શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ – એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

ચિંતનશીલ ચિન્હને વેદાન્તની અપીલ

આજની બપો૨ના વાર્તાલાપનો વિષય છે, ‘વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ’ અને, ‘માનવ પ્રશ્ન પ્રત્યેનો’, એમ તમે ઉમેરી શકો છો. સત્યની શોધ અનુભૂતિમાં કરતા દર્શન-શાસ્ત્ર, અભિગમમાં એકદમ તટસ્થ અને તાર્કિક એવા, ચાર હજાર વર્ષનો ગૌરવશીલ ઈતિહાસ ધરાવતા વેદાન્તમાં તમને અદ્‌ભુત વિદ્યા સાંપડે છે ને અચંબાકારક તો એ છે કે, યુગો પહેલાં વિકસેલાં દર્શનશાસ્ત્ર અને આધ્યાત્મિકતા ફરી ફરીને પુનઃ અધિકૃત થતાં રહે છે અને આજે પણ જીવંત અને ચેતનામય છે. ઘણા સંપ્રદાયો, સિદ્ધાંતો અને સંસ્થાગત ધર્મો ભૂતકાળમાં થઈ ગયા છે. એ સર્વ અસ્ત પામ્યા છે. ત્રણ કે ચાર સૈકા પછી કેટલીય ફિલસુફીઓ અર્થહીન બની ગઈ હતી. તો, ચાર હજાર વર્ષ પછીયે અને, વિશેષે કરીને, મહાન વૈજ્ઞાનિક શોધોના આધિપત્યવાળા આજના ખૂબ બૌદ્ધિક યુગમાં પણ સાર્થક ઠરાવતું અને, ચિંતનશીલ મનને અપીલ કરતું વેદાન્તમાં શું છે? આજે પણ કેટલાક ખ્યાતનામ વૈજ્ઞાનિકો ઉપનિષદોનું અધ્યયન કરે છે અને, વેદાન્તના મહાન તર્કયુક્ત અને વૈશ્વિક અભિગમને માણે છે તે ભુલાવું જોઈએ નહીં. આજ દેશમાં, બૉસ્ટનમાં રહેતા વિખ્યાત ખગોળશાસ્ત્રી, દીલ્હી આવ્યા હતા તે ખગોળશાસ્ત્રી હાર્લો શેય્‌પ્લી સહિતના કેટલાક વૈજ્ઞાનિકો પાસેથી વેદાન્ત વિશેની સમજદારી મેં જાતે સાંભળી છે. એમણે કહ્યું હતું, “મને તમારા વેદાન્ત પ્રત્યે આદર છે કારણ, એ ખૂબ તર્કયુક્ત છે, એ કોઈ સંપ્રદાય કે વાદ સાથે સંલગ્ન નથી. અનુભવ સ્વયંમાં જ એ સત્યની નૈષ્ઠિક ખોજ છે.’

ઉપનિષદોના ઋષિઓને પ્રેરણા આપનાર સત્ય માટેની ધગશનો ઉલ્લેખ કરતાં પ્રોફેસર મેક્સમૂલર કહે છે:

‘જાહેર જનતાને રાજી રાખવાના કે ટીકાકારોને સંતુષ્ટ રાખવાના વિચારથી સંસ્કૃત દાર્શનિકો મુક્ત હતા એ, તેમની મોટા ભાગની ઉત્કૃષ્ટતાનું કારણ છે એમ માનું છું. પોતાના નિર્ધારિત કાર્ય સિવાય બીજા કશાનો વિચાર એ કરતા ન હતા; એ કાર્યને બને તેટલું પૂર્ણ કરવું એ એક જ વિચાર તેઓ કરતા. પોતાના સમાનધર્મીઓ કે પોતાના કરતાં ચડિયાતાઓ સિવાયની કોઈની પ્રશંસાનું એમને મૂલ્ય ન હતું; પ્રકાશકો, સંપાદકો અને વહીવંચાઓ હજી અસ્તિત્વમાં આવ્યા ન હતા. પછી, કરી શકાયું એટલું સારું કાર્ય એમણે કર્યું અને, હજારો વર્ષોથી એ અણનમ ઊભું છે તેનું આપણને અચ૨જ થવું જોઈએ ખરું?

પશ્ચિમના લોકો ભારતીય ચિંતનના સંપર્કમાં ગઈ સદીમાં આવ્યા ત્યારથી, પશ્ચિમમાં પોતાના ચિંતન સાથે જોડતા હતા તેનાથી તદ્દન ભિન્ન અભિગમ તેમણે જોયો. પશ્ચિમના ઈતિહાસમાં આપણે જોયું છે કે, વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સતત સંઘર્ષ છે, અને સામાન્ય અભિગમમાં, આત્મા નિત્ય દેહ સાથે સંઘર્ષ કરે છે, ભૌતિક તત્ત્વ મન સાથે સંઘર્ષમાં છે. આવો કોઈ સંઘર્ષ ન હોય તેવા અન્ય અભિગમની કલ્પના પણ ન થઈ શકે તેટલાં આપણાં મન ટેવાઈ ગયાં હોય છે. પરંતુ, સત્યના વિષય પ્રત્યેનો ભારતમાંનો અભિગમ આવી સાંપ્રદાયિક અને જડવાદોની મર્યાદાઓ વગરનો છે એમ, વધારે ને વધારે લોકો સમજતા થયા છે. અધ્યયન માટે વિવિધ અભિગમો અને, અનુભૂતિનાં વિવિધ ક્ષેત્રો છે.

સંઘર્ષ શા માટે હોવો જોઈએ? અંતે તો આપણું ધ્યેય સત્ય છે. અનુભૂતિનાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અને ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓએથી આપણે એની ભણી જઈએ છીએ. સમજણ અને સહિષ્ણુતા બંને જોઈએ. વેદાન્તની મહાન ફિલસુફી અને અધ્યાત્મના સ્રોત ઉપનિષદોને અમર સાહિત્ય બનાવે છે તે આ વૃત્તિ છે ને, ગંભીર સાહિત્ય તરીકે તેનું અધ્યયન પણ એ જ વૃત્તિ કરાવે છે. માનવ આત્માના ઊંડાણને, માનવ અનુભૂતિની ગહનતાને કશી વાચા ન આપે તો, એ સાહિત્ય આવું અમર રહી ન શકે. કવિ ટાગોરના ગીતાંજલિમાં આ પ્રખ્યાત પંક્તિ છેઃ ‘શક્તિ જ્યાં સત્યના ઊંડાણમાંથી આવે છે.’ તમે, ઉપનિષદો વાંચો ત્યારે, આ શબ્દો અમર બની જાય છે.’ ઉપનિષદો શું કહે છે એ ભલે પૂરું ન સમજો પણ તમને લાગે છે કે, ‘હા, અહીં કંઈક ગહન સત્ય વ્યક્ત થઈ રહ્યું છે.’ પણ એ સત્ય શું છે ને ક્યાં છે? ‘વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ’ – આજના વ્યાખ્યાનના વિષયની અગત્ય અહીં છે. સત્ય માટેની શોધમાં ઉપનિષદોના ઋષિઓની નિષ્ઠા વિશે ખ્રિસ્તી મિશનરી રોબર્ટ અર્નેસ્ટ હ્યૂમ કહે છેઃ ‘ઉપનિષદોનું વખાણવા લાયક અને આનંદદાયક લક્ષણ સત્યની શોધ માટેની નિષ્ઠા છે.’

માનવ ખોજને માટે વેદાન્તે બે જગતને માન્યાં – બહિર્જગત અને આંતર્જગત. અનુભૂતિનું વિશાળ આંતર્જગત અધ્યયનની અને અન્વેષણની વાટ જુએ છે. પાંચ ઇંદ્રિયો પ્રગટ કરે છે તે બહિર્જગત છે. આપણે અભ્યાસ પદ્ધતિસર થાય તેને વિજ્ઞાન કહીએ છીએ. જગતને સમજવાનો પ્રયત્ન કરતા શિશુની માફક, સામાન્ય અર્થમાં આપણે જગતનો અભ્યાસ કરીએ છીએ. મારી ઇંદ્રિયોના સંપર્કમાં પ્રતિપળ આવતું એ જગત શું છે? બાળક આ મૂંઝવણ અનુભવે છે. એ શું છે તે એ શિશુ સમજી શકતું નથી પણ, સમજવા માટે એ મથામણ કરે છે. એમ પ્રયત્ન કરતાં ધીમે ધીમે જગત પર એને પકડ આવે છે. આમ બાહ્ય જગતના જ્ઞાનમાં શિશુને વૃદ્ધિ પામતું આપણે જોઈએ છીએ. એ અધ્યયન વ્યવસ્થિત અને ચોક્કસ બને ત્યારે એ વિજ્ઞાન બને છે. આજે આ અર્વાચીન યુગમાં, બાહ્ય જગત પ્રત્યેનો એ વૈજ્ઞાનિક અભિગમ ખૂબ ચોક્કસ અને લગભગ પરિપૂર્ણ બન્યો છે. સત્યના દરેક ચાહક માટે, ભૌતિક વિજ્ઞાનને ઊંડા આદરનો વિષય એ બાબત બતાવે છે. જે પર્યાવરણમાં આપણે વસીએ છીએ તેને સમજવા તરફનું અર્વાચીન યુગનું એ મોટામાં મોટું યોગદાન છે અને, આપણા જીવનમાં આપણે સુધારણા ક૨વી હોય તો, એ સમજણ આવશ્યક છે.

માનવ અનન્યતાનું વિજ્ઞાન

જાણવાનું સત્ય એટલું જ હોય તો, વધારે ખોજની જરૂર નથી. પરંતુ ઉપનિષદના ઋષિઓના અનુભવોએ એમણે કહ્યું હતું તેમ, આપણા અનુભવો આપણને કહે છે કે, મનુષ્ય પ્રકૃતિ પર વેધક પ્રકાશ આપણે નહીં પાડીએ અને, મનુષ્યના આ ઇંદ્રિયતંત્રની પાછળ શું છે તે નહીં જાણીએ ત્યાં સુધી, આપણું જ્ઞાન અપૂર્ણ અને જીવન સિદ્ધિહીન રહેશે.

એ અધ્યયનનું અવનવું ક્ષેત્ર છે, બાહ્ય જગતના જેટલું જ પ્રભાવક કે, વધારે પ્રભાવક અને વધારે ફલદાયી; અનુભૂતિની ભીતરમાં જ મહાન સત્યો સંગોપિત છે. આપણું ધ્યાન આપણે ત્યાં વાળવાનું છે. આ અધ્યયન અને પેલા અધ્યયન વચ્ચે કશો સંઘર્ષ નથી. બહિર્જગતનું અધ્યયન આપણને અમુક અંતર સુધી લઈ જઈ ત્યાં છોડી દે છે. ભૌતિક વિજ્ઞાન પછી પ્રશ્ન કરે છેઃ તતઃ કિમ્, પછી શું? એની પાર શું છે? એ ખોજ પણ અગત્યની છે. ઉપનિષદોમાં, અમારા મહાન ઋષિઓ એ ખોજ કરતા જણાશે. ભૌતક વિજ્ઞાન અને આંતરજગતના વિજ્ઞાન વચ્ચે ભારતને કશો વિરોધ જણાયો ન હતો. વેદાન્તની સમજ પ્રમાણે ધર્મનો સાચો અર્થ એટલે એક સંપ્રદાય, એક વાદ નહીં, જેમાં તમારે શ્રદ્ધા રાખવી જ પડે. અન્વીક્ષકની રીતે, તમારી જાત વિશેના, આત્મા તરીકેના સત્યની એ ખોજ હતી.

સઘળાં ઉપનિષદોનાં વિશિષ્ટ અધ્યયનનો વિષય આ છે – માનવ પ્રાણીની ભીતરનું અધ્યયન. આજનું ભૌતિક વિજ્ઞાન અને પ્રાચીન વેદાન્ત બંને મનુષ્યની અનન્યતાના ખ્યાલને સ્વીકારે છે. વિજ્ઞાન અટકી જાય છે ત્યાંથી વેદાન્ત એને ઊંચકી લે છે અને એને ઉચ્ચતમ કક્ષાએ લઈ જાય છે. એ ઋષિઓએ વિચાર્યું કે, ‘તમે જે વિજ્ઞાનોનો અભ્યાસ કરો છો તેના બાહ્ય પરિમાણમાં જ પ્રગટ થતી પ્રકૃતિની નીપજ મનુષ્ય છે તે કારણે, પ્રકૃતિને આંતરિક પરિમાણ હોવાની અમને શંકા છે.’ સજીવ કોષથી માનવી સુધીની જીવંત ઉત્ક્રાંતિમાં એ પરિમાણ હળવે હળવે આવિષ્કાર પામે છે અને, માનવીમાં, બધી સજીવ યોનિઓમાં સામાન્ય અન્ આત્મ ભાન સાથે, નવું પગરણ મંડાય છે અને, ચેતનાનું એક નવું કેન્દ્ર, આત્મા, ઉઘડે છે. આત્મા વિશેની આ ગહન સામગ્રી શું છે – માનવી વિષય અને માનવી જ અન્વીક્ષક? આ સામગ્રી અતિ ગહન છે. માત્ર જીવશાસ્ત્રમાં અને, ખાસ કરીને, આ સદીમાં જ્ઞાનતંતુશાસ્ત્ર (Neurology)માં, આ સામગ્રી ખૂબ સાર્થક બની છે. સજીવ કોષને પણ ચેતના છે. કોઈ પણ બાહ્ય ભૌતિક ઘટનાને એ નથી. એ સભાન છે પણ, એ ભાન કેવળ બાહ્ય જગતનું છે. પોતાની જાત વિશેનું નથી. આરંભમાં એ ભાન એકદમ પ્રાથમિક કક્ષાનું હોય છે પણ, ઉત્ક્રાંતિની પ્રગતિ સાથે, એનાં ઊંડાણ અને વ્યાપ વધે છે અને, બાહ્ય પર્યાવરણ ઉપ૨ જીવનને વધારે કાબૂ આપે છે ને આપણે ઉત્ક્રાંતિની માનવ કક્ષાએ આવીએ છીએ, આત્મભાનની કક્ષાએ આવીએ છીએ.

જ્ઞાનતંતુ શાસ્ત્રી ગ્રે વૉલ્ટરના શબ્દોમાં:

‘આમ મગજની યંત્રવ્યવસ્થા મનુષ્ય અને વાનર વચ્ચેનો ઊંડો શારીરિક ભેદ પ્રગટ કરે છે. જેમને વિશે વાત કરીએ છીએ તે કાર્યોને આત્મા નામ આપીએ તો, મનુષ્ય સમક્ષ જે જ્યોત ઝળહળે છે તેની આછી ઝાંખી બીજાં પ્રાણીઓ પાસે છે, એમ સ્વીકારવું જોઈએ. આપણી સૌથી નજીકનું પ્રાણી ચિમ્પાન્ઝી, ઝીલેલા પ્રતિબિમ્બ પર મનન કરી શકાય તેટલો સમય ચિત્તમાં સંઘરી શકતા નથી. … સિંહ, વાઘ, રહાઈનોસેરોસ અને બીજાં શક્તિશાળી પ્રાણીઓ પાસે કલ્પના કરવાનું તંત્ર નથી, નહીં તો, આપણે આ વિષય અહીં ચર્ચતા ન હોત.’

જે જીવયોનિ આ ચેતના વિકસાવે છે તે સૃષ્ટિ પર શાસન કરે છે. અને આજે તમે રોજ એક નવી ઘટના નિહાળો છો, એની પર નવો પ્રકાશ ફેંકાતો હોય છે – એક નાનું બાળક એક મોટા ઘોડાને, બળદને, અરે ભારતમાં મોટા હાથીને પણ, દોરતું હોય છે! આઠ વર્ષનાં બાળકોને મેં હાથીઓને અંકુશમાં રાખતાં જોયાં છે. આટલા મોટા દેહવાળા પ્રાણીમાં શું નથી જે એ બાળક પાસે છે? એ બાળક પાસે કશી નવી પ્રાપ્તિ છે.

આપણા જમાનામાં જ્ઞાનતંતુશાસ્ત્ર આજે જેનો સ્પર્શ કરે છે તે વિષયને ઉપનિષદોએ યુગો પહેલાં હાથ ધર્યો હતો. એ અદ્‌ભુત કેન્દ્ર નવા માનવવિકાસનું મધ્યબિંદુ છે અને, વાક્‌વ્યવહાર દ્વારા સંસ્કૃતિનું સર્જન કરવાની શક્તિ એ ધરાવે છે. ભાષા પોતે પણ મહાન નવીન વિકાસ છે. આ નવીન વિકાસને પરિણામે આપણે નવપ્રસ્થાન કર્યું છે; ઉત્ક્રાંતિ-જીવશાસ્ત્ર એને મનુષ્ય સર્જિત સંસ્કૃતિ કહે છે. ને સંસ્કૃતિ શું છે? સામૂહિક અનુભવનો સરવાળો એટલે સંસ્કૃતિ, એમ જીવશાસ્ત્ર કહે છે એટલે, એક જીવના મૃત્યુ સાથે માનવ અનુભવ નાશ નથી પામતો. કાવ્યમાં, કલામાં, સાહિત્યમાં, ફિલસુફીમાં, ધર્મમાં, વિજ્ઞાનમાં એ અનુભવ ઝિલાય છે અને, નિત્ય વૃદ્ધિંગત થતો રહે છે કારણ, આત્માના કેન્દ્ર આધારિત વાક્વ્યવહારની સગવડ મનુષ્ય જીવ પાસે છે.

હવે, અર્વાચીન જીવશાસ્ત્ર કહે છે કે, ઉત્ક્રાંતિમાં આ બીજું નવું કદમ છે; કોઈ વૈશ્વિક અસ્તિત્વ પાસે ન હતું તે જીવંત કોષના ઉદ્‌ભવ એવું પ્રથમ કદમ હતું. એટલે, જાતને દ્વિગુણિત ક૨વાની શક્તિવાળા દ્રવ્ય તરીકે, જીવશાસ્ત્ર જીવંત કોષની વ્યાખ્યા આપે છે; જે જાતને દ્વિગુણિત કરતું દ્રવ્ય છે એ પ્રથમ કદમ છે. અને સંસ્કૃતિ બીજું કદમ છે. ઉત્ક્રાંતિ વ્યાપારમાં એક મહાન પરિવર્તન આવે છે. મનુષ્યના આગમન સુધી, ઉત્ક્રાંતિ આગળ ધપતું અંધ પરિબળ હતું. માનવીમાં એ ઈરાદાપૂર્વકનું, સભાન બને છે. ઉત્ક્રાંતિ વ્યાપારને આપણા હાથમાં ગ્રહણ કરીને આપણે એને ગમે તે દિશામાં વાળી શકીએ છીએ. માનવી પાસે આ શક્તિ, આ જૈવિક શક્તિ છે. આ ગ્રહીતને ઉપનિષદોએ તપાસ્યું હતું. પશ્ચિમ તો આજે એને તપાસવાનો અતિઅલ્પ રીતે પ્રયાસ કરે છે.

મનુષ્યની ગહનતાનું વિજ્ઞાન

આજે કેટલાય જીવશાસ્ત્રીઓ આપણને કહે છે કે,

મનુષ્યની ગહનતા વિશે આપણે ઝાઝું જાણતા નથી. આ મહાન શાસ્ત્રની સપાટીને જ આપણે અડકી રહ્યા છીએ ત્યારે, યુગો પહેલાં પોતાની અધ્યાત્મ વિદ્યામાં ભારતે એનો વિકાસ સાધ્યો હતો. એણે ધોષણા કરી હતી કે, આ દેહમનના સંકુલની પાછળ શક્તિનો મોટો અખૂટ ખજાનો છે ને, એને તમે અનાવૃત્ત કરીને આવિષ્કૃત કરી શકો છે. ધર્મના વિજ્ઞાનનો આ અર્થ છે. ધર્મને વંશીય ઘટના કે જાતિગત ઘટના ગણી શકાય. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી વ. ધર્મની વાત આપણે આજે એ રીતે જ કરીએ છીએ, એ સર્વ ધર્મની વંશગત અને સામાજિક-રાજકીય અભિવ્યક્તિઓ છે પરંતુ, ધર્મને એક અન્ય પાસું પણ છે – એ વિજ્ઞાન છે, મનુષ્યની ગહનતાનું એ વિજ્ઞાન છે અને, એનો વિષય છે મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ તથા, એમાંથી ફલિત થતા બધા લાભ. આનું અધ્યયન થઈ શકે છે, એને અંકુશમાં રાખી શકાય છે, એનું આદાનપ્રદાન થઈ શકે છે, એને ચકાસી શકાય છે અને એની ખરાઈ કરી શકાય છે.

મનુષ્યની ગહનતાના ઊંડા વિજ્ઞાનને ઉપનિષદોએ આ રીતે વિકસાવ્યું હતું – જેથી, જૈવિક તંત્રે મૂકેલી મર્યાદાઓને માનવજીવ ઓળંગી શકે. વ્યક્તિ આ મર્યાદાઓને ઓળંગી શકે છે. આ વિશ્વમાં કશું જ મુક્ત નથી, મનુષ્યમાં પણ શરીર મુક્ત નથી અને બીજી કેટલીય વસ્તુઓ પણ મુક્ત નથી. આ દેહ મનના સંકુલથી ૫૨, કાર્યકારણના અવિચલ નિયમથી પર કોઈ મુક્તિનું કેન્દ્ર છે. આ અદ્‌ભુત કેન્દ્ર સિદ્ધ કરવું જ રહ્યું. ભારત એને ઈશ્વરનું કેન્દ્ર, આત્માનું કેન્દ્ર, કહેતું. અગાઉ ધર્મમાં આવતા ઈશ્વર શબ્દનો અર્થ જુદો હતો. પરંતુ જેને ઈશ્વર કહેવાય છે તેને – ‘શાશ્વત, અનંત ચૈતન્યને, એકમેવાદ્વિતીયને – અહીં એક નવો અર્થ આપવામાં આવ્યો છે. તમે એને ક્યાં શોધશો? એને તમે વ્યક્તિમાં શોધો, એના અસ્તિત્વની ભીતર એ તત્ત્વને શોધો. એ ત્યાં છે તે જ કારણે નહીં પણ, બહિર્જગતમાં દ્રવ્યના અણુપરિમાણની ખોજ ક૨વાની શક્તિ મનુષ્ય પાસે છે તે કારણે પણ,

ઈશ્વરની આવી સમજણને ઉપનિષદો બ્રહ્મ કે આત્મા કહે છે. એ સ્વભાવે અનંત ચૈતન્ય કે ચિત્ સ્વરૂપ છે, એકમેવાદ્વિતીય છે. વિશ્વનું અને બધા જીવોનું એ પાલન કરે છે અને બ્રહ્માંડચક્રને અંતે, સર્વને પોતાનામાં સમાવી લે છે અને પછી, યોગ્ય સમયે સર્જનનું નવું ચક્ર આરંભાય છે. આ બોધનો મુખ્ય ઝોક એ છે કે, બ્રહ્મ અથવા આત્મા વિશ્વમાં અને વિશ્વની ઉત્ક્રાંતિમાં હાજર હોય છે, આરંભમાં વૈશ્વિકરૂપે, પછી જીવ રૂપે અને છેવટે, આધ્યાત્મિક રૂપમાં; એ આત્મા બ્રહ્મનો ક્રમિક આવિષ્કાર છે. સમગ્ર વિશ્વના આદિ કારણ બ્રહ્મ કે આત્માનો સાક્ષાત્કાર કરવાની શક્તિ મનુષ્ય વિકસાવી છે તે, મનુષ્યજાતની અનન્યતા છે. અન્ય કોઈ જીવયોનિ પાસે નથી તે આ મહાન માનવ-અનન્યતા- ને શ્રીમદ્ ભાગવતે ‘બ્રહ્માવલોકીષણમ્’ – ‘બ્રહ્મદર્શન માટેની બુદ્ધિની ભેટવાળા’ તરીકે વર્ણવેલ છે.

કોઈ પ્રાણીએ વિજ્ઞાન સર્જ્યું નથી, માત્ર મનુષ્યે જ વિજ્ઞાન સર્જ્યું છે. કારણ એની પાસે મનને કેળવવાની, એ ત્યાં છે એમ સમજવાની, શક્તિ છે. પણ એ સત્ય ઉઘાડું નથી, તમારે પ્રકૃતિનો બાહ્ય કોશ ભેદવો પડે છે અને ત્યાં જે છે તેની ખોજ કરવી પડે છે. તમારે પ્રકૃતિનાં દ્વાર ખટકટાવવાં પડે છે. સત્યની ખોજમાં માનવચિત્તની આ કેળવણી ભૌતિક તથા આધ્યાત્મિક વિજ્ઞાન બેઉને લાગુ પડે છે. તમારે માત્ર શોધની કક્ષા બદલવાની છે. એટલે પ્રાચીન ભારતમાં, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ધાતુવિજ્ઞાન, ઔષધિશાસ્ત્ર, શલ્યચિકિત્સા (સર્જરી), ભાષાશાસ્ત્ર ઈ.માં અને, કાલ અને સ્થલની અમેયતામાં કેટલીક પ્રગતિ સાધ્યા પછી, ખૂબ કેળવાયેલાં મને પોતાની શક્તિને, મનુષ્ય પ્રાણીની ભીતરી પ્રકૃતિની ખોજના નવા ક્ષેત્રમાં પોતાની શક્તિઓ રોકી. આ અને પેલા વચ્ચે તેમને કશો વિરોધ નહીં જણાયો. એ અનંતક્રિયા છે અને, સત્યને લાગે વળગે છે ત્યાં સુધી બાહ્ય કે આંતરિક માત્ર અર્થહીન સંજ્ઞાઓ છે. કેવળ અધ્યયન અને સંશોધનના હેતુથી આપણે બાહ્ય પ્રકૃતિ અને આંતરિક પ્રકૃતિ જેવો કૃત્રિમ ભેદ ઊભો કરીએ છીએ. આ દેહને માનદંડ લઈને આપણે કહીએ છીએ, ‘આ સત્ય બહાર છે ને આ અંદર છે.’ સત્ય અવકાશના જેવું છે; એને અંદર બહાર કશું નથી. પણ, કેવળ વ્યાવહારિક હેતુઓ માટે આ ભેદ પાડવામાં આવે છે. અવકાશ અખંડ છે; સત્યનું પણ તેમ જ છે.

એટલે આપણા પ્રાચીન આચાર્યો કહેતા કે, ક્યાંક ને ક્યાંક થોડુંક સત્ય છુપાયેલું છે. અભ્યાસ માટે એના બાહ્ય, આત્યંતર એવા ભેદ આપણે પાડીએ છીએ પરંતુ, અભ્યાસ પૂરો થયા પછી, આપણે એ ભેદ રાખવો જોઈએ નહીં; તો, એ ભેદની ભીંતો ભાંગી નાખો. પૃથ્વીને ધેરતા સાગરના જેવું જ એ છે – આપણે એને એટલેટિક, પેસિફિક વ. નામ આપીએ છીએ પણ, પૃથ્વી તો એક જ સાગરને ઓળખે છે. એ જ રીતે આપણા આચાર્યોએ કહ્યું છે કે, આપણે પ્રથમ બાહ્ય જગતમાં રાજ્યની શોધ માંડવી. આપણા જન્મ વખતે આપણે જે વાસ્તવિકતાનો સામનો કરીએ છીએ તેનું તે એકદમ સ્વાભાવાત્મક સ્વરૂપ છે. આપણે આપણી ખોજ ચાલુ રાખવી જોઈએ, મનુષ્ય પ્રાણીઓમાં ઊંડા ઊતરવું જોઈએ, ચેતનાની ગહનતામાં પ્રવેશવું જોઈએ, આત્માના વિષયમાં પ્રવેશવું જોઈએ. આ સ્વની પાછળ શું છે? ચૈતન્યનું સ્વરૂપ કેવું છે? માનવી માત્ર આ નાનું શ્વસનતંત્ર જ છે? કે, એનામાં ઊંડે ઊંડે કશું છુપાયેલું છે? – અજ્ઞાત માનવી? અમેરિકન વૈજ્ઞાનિક એલેક્સીસ કરેલે આ સદીના આરંભમાં એક પુસ્તક લખ્યું છે ‘મેન ધ અનનોન’. શોધનું એ એક અગત્યનું ક્ષેત્ર છે.

બહિર્વિદ્યા અને આંતર્વિદ્યાની ભારતની એકતા

આમ ઉપનિષદોમાં મનુષ્યની ગહનતાની આ મહાવિદ્યા વિકસાવવામાં આવી. પરિણામે, પોતાની ભૌતિક વિદ્યાઓની બહારના ક્ષેત્રના સાતત્ય તરીકે ભારતે એને લક્ષમાં લેવા માંડ્યું. કોઈ બે વિઘાઓ એકમેકની વિરોધી હોઈ શકે નહીં. જ્ઞાનની આ એકાત્મતા, બહિર્જ્ઞાનની અને આંતર્જ્ઞાનની આ એકાગ્રતા વેદાંતની વિશિષ્ટતા છે. શ્રીકૃષ્ણ ભગવદ્‌ગીતામાં એનો ઉલ્લેખ કરે છેઃ

‘આ શરીરને ક્ષેત્ર કહેવાય છે, હે કુંતીપુત્ર; આ શરીરને (અને બાહ્ય પ્રકૃતિના ઉત્પાદન કારણને)જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ, ક્ષેત્રનો જાણકાર, એમ કહેવામાં આવે છે.’

‘હે ભારત, તું મને (દિવ્ય અવતારને) બધાં ક્ષેત્રના જાણકાર, ક્ષેત્રજ્ઞ તરીકે જાણ, મારા મત પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશેનું (એકાત્મ) જ્ઞાન સાચું જ્ઞાન છે.’

શ્રીકૃષ્ણ કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, બંન્નેનું સંયુક્ત જ્ઞાન, શબ્દના સાચા અર્થમાં જ્ઞાન છે. દેહ અને એનું મૂળ (અન-આત્મ) બહિર્‌ર્જગતનું પ્રતિનિધિત્વ કરે છે એને, અને દેહના જાણકારને, (આત્માને) અર્થાત્ આંતરજગતને, – આ બંનેને આપણે જાણવો જોઈએ. એ જ પૂર્ણજ્ઞાન છે. કેવળ આ રીતે જ તમે સત્યની પૂર્ણતાને સત્યને એના પૂર્ણ રૂપમાં, પામી શકો છો. ઉપનિષદોએ એક સ્થળે સત્યની અને સત્યના સત્યની – સત્યમ્ અને સત્યસ્ય સત્યમ્‌ની – વાત કરી છે. વેદાંતે સત્ય પ્રત્યેનો પોતાનો અભિગમ એ રીતે વિકસાવ્યો છે. મુણ્ડક ઉપનિષદમાં એક વાક્ય આપવામાં આવ્યું છે કે વેદાંત સર્વવિદ્યાપ્રતિષ્ઠા છે. એટલે કે એ બધી વિદ્યાઓનો આધાર છે. આ વિવિધતા પાછળ એકતા છે. એ એકતા ખોળવી રહી. બાહ્ય પરીક્ષણથી તમે ગમે તે નિર્ણયો તારવો એ ઘણું સારું છે; પરંતુ એ અપૂર્ણ હશે. પછી મનુષ્યમાં પ્રગટ થતી પ્રકૃતિની ભીતરનો તમે અભ્યાસ કરો છો. આ પણ એક સાચું શાસ્ત્રીય પરીક્ષણ છે. વેદાંતે પેલી એકતા શોધી કાઢી છે. પોતાના બ્રહ્મસુત્રભાષ્યની પ્રસ્તાવનામાં આચાર્ય શંકર આ શોધનો ઉલ્લેખ કરતાં કહે છે; ‘આત્મૈકત્વ વિદ્યા પ્રતિપત્તયે સર્વે વેદાંતા આરભ્યન્તે – બધા ઉપનિષદો આત્માની એકતાની વિદ્યાની ખોજથી આરંભાય છે.’

આ કંઈ માનવા માટેનો સિદ્ધાંત કે વાદ નથી, તમે જાતે એની કસોટી કરી શકો છો. મનુષ્યનું સાચું પરિમાણ શું છે? એ શું કેવળ આ શરીરતંત્ર, મજ્જાતંત્ર, કે મનોતંત્ર છે? ઊંડે ઊતરો, આ પાસાંઓને ભેદવા યત્ન કરો, વાસ્તવમાં આજના જીવશાસ્ત્રે પ્રકૃતિમાં રહેલા ત્રણ કોશોને અથવા પડને જૂદાં તારવી બતાવ્યાં છે. એક છે સામાન્ય પ્રકૃતિ, એને આપણે બહાર જોઈએ છીએ અને એને માટે આપણે ભૌતિક ક્ષેત્ર એવો પ્રયોગ કરીએ છીએ; બીજું જલક્ષેત્ર છે. એન ત્રીજું વાતાવરણ છે. જીવશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં આ વાત સમજાઈ છે. પછી જીવક્ષેત્ર છે, જગતને એ દૃષ્ટિકોણથી જોઈ શકાય છે; પછી મનોક્ષેત્ર માનસિક ક્ષેત્ર છે.

પંચકોશોની ઔપનિષદિક વિભાવના

સમાજવિદ્યામાં આપણે આ માનસિક ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ. તમારી સાથે હું વ્યવહાર કરું છું ત્યારે, જેના દ્વારા હું વિનિમય કરું છું તેવા સમાન માધ્યમનો વ્યવહાર કરું છું. આપણે ભૌતકશાસ્ત્રમાં કહીએ છીએ તેમ, આને મનોક્ષેત્ર, માનસિક ક્ષેત્ર કહેવાય. સમાજવિદ્યામાં, એ માનસિક ક્ષેત્ર સિવાય, માનવ, માનવ વચ્ચે આપણે વ્યવહાર કરી શકીએ નહીં, માત્ર બે શરી૨ તંત્રો પરસ્પરની સાથે અથડાય છે એમ નથી; અહીં એના કરતાં કશુંક સૂક્ષ્મતર છે અને, એ શારીરતંત્રથી પર છે અને, બીજાં તંત્રો અસ્તિત્વ ધરાવે છે. તેની સાથે ગૂંથાવા એ સમર્થ છે. સમાજવિદ્યાનું આ અધ્યયન મનુષ્યના એક ઊંડા પરિમાણને પ્રગટ કરે છે. પોતાના પુસ્તક, ધ મીનિંગ ઑફ એવોલ્યુશનમાં, અમેરિકન જીવશાસ્ત્રી જ્યૂજ ગેય્‌લોર્ડ સીમ્પસન કહે છેઃ 

‘ભૌતિક, જૈવિક અને સામાજિક વિદ્યાઓનાં વિજ્ઞાનોમાં-વિશાળ વર્ગીકરણ દ્રવ્ય અને શક્તિના ત્રણ કક્ષાઓમાં વિભાજન સાથે અનુરૂપ છે અને, માત્ર કક્ષાઓ નહીં પણ, તદ્દન ભિન્ન પ્રકારના અસ્તિત્વ સાથે અનુરૂપ છે. ત્રણેય સંકુલતામાં વેગથી વધારો દર્શાવતા ક્રમ છે. અને દરેક પોતાનાથી નીચલી કક્ષાનો સમાવેશ કરે છે. ભૌતિક તંત્ર કરતાં ચૈતસિક તંત્ર વધારે સંકુલ છે. અને, ભૌતિક તંત્રનું એ સ્થાન લેતું નથી પણ, તેમાં ઉમેરો કરે છે, જે ચૈતસિક તંત્રમાં પૂરેપૂરું સમાવિષ્ટ થયેલું છે. સામાજિક તંત્ર આ બંનેને અકબંધ રાખે છે. અને એ બંને સંકુલતાનો સરવાળો કરી તેમાં પોતાની ક્યાંય મોટેરી સંકુલતાઓ ઉમેરે છે.’

અનંત આત્માને આચ્છાદિત કરતા કોશપંચને ઉપનિષદોએ શોધી કાઢ્યા. આમ, ઔપનિષદિક ઋષિઓએ કહ્યું કે; આ માનવતંત્રનો ઊંડાણથી અભ્યાસ કરો. એક આખું ઉપનિષદ, તૈત્તીરીય, આનું જ અધ્યયન કરે છે – મનુષ્ય, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય એમ ઉત્તરોત્તર અંદર જતા કોશપંચનો બનેલો છે. સૌથી ભીતરનો કોશ પરમ સત્ય, બ્રહ્મ કે આત્મા છે અને એની પ્રકૃતિ અનંત ચૈતન્યની છે. એક અને અદ્વિતીય, મ્યાનમાં, રાખેલી તલવાર સમાન એ છે. મ્યાન તલવાર નથી; એનો આકાર ભલે તલવાર જેવો હોય, પછી બીજા ચાર કોશ ઉમેરો, એ એકબીજા કરતાં સુક્ષ્મતર છે; અંતે, તલવાર આવે છે. એ તલવાર સાચા આત્માનું ઉદાહરણ છે.

અવતરિત કરેલા ખંડમાં સીમ્પસને જણાવ્યા પ્રમાણે એ ઉપનિષદ એમ પણ જણાવે છે કે પછીનો દરેક કોશ પોતાની પહેલાંના કોશનો સમાવેશ કરે છે અને એનું સ્થાન લેતો નથી; તેન એષ પૂર્ણઃ, અર્થાત્ પછી આવતો કોશ પહેલાંના કોશને પૂર્ણ કરે છે.

આમ, વેદાંતના ઋષિઓ વડે, આ બાહ્ય કોશો ભેદાઈને ગહન ખોજ કરાઈ હતી અને, એમણે એક ગહન શોધ કરી કે ધર્મો જેને ઈશ્વર કહે છે તે અમર સત્ય દરેક માનવીમાં નિહિત રહેલું છે. મનુષ્ય તત્ત્વતઃ દિવ્ય છે. આ મહાન સત્ય છે. તે દરેક મનુષ્ય જાતે શોધી ખાત્રી કરી પામવાનું છે. વેદાંત સાહિત્યમાં ફરી ફરી કહેવાયું છે કે આ વાતને માત્ર માની લેવાની નથી. આપણે માત્ર દિવ્ય નથી પરંતુ, આ સત્યનો સાક્ષાત્કાર આપણે પણ કરી શકીએ છીએ. અને બીજું કશું જ ન આપે તેવો પૂર્ણતાનો આનંદ એ સાક્ષાત્કાર આપે છે. હું આખા જગતનો ધણી ભલે હોઉં. અહીંથી અને ત્યાંથી હું ભલે જ્ઞાન સંપદાન કરું પરંતુ, આ સાક્ષાત્કાર થાય નહીં ત્યાં સુધી મારામાં પૂર્ણતાનો ભાવ કદી જન્મે નહીં. તો, આ વિષયની ખોજ ઋષિઓએ આ રીતે કરી હતી અને, મેં કહ્યા પ્રમાણે, બહિર્‌જગતથી આંતર્‌જગત તરફનું આ સરળ પરિવર્તન છે કારણ, બાહ્ય ખોજે નિર્ણાયક ઉત્તરો આપ્યા ન હતા. બધી ભૌતિક વિદ્યાઓના કારણની અપૂર્ણતા વિશે, સર જેય્‌મ્સ જીનસ કહે છેઃ

‘ભૌતિક વિજ્ઞાન દ્રવ્યના અને વિકિરણના વિશ્વનો અભ્યાસ કરવા મેદાને પડે છે પરંતુ એને જણાય છે કે, પેલાં બંનેમાંથી એકનું પણ ચિત્ર એ દોરી શકે તેમ નથી, પોતાની સમજને માટે પણ તેમ કરી શકતું નથી. બીજગણિતનો એકડો માંડતા બાળકને માટે એને પહેલે દિવસે x,y,z અર્થહીન હોય છે તેટલા જ અર્થહીન ભૌતિક શાસ્ત્રીઓ માટે પ્રોટોન, ઈલેક્ટ્રોન, અને ન્યુટ્રોન બની ગયા છે. x,y,z શું છે તે જાણ્યા વિના તેમનો વિનિયોગ કરવાના માર્ગો શોધવાની આશા આપણે વધારેમાં વધારે આ તકે રાખી શકીએ, જેને પરિણામે, આઈન્સ્ટાઈને વર્ણવ્યા પ્રમાણે, એક અજ્ઞાતથી બીજા અજ્ઞાત સુધી જ્ઞાનની વૃદ્ધિ આજે આવી અટકી ગઈ છે.’

વેદાંત આને માયા કહે છે એનો અર્થ એ નથી કે જગત અસ્તિત્વ ધરાવતું નથી. પોતાના વિવેકચૂડામણિ (શ્લોક.૧૦૯)માં શંકરાચાર્ય કહે છે તે પ્રમાણે એ: ‘મહાદ્ભૂતા અનિર્વચનીયરૂપા – રહસ્યનું મહા આશ્ચર્ય, અને, અનિશ્ચિતતા કે અનિર્ણાયકતાનું સ્વરૂપ છે.’

ભૌતિક વિધા અને અધ્યાત્મવિધાનું શ્રીકૃષ્ણનું સંયોજન 

ભારતમાં, ભીંતોને ભાંગતી, સત્યની એ સતત ખોજ હતી. એકત્વનું આ દર્શન, બાહ્ય અને આંતર્‌જગતમાં સત્યની આ સતત ખોજ વિશે શ્રીકૃષ્ણે ઉદ્ધવને કહેલા આ ત્રણ  શ્લોકોમાં આપણને સાંપડે છે:

પ્રાયેણ મનુજા લોકે લોકતત્ત્વવિચક્ષણાઃ
સમુદ્વરન્તિ હિ આત્માનં આત્મનૈવ અશુભાશયાત્ –

‘સામાન્ય રીતે બોલતાં, આ જગતમાં, બાહ્ય જગતના સત્યને સમજવાને મનુષ્યો સમર્થ છે; એ જ્ઞાન વડે, પોતાના જ પ્રયત્નોથી લોકો પોતાની જાતને પ્રાથમિક ભૂમિકામાંથી ઉપર લઈ જાય છે.’

આત્મનો ગુરુઃ આત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ,
યત્‌ પ્રત્યક્ષનુમાનાભ્યાં શ્રેયોઽસાવનુવિન્દતે –

‘એક વિશિષ્ટ અર્થમાં, (અમાનવ પ્રાણીઓનો ગુરુ પ્રકૃતિ હોય છે તેમ નહીં) પણ મનુષ્ય પોતાનો જ ગુરુ છે; પ્રત્યક્ષ ઇંદ્રિયાનુભૂતિ દ્વારા અને (નિયમનાત્મક તથા આનુમાનિક) અનુમાન દ્વારા આ મનુષ્ય પ્રાણી (વૈયક્તિક અને સામાજિક) કલ્યાણ સાધે છે.’

પુરુષત્વે ચ માં ધીરાઃ સાંખ્યયોગવિશારદાઃ
આવિસ્તરાં પ્રપશ્યન્તિ સર્વશકત્યુપબૃંહિતમ્ – 

‘મનુષ્યોની બાબતમાં, અધ્યાત્મ વિદ્યા અને તેની રીતિના જ્ઞાનથી સમૃદ્ધ એવા બુદ્ધિમાન અને ધીર પુરુષો અનંત શક્તિથી સમૃદ્ધ થઈને મને પોતાનામાં જ પામે છે.’

શ્લોક કહે છે કે મનુષ્ય જાતે જ પોતાનો ગુરુ છે અને, પ્રાણીના કિસ્સામાં, પ્રકૃતિ ગુરુ છે. મનુષ્યની અનન્યતા વિશે અહીં શ્રીકૃષ્ણે જોરદાર ભાષા પ્રયોગ કર્યો છે. બાહ્ય જગતનું જ્ઞાન મેળવવા માટેની શાસ્ત્રીય પદ્ધતિઓ મનુષ્ય અપનાવે તેના ઉપર અહીં ભાર છે, યાંત્રિક પ્રવીણતા હોય કે આરોગ્ય અને, સ્વચ્છતા હોય, પ્રત્યેક બાબતમાં આપણે જગતનું અધ્યયન કરીએ છીએ. એને સમજીએ છીએ. એના ઉપર પકડ મેળવીએ છીએ. અને, એ જ્ઞાનનો ઉપયોગ માનવ જીવનની સુધારણા માટે કરીએ છીએ.

અર્વાચીન જીવનમાં, વધારેમાં વધારે શક્ય કક્ષાએ આપણે એ કર્યું છે. માનવ ઈતિહાસમાં કદી અગાઉ આના જેવું બન્યું નથી. માનવમનનો એ અદ્‌ભુત ગુણ છે. એ બરાબર કેળવાયેલું હોય ત્યારે આપણને આ સર્વ પરિણામ સાંપડે છે. શું આ પૂરતું છે? આજનું પાશ્ચાત્ય માનસ કહે છે, ‘હા, આ પૂરતું છે.’ પરંતુ યુગો પહેલાં વેદાંતે કહ્યું હતું, ‘ના, વિકસવા માટે ઉત્સુક એવી અન્ય શક્તિ છે.’ એ કઈ છે? – તમારામાં વસતા ગહન દિવ્ય કેન્દ્ર, તમારા ઊંડેરા પરિમાણની શોધમાં વ્યસ્ત એક જ શાસ્ત્રીય અભિગમ. એ જ તાલીમ વડે, એ ક્ષેત્રમાં વધારે ખોજ કરતા રહો. તમારી સાચી પ્રકૃતિનો સાક્ષાત્કાર કરવાની શક્તિ તમારી પાસે છે. જનીનતંત્રના અંકુશ નીચેના આ નાના અહં પાછળ ચેતનાનું અનંત પરિમાણ, આત્મા છે. અને એ આધ્યાત્મિક દૃષ્ટિએ આપણને સકલની સાથે એકરૂપ બનાવે છે. જે સમગ્ર વિદ્યા અને પદ્ધતિ વડે આપણે આ સત્યનો સાક્ષાત્કાર કરીએ છીએ તેને સાંખ્યયોગ, ‘અધ્યાત્મની વિદ્યા અને પદ્ધતિ’ કહેવાય છે; હું આ નાનું જૈવિક તંત્ર નથી, હું બાહ્ય જગતનું પ્રાણી નથી, હું મુક્ત છું, હું મુક્ત છું. આ મુક્તિનું કેન્દ્ર પેલા જૈવિક તંત્રમાં નથી પરંતુ, પેલા અનંત આત્મામાં છે. એ મારી સાચી પ્રકૃતિ છે.

(ક્રમશ:)

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.