(જાન્યુ. ૨૦૦૦થી આગળ)

એક દિવસ શ્રીમા નિવેદિતાના આવાસે ગયાં હતાં. તે દિવસે ઈસ્ટરના ઉત્સવનો દિવસ હતો. શ્રીમા આખા ઘરમાં ફરી વળ્યાં. પછી ખ્રિસ્તી ઉત્સવના મહાત્મ્ય વિશે પૂછ્યું. ઈસ્ટરના સંગીત અને પ્રાર્થનામાં એમણે હાજરી પણ આપી. નિવેદિતા શ્રીમાની આવી ઊંડી સમજ અને અન્ય ધર્મો પ્રત્યેની આવી આદરભાવના જોઈને વિભોર બની ગયાં. તેઓ લખે છે; ‘આ ઉત્સવ વિશે સમજવામાં જે ચમત્કારિક ઊંડાણ અને સહાનુભૂતિ માએ બતાવ્યાં તે અદ્‌ભુત હતાં. એક વખત તેમણે મારી મિત્રને યુરોપિયન લગ્ન સંસ્થા વિશે પૂછ્યું હતું અને તેમાં ખૂબ રસ લીધો હતો.’ આમ શ્રીમાએ પોતાના હૃદયની ઉદારતા, વિશાળતા, અન્ય ધર્મો પ્રત્યેનો સમભાવ – આ બધું પોતાના વર્તન દ્વારા, પોતાનાં કાર્યો દ્વારા પ્રગટ કર્યું હતું અને તેની અમીટ છાપ નિવેદિતાના અંત૨માં પડી હતી. સ્વામી વિવેકાનંદના દેહવિલય બાદ જ્યારે નિવેદિતાએ ભારતના લોકોમાં રાષ્ટ્રીય ચેતનાને જાગ્રત કરવાનું કાર્ય હાથમાં લીધું અને તે માટે શ્રીરામકૃષ્ણ મઠ–મિશનમાંથી બાહ્ય રીતે છૂટાં થયાં તો પણ શ્રીમા સાથેનો એમનો સંબંધ એવો ને એવો જ અતૂટ હતો!

ભારતના લોકોમાં રાષ્ટ્રપ્રેમને જાગૃત કરવાનું કાર્ય હવે નિવેદિતાએ શરૂ કર્યું હતું . તેમાં પણ તેમને શ્રીમાના આશીર્વાદ હતા. શ્રીમા પોતે પણ ભારતના લોકોનો રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય અને ગુલામ ભારત સ્વાધીન બને તેવું ઇચ્છતાં હતાં. નિવેદિતાના પત્રો દ્વારા આ વિશેની જાણકા૨ી મળે છે. ૨૨મી જુલાઈ ૧૯૦૯ના રોજ તેમણે લખ્યું હતું; ‘બધા રાજકીય પક્ષો હવે એવું માનવા લાગ્યા છે કે વાસ્તવિક રાષ્ટ્રીય જાગૃતિની પ્રેરણા રામકૃષ્ણ-વિવેકાનંદ દ્વારા જ પ્રાપ્ત થઈ રહી છે, જેલમાંથી છૂટીને પ્રત્યેક કાર્યકર્તા શ્રીમા પાસેથી આશીર્વાદ લે છે, ત્યારે મા કહે છે : આ લોકોના ચહેરા પર કેટલી બધી નિર્ભયતા પ્રાપ્ત થઈ રહી છે! આવું અપાર ધૈર્ય અને અગાધ સાહસ કરવાનું જોમ તો ફક્ત શ્રીરામકૃષ્ણ અને સ્વામીજી જ આપી શકે. જો એને ભૂલ માનવામાં આવે તો તે તેમની ભૂલ છે?’ ૧૧મી ઓગસ્ટના બીજા પત્રમાં પણ નિવેદિતાએ લખ્યું છે. ‘સમગ્ર દેશમાં એક અભૂતપૂર્વ પરિવર્તન આવી ગયું છે.‌ બધા પોતાને સ્વામીજીના શિષ્ય કહેવડાવવા ઇચ્છે છે.’ થોડા દિવસ પહેલાં હું શ્રીમા પાસે ગઈ હતી. મેં શ્રીમાને કહ્યું : ‘એ સમય હવે આવી પહોંચ્યો છે. જેના વિશે શ્રીરામકૃષ્ણદેવે ભવિષ્યવાણી કરી હતી કે હવે તો પૂરો ભારતવર્ષ તમારો છે; બધા ભારતવાસીઓ તમારા પુત્રો છે અને તમે છો એમના જગજ્જનની’ તેના પ્રત્યુત્તરમાં માએ કહ્યું, હા, મને પણ એવું જ દેખાઈ રહ્યું છે.’ આ વાર્તાલાપ દ્વારા જાણી શકાય છે કે સમગ્ર ભારતવર્ષમાં જે નવીન ચેતનાનો ઉદય થયો, એના સર્જક શ્રીરામકૃષ્ણ હતા અને એ ચેતનાને સક્રિય કરવામાં શ્રીમાનું પ્રદાન ઘણું મોટું છે. નિવેદિતા દ્વારા કેટલાય ક્રાન્તિવીરોને શ્રીમાના આશીર્વાદ મળ્યા હતા. તેમાંના ઘણાં તો જેલમાંથી છૂટીને શ્રીરામકૃષ્ણ મઠમાં જોડાઈ ગયા હતા. આ રીતે શ્રીમા આધ્યાત્મિક ક્રાન્તિનાં જ નહીં પણ રાજકીય ક્રાન્તિના પણ પ્રણેતા હતાં.

એક દિવસ નિવેદિતા અને મૅકલાઉડ શ્રીમાના નિવાસસ્થાને ગયાં હતાં. શ્રીમા સાથે વાતચીત દરમિયાન મૅક્લાઉડે શ્રીમાને કહ્યું : ‘મા, હું અમેરિકા જઈશ, ત્યારે ત્યાં તો તમારી હાજરી નહીં હોય. તો હું શું કરીશ? હા, જો તમારો એક ફોટો મને મળે તો તે હું પૂજામાં રાખીશ. જ્યારે તમને મળવાની ઇચ્છા થાય, ત્યારે એ ફોટા દ્વારા તમારો સંપર્ક કરી લઈશ, તો મને તમારો એક ફોટો લેવાની રજા આપો. હા, ફોટા દ્વારા હું સતત તમારી સાથે રહી શકીશ.’ એની અંતરની તીવ્રતમ ઇચ્છા અને શ્રીમા પ્રત્યેનો ઉત્કટ પ્રેમ જોઈને શ્રીમાએ એક ફોટો લેવાની સંમતિ આપી. ફોટોગ્રાફરને બોલાવવામાં આવ્યો. પરંતુ ફોટો લેવાનો થયો તો ત્યારે શ્રીમા સમાધિમાં ચાલ્યા ગયાં તેમનો સમાધિની સ્થિતિનો ફોટો લેવાયો. પછી જ્યારે તેઓ સમાધિમાંથી બહાર આવ્યાં ત્યારે તેમનો ફરીથી બીજો ફોટો લેવામાં આવ્યો. એ ફોટો ખૂબ સરસ આવ્યો, જે આજે સર્વત્ર પૂજામાં રાખવામાં આવેલો છે. પછી નિવેદિતા માની સામે મુખ રાખીને બેઠાં છે, અને વાતો કરી રહ્યાં છે, એવો ત્રીજો ફોટો લેવામાં આવ્યો. એ ફોટો પણ ખૂબ સુંદર છે. એમાં એવું લાગે છે કે જાણે પૂર્વની પ્રશાંત આધ્યાત્મિક્તા અને પશ્ચિમની જાજ્વલ્યમાન ક્રિયાશક્તિનું સુભગ મિલન થઈ રહ્યું છે! એ ફોટો શ્રીમા અને નિવેદિતા વચ્ચેના અતૂટ સ્નેહસંબંધનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. નિવેદિતા સાથેનો આ ફોટો શ્રીમાએ પોતાની પાસે રાખ્યો હતો જેનો ઉલ્લેખ શ્રીમાએ નિવેદિતાને લખેલા એક પત્રમાં કરેલો છે,

નિવેદિતા જ્યારે યુરોપ–અમેરિકાની યાત્રાએ ગયાં ત્યારે તેઓ ભૌતિક રીતે શ્રીમાથી ઘણે દૂર હોવા છતાં આંતરિક રીતે તો શ્રીમા સાથે સંકળાયેલાં જ હતાં. તેઓ પોતાના વિદેશમાંના કાર્યો વિશે શ્રીમાને પત્રમાં જણાવતાં. શ્રીમા પણ નિવેદિતાને પત્ર દ્વારા આશીર્વાદ મોકલતાં, શ્રીમાનો પ્રે૨ક – પ્રેમાળ પત્ર નિવેદિતાએ જીવનભર સાચવી રાખ્યો હતો. શ્રીમાએ લખ્યું હતું;

મારી વહાલી દીકરી નિવેદિતાને
મારો અસીમ પ્રેમ
અને અપાર ઉત્તમ આશીર્વાદ.

મને એ સાંભળીને ખૂબ જ આનંદ થયો છે કે તું મારી ચિરશાંતિ માટે સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરે છે. તું સર્વશુભફલદાયિની કાલીમાતાનું મૂર્તિમંત સ્વરૂપ છો. હું જ્યારે પણ તારો એ ફોટો, જે મારી પાસે છે, તેની સામે જોઉં છું ત્યારે મને એવું લાગે છે કે જાણે તુ મારી પાસે બેઠી છો. હું એ દિવસની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું કે જ્યારે તું ભારતમાં આવી પહોંચીશ. તે તારા પવિત્ર હૃદયના ઊંડાણથી મારા માટે જે પ્રાર્થના કરી છે, તે જરૂર ફળશે. હું આનંદમાં છું સ્વસ્થચિત્ત અને પ્રસન્ન છું. હું ઈશ્વરને હંમેશાં પ્રાર્થના કરૂં છું કે તેઓ તને અને તારા મહાન કાર્યોને મદદ કરે.

તારા ધ્યેયને સિદ્ધ કરે. તેઓ તને હંમેશાં પ્રસન્ન ને સ્વસ્થ રાખે અને શક્તિશાળી બનાવે. તારૂં સ્વાસ્થ્ય ઉત્તમ રહે. ને સાથે સાથે તું વહેલામાં વહેલી અહીં આવી શકે એ માટે પણ હું પ્રાર્થના કરૂં છું. ભારતમાં મહિલાઓ માટેની સંસ્થા બનાવવાની તારી ઇચ્છા ઈશ્વર સફળ કરે અને આ સંસ્થા દ્વારા ભારતવાસીઓને સાચા ધર્મનું શિક્ષણ આપવાની તારી યોજના સફળ બને, એવી પણ ઈશ્વરને મારી પ્રાર્થના છે.

આ જે સંપૂર્ણ વિશ્વના સર્જનહાર છે, જે પોતાનું સ્તુતિગાન કરી રહ્યા છે, એ શાશ્વત સંગીતનો પ્રતિધ્વનિ એની જ બનાવેલી વસ્તુઓ દ્વારા સંભળાઈ રહ્યો છે. આ વૃક્ષો, આ પક્ષીઓ, આ પર્વત, આ સમગ્ર સૃષ્ટિ એ મહાન કર્તાનું જ સ્તવન કરી રહ્યા છે. દક્ષિણેશ્વરનું વટવૃક્ષ પણ મા કાલીનું ગીત ગાઈ રહ્યું છે. જે ભાગ્યશાળીઓ તેને સાંભળી શકે છે, તેઓ તેમના પર વરસી રહેલા મા કાલીના આશીર્વાદનો અનુભવ કરી શકે છે.

મારી વહાલી દીકરી, તને મારા પ્રેમભર્યા આશીર્વાદ. તારી આધ્યાત્મિક પ્રગતિ થાય એ માટે હું ભગવાનને પ્રાર્થના કરીશ. તારું કાર્ય ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. પણ તું બંગાળી ન ભૂલતી. નહીંતર તું પાછી આવીશ ત્યારે હું તારી સાથે વાત નહીં કરી શકું. તું ત્યાં તારા વ્યાખ્યાનોમાં ધ્રુવ, સીતા, સાવિત્રી અને રામની વાર્તાઓ કહે છે એ જાણીને મને ખૂબ ખુશી થઈ છે. મને પૂરો વિશ્વાસ છે કે આ સંસારની વ્યર્થ વાતોમાં મનને ભ્રમિત કરવા કરતાં, આ મહાન ચરિત્રો વિશે વાત કરવી એ અનેકગણું વધારે શ્રેષ્ઠ છે. ઈશ્વરનું નામ અને તેનું જીવનકાર્ય કેટલું મધુર છે! કેટલું જ્ઞાનદાયી છે!

તારી જ મા.

પત્રમાં શ્રીમાના અનર્ગળ પ્રેમની ધારા વહેતી હતી. એમાં નિવેદિતાના ભાવિકાર્યો માટેના આશીર્વાદો છલકાતા હતા. વિદેશમાં થઈ રહેલા નિવેદિતાનાં કાર્યો પ્રત્યેનો સંતોષ ને આનંદ વ્યક્ત થતો હતો. સાથે સાથે ભારતમાં જલદી પાછાં આવી જવાનું કહેણ પણ હતું. 

બંગાળી ન ભૂલવાની પ્રેમભરી શિખામણ પણ હતી. પરમાત્માના શાશ્વત સંગીતના પ્રતિધ્વનિનો ગુંજા૨વ કરતો આ પત્ર નિવેદિતાના પત્ર ભંડારમાં અતિમૂલ્યવાન રત્ન સમો બની રહ્યો. કેમકે એ માત્ર શબ્દો જ ન હતા. એમાં શ્રીમાનું હૃદય ધબકતું હતું. એ પત્ર સાક્ષાત્ શ્રીમાની હાજરીની અનુભૂતિ કરાવતો હતો. આ પત્ર મેળવીને નિવેદિતા ભાવવિભોર બની ગયાં. શ્રીમાએ એ પત્ર બંગાળીમાં લખ્યો હતો. સ્વામી શારદાનંદે એ પત્રનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર કરી, મૂળ બંગાળી પત્ર સાથે નિવેદિતાને આ પત્ર મોકલ્યો હતો.’ શ્રીમા એટલે એવા આશીર્વાદ કે જે આપણાં સમગ્ર જીવન પર છવાઈ જાય.’ એ જે એમણે લખ્યું હતું. તેનો નક્કર અનુભવ આ પત્રે તેમને કરાવ્યો. પત્ર મળતાં તેમને ખાતરી થઈ ગઈ કે વિદેશમાં પણ તેઓ જે કાર્યો કરી રહ્યાં છે તેમાં જરૂર સફળતા મળશે કેમકે શ્રીમાના આશીર્વાદો સતત તેમની સાથે જ છે.

પછી તેઓ બીજી વાર શ્રીમતી સારાબુલની અંતિમ માંદગીના સમયે અમેરિકા ગયાં હતાં. ત્યાં પણ તેમને શ્રીમાના પ્રેમ અને કરુણાનો વિશેષ અનુભવ થયો હતો. શ્રીમતી બુલની માંદગી જોઈને તેઓ ખૂબ જ અસ્વસ્થ થઈ ગયાં હતાં. આથી તેઓ પ્રાર્થના કરવા માટે ચર્ચમાં ગયાં. ચર્ચમાં માતા મૅરીને તેઓ પ્રાર્થના કરવા લાગ્યાં. ત્યાં તેમને માતા મૅરીની જગ્યાએ શ્રીમા શારદાદેવીનાં દર્શન થયાં. તેમની અસ્વસ્થતા દૂર થઈ ગઈ. મનમાં શાંતિ છવાઈ ગઈ. તેમની ચિંતા દૂર થઈ ગઈ. ઘેર આવીને તેમણે તુરત જ શ્રીમાને પત્ર લખ્યો. જેમાં તેમણે લખ્યું હતું;

મારાં વહાલાં મા,

આજે સવારે હું સારાના સ્વાસ્થ્યલાભની પ્રાર્થના માટે દેવળમાં ગઈ હતી. ત્યાં બધા જિસસના માતા મૅરીને પ્રાર્થના કરી રહ્યાં હતાં. અચાનક મારાં મનમાં આપનું સ્મરણ થયું અને આશ્ચર્ય! આપનું પવિત્ર મુખ, એ પ્રેમાળ દૃષ્ટિ, એ શ્વેત વસ્ત્રો ને પેલા કંકણ બધું જ પ્રત્યક્ષ થયું. મને લાગ્યું કે આપના રૂપે સાક્ષાત્ ભગવાને આવીને દર્શન દીધાં છે. અને મા, આપ તો જાણો છો તેમ સાંજે શ્રીરામકૃષ્ણની પૂજાના સમયે હું આપના ઓરડામાં બેઠી બેઠી પ્રાર્થના પૂજા કરી રહી છું, એમ વિચારતી રહું છું. શું એ મારૂં પાગલપણું તો નથી ને? મને પોતાને આપની લાડકી પુત્રી માનવામાં અને આપના ચરણોમાં બેસવામાં કેટલો બધો આનંદ આવે છે?

વહાલાં મા, આપ કેટલાં બધાં માયાળુ છો!   આપનું હૃદય તો છે, પ્રેમનો અગાધ સાગર. 

આપનો એ પ્રેમ અમારા પ્રેમની પેઠે નથી ઉછાંછળો કે નથી ઉગ્ર. 

એ કંઈ પાર્થિવ પ્રેમ નથી. 

એ તો છે એક સૌમ્ય શાંતિ, સૌનું કલ્યાણ કરતી, કોઈનું ય અમંગળ ન વાંછતી, લીલાથી પરિપૂર્ણ સોનેરી આભા.

થોડાં મહિનાઓ પહેલાંનો એ શુભ રવિવાર આપને યાદ છે જ્યારે ગંગાસ્નાન કરવા જતાં પહેલાં અને પછી હું થોડી ક્ષણો આપની પાસે રોકાઈ ગઈ હતી? તમારા આશીર્વચનોથી અને તમે કરેલાં મારા પ્રેમભર્યા સ્વાગતથી હું કેટલી મુક્ત અને હળવી બની ગઈ હતી!

વહાલાં મા, હું આપના માટે થોડા પવિત્ર મંત્રોચ્ચાર અને થોડી પ્રાર્થનાઓ મોકલવા ઇચ્છું છું. પણ કદાચ ફક્ત એ શબ્દોચ્ચાર જ એટલા ઘોંઘાટભર્યા લાગશે કે એ અમૂલ્ય શાંતિમાં ભંગ કરશે એવું મને લાગે છે.

મા, ખરેખર આપ તો છો, ઈશ્વરની અદ્દભુત કલાકૃતિ.

શ્રીરામકૃષ્ણદેવનું પોતાના જ પ્રેમથી છલકાતું મધુપાત્ર.

જે તેમણે આપના સ્વરૂપે વિશ્વ માટે આપેલું છે. 

આપના બાળકો એમની જીવંત સ્મૃતિને આપના રૂપમાં અનુભવે છે. ઉદાસીનતા ભરી એકાંત ક્ષણોમાં અમે જ્યારે આપની પાસે આવીએ છીએ ત્યારે થોડી અપવાદ રૂપ વિનોદભરી ક્ષણોને બાદ કરતાં અમારા શબ્દો આપની સમક્ષ મૂક બની જાય છે. એ સાચું જ છે કે ઈશ્વરે બનાવેલી બધી જ કલાકૃતિઓ પવિત્ર શાંતિ અને નીરવતાને ધારણ કરી રહેલી હોય છે. તે સઘળી ખૂબ ધીમે ધીમે કોઈને ય જણાવ્યા વગર ચૂપચાપ અમારાં જીવનમાં પ્રવેશ કરી જાય છે. આ વાયુ, આ સૂર્યપ્રકાશ, ઉપવનોનું માધુર્ય અને ગંગાનું શીતળ મધુર જળ – આ બધી ઈશ્વર નિર્મિત વસ્તુઓ અદૃભુત શાંતિ લાવે છે, આપની જેમ જ.

પોતાની માંદગી અને દુઃખોની સામે ઝઝુમી રહેલી સારા માટે આપની અપૂર્વ શાંતિનો થોડો હિસ્સો મોકલજો.

મા, આપની સ્મૃતિ તો છે,
સર્વ રાગદ્વેષોથી પર,
શિખરવાસિની શાંતિ જેવી,
કમળપત્ર પર પડેલાં જલબિંદુઓ જેવી
સંસારથી અળગીને પ્રભુમાં થરકી રહેલી. 

એ અસીમ શાંતિનો થોડો ભાગ સારા માટે જરૂર મોકલાવજો.

 સદાની તમારી,
તમારી જ મૂઢ બાળકી,
નિવેદિતા.

શ્રીમાના પ્રત્યક્ષ દર્શનથી મેરીની પ્રતિમામાં થયેલી અનુભૂતિ, શ્રીમાના ચરણોમાં બેઠેલાં હોવાના કલ્પના માત્રથી થઈ રહેલી આનંદની અનુભૂતિ, શ્રીમાના અપાર્થિવ પ્રેમની અભિવ્યક્તિ, શ્રીમાના આશીર્વચનો દ્વારા હળવાફુલ બની જવાનો અનુભવ, શ્રીમાની પ્રત્યક્ષ હાજરીમાં મૂક્ બની જતી વાણી, પ્રભુની અદૃભુત કલાકૃતિ સમું માનું દર્શન અને એ દર્શન દ્વારા પ્રાપ્ત થતી અગાધ શાંતિ, અને સઘળા રાગદ્વેષથી પર રહેલી, શિખરવાસિની શાંતિ જેવી શ્રીમાની પવિત્ર સ્મૃતિને વ્યક્ત કરતો નિવેદિતાનો આ પત્ર તો એક સ્તુતિકાવ્ય સમો છે. તેમાં શ્રીમા પ્રત્યેનો પ્રેમ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, સમર્પણ છે. એ દિવ્ય સંનિધિથી પ્રાપ્ત થતો અનુપમ આનંદ છે. ને હૃદયમાંથી ઊઠતી સીધી પ્રાર્થના પણ છે. આ પત્ર લખ્યા બાદ નિવેદિતાનું હૃદય અપાર શાંતિનો અનુભવ કરી રહ્યું. એ પછી નિવેદિતા ખૂબ સ્વસ્થ બની ગયાં અને લગભગ એક મહિનો શ્રીમતી સારા બુલની સાથે રહ્યાં. એક મહિના બાદ શ્રીમતી બુલે શાંતિથી દેહ છોડ્યો.

નિવેદિતામાં પ્રખર બુદ્ધિમત્તા હતી. શબ્દોની શ્રેષ્ઠ અભિવ્યક્તિની શક્તિ પણ હતી. પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટેનો દૃઢ સંકલ્પ અને પુરુષાર્થ કરવાની શક્તિ પણ તેમનામાં હતાં જ. દરેક વસ્તુના ઊંડાણમાં પહોંચવાની અને તે રીતે તેને મૂલવવાની શક્તિ પણ હતી. આ બધું તેમને જાજ્વલ્યમાન, પ્રતિભાવાન વિદુષી નારી જરૂર બનાવે છે. પરંતુ શ્રીમા શારદાદેવીના પ્રત્યક્ષ અને પરોક્ષ સાંનિધ્યમાં, પ્રેમ અને સ્વાર્પણ, ત્યાગ અને સેવા, સહિષ્ણુતા અને ઉદારતા, ક્ષમા અને ધૈર્ય, પવિત્રતા અને પ્રશાંતતાની પ્રાપ્તિ થતાં તેમનું પૂર્ણ દિવ્યરૂપ પ્રગટી ઊઠ્યું અને તેઓ સાચા અર્થમાં સમગ્ર ભારતવર્ષની પ્રજાના પ્રેમાળ ભગિની બન્યાં. એ જ તો હતો પોતાની લાડકી ખુકી પર પવિત્ર મા શારદાદેવીનો પ્રેમભર્યો પ્રભાવ.

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.