સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ છે.

(શ્રીરામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભજનાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ મે, 2001માં ‘અનાસક્તિ’ વિષયક એક વિદ્વત્તાપૂર્ણ લેખ લખ્યો છે, જેમાંથી એક વિષય લઈ આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. – સં.)

આપણે જો અનાસક્તિની માનસિક પ્રક્રિયાને જાણી લઈએ તો તેનો અભ્યાસ સહજ બની જાય છે. જ્યારે આપણે આસક્તિ કે અનાસક્તિની વાત કરીએ છીએ, તો આપણા વ્યક્તિત્વના ક્યા પાસા સાથે તેનો સંબંધ છે? ચોક્કસ, આપણા ભૌતિક શરીર સાથે નહીં, કારણ કે તેની હંમેશાં સ્વાધીન સત્તા બની રહે છે, જે કોઈ વસ્તુ સાથે જોડાઈ શકતી નથી. તો પછી શું એ મન સાથે સંબંધિત છે? પણ મન તો માનસિક જીવનની અનેક બાબતો માટે વપરાતો એક અસ્પષ્ટ શબ્દ છે. જો આપણે સાવધાનીપૂર્વક આપણા વિચારો અને કાર્યોનું વિશ્લેષણ કરીએ તો આપણને પ્રતીત થાય છે કે આસક્તિ અને અનાસક્તિ ઇચ્છા સાથે જોડાયેલ છે. ઇચ્છા જ બંધનમાં છે અને એ ઇચ્છાને જ અનાસક્ત થવાનું છે.

ઇચ્છા વિશે લોકોમાં અસ્પષ્ટ અને વિચિત્ર માન્યતાઓ છે. જર્મનીના મહાન પ્રાયોગિક મનોવૈજ્ઞાનિક વુટ અનેક પ્રયોગો પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે સામાન્ય રીતે આપણે જેને ઇચ્છા કહીએ છીએ, તે સહજ પ્રવૃત્તિ (instinct) માત્ર છે. કોઈ વ્યક્તિ સવારે ઊઠવાનો નિર્ણય કરીને તે મુજબ ઘડિયાળમાં એલાર્મ મૂકે છે, પણ એલાર્મ વાગે ત્યારે તેને ઊઠવામાં તકલીફ થાય છે. આવું વારંવાર થવાથી એ વિચારે છે કે તેનામાં ઉઠવાની ‘ઇચ્છા’ની ઊણપ છે. પરંતુ માનો કે તેને સવારની ટ્રેન પકડવાની છે કે કોઈ પરીક્ષામાં ભાગ લેવાનો છે, ત્યારે તો તે કોઈ એલાર્મ વિના જ અને ક્યારેક તો સમય પહેલાં જ જાગી જાય છે. આ ઉદાહરણમાં એક (ભયની) પ્રવૃત્તિએ બીજી (આળસની) પ્રવૃત્તિ પર વિજય મેળવ્યો છે. આપણી મોટાભાગની ક્રિયાઓ સહજ પ્રવૃત્તિ (instinct) દ્વારા જ નિયંત્રિત થતી હોય છે, જે મોટાભાગે હિંદુ મનોવિજ્ઞાનના (મનોવૈજ્ઞાનિક) સંસ્કારોથી થતી હોય છે. સાચી ઇચ્છા (will) ભાગ્યે જ ક્રિયાશીલ થઈ શકે છે.

વાસ્તવિક ઇચ્છા એટલે શું? સંસ્કૃતમાં સામાન્ય રીતે ‘ઇચ્છા’ કહેવાયેલા આ શબ્દ માટે ગીતા અન્ય એક શબ્દ ‘ધૃતિ’નો ઉપયોગ કરે છે. હિંદુ મનોવિજ્ઞાન પ્રમાણે ‘ઇચ્છા’ કોઈ સ્વાધીન એકમ નથી. એ ‘હું’- ચેતના સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. શંકરાચાર્ય કહે છે, ‘ઇચ્છા બુદ્ધિની જ એક અન્ય ક્રિયા છે.’ આ બુદ્ધિનું જ સ્થિર પાસું ‘હું’ ચેતના અને ગતિશીલ પાસું ઇચ્છા છે. હું-ચેતનાની ગતિ અથવા કેન્દ્રીકરણને ‘ઇચ્છા’ કહી શકાય. જેમ શુદ્ધ ચૈતન્ય વિચારો અને ઇન્દ્રિયોથી અલગ છે તે જ રીતે ‘ઇચ્છા’ એટલી વધુ ઊંડાણથી એકરૂપ થયેલી છે કે આપણા માટે ઇચ્છા અને સહજ-પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ પામવો કઠિન થઈ જાય છે.

આ એકરૂપતા કેવી રીતે આવે છે? પ્રાણ અથવા બ્રહ્માંડીય ઊર્જા નિરંતર આપણા મનના સંસ્કારોને સક્રિય કરતી રહે છે અને તેમાંથી જ ફૂટેલા કેટલાક ફણગા(અંકુર)ને આપણે કામના કે વાસના કહીએ છીએ. એટલા માટે ગીતા કહે છે, ‘આ કામ અને ક્રોધ રજસ્‌થી ઉત્પન્ન થાય છે,’ જ્યાં રજસ્‌નું તાત્પર્ય બ્રહ્માંડીય ઊર્જા છે. આ રીતે આપણી અંદર સેંકડો કામનાઓ ઉત્પન્ન થાય છે, પરંતુ એક સમયે તેમાંથી માત્ર કેટલીક કામનાઓ પ્રત્યે આપણે સચેત હોઈએ છીએ. કોઈ એક કામનાનું ઉત્પન્ન થવું માત્ર જ દુઃખદાયી નથી. તકલીફ તો ત્યારે ઊભી થાય છે જ્યારે ઇચ્છા એ કામનાની સાથે જોડાઈ જાય છે. માત્ર ત્યારે જ કામનાનો ‘હું’ની સાથે સમન્વય થાય છે. ત્યારે ‘ઇચ્છા’ સંકલ્પમાં ફેરવાઈ જાય છે. શારીરિક હોય કે માનસિક, દરેક ક્રિયાની પાછળ એક સંકલ્પ હોય છે. જો ‘ઇચ્છા’ તેની સાથે જોડાયેલી ન હોય તો કામના આપણને પ્રભાવિત કરી શકતી નથી. તે ચેતનામાં કેટલીક ક્ષણો રહ્યા પછી વિલીન થઈ જાય છે. મહાભારતમાં ઘણી વાર કહેવાયેલા એક શ્લોકમાં કહ્યું છે- ‘હે કામના, મેં તારું મૂળ કારણ સમજી લીધું છે. તું સંકલ્પથી ઉત્પન્ન થાય છે. જો હું કોઈ સંકલ્પ ન કરું, તો તું સમૂળગી નષ્ટ થઈ જશે.’ ગીતા પણ કામનાની ઉત્પત્તિના મૂળને સંકલ્પ જ બતાવે છે.

પ્રતિદિન આપણે ઘણા સંકલ્પ કરીએ છીએ અને તેને પૂરા કરવાના પ્રયાસમાં લાગી જઈએ છીએ અને એ જ આપણી આસક્તિ અને તેની સાથે જોડાયેલ સમસ્યાઓનું મૂળ કારણ છે. સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ છે. આમ કરવાથી આપણે આપણા વિચારો, કામનાઓ તથા ક્રિયાઓથી પ્રભાવિત થયા વગર તેના સાક્ષીમાત્ર બની જઈએ છીએ.

જો કે પ્રાણની સક્રિયતાના કારણે જ સંસ્કારોમાંથી કામનાનો ફણગો ફૂટે છે. તેથી પ્રાણાયામના અભ્યાસ થકી કામનાઓની ઉત્પત્તિને કેટલાક સમય માટે રોકી શકાય છે. પ્રાણાયામ સંસ્કારોને નિષ્ક્રિય બનાવે છે. કેટલાક માદક પદાર્થોનું સેવન પણ મનના ભૌતિક યંત્રરૂપ મસ્તિષ્કનાં કેટલાંક કેન્દ્રોને નિષ્ક્રિય કરી એક પ્રકારના સુખનો આભાસ ઉત્પન્ન કરે છે. પણ પ્રાણાયામ અને માદક પદાર્થ બંને ‘ઇચ્છા’ને પ્રભાવિત નથી કરી શકતા અને જ્યાં સુધી ‘ઇચ્છા’ વિકૃત, અનિયંત્રિત અને આસક્ત છે, ત્યાં સુધી મનુષ્ય કામનાઓથી મુક્ત નથી થઈ શકતો; કારણ કે જ્યારે પ્રાણાયામ કે માદક દ્રવ્યની અસર દૂર થઈ જાય છે ત્યારે સંસ્કાર ફરીથી, કદાચ બમણા વેગથી અંકુરિત થઈ જાય છે. માત્ર ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓના દર્શનથી જ સંસ્કારોનો સમૂળગો નાશ કરી શકાય છે. જ્યાં સુધી એમ ન થાય, ત્યાં સુધી વિવેક-વિચાર કે ઈશ્વર માટે વ્યાકુળતા કે પ્રેમ દ્વારા ‘ઇચ્છા’ને સંસ્કારોથી દૂર કરવી પડશે. સંસ્કારોને જ્યારે ‘ઇચ્છા’ તરફથી કોઈ મદદ ન મળે ત્યારે તે ક્રમશઃ નિષ્ક્રિય થઈ જાય છે, યોગીઓ આ અવસ્થાને ‘તનુ’ અવસ્થા કહે છે. આવું થાય તો જ કામનાઓ આપણને પરેશાન કરવાનું બંધ કરી દે છે.

Total Views: 979

3 Comments

  1. Shakti Kishorbhai Gohel September 2, 2022 at 4:59 am - Reply

    🙏 😇

  2. M. C .Patel. September 1, 2022 at 9:54 am - Reply

    Oh!great thank you to focus to think.to be get aware of such a thing to get identified differently.it difficult to explain very first the phenomenon of sankalp.

  3. Ranjitsinh A vaghela August 31, 2022 at 3:14 am - Reply

    વાહ સરળ સમજૂતી….આભાર

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.