આધુનિક વિચારધારા ઉપર શ્રીરામકૃષ્ણની અસર વિશે બોલવાની આવશ્યકતા નથી. તે ભારતના ઇતિહાસનો એક અંશ બની ગયેલ છે અને શ્રીરામકૃષ્ણની સિદ્ધિઓ ઉપર ભાર દેવાની જરૂર પણ જણાતી નથી. આમ છતાં આપણને “સત્ય એક જ છે, પુરુષો એને અનેક નામથી ઓળખે છે.” એવો સંદેશ દેનાર એ મહાત્માની શતાબ્દીની ઉજવણી માટે આપણે એકઠાં મળ્યાં છીએ તે આત્મપ્રતિષ્ઠાના ભાવથી જ. આમ ધર્મપરિષદનું આયોજન હેતુગર્ભ છે. ભૂતકાળમાં પણ એ અજાણી વાત ન હતી.

દૃષ્ટાંત અને બોધ

ધાર્મિક કારણોથી પ્રેરિત નહીં પણ આર્થિક અને રાજકીય કારણોથી જ પ્રેરિત કોમી ભેદભાવવાળા આ દિવસોમાં ભાઈચારાની લાગણી વધારે મજબૂત કરવાનું આ ધર્મપરિષદ એક અગત્યનું પગલું છે. ધાર્મિક વિચારોને શ્રીરામકૃષ્ણે જીવનના તર્કની સરાણે ચડાવ્યા, અને દૃષ્ટાંતથી તેમ જ બોધથી બધા ધર્મોની સમાનતા સ્થાપી, એ શ્રીરામકૃષ્ણનો વિશિષ્ટ ફાળો છે.

હિન્દુ ધર્મની મહાન આધ્યાત્મિક પરંપરાઓ સાથે બંધબેસતી, પરસ્પર સમજણ અને સહિષ્ણુતાની ભાવના સાથે આ ધર્મપરિષદનો ખ્યાલ સુસંગત છે.

પોતાના દૃષ્ટિબિંદુ અને અનુભૂતિ અનુસાર જુદા જુદા માણસો ધર્મના ખ્યાલને સમજાવવા પ્રયત્ન કરે છે. “જેઓ અવિદ્યાને ઉપાસે છે. તેઓ તમસ્‌માં પ્રવેશે છે અને જેઓ વિદ્યાને ઉપાસે છે તેઓ વધારે ગાઢ તમસ્‌માં પ્રવેશે છે.” – એમ ઉપનિષદ વર્ણવે છે. લોકોને જ્ઞાનનું ગુમાન હોય છે તેમ અજ્ઞાનનુંયે જેમને ગુમાન હોય એવા લોકો પણ છે. આજના સમયમાં લોકોની શારીરિક જરૂરિયાતો સંતોષાતી હોય, એમની પાસે પૈસોયે હોય તે છતાં, પોતે ન સંતોષી શકે તેવી ભૂખ તેમના અંતરમાં હોય છે. સંસારની ઘટનાઓ, તલવારથી મેળવેલા વિજયો અને માનવજાત ઉપર ઊતરી આવતી મોટી આફતો : આ બધી ક્ષણિક પરિવર્તનશીલ બાબતો પાછળ કોઈ પાયાની આધ્યાત્મિક ખાતરી, કશું સત્ય છે કે નહીં, તે વિશે મનુષ્યને વિચાર કરતો કરવો જોઈએ. મનુષ્યો ‘ક્ષર’ અને ‘અક્ષર’ તત્ત્વોના બનેલા છે. એટલે તેઓ પોતાની જાતને પ્રશ્ન પૂછ્યા વિના રહી શકે નહીં કે, જે ક્ષણજીવી છે તે જ શું સત્ય છે? જે ક્ષણિક છે તે જ શું સનાતન છે?

તો વળી, પોતે સર્વજ્ઞ છે એમ ધારતા, પોતાના જ્ઞાનનું ગુમાન કરતા કેટલાક અન્ય લોકો એવો દાવો કરે છે કે, તેમની પોતાની પાસે દરેક કોયડાનો ઉકેલ છે અને પોતે ગૂઢમાં ગૂઢ રહસ્યને ખુલ્લું કરી શકે છે. આ બંનેમાંથી એકેય પક્ષ સત્યદર્શન કરવા સમર્થ નથી. કારણ કે અજ્ઞાન અને જ્ઞાનની પાર ‘કંઈક’ છે. પોતાની બધી બૌદ્ધિક શોધખોળો અને બધા તર્કસંગત ખુલાસાઓ કર્યા પછી પણ એક અથવા બીજા કાળે, લોકોની સામે એક સવાલ તો અવશ્ય આવીને ઊભો જ રહે છે. આ બધાંથી પાર કંઈ નથી શું? આ વહી જતી વાદળી પાછળ શું અન્ય કોઈ શક્તિ કે હેતુ નથી?

આવા પ્રશ્નો ઊભા થાય ત્યારે, ‘સાપેક્ષ છે તે જ નિરપેક્ષ છે’, ‘ક્ષણિક છે તે જ સનાતન છે’. આ અને એવા બીજા ઉત્તરોથી મનુષ્યોને સંતોષ થશે નહીં. જીવનનું આ આશ્ચર્ય, માનવીની સતત સામે ખડો થતો કોયડો છે.

બુદ્ધિની નિષ્ફળતા

બુદ્ધિની ફતેહો તો મોટી હોય, પણ બુદ્ધિની નિષ્ફળતાઓ વળી એથીય વધારે મોટી છે. આજે આપણને વધારે પ્રકાશ લાધ્યો છે. ભૂતકાળના જંગલીઓ ‘દેવના રહસ્ય’ના વિચારથી સાંત્વન અને દિલાસો મેળવતા. વિજ્ઞાને તેનો અંત આણી દીધો છે. પરંતુ આપણું જીવન નીરસ અને કંટાળાભર્યું બન્યું છે.

પરંતુ જે જગત હસ્તામલકવત્ છે તે ખરેખર તો જગત જ નથી. જે કૂટ પ્રશ્ન સંપૂર્ણપણે ઉકેલાઈ ગયો છે તે કૂટ જ નથી. એ જ રીતે, જે પરમેશ્વર સંપૂર્ણપણે પરખાઈ ગયો છે તે પરમેશ્વર જ નથી. પૂર્વ અને પશ્ચિમના દૃષ્ટિકોણોમાં પાયાનો ફરક એ છે કે, જે ગૂઢ રહસ્ય દિવ્ય છે તેને પૂર્વ સ્વીકારે છે અને એ રહસ્યને પામવાની મનુષ્યની અશક્તિનો તે એકરાર કરે છે. એને ખોજવાના યત્નમાં જ એને સંતોષ છે. જ્યારે બધાં સત્યોની ખોજ શક્ય છે, એમ પશ્ચિમ માને છે પણ જ્યારે કેટલાંક સત્યોનો એને ઉકેલ નથી સાંપડતો, ત્યારે એ મૂંઝવણ અનુભવે છે.

સત્યને પંથે જવા માટે અવિદ્યા અને વિદ્યા બંનેનું ગુમાન તજવું જોઈએ.

પૂર્વની ગૂઢ રહસ્યની જે માન્યતા છે તેજ યોગ્ય દૃષ્ટિકોણ છે. મનુષ્ય એને બૌદ્ધિક પદ્ધતિથી નહિ, પરંતુ સાક્ષાત્કાર દ્વારા અથવા અંતરપ્રજ્ઞા દ્વારા એ સત્યને સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરે.

માનવીની મૂર્ખતા અને સ્વાર્થીપણું

સંસ્કૃતિનું જે અપમાન આફ્રિકામાં થઈ રહ્યું છે તેનો ઉલ્લેખ એક વક્તાએ કર્યો છે. મને પણ એ પ્રશ્ન ઘણી વાર ઊઠ્યો છે. માનવજાતે હાંસલ કરેલી બૌદ્ધિક સિદ્ધિઓ અને વૈજ્ઞાનિક આગેકૂચ પછી પણ એની પોતાની મહત્ત્વાકાંક્ષાઓ અને ઊંચી નેમોને અમલમાં નથી મૂકી શકાતી તે શાથી? ‘બાબાવાક્ય’ને જ સાચો ધર્મ માની લેવાની ભૂલમાં આ પ્રશ્નનો ઉત્તર સમાયેલો છે.

વિદ્યા સંપન્ન કરીને બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાથી એને પામી શકાય નહિ. માત્ર વ્યક્તિગત વિકાસ મનુષ્યોને સત્યના હાર્દ સુધી કદી પણ પહોંચાડી શકે નહિ.

આ પ્રશ્નનો વિચાર કરું છું ત્યારે હંમેશાં મને રોંદેની શિલ્પાકૃતિ (ઓગસ્ટી રોંદે ફ્રાન્સના મહાન શિલ્પી હતા. (૧૮૪૦-૧૯૧૪) અહીં એમની શિલ્પકૃતિ ‘ધ થિંકર’નો ઉલ્લેખ છે. એ શિલ્પકૃતિ હાલ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં છે.) યાદ આવે છે. એ શિલ્પ છે દેહ અને બુદ્ધિએ વિરાટ, બધી દૃષ્ટિએ પરિપૂર્ણ; પરંતુ, વિચારે ચડી નતમસ્તકે બેઠેલા માનવીનું શિલ્પ! એ મહામાનવને શી ઉપાધિ હતી? એ મનુષ્યના ક્લૈબ્યની વાત કરે છે, કારણ કે મનુષ્યનું વ્યક્તિત્વ છિન્ન છે, વિચ્છિન્ન છે. માનવીમાં આજે પણ મૂર્ખતાનાં અને સ્વાર્થનાં જંતુ રહેલાં છે. જગતને આ જંતુઓનો નાશ જોઈએ છે. એ જંતુઓ છે ત્યાં સુધી યુદ્ધો અનિવાર્ય છે. જગત ખંડિત છે કારણ કે માનવ-આત્મા ખંડિત છે. એ હજી સુધી એક પ્રકારનું અવશ પ્રાણી છે, એ લુચ્ચું પ્રાણી છે, પરંતુ એથી વિશેષ કશું નથી. માણસજાતની પાયાની નબળાઈઓને બૌદ્ધિક વિકાસે સ્પર્શ કર્યો નથી. એટલે જ “આવી જા, મારી પાછળ સેતાન!” એમ કહેવાની હિંમત એનામાં નથી.

લોકો દેહના સ્વાસ્થ માટે કાળજી રાખે છે. પણ આત્માના સ્વાચ્ય બાબત એમની કાળજી ઓછી જોવા મળે છે.

આ જંતુઓ છે ત્યાં સુધી યુદ્ધો અનિવાર્ય છે. દુનિયામાં યુદ્ધો લડાય છે. કારણ કે મનુષ્યના નિજના આત્મામાં જ યુદ્ધ રહેલું છે. અંતરાત્મામાં જ ભેદ રહેલો છે. એનું વિચ્છિન્ન વ્યક્તિત્વ જ એની અસ્મિતા ટકાવી રહ્યું છે. માનવજાત બુદ્ધિમાન પ્રાણીઓનાં ટોળાંથી વિશેષ કશું નથી.

ધર્મ વિશેની શ્રીરામકૃષ્ણની ધારણા

ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતિ એ શ્રીરામકૃષ્ણની ધર્મ વિશેની – ધારણા હતી. પ્રાચીન ધર્મ, આ રહસ્ય-પરંપરા સાથે સંકળાયેલો હતો. એ ધર્મ માટે શાસ્ત્રો છે. એ શાસ્ત્રો સમજવાનાં છે જ. એમનો અર્થ અને એની સમજણ સ્વયં એક અનુભૂતિ છે. એ શાસ્ત્રોના દિવ્ય સંગીતને શબ્દોમાં મૂકી શકાય નહીં. કારણ કે એ સત્ય અમેય છે. મનુષ્ય ઈશ્વર સાથે તદાકાર થતો હોય તે વેળાનું ‘નેતિ’ ‘નેતિ’નું દિવ્ય શાંતપૂજન તો પરમ તત્ત્વના અસ્તિત્વનો નકારાત્મક ખુલાસો પૂરો પાડે છે. પરંતુ આપણે મનુષ્ય છીએ. એટલે એ તત્ત્વનું તાર્કિક સ્વરૂપ આપણે શોધવું રહ્યું. આ સત્ય ઇન્દ્રિયાતીત છે અને એ સૂત્રબદ્ધ કે વ્યાખ્યાબદ્ધ કહી શકાતું નથી. ઈશ્વરનું અસ્તિત્વ આટલા પૂરતું સાબિત થઈ ચૂક્યું છે. પરંતુ માત્ર નકારાત્મક રીતે.

ટીકાકારો કહેશે કે, ‘નેતિ’નો અર્થ હોઈ શકે નહિ. પરંતુ આ તો ટીકાકારોની બૌદ્ધિક ન્યૂનતા સાબિત કરે છે. મૂળભૂત તત્ત્વને તાર્કિક સ્વરૂપ નથી આપી શકાતું તેથી ‘અસ્તિત્વ જ નથી’ એમ નબળી બુદ્ધિના લોકોને લાગે છે.

પછી ટીકાકારો માનવબુદ્ધિની ઉચ્ચતમ કક્ષાથી સત્યને સમજવાનો પ્રયત્ન કરે છે. જીવનને જીવન જ સમજી શકે. આધ્યાત્મિક બાબતો આધ્યાત્મિકતાથી સમજાય. દરેકમાં દિવ્ય સ્ફૂલ્લિંગ રહેલો છે. મનુષ્ય પરમ સત્યને ભલે પામી ન શકે તો પણ પેલા સ્ફૂલ્લિંગને તો વળગી રહી શકે છે. મનુષ્યનો શ્રેષ્ઠ પ્રકાર ‘પુરુષ’ છે તો, પરમ સત્યનું વર્ણન ‘પુરુષોત્તમ’ તરીકે કહી શકાય. આ ‘પુરુષોત્તમ’ માનવીય લક્ષણોની પૂર્તિ કરે છે.

આમ, જો કે વાણીના માધ્યમ દ્વારા સત્યને સમજાવી તો શકાતું નથી. છતાં, એમ કરવા માટેનાં સાધનો આ છે એમ કહી શકાય. પ્રથમ આવે મૌનનું તપ, પછી ‘નેતિ’ ‘નેતિ’વાળું નકારાત્મક વર્ણન આવે અને અંતે આવે અંતરમાંના દૈવી તત્ત્વ દ્વારા ઈશ્વરને પામવો તે.

ધાર્મિક સહિષ્ણુતા

એક જ સત્યને વ્યક્ત કરવાના આ ભિન્ન ભિન્ન માર્ગો છે. જગતના બધા જ ધર્મોનું મંડાણ સત્યના પાયા ઉપર છે. પરંતુ આ પ્રકારની સહિષ્ણુતાને શાસ્ત્રવચનોની વિરોધી ગણવાની નથી. પરંપરાવાદ સામેનો એ બળવો નથી. પ્રકૃતિનો એ સ્વાભાવિક ક્રમ ગણવો જોઈએ, આધ્યાત્મિક વિકાસનું એક એવું પગથિયું એને ગણવું જોઈએ કે જે ધર્મના મૂળ એકમાત્ર પાયાના સત્યમાં જુએ છે.

પરમેશ્વરે કેવળ એક વ્યક્તિને કે એક પંથને સાક્ષાત્કારનો અધિકાર આપ્યો એમ કહેવું અસત્ય થશે. જુદા જુદા સંપ્રદાયો અને ધર્મોમાં પાયાની પીઠિકા અને એકતા સમજવામાં અને ઓળખવામાં શ્રીરામકૃષ્ણના બોધની મહત્તા રહેલી છે.

ભારતની વર્તમાન સ્થિતિ

ભારતની વર્તમાન દશા જોતાં, આધ્યાત્મિકતાનો આપણો દાવો હોવા છતાં આખા દેશમાં જોવા મળતી વિષમ સ્થિતિમાં આપણે કેમ મુકાઈ ગયાં છીએ એ પ્રશ્ન ઊઠે છે.

પશ્ચિમના દેશોમાં પુનરુત્થાન અને ધાર્મિક સુધારણા થયાના યુગ સુધી તો પૂર્વ પશ્ચિમ સાથે પ્રગતિના પંથ પર કદમ મિલાવીને જ ચાલતું હતું. પણ ત્યાર બાદ, પશ્ચિમે કૂચ જારી રાખી અને પૂર્વ પાછળ પડી ગયું. આનું કારણ પૂર્વની પરિવર્તનનો સામનો કરવાની વૃત્તિ અને પશ્ચિમનું પરિવર્તનને અનુકૂળ થવાનું વલણ છે. પશ્ચિમની પ્રગતિ અને પૂર્વની નિષ્પંદતા આને કારણે છે. પ્રાચીન કાળનો જૂનો મિસરવાસી અને યુવાન ગ્રીક વચ્ચે જે ભેદ છે તેજ ભેદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે છે. પ્રાચીન કાળમાં જૂનો મિસરવાસી અને યુવાન ગ્રીક પોતાના મનને ખુલ્લું રાખતો અને વિચારોનો અસ્વીકાર કરતો નહીં ત્યારે, મિસરવાસી પુરોહિત રૂઢિનો પ્રતીક હતો અને ભૂતકાળનાં લાંબા સ્મરણોના ભાર નીચે દબાયેલો રહેતો.

રૂઢિજડતાને નામે

આજના યુગમાં રૂઢિજડતાને નામે ભારતવાસીઓ પોતાના મનના આગળા બંધ કરી દે છે ને નવા પ્રગતિદાયક વિચારોને તેમાં પ્રવેશવા દેતો નથી. આ દેશમાં જ્યારે ધર્મ પ્રગતિશીલ હતો ત્યારે ભારતવાસીઓ પાસે માનસિક સ્થિતિસ્થાપકતા હતી અને નવાને અનુરૂપ થવાનું તથા સંજોગાનુસાર બદલાવાનું વલણ હતું.

દરેક યુગમાં સુધારકો હતા અને રૂઢિવાદે તેમનો પ્રતિકાર કર્યો હતો. પ્રગતિમાં ફાળો આપનાર ઋષિઓ અને આચાર્યોની બીજાઓએ અવહેલના કરી હતી. જે શંકરાચાર્ય આજે રૂઢિના પ્રતિનિધિ હોવાનું કહેવાય છે, તેમને તે સમયે મંડનમિશ્રે નાસ્તિક તરીકે તિરસ્કાર્યા હતા. એ જ નાસ્તિક આજે રૂઢિવાદના પુરસ્કર્તા બની ગયેલ છે.

ભારતવાસીઓ આજે નિષ્પંદતાની દશામાં છે તો તે એ કારણે કે સત્તાને પડકારવાના સહજ વલણને અને બુદ્ધિને અરોચક લાગે તેવી બાબતો સામેના બંડના પ્રકારને તેઓ ગુમાવી બેઠા છે. જો આવું વલણ અને આવો પ્રકાર તેમનામાં જીવંત હોત તો પોતાની પ્રગતિ તેમણે જારી રાખી હોત.

પુરોહિતો વિરુદ્ધ પયગંબરો

આજે કેટલાક લોકો માને છે કે દુનિયાના પ્રશ્નોના ઉકેલ ‘ધર્મહીન પરિષદ’થી આવી શકશે કારણ કે, પ્રશ્નોને ઉકેલવામાં ધર્મો નિષ્ફળ ગયા છે. પણ આવો રાહ અશક્ય છે. એમાં શંકા નથી કે, સત્યની સાચી સમજણનો જેમનામાં અભાવ છે એવા પુરોહિતોના પ્રયત્નોના પરિણામે ધર્મતંત્રો વિકસ્યાં છે. પુરોહિતોએ ગોઠવેલું ધર્મતંત્ર તે પયગંબરે સ્થાપેલા ધર્મ જેવું નથી જ.

પરંતુ ધર્મનો અભાવ કોયડાને ઉકેલી શકશે નહીં. લોકોની બધી જરૂરિયાતો ભલે સંતોષાય પણ, લોકો કંઈ તૃપ્ત ઢોર બની શકે નહીં. દરેક માનવીમાં ઉચ્ચતર જીવનનું સ્વપ્ન છે અને, આ સ્વપ્ન કાર્યશીલ ન હોય તો, મનુષ્ય પોતાની જાતને મનુષ્ય કહી શકે નહીં. મનુષ્યમાં ઉચ્ચતર આકાંક્ષાઓ હોય, સનાતન યત્ન હોય, કંઈક ઉદાત્ત, વિભૂતિમત્ અને શ્રીમત્ માટે અવિરત કાર્યશીલતા હોય ત્યાં સુધી, મનુષ્ય ધર્મમય પ્રાણી સિવાય બીજું હોઈ શકે નહીં.

શ્રેષ્ઠ પ્રાર્થના

ઈશ્વર સભા સંબોધન કરતા નથી. દરેક વ્યક્તિએ પોતાની રીતે, પરમેશ્વર સાથે અંગત સેતુ બાંધવો પડે છે. બધા ભિન્ન ભિન્ન પ્રકારો અને વિગતો પાછળ ધર્મનો અધિકૃત અવાજ એક જ હોય છે. ‘સાર્વત્રિક કરુણા દાખવો’. મહાન ધર્માચાર્યોએ કદી એમ નથી કહ્યું કે કોઈ માણસ અમારો બોધ ગ્રહણ નહીં કરે તો એનું આવી બન્યું. દરેક ધર્મમાં પાયાનું સત્ય કહેવાયું છે કે, માનવજાત પ્રત્યે કરુણા એ જ સાચું ધર્મમય જીવન છે.

સાચા ધર્મે વૈશ્વિક બંધુતા સ્થાપવી જોઈએ.

શ્રેષ્ઠ પ્રાર્થના આ છે.

જીવનનાં કષ્ટદાયક ચડાણો સૌ ઓળંગો.
સૌ સુખ પામો.
સૌને જ્ઞાન લાધો.
સર્વત્ર સૌ આનંદ પામો.

ભાષાંતરકાર : શ્રી દુષ્યંત પંડ્યા

(પ્રબુદ્ધ ભારત જૂન, ૧૯૩૬થી સાભાર)

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.