सैषम प्रसन्ना वरदा नृणाम्‌ भवती मुक्तये। ‘જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપનાર અને માનવીની મુક્તિદાતા બને છે.’ પૂજા અને પ્રણામ દ્વારા જગન્માતાને પ્રસન્ન કર્યા વિના બ્રહ્મા અને વિષ્ણુ પણ તેમના પંજામાંથી છટકીને મુક્તિ પામી શકતા નથી. તેથી આ ગૃહદેવીઓની પૂજા માટે એમનામાં રહેલા બ્રહ્મને પ્રગટ કરવા માટે હું સ્ત્રીઓનો મઠ સ્થાપવા માગું છું.

સ્વામી વિવેકાનંદ સ્ત્રીઓમાં રહેલી બ્રહ્મશક્તિને, જગન્માતાની શક્તિ પ્રગટ કરવા માટે બહેનોના મઠની સથાપના કરવા ઇચ્છતા હતા. સંન્યાસિનીઓનો એક સંઘ રચાય અને તે દ્વારા સમગ્ર ભારતની નારીઓની જાગૃતિનું કાર્ય થાય – એવી એમની તીવ્ર ઇચ્છા હતી. આ વિશે તેમણે જણાવ્યું હતું: ‘આજે પણ શ્રીરામકૃષ્ણની સ્ત્રી-શિષ્યાઓ છે જ ને? તેમની મદદથી હું આ મઠ શરૂ કરીશ. શ્રી શ્રીમા તેનું મધ્યવર્તી કેન્દ્ર બનશે, અને શ્રીરામકૃષ્ણના ભક્તોના ઘરની સ્ત્રીઓ અને કન્યાઓ તેમાં સૌથી પહેલી જોડાશે. કારણ કે આવા મઠની ઉપયોગિતા તેઓ સહેલાઈથી સમજશે. પછી તેમનો દાખલો લઈને ઘણા ગૃહસ્થીઓ આ ઉમદા કાર્યમાં મદદ કરશે.’

સ્વામી વિવેકાનંદની આ ઇચ્છા તેમના જીવનકાળ દરમિયાન તો સાકાર ન થઈ શકી. સંન્યાસિનીઓના સંઘ માટે ભારતને ૫૦ વર્ષની લાંબી પ્રતીક્ષા કરવી પડી. ત્યારે કદાચ ભારત હજુ બહેનોના સંઘ માટે સ્વામીજીની વિચારકક્ષાએ પહોંચ્યું નહીં હોય! ૧૯૫૨-૫૩માં બેલૂડમઠમાં સ્ત્રીઓના મઠ માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને ૧૯૫૩-૫૪માં શ્રીમા શારદાદેવીના જન્મશતાબ્દિ વર્ષમાં તેની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું.

ગંગાના પૂર્વકિનારે દક્ષિણેશ્વરના કાલીમંદિર પાસે આ માટે સુરધૂનીકાનન બંગલો ખરીદવામાં આવ્યો. બંગલો ખખડધજ હતો એટલે તેના ર્જીણોદ્ધારનું કાર્ય તુરત જ શરૂ કરવામાં આવ્યું. ૧૯૫૩માં ડિસેમ્બરની ૨૨મી તારીખે શ્રીમાના જન્મદિવસે રામકૃષ્ણ મઠના પરમાધ્યક્ષ સ્વામી શ્રી શંકરાનંદજીએ બેલુડમઠના પ્રાંગણમાં, વરિષ્ઠ સંન્યાસીઓની ઉપસ્થિતિમાં સાત બહેનોને બ્રહ્મચર્યની દીક્ષા આપી. આ રીતે શ્રીભારતીદેવી (સરલા દેવી) તેમજ સપ્તઋષિકાઓ સમી સાત બ્રહ્મચારિણીઓથી શારદામઠનો શુભારંભ થયો. તેમાં મુખ્ય અધ્યક્ષપદે શ્રીભારતીદેવી હતાં, જેઓ શ્રીમા દેહમાં હતા ત્યારે તેમની સેવાશુશ્રૂષા કરતાં. ત્યારબાદ તેઓ સાધનાર્થે વારાણસી ગયાં હતાં ને ત્યાં ૨૭ વર્ષ સુધી તપોમય જીવન ગાળ્યું હતું. આથી તેઓ અધ્યક્ષ તરીકે ઉપયુક્ત હતાં. તે જ દિવસે બપોરે બેલુડમઠના પ્રાંગણમાં એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બેલુડમઠના જનરલ સૅક્રૅટરી સ્વામી માધવાનંદજીએ સાધ્વીઓના આ ઐતિહાસિક સંઘની સ્થાપનાની જાહેરાત કરી.

દરમિયાનમાં શ્રીરામકૃષ્ણના ભક્ત અને પશ્ચિમબંગાળના ઉદ્યોગપતિ મૃગાંકમોહન સુરે શ્રીરામકૃષ્ણ મઠની બાજુમાં એન્ટલીમાં આવેલું મકાન સ્ત્રીઓના કલ્યાણની પ્રવૃત્તિ કરવા માટે દાનમાં આપ્યું. દક્ષિણેશ્વરનું સુરધૂનીકાનન રહેણાંક લાયક બનતાં થોડો સમય લાગે તેમ હોવાથી, મઠના સંચાલકોએ જ્યાં સુધી એ મકાન રહેણાંકને લાયક ન બને ત્યાં સુધી આ બ્રહ્મચારિણીઓને એન્ટલીના મકાનમાં રહીને સાધન-ભજન કરવા જણાવ્યું. એ મુજબ બ્રહ્મચારિણીઓએ આ મકાનમાં આવવાનું નક્કી કર્યું.

ઈ.સ. ૧૯૫૪ જુલાઈની દસમી તારીખે સવારે સરલાદેવીએ પવિત્ર ગંગાસ્નાન કર્યું. પછી કલકત્તામાં ઉદ્‌બોધન કાર્યાલયમાં આવેલા શ્રીમાના નિવાસ સ્થાને શ્રીમાની છબિને પ્રણામ કર્યા. શ્રીરામકૃષ્ણ-શ્રીમા શારદાદેવીની છબિઓ લઈને બ્રહ્મચારિણીઓ સાથે તેઓ આ મકાનમાં પ્રવેશ્યાં. બેલુડમઠમાંથી સ્વામી શંકરાનંદ, સ્વામી વિશુદ્ધાનંદ, સવામી માધવાનંદ અને સ્વામી અભયાનંદ પણ સાથે આવ્યા હતા. પવિત્ર મુહૂર્તે સ્વામી શંકરાનંદે મંદિરની પીઠિકા પર છબિઓની પ્રતિષ્ઠા કરી, પૂજા કરી, પુષ્પો અર્પણ કર્યાં. બ્રહ્મચારિણીઓને આધ્યાત્મિક જીવનનો બોધ આપ્યો. સરલાદેવીને વૈરાગ્યના પ્રતીક સમો ભગવો ઝબ્બો આપ્યો અને નવું નામ આપ્યું. પ્રવ્રાજિકા ભારતી પ્રાણા. પછી તેમને મઠનો સંપૂર્ણ અખત્યાર સોંપ્યો. આ એ ઐતિહાસિક ક્ષણ હતી જેને સ્વામી વિવેકાનંદે પચાસ વર્ષ પહેલાં ચરિતાર્થ કરવાની ભાવના સેવી હતી. બહેનોનો-બ્રહ્મચારિણીઓનો-સાધ્વીઓનો એ મઠ જ્યાં તેઓ એક સાથે રહી સાધન ભજન કરી શકે, પોતાના આત્માનું કલ્યાણ કરી, અન્યની સેવા દ્વારા એમનું પણ કલ્યાણ કરી શકે. એ સ્વામીજીની ભાવના તે દિવસે મૂર્તિમંત બની.

સરલાદેવીએ બારમી જુલાઈ ૧૯૫૪ના રોજ પોતાની ડાયરીમાં નોંધ્યું હતું: ‘અમે સાતે ય અહીં અમારો સમય પૂજા, શાસ્ત્રોનો અભ્યાસ, અને સાધના જેવી કે, જપ, ધ્યાન અને અમારા રોજિંદા પૂજા-પાઠમાં ગાળીએ છીએ. અમે બધું જ અમારી જાતે કરીએ છીએ. આ એકાંત જીવનનો મુખ્ય હેતુ ઊંડી શ્રદ્ધા વિકસાવવાનો અને શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવીના સિદ્ધાંતોને અનુરૂપ અમારી જાતને ઘડવાનો છે. આધ્યાત્મિક જીવન જીવવાનો છે.’

ત્યારબાદ ૧૯૫૪ ૨જી ડિસેમ્બરે શ્રીમાની જન્મતિથિના દિવસે શારદા મઠની વિધિવત્ સ્થાપના કરવામાં આવી. આ ઉત્સવમાં બેલુડમઠના ઘણાં વરિષ્ઠ સંન્યાસીઓ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવના ભક્તો પણ હાજર હતા. સ્વામી શંકરાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની નવી છબિઓની મંદિરમાં પ્રતિષ્ઠા કરી. બ્રહ્મચારિણીઓએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા. વિશિષ્ટ પૂજા સંપન્ન થઈ. સમગ્ર વાતાવરણ પવિત્રતા અને આધ્યાત્મિકતાના આંદોલનોથી છવાઈ ગયું હતું. પૂજા વિધિ બાદ સંન્યાસીઓ અને પુરુષભક્તોને ફળ મીઠાઈનો પ્રસાદ આપવામાં આવ્યો. લગભગ ૧૦ વાગ્યે તેઓ શારદા મઠમાંથી ગયા. ત્યારબાદ સ્ત્રીઓ અને બાળકોને ભોજન આપવામાં આવ્યું. તે દિવસે શારદા મઠમાં આખો દિવસ જમણવાર ચાલ્યો હતો. લગભગ ૨૫૦૦ સ્ત્રી-બાળકોને ભોજનનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સાંજે બધાં જતાં રહ્યાં પછી સમગ્ર વાતાવરણ શાંત અને નિષ્પંદ બની ગયું. સમર્પિત સાધ્વીઓએ અવિરત જપ શરૂ કર્યા જે પંદર દિવસ સુધી ચાલુ રહ્યા હતા.

શારદા મઠની સ્થાપના નિમિત્તે પ્રવ્રાજિકા ભારતી પ્રાણાને સંન્યાસીઓ માટે એક ભંડારો યોજવાની ઇચ્છા થઈ. સ્વામી શંકરાનંદજીની અનુમતિ મળતાં શારદા મઠમાં તા.૧૪મી ડિસેમ્બરના રોજ એક ભંડારો યોજવામાં આવ્યો. આ ઉત્સવમાં શ્રીરામકૃષ્ણ મિશનના અન્ય કેન્દ્રોમાંથી પણ સંન્યાસીઓ આવ્યા હતા. પરમાધ્યક્ષ સ્વામી શંકરાનંદ, ઉપાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદ, જનરલ સૅક્રૅટરી સ્વામી માધવાનંદ, ઉપરાંત સ્વામી શાંતાનંદ, સ્વામી નિર્વેદાનંદ, સ્વામી ઓમકારાનંદ, સ્વામી દયાનંદ, સ્વામી અભયાનંદ, સ્વામી શાશ્વતાનંદ અને સ્વામી વીરેશ્વરાનંદ હાજર હતા. એ ઉપરાંત ઘણાં સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેમ અને પવિત્રતા, ક્ષમા અને સહિષ્ણુતા, ઉદારતા અને કરૂણા, ત્યાગ અને વૈરાગ્ય, સેવા અને સાધનાના મૂર્તિમંત સ્વરૂપ એવા શ્રીમા શારદાદેવીના નામ સાથે સંકળાયેલા આ શારદામઠની સ્થાપનાના સમયે જેઓ ઉપસ્થિતિ હતા, તેઓ બધા ધન્યતાની લાગણી અનુભવી રહ્યા હતા. કેમકે શારદામઠની સ્થાપનાએ તો બ્રહ્મવિદ્યા, આત્મજ્ઞાન ને મોક્ષને હવે નારી માટે સુલભ બનાવવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું હતું.

હવે બ્રહ્મચારિણીઓને સંન્યાસની દીક્ષા દ્વારા સંન્યાસિની બનાવવાનો મહોત્સવ યોજવામાં આવ્યો. શ્રીમાની જન્મતિથિનો ૧ જાન્યુઆરી, ૧૯૫૯નો પવિત્ર દિવસ આ માટે પસંદ કરવામાં આવ્યો. આ માટે બેલુડમઠનાં મંદિરને પસંદ કરવામાં આવ્યું. આ પ્રસંગે બેલુડમઠના ટ્રસ્ટીઓ, વરિષ્ઠ સંન્યાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીભારતીદેવી તેમજ સાતે ય બ્રહ્મચારિણીઓને સ્વામી શંકરાનંદજીના હસ્તે સંન્યાસ દીક્ષા આપવામાં આવી. વિરજા હોમ કરાવવામાં આવ્યો. ત્યાગના અંતિમ શપથ લેવડાવવામાં આવ્યાં. ભગવાં વસ્ત્રો આપવામાં આવ્યાં અને જાણે હોમાગ્નિમાં એમનું સઘળું પૂર્વજીવન બળીને ભસ્મ થઈ ગયું હોય તેમ તેમને હવે નવું નામ પણ આપવામાં આવ્યું. આમ ભગવા વસ્ત્રોમાં, ત્યાગ અને વૈરાગ્યમાં તેમનો નવો જન્મ થયો. શ્રીભારતીને પ્રવ્રાજિકા ભારતીપ્રાણા, નામ મળ્યું. અન્યને પ્રવ્રાજિકા મોક્ષપ્રાણા, મુક્તિપ્રાણા, દયાપ્રાણા, વિદ્યાપ્રાણા, ભક્તિપ્રાણા, શ્રદ્ધાપ્રાણા, મેધાપ્રાણા – નામ મળ્યાં. આ નવાં નામો એમના સમર્પિત જીવનને પ્રગટ કરતાં હતાં. આ સંન્યાસિનીઓએ હવે પોતાનાં સઘળાં પૂર્વાશ્રમને છોડીને શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીના ચરણોમાં સંપૂર્ણ સમર્પણ કર્યું હતું. સમગ્ર વાતાવરણ અપૂર્વ દૈવી આંદોલનોથી છવાઈ ગયું હતું. સમર્પણની અલૌકિક સુવાસ સર્વત્ર પ્રસરી રહી હતી.

૧૯૫૯ સુધી શારદામઠ શ્રીરામકૃષ્ણમઠની એક શાખા તરીકે જ કાર્ય કરી રહ્યો હતો. ૧૯૫૯-ઓગસ્ટમાં શ્રીરામકૃષ્ણમઠના વરિષ્ઠ સંન્યાસીઓએ તેને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવાનું નક્કી કર્યું. ૨૬મી ઓગસ્ટે તેનું રજીસ્ટર્ડ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું. સુરધૂનીકાનન અને તેની સાથેની જમીન તેમજ થોડું ભંડોળ આ ટ્રસ્ટને નામે કરી દેવામાં આવ્યાં. સાતે ય સંન્યાસિનીઓ આ ટ્રસ્ટની ટ્રસ્ટીઓ બની. પ્રવ્રાજિકા ભારતીપ્રાણા તેના અધ્યક્ષ બન્યાં અને પ્રવ્રાજિકા મુક્તિપ્રાણા તેના જનરલ સૅક્રૅટરી બન્યાં.

સ્વામી ગંભીરાનંદજીએ તેમના પુસ્તક ‘હીસ્ટ્રી ઓફ રામકૃષ્ણ મઠ એન્ડ મિશન’ (પૃ.૩૧૭, આ.૧૯૮૩) આ પુસ્તકમાં આ વિશે લખ્યું છે; ‘શ્રીરામકૃષ્ણ મિશનની કાર્યવાહક સમિતિએ વિચાર્યું કે હવે એ સમય આવી ગયો છે કે શ્રીરામકૃષ્ણ મિશનની ત્રણ સંસ્થાઓ – શારદામઠને સોંપવી. તે ત્રણ સંસ્થાઓ હતી; સિસ્ટર નિવેદિતા સ્કૂલ, માતૃભવન (મેટરનીટી હૉસ્પિટલ) અને નારી કલ્યાણ કેન્દ્ર. આ ત્રણેય સંસ્થાઓ કલકત્તામાં આવેલી હતી. ૧૩મી ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે મળેલ રામકૃષ્ણ મિશનની ૫૦મી વાર્ષિક સામાન્ય સભામાં આ બાબત રજૂ કરવામાં આવી. અને તેને બહુમતી મળી. એ પછી રામકૃષ્ણ-શારદા મિશન રજીસ્ટર્ડ કરવામાં આવ્યું. શારદામઠના ટ્રસ્ટીઓને જ તેની કાર્યવાહક સમિતિમાં નિયુક્ત કરવામાં આવ્યાં. તેમણે આ ત્રણેય સંસ્થાઓની જવાબદારી સ્વીકારી. ત્યારબાદ કેરાળામાં આવેલી રામકૃષ્ણ મિશનની બહેનો માટેની વિશાળ શૈક્ષણિક સંસ્થા પણ ૧૯૬૮માં શારદામઠને સોંપવામાં આવી.’ આમ શિક્ષણ, સેવા, આરોગ્ય, નારી જાગૃતિ અને નારી કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ શારદામઠ દ્વારા થવા લાગી.

૧૯૭૩માં શારદામઠના પ્રથમ અધ્યક્ષ પ્રવ્રાજિકા ભારતી પ્રાણાનું દેહાવસાન થતાં પ્રવ્રાજિકા મોક્ષપ્રાણા તેમના અધ્યક્ષ બન્યાં. તેમણે જીવનપર્યંત આ પદે રહીને શારદામઠની અનેક પ્રવૃત્તિઓ વિસ્તારી. તેની શાખાઓનો વિસ્તાર કર્યો. ઓગસ્ટ-૧૯૯૯માં એમનું દેહાવસાન થતાં પ્રવ્રાજિકા શ્રદ્ધાપ્રાણા માતાજી ત્રીજા અધ્યક્ષ થયાં.

શારદામઠનો હેતુ, એના આદર્શો, એની કાર્યપદ્ધતિ સઘળું રામકૃષ્ણ મઠ અને મિશન જેવું જ છે. પરંતુ આ સંસ્થા બંધારણીય રીતે સંપૂર્ણ સ્વાયા છે, સંપૂર્ણ સ્વતંત્ર છે. પ્રવ્રાજિકાઓ પર બેલુડમઠનું કોઈ નિયંત્રણ હોતું નથી. શારદામઠના ટ્રસ્ટીઓ પોતે જ કાર્યવાહક સમિતિને નીમે છે અને તે સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. આ રીતે સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું કે બહેનોનો મઠ પૂર્ણ રીતે સ્વતંત્ર હોય, અને એનું સમગ્ર સંચાલન બહેનો જ કરતી હોય એ ચરિતાર્થ થયું છે. આ સંઘમાં ૧૮ થી ૨૩ વર્ષની વયની, સ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી કોઈપણ યુવતી જેને શ્રીરામકૃષ્ણ અને શ્રીશારદામણિના જીવનદર્શનમાં શ્રદ્ધા છે, તે બ્રહ્મચારિણી તરીકે જોડાઈ શકે છે. લગભગ ૯ વર્ષની બ્રહ્મચારિણીની તાલીમ પૂરી કર્યા બાદ જ સંન્યાસની દીક્ષા આપવામાં આવે છે. હાલમાં શારદામઠની ૨૦ શાખાઓ દેશ-વિદેશમાં છે. મઠની સંન્યાસિનીઓને શ્રીરામકૃષ્ણ ભાવધારા અને વ્યવહારુ વેદાંતના પ્રચાર ને પ્રસાર માટે દેશ-વિદેશમાં બોલાવવામાં આવે છે.

ગુજરાત માટે એ આનંદની વાત છે કે ગુજરાતમાં શારદામઠની સર્વપ્રથમ શાખા વલસાડ ખાતે ખૂલી રહી છે. આ શાખાની સ્થાપનાથી ગુજરાતનાં બહેનોને સંન્યાસિનીઓનું આધ્યાત્મિક માર્ગદર્શન મળશે, બહેનોમાં આધ્યાત્મિક જાગૃતિ આવતાં ઘણી સમસ્યાઓ હલ થઈ શકશે, કેટલીય બહેનોના આંસુ લૂછાશે, કેટલીય હતભાગી નારીઓને નવું જીવન મળશે. કેટલાય પરિવારો તૂટતાં અટકી જશે. ગુજરાત વધુ સુસંસ્કૃત અને સમૃદ્ધ બનશે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘… સ્ત્રીઓમાંથી જો એક પણ બ્રહ્મજ્ઞાની થાય તો તેના વ્યક્તિત્વના પ્રભાવે હજારો સ્ત્રીઓને પ્રેરણા મળે અને સત્ય માટેની જાગૃતિ આવે અને દેશનું અને સમાજનું ઘણું કલ્યાણ થાય.’ શારદામઠ દ્વારા આવી બ્રહ્મજ્ઞાની, તપસ્વિનીઓના જ્ઞાન અને સેવા સાધના દ્વારા ગુજરાતની અનેક નારીઓ ઉચ્ચજીવનની પ્રેરણા મેળવશે ને સત્યના પંથે દોરાશે.

સંદર્ભ :

૧. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા : ભાગ-૧૧, પૃ.૬૧
૨. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા : ભાગ-૧૧, પૃ.૬૧

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.