એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો આનંદ તે હોઈ ન શકે. છતાં વેદાંત બતાવે છે કે અહીંના જીવનમાં જે આનંદ મળે છે તે સાચા આનંદનો એક અંશમાત્ર છે; કારણ કે એ જ એકમાત્ર સાચો આનંદ છે. ભલે ઢંકાયેલો હોય, ભલે તેના વિશે ગેરસમજ થયેલી હોય અને ભલે તેને બેહૂદો ચીતરવામાં આવ્યો હોય, છતાં પણ પ્રત્યેક પળે આપણે ખરેખર તો તે જ પૂર્ણ આનંદ ભોગવીએ છીએ.

હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે અમને શાળામાંથી વચમાં વચમાં પિકનિકમાં લઈ જતા. બધા દોસ્તારોની સાથે બસમાં જવાનું, ત્યાં જઈને મુક્ત-મને દોડાદોડી કરવાની, સાથે મળીને નાસ્તો કરવાનું, ઢળતી સાંજે ચારે બાજુ ખુલ્લાં ખેતરોની વચમાંથી નીકળતા રસ્તા પરથી ચાલતા પાછા ફરવાનું—આમાં કેટલો આનંદ આવતો! ત્યારે થતું શાળામાં ક્લાસ કરતાં તો પિકનિક જ ચાલતી હોય તો કેટલું સારું!

પણ આપણે મોટા થતા જઈએ એમ એમ પિકનિક કરતાં વધુ આનંદ આપણને ત્યારે આવે, જ્યારે આપણે મહેનત કરીને પરીક્ષામાં સારા નંબરે પાસ થઈએ. એથી વધુ મોટા થઈએ ત્યારે જો મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી લાગી જાય તો મનમાં હરખ થાય કે હવે સમાજમાં આપણી પ્રતિષ્ઠા કેટલી વધી જશે! પણ એક સમય એવો આવશે કે જ્યારે આપણે જીવનમાં જેટલું મેળવવાનું છે એ બધું મેળવી લીધું છતાં પણ મનમાં ખાલીપો લાગ્યા કરશે. ત્યારે આપણને પ્રશ્ન થાય: આપણે જે આટલો બધો આનંદ મેળવ્યો એ ટકતો કેમ નથી? કેમ સંસારમાં આનંદ પછી દુ:ખ અને નિરાશા આવી પડે છે?

સ્વામી વિવેકાનંદ કહે છે: “આ જગતનાં દુઃખો શરીરમાંના કાયમી સંધિવા જેવાં છે. એક ભાગમાંથી તમે તેને હાંકી કાઢો એટલે તે તમને બીજે ક્યાંય દેખાશે; ત્યાંથી કાઢો તો વળી ત્રીજે સ્થળે દેખા દેશે. તમે ગમે તે કરો પણ તે ત્યાં છે તો ખરો જ. જૂના કાળમાં લોકો જંગલમાં રહેતા અને એકબીજાને ખાઈ જતા; આધુનિક જમાનામાં તેઓ એકબીજાનું માંસ તો નથી ખાતા પણ એકબીજાને છેતરે છે. છેતરપિંડીથી દેશના દેશ અને શહેરોનાં શહેરો નાશ પામ્યાં છે.”

“જગતમાં સુખ અને દુઃખનો સરવાળો સદાયને માટે કાંઈ નહિ તો તેટલો ને તેટલો જ રહે છે. જો સમુદ્રમાં ક્યાંય મોજું ઉત્પન્ન થાય છે તો બીજે સ્થળે ખાડો થાય છે; જો એક માણસને સુખ મળે તો બીજા કોઈકને દુઃખ મળે… બળવાન પ્રજા નબળી પ્રજાનો નાશ કરે છે; પણ તે બળવાન પ્રજા ખૂબ સુખી થશે તેમ તમે માનો છો? ના, તેઓ પરસ્પર એકબીજાનો સંહાર કરવાનું શરૂ કરશે.”

સભ્યતા અને બુદ્ધિમત્તા વધવાની સાથે આપણે જે વસ્તુઓમાં આનંદ મેળવીએ છીએ એ વસ્તુઓ પણ સુસંસ્કૃત થતી જાય છે. સ્વામીજી કહે છે: “ઇન્દ્રિયોનો ઉપભોગ ઘણાને આનંદ આપે છે તેથી તે તેને શોધે છે; પણ બીજા એવા પણ હોય કે જેમને તે આનંદ ન આપતો હોય; તેમને વિશેષ ઉચ્ચ આનંદ જોઈતો હોય. કૂતરાનો આનંદ માત્ર ખાવાપીવામાં જ છે. અમુક તારાઓની સ્થિતિ જોવા માટે સર્વસ્વનો ત્યાગ કરીને પર્વતના શિખર ઉપર રહેતા વૈજ્ઞાનિકના આનંદને કૂતરો સમજી નહિ શકે; કૂતરાઓ તો તેના તરફ હસીને તેને ગાંડો માણસ ગણશે. કદાચ આ બિચારા વૈજ્ઞાનિક પાસે પરણવા જેટલા પૈસા પણ ન હોય અને તે સાદું જીવન ગાળતો હોય. ભલે કદાચ કૂતરો તેના તરફ હસે, પણ વૈજ્ઞાનિક તો કહે છે: ‘મારા વહાલા કૂતરા! તારો આનંદ માત્ર તું જે ઇન્દ્રિયોનો ઉપભોગ કરે છે તેમાં જ છે; તેથી વિશેષ તું કંઈ જાણતો નથી. પણ મારે માટે તો આ જ આનંદપ્રદ જિંદગી છે અને જો તને તારી રીતે આનંદ લેવાનો અધિકાર હોય તો મને મારી રીતે આનંદ લેવાનો અધિકાર છે.’”

પણ આપણે નિરાશ થવાની જરૂર નથી. સ્વામીજી કહે છે: “…એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ અને આનંદ મેળવીએ છીએ તેવો આનંદ તે હોઈ ન શકે. છતાં વેદાંત બતાવે છે કે અહીંના જીવનમાં જે આનંદ મળે છે તે સાચા આનંદનો એક અંશમાત્ર છે; કારણ કે એ જ એકમાત્ર સાચો આનંદ છે. ભલે ઢંકાયેલો હોય, ભલે તેના વિશે ગેરસમજ થયેલી હોય અને ભલે તેને બેહૂદો ચીતરવામાં આવ્યો હોય, છતાં પણ પ્રત્યેક પળે આપણે ખરેખર તો તે જ પૂર્ણ આનંદ ભોગવીએ છીએ.”

“જ્યાં જ્યાં કંઈ પણ કલ્યાણ છે, સુખ છે, આનંદ છે, ભલે તે ચોરીનો આનંદ હોય, પણ દર વખતે તે જ પૂર્ણ આનંદ બહાર આવે છે. માત્ર અનેક જાતની બહારની પરિસ્થિતિને કારણે તે ઢંકાયેલો છે, જાણે કે ખીચડો થઈને રહ્યો છે, તેના વિશે ગેરસમજ ઊભી થયેલી છે.”

કઠોપનિષદમાં આત્મન્‌ વિશે કહેવાયું છે:

न जायते म्रियते वा विपश्चित्‌
न अयं कुतश्चिन्न बभूव कश्चित्।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे।।
(કઠોપનિષદ – ૧.૨.૧૮)

‘જ્ઞાનસ્વરૂપ આત્મા કદી મરતો નથી, કદી જન્મતો નથી; તે કશામાંથી ઉત્પન્ન થતો નથી અને તેમાંથી કંઈ ઉત્પન્ન થતું નથી; જન્મરહિત, નિત્ય, શાશ્વત એવા આ પુરાણ-પુરુષનો શરીરના નાશની સાથે કદી નાશ થતો નથી. જો હણનાર એમ માને કે તે હણે છે અને હણાયેલ એમ માને છે કે પોતે હણાયો છે, તો તે બન્ને સત્યને જાણતા નથી, કારણ કે આત્મા કદી હણતો નથી કે હણાતો નથી.’

સ્વામીજી કહે છે: “…સર્વ જ્ઞાન અને સર્વ પવિત્રતા આત્મામાં પહેલેથી જ રહેલાં છે.”

“દરેકની પશ્ચાત્‌-ભૂમિકા, દરેકનું સત્ય તો તે જ શાશ્વત, સદા આનંદમય, નિત્ય શુદ્ધ, નિત્ય પૂર્ણ તત્ત્વ છે—અને તે આત્મા છે. સંતમાં અને પાપીમાં, સુખી તેમજ દુઃખી માનવીમાં, સુંદરમાં અને કુરૂપમાં, માનવમાં અને પશુમાં, સર્વત્ર એ એક જ આત્મા રહેલો છે. તે જ્યોતિર્મય છે.”

“આમ આત્મા શુદ્ધ અને પૂર્ણ હોઈને, જે માણસ અશુભ કર્મ કરે છે, તે પોતાની જાતને છેતરે છે. તે પોતાના આત્માના સ્વભાવને જાણતો નથી. ખૂનીમાં પણ તે જ શુદ્ધ આત્મા છે; તે મરતો નથી. તે પોતાને પ્રગટ ન કરી શક્યો તેમાં તેની ભૂલ છે; તેણે તેને ઢાંકી દીધો હતો. તેમજ જે માણસ એમ માને છે કે પોતે હણાયો છે, તેનો આત્મા હણાતો નથી, તે નિત્ય છે. તે કદીય હણાય નહિ, તે કદીય નાશ પામે નહિ.”

કઠોપનિષદમાં કહેવાયું છે:

अणोरणीयान्महतो महीयान्‌
आत्मास्य जन्तोर्निहितो गुहायाम्।
तमक्रतुः पश्यति वीतशोको
धातुप्रसादान्महिमानमात्मनः।।
(કઠોપનિષદ – ૧.૨.૨૦)

‘અણુથી પણ અનંત ગણો અણુ જેવો નાનો અને મહાનથીયે અનંત ગણો મહાન, આ સર્વનો શાસક પ્રત્યેક મનુષ્યની હૃદયગુહામાં રહેલો છે. નિષ્પાપ અને સર્વ દુઃખોથી વિમુક્ત લોકો તેને ઈશ્વરની કૃપાથી જોઈ શકે છે.’

अशरीरं शरीरेषु अनवस्थेष्ववस्थितम् ।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ।।
(કઠોપનિષદ – ૧.૨.૨૨)

‘શરીર રહિત છતાંયે શરીરમાં વસતા, સર્વવ્યાપી અવકાશ રહિત છતાં અવકાશમાં વ્યાપી રહેલા દેખાતા, અનંત અને સર્વવ્યાપી આત્માને આવા તત્ત્વ તરીકે જાણવાથી જ્ઞાની પુરુષો કદી દુઃખી થતા નથી.’

સ્વામીજી કઠોપનિષદમાંથી એક સુંદર ઉપમા આપે છે: “શરીરને રથ, આત્માને રથમાં બેસનાર, બુદ્ધિને સારથિ, મનને લગામ અને ઇન્દ્રિયોને અશ્વો તરીકે કલ્પો. જે મનુષ્યના અશ્વો કાબૂમાં છે, જેની લગામ મજબૂત છે અને સારથિ (બુદ્ધિ)ના હાથમાં સારી રીતે કાબૂમાં રહે છે, તે સર્વરૂપી આત્માના સ્વરૂપરૂપી ધ્યેયે પહોંચે છે. પણ જે માણસના ઇન્દ્રિયોરૂપી અશ્વો કાબૂમાં નથી, તેમજ મનરૂપી લગામ બરાબર પકડમાં નથી, તેનો નાશ થાય છે. બધાં પ્રાણીઓમાં રહેલો આ આત્મા આંખો કે બીજી ઇન્દ્રિયો સામે અભિવ્યક્ત થતો નથી, પણ જેનું મન શુદ્ધ અને સૂક્ષ્મ બન્યું છે તે તેનો સાક્ષાત્કાર કરે છે. તે સર્વ શબ્દથી પર, સર્વ દૃષ્ટિથી પર, રૂપથી પર, સ્પર્શ અને રસથી પર, નિર્વિશેષ, અનાદિ અને અનંત, પ્રકૃતિથી પણ પર અને અપરિણામી છે. જે તેને આવે સ્વરૂપે ઓળખે છે, તે મૃત્યુના મુખમાંથી પોતાને મુક્ત કરે છે.”

પણ આ આત્મ સાક્ષાત્કારનો એકમાત્ર રસ્તો છે ત્યાગ. સ્વામીજી કહે છે: “…એક સમય એવો આવશે કે જ્યારે આપણને જણાશે કે જ્યાં સુધી આપણે ઇન્દ્રિયોથી બદ્ધ છીએ ત્યાં સુધી આપણે માટે પૂર્ણ થવું અશક્ય છે અને પછી મૂળ અનંત તત્ત્વ તરફના પ્રયાણની તપાસ શરૂ થશે. આનું નામ છે ત્યાગ.”

પરંતુ ત્યાગ એક દિવસમાં તો થાય નહીં. વર્ષો-વર્ષ જન્મ-જન્માંતર સુધી નિઃસ્વાર્થતા અને નિષ્કામ કર્મની સાધના કરીએ ત્યારે આપણું મન ઇન્દ્રિયસુખથી વિમુખ થાય. સ્વામીજી કહે છે: “બધાં નૈતિક શાસ્ત્રોનો મૂળમંત્ર શું છે? ‘હું નહિ પણ તું’ અને આ ‘હું’ તે બાહ્ય જગતમાં પોતાને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહેલા પાછળના અનંતનો પ્રગટભાવ છે. આ ક્ષુદ્ર ‘અહં’ તે કાર્ય છે અને તેણે પાછા જઈને પોતાના મૂળ સ્વરૂપ અનંતમાં ભળી જવું પડશે. દરેક વખતે જ્યારે તમે કહો છો કે ‘ભાઈ! હું નહિ, પણ તું,’ ત્યારે તમે મૂળ સ્વરૂપમાં પાછા જવાનો પ્રયાસ કરો; અને જ્યારે ‘તું નહિ પણ હું,’ એમ કહો છો ત્યારે તમે અનંતને ઇન્દ્રિયસૃષ્ટિ દ્વારા અભિવ્યક્ત કરવાનું ખોટું પગલું ભરો છો.”

છેવટે આપણે એ મુકામે આવી પહોંચીશું કે જ્યાં સફળતા અને પ્રતિષ્ઠાની હરીફાઈ આપણને હાસ્યાસ્પદ લાગશે. સ્વામીજી કહે છે: “આ દુનિયા કંઈ જ નથી; બહુ તો તે માત્ર એક ઘૃણાજનક વ્યંગચિત્ર છે, સત્યનો પડછાયો માત્ર છે. આપણે સત્ય તરફ વળવું જોઈએ. ત્યાગ આપણને તે તરફ દોરી જશે. ત્યાગ આપણા સાચા જીવનનો પાયો છે. જે જે ક્ષણોએ આપણે પોતાને વિષે વિચાર કરતા નથી, તે તે ક્ષણોમાં આપણે કલ્યાણ અને સત્ય જીવનનો અનુભવ કરીએ છીએ. સત્યથી અલગ પડેલા આ ક્ષુદ્ર અહંનો નાશ થવો જ જોઈએ; ત્યારે જ આપણને જણાશે કે આપણે સત્યમાં છીએ, સત્ય ઈશ્વર છે, તે જ આપણું સાચું સ્વરૂપ છે અને તે સદાય આપણામાં અને આપણી સાથે છે. આપણે તેનામાં જીવીએ અને તેનામાં દૃઢ થઈએ. જીવનની તે જ એકમાત્ર આનંદમય સ્થિતિ છે. આત્માની ભૂમિકા પરનું જીવન એ જ એકમાત્ર જીવન છે અને તે પામવા માટે આપણે સહુ પ્રયાસ કરીએ.”

જ્યારે જ્યારે આધ્‍યાત્મિકતાની કેડીએ હારી-થાકીને વિસામો ખાવા ઊભા રહીએ ત્યારે સ્વામીજીના આ શબ્દો યાદ કરવા.

“(આધ્યાત્મિકતાના રસ્તા પર ચાલવું એટલે) જાણે કે ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. માર્ગ લાંબો અને ભય ભરેલો છે; પણ પ્રયાસ કરો, નિરાશ ન થાઓ, ઊઠો, જાગો અને જ્યાં સુધી લક્ષ્યે ન પહોંચો ત્યાં સુધી અટકો નહિ.”

(આ લેખમાં ટાંકવામાં આવેલ સ્વામી વિવેકાનંદનાં બધાં જ અવતરણો સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ બીજામાં પ્રકાશિત ‘સાક્ષાત્કાર’ નામના પ્રવચનમાંથી લેવામાં આવ્યાં છે.)

Total Views: 668

One Comment

  1. Rasendra Adhvaryu July 24, 2022 at 10:28 pm - Reply

    With the appropriate excerpts, and easily understandable explanations, you make it so interesting Swamiji! The younger generation swamis’ practical approach makes the ‘Practical Vedanta’ of Swamiji more practical. Jai Thakur., Jai Ma, Jai Swamiji.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.