જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે.

તમારા મનને તમારા હૃદય ઉપર કેન્દ્રિત કરો અને ભગવાન તમારા હૃદયમાં નિવાસ કરે છે એમ વિચારવાનો પ્રયત્ન કરી અને તેનું ધ્યાન કરો. તેનાથી તમને ચોક્કસ કંઈક આશ્વાસન અને શાંતિ મળશે. તમારે શાસ્ત્રોના વિવિધ આદેશોનો સમન્વય કરવો જોઈએ. બધાં જ શાસ્ત્રો અને મહાપુરુષોનો આ જ ઉપદેશ છે: ‘ધ્યાન કરો. મનને ઈશ્વર ઉપર કેન્દ્રિત કરો, ઈશ્વર સંબંધી સત્ય ઉપર કેન્દ્રિત કરો, શ્રીગુરુએ સૂચવેલ ઇષ્ટનું ધ્યાન ધરો.’ જો કોઈ ગુરુ ન મળ્યા હોય તો ભગવાનનું જે રૂપ તમને યોગ્ય લાગે તેનું જ ધ્યાન ધરો—ભલે થોડીક ક્ષણો માટે જ કેમ ન હોય.

આપણો દરેક વિચાર આપણા મન ઉપર તેનો પ્રભાવ છોડી જાય છે. ગ્રામોફોન રેકર્ડની રેખાની જેમ વિચારોની પુનરાવૃત્તિથી મસ્તિષ્કમાં પણ સંસ્કાર બનતા જાય છે. ઇન્દ્રિયોના ભોગ-વિલાસે પહેલેથી જ આપણા મન પર પોતાની છાપ છોડેલી છે. વિષયોના સંપર્કથી આ છાપ મનમાં સમાન વિચારો ઉત્પન્ન કરે છે. આપણે ભૂતકાળમાં કેટલીક વસ્તુઓ માટે ગમા-અણગમાથી વિચાર્યું છે, તે વસ્તુઓ જ્યારે ફરી સામે આવે ત્યારે આપણા મનમાં ફરી એવા જ સંસ્કારો આપમેળે જ ઉત્પન્ન થાય છે.

આપણે આજે જે કાંઈ છીએ તે વિચારોનું જ ફળ છે. તેથી આપણે ભવિષ્યમાં એવા જ બનીશું, જેવા આપણે બનવા માગીએ છીએ. આપણામાં શુદ્ધ વિચારોની વૃદ્ધિ કરવાનો સૌથી સમર્થ ઉપાય છે ધ્યાન. તે આપણા અશુભ સંસ્કારોને દૂર કરવામાં મદદરૂપ બને છે. એટલા માટે ધર્મ-સાધના માટે ધ્યાન કરવું આવશ્યક છે.

શરૂઆતમાં ધ્યાન કરવું કઠિન છે, કારણ કે ઈશ્વર સંબંધી વિચાર આપણા માટે એકદમ નવીન હોય છે. વાયોલિન વગાડવાનું શીખવાની જેમ ધ્યાન પણ ધીમે ધીમે શીખવું જોઈએ. વાયોલિન વગાડવું પહેલાં કઠિન અને કંટાળાજનક હોય છે. સતત સાધના દ્વારા ક્રમશ: ધીમે ધીમે તેમાં રસ પડવા લાગે છે અને ત્યારે આપણે તેને છોડી નથી શકતા. ત્યારે વ્યક્તિ તેના પોતાના અને અન્યોના આનંદ માટે વાયોલિન વગાડે છે. તેવી જ રીતે ધ્યાનમાં પણ ઈચ્છા અને રસ ઉત્પન્ન કરવો જોઈએ, ત્યારે તેમાં આનંદ આવશે અને છેવટે પૂર્ણતા પ્રાપ્ત થશે. અર્જુનને જ્યારે શ્રીકૃષ્ણે મનને વશ કરવાનું કહ્યું ત્યારે અર્જુનને લાગ્યું કે આ તો હવાને પકડવા સમાન કઠિન છે. ત્યારે શ્રીકૃષ્ણે તેને અભ્યાસ અને વૈરાગ્યનો એ જ પ્રાચીન ઉપાય બતાવ્યો. નિરંતર અભ્યાસ દ્વારા મનને વશમાં કરી શકાય છે. પરંતુ ધ્યાનના અભ્યાસની સાથે સાથે વૈરાગ્ય પણ હોવો જોઈએ.

જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે જે ઇન્દ્રિયોના પ્રભાવ હેઠળ હોવા છતાં ઇન્દ્રિયોથી દૂર થવા ઈચ્છે છે. તેમના પ્રયત્નો કુદરતી રીતે સફળ થતા નથી. જ્યારે હોડી પાણીમાં લાંગરેલી હોય ત્યારે તેને ગતિશીલ કરવા હલેસાં મારવાથી કોઈ લાભ નથી થતો. ઘણી વાર આપણે એમ સમજીને ખુદને દગો દઈએ છીએ કે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે તેને પ્રેમ નથી કરતા હોતા. ગિરીશચંદ્ર ઘોષના નાટકમાં કોઈ પાત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું, ‘હું તેને ભૂલી નથી શકતો!’ તેના પ્રત્યુત્તરમાં ગુરુએ કહયું, ‘તું તેને ભૂલી નથી શકતો? એમ કહે કે તું તેને ભૂલવા નથી માગતો.’ આ જ રહસ્ય છે. આપણા હૃદયમાં છુપાયેલી ઈચ્છાઓને ભગવાન જાણે છે. એટલા માટે સૌ પ્રથમ એ જોઈ લેવું જોઈએ કે આપણી વાણી અને કર્મ હકીકતમાં એક લયમાં છે કે નહીં. ટૂંકમાં કહીએ તો નિષ્કપટતા જ ઉપાય છે. શ્રીરામકૃષ્ણ દ્વારા આટલા ટૂંકા સમયમાં ઈશ્વર-સાક્ષાત્કાર કરી લેવાનું શું કારણ છે? તેમની નિષ્કપટતા અને અટલ પ્રયાસ જ. તેઓ સમાધાનની વાત નહોતા માનતા. તેઓ કહેતા હતા કે શુદ્ધ અને શાંત થયા પછી મન જ ગુરુ બની જાય છે. ક્યારેક તો આપણે અનુભવ કરીએ છીએ કે એકમાત્ર ઈશ્વર જ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ છે, સંસાર નહીં; પરંતુ આપણો આ અનુભવ ક્ષણિક હોય છે. આપણે આ અનુભવને કાયમી બનાવી લેવો જોઈએ. બીજા શબ્દોમાં, જો આપણે ઈશ્વરને પ્રેમ કરતા હોઈએ તો આપણે તેના સિવાયની બધી જ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. જો આપણે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીએ તો ઈશ્વર તરફથી મદદ જરૂર મળશે. જેમ આપણે ઈશ્વર તરફ આગળ જઈએ છીએ તેમ ઈશ્વર પણ આપણી તરફ આવે છે. જો આપણે તેમના તરફ એક ડગલું ચાલીએ છીએ તો તેઓ આપણી તરફ દસ ડગલાં આવે છે. શ્રીરામકૃષ્ણે આપણને આ એક મોટું આશ્વાસન આપ્યું છે.

ઈશ્વર પોતાના સ્વભાવથી અનંત છે. જો એમ ન હોત તો આપણા ભરચક પ્રયત્નો છતાં એમના સુધી પહોંચવામાં આપણે અસમર્થ જ રહેત. તેમની અનંત કૃપા થકી જ આપણે તેમના સુધી પહોંચવાના આપણા પ્રયાસોમાં સફળ થઈએ છીએ. આપણા ઘરમાં જ્યારે બાળકો નાનાં હોય અને તેને બોલતાં ન આવડતું હોય, તો તે માત્ર ‘લા’ ‘લા’ જ કહી શકે છે, પરંતુ એનાથી જ પિતા ખુશ થઈ જાય છે અને ઉત્તર આપે છે. આ જ રીતે ઈશ્વર પણ આપણા નિષ્ઠાપૂર્વકના થોડા પ્રયત્નોથી સંતુષ્ટ થઇ જાય છે અને આપણા પોકારનો ઉત્તર આપે છે. તેઓ દયા અને પ્રેમનો ભંડાર છે. તેઓ તેમનાં નાનાં બાળકોથી બહુ જ ખુશ રહે છે. તેઓ તેમના હૃદયની ગતિવિધિઓથી વાકેફ હોય છે અને તેમની જરૂરિયાતોને આશા કરતાં પણ વધારે પ્રમાણમાં પૂરી કરે છે. એક નાનો એવો સાચો પ્રયાસ પણ તેમની મહિમાવંત કૃપાને ખેંચી લાવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે આ નાનો એવો પ્રયત્ન કરવા પણ સમર્થ નથી.

Total Views: 498
By Published On: July 22, 2022Categories: Madhvananda Swami3 CommentsTags: , ,

3 Comments

  1. Punambhai Patel September 2, 2022 at 7:11 am - Reply

    Useful

  2. Kajal lodhia September 2, 2022 at 6:28 pm - Reply

    ખરેખર, ધ્યાન કરવું,કરતા ધ્યાન લાગવું ખુબ જ કઠણ છે… એ તો ગુરુકૃપા કે પૂર્વના સંસ્કાર જ કરાવી શકે..

  3. Shakti Kishorbhai Gohel September 5, 2022 at 4:48 am - Reply

    🙏😇

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram