સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને લાગતું કે ભગવાન ઈશુ ખ્રિસ્ત સ્વયં એમની સાથે વિદ્યમાન છે. સ્વામીજી એમની સાથે રહેતા એ વખતે કોઈ ચમત્કારિક ઘટનાઓ ઘટી ન હતી, પણ એ દિવસોના પ્રત્યેક કલાક અને પ્રત્યેક ક્ષણ ગૌરવાન્વિત થઈ ગયાં હતાં—જાણે કે એક પ્રદીપને પ્રગટાવીએ એમ તેજોમય થઈ ગયાં હતાં.

(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ વાઈકોફ, મિસિસ હેન્સબ્રો, અને મિસ હેલન મીડ એમના પ્રધાન અનુયાયીઓ હતાં. સ્વામીજી જાન્યુઆરી, 1900નાં કેટલાંક અઠવાડિયાં સાઉથ પેસેડિના નગરસ્થિત એમના ઘરે રોકાયા હતા. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, પૃ. 259ના આધારે આ લેખની રચના થઈ છે. -સં.)

સ્વામી વિવેકાનંદની દર્શન કે આધ્યાત્મિકતા સભર વાતો એમના શિષ્યો જેટલી આદરપૂર્વક યાદ રાખતા એટલી જ આદરપૂર્વક એમની રોજબરોજની ઘટનાઓ અને વાતો પણ યાદ રાખતા. એમના પ્રત્યેક કાર્યમાં એક દિવ્ય મોહકતા હતી. મિસિસ હેન્સબ્રો દાર્શનિક વિવેકાનંદ કરતાં આ રોજબરોજના વિવેકાનંદને ઘણા પોતીકા ગણતાં. તેઓ કહે છે: “હું તેમને એક યથાવત્‌ મનુષ્યના રૂપમાં યાદ રાખવા માગું છું. જો કોઈ એમને કૃત્રિમ પવિત્રતાના રંગમાં રંગવાનો પ્રયત્ન કરે તો એ રંગને ઉખાડી દેવા માગું છું. કારણ કે તેઓ એક યથાવત્‌ માનવીના રૂપમાં જ એટલા મહાન હતા કે એમને મહાન બનવા માટે બીજા કોઈ રંગની જરૂર ન હતી.”

સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને લાગતું કે ભગવાન ઈશુ ખ્રિસ્ત સ્વયં એમની સાથે વિદ્યમાન છે. સ્વામીજી એમની સાથે રહેતા એ વખતે કોઈ ચમત્કારિક ઘટનાઓ ઘટી ન હતી, પણ એ દિવસોના પ્રત્યેક કલાક અને પ્રત્યેક ક્ષણ ગૌરવાન્વિત થઈ ગયાં હતાં—જાણે કે એક પ્રદીપને પ્રગટાવીએ એમ તેજોમય થઈ ગયાં હતાં.

એમનું દૈનંદિન જીવન સરળ હતું. ભોજન બાદ તેઓ બેઠકઘરના સોફા પર થોડો વિશ્રામ લેતા અને ત્યાં જ થોડું વાંચન કરતા અથવા વાતો કરતા. એ સમયે મિસિસ વાઈકોફ ઝડપથી ઘરનું બધું કામ નીપટાવી લેતાં. એક દિવસ સ્વામીજીએ એમને કહ્યું, “તમે ઘરકામ કરવામાં એટલી બધી મહેનત કરો છો કે તમને જોઈને હું થાકી જાઉં છું. ખેર, કોઈકે તો એ કામ કરવું જ પડશે અને એ કામ કરનારાં છો તમે.”

ક્યારેક સ્વામીજી મિસિસ વાઈકોફને ઘરકામ પડતું રાખી પોતાની સાથે બગીચામાં ટહેલવાનું કહેતા. ટહેલતાં ટહેલતાં સ્વામીજી બંગાળી ભજનો ગાતા અથવા સંસ્કૃતની ઋચાઓનો પાઠ કરતા અને અંગ્રેજીમાં એનો અર્થ સમજાવતા. તેઓ પ્રવચન આપવાના સમયે જે પ્રકારે શીખવતા એ કરતાં અનેકગણી વ્યક્તિગતરૂપે આ સમજ આપતા.

બપોરે બપોરે સ્વામીજી વેદાંતની બોધકથાઓ લખતા. એક દિવસે તેઓએ ‘કોણ જાણે કેમ માતા ખેલે!’ નામની કવિતા પણ લખી હતી.

તું કોઈ પેગંબર હો – બની શકે!
પહોંચી શકે કોણ તલે નિગૂઢ, જ્યાં
અમોઘ ભંડાર ભરેલ માનો?
બની શકે – બાલક કેરી દૃષ્ટિએ
પડે, શકે જોઈ ન ચર્મચક્ષુ જે;
શકે નિહાળી ઘટના સુસૂક્ષ્મમાં
એ સ્થૂલમાંહી પ્રકટયા પહેલાં
દૃઢીભૂતા, અપ્રતિકાર્ય રૂપમાં,
જાણી શકે મા પ્રવિણ કોણ, શી રીતે,
ક્યારે, કહીં સૌ ઘટનાય ઉદ્ભવે?
કદાચ તેજોમય કોઈ સન્તે
કર્યું હશે દર્શન વાણીથી પર;
જાણી શકે કોણ, કયા જ આત્મમાં,
ક્યાં માંડતી મા નિજનું સિંહાસન?
બાંધી શકે કયા નિયમો જ મુક્તિને?
કયા ગુણે માની કૃપા મળી શકે;
જેની લીલા – વાણી મહાન શાસન,
સંકલ્પ જેનો નિયતિ અ-રોધ્ય?
સ્વપ્નાં મહીંયે નહિ જે પિતાને
સમૃદ્ધિ એવી ઊઘડે શિશુ પ્રતિ;
માતામહીં શક્તિ ભરેલ તે થકી
પુત્રી વિષે હોય સહસ્રધા વધુ.

મીડ ભગિનીઓને મળવા માટે એમના સંબંધીઓ કે મિત્રો પણ આવતા. સ્વામીજી ક્યારેક એમની સાથે વાત કરતા તો ક્યારેક પોતાના વિચારોમાં ગરકાવ થઈ મૌન રહેતા. એક દિવસ ભગિનીઓની એક મિત્ર એમને મળવા આવી. તેઓએ લગભગ એક કલાક સુધી વાર્તાલાપ કર્યો. સ્વામીજી એક ખૂણામાં બેઠા બેઠા ચૂપચાપ ધૂમ્રપાન કરી રહ્યા હતા. મિત્રને ખબર ન હતી કે તેઓ કોણ છે. એટલે જવાના સમયે તેણે પૂછ્યું, “શું આ સજ્જનને અંગ્રેજી આવડે છે?” તેઓની આ વાત સાંભળીને સ્વામીજીને ખૂબ મજા પડી હતી.

એક દિવસ એક બહેને સ્વામીજીનું ચિત્ર દોરવાનું નક્કી કર્યું. આ વિશેની પરવાનગી માટે એ બહેને સ્વામીજીને વિનંતી કરી હતી. પણ સ્વામીજીએ ઘસીને ના પાડી દીધી હતી. એક દિવસે એ બહેન મિસિસ હેન્સબ્રો પાસે આવ્યાં અને વિનંતી કરી કે સ્વામીજીને ખબર ન પડે એવી રીતે એમને ઘરમાં પ્રવેશ આપવામાં આવે, કે જેથી સ્વામીજીના અજાણતાં તેઓ એમનું ચિત્ર દોરી શકે. મિસિસ હેન્સબ્રોએ સહમતી આપી એમને ઘરમાં દાખલ કર્યાં. પરંતુ સ્વામીજીને ખબર પડી ગઈ કે એ બહેન ઘરમાં પ્રવેશ્યાં છે. તુરત જ એમણે મિસિસ હેન્સબ્રોને બોલાવીને કહ્યું કે જો તેઓ એ બહેનને ઘરમાંથી તાત્કાલિક બહાર નહીં કરી દે તો તેઓ પોતે ઘર છોડીને ચાલ્યા જશે. ભય પામી જઈને મિસિસ હેન્સબ્રોએ એ બહેનને તરત જ ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં.

સાંજના સમયે સ્વામીજી મિસિસ વાઈકોફને ભોજન બનાવવામાં મદદ કરતા. ક્યારેક તો બધી વાનગીઓ તેઓ પોતે જ બનાવતા. મિસિસ હેન્સબ્રો કહે છે: “જ્યારે સ્વામીજી અમારી સાથે રહેતા હતા ત્યારે તેમને રોજ સાંજે ખાવાનું બનાવવામાં ખૂબ આનંદ આવતો. તેઓ શાક અને રોટલી બનાવતા. રાલ્ફ અને ડોરોથી (મિસિસ વાઈકોફ અને મિસિસ હેન્સબ્રોના પુત્ર-પુત્રીઓ)ને આ રોટલી-શાક ખૂબ ભાવતાં. શાકમાં વપરાતા મસાલાને ખાંડવા પડતા. સ્વામીજીને ઊભા ઊભા ટેબલ પર ખાંડવું ગમતું નહીં, તેઓ જમીન ઉપર જ પલાઠીવાળીને બેસી જતા અને લાકડાની ખરલમાં મસાલા ખાંડતા.”

ખાંડી લીધા પછી તેઓ મસાલાનો ઘીમાં વધાર કરતા. વઘારનો જે ધુમાડો નીકળતો એનાથી ભગિનીઓની આંખોમાં બળતરા થતી. માટે જ વઘાર કરતાં પહેલાં સ્વામીજી મજાકમાં કહેતા, “દાદાજી આવે છે, બહેનોને રસોડામાંથી ચાલ્યા જવાનું આમંત્રણ છે.”

સાથે સાથે જ સ્વામીજી ક્યારેય હસીમજાકનો અતિરેક કરતા નહીં. અનેક સમય તેઓ એક ગાંભીર્યના આવરણથી પરિવ્યાપિત રહેતા. પણ જ્યારે તેઓને રસોડામાં સ્વતંત્રતાપૂર્વક બધાને માટે ભોજન બનાવવાની તક મળતી ત્યારે તેઓ હર્ષાન્વિત થઈ ઊઠતા. આ વિમલ આનંદની પળોમાં પણ સ્વામીજીની સાથે રહેતા મિત્રોની આધ્યાત્મિક ઉન્નતિ થતી રહેતી. તેઓ ક્યારેય અનાવશ્યક ઉપદેશ આપતા નહીં, પણ સામાન્ય વાતો કે ક્રિયાકલાપ દ્વારા એમના મિત્રોની આંખો ખોલી દેતા. એમના મિત્રો આ સહજલભ્ય જ્ઞાન ક્યારેય ભૂલતા નહીં.

સ્વામીજીને મસાલેદાર વાનગીઓ ખૂબ પસંદ હતી. એક દિવસે આવી જ એક વાનગી એમણે બનાવી હતી. હવે અમેરિકનોને આટલું મસાલેદાર ખાવાની આદત ન હોવાથી તેમને ખૂબ તીખું લાગતું.

એમણે મિસિસ વાઈકોફને પૂછ્યું કે શું એમને એ વાનગી ભાવી હતી કે નહીં. સ્વામીજીને ખોટું ન લાગે એટલા માટે મિસિસ વાઈકોફે કહ્યું કે હા, એમને ભાવી હતી. પરંતુ સ્વામીજીને તો મૂર્ખ બનાવી શકાય નહીં! કેટલીક ક્ષણો વીત્યા બાદ સ્વામીજીએ પૂછ્યું, “શું તમે સાચું કહો છો, કે મિત્રતા નિભાવવા માટે મારું મન રાખો છો?” મિસિસ વાઈકોફે કબૂલ્યું કે, “હા, હું મિત્રતા માટે જ આમ કહું છું.”

એક દિવસ મિસિસ વાઈકોફ રસોડામાં ભોજન રાંધી રહ્યા હતા. સ્વામીજી રસોડાના એક ખૂણેથી બીજા ખૂણે ટહેલી રહ્યા હતા. એકાએક એમણે પૂછ્યું, “શું તમારું લગ્નજીવન સુખી હતું?” કેટલીક ક્ષણોના ખચકાટ પછી એમણે ઉત્તર આપ્યો, “હા, સ્વામીજી.” સ્વામીજી થોડા સમય પૂરતાં રસોડામાંથી બહાર જતા રહ્યા અને પાછા આવીને કહ્યું, “હું ખુશ છું કે ચાલો, કોઈકનું તો લગ્નજીવન સુખી હતું!”

પણ મિસિસ વાઈકોફે લગ્નજીવનમાં દુ:ખ ભોગવ્યું હતું અને સંકોચવશત: જ તેઓ ખોટું બોલ્યાં હતાં. જ્યારે એમને સમજમાં આવ્યું કે સ્વામીજી એમનું દુ:ખ હરી માનસિક શાંતિ આપવા માગતા હતા ત્યારે તેમને પોતાની ભૂલ સમજમાં આવી. પણ હવે શું કરવાનું—સ્વામીજીની કલ્પતરુક્ષણ તો વીતી ગઈ હતી. આ ઘટના પછી મિસિસ વાઈકોફ નાની નાની વાતોમાં પણ સાચું બોલવાનો આગ્રહ રાખતાં થઈ ગયાં હતાં.

મીડ ભગિનીઓના ઘરમાં સાંધ્યભોજનનો સમય 6.30નો રહેતો. જે દિવસે સ્વામીજીને રાતના આઠ વાગ્યાનું પ્રવચન રહેતું એ દિવસે બધાં વહેલાં જમી લેતાં. ભોજન પૌષ્ટિક અને પર્યાપ્ત માત્રામાં રહેતું. મિસિસ હેન્સબ્રો કહે છે: “ભોજનમાં સામાન્ય રીતે સૂપ અને પૌષ્ટિક વાનગી રહેતી. સાથે જ રહેતાં લીલાં શાકભાજી અને કેક અથવા બીજી કોઈ મીઠાઈ. સ્વામીજીને કેક ભાવતી. સાંજે તેઓ કોફી પીતા નહીં.” જે દિવસે સ્વામીજીએ ભોજન રાંધ્યું હોય એ દિવસે બધા એમણે બનાવેલ શાક-રોટલી ખાતાં.

ભોજન બાદ ટેબલ સાફ કરીને ફાયર-પ્લેસ (શિયાળામાં ગરમી માટે સળગાવવામાં આવતો ચૂલો)માં અગ્નિ પેટાવવામાં આવતો અને આખો પરિવાર મળી રસોડામાં સાથે બેસતો. કોઈ કોઈ ભોજન કરવા માટેની ખુરશી પર તો કોઈ કોઈ આરામખુરશી પર બેસતા. સ્વામીજી માટે એક મોટી આરામખુરશીની વ્યવસ્થા કરવામાં આવતી હતી કે જેમાં તેઓ પલાઠીવાળીને બેસી શકતા. આ દૃશ્યની કલ્પના કરી જુઓ: શિયાળાની રાત છે, આપણે ભોજન બાદ રસોડામાં સ્વામીજી સાથે સપરિવાર બેઠા છીએ, અને પાસે જ અગ્નિ પ્રજ્વલે છે. જાણે કે ઋષિઓનો આશ્રમ, પવિત્ર અગ્નિ, અને વૈદિક મંત્રોનો નાદ સ્વામીજી આપણા રસોડામાં લઈ આવ્યા છે.

ધન્ય છે એ અમેરિકન બહેનો કે જેમણે એક તદ્દન અજાણ્યા ભારતીય સંન્યાસીને પોતાના ઘરમાં અને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું હતું!

Total Views: 873

4 Comments

 1. Seema Mandavia August 23, 2022 at 5:34 am - Reply

  Excellent article, we feel as if we also were with Swamiji, having our meal, nicely written article…

 2. Kajal lodhia August 23, 2022 at 6:51 am - Reply

  ખુબ જ સરસ લેખ! સ્વામીજી ગુણો નો ભંડાર છે……🙏

 3. રસેન્દ્ર અધ્વર્યુ August 23, 2022 at 9:04 am - Reply

  સ્વામીજી માટે સૌ કેવા સરખાં ? સ્ત્રી,પુરુષના ભેદભાવ નહિ , જ્ઞાતિ, જાતિ , પારકાં, પોતાનાં નાં ક્ષુલ્લક પ્રમાણથી કોઈને જોખવાના નહિ એ સાચા સન્યાસીમાં જ જોઈ શકાય. સૌ સ્ત્રીને મા-ભગિનીનો ઉચ્ચ આદર આપી એમની સાથે રહેવું એ કેટલા ‘મન ના સ્વામી’ હોવા બાદ જ શક્ય બને? અદ્વિતીય વિભૂતિ! આપણને કેટલું બધું શીખવી જાય છે?

 4. Shakti Kishorbhai Gohel August 24, 2022 at 3:13 pm - Reply

  આ લેખમાં લખ્યું છે કે, સ્વામીજી ધુમ્રપાન કરતાં એ વાત મને સમજાની નહિં, શું ઍ ખરી વાત છે?

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram