જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च” ના બેવડા આદર્શથી પ્રોત્સાહિત થઈને, શક્ય એટલી તમામ રીતે જગતની સેવા કરવા માટેની શક્તિ મેળવવા અને આત્માનો સાક્ષાત્કાર કરવા માટે સાધુઓના સમુદાયને તૈયાર કરવાના હેતુથી સને ૧૮૯૯માં આ સંસ્થાના કાયમી મથકની સ્થાપના બેલુર મઠમાં (૫. બંગાળ, કલકત્તા પાસે) કરવામાં આવી. નાતજાત, સંપ્રદાય કે રંગના ભેદભાવ વગર પ્રાણીમાત્રને દિવ્ય તત્ત્વનાં વ્યક્ત સ્વરૂપો ગણીને આ સંસ્થા ગૃહસ્થ ભક્તોનો સાથ લઈને માનવકલ્યાણની પ્રવૃત્તિઓ આગળ ધપાવી રહી છે. સને ૧૯૦૧માં રામકૃષ્ણ મઠનું રજિસ્ટ્રેશન એક ટ્રસ્ટ તરીકે કરવામાં આવ્યું. સને ૧૯૦૯માં આ સંસ્થાને સને ૧૮૬૦ના એકવીસમા કાયદાના અન્વયે – ‘ધ રામકૃષ્ણ મિશન’ના નામથી રજિસ્ટર્ડ કરવામાં આવી. રજિસ્ટર્ડ થયા પછી રામકૃષ્ણ મઠ અને મિશને પોતાની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર વિસ્તારવા માંડ્યું; અને દેશમાં તેમ જ વિદેશમાં પોતાની શાખાઓ શરૂ કરી. સર્વત્ર લોકોની ભૌતિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક આવશ્યકતાઓને સહાયરૂપ થવા પ્રવૃત્તિઓનો પ્રવાહ વહેવા લાગ્યો.

પોતપોતાની શાખાઓ ધરાવતી રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠ એ બંને સંસ્થાઓ અલગ કાનૂની અસ્તિત્વ ધરાવતાં એકમો છે, છતાં રામકૃષ્ણ મિશનનું કાર્યવાહક મંડળ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટીઓનું બનેલું હોવાને કારણે બંને સંસ્થાઓ નિકટ રીતે સંકળાયેલી છે, મિશનનું વ્યવસ્થાતંત્ર મહદંશે રામકૃષ્ણ મઠના સાધુઓના હાથમાં હોય છે, અને બંનેનું વડું મથક બેલુર મઠ ખાતે છે. કાર્યપદ્ધતિના સ્પષ્ટ નિયમો ધરાવતું ટ્રસ્ટ મઠનું સંચાલન સંભાળે છે. મિશન એક રજિસ્ટર્ડ સોસાયટી છે, માનવમાં વિરાજેલા પ્રભુની સેવા એ જ સાચી સેવા – એ ભાવના સાથે આ બંને સંસ્થા માનવસેવા અને માનવકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે. એ ખરું કે, રામકૃષ્ણ મઠ ધર્મ અને ઉપદેશ ઉપર ભાર મૂકે છે, જ્યારે મિશન મુખ્યત્વે સામાજિક ઉત્થાનને વરેલું છે. અત્રે એ દર્શાવવું જરૂરી છે, કે કોઈ પણ સંસ્થા દ્વારા શ્રીરામકૃષ્ણ અથવા સ્વામી વિવેકાનંદના નામનો ઉપયોગ થાય તેનો અર્થ એવો નથી કે બેલુર મઠના વડા મથક દ્વારા તેનું સંચાલન થાય છે.

મઠ અને મિશન પોતપોતાનાં અલગ ભંડોળ ધરાવે છે, અને તે અંગેના જુદા હિસાબો રાખે છે. પોતાની સામાજિક પ્રવૃત્તિઓ માટે મઠ અને મિશન એ બંને સંસ્થાઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમ જ જાહેર સંસ્થાઓ તરફથી અનુદાન મેળવે છે. આમ છતાં, મઠની અન્ય પ્રવૃત્તિઓ જાહેર સખાવતો, પ્રકાશનોની આવક, વગેરેમાંથી ચલાવાય છે, જ્યારે મિશન વિદ્યાર્થીઓની ફી, જાહેર દાનની રકમો, વગેરે પર અવલંબે છે. મઠ અને મિશન એ બંનેના હિસાબો પ્રતિવર્ષ યોગ્ય લાયકાતવાળા ઓડિટરો દ્વારા તપાસવામાં આવે છે. આજે બેલુર મઠ, હાવડા, પં. બંગાળ ખાતે આવેલા, વડા મથકને બાદ કરતાં બધી મળીને કુલ ૧૩૨ શાખાઓ છે.

રામકૃષ્ણ મઠ અને મિશનનાં શાખાકેન્દ્રો

ભારતમાં

આંધ્ર પ્રદેશ-૩, ઓરિસ્સા-૩, અરુણાચલ પ્રદેશ-૩, પંજાબ અને હરિયાણા-૧, આસામ-3, રાજસ્થાન-૨, બિહાર-૭, તામિલનાડુ-૧૨, ગુજરાત-૧, ત્રિપુરા-૨, કર્ણાટક-૪ ઉત્તર પ્રદેશ-૧૧, કેરળ-૭, પશ્ચિમ બંગાળ-૩૧, મધ્ય પ્રદેશ-૨, ન્યુ દિલ્હી-૧, મહારાષ્ટ્ર-૩, મેઘાલય-૨

વિદેશોમાં

આર્જેન્ટિના-૧, ઈંગ્લેન્ડ-૧, બાંગ્લાદેશ-૧૦, સ્વીટ્ઝર્લેન્ડ-૧, કેનેડા-૧, રશિયા-૧, ફીજી-૧, નેધરલેન્ડ-૧, ફ્રાન્સ-૧, જાપાન-૧, મોરેશિયસ-૧, સીંગાપુર-૧, શ્રીલંકા-૧, અમેરિકા-૧૨

મઠ-૫૪ મિશન-૫૫, મઠ અને મિશન-૨૩ કુલ૧૩૨

રામકૃષ્ણ મઠ અને મિશનની પ્રવૃત્તિઓ – (૧૯૮૯-૯૦)

રાહત કાર્યો

ક. વાવાઝોડા રાહત – પ. બંગાળ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં

ખ. દુષ્કાળ રાહત રાજસ્થાન, ઓરિસ્સા અને ગુજરાતમાં

ગ.આગથી થયેલા નુકસાનમાં રાહત આંધ્ર પ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાં

ઘ. પૂર રાહત-આસામ, પશ્ચિમ બંગાળ, દિલ્હી અને ગુજરાતમાં

ચ. તબીબી રાહત – પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં

છ. પુનર્વસવાટ અને રિપેરીંગ કાર્ય – બિહાર, મેઘાલય પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં

પ્રાથમિક રાહત માટેનો ખર્ચ = રોકડા રૂ. ૩૨.૨૫ લાખ

સામગ્રી રૂા. ૬.૨૦ લાખ

પુનર્વસવાટ માટેનો ખર્ચ = રોકડા રૂા. ૪૬.૯૧ લાખ

સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ

૧. પ્રકાશન કેન્દ્રો -૧૦

૨. સામાયિકોની સંખ્યા -૧૩.

૩. પુસ્તકાલય અને નિ:શુલ્ક વાચનાલય -૧૩૦

૪. સંસ્કૃત શિક્ષણ સંસ્થાઓ -૩

૫. નિયમિત વર્ગો અને જન તહેવારોની ઉજવણી

૬. પ્રવચનો અને ચર્ચા પરિષદો

૭. યુવાનો અને બાળકો માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, પ્રદર્શન અને ફિલ્મો, વગેરે.

તબીબી સેવાઓ

૧. ઈન્ડોર હોસ્પિટલ – ૧૪,  પથારીઓ – ૨૦૭૧, દાખલ થયેલા દર્દીઓ – ૬૬,૯૩૭, બહાર રહેતા દર્દીઓ – ૨૨,૯૯,૨૪૪

૨. આઉટડોર દવાખાનાં  – ૮૧, (કેસો ૨૪,૬૧,૩૧૮)

૩. હરતાં-ફરતાં દવાખાનાં – ૨૨ (કેસો ૬,૦૬,૨૭૧)

૪. ક્ષય નિવારણ કેન્દ્ર  – ૧

૫. ક્ષયના ઈલાજ માટેનું દવાખાનું (ક્લિનીક) – ૧

૬. વૃદ્ધાશ્રમ – ૩

૭. પરિચારિકા તાલીમ કેન્દ્ર  – ૫

૮. માતા અને બાળ કલ્યાણ કેન્દ્ર  – ૩

૯. માનસિક ચિકિત્સા વિભાગ – ૧

૧૦. સંશોધન અને અનુસ્નાતક કેન્દ્ર – ૧

શૈક્ષણિક કાર્યો

નંબર – કુલ વિદ્યાર્થીઓ

૧. પદવી કોલેજો (Degree Colleges) – ૫, કુલ વિદ્યાર્થીઓ -૫,૧૫૫

૨. શિક્ષણ તાલીમ કોલેજો – ૫, કુલ વિદ્યાર્થીઓ – ૬૯૩

૩. માધ્યમિક શાળાઓ – ૩૪, કુલ વિદ્યાર્થીઓ – ૨૪,૪૦૪

૪. ઉચ્ચ માધ્યમિક શાળાઓ – ૯, કુલ વિદ્યાર્થીઓ – ૧૨,૦૪૪

૫. જુદા જુદા વર્ગોની શાળાઓ – ૧૩૨, કુલ વિદ્યાર્થીઓ – ૨૯,૧૩૨

૬. સંસ્કૃત શિક્ષણ સંસ્થાઓ – ૩, કુલ વિદ્યાર્થીઓ-  ૫૫૭

૭. પોલિટેકનિક અને જુનિયર ટેકનિકલ શાળાઓ – ૧૧, કુલ વિદ્યાર્થીઓ – ૨,૧૧૮

૮. છાત્રાલય અને વિદ્યાર્થી ગૃહ – ૯૮, કુલ વિદ્યાર્થીઓ – ૯,૪૭૦

૯. અનાથાશ્રમ  – ૪, કુલ વિદ્યાર્થીઓ – ૨૫૭

૧૦. જુનિયર પ્રાથમિક તાલીમ સંસ્થાઓ – ૫, કુલ વિદ્યાર્થીઓ – ૨૪૭

૧૧. કૃષિ સંસ્થાઓ – ૨, કુલ વિદ્યાર્થીઓ – ૭,૪૨૩

૧૨. ભાષા-શિક્ષણ માટેની શાળાઓ (School of Languages) – ૨, કુલ વિદ્યાર્થીઓ – ૫,૬૦૭

૧૩. અંધ બાળકો માટેની પાઠશાળાઓ – ૧, કુલ વિદ્યાર્થીઓ – ૧૭૩

૧૪. કોમ્પ્યુટર સેન્ટર – ૧, કુલ વિદ્યાર્થીઓ – ૧૧૯

૧૫. ગ્રામીણ વિકાસ તાલીમ સંસ્થા – ૪, કુલ વિદ્યાર્થીઓ – ૬,૨૧૪

૧૬. ગ્રંથપાલ તાલીમ સંસ્થા – ૧, કુલ વિદ્યાર્થીઓ – ૬૦

૧૭. અનૌપચારિક શૈક્ષણિક સંસ્થા – ૧, ૨૭૬, કુલ વિદ્યાર્થીઓ  – ૩૬,૧૪૩

વિદ્યાર્થિનીઓ – ૧,૩૯,૮૧૬ વિદ્યાર્થીઓ – ૧,૧૨,૬૮૯

રામકૃષ્ણ મઠ અને મિશનની વિવિધ કાર્ય પ્રવૃત્તિઓ (૧૯૮૯-૧૯૯૦)

) વૈદ્યકીય સેવાઓ : કલકત્તા, લખનૌ, ઈટાનગર, કનખલ, રાંચી, ત્રિવેન્દ્રમ, વારાણસી અને વૃંદાવન જેવા મુખ્ય કેન્દ્રોમાં બધી જ સગવડો ધરાવતી ૧૪ હોસ્પિટલો છે. આ હોસ્પિટલોમાં હજારોની સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત રર હરતી ફરતી હોસ્પિટલો ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં કાર્યરત છે. આ માટે કુલ ગત વર્ષમાં રૂા. ૮.૫૩ કરોડ ખર્ચાયા છે.

) શૈક્ષણિક કાર્ય : કુલ મળીને ૧,૫૭૫ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ છે જેમાં સ્કૂલો, કોલેજો, અનાથાશ્રમો, ટેકનિકલ સ્કૂલોનો સમાવેશ થાય છે અને તેમાં ૧,૩૯,૮૧૬ વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષણ લઈ રહ્યા છે.

) યુવા વર્ગ માટેની પ્રવૃત્તિઓ : મુખ્યત્વે અલ્હાબાદ, બેંગ્લોર, મલ્દા, મેંગલોર, મૈસુર, સાલેમ અને બેલુર બાળક સંઘ અને યુવક સંઘનું સંચાલન કરી, શાળા-કોલેજના સમય સિવાયના સમય દરમ્યાન સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને મનોરંજનની પ્રવૃત્તિઓ કરે છે. ઘણાં કેન્દ્રોમાં ‘વિવેકાનંદ યુથ સ્ટડી સર્કલ’ ચાલે છે.

) બહેનો માટેની પ્રવૃત્તિઓ : કલકત્તાની સેવા પ્રતિષ્ઠાન અને ત્રિવેન્દ્રમ, જલપાઈ ગુડી અને વૃંદાવનની હોસ્પિટલો પ્રસુતિગૃહો ચલાવે છે, વારાણસીમાં વૃદ્ધા બહેનો માટે વૃદ્ધાશ્રમ, મદ્રાસ, જમશેદપુર અને ઓરિસ્સામાં બહેનો માટેની હાઈસ્કૂલ અને ત્રિવેન્દ્રમ, વૃંદાવન, ઈટાનગર અને કલકત્તામાં પરિચારિકાઓ માટેનાં પ્રશિક્ષણ કેન્દ્રો ચાલે છે.

) ગ્રામ અને આદિવાસી વિસ્તાર માટેની પ્રવૃત્તિઓ : (૧) આવા વિસ્તારમાં આવેલ મઠ-મિશનનાં કેન્દ્રો દ્વારા. (૨) શહેરી વિસ્તારના કેન્દ્રોએ આ માટે લીધેલી પરિયોજનાઓ દ્વારા અને (૩) શહેરી વિસ્તારના કેન્દ્રો દ્વારા ચાલતી શૈક્ષણિક અને વૈદ્યકીય સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો આવી લાભ લે છે. આમ ત્રણ સ્તરે આ સેવાઓ અપાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી, જાજરૂ, પાકા મકાનોની વ્યવસ્થા, ખેતીવાડી, ફળો અને જંગલના ઝાડોની જમીનનો સદુપયોગ કરવા માટે ત્યાંના લોકોને તૈયાર કરવામાં આવે છે. બાળકો માટે વિના મૂલ્યે શિક્ષણ, મજૂરો માટેની રાત્રિશાળાઓ, લેથ મશીનકામ, સુથારીકામ, મધમાખી ઉછેર, માછલી-ઉછેર, મરઘા-ઉછેર, વણાટકામ, અગરબત્તીની બનાવટ વગેરેના કામોની તાલીમ પણ આપવામાં આવે છે અને આ લોકોના આરોગ્ય માટે હરતી-ફરતી હોસ્પિટલો તો છે જ, જે આંખના ઓપરેશન પણ કરે છે અને લોકોને મફત દવાઓ આપે છે. પ્રમુખ કેન્દ્ર બેલુર-મઠ દ્વારા ‘સમેકિત ગ્રામ-વિકાસ યોજના’ (Integrated Rural Development) હેઠળ ‘પલ્લી મંગલ’ નામની પરિયોજના પણ ચાલે છે. જેમાં ૧૭ ગામડાઓમાં ખેતીવાડી, વણાટકામ, શણોની મીલોનું સંચાલન, ઓછા ખર્ચે મકાનોની બાંધણી અને વૈદ્યકીય સારવાર જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

) આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ : મઠ-મિશનના કેન્દ્ર ઉજવણી, જાહેર સભાઓ, ચર્ચા-પરિસંવાદો, વર્ગો ગોષ્ઠિ બેઠકો, પ્રકાશન વગેરે દ્વારા લોકો સાથે સંપર્ક જાળવી, તેમને આધ્યાત્મિક પ્રકાશ આપે છે. કુલ ૧૫૦ ગ્રંથાલયો છે. કલકત્તાની ‘ઈન્સ્ટીટયુટ ઓફ કલ્ચર’ દ્વારા અત્યાર સુધી ‘ધી કલ્ચરલ હેરીટેજ ઓફ ઈન્ડીયા’ના ૬ ભાગો પ્રસિદ્ધ થયા છે. જે ભારત અને બીજા દેશોના લોકોને સાંસ્કૃતિક પાયો પૂરો પાડી પ્રજા વચ્ચે એકતાનો સેતુ રચે છે. માયાવતી, બાગબજાર, મદ્રાસ, નાગપુર, મૈસૂર, રાજકોટ, ત્રિચુર અને ભુવનેશ્વરના કેન્દ્રો વિપુલ પ્રમાણમાં પ્રકાશન કાર્ય કરી રહ્યા છે. વિદેશોમાં કેન્દ્રો પણ આ કામ કરી રહ્યા છે.

) રાહત અને પુનર્વસવાટ પ્રવૃત્તિઓ : વાવાઝોડા, પૂર, રોગચાળો, આગ જેવી કુદરતી આપત્તિઓ વખતે મિશનના કેન્દ્રો રાહત કાર્યો યોજી લોકોને રાહત આપી તેમને ફરીથી પોતાના પગ ઉપર ઊભા રહેવા મદદ કરે છે. આ માટે તેમને માટે મકાનો બાંધે છે. શાળાઓ ઊભી કરે છે અને ખરે ટાણે તેમને હૃદયનો પ્રેમ અને હૂંફ આપે છે.

) વાર્ષિકોત્સવ : દરેક કેન્દ્ર શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ અને અન્ય મહાપુરુષોની જન્મ-જયંતિની ઊજવણી-ખાસ પૂજા, હવન, વેદપાઠ, ભજન, સંકીર્તનથી કરે છે અને તે પાવન દિને દરિદ્રનારાયણની સેવા ભોજન-પ્રસાદ આપીને થાય આમ શ્રીરામકૃષ્ણદેવ અને તેમના લીલા-સહચરોના સંદેશનો પ્રચાર-પસાર થાય છે જેનો ઘણા ભક્તો, યુવાવર્ગ પણ લાભ લે છે, અને એ દ્વારા ભક્તગણ એકબીજાની નજીક આવે છે.

Total Views: 191

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.