અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે ગૌહાટી પહોંચ્યાં. અહીંથી શિલોંગ જવા સીધી બસ મળી જતાં ત્યાં જવા માટે ઉપડ્યા. ગૌહાટીથી શિલોંગનો માર્ગ ટેકરીઓ પરના ચઢાણવાળો, બંને બાજુએ ઝાકળથી છવાયેલાં વૃક્ષો, લીલીછમ ટેકરીઓ, વાંસની અડાબીડ વનરાઈ, અનાનસ, સંતરાં-કેળાં-પપૈયાંની વાડીઓ, જોઈને આનંદમગ્ન બની જવાય. થોડી ઊંચાઈ પર જતાં અહીં ઠંડીનો અનુભવ થવા લાગ્યો. રસ્તામાં બે એક કલાક પછી બસ ઊભી રહેતાં અનાનસ, પપૈયાં અને સંતરા ખાવાની મજા માણવા મળી. તાજાં ફળો ઠંડા વાતાવરણમાં ખાવાની કોઈ ઓર મજા છે. એને ક્યાંય ફ્રિજમાં રાખવા ન પડે. સંચળ છાંટેલાં ફળો ખાઈને પેટ ભરી શકાય અને તે પણ સાવ સસ્તાં. ફળો જોઈને ખાવાની ઇચ્છા જ થઈ આવે. લગભગ ૧૦.૩૦ વાગ્યે અમે શિલોંગના આશ્રમે પહોંચી ગયાં. નાહી-ધોઈને મંદિરમાં શ્રીઠાકુરનાં દર્શન કરીને થોડો આરામ કરીને બપોરે ૧૨.૩૦ વાગ્યે પ્રસાદ લીધો. મંદિર નાની ટેકરી પર આવેલું છે. આજુ બાજુ પુષ્પોનાં છોડ-વેલીઓથી શોભતું મંદિર નીચે હૉલ અને વાચનાલય છે. સામેના ભાગમાં વિદ્યાર્થી મંદિર-હૉસ્ટેલ છે. હૉસ્ટેલ પાસે જ અમારો ઊતારો હતો. અહીં એમ લાગ્યું કે ઠંડી છે ખરી. ૬ કલાકની સતત બસની યાત્રાના થાકે અમે પથારીમાં પડ્યાં અને નિદ્રાદેવીએ પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું. સાંજે ચાર વાગ્યે ચા-નાસ્તો કરીને આજુબાજુ થોડું ફર્યાં. અહીં આરતી સાંજે વાગ્યે ૫.૧૫ થાય છે. આરતી પછી તો બધે અંધારું છવાઈ જાય છે. રાતના ૮.૩૦ વાગ્યે ભોજન પછી ઉતારે પહોંચ્યાં. અહીં રાત્રે પીવા માટે ગરમ પાણી રાખવું પડે છે. બીજું પાણી તો આ ઠંડીમાં પીવું મુશ્કેલ. અહીંની ઠંડીની ઝપટમાં આવવા જેવું નહીં. અને આવી ગયા તો ઠંડી-શરદી-ઉધરસ વગેરે આપણને રમત રમાડ્યા કરે. ગૌહાટીથી શિલોંગ જતાં રસ્તામાં ‘બડાપાની’ નામનું મોટું પાણીનું સરોવર-ઝરણું આવે છે. નિર્મળ પાણી અને ચારે બાજુ આવેલી લીલીછમ-વૃક્ષોની વનરાજિથી છવાયેલ ટેકરીઓનાં એમાં પડતાં પ્રતિબિંબ જોઈને પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણી શકાય. અહીંથી ઉત્પન્ન થતી જળવિદ્યુત્‌થી આજુબાજુના વિસ્તારો રોશનીથી છલકી ઊઠે છે. ભારતમાતાને પ્રભુએ કેટકેટલો પ્રાકૃતિક ખજાનો આપ્યો છે એનો ખ્યાલ આવા રમણીય પ્રદેશોની યાત્રા વિના ન આવી શકે.

બીજે દિવસે સવારે ૯ વાગ્યે ટેક્સીમાં શિલોંગ દર્શને જવાનું હતું. વહેલાં પરવારીને ટેક્સીમાં નીકળીને પૂર્વ વિભાગના હવાઈદળનું મુખ્ય મથક, અદ્યતન સુવિધાવાળું તેનું કાર્યાલય અને રડાર મથક જોયાં. બહારથી જ જોવાનાં રહે. ત્યાં થઈને શિલોંગ પિક-પોઈંટ જોવા ગયાં. સારી એવી ઊંચાઈ પર આવેલા આ પિકપોઈંટ પરથી શિલોંગનું દર્શન ભવ્ય અને રમ્ય લાગે. અહીં વૃક્ષોની હરિયાળીથી મઢેલી ટેકરીઓ, શિલોંગની રમણીય ઈમારતો અને ચારે બાજુ છવાયેલ ઝાકળભર્યાં વાદળોનું દૃશ્ય ખરેખર આનંદદાયી છે. અહીંથી અમે એલિફન્ટ ફૉલ્સ જોવા ગયાં. ઊંચી ટેકરીઓ પરથી વહેતાં પાણી ખડકો પરથી નીચે પડે એવા ધોધ તો અહીં ઘણા. આ ધોધ-પાંચ છ સ્થળે અલગ અલગ ઊંચાઈથી પડે છે અને ઘટાટોપ વૃક્ષોની વનરાજિ વચ્ચે તેનો ધીર-ગંભીર નાદ અને શિતળતાભર્યું વાતાવરણ અહીં માણવા મળે ખરું. આવી પ્રકૃતિની કૃપા હેઠળ ઉછરનારને દુ:ખ સંતાપ સ્પર્શી ન શકે તેવું વાતાવરણ. અલબત્ત હિમાલયની પર્વતમાળામાંથી પડતા, ધોધ-પ્રપાતના પ્રમાણમાં નાના ધોધ-પ્રપાત. ચોમાસામાં આ બધું જોવાની મજા ઓર હોય છે. અહીંનું લેડી હૈદરપાર્ક- પ્રાણીઘર પ્રમાણમાં ઠીક ગણાય. એના વિસ્તારને જે પ્રકૃતિની કૃપા મળી છે એનો લાભ લેતાં નથી આવડ્યો એમ કહેવાની ઇચ્છા થાય. પ્રાણીઘર જોયા પછી અહીંના સુખ્યાત રોમન કૅથલીક ચર્ચ જોવા ગયાં. અહીં ક્રિશ્ચિયાનીટીનો પ્રભાવ ઘણો છે. ખાસી-ગારો-જયંતિયા પર્વતમાળાના આદિવાસીઓમાં થતાં રામકૃષ્ણ મિશનના શૈક્ષણિક, રોજગારલક્ષી કાર્યક્રમોને જોઈને એમ કહેવાની ઇચ્છા થઈ આવે કે, આ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના સંન્યાસીઓની જેમ નિષ્કામ કર્મભાવે, સર્વધર્મ સમભાવ, ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ની ભાવનાથી રંગાઈને આપણા બધા ભારતીય ધર્મોએ આ પ્રદેશોમાં પણ એ જ રીતે લોકસેવાના – માનવ સેવા એ જ પ્રભુ સેવાના આવા ઉદાત્ત હેતુ સાથે આવાં સેવાયજ્ઞકાર્ય ઉપાડી લેવાની જરૂર છે. મંદિરો ઘણાં છે, યજ્ઞો ઘણાં થાય છે પણ જીવતાં માનવોની સેવાનાં યજ્ઞ-કાર્યો આ વિસ્તારોમાં શરૂ કરવાની તાતી આવશ્યક્તા છે. આ પ્રજાઓની મૂળ ધર્મ-સંસ્કૃતિને બચાવવા એ આપણા ધર્મોનું પ્રથમ કર્તવ્ય બની રહેવું જોઈએ.

શિલોંગમાં આવેલું તળાવ, ગવર્નર હાઉસ, સચિવાલય, શહેરનો પિકનિક ગાર્ડન, ગોલ્ફનું મેદાન, ફૂટબોલનું મેદાન વગેરે જોવા જેવાં સ્થળો છે. અહીં શહેરમાં ફરવા માટે તથા આવવા-જવા માટે જીપ કે ટેક્સી જ છે. ચઢાણવાળા રસ્તા એટલે રિક્ષાનું ચલણ નથી. સ્વામી વિવેકાનંદ જ્યાં ઊતર્યા હતા તે ઘર-મકાન (અત્યારે બિસ્માર હાલતમાં છે અને કોઈ ખાનગી માલીકીનું છે.) તેમજ જે હૉલમાં એમણે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું તે ક્વિન્ટન હૉલ પણ જોવા મળ્યો. અહીં એક સ્વામીજી રહે છે. અહીં દવાખાનું પણ મિશન દ્વારા ચાલે છે. શિલોંગના શ્રીરામકૃષ્ણ આશ્રમ વિશે સંસ્થા પરિચયમાં અલગથી વાત કરી છે. મેઘાલયના પાટનગર શિલોંગથી અમે ૧૩ ડિસેમ્બરે બપોરે ચેરાપુંજી જવા નીકળ્યા. સૌથી વધારે વરસાદવાળા આ પ્રદેશની યાત્રા એટલે રમણીય ભૂમિની યાત્રા. મેઘાલય રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં આર.કે.મિશનના નામના છાપરાંવાળી શાળાઓ ઘણી છે. રાજ્યનું શિક્ષણકાર્ય અને પર્વતીય વિસ્તારના આદિવાસીઓને સ્વરોજગારી તરફ વાળવા પલ્લીમંગલ યોજના હેઠળ ગ્રામસેવા-ગિરિજન સેવાનું ઉત્તમકાર્ય રામકૃષ્ણ મિશન કરે છે અને સાથે ભારતીય સંસ્કૃતિ સંસ્કારને જાળવવાનું કામ પણ એ જ સંસ્થા કરે. સાંજે ૬ વાગ્યે અમે ચેરાપુંજીના રામકૃષ્ણ મિશનના વિશાળ સ્કૂલ કોમ્પ્લેક્સમાં પહોંચ્યાં. નિવાસી શાળાની વ્યાવસ્થાવાળી શાળામાં વિશાળ પુસ્તકાલય, સાથે પ્રાથમિક, માધ્યમિક, ઉ. માધ્યમિક શાળા પણ છે. આ વિસ્તારના પોશાક-રહેણીકરણી-સંસ્કૃતિ-ધર્મ-ઉદ્યોગ-ધંધા-મકાનો-અલંકારો-ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની અહીંના આદિવાસી લોકોની સર્વગ્રાહી માહિતી આપતું પ્રદર્શન, પ્રયોગશાળાઓ, આ વિસ્તારના આદિવાસી લોકોના ઉત્પાદનના વેચાણનું કેન્દ્ર, પ્રાર્થના મંદિરની સુવિધાવાળી શાળાનું દર્શન કોઈપણ શિક્ષણ પ્રેમી માટે આનંદનો વિષય છે. ૬૬૮ વિદ્યાર્થી ભાઈ-બહેનોની સંખ્યાવાળી ઉ. માધ્યમિક શાળા, ૫૧૬૬ વિદ્યાર્થી સંખ્યાને આવરી લેતી અંગ્રેજી માધ્યમવાળી પ્રાથમિક શાળાઓનું સંચાલન રામકૃષ્ણ મિશન કરે છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટેના બે વિદ્યાર્થી મંદિર તેમજ દૃશ્ય-શ્રાવ્ય યુનિટ પણ આ સંસ્થા ધરાવે છે.

૧૬મી તારીખે સવારે ચા-નાસ્તો પતાવીને ચેરાપુંજીની આસપાસનાં સ્થળો જોવાં નીકળ્યાં. સૌ પ્રથમ યાંગ-ખારાંગ વ્યુ-પોઈન્ટ જોવા ગયાં. ચારે બાજુએ રમણીય હરિયાળીથી છવાયેલી ટેકરીઓવાળી ભૂમિ. ખીણોમાં ફૂલોથી છવાયેલી લીલાંછમ વૃક્ષોની વનરાજિ. તજ, સોપારી, નારંગીનાં વૃક્ષો, ઔષધીય વૃક્ષ-છોડોનો આડેધડ વ્યાપ આ બધું જોવાની મજા ઓર છે. કેટલાંક વૃક્ષોની નવી જ ઓળખ મેળવવી પડે. કેટલાંકનો જૂનો નાતો યાદ કરી તાજો બચાવવાનો આનંદ. ટેકરીઓ-પર્વતોવાળો-હરિયાળો ઉચ્ચપ્રદેશ એટલે મેઘાલય અને નીચે નદીઓથી ભરેલો – પાણીના તળાવોથી છવાયેલો પ્રદેશ એટલે બાંગ્લાદેશની ભૂમિ. દૂર-સુદૂર સુધી આ ભૂમિમાં સાંજે-સવારે કરેલાં દર્શન- ‘આમાર સોનાર બાંગ્લાદેશ’ની યાદ અપાવે તેવાં, હર્ષોન્મિત કરી દેતાં રમ્ય અને ભવ્ય-દિવ્ય પ્રકૃતિનાં દર્શન. અહીંથી અમે મૉસમાઈ ફૉલ્સ જોવા ગયા. અહીં સૌથી વધુ વરસાદ વરસે અને પર્વતીય પ્રદેશોમાંથી ખીણમાં પડતા પાણીના પ્રપાત એક અનન્ય સૌંદર્ય-શિતલતા અને પ્રકૃતિની દિવ્યતાનું વાતાવરણ સરજી દે છે. નજીકમાં જ પ્રકૃતિએ કોતરેલી ગુફામાંથી પસાર થવાની મજા તો વળી ઓર જ. ટોર્ચ સાથે ધારદાર પથ્થરની વચ્ચે માથાં – પગને જાળવીને અંદર જવાનું. પ્રાકૃતિક રીતે કોતરેલા વિવિધ માનવાકારો જોઈને આશ્રર્યમુગ્ધ બની જવાય. વૃક્ષોથી છવાયેલી આ ભૂમિ રમણીય અને આહ્‌લાદક છે. મનને શાંતિથી ભરી દેતી આ ભૂમિનાં દર્શને વર્ષાઋતુમાં કેવાં હશે એની ઝાંખી આપણા મન:પટલ પર આવી જાય પણ વાસ્તવિક દર્શન તો વરસતા વરસાદમાં જ આ વિસ્તારો ખૂંદીને જ જાણવા મળે. બૈતરાના મહાદેવના દર્શન કરીને તમાલપત્ર-તજનાં વૃક્ષો જોયાં, આ વૃક્ષમિત્રોનો તો આ પ્રથમ પરિચય ત્યારબાદ ‘નેહકાલીકાઈ’ ફૉલ્સ જોવા ગયા. આજુબાજુની લીલીછમ ટેકરીઓ પરથી ખીણમાંથી પડતા ધોધ, સૂર્ય પ્રકાશમાં મેઘધનુષી છટાનું દર્શન પણ રોમાંચક. આ ભૂમિમાં ચૂનાનું પ્રમાણ વધારે એટલે નીચે પ્રાકૃતિક રીતે કોતરાયેલા કુંડમાં પાણી પણ બિલોરી કાચ જેવું રમણીય લાગે. પાણીના ધોધ, લીલીછમ હરિયાળીથી છવાયેલી ટેકરીઓ, રમણીય ખીણ પ્રદેશો, રમણીય મેઘધનુષી રંગ છટા અને નીચેના વિસ્તારોના ડામરના રસ્તા પર જતી બસ આપણને સ્વર્ગીય આનંદ આપે છે. અહીંના નિર્દોષભાવવાળા, સખત કામ-કરનારા આદિવાસીઓ, આદિવાસી બહેનોનાં વણાટ, ગૂંથણકામ આ બધું જોવા જીવનમાં એક વખત તો આપણે જવું જ જોઈએ. ‘વંદે માતરમ્’ માં વર્ણવેલી ભૂમિનાં દર્શનનું વાસ્તવિક રૂપ-દર્શન અહીં થઈ જાય છે. અહીં પ્રકૃતિએ પોતાનું સૌંદર્ય ખોબલે ખોબલે વેર્યું છે. રમણીય પ્રદેશની યાત્રા કરવા આતુર યાત્રાળુઓને આકર્ષી શકે તેવી આ ભૂમિ રમણીય છે.

અહીંના પાણીમાં ચૂનો વધારે એટલે ‘લીમકા’ પીવાની જરૂર નહીં. ખોરાકના પાચનમાં ઘણું સહાયક પાણી. બપોરે દોઢેક વાગ્યે પરત આવ્યા. ગૌહાટીથી આવેલા વિદ્યાર્થીઓ સાથે શોબાર-પુંજી ગામે જવા ઉપડવાનું હતું. શોબાર પુંજી પર્વતમાળાઓની વચ્ચે નીચાણવાળા ભાગમાં આવેલ છે. અહીંથી બાંગ્લાદેશ દૂર નથી ત્યાં ઊભા ઊભા બાંગ્લાદેશનું દર્શન કરી શકાય. નીચાણવાળા સપાટ મેદાનોમાંથી વહેતી નદીઓ અને વચ્ચે વચ્ચે લીલાંછમ ખેતરો.

ગિરિજન સેવાનો પ્રારંભ

જાંતિયા-ખાસી પર્વતીય વિસ્તારમાં સપ્ટેમ્બર ૧૯૨૪માં બ્રહ્મલીન સ્વામી પ્રભાનંદજી મહારાજ (કેતકી મહારાજ)ના શેલામાં આદિવાસી સેવાના કાર્યથી ગિરિજન સેવાનો પ્રારંભ થયો. સ્વામીજી તો એમનામાં ભળી ગયા. ત્રણ માસમાં એમની ભાષા પણ શીખી લીધી. અને એમણે એકલાએ પ્રૌઢો માટે રાત્રિ શાળા અને બાળકો માટે પ્રાથમિક શાળા શરૂ કરી. ગિરિજનોની અજ્ઞાનતા અને ભારતવર્ષના ભૂત-ભાવિ-વર્તમાન વિશેનાં શંકા-કુશંકાનાં વાદળોને હટાવવા અને ખાસીના આદિવાસી સમાજના લોકો ભારતીય રીતે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને આત્મસાત્ કરે અને બંનેનું સંયોજન કરી શકે તેવા ઉદાત્ત હેતુ સાથે તેમણે શેલામાં રામકૃષ્ણ આશ્રમની સ્થાપના કરી. અસ્તિત્વવિહોણું એકલવાયું જીવન જીવતાં આ લોકો માટેના સ્વામીજીના પ્રયાસોથી, એમના પ્રેમ અને સહાનુભૂતિને લીધે આ ગિરિજનોના જીવનમાં આનંદનો સંચાર થયો. અને લોકોની આત્મશ્રદ્ધા જાગતાં વધુ સારું જીવન જીવતાં શીખ્યાં. પોતાના પૂર્વજો તરફથી મળેલી જીવન સંસ્કૃતિની સુંદર પ્રણાલિઓને ભોગે એમનો સામાજિક-આર્થિક વિકાસ થવો ન જોઈએ – એ વાત પણ એમણે એમના ગળે ઉતારી. સ્વામી પ્રભાનંદજીની આ પ્રવૃત્તિઓથી પ્રેરાઈને આજુબાજુના બીજાં ગામડાંનાં આદિવાસીઓએ પણ શાળાઓ સ્થાપવા એમને વિનંતી કરતાં શેલાને કેન્દ્રમાં રાખીને આવું શાળાઓનું એક જૂથ ઊભું કર્યું. સ્થાનિક સમિતિઓએ શાળા સંચાલનની જવાબદારી ઉપાડી લીધી. ખાસી ભાષામાં સ્વામીજીએ કેટલાંક પાઠ્ય પુસ્તકોનું પણ પ્રકાશન કાર્ય કર્યું. આ સમયે ખાસી ભાષામાં આવાં પુસ્તકો પ્રાપ્ય નહોતાં. શિલોંગમાં જતાં આદિવાસી બાળકો પોતાના સમાજને પ્રતિકૂળ બને તેવાં ટેવ-રસ-રુચિ કેળવતાં થયાં. આ વાતનો ખ્યાલ આવતાં જ સ્વામીજીએ ૧૯૩૧માં ચેરાપુંજીમાં એક હાઈસ્કૂલની સ્થાપના કરી. આ જ હેતુ સાથે એમણે ૧૯૩૭માં શિલોંગમાં એક કેન્દ્રની સ્થાપના કરી. ૧૯૯૭થી વિદ્યાર્થીઓ માટે હૉસ્ટલ પણ ચાલે છે. શોબાર પુંજીમાં તાલીમી શાળા છે. વણાટકામ કરતી અને સુંદર મજાની ગરમશાલ, સ્વેટર, આકર્ષક અને રંગબેરંગી આસન, સાડીઓ વગેરે બનાવતી બહેનોના કુશળ વણાટકામ જોઈને અને કામકરતી બહેનોનાં મુખ પર સ્વાશ્રય અને સ્વરોજગારીનો છલકતો આનંદ જોઈને શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામીજીના આદર્શ પ્રમાણે ‘સર્વજન હિતાય સર્વજન સુખાય’ ચાલતા અને આ વિસ્તારના આદિવાસીઓના શૈક્ષણિક વ્યાવસાયિક અને સ્વરોજગારી તરફ પ્રેરતા તાલીમી ગૃહો દ્વારા આ સંન્યાસીઓ ખરેખર દેવદૂત જેવું કાર્ય કરી રહ્યા છે. એટલે જ હવે ઘણાં વર્ષો સુધી મંદિરના પાંજરે પૂરેલા પ્રભુને પૂજ્યા, હવે સમય આવ્યો છે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા જીવન-સંદેશ પ્રમાણે આ દુ:ખીઓમાં, ભૂખ્યાંમાં, અજ્ઞાનીમાં નારાયણને જોઈને એમની શિવભાવે જીવતા જાગતા આ મહાન માનવદેવની પૂજા કરવાનો. નહીં તો આપણી રાષ્ટ્રોદ્ધાર, સર્વોદય, ગ્રામોદ્ધારની બધી વાતો, યોજનાઓ વ્યર્થ બનીને ઊભી રહેશે. એટલે જે પોતાને ભારતીય કહેવડાવે છે, જેને પોતાની માતૃભૂમિના પાંચહજાર વર્ષના ધર્મ-સંસ્કૃતિના અમર વારસાનું પોતાના હૃદયમાં ગર્વભર્યું સ્થાન છે એમણે બધાએ આ વિસ્તારના લોકોના સાર્વત્રિક કલ્યાણનાં કાર્યો આજ આજ વરે અત્યારે ઉપાડી લેવાં જોઈએ. ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ સ્વામીજીએ આપેલ સેવામંત્રને નજર સમક્ષ રાખીને આપણે સૌએ હવે આવાં જ કાર્યોમાં મંડ્યા રહેવું પડશે.

શૌબાર પુંજીની શાળા, તાલીમશાળા અને ત્યાંથી બાંગ્લાદેશના રમણીય ભૂમિનાં દર્શન કરીને અમે ચેરાપુંજી જવા નિકળ્યા. રસ્તામાં કુદરતી રીતે કોતરાયેલા અને ૧૫૦’ નીચે ખીણમાંથી ઉપર સુધી આવેલ વિરાટકાય શિવલિંગનાં દર્શન કરીને સૌએ ધન્યતા સાથે આનંદનો અનુભવ કર્યો. આ શિવલિંગનો વ્યાસ ૨૦’ જેટલો હશે અને ઊંચાઈ ૧૦૦’ તો હશે જ પ્રકૃતિએ રચેલી અને ચોતરફ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા શિવલિંગના દર્શન ખરેખર એક અદ્‌ભુત આનંદ છે. ૧૬મીએ બપોર પછી અમે ચેરાપુંજીથી શિલોંગ જવા નીકળ્યા. સાંજના ૪ વાગ્યે શિલોંગ પહોંચ્યા. ૧૭ ડિસેમ્બરે શિલોંગથી ગૌહાટી જવા નીકળ્યા. હૉટેલમાં રાતવાસો કરીને ગૌહાટીથી સમાઈઘાટ એક્સપ્રેસ દ્વારા હાવરા જવા ૧૮ ડિસે. સવારે પહોંચ્યાં. ૧૯/૧૨ સવારે ૩.૩૦ વાગ્યે બેલુડમઠ પરત આવ્યા. આમ ૫ ડિસે.થી આરંભાયેલી અમારી ઉત્તર-પૂર્વના રમણીય પ્રદેશોની યાત્રા ૧૯ ડિસેમ્બરે પૂરી થઈ. વારંવાર જવાની ઇચ્છા થાય એવા આ પ્રદેશો છે. હવે ક્યારે તક મળે અને ક્યારે વળી પાછા સૌંદર્યથી પ્લાવિત પ્રદેશોમાં જઈએ!

Total Views: 69
By Published On: August 2, 2022Categories: Mansukhbhai Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram