જાણીતા સાહિત્યકાર વિદ્વાન ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતની પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કેવી રીતે સર્વધર્મસમભાવ જ નહિ પણ એથી આગળ વધીને સર્વધર્મમમભાવ ભણી દોરી જાય છે તેનું સચોટ વર્ણન રજૂ કરે છે.

જીવનને વધુ ને વધુ શુદ્ધ, સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવવા માટે પ્રત્યેક પ્રજાસમૂહ પોતાને મળેલાં મૂલ્યોનું માનસિક ખેડાણ કરે છે. આ પ્રક્રિયાને પરિણામે સંસ્કૃતિનો એક આગવો આકાર ઘડાય છે. એ આકાર કોઈ એક વિશિષ્ટ પ્રદેશ પર મુખ્યત્વે આધાર લે છે. અને એ ભૂમિ પર વસતી પ્રજાના જીવનમાં સૂક્ષ્મરૂપે આવિર્ભાવ પામે છે. એક સમાજ કે પ્રદેશમાં વિકસતાં આવાં આગવાં તત્ત્વોથી એ પ્રજાનું એક બંધારણ ઘડાય છે. એ પ્રજામાં એક વિશિષ્ટ એવી જાગ્રત ચેતનાનું સાતત્ય વરતાય છે. આ બાબતો એ પ્રદેશના લોકોને એક તાંતણે બાંધે છે. આ મૂલ્યો એ સમાજની રીતરસમો, જીવનપદ્ધતિ અને વિચારશીલતાને ઘાટ આપતાં હોય છે. એક પ્રદેશ કે સમાજમાં ઊગેલાં આ મૂલ્યોનો વારસો થોડેઘણે અંશે કુટુંબ, સમાજ, રાજ્ય અને ચોપાસના વાતાવરણ પાસેથી મળે છે. આમ એક સમાજે મેળવેલો, ખીલવેલો અને આત્મસાત્ કરેલો મૂલ્યસમુદાય તે એ પ્રદેશની સંસ્કૃતિ.

આ મૂલ્યસમુદાયના ઘડતરમાં એ પ્રદેશની આજીવિકા અને રહેઠાણ માટેની ગોઠવણ, એ પ્રજાનાં માન્યતાઓ, નિર્ણયો, વલણો, ચિંતનો, ખ્યાલો, એ સમાજમાંનાં નૈતિક અને વ્યાવહારિક ધોરણો, ત્યાં વિકસેલી આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક સંસ્થાઓનો ફાળો હોય છે. એ ધરતીએ અનુભવેલા ઇતિહાસના વારાફેરા, એનાં યંત્રો, વિજ્ઞાન ને દર્શનો તેમ જ એનો સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય આદિવિષયક કલાવારસો પણ મૂલ્યઘડતરની પ્રક્રિયામાં વત્તે-ઓછે અંશે ભાગ ભજવે છે. એક સમાજ બીજા સમાજના સંપર્કમાં આવતાં જે ઘર્ષણ-સમન્વયનાં બળો જન્મે છે તે પણ સંસ્કૃતિના ઘડતરમાં ફાળો આપે છે. આવાં મૂલ્યોથી ઘાટ પામેલી સંસ્કૃતિનું તેજ આપણી જીવનશૈલીમાં ઊતરેલું હોય છે.

આ દૃષ્ટિએ ગુજરાતની ભૂમિ પર વસતી પ્રજાના બંધારણને અને એની સંસ્કૃતિના પટને જોઈએ તો અહિંસા, જીવદયા અને સર્વધર્મસમભાવની ભાવનાની ભાત વિશેષ ઉપસી આવી છે. ગુજરાતનો ઇતિહાસ સર્વધર્મસમન્વયની ભાવના પ્રગટ કરે છે. આમેય સંસ્કૃત માનવનો એક મોટો પુરુષાર્થ પરસ્પરના વિચારો, વલણો અને માન્યતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો છે. ગુજરાતમાં આવી પરધર્મ કે પરપ્રજા પ્રત્યેની સહિષ્ણુતા વ્યાપક રૂપે જોવા મળે છે. પોતાને પરમમાહેશ્વર કહેવડાવતા કેટલાક મૈત્રક રાજવીઓએ બૌદ્ધ વિહારોને છૂટે હાથ દાન આપ્યું છે. સોલંકી રાજવીઓ પોતાના નામ આગળ ઉમાપતિ – વર – લબ્ધપ્રસાદનું બિરુદ લગાડવા છતાં સોલંકી યુગના સ્થાપક મૂળરાજે જૈનસ્થાન અને એના પુત્ર ચામુંડે વીરગણિ નામના જૈન સાધુનો આચાર્યપદ મહોત્સવ કર્યાનો ઉલ્લેખ મળે છે. સિદ્ધરાજે વિષ્ણુમંદિર બંધાવ્યાનો અને નેમિનાથની પૂજા કર્યાનો ઉલ્લેખ મળે છે તો શ્રી હેમચંદ્રાચાર્ય સોમનાથના મંદિરમાં મહાદેવ-શંકરની સ્તુતિ કરે છે. મહારાજા કુમારપાળ પરમમાહેશ્વરની સાથે સાથે પરમાર્હતનું બિરૂદ પણ ધરાવે છે. ચિત્તોડગઢમાંથી મળેલા લેખમાં દિગંબર આચાર્ય રામકીર્તિએ શરૂઆતમાં શિવની સ્તુતિ કરી છે. વસ્તુપાલ – તેજપાલે મસ્જિદ બંધાવ્યાનો અને સોમનાથની પૂજા કરી હોવાનો ઉલ્લેખ મળે છે. તો પુત્રપ્રાપ્તિ કાજે હિંદુ દેવની પૂજા કરતા જગડુશાની વાત એમના ચરિત્રકારો કશીય ટીકા વિના નોંધે છે.

કારમાં દુકાળમાંથી પ્રજાને બચાવનાર જગડુશાએ ષીમલી મસ્જિદ બંધાવી. વાઘેલા વંશના અર્જુનદેવના સમયનો વેરાવળમાંથી મળેલો એક લેખ સોમનાથ જેવા ધર્મસ્થાનમાં પણ પરધર્મીઓ પ્રત્યે કેટલી ઉદારતા બતાવવામાં આવતી હતી તે બતાવે છે. નાખુદા પીરોઝે સોમનાથદેવના નગરની બહારના ભાગમાં મસ્જિદ બંધાવી હતી. વળી, આવી ધાર્મિક બાબતોનો વહીવટ મુસલમાનોની જમાત કરે એવી છૂટ પણ હતી. થોડા સમય પહેલાં જે પ્રજાહૃદયે મહમૂદ ગઝનીના આક્રમણનો કારી ઘા અનુભવ્યો હતો, એ જ પ્રજાહૃદય આટલી ઉદારતા બતાવે એ બાબત આપણા સમાજનું હૃદયઔદાર્ય છતું કરે છે. જૈન સંસ્કૃતિના હાર્દરૂપ અનેકાંતવાદે આપેલ પરમસહિષ્ણુતા, સત્યનો ગમે ત્યાંથી સ્વીકાર કરવાની વૃત્તિ અને ઉદારતાના પાઠે પણ આમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે એમ સ્વીકારવું ઘટે.

અમદાવાદની એક મસ્જિદમાંથી મળી આવેલ અરબી ભાષામાં લખાયેલો એક લેખ પણ આની ગવાહી પૂરે છે. આ મસ્જિદનો કેટલોક ભાગ સોલંકી સમયમાં બંધાયેલો હોવાનો ઉલ્લેખ મળે છે. આથી સાબિત થાય છે કે મુસલમાનોએ ગુજરાત જીત્યું એની બે દાયકા પૂર્વે તેઓ અહીં શાંતિથી વસવાટ કરતા હતા. આપણે ત્યાં સોલંકી શાસન હતું એ વખતે દક્ષિણમાં શૈવ રાજાઓએ વૈષ્ણવોની કનડગત કરી હોવાના દાખલા મળે છે. ગુજરાતમાં કોઈ શૈવ રાજાએ આવું કર્યું નથી. સંજાણના હિંદુ રાજાએ પારસીઓને આપેલા આશ્રય અને તેમને વસવાટ કાજે આપેલી જમીનનો બનાવ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનો એક મહાન બનાવ ગણાય. આવી રીતે પરધર્મીને પોતાની સાથમાં વસવાટ આપ્યાના દાખલા ઇતિહાસમાં વિરલ છે. ગુજરાતની અહિંસામાંથી ગાંધીજીએ એક સાત્ત્વિક બળ ઊભું કર્યું, તો ગુજરાતની સહિષ્ણુતામાંથી ગાંધીજીએ જગતને ‘વ્યાપક ધર્મભાવ’નો વિચાર આપ્યો.

ગુજરાતની આ પરધર્મસહિષ્ણુતાની વૃત્તિ કાયરતાનો અંચળો લેખાય તો એ ખોટું કહેવાય. કદાચ કોઈ તડજોડ કરવાની વૃત્તિને પોતાની કાયર વૃત્તિને ઢાંકવાની વૃત્તિ તરીકે પણ ગણાવે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો, ગુજરાતની અસ્મિતા આનાથી ક્યારેય ઘવાઈ નથી. આમાં તો સર્વધર્મસમભાવથી આગળ વધી સર્વધર્મમમભાવ તરફની ગતિ દેખાઈ આવે છે. આમ સહિષ્ણુતાથી ગુજરાતને, ગુજરાતના ધર્મોને અને એ ધર્મો આચરતી વ્યક્તિઓને જેબ મળી છે. ગુજરાતની પ્રજા પ્રમાણમાં વધુ સુખ-શાંતિ અને એખલાસનો અનુભવ માણી શકી છે તે પણ આ કારણે જ.

ગુજરાતની અહિંસા અને જીવદયાની ભાવના પણ સર્વધર્મસમન્વયના મૂળમાં રહેલી છે. ગુજરાતને આ સંસ્કારોની ગળથુથી ઈસવી સન પૂર્વે ત્રીજા સૈકાથી મળેલી છે; એનીય પહેલાંથી આ સંસ્કારો મળ્યા હોવાનો સંભવ છે. અત્યારના પ્રજાજીવનમાં એકરસ બની ગયેલી દેખાતી આ કરુણાગામી સુકુમાર ભાવનાઓ સૈકાઓ પહેલાં આ પ્રદેશની વસતીના જીવનમાં ઓતપ્રોત બનીને સ્થિર થઈ ગઈ છે.

અહિંસાની ભાવનાનો એક વિશિષ્ટ અને વ્યવહારુ આવિષ્કાર જ જીવદયા કે કરુણા છે. પોતાના નિમિત્તે ન કોઈને હણવું કે દુ:ખ પહોંચાડવું એ અહિંસા, અને બીજાના ભલા ખાતર પોતાની જાત કે સર્વસ્વને ઘસી નાખવામાં આનંદ માનવો તે કરુણા આમ અહિંસા અને કરુણા એક જ સિક્કાની બે બાજુ બની જાય છે. આથી આ બંને ભાવનાને સાથે જોવી એ જ યોગ્ય લેખાશે. ઈ.સ. પૂર્વે ૨૭૪-૨૩૭ કાળમાં થયેલા દેવાનાંપ્રિય પ્રિયદર્શી મહારાજ અશોકની ચૌદ આજ્ઞાઓ ગિરનારના ‘શૈલકણ’ પર આલેખાયેલી છે.

આ શિલાલેખ એ ગુજરાતના ઇતિહાસની પહેલી ખીંટી છે, તો ગુજરાતનાં સંસ્કાર બળોનો પ્રથમ આલેખ છે. આમાં પ્રાણીવધની મનાઈ ઉપરાંત પ્રાણીધન જાળવવાની દરકાર પણ ઘણી બતાવાઈ છે. એક આજ્ઞામાં લખ્યું છે : “જ્યાં જ્યાં મનુષ્યોપયોગી અને પશુઉપયોગી ઔષધો ન હતાં ત્યાં ત્યાં તે મગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. જ્યાં જ્યાં મૂળ અને ફળ નહોતાં ત્યાં ત્યાં તે મગાવવામાં આવ્યાં અને રોપવામાં આવ્યાં. પશુ અને માણસના ઉપયોગ માટે રસ્તાઓ ઉપર કૂવાઓ ખોદાવવામાં આવ્યા.” આમાં માનવની સાથે મૂંગા પ્રાણીઓની પણ કેટલી બધી ખેવના રખાઈ છે! ગુજરાતે અહિંસા અને જીવદયાની ભાવના જીવનમાં અનુભવેલી, ઉતારેલી અને જીવી જાણેલી છે. પશુઓની કરવાની અને ખાસ કરીને ખોડાં ઢોરને સાચવવાની પ્રથાનાં મૂળ અહીં જણાય છે. અત્યારની પાંજરાપોળની સંસ્થાનાં મૂળ પણ ગુજરાતમાં જ છે ને!

ગુજરાતની આ ભાવના મહારાજા કુમારપાળની ‘અમારિ-ઘોષણા’માં વ્યક્ત થાય છે. અને ગાંધીજીએ તો અહિંસાની ભૂમિકા પર જ સ્વાતંત્રનું આંદોલન જગાવ્યું. આ રીતે ગુજરાતમાં જુદા જુદા ધર્મો એક સાથે રહ્યા છે અને સર્વધર્મસમન્વયની આ ભાવના કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, નરસિંહ મહેતા, જેવા મધ્યકાલીન વિભૂતિઓમાં અને મહાત્માગાંધી, રવિશંકર મહારાજ, ઠક્કરબાપા જેવા અર્વાચીનોમાં જોવા મળે છે.

Total Views: 151

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.