ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. અહિંસા, સંયમ અને તપ તેનાં લક્ષણ છે. જેમનું મન સદૈવ ધર્મમાં રમમાણ રહે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે.

વસ્તુનો સ્વભાવ ધર્મ છે. ક્ષમા વગેરે ભાવોની અપેક્ષાએ તે દસ પ્રકારનો છે. રત્નત્રય (સમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન અને સમ્યક્ ચરિત્ર) તથા જીવોની રક્ષા કરવી એ ધર્મ છે.

ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ સત્ય, ઉત્તમ શૌચ, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આર્કિચન્ય તથા ઉત્તમ બ્રહ્મચર્ય – આ દસ ધર્મ છે.

દેવ, મનુષ્ય અને તીર્થંગ્ચો (પશુઓ) દ્વા૨ા ભયંકર કે ઘોર ઉપસર્ગ (હાનિપીડા) પહોંચડવા છતાં જે ક્રોધથી તપી ઊઠતો નથી એ નિર્મળ ક્ષમાધર્મને પામે છે.

હું બધા જીવોને ક્ષમા આપું છું. બધા જીવો મને ક્ષમા આપે. મારે બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ છે. મારે કોઈની સાથે વેર નથી.

અલ્પાતિઅલ્પ પ્રમાદને વશ થઈને મેં તમારા પ્રત્યે ઉચિત વર્તન-વ્યવહાર ન દાખવ્યાં હોય તો હું નિઃશલ્ય અને કષાયરહિત બનીને આપની ક્ષમાયાચના કરું છું.

જે શ્રમણ કુળ, રૂપ, જાતિ, જ્ઞાન, તપ, શ્રુત અને શીલનું જરાય અભિમાન કરતો નથી, ધરાવતો નથી એને માર્દવધર્મ સાંપડે છે. જે બીજાને અપમાનિત કરવાના દોષથી સાવધાનીપૂર્વક દૂર રહે છે તે યથાર્થ રીતે ‘માની’ છે. ગુણશૂન્ય અભિમાન કરવાથી કોઈ ‘માની’ બની શકતું નથી.

જે કુટિલ વિચાર કરતો નથી, કુટિલ કાર્ય કરતો નથી અને કુટિલ વચન બોલતો નથી તેમજ પોતાના દોષને છુપાવતો નથી તેને આર્જવધર્મ પ્રાપ્ત થાય છે.

જે ભિક્ષુ બીજાને સંતાપનારાં વચનોનો ત્યાગ કરીને સ્વ અને પરહિતકારી વચન બોલે છે તેમને ચોથો સત્ય ધર્મ મળે છે.

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.