પ્રસિદ્ધ વિદ્વાન શ્રી અકબરઅલી જસદણવાળા પોતાના આ સંક્ષેપ લેખમાં ઈસ્લામ ધર્મની રૂપરેખા આપી દર્શાવે છે કે ઈસ્લામનો પ્રકાશ અન્ય ધર્મોના જેવો જ છે.

મારે આપને ઈસ્લામ ધર્મ વિષે બે વાતો કહેવાની છે. હું આપને ઈસ્લામ ધર્મના સ્વરૂપનો એટલે કે ઈસ્લામની આચારસંહિતાનો પરિચય આપું તે પહેલાં, “ધર્મ” શબ્દ ઉપર ભાર મૂકી થોડું ચિંતન કરી લઈએ.

ધર્મ એટલે શું? ધર્મનો ઉગમ ક્યારે થાય? ધર્મનું હાર્દ શું છે? ધર્મનું લક્ષ્ય શું હોય છે?

મનુષ્યનું ચૈતન્ય જ્યારે પોતાના શરીર ઉપર, પોતાના હૃદય ઉપર, પોતાના મન ઉપર અને અહમ્ ઉપર આધિપત્ય સ્થાપવા માગે, અર્થાત્ મનુષ્ય જ્યારે જીવનની ખેંચતાણોથી વિષાદ અનુભવી આત્મસ્થ થવા માગે ત્યારે ધર્મનો ઉગમ થાય છે. મનુષ્યને સ્થિતપ્રજ્ઞ થવાની, આત્મસ્થ રહેવાની, જન્મમરણની મર્યાદા ઓળંગી તેના આત્માનું પરમાત્મા સાથે અનુસંધાન કરવાની પ્રેરણા આપવી એ ધર્મનું હાર્દ છે. ધર્મનું લક્ષ્ય મનુષ્યને ઈશ્વરમય કરી, માનવજીવનને ઐશ્વર્ય અને દૈવત પ્રદાન કરવાનું છે.

અનાદિ કાળથી આ વિષયમાં સતત ચિંતન મનન થતું આવ્યું છે અને માનવ કુળની અનેક વિરલ વ્યક્તિઓએ ચિંતન, મનન અને ભગીરથ પુરુષાર્થ કરી પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. બ્રહ્માનુભવની અભિવ્યક્તિ બહુધા મૌન દ્વારા જ થઈ શકે છે. પરંતુ આપણા સદ્‌ભાગ્યે કેટલાક મહાપુરુષોએ પરમ સત્યની અનુભૂતિને વાચા આપી છે. આવી અસાધારણ અને અલૌકિક અભિવ્યક્તિને આપણે વેદ-ઉપનિષદ કહીએ છીએ. ઝીન્દાવસ્તા કહીએ છીએ, તોરાત કહીએ છીએ, ત્રિપિટક કહીએ છીએ, બાઈબલ-કુરાન કે ગીતા કહીએ છીએ. અલબત્ત, બધાં ધર્મશાસ્ત્રો જુદાં જુદાં કાર્યબદ્ધ અને જુદાં જુદાં સ્થળે પ્રાપ્ત થયાં છે. જુદી જુદી ભાષાઓમાં છે. તેમની શૈલીમાં અને પ્રતીકોમાં ભિન્નતા છે. પણ જો સદ્‌ભાવપૂર્વક અભ્યાસ કરીએ તો બધું વૈવિધ્ય ઓગળી જાય છે અને એવું લાગે છે કે, આ બધાં ધર્મશાસ્ત્રોમાં એક જ બ્રહ્મનાદ ગૂંજી રહ્યો છે. તેમાંથી એક જ સાર અને એક જ સૂર નીકળે છે કે, સકળ બ્રહ્માંડની નિર્માતાશક્તિ એક જ છે. મનુષ્યનું ચૈતન્ય કહો કે તેને આત્મા કહો એ જ પરમ પ્રકાશનું કિરણ છે. માણસ જાતથી માંડીને સમસ્ત અસ્તિત્વ એ જ પરમ પ્રકાશની કિરણાવલી છે. મનુષ્યે પોતાનામાં જ એ પરમ શક્તિને અનુભવવી જોઈએ અને સમસ્ત અસ્તિત્વમાં સર્વભુતેષુ બસ પરમાત્માને અનુભવવા જોઈએ અને આ અનુભૂતિ જિવાડે એમ જીવવું જોઈએ. સદ્ભાવપૂર્વક યથાશક્તિ અભ્યાસ કર્યા પછી મારી માન્યતા છે કે, જગતના બધા ધર્મો મનુષ્યને ઈશ્વર સુધી અંબાવવાના અને માનવ જીવનને ઐશ્વર્ય અને દૈવત પ્રદાન કરવાના પુરુષાર્થો છે. હું ઈસ્લામ ધર્મનું પાલન કરું છું. મારો ધર્મ મારી આ માન્યતાને સમર્થન આપે છે.

ઈસ્લામ ધર્મની બુનિયાદ એકેશ્વરવાદ છે. હજરત મહંમદ પયગંબરને પરમાત્માનો સાક્ષાત્કાર થયો ત્યારે તેમના મુખેથી શબ્દ સરી પડ્યો કે “લા ઈલાહા ઇલ્લલ્લાહ” “લા ઈલાહા ઈલ્લલ્લાહ”નો અર્થ ઈશ્વર એકમ્ એવ અદ્વિતીય હોવાનો ઈકરાર. કુરાન શરીફમાં સવિસ્તર રીતે અલ્લાહની ઓળખ આપવામાં આવી છે. તેનો સંક્ષિપ્ત સાર એ છે કે, અલ્લાહ “વહદહુ લાશરી ક” – એકમ્ એવં અદ્વિતીયમ્ છે. તે સકળ સૃષ્ટિનો નિર્માતા, નિયંત્રક અને નિર્ણાયક છે. અલ્લાહ ‘રબ્બીલ આલ્મીન’ છે. તમામ ખિલ્કતનો પાલણહાર છે. સર્વલોક મહેશ્વરમ્ છે. અલ્લાહ અનંત છે. શાશ્વત છે, સર્વજ્ઞ અને સર્વત છે. વિશ્વતો-મુખમ્ છે. “અલ્લાહો નુરૂન અલા નૂર; નુરૂસ્સમાવાતો વલ અદૃ” છે, જ્યોતિશામ અપિ તજજ્યોતિ; છે તે જમીન અને આસ્માનની પ્રભા છે.

ઈસ્લામ એટલે આવા સર્વશક્તિમાન અલ્લાહની સંપૂર્ણ શરણાગતિ. ઇસ્લામ એટલે ઈશ્વરે પયગંબર દ્વારા પાઠવેલ સંદેશ મુજબની આચાર સંહિતાનું પાલન કરવાનો દૃઢ સંકલ્પ અને સતત પુરુષાર્થ.

ઈસ્લામની આચારસંહિતામાં મુસ્લિમને માટે ચાર કર્તવ્યો ફરજિયાત છે.

પહેલું કર્તવ્ય છે બંદગી (પ્રાર્થના)

દરેક મુસ્લિમે હરરોજ સૂર્યોદય પહેલાં, મધ્યાહ્‌ને, સૂરજ નમે ત્યારે, સૂર્યાસ્ત વેળા અને સૂતી વખતે એમ પાંચ વાર પોતાનું શરીર સ્વચ્છ કરી, મન પવિત્ર કરી. અલ્લાહની બંદગી કરવાની હોય છે. તેને નમાજ કહેવામાં આવે છે. વિનમ્ર થઈને જમીન ઉપર શિર ઝુકાવીને અલ્લાહની બુલંદીનો સ્વીકાર કરવામાં આવે છે, અને બંદો અલ્લાહને ખિતાબ કરીને કહે છે કે, હું તારી જ બંદગી કરું છું અને ફક્ત તારી પાસે જ માગું છું. અને માગું એટલું કે હું તારી કૃપાને પાત્ર રહું એ રીતે મારો જીવનવ્યવહાર ચલાવવાની મને સમજ, સૂઝ અને શક્તિ આપજે.

બીજું કર્તવ્ય છે રોઝા (ઉપવાસ)

દર વરસે રમઝાન મહિના દરમિયાન દરેક મુસ્લિમને માટે સૂર્યોદય પહેલાંથી સૂર્યાસ્ત થતાં સુધી ઉપવાસ કરવાનો આદેશ છે. ઉપવાસમાં બધી ઇન્દ્રિયોના નિગ્રહનો સમાવેશ થાય છે. સંયમ પાળવાથી માણસ સ્વસ્થ રહે છે. તેનું મન પ્રેયસ્ તરફથી શ્રેયસ્ તરફ ઢળે છે. મનમાં સદ્‌ભાવો ઉત્પન્ન થાય છે અને તે સત્કાર્યો કરવા પ્રેરાય છે.

ત્રીજું કર્તવ્ય છે ઝકાત (સંપત્તિ-પ્રદાન)

મુસ્લિમને માટે એવો આદેશ છે કે દર વરસે, પોતાની મિલકતનો ચાલીસમો ભાગ સમાજની જરૂરતમંદ નિર્ધન વ્યક્તિઓને પ્રદાન કરે. આ કર્તવ્યની પાછળ એવી સમજણ છે કે, જેણે અલ્લાહની શરણાગતિ લીધી હોય તેની મિલકત અલ્લાહની અનામત છે. જેથી અમીર મુસ્લિમો પોતાની મિલકતનો મુકરર ભાગ અલ્લાહના આદેશ મુજબ તેના હકદારોને અદા કરવામાં ધન્યતા અને પ્રસન્નતા અનુભવે છે. આથી અમીરી શોભે છે અને ગરીબીનું સ્વમાન જળવાય છે.

ચોથું કર્તવ્ય (હજયાત્રા)

જો શારીરિક રીતે અને આર્થિક રીતે શક્ય હોય તો પોતાના જીવનમાં ગમે તે સમયે એક વાર હજયાત્રા કરવી એ મુસ્લિમનું કર્તવ્ય છે. હજયાત્રામાં મક્કા શહેર કે જ્યાં હજરત મહંમદ પયગંબરે ઈસ્લામનો દીપ પ્રગટાવ્યો હતો અને જ્યાંથી એ દીપનો પ્રકાશ અરબસ્તાનમાં અને અરબસ્તાનની હદ ઓળંગી ચોમેર ફેલાયો હતો, ત્યાં જવાનું હોય છે. હજયાત્રાનો સંકલ્પ, અલ્લાહ પ્રત્યે પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. યાત્રા દરમ્યાન દિનપ્રતિદિન હજયાત્રીઓનું હૃદય નિર્મળ થતું જાય છે. મન પવિત્ર થતું જાય છે. મક્કા પહોંચીને હજયાત્રી એશ આરામ, આભૂષણ બધું ત્યાગી દે છે, પુરુષ હો કે સ્ત્રી સાદાં સફેદ વસ્ત્રો પરિધાન કરે છે, ઉપવાસ કરે છે અને “કાબા શરીફ” કે જેને “બયતુલ્લાહ” – એટલે કે અલ્લાહનું ઘર માનવામાં આવે છે, તેની પ્રદક્ષિણા કરી કાબા શરીફના પટાંગણમાં નમાજ અદા કરે છે. હજના દિવસે મક્કાથી થોડે દૂર ‘અરફા’ના મેદાનમાં દુનિયાના બધા જ દેશો અને પ્રદેશોમાં આવેલા યાત્રીઓ લાખોની સંખ્યામાં એકત્રિત થાય છે, ત્યારે મનુષ્યોની મૂળભૂત એકતા, સમાનતા અને ભ્રાતૃભાવ પ્રગટી ઊઠે છે. મધ્યાહ્‌ન પછી સૂર્યાસ્ત થતાં સુધી સૌ પોતપોતાની રીતે પોતપોતાની ભાષામાં અલ્લાહ સાથે ગુફતેગુ કરે છે. અલ્લાહનું સાંનિધ્ય અનુભવી હર્ષનાં આંસુ સારે છે. એવી માન્યતા છે કે, હજના દિવસે અલ્લાહ બધાના ગુનાઓ માફ કરી તેને નવજીવન અર્પે છે. હજયાત્રા કરી આવેલ હાજીનો મુસ્લિમ સમાજ આદર કરે છે અને બહુધા હાજીઓનું શેષ જીવન આદરણીય હોય છે.

‘લા ઈલાહા ઇલ્લાલ્લાહ” ઈસ્લામ ધર્મનો પાયો છે અને આ ચાર કર્તવ્યો ઈસ્લામ ધર્મના સ્તંભો છે. આ ઉપરાંત, કુરાને શરીફની હૃદય સોંસરવી નીકળી જાય એવી વાણીમાંથી મનુષ્યોની મૂળભૂત એકતા અને સમાનતાને સમર્થન મળે છે અને અલ્લાહને પસંદ છે એવાં સત્કાર્યો કરવાનો અને અલ્લાહને નાપસંદ છે એવાં દુષ્કૃત્યોથી દૂર રહેવાનો સબક મળે છે. જેમ કે-

‘ભલાઈ કરો, ભલાઈ ઈશ્વર તરફ લઈ જાય છે. કોઈનો હક ન છીનવો. વાયદો કરો તે પાળો. વેપારમાં બરાબર તોલીને માપીને આપો. હું પદ ન રાખો. અકડીને ન ચાલો. સત્યને અસત્યથી ન ઢાંકો. ઈશ્વરને નમવાવાળાને નમો. વ્યભિચારથી દૂર રહો. શરાબ, જુગાર, વગેરે વ્યસનોથી દૂર રહો. તમારું ધન અલ્લાહની રાહે ખર્ચી, તમારાં સગાંવહાલાં અને પડોશીઓ, ગરીબો, અનાથો અને મુસાફરોનો ખ્યાલ રાખો અને તેમને મદદ કરે વગેરે વગેરે.

આ છે ઈસ્લામ ધર્મની રૂપરેખા. તે ઉપરથી આપ જોઈ શક્યા હશો કે ઈસ્લામનો પ્રકાશ અન્ય ધર્મોના પ્રકાશ જેવો જ છે. દીપ જુદા જુદા છે, પ્રકાશ એક જ છે.

‘કાબા ને સોમનાથના પાષાણ ભિન્ન છે સમજો તો એથી વધુ ફેર કંઈ નથી.’

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.