(બલરામ બોઝના જીવન પ્રસંગો)

‘મહાશય! શું ખરેખર ભગવાન છે ખરા?’

‘હાસ્તો, ભગવાન તો છે જ. એટલું જ નહીં પરંતુ, જેને તમે ને હું મળ્યા છીએ, તેમ આપણે તેમને મળી પણ શકીએ છીએ. પણ એમને આપણે બોલાવવા જોઈએ. માણસ પોતાનાં સંતાનોને જેટલા પ્રેમથી બોલાવે છે, એટલા જ પ્રેમથી ભગવાનને બોલાવવા જોઈએ. ભગવાન તો પોકાર સાંભળીને જરૂર દોડતા આવે છે.’

અરે, આટલી ગહન વાત આમ સાવ સહજ રીતે કહી શકનાર આ સાધુ પુરુષ કોઈ સામાન્ય માણસ તો નથી જ. અત્યાર સુધી ઘણાંના મુખે ભગવાનની પળો તો સાંભળી હતી પણ હૃદયમાં આવો પ્રકાશ ક્યારેય પ્રગટ્યો ન હતો. એમના શબ્દોથી હૃદયમાં કેવો વિશ્વાસ સ્થપાઈ ગયો કે, ભગવાન તો છે જ, અને તેમને મળી પણ શકાય છે. આ શબ્દોએ બલરામ બોઝના હૃદયનાં બંધ બારણાંને ખોલી નાખ્યાં અને તેમના હૃદયમાંથી દક્ષિણેશ્વરના સાધુ પ્રત્યે પ્રેમ, ભક્તિ અને શ્રદ્ધાની સરવાણી વહેતી થઈ. એ સાધુ હતા શ્રીરામકૃષ્ણ પરમહંસ. બલરામ બોઝ એમના મિત્રના આગ્રહથી એમનાં દર્શન કરવા દક્ષિણેશ્વર આવ્યા હતા. પ્રથમ દર્શને જ એમને શ્રીરામકૃષ્ણની દિવ્યતાનો પરિચય થઈ ચૂક્યો. એ સાંજે જ્યારે તેઓ દક્ષિણેશ્વરથી પાછા ફર્યા ત્યારે જાણે નવજન્મ પામીને જઈ રહ્યા હોય, એવી અનુભૂતિ તેમને થતી હતી.

બલરામબાબુએ શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા તે પહેલાં અધ્યાત્મમાર્ગની ઘણી લાંબી મજલ કાપી હતી. પણ તે માર્ગ હજુ ધૂંધળો જ હતો. હજુ લક્ષ્યાંક સ્પષ્ટ દેખાતું ન હતું. લક્ષ્યાંકે પહોંચવા માટે તેઓ આતુર હતા પણ શું કરવું તેની કોઈ સમજ પડતી ન હતી. પરંતુ આજે જાણે એકાએક માર્ગ સ્પષ્ટ થઈ ગયો. એટલું જ નહીં પરંતુ, સમગ્ર માર્ગ પર પથરાઈ ગયેલા પ્રકાશમાં એમને પોતાનું લક્ષ્યાંક સ્પષ્ટ દેખાયું અને તેમનું અંતર અવર્ણનીય આનંદની અનુભૂતિ કરવા લાગ્યું.

બલરામ બોઝ કૃષ્ણદાસ બોઝના પ્રખ્યાત બ્રાહ્મણવંશમાં જન્મ્યા હતા. આ કુળ વૈષ્ણવ ભક્તિના રંગે રંગાયેલું હતું. બલરામમાં નાનપણથી જ ભક્તિના સંસ્કારો દૃઢ થઈ ગયેલા હતા. કલકત્તાથી દૂર આવેલા કોઠારમાં એમની પૈતૃક જમીનદારી હતી. પણ જમીનદારીની જવાબદારી સંભાળવાથી પૂજા-પાઠ અને સાધના-ભજનમાં વિક્ષેપ પડે. એથી એમણે જમીનદારીનો વહીવટી સંભાળ્યો જ નહીં. પોતાના ભાગની જમીનદારીનો વહીવટ અને તેની સઘળી આવક તેમણે પોતાના પિતરાઈ ભાઈ નિમાઈચરણને સોંપી દીધી. નિમાઈચરણ એમને દર મહિને અમુક રકમ આપતા એમાંથી તેઓ ઘરખર્ચ ચલાવતા. જો કે આ રકમ પૂરતી ન હતી. છતાં તેઓ સાધુ-સંતો અને અભ્યાગતોના ભોજન અને દાન માટે એમાંથી વાપરતા અને પોતાના માટે તો ખૂબ જ કરકસર કરતા. મોટે ભાગે તો તેઓ જગન્નાથપુરીમાં જ રહેતા હતા. તેમને યુવાનીમાં જ અજીર્ણનું દરદ થયું હતું અને તેથી કલકત્તાની હવા અનુકૂળ આવતી નહોતી. પુરીધામમાં હવાફેરની સાથે સાથે ભગવાન જગન્નાથની નિત્યપૂજા, સાધુ-જનોનો સત્સંગ અને સાંસારિક બાબતોમાંથી મુક્તિ મળતી હોવાથી તેઓ કલકત્તા આવવાનું પસંદ કરતા નહીં. પેટની તકલીફને કારણે તેમણે બાર વરસ સુધી અનાજ લીધું ન હતું. તેઓ જપની ઘેંસ અને દૂધ ઉપર જ રહેતા હતા. પુરીધામમાં તેઓ અગિયાર વરસ રહ્યા. પછી પોતાની મોટી પુત્રીના વિવાહ પ્રસંગે એમને કલકત્તા આવવું પડ્યું. સામાજિક પ્રસંગ પતાવીને તેઓ પાછા જલદી કલકત્તા છોડવા ઉત્સુક હતા અને સેવામાં અગિયાર વરસની એમની નિત્યપૂજાથી પ્રસન્ન થયેલા ભગવાન જગન્નાથે જ એમના માટે દિવ્ય સાક્ષાત્કારનો રસ્તો જુદી જ રીતે ખોલી દીધો!

બલરામના મોટા ભાઈ હરિવલ્લભ બોઝ પોતાના નાના ભાઈની સાધુપ્રવૃત્તિથી ચિંતિત હતા. એમની તીવ્રભક્તિ ભાવના અને વૈરાગ્ય ક્યાંક એમને પણ સાધુ સમાજમાં ખેંચી ન જાય, એવો ભય એમને સતાવતો હતો. આથી એમણે વિચાર્યું કે, હવે બલરામને એકલા જગન્નાથપુરીમાં રહેવા દેવા નથી. એમણે કલકત્તામાં એક મકાન ખરીદ્યું. અને બલરામને એ મકાનમાં રહેવાનો આદેશ આપ્યો. હવે બલરામ માટે પુરીધામમાં રહેવાનું શક્ય ન બન્યું. પરંતુ એમનું ચિત્ત તો સદાય ભગવાન જગન્નાથનાં શ્રીચરણમાં પહોંચી જતું. એટલે જ્યારે એમને તક મળતી ત્યારે તેઓ જગન્નાથનાં દર્શન કરવા અચૂક પુરીધામ પહોંચી જતા. આ રીતે એક વાર તેઓ પુરીધામમાં ગયા હતા. ત્યાં તેમને તેમના એક મિત્રનો પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું કે, ‘દક્ષિણેશ્વરના મહાપુરુષ શ્રીરામકૃષ્ણ એક અલૌકિક દિવ્ય પુરુષ છે. એમનાં દર્શન કરીને હું ધન્ય બન્યો છું. તમે અહીં આવો અને એક વાર જરૂર દર્શન કરો.’ એમણે કેશવચંદ્ર સેન પાસેથી આ મહાપુરુષ વિષે સાંભળ્યું તો હતું, પણ તેમને દક્ષિણેશ્વર જઈને મળવાની ઉત્કંઠા હજુ જાગી ન હતી. પણ આ પત્ર દ્વારા એમને અંતરમાં થયું કે, એક વાર તો એ મહાપુરુષનાં દર્શન કરવાં જ જોઈએ. તેઓ કલકત્તા આવી પહોંચ્યા અને બીજે જ દિવસે તેઓ દક્ષિણેશ્વર ગયા. તે દિવસે કેશવચંદ્ર સેન અને તેમની મંડળી પણ દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ પાસે સત્સંગ કરવા આવી હતી. આથી બલરામબાબુએ દૂરથી જ શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યા અને દૂર બેસીને શ્રીરામકૃષ્ણનાં કાર્યોને નિહાળતા રહ્યા.

બપોરે બધાં મંદિરમાં જમવા ગયાં ત્યારે તેઓ એકલા જ શ્રીરામકૃષ્ણના ઓરડામાં રહ્યા. શ્રીરામકૃષ્ણે એમને પ્રેમપૂર્વક પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું, ‘કહો, તમારી શી વાત છે?’ અને બલરામના હૃદયમાં જે વાત સતત ઘૂંટાયા કરતી હતી તે ‘શું ખરેખર ભગવાન છે?’ તે એમણે શ્રીરામકૃષ્ણને પૂછી નાખી. શ્રીરામકૃષ્ણે આપેલા ઉત્તરથી તો એમના હૃદયનાં બંધ બારણાં જાણે એકાએક ખૂલી ગયાં. સાંજે તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે જાણે પોતે કોઈ જુદી જ વ્યક્તિ બની ગયા હોય એવું તેમને લાગ્યું. એ સાધુના શબ્દોમાં નહોતો કોઈ આડંબર કે નહોતી કોઈ વિદ્વત્તા, કે નહોતી એવી કોઈ નવીનતા કે એવું કોઈ ગૂઢ રહસ્ય, અને છતાં એમાં એવું કંઈક હતું કે, જે માણસના અંતરના છેક ઊંડાણમાં જઈને હલચલ મચાવી દે. ભગવાન છે, એમ તો અત્યાર સુધીમાં ઘણાએ એમને કહ્યું હતું, પણ શબ્દોના ઉચ્ચારણ માત્રની સાથે જ ભગવાનના અસ્તિત્વની અંતરમાં દૃઢ પ્રતીતિ થઈ જાય એવું તો બલરામના જીવનમાં આ પહેલી જ વાર બન્યું હતું.

તેઓ રાત્રે ઘરે પહોંચ્યા. પણ હવે બલરામ પહેલાંના બલરામ રહ્યા ન હતા. એમના સમગ્ર અસ્તિત્વ પર દક્ષિણેશ્વરના એ સંત છવાઈ ગયા હતા. રાત્રિ તો તેમણે માંડ પસાર કરી અને બીજે દિવસે સવારે ઘોડાગાડી ન મળી તો તેઓ પગે ચાલતા ચાલતા કલકત્તાથી દક્ષિણેશ્વર પહોંચી ગયા અને શ્રીરામકૃષ્ણના ચરણોમાં પ્રણામ કર્યાં. આટલી વહેલી સવારે કલકત્તાથી ચાલીને આવેલા બલરામને જોઈને શ્રીરામકૃષ્ણ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે તેમને અત્યંત પ્રેમપૂર્વક આવકાર્યા અને તેમના ઉપર દિવ્ય કૃપાદૃષ્ટિ કરી. એ એક દૃષ્ટિમાત્રમાં એમને સ્પષ્ટ જણાયું કે, ‘અરે, આ તો જગદંબાએ મારા માટે મોકલેલા ચાર ખજાનચીમાંના એક છે.’ અને તેમના ચહેરા ઉપર આનંદ પથરાઈ રહ્યો. તેઓ ભાવવિભોર થઈને બોલી ઉઠ્યા, ‘માએ કહ્યું છે કે, તમે તો પોતાના માણસ છો. તમે માના એક ખજાનચી છો. તમારા ઘરમાં અહીંનું ઘણું બધું જમા થયેલું છે. થોડું ખરીદીને મોકલજો.’ શ્રીરામકૃષ્ણના મુખે આવી વાત સાંભળીને ધન્યતા અનુભવવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અરે, હજુ તો કશોય ઘનિષ્ઠ પરિચય નથી અને તેઓ તો પહેલી જ નજરે કહે છે કે તમે તો પોતાના માણસ છો! અને પાછું એ કંઈ ઉપરથી કહેવા ખાતર કહેતા નહીં પણ એમનો વ્યવહાર પણ એવો જ આત્મીય છે. શ્રીરામકૃષ્ણના આત્મીય વ્યવહારે બલરામને એક જ દિવસમાં સંપૂર્ણ ખાતરી કરાવી દીધી કે, સાચ્ચે જ તેઓ એમના પોતાના જ માણસ છે. નહીં તો હૃદયમાં આવું તીવ્રતમ ખેંચાણ થાય ખરું?

તે વખતે બપોરે સુધી બલરામ ત્યાં રોકાયા. શ્રીરામકૃષ્ણનાં વાણી અને વર્તનને નજીકથી નિહાળતા રહ્યા. એમની અપૂર્વ ભાવસમાધિનાં દર્શન કર્યાં. તેમને થયું કે, આવી ઉચ્ચ સ્થિતિ કંઈ સામાન્ય મનુષ્ય પ્રાપ્ત કરી શકે નહીં. સ્નેહથી છલકાતું નિર્મલ હૃદય. બાલસહજ સરળતા અને છતાં અંતરના પડને હચમચાવી દે એવી આત્માનુભૂતિની વાણી પણ સાવ સરળ અભિવ્યક્તિ અને મા સાથેની તદ્રૂપતા, આ બધું કંઈ સામાન્ય મનુષ્યમાં હોઈ શકે? તેઓ નક્કી પ્રેમાવતાર ગૌરાંગદેવ જ છે! આમ, શ્રીરામકૃષ્ણની સ્નેહધારામાં ભીંજાઈને બલરામ બપોરે પાછા ફર્યા. તેઓ ઘરે પાછા તો આવ્યા પણ એમનું અંતર ફરી શ્રીરામકૃષ્ણ પાસે જવા ઉત્કંઠ બની ગયું. સ્નાન, ધ્યાન, ભોજન કરીને તેઓ સીધા બજારમાં ગયા અને તેમણે શ્રીરામકૃષ્ણ માટે બજારમાંથી જાતજાતની વસ્તુઓ અને મીઠાઈઓ ખરીદી અને પાછા દક્ષિણેશ્વર આવી પહોંચ્યા. હવે તેમને ફરી પાછા આવેલા જોઈને શ્રીરામકૃષ્ણને આશ્ચર્ય ન જણાયું. એમણે બજારમાંથી લાવેલી સઘળી વસ્તુઓ અને મીઠાઈ શ્રીરામકૃષ્ણને અર્પણ કરી. શ્રીરામકૃષ્ણે એ સઘળું પ્રેમપૂર્વક સ્વીકાર્યું અને હૃદયને બોલાવીને કહ્યું: “ઓ હૃદુ, આ બધી વસ્તુઓ સાચવીને મૂકી દે. આ તો માએ મોકલેલા ખજાનચી છે. એમનું અન્ન પવિત્ર છે. એમને મેં ગૌરાંગપ્રભુની મંડળીમાં જોયા હતા!” શ્રીરામકૃષ્ણે ચૈતન્ય મહાપ્રભુનું દિવ્યદર્શન ભાવસમાધિમાં કર્યું હતું અને એ દર્શનની વાત એમણે પોતાના ભાણેજ હૃદયરામને કરી હતી. એ દર્શનના સંદર્ભમાં એમણે બલરામને જોઈને કહ્યું કે, તેઓ ચૈતન્યદેવની કીર્તનમંડળીમાંના એક હતા. આ સાંભળીને બલરામને શ્રીરામકૃષ્ણની કાલાતીત દૃષ્ટિ ભૂત, વર્તમાન, ભવિષ્યનું દર્શન કરી શકે છે, એવી પ્રતીતિ થઈ અને સવારે એમના અંતરમાં જે ભાવ જન્મ્યો હતો કે શ્રીરામકૃષ્ણ એ જ પ્રેમાવતાર શ્રીચૈતન્યદેવ છે, એ વધુ દૃઢ થયો. ત્યારથી માંડીને શ્રીરામકૃષ્ણે લીલાસંવરણ કર્યું, ત્યાં સુધી અને એ પછી પણ એમના સંન્યાસી પુત્રો માટે બલરામ ખરેખર ખજાનચી બની રહ્યા. શ્રીરામકૃષ્ણની જરૂરિયાતની વસ્તુઓ, રવો, સાબુદાણા, ચોખા, મિસરી, વગેરે તેઓ જ લઈ આવતા. જ્યારે તેઓ કલકત્તાથી દક્ષિણેશ્વર આવતા ત્યારે શ્રીઠાકુર માટે કંઈ ને કંઈ વસ્તુઓ લાવતા. હવે બલરામને જગન્નાથપુરી જઈને ભગવાનની મૂર્તિને ભોગ ધરાવવાની જરૂર જ ન રહી. એમના ભગવાન જગન્નાથ મૂર્તિમંત સ્વરૂપે પ્રત્યક્ષ નિત્યભોગ સ્વીકારવા લાગ્યા. હવે કલકત્તાનો વસવાટ એમના માટે આનંદપ્રદ બની ગયો અને તેમનું કલકત્તામાં રહેવાનું એ ભગવાનની દિવ્ય યોજનાના એક ભાગ સ્વરૂપે હતું એ તેમને સમજાઈ ગયું.

(ક્રમશ:)

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.