહીં પણ સુખી છે, પરભવમાં પણ સુખી છે. બન્ને સ્થિતિમાં સત્કર્મોનો કરનાર સુખી થાય છે. તે પોતાનાં સત્કર્મોના પરિણામે સુખનો અનુભવ કરે છે. (શ્લોક ૧૬મો) બુદ્ધે સામાન્યજનને અહીં અને પરલોકમાં સુખનો અનુભવ કરવા માટે આ પાંચ આજ્ઞાનું પાલન કરવા કહેલું. “કોઈને હણો નહીં, જૂઠું ન બોલો, વ્યભિચાર ન કરો, ચોરી ન કરો, કેફી પીણાં ન પીઓ.” જે પાંચ આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે છે તેમને, બુદ્ધ કહે છે, જેઓ જીવહિંસા કરે છે, જૂઠું બોલે છે, જે તેમનું નથી તે લઈ લ્યે છે, બીજાની પત્ની સાથે સમાગમ કરે છે, અને કેફી પીણાં પીએ છે તે વ્યક્તિ પોતે જ પોતાનાં મૂળ ખોદે છે – નાશ નોતરે છે. (શ્લોક ૨૪૬ – ૨૪૭)

ધમ્મપદના એક પ્રકરણ ‘બાલા વગ્ગા’ (મૂર્ખ ઉપરનું પ્રકરણ) અનુસાર અજ્ઞાની માણસ દુષ્ટતાને દુષ્ટતા તરીકે ઓળખતા નથી અને તેવાં દુષ્ટ કૃત્યોમાં જ રમમાણ રહે છે અને તેનાં પરિણામોનો અનુભવ તાત્કાલિક થતો નથી.

નહીં પાપમ્ ક-તમ કમ્મમ
સજ્જુ કિર્થ્વા મુક્તિ;
દહન્તર્થ બલમ્ અન્વેતિ,
ભસ્માચ્છનોવ પાવકો.

‘ખરેખર, દુષ્કર્મ તત્કાળ ફળ આપતું નથી. જેમ દૂધ મેળવતાંવેંત તેનું દહીં થતું નથી; એ મૂર્ખની પાછળ રાખમાં છૂપાયેલા અગ્નિની જેમ ભમે છે.’

ધમ્મપદના બીજા એક પ્રકરણ ‘પાપ વગ્ગા’માં પણ ઘણા બધા શ્લોકો નૈતિક મૂલ્યો અંગેના છે. એક શ્લોક (૧૨૧) સૂચવે છે કે, નાનામાં નાનું દુષ્કર્મ પણ ભયંકર છે. અહીં ટીપે ટીપે ભરાતા ઘડાની ઉપમા આપી છે. ૩૧૮મા શ્લોકમાં, લોકો દુષ્કૃત્યોમાં રચ્યાપચ્યા રહે છે તેમની સ્થિતિનો ખ્યાલ આપવામાં આવ્યો છે. જેમ માણસ દુષ્કર્મના પરિણામથી બચી શકતો નથી તેમ જ તે સત્કર્મના પરિણામથી પણ બાકાત રહી શકતો નથી.

“ન તો આકાશમાં કે ન તો સાગરની મધ્યમાં કે ન તો પર્વતની ગુફામાં, આ પૃથ્વી પર એવું એકપણ સ્થળ માણસ શોધી શકે તેમ નથી કે જ્યાં છુપાઈને તે પોતાનાં દુષ્કૃત્યનાં પરિણામથી બચી શકે.”

(૧૨૭મો શ્લોક)

જે સારાં કાર્યો કરે છે, ઉચ્ચ નૈતિક જીવન જીવે છે તે અહીં અને પરલોકમાં પણ સુખનો અનુભવ કરે છે. તેની કીર્તિ ચારે દિશામાં પ્રસરે છે. આમ, નૈતિક જીવનનું ગૌરવ કરતાં બે પ્રકરણો ‘યમક અપ્પમદ’ અને ‘પક્ફા’ (પુષ્પ) નામના છે. ‘બાલા’ (મુર્ખ), ‘પાપ’ (દુષ્ટતા) અને ‘નિરયા’ (ખરાબ સ્થિતિ) વર્ણવાયેલ છે.

દરેક સામાન્ય માણસ આમ જુઓ તો બગડેલો છે. આ બગાડ માત્ર આ જિંદગી પૂરતા જ પ્રશ્નો ઊભા નથી કરતો, પણ આવનારા જન્મો માટે પણ પ્રશ્નો ઊભા કરે છે. આના કારણે જ તેને એક પછી એક એમ જન્મો લેવા પડે છે. આ બગાડ પૈકીનાં કેટલાંક; ધિક્કાર, આસક્તિ અને તૃષ્ણા. ધિક્કાર-વેર-ને કારણે કેટલાંક કુટુંબો પેઢી દર પેઢી એકબીજા પ્રત્યે વેરભાવથી વર્તે છે. વેરથી શાંતિ મળતી નથી. એ તો પરિસ્થિતિને ઊલટી વધુ બગાડે છે. પાંચમાં શ્લોકમાં કહ્યું છે કે, વેરથી વેર શાંત થતું નથી માત્ર પ્રેમથી જ તે શમે છે. તૃષ્ણા એ જન્મ-મરણનાં મૂળ કારણો પૈકીનું એક કારણ છે. જ્યાં સુધી વ્યક્તિ તૃષ્ણામાંથી મુક્ત થતી નથી ત્યાં સુધી તેનું સંસારમાં આવાગમન ચાલ્યા જ કરે છે. તૃષ્ણાના વ્યસની માણસના જીવનમાં બેદરકારી વેલાની માફક વધે છે. ફળના લોભી જંગલના વાંદરાની માફક તે એક જિંદગીથી બીજી જિંદગી પર ઠેકડા માર્યા કરે છે. (શ્લોક ૩૩૪) જ્યાં સુધી તૃષ્ણાને જડમૂળથી દૂર કરવામાં આવતી નથી ત્યાં સુધી દુ:ખ વારંવાર આવ્યા જ કરે છે. પણ એક વાર તેને ઉખેડી નાખવામાં આવે કે પછી કોઈ દુ:ખ કે શોક રહેતાં જ નથી. “તન્હા વગ્ગા’ (તૃષ્ણા-પરનું પ્રકરણ)માં તૃષ્ણા અંગેની જ વાતો છે. એ જ રીતે, ‘પિય વગ્ગા’ (પ્રેમ-પરનું પ્રકરણ)માં દુન્યવી પ્રેમનાં જોખમો અંગે ચેતવણીઓ આપવામાં આવી છે. આને કારણે જ માણસ સતત શોક કે ડરનો અનુભવ કર્યા કરે છે. એમાંથી મુક્ત થનાર માટે પછી ન તો શોક છે, ન દુ:ખ.

“ચિત્ત વગ્ગા” (ચિત્ત-મન અંગેનું પ્રકરણ) બુદ્ધના મત અંગેના ખ્યાલો રજૂ કરે છે. મન તો દુરંગમમ્, એકાકારમ્, અશરીરમ્, ગૃહસ્થમ્ છે. જે દૂરદૂર, એકલું ભટકતું અશરિરી અને ગુફામાં વસનારું છે. (શ્લોક ૩૭) તેની ચોકી કરવી મુશ્કેલ છે, તેના પર અંકુશ રાખવો કઠિન છે. એ તો એક ઝાડ પરથી બીજા ઝાડ પર ઠેકડા મારતા મર્કટ (વાંદરા)ના જેવું છે. જેની ચોકી કરવામાં નથી આવી એવું મન મોટામાં મોટો દુશ્મન છે જ્યારે સારી રીતે રક્ષાયેલું મન મોટામાં મોટો મિત્ર છે. જે ન તો મા-બાપ, જે ન કોઈ સગા-સંબંધી કરી શકે છે તે કામ સારી રીતે દોરવણી અપાયેલું મન કરી શકે છે અને વ્યક્તિને ઊર્ધ્વગામી બનાવે છે. (૪૩મો શ્લોક) સંયમિત મન આ દસ સદ્‌ગુણો ધરાવે છે : ઉદારતા, નૈતિકતા, ધ્યાન, જીવમાત્ર પ્રત્યે આદર, સેવા, સદ્‌ગુણોને બીજામાં ઉતારવાની શક્તિ, બીજાઓનાં સારાં કાર્યોથી આનંદ પામવાની વૃત્તિ, ધર્મશ્રવણ, ધર્માચરણ અને નિજ વિચારોને સન્માર્ગે દૃઢ કરવા.

ગૃહસ્થી તરીકે, હમેશા આધ્યાત્મિક માર્ગનો પ્રવાસ ખેડવો સરળ નથી હોતો. તેની તીવ્ર ઈચ્છા તેની પાસે ગૃહત્યાગ કરાવીને ભિખ્ખુના જીવનનો સ્વીકાર કરાવે છે. પરંતુ ત્યાગમાર્ગ પણ કંઈ સરળ તો નથી જ. ‘ત્યાગ કરવો કઠણ છે, ત્યાગમાં આનંદ પામવો પણ મુશ્કેલ છે’. (૩૦૨મો શ્લોક) એક વાર ત્યાગીનો અંચળો ઓઢ્યો પછી તો એ જીવન રીતિ કે જે કંઈ મળે તે જ રીતે જ જીવવું રહ્યું. પોતે જે પવિત્ર અંચળો (ઝભ્ભો) પહેર્યો છે તેને પાત્ર બનવું રહ્યું. પણ શી રીતે? તેણે નૈતિકતામાં દૃઢ થવું જોઈએ, આત્મસંયમ કેળવીને સત્યના માર્ગનું અનુસરણ કરવું જોઈએ. તેણે તમામ ડાઘ ધોઈને સ્વચ્છ થવું જોઈએ. (શ્લોક-૧૦) બુદ્ધે ત્યાગીઓને ( ભિખ્ખુઓને) ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવવાની અને મોક્ષ પામવા બધું જ કરી છૂટવાની સલાહ આપી છે. ભિખ્ખુનાં લક્ષણો વર્ણવતાં બુદ્ધ કહે છે; જેણે પોતાના હાથ, પગ, વાણી અને મસ્તિષ્ક પર કાબૂ મેળવ્યો છે, જેને ધ્યાનમાં આનંદ આવે છે, જે આત્મસ્થ છે, સ્વસ્થ છે, જે એકલો છે છતાં સંતોષી છે તેને ભિખ્ખુ કહે છે. (૩૬રમો શ્લોક) એક માણસે સંસારમાંથી નિવૃત્તિ લઈને ત્યાગીની જેમ ભટકવાનું શરૂ કરેલું, કે જેથી તે ભિક્ષા માગી શકે છે. બુદ્ધને જોઈને આ માણસે બુદ્ધને કહ્યું કે, એને ભિખ્ખુ તરીકે સંબોધવામાં આવે. બુદ્ધે કહ્યું; બીજા પાસે માત્ર ભીખ માગવાથી જ કોઈ ભિખ્ખુ બની જતું નથી, પરંતુ નૈતિક ધર્મોના બધા નિયમોનું પાલન કરીને જ ભિખ્ખુ થઈ શકાય છે. જે માણસ સારા અને નરસાથી પર થઈ ગયો છે. જેનું વર્તન ઊર્ધ્વગામી છે, જે સમસ્ત સંસાર સાથે સમજણપૂર્વક રહે છે, તે જ ખરેખરો ભિખ્ખુ કહેવાય. (શ્લોક-૨૬૬-૬૭) આમ, ભિખ્ખુનાં લક્ષણો વર્ણવતા શ્લોકો ‘ધમ્મપદ વગ્ગા’ અને ‘ભિખ્ખુ વગ્ગા’ પ્રકરણોમાં મળે છે.

દુ:ખમાંથી મુક્તિ મેળવવાનો અને આત્મ સાક્ષાત્કાર કરવાનો માર્ગ એ શ્રેષ્ઠ અષ્ટાંગ માર્ગ છે.

અષ્ટાંગ માર્ગનાં આ આઠ અંગો આ પ્રમાણે છે : સાચી સમજ, સાચો વિચાર, સાચી વાણી, સાચું વર્તન, સાચી જીવન શૈલી, સાચો પ્રયત્ન, સાચી જાગરુક્તા અને સાચી એકાગ્રતા.

બુદ્ધ કહે છે : ‘આ માર્ગે પ્રવેશ કરીને જ તમે દુ:ખોનો અંત લખી શકશો. દુગુર્ણરૂપી કંટકોને દૂર કરીને જ તમે મેં શીખવેલા માર્ગે જઈ શકશો. (શ્લોક-૨૭૫) આ ઉમદા અષ્ટાંગ માર્ગ પણ ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે. નૈતિકતા, એકાગ્રતા અને શાણપણ. ભિખ્ખુનો આદર્શ-ધ્યેય-આ ત્રણનો વિકાસ કરવાનો જ હોઈ શકે. ગૃહમાંથી ગૃહવિહોણી થયેલ શાણી વ્યક્તિએ બધા દુર્ગુણો છોડવા જ જોઈએ અને શુભ કર્મોનો વિકાસ કરવો જોઈએ. અનાસક્તિમાં જ તેણે આનંદ માણવો જોઈએ, જે મેળવવું, પ્રાપ્ત કરવું ખૂબ જ કઠિન છે. ઈન્દ્રિયોના આનંદો છોડવા જોઈએ. તેમ જ નબળાઈઓ પણ ખંખેરી નાંખવી જોઈએ. (ઈન્દ્રિયોની ભોગ લાલસા, ખરાબ ઈચ્છાઓ, આળસ, અસ્વસ્થતા, ચિંતા કરવાની ટેવ, અનિર્ણાયત્મકતા) શાણા માણસે આ બધી મનની નબળાઈઓથી પોતાની જાતને મુક્ત અને સ્વચ્છ કરવી જોઈએ. (શ્લોક ૮૭-૮૯) ધ્યાન કરવાથી મનની આ નબળાઈઓ દૂર થાય છે અને શાણપણ પ્રગટે છે.

ધ્યાનથી શાણપણ પ્રગટે છે. ધ્યાન વગર શાણપણ નાશ પામે છે. પ્રાપ્તિ અને ગુમાવવાના આ બે માર્ગને જાણીને દરેકે એવી રીતે વર્તવું જોઈએ કે, શાણપણમાં સતત વધારો થતો રહે. (શ્લોક-૨૮૨)

આ નબળાઈઓને દૂર કરવાના પણ ચાર તબક્કા છે. જે પછી અરહંત પદ પ્રાપ્ત થાય છે. પ્રથમ તબક્કો છે. ‘સત્તપત્તી’. આ તબક્કે માણસ એટલી આંતરિક શક્તિ પામી સમર્થ બને છે કે, પાંચ નિમ્નતાઓ નિર્મૂળ થાય છે. વ્યક્તિ શ્રદ્ધા, શંકાશીલતા, ક્રિયાકાંડ પ્રત્યેની આસક્તિ. અહીંથી આગળનું પ્રાપ્ત કર્યા સિવાય જો તે મૃત્યુ પામે તો અંતિમ પ્રાપ્તિ પહેલાં તેણે સાત જન્મો લેવા પડે છે. પરંતુ આ દરમ્યાનમાં તે ખરાબ સ્થિતિમાં જન્મ નહીં પામે. ધમ્મપદ (શ્લોક ૧૭૮) કહે છે : પૃથ્વી પરના સંપૂર્ણ આધિપત્યથીયે વિશેષ, સ્વર્ગમાં જવાથીયે વિશેષ, તમામ વિશ્વોના ધણી થવાથીયે અધિક સત્તપત્તીનું ફળ છે.

બીજો તબક્કો છે સકદગામી (એકવાર પાછો આવનાર). એ આ તબક્કે ચોથી અને પાંચમી નિમ્નતાઓ ભાંગી શકતો નથી પરંતુ તેમને નબળી પાડી શકે છે –કામ- રાગ તથા ક્રોધ. જો સકદગામી વ્યક્તિ વધુ પ્રગતિ પહેલાં મૃત્યુ પામે તો તે અંતિમ પ્રાપ્તિ પહેલાં વધુ એક જન્મ લેશે.

ત્રીજો તબક્કો અનગામી (પાછો ન આવનાર). આ સ્થિતિ પ્રાપ્ત કરનાર અગાઉ વર્ણવેલ પાંચેય નિમ્નતાઓ ખંખેરી તેનાથી પર થઈ ગયો હોય છે. તે જો આત્મસાક્ષાત્કાર પામ્યા પહેલાં જ મૃત્યુ પામે તો તેનો તે પછીનો જન્મ શુદ્ધ યોગી તરીકેનો થાય અને આ જન્મમાં જ સામાન્ય માણસની નીચલી કક્ષાએ આવ્યા સિવાય જ તે નિર્વાણ પામે.

ચોથો અને આખરી તબક્કો છે અરહંત પદનો. આ પદે વ્યક્તિ પાંચ નિમ્ન નબળાઈઓ અને પાંચ ઉચ્ચ નબળાઈઓનો ત્યાગ કરીને પહોંચે છે. એ પાંચ ઉચ્ચ નબળાઈઓ છે : પૃથ્વીમાં સાકાર અસ્તિત્વ ધરાવવાની ઈચ્છા (રૂપ-રાગ), નિરાકાર વિશ્વમાં અસ્તિત્વ ધરાવવાની ઈચ્છા (અરૂપ-રાગ), માન, ચંચળતા અને અજ્ઞાન (*અવિજની). આ પદે પહોંચનાર માટે હવે પછી જન્મ લેવાનું રહેતું નથી. તે આ જ જીવનમાં મોક્ષ-નિર્વાણ પામે છે. તેણે પુનર્જન્મની બધી જ કડીઓ તોડી નાખી છે. આ અરહંતનો સ્વભાવ કેવો હોય? બુદ્ધ કહે છે : ‘તેનું મન શાંત છે, તેની વાણી શાંત છે, તેનાં કાર્યો પણ શાંત છે. તે બધું જ સારી રીતે જાણે છે, તે બધાથી મુક્ત સંપૂર્ણ શાંત અને સ્થિર-સ્વસ્થ છે’. (શ્લોક ૯૬) જેણે આ માર્ગે મુસાફરી પૂરી કરી છે, જે અશોક છે, જે બધાંમાંથી મુક્ત થયેલ છે, જેણે બધા જ બંધનો તોડી નાખ્યા છે તેને માટે કામનાનો કોઈ તાપ અસ્તિત્વ ધરાવતો નથી.’ (શ્લોક-૯૦)

‘બ્રાહ્મણ વગ્ગા’ પ્રકરણમાં બુદ્ધ, જેણે સાક્ષાત્કાર કર્યો છે તેમને માટે ‘બ્રાહ્મણ’ વિશેષણ વાપરે છે. ‘અરહંત’ અને ‘બ્રાહ્મણ’ આ બન્ને વિશેષણો એક જ સ્થિતિ પ્રાપ્ત કરનાર માટે વપરાયેલ છે. એ દિવસોમાં (આજે પણ) જે અર્થમાં બ્રાહ્મણ શબ્દ વપરાય છે તે અર્થમાં બુદ્ધ બ્રાહ્મણ શબ્દ યોજ્યો નથી. તેણે બ્રાહ્મણને ઘેર જન્મ્યો માટે બ્રાહ્મણ એ વિચારનો જ સ્વીકાર નથી કર્યો, ‘જે બધી નબળાઈઓથી, બધી જ વળગણોથી મુક્ત છે તેને જ હું બ્રાહ્મણ કહું છું’. (શ્લોક ૩૯૬). બીજો શ્લોક વધુમાં કહે છે કે, જેણે બધી જ નબળાઈઓનાં બંધનો કાપી નાંખ્યા છે, જે ધ્રૂજતો નથી, જે બંધનોથી પર થઈ ગયો છે, જે સર્વથા મુક્ત છે તેને જ હું બ્રાહ્મણ કહું છું. (શ્લોક *૩૯૭)

જ્યાં આત્મસાક્ષાત્કાર કરનાર વ્યક્તિ (અરહંત) હોય છે ત્યાં પવિત્રતા અને શાંતિ હોય છે. ‘જંગલમાં હોય કે ગામમાં, ખીણમાં હોય કે ટેકરી પર, જ્યાં પણ અરહંત રહે છે ત્યાં ત્યાં તે સ્થળ આનંદમય હોય છે’. (શ્લોક -૯૮)

‘બુદ્ધ વગ્ગા’ પ્રકરણમાં પણ અરહંત અંગેના શ્લોક છે. બુદ્ધ પોતે પણ અરહંત હતા પરંતુ એક મુખ્ય તફાવત સાથે. બુદ્ધ સર્વોચ્ચ કક્ષાએ પહોંચેલા – પ્રાપ્તિ કરી ચૂકેલા હતા. તેમણે જ મોક્ષ – નિર્વાણ પામવાના આ ખોવાઈ ગયેલા અષ્ટાંગ માર્ગને પાછો શોધી કાઢ્યો. શિષ્ય આ માર્ગને અનુસરીને અરહંત પદ પામી શકે છે. એક જ વખતે અનેક અરહંતો હોઈ શકે છે. પરંતુ એક જ સમયમાં એક કરતાં વધુ બુદ્ધ હોઈ શકતા નથી. બુદ્ધનો જન્મ તો એક વિરલ ઘટના છે. એથી જ “સુખદાયક છે બુદ્ધનો જન્મ, સુખદાયક છે બુદ્ધનો ઉપદેશ ઉત્તમ ધમ્મ” (શ્લોક-૧૯૪)

ભાષાંતરકાર : શ્રી દીપક પ્ર. મહેતા

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.