‘પ્રભુ, મને આપની માયા બતાવો.’

‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’

‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે, સ્વયં માયાપતિ મારી સાથે છો, પછી મારે શી ચિંતા? એક વાર મને બસ તમારી માયા જોઈ લેવા દો.’

નારદજીની હઠ જોઈને પ્રભુ શ્રી કૃષ્ણે કહ્યું, ‘ઠીક છે, સમય આવ્યે તમને બતાવીશ.’

નારદજીએ ઇચ્છા વ્યક્ત કરી હતી, તેને ઘણા દિવસ થઈ ગયા, પછી એક દિવસ ભગવાને નારદને કહ્યું, ‘ચાલો આજે આપણે ફરવા જઈએ. ભગવાનની સાથે ફરવા જવાનું હોવાથી નારદ તો ખૂબ ખુશ થઈ ગયા. બંને ફરવા નીકળ્યા. થોડું ચાલ્યા, ત્યાં તો ભગવાને કહ્યું, ‘નારદ મને તરસ લાગી છે. ક્યાંયથી પાણી મળશે?

‘પ્રભુ, આપ અહીં આ વૃક્ષ નીચે બેસો, હું હમણાં પાણી લઈ આવું છું.’ કહીને નારદ તો ગયા. રસ્તામાં ક્યાંય જળાશય ન દેખાયું, એટલે ચાલતા ચાલતા બાજુના ગામમાં ગયા. ત્યાં એક ઘરનું બારણું ખખડાવ્યું. બારણું ખૂલ્યું ને સામે એક સુંદર, ચંદ્રમુખી યુવતી ઊભી હતી. આવી સ્વરૂપવાન યુવતીને જોતાં નારદ ભૂલી ગયા કે તેઓ પાણી લેવા આવ્યા છે અને ત્યાં ભગવાન રાહ જોઈ રહ્યા છે. તેઓ તો પ્રથમ દૃષ્ટિએ જ યુવતીના પ્રેમમાં પડી ગયા. તેની સાથે વાતો કરવા લાગ્યા. તે દિવસે તેઓ એ ગામમાં રોકાઈ ગયા. બીજે દિવસે પણ તેઓ પાછા એ બ્રાહ્મણને ઘરે ગયા. ત્યાં જઈને કામની માગણી કરી. કન્યાના પિતાને એનાં કામકાજમાં મદદ કરે તેવો નોકર જોઈતો હતો, અને તેને ખબર પડી કે આ તો પાછો બ્રાહ્મણ છે, એટલે તેને પોતાને ત્યાં રાખી લીધો. નારદ એ યુવતીના ઘરમાં જ રહેવા લાગ્યા ને એ યુવતી કઈ રીતે પોતાને મળે તેનો વિચાર કરતા રહ્યા. યુવતી પણ નારદના કામથી અને વાતોથી નારદ પ્રત્યે આકર્ષાઈ હતી. તેના પિતાએ જોયું કે આ તો સામે ચાલીને આવેલો બ્રાહ્મણપુત્ર છે, તો એને જ આ કન્યા પરણાવી દઉં, તો કન્યા પણ અહીં રહેશે ને આ બ્રાહ્મણ પણ અહીં રહીને કામ કરશે. આમ વિચારીને બ્રાહ્મણે એ બંનેને પરણાવી દીધાં. નારદ તો ખૂબ ખુશ હતા. હવે સસરાનો બધો કારોબાર તેમણે સંભાળી લીધો. ઘરગૃહસ્થી બરાબર ચલાવવા લાગ્યા. કાળક્રમે સસરા મૃત્યુ પામતાં નારદ બધાંના માલિક બન્યા. બાર વરસ વીતી ગયાં. પત્ની ત્રણ બાળકો, ખેતર, પશુઓ, ઘર, મિલકત, કેટલું બધું એમની પાસે હતું! એટલે તેઓ પોતાને ખૂબ સુખી માનતા હતા. આનંદથી જીવન જીવતા હતા. એમાં ભારે વરસાદ તૂટી પડ્યો . નદીમાં ભયંકર પૂર આવ્યું. પૂરમાં આખું ગામ ડૂબી ગયું. મકાનો તૂટી પડ્યાં. ઢોર-ઢાંખરને માણસો પણ તણાવા લાગ્યાં. પૂરમાંથી બચાવવા નારદે એક હાથેથી પત્નીને જોરથી પકડી, બીજા હાથે બે છોકરાઓને પકડ્યા, એક છોકરાને ખભા ઉપર બેસાડ્યો અને કમ્મરભર પાણીમાં ઉતાવળે ચાલવા લાગ્યા. પણ ત્યાં તો પાણીનો વેગ વધ્યો, તાણ વધ્યું ને ખભા ઉપરનું બાળક નીચે પડ્યું ને તણાઈ ગયું. નારદે જોરથી ચીસ પાડી. એ બાળકને બચાવવાનો પ્રયત્ન કરવા ગયા ત્યાં હાથની પકડ ઢીલી થતાં એ બે બાળકો પણ પૂરમાં તણાયાં. નારદ બૂમા બૂમ કરવા લાગ્યાને પત્નીને જોરથી પકડી રાખી. પણ પાણીનો ધક્કો એવો આવ્યો કે પત્ની પણ છૂટી ગઈ ને તણાઈ ગઈ. નારદ ખૂબ રડવા લાગ્યા. વિલાપ કરતા કરતા એ ય તણાયા પણ તેઓ પાણીમાં ઘસડાઈને કિનારે ફેંકાઈ ગયા. ત્યાં તો એક કોમળ પ્રેમભર્યો અવાજ સંભળાયો, ‘વત્સ, પાણી ક્યાં? તું પાણી ભરવા ગયો હતો, એને અર્ધો કલાક થઈ ગયો, હું તો ક્યારનો ય તારી રાહ જોઉં છું, તું ક્યાં હતો?’ ‘અર્ધો કલાક! પ્રભુ શું કહો છો? મારો તો આખો સંસાર થઈ ગયો ને ડૂબી પણ ગયો ને તમે કહો છો અર્ધો કલાક! પૂરા બાર વરસ વીતી ગયા!’

ભગવાન હસવા લાગ્યા અને પછી કહ્યું, ‘તારે માયા જોવી હતી ને! આનું નામ માયા!’

અઘટનઘટન પટીયસી માયા

આ વાર્તા કહીને સ્વામી વિવેકાનંદ કહે છેઃ ‘એક અગર બીજા રૂપમાં આપણે બધાં માયાની અંદર જ છીએ. એ સમજવી ઘણી મુશ્કેલ અને આંટીઘૂંટીવાળી બાબત છે. દરેક દેશમાં માયાની વાતો થાય છે, બધે એ અંગે ઉપદેશ અપાય છે, પણ બહુ થોડા તેમાં માને-સમજે છે. કારણ કે જ્યાં સુધી આપણને જાત અનુભવ થતો નથી ત્યાં સુધી આપણે તે માની શકતા નથી.’

તો પછી આ માયાનો જાત અનુભવ કેવી રીતે થાય છે? આ વિશે સ્વામી વિવેકાનંદે ૧૮૯૬ના ઑક્ટોબરની ૨૨મી તારીખે લંડનમાં આપેલા વ્યાખ્યાનમાં વિસ્તારપૂર્વક સમજાવ્યું છે.

તેઓ કહે છે કે પોતાનાં સોનેરી સ્વપ્નાંઓ લઈને મનુષ્ય આગળને આગળ વધતો જાય છે, પણ છેવટે તો એને કાળ ઝડપી લે છે. અને બધું અહીંનું અહીં પડ્યું રહે છે, એનું નામ છે માયા.

આગમાં કૂદી પડતાં પતંગિયાની જેમ એમાં તૃપ્તિ મળશે એવી આશાથી મનુષ્યો વારંવાર વિષયસુખમાં કૂદી પડે છે ને પછી બેહાલ બનીને મૃત્યુને ભેટે છે. એનું નામ માયા.

મૃત્યુ એ કઠોર સત્ય છે, આખી દુનિયા એના પ્રત્યે આગળ વધી રહી છે, બધું જ નાશ પામે છે. બધાનો અંત મૃત્યુ છે. સંતપુરુષો, પાપીઓ, રાય, રંક-બધા મૃત્યુને શરણ થાય છે, એ જોવા છતાં, જાણવા છતાં જીવનને વળગી રહેવાની દરેક્ની લાલચ ચાલુ જ છે અને કોઈ કંઈ જ છોડી શકતા નથી. એનું નામ માયા.

યુધિષ્ઠિરને યક્ષે પ્રશ્ન પૂછ્યો હતો કે આ દુનિયામાં સહુથી વિસ્મયકારક બાબત કઈ છે? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હતું: ‘આપણી આજુબાજુ રોજે રોજ માણસો મરતાં હોય છે, અને છતાં લોકો એમ માને છે કે પોતે કદી મરવાનાં નથી.’ આનું નામ માયા.

બધા કાળ તરફ ધસી રહ્યા છે, એક ક્ષણ માટે પણ કોઈ એના જુવાળને ખાળી શકતું નથી. એક પળ માટે પણ કોઈ એને થોભાવી શકતું નથી. જેમ દુઃખને ભૂલવા માણસ દારૂ પીને નાચે છે, તેમ વિષયસુખ ભોગવીને પછી માણસ એને ભૂલવા બીજાની પાછળ દોડે છે. એનું નામ માયા.

બધા સુવર્ણમૃગની પાછળ પડેલા છે, દરેક એમ માને છે કે એ સુવર્ણમૃગ એને જ મળવાનો છે. બુદ્ધિમાન મનુષ્ય કદાચ અંદરથી એમ સમજતો હોય કે કરોડોમાંથી એક જ તક એની છે, છતાં દરેક એના માટે દોડ્યા કરે છે. એનું નામ છે માયા.

પ્રત્યેક શ્વાસમાં, હૃદયના ધબકારમાં, ગતિમાં મનુષ્ય એમ માને છે કે તે મુક્ત છે ને તુરત જ બીજી ક્ષણે તે એમ પણ અનુભવે છે કે તે મુક્ત નથી. તે કુદરતનો ખરીદાયેલો દાસ છે. એનું નામ માયા.

માતા પોતાના બાળકને દુનિયાનું સહુથી સુંદર બાળક માને છે. એમાં પોતાનું સર્વસ્વ રેડી દે છે. પછી મોટો થઈને એ પુત્ર ભલે તેને લાતો મારે કે હેરાન કરે તો પણ તે પુત્રને છોડી શકતી નથી. તે પોતે જે બંધનમાં બંધાઈ છે, તેને તે તોડી શકતી નથી. એ છે માયા.

મનુષ્ય જાણે તો છે કે એના સીમિત મનથી તે વિશ્વના રહસ્યો પામી શકવાનો નથી અને છતાં તે તેને પામવા મનથી જ મથામણ કરતો રહે છે. તેનું નામ માયા.

પ્રાણીઓ વનસ્પતિ ઉપર જીવે છે, મનુષ્યો પ્રાણીઓ ઉપર જીવે છે, અને સૌથી ખરાબ તો એ છે કે મનુષ્યો એકબીજા ઉપર જીવે છે. સબળા લોકો નબળા ઉ૫૨ જીવે છે. આવું બને જ જાય છે, એનું નામ છે માયા.

સ્વામી વિવેકાનંદે આપણા રોજિંદા જીવનની વાસ્તવિકતાઓ દ્વારા માયાની સમજૂતી આપી જણાવ્યું કે, ‘આપણે બધાં જ માયાના ગુલામ છીએ. માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ.’

માયાનો અર્થ

તો પછી ખરેખર આ માયા છે શું? સ્વામી વિવેકાનંદ કહે છે કે માયા શબ્દનો ‘ભ્રમ’ એવો અર્થ કરવો એ યોગ્ય નથી. માયા એ કોઈ સિદ્ધાંત નથી; તે માત્ર વિશ્વ જે સ્વરૂપે છે, તે વસ્તુ સ્થિતિનું વિધાન માત્ર છે. વૈદિક સાહિત્યમાં માયાનો પ્રાચીન વિચાર છે, તેમાં ભ્રાન્તિ કે ભ્રમ જેવો અર્થ થાય છે, પણ તે સમયે હજુ આ સિદ્ધાંતને પૂરો સમજી શકાયો ન હતો. પછી ‘ઈન્દ્રોઃ માયાભિઃ પુરુરૂપ ઈયતે’–‘ઈન્દ્રે માયા દ્વારા જુદાં જુદાં રૂપો ધારણ કર્યાં.’ પણ અહીં માયા એ ‘જાદુ’ના અર્થમાં જોવા મળે છે. પણ આ શબ્દ ઘણા સમય સુધી પ્રયોજાતો નથી, પણ એના વિચારનો વિકાસ તો શબ્દ વગર પણ થતો રહ્યો. જેમકે ‘આપણે વિશ્વનું રહસ્ય કેમ જાણી શકતા નથી?’ એવા પ્રશ્નના ઉત્તરમાં ઋષિ કહે છે, ‘આપણે વ્યર્થ વાતો કર્યા કરીએ છીએ, ઇંદ્રિયોના વિષયોથી સંતોષ પામીએ છીએ, અને વાસનાઓની પાછળ દોડીએ છીએ તેથી જાણે કે આપણે વાસ્તવિકતાને ધુમ્મસના આવરણથી ઢાંકી દઈએ છીએ.’ અહીં ધુમ્મસનું આવરણ એ અજ્ઞાન છે, માયા છે, એ સ્પષ્ટ નિર્દેશ જોવા મળે છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં માયાની સ્પષ્ટ પરિભાષા જોવા મળે છેઃ

માયાં તુ પ્રકૃતિં વિદ્યાત્ માયિનં તુ મહેશ્વરમ્ – ‘પ્રકૃતિને માયા જાણવી અને સ્વયં પરમેશ્વરને માયાના અધીશ જાણવા.’ પ્રકૃતિ અજ્ઞાનવશ હોઈને તે તેના અધિપતિને જાણ્યા વગર ત્રણ ગુણોને આધીન થઈને કાર્ય કરે છે, એ છે માયા. સ્વામી વિશુદ્ધાનંદજી ‘સત્ પ્રસંગ’માં કહે છે; ‘માયા શું છે? અંધારામાં એક દોરડાનો કટકો પડ્યો છે, મન ધારે છે સાપ. જ્યાં સુધી અંધારુ છે, ત્યાં સુધી એમાં સાપની જ ધારણા રહે છે. કોઈએ દીવો ધરીને બતાવી દીધું કે આ તો દોરડું છે. પછી સાપ રહેતો નથી. દોરડું ચોખ્ખુ ચોખ્ખું દેખાય છે. અહમ્ એટલે ‘કાચો હું’ જ સંસારને સાચા તરીકે મન પાસે મનાવે છે. અને વળી આ ‘હું’ તો નિર્વિષય શૂન્ય જ છે. પેલો ભ્રમ જ આપણને લાગ્યો રહ્યો છે. એ સહેલાઈથી જતો નથી, ‘અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવઃ વિશ્વસ્ય બીજું ૫૨માસિ માયા’ – આ માયામાંથી જ બધા ભ્રમ ઉત્પન્ન થાય છે. ખરું કહીએ તો દેહ પણ ભ્રમ છે, અને તેની અંદરનો ભગવાન આપણી દૃષ્ટિની બહાર ચાલ્યો જાય છે. આ ‘હું-પણું’ પેલા અંધકારમાં દોરડામાં દેખાતા સાપની જેવું મિથ્યા છે. જેવા દીવો લઈને આવીએ કે તરત જ બધો ભ્રમ ભાંગી જાય અને આપણે સમજી જઈએ. ઘાંચીના બળદની જેમ આપણી આંખ પર અજ્ઞાનનો પાટો છે. જો એ પાટો ખોલી નાખવામાં આવે તો પછી બળદ ચકરાવામાં ફરે નહીં. એમ આપણે પછી માયાના ચકરાવામાં ફસાઈએ નહીં.’

જ્યાં સુધી માયાનું આવરણ હોય છે, ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી. ‘સાચા હું’ને જાણી શકાતો નથી. આ વિશે ગિરીશચંદ્ર ઘોષને ઉદાહરણ આપીને સમજાવતાં શ્રીરામકૃષ્ણદેવ કહે છેઃ ‘રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ નિમિત્તે જંગલમાં જઈ રહ્યાં હતાં. રામ આગળ ચાલતા હતા. વચ્ચે સીતા હતાં અને સહુથી પાછળ લક્ષ્મણ હતા. લક્ષ્મણને રામનાં દર્શન થઈ શકતાં ન હતાં. કેમ કે વચ્ચે સીતા હતાં. તેમણે સીતાને વચ્ચેથી ખસી જવા પ્રાર્થના કરી અને જેવાં સીતા ખસી ગયાં કે લક્ષ્મણને રામના પૂરાં દર્શન થયાં. બ્રહ્મ, માયા અને જીવની રચના બરાબર આવી જ છે. વચ્ચે માયાનો પડદો આવેલો છે, એ દૂર ન થાય ત્યાં સુધી જીવ એના સ્રષ્ટાને, બ્રહ્મને જોઈ શકે નહીં.’

માયાનું વાદળ ઈશ્વરરૂપી સૂર્યને ઢાંકી દે છે, એટલે સૂર્ય દેખાતો નથી, પણ જેવું વાદળ હટે છે કે ઝળહળતો સૂર્ય દેખાય છે, એમ માયા ખસે તો જ ઈશ્વરદર્શન થઈ શકે. એક ભક્તે શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું, ‘ઈશ્વર સર્વત્ર છે, સર્વશક્તિમાન છે, પણ આપણને કેમ દેખાતા નથી?’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, ‘આખું તળાવ શેવાળથી ઢંકાયેલું છે. તમને ઉપરથી બધે શેવાળ જ દેખાય છે. પાણી બિલકુલ દેખાતું નથી. જો પાણી જોવું હોય તો બધા શેવાળને ખસેડો તો પછી તળાવ પાણીથી ભરેલું દેખાશે. એવું જ છે કે આંખો પર માયાનું પડળ છે ને તમે ફરિયાદ કરો કે પ્રભુ તમને દેખાતા નથી, પણ ક્યાંથી દેખાય? જો તમારે એમને જોવા હોય તો આંખો પરનું માયાનું પડળ દૂર કરો.’

માયાનું કારણ

પણ ઈશ્વર જ બધું છે, જો તે એકમેવાદ્વિતીયમ્ હોય તો પછી માયાનો પડદો શા માટે? આ ભેદ શા માટે? અને તેને લઈને ઉદ્‌ભવતાં આ દુઃખો શા માટે? એવા પ્રશ્નો સ્વાભાવિકપણે આપણને ઊઠે છે. આનો ઉત્તર શ્રીરામકૃષ્ણ મઠમિશનના છઠ્ઠા પરમાધ્યક્ષસ્વામી વિરજાનંદજી મહારાજ ‘પરમપદને પંથે’ પુસ્તકમાં આપે છે, ‘બ્રહ્મ જો એક જ હોય તો તેનામાં માયા ક્યાંથી આવી? અને શા માટે આવી? એ પ્રશ્ન પૂછવાનો કશો અર્થ નથી. કેમ કે, એ પ્રશ્નનો ઉત્તર માયાની અંદર રહીને કદીયે આપી શકાય નહીં. અને માયાથી પાર ગયા પછી એ પ્રશ્ન કોણ કરે? તેની પાસે ત્યારે માયા નામની કોઈ ચીજનું અસ્તિત્વ જ હોય નહીં. ત્યારે દૃષ્ટાદૃશ્યનો નાશ થઈને એકપણાનો જ અનુભવ થાય અર્થાત્ એ ત્યારે અનુભવ કરે કે એકમાત્ર બ્રહ્મ ત્રણેયકાળ (ભૂત, ભવિષ્ય, વર્તમાન)માં સરખે ભાવે સ્વસ્વરૂપે પ્રતિષ્ઠિત છે. તેમાં કદીયે માયાએ સ્પર્શ કર્યો નથી. દ્વૈતભાવ એ કેવળ ભ્રમમાત્ર અને હું જ એ બ્રહ્મ.’

પણ આ સ્થિતિએ પહોંચવું કેવી રીતે? કેમકે આપણે અજ્ઞાનના આવરણથી ઘેરાયેલા છીએ. માયાના પાશથી બંધાયેલા છીએ. આસક્તિની બેડીઓએ આપણને જકડી લીધેલા છે, અને ખૂબીની વાત એ છે કે આ બંધનો આપણને બંધનરૂપ નથી લાગતાં. એ સ્થિતિમાં શું કરવું? સ્વામી વિવેકાનંદ કહે છેઃ ‘આ માયા સર્વત્ર વ્યાપેલી છે. તે ભયંકર છે. છતાં આપણે તેમાં જ કામ કરવાનું છે. જે માણસ એમ કહે છે કે જ્યારે દુનિયા તદ્દન સારી થઈ જશે, ત્યારે પોતે કામ ક૨શે ને સુખી થશે, તે માણસ ગંગાનદીને કિનારે બેઠો બેઠો કોઈ કહે ‘જ્યારે આ બધું પાણી દરિયામાં ચાલ્યું જશે ત્યારે હું પેલે પાર જઈશ.’ તેના જેવો છે. માયાની સાથે સાથે ચાલવું તે માર્ગ નથી. પણ માયાની સામે થવું તે જ સાચો માર્ગ છે.’ આપણે આપણી પ્રકૃતિના માલિક છીએ અને છતાં આપણે પ્રકૃતિથી બંધાઈ ગયા છીએ અને તેના ગુલામ હોઈએ તેવી રીતે વર્તીએ છીએ. તો પછી પ્રકૃતિના માલિક થવાનો, માયાની સામે થવાનો અને તેની પા૨ જવાનો રસ્તો ક્યો?

માયાથી મુક્તિ મેળવવાના ઉપાયો

માયાજનિત સંસારના દુઃખમાંથી મુક્ત થવા માટેના ત્રણ માર્ગો બતાવવામાં આવેલા છે. પહેલો માર્ગ છે, વ્યવહારુ માર્ગ. તે માર્ગ એમ સૂચવે છે કે ‘જગત જેવું છે, તેવું સ્વીકારી લો. બને તેટલી શાંતિ અને આરામથી બેસી રહો. આ બધાં દુ:ખોમાં સંતોષ રાખો. જ્યારે પ્રહારો પડે ત્યારે પ્રહારો નહીં પણ પુષ્પો છે, તેમ મનને મનાવો. જ્યારે ગુલામની માફક તમને તગડવામાં આવે, ત્યારે તમે મુક્ત છો, એમ કહો. દિવસ અને રાત બીજાને તેમજ તમારા પોતાના આત્માને જૂઠું સમજાવો, કારણ સુખેથી જીવવાનો આ એકમાત્ર માર્ગ છે.’ સ્વામીજી કહે છે કે આવો ઉપદેશ એ વ્યવહારુ જ્ઞાન કહેવાય છે. તેવા વ્યવહારુ માણસો કહે છે કે ‘દુનિયા ખરાબ છે પણ તેનો ય વધારેમાં વધારે લાભ લઈ લો.’ આવા વ્યવહારુ માણસોની દુન્યવી ડહાપણભરી પદ્ધતિને સ્વામીજી આક્રોશભર્યા શબ્દોમાં વખોડી કાઢતાં કહે છેઃ ‘આનો અર્થ એમ થાય કે બધા સડતા ઘાને તમારાથી બની શકે તેટલી સારી રીતે ઢાંકીને દંભી, ખોટું ને છળકપટભર્યું જીવન જીવો. જ્યાં સુધી બધું ઢંકાઈ ન જાય અને તમે થીંગડાંનો એક મોટો ઢગલો ન બની જાઓ ત્યાં સુધી એક પછી એક થીગડું મારતા રહો. આનું નામ વ્યવહારુ જીવન. જેઓને આવાં થીગડાંવાળાં જીવનથી સંતોષ છે, તેઓ કદી ધર્મ તરફ વળવાના નહીં.’ જ્યાં સુધી ધર્મ પ્રત્યે અભિમુખતા ન આવે ત્યાં સુધી આ માયા છે, એવી સમજ પણ નહીં આવે, તો તેનાથી પર તો ક્યાંથી થવાય? એ તો જ્યારે થીગડાંવાળા જીવન પ્રત્યે તીવ્ર ધિક્કાર છૂટે, છળ અને અસત્ય પ્રત્યે અપાર ઘૃણા થાય પછી જ અંતરમા સત્યને પામવાની ઝંખના પ્રગટે છે. અને એ પછી જ ધર્મ પ્રત્યે અભિમુખતા આવે છે. આથી વ્યવહારુ લોકો માટે ધર્મનો માર્ગ નથી. માયાથી પર જવાની વાત જ નથી. તેઓ તો માયામાં ગળાડૂબ જ રહેવાના.

દુઃખનિવૃત્તિનો બીજો માર્ગ છે, અને તે છે, જ્ઞાનનો માર્ગ. જ્યારે મનુષ્યને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે કે ‘ચિદાનંદરૂપઃ શિવોઽહમ્’ છું, ત્યારે માયા અદૃશ્ય થઈ જાય છે. સર્વત્ર એનાં જ દર્શન થાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે, ‘તમે માયાના સ્વરૂપને પિછાણી લો તો, પોતે ઘૂસ્યાની ખબર પડી ગઈ છે, તે જાણીને જેમ ચોર નાસી જાય છે, તેમ તે સ્વયં નાસી જશે.’ અજ્ઞાનનો પડદો હટી જતાં આત્મસ્વરૂપ પ્રકાશી ઊઠે છે ને તેને માયા સ્પર્શી શકતી નથી. ત્યાં માયાનું અસ્તિત્વ જ હોતું નથી. શ્રીરામકૃષ્ણદેવ સરળ ઉદાહરણ દ્વારા આ સમજાવે છે કે સિંહનું મહોરું પહેરેલા ભાઈને જોઈને નાનીબહેન ભયથી થથરી ઊઠે છે. ગભરાઈને ચીસ પાડી ઊઠે છે અને તેનાથી દૂર નાસી જવા પ્રયત્ન કરે છે. પણ ભાઈએ મહોરું હટાવી લીધું કે બહેન પાસે જઈને બોલી ઊઠી, ‘અરે ભાઈ, આ તો તું છો!’ જેવી ભાઈની ખબર પડી કે ભય જતો રહ્યો. બધા માટે આવું જ છે. માયાના મહોરાંની પાછળ બ્રહ્મ રહેલ છે, એની જ્યાં સુધી ખબર નથી પડતી ત્યાં સુધી માયા બધાને મોહ પમાડે છે, ભય પમાડે છે, બધાં કર્મો કરાવે છે. પણ એ મહોરું હટી ગયું કે મનુષ્યને સાચું દર્શન થાય છે કે આ તો પોતાના પ્રિયતમ છે, અને તે બધામાં રહેલા છે. પછી ભયંકરતા ચાલી જાય છે. બંધનો છૂટી જાય છે. માયાથી મુક્ત બની જવાય છે.

પણ જ્ઞાનનો આ માર્ગ અત્યંત દુષ્કર છે. કઠોપનિષદમાં, કહ્યું છે – ‘ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા’ -તલવા૨ની ધાર પર ચાલવા જેવો કઠિન છે.’ આ ઉપરાંત પણ એક માર્ગ છે, તે સરળ છે અને સલામત પણ છે. તે માર્ગ છે શરણાગતિનો માર્ગ. માયાધીશના શરણે જવાથી માયાની પકડ છૂટી જાય છે. ભગવાનના શરણમાં જનારાઓ પર માયાનો જાદુ ચાલતો નથી. કેમ કે જેની માયા છે તે જ તેની સામે સાચું રક્ષણ આપી શકે છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છેઃ

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા;
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે –

(ગીતાઃ ૭.૧૪)

‘મારી આ દૈવી અને ત્રિગુણાત્મક માયા તરવી મુશ્કેલ છે. પણ જેઓ મારા શરણે આવે છે, તેઓ તેને સહેલાઈથી તરી જાય છે.’ જેઓ ભગવાનને પકડી રાખે છે. તેમને માયા પછી કંઈ અસર કરી શકતી નથી. શરણાગતિ જેવો સરળ ને સીધો બીજો એકે ય માર્ગ નથી. ઈશુ ખ્રિસ્ત પણ કહે છે, ‘જેઓ થાકેલા, હારેલા, સંસારના ભારથી ભયભીત બની ગયા છે, તે સર્વ આવો, હું તમને શાંતિ આપીશ.’ ઈશ્વરે રચેલી માયામાંથી કોઈ જ છટકી શક્યું નથી, પણ જેઓ ઈશ્વરના શરણમાં છે, તેમને માયા કંઈ અસર કરી શકતી નથી. પરમાત્માના દિવ્ય પ્રકાશમાં માયાનું સમગ્ર અસ્તિત્વ ઓગળી જાય છે. પછી તે ક્યારેય પાછું આવી શકતું નથી. ગીતાના શ્લોકમાં ભગવાન માયા દ્વારા કેવી રીતે કાર્યો કરાવે છે તે અને એમાંથી મુક્ત થઈ શાશ્વત શાંતિ માટેનો સલામત માર્ગ કેવી રીતે મળે તે બતાવે છે.

ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદેદે્‌ઽર્જુન તિષ્ઠતિ;
ભ્રામયન્ સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયયા –
તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત;
તત્પ્રસાદાત્પરાં શાંતિ સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ્-

ગીતા : (૧૮ : ૬૧.૬૨)

‘હે અર્જુન જે ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે, તે પોતાની માયાથી સર્વપ્રાણીઓને યંત્ર ૫૨ બેસાડેલા પૂતળાંની જેમ ચલાવી શકે છે.’

‘તું એ પરમાત્માને શરણે સર્વભાવથી જા. હે ભારત, તેની કૃપાથી જ તું પરમશાંતિ અને શાશ્વત ધામને પામીશ.’

ભગવાનની કૃપા થાય છે, ત્યારે અંતરમાં સાચું ભાન જાગે છે કે આપણે કદી બંધનમાં હતા જ નહીં, આપણે સદાકાળ મુક્ત હતા અને મુક્ત છીએ. જ્યારે ભગવાનની કૃપા થાય છે ત્યારે સઘળી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે, બધી ગૂંચો ઉકેલાઈ જાય છે, બધા પ્રકારના ભયો ને ભ્રાંતિઓ દૂર થઈ જાય છે. ભયંકર જણાતું આ માયામય જગત પ્રભુની લીલાનું ક્રીડાંગણ બની જાય છે. પછી દુ:ખો એ દુઃખો નથી રહેતાં; એ આત્મવિકાસની સીડીના પગથિયાં બની જાય છે. જીવન નિરાશાભર્યા દુઃસ્વપ્નને બદલે આત્માના આનંદના આવિર્ભાવનું ક્ષેત્ર બની જાય છે. અને પછી સર્વ પદાર્થોમાં, સર્વ રૂપોમાં કેવળ એ જ એકમાત્ર એ જ પરમતત્ત્વ પ્રગટ થતું દેખાય છે. આ સ્થિતિને પ્રાપ્ત કરવી એ માનવજીવનનું લક્ષ્ય છે. આજે આપણે સૌ માયાના પ્રભાવથી માનવજીવનના આ લક્ષ્યને ભૂલી ગયા છીએ અને તેથી જ અશાંતિના વમળોમાં ફસાઈ જઈએ છીએ. તો ચાલો, આપણે માયાપતિ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમની માયાના દાસત્વમાંથી આપણને મુક્ત કરી આત્માના સાચાં જીવનમાં પ્રતિષ્ઠિત કરે.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.