હું એક યુવાનને જાણું છું. તે દરરોજ કલાકો સુધી કામ કરે છે અને આનંદ-હર્ષથી છલકતા મન-હૃદય સાથે ઘરે આવે છે. મને એવું ક્યારેય નથી લાગ્યું કે કોઈ દિવસ આટલા સખત કામ પછી એના આનંદ-હર્ષોલ્લાસમાં ઓટ આવી હોય. પોતાના કાર્યાલયથી ત્રણેક કિલોમિટર દૂર એક ગામડામાં એક નાના ઘરમાં તે રહેતો. એના ઘરમાં આધુનિક સુખસુવિધાઓ પણ ન હતી. કાર્યાલયથી ઘરે તે ચાલીને આવતો. તે દરરોજ એકાદ બે કલાકનું વાચન પણ કરતો. કોલેજના દ્વાર સુધી પહોંચવાની એને કોઈ તક જ ન હતી એટલે એણે બહારના-ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષાઓ આપી અને સ્નાતકની ઉપાધિ મેળવી. એની કચેરીમાં એના કોઈ વરિષ્ઠ અધિકારીએ કે સહકાર્યકરે એના વિશે ક્યારેય કડવીવાણી કે ક્રોધભર્યાં વચનો ઉચાર્યાં ન હતાં. બધા એને માન-શ્રદ્ધાની નજરે જોતા. ‘જ્ઞાન વિનમ્રતાના પંથે દોરી જાય છે.’ આ સૂક્તિ એને બરાબર બંધબેસતી હતી. કોઈની મહેરબાની મેળવવા તે કોઈની ખુશામત પણ ન કરતો. પોતાની આવશ્યક્તાઓની પૂર્તિ માટે અપ્રામાણિક કે જૂઠાં સાધનોનો સહારો ન લેતો. એનામાં પવિત્ર ભાવના હતી. કાર્યક્ષમતા-કુશળતા-નિયમિતતા, ધીરતા અને પોતાના કાર્યમાં અથાક અને ખંતભર્યા ઉત્સાહને લીધે તે ઉન્નતિ સાધી શક્યો હતો. તે પોતાની કચેરીના કર્મચારીઓ સાથે ઉદાર વલણ રાખતો અને તેમને મદદરૂપ પણ બનતો. પણ એની ભલમનસાઈનો કોઈ ગેરલાભ ન ઉઠાવી જાય એ માટે સચેત પણ રહેતો. દુષ્ટ તત્ત્વોની ધમકીઓ સામે અડગ રહીને ન્યાય માટે લડી લેનારો એક વીર માનવ પણ હતો.

આજે તે સદ્‌ગૃહસ્થ ત્રણ સંતાનોનો પિતા છે. છતાંય, આ આત્મસંયમી માનવને કોઈ બૂરી આદતોની લત નથી લાગી. અસીમ શક્તિ, પોતાના બંધુઓને સહાયભૂત થવાના કાર્યમાં પ્રવૃત્ત રહેવાનો આત્મસંતોષ, ભીતરની શાંતિને પ્રતિબિંબિત કરતા તેના મુખભાવો-આ હતી એનામાં મને જોવા મળેલી ગુણવત્તાઓ. હું જ્યારે એને મળ્યો ત્યારે મેં એને આ પ્રશ્નો પૂછ્યા : ‘તમારા જીવનની સફળતાનો મૂલાધાર ક્યો છે? તમારા કાર્યની નિરાળી અને ધ્યાનાકર્ષક વાત કઈ છે? તમે જીવનની સમસ્યાનો સામનો કેવી રીતે કર્યો?’ તેના પ્રત્યુત્તરમાં તેણે કહ્યું: ‘હું એમ નથી માનતો કે હું ખાસ વિશિષ્ટ ગુણવત્તા ધરાવું છું. આ બધું તો પ્રભુની કૃપાથી જ થયું છે. પણ આટલું તો હું કરી શકું કે, મારા માત-પિતા મને વારંવાર કહેતા કે જે કંઈ કરવું તે પૂર્ણ મને અને સમર્પણભાવે અને પૂરા ખંતથી કરવું. બાળપણથી મારે શિરે જવાબદારીઓ આવી પડી હતી. જો મેં મારાં કર્તવ્યોનું પાલન બરાબર ન કર્યું હોત તો મેં હાથે કરીને મારા પર દોષારોપણનો ભાવ અને તિરસ્કારની ભાવના નોતરી હોત. જો કે પ્રલોભનો અને આડખીલીઓ તો મારા માર્ગમાં હતી જ. પણ તિરસ્કાર કે દોષારોપણનો ભય કદાચ મારું ચાલક બળ બની ગયો. પછી તો કેટલાક વરિષ્ઠ સદ્‌ગૃહસ્થો વારંવાર મને કહેતા રહેતા: ‘જો તમે કાર્ય સંપૂર્ણરીતે જાણી લો-શીખી લો તો પછી કોઈનાથી પણ ડરવાની જરૂર નથી.’ સાચે જ મેં આવી ટિપ્પણીઓ સાંભળી હતી. જુવાન ખરેખર સારું કામ કરે છે. એણે પરોક્ષ રીતે મારા કાર્યશીલતાના જુસ્સાને વધુ ને વધુ સતેજ કર્યો હોવો જોઈએ. આ સમયે મારા પર એક છાપ પડી કે જે વ્યક્તિ પોતાની પ્રવૃત્તિઓ ખંત-કર્તવ્યપરાયણતા અને દૃઢતાથી કરવાનું શીખે છે, એનામાં આત્મ-શ્રદ્ધાનું અનહદ મનોબળ કેળવાય છે. વ્યક્તિત્વ ઉચ્ચતર કાર્ય માટે ચોક્કસરૂપે ખીલી ઊઠે છે.

બીજાને માર્ગદર્શન આપવા અને બીજાને સહાયરૂપ બનવાની તેને તકો પણ સાંપડે છે. ગમે તેવી નિષ્ફળતાઓથી ભાંગી ન પડવાનું મનોબળ તે કેળવે છે અને સ્વાભાવિક રીતે ઉચ્ચતર સ્થાને પહોંચવાના બારણાં એને માટે ફટાક દઈને ખૂલી જાય છે. એક અલ્પ માત્રાની પ્રગતિ, એક સામાન્ય સિદ્ધિ પ્રાપ્તિ, એને આગેકદમ માંડવાનું બળ બની રહે છે. અહંકાર, ઘમંડ, મદ એને જો પોતાના દૂષણમાં ફસાવી ન દે તો વહેલા-મોડા પણ એના સહસાથીઓ, ઉપરી અધિકારીઓ, અને લોકો દ્વારા માન-સન્માન-પ્રતિષ્ઠા મળે છે. તેઓ કદાચ ખુલ્લી રીતે આ બધું ન દર્શાવે પણ એમનાં વર્તન-વ્યવહાર આ બધું બતાવી આપે છે. અને આ રીતે દિવસે ને દિવસે આપણી કાર્યકુશળતામાં વૃદ્ધિ થતી રહે છે.

મેં વળી એક પ્રશ્ન કર્યો: ‘સખત કામ કરનાર પર જ કામનો બોજો લાદવામાં આવે છે. અને એમ કહેવાયું છે કે ‘જે ઝૂકી જાય છે એને એક વધુ મુક્કાનો માર પડે છે.’ આ વાત સાચી છે?’

તેણે જવાબ આપ્યો: ‘એ વાત સાચી છે કે ફરજો ક્યારેક બહારથી લાદવામાં આવે છે. પરંતુ શરૂઆતમાં આ થોડી-નાની અસુવિધા સહન કરી લેવા વ્યક્તિએ તૈયારી રાખવી જોઈએ. ક્યારેક આપણને એવું ય લાગે કે આપણે કચડાઈ રહ્યા છીએ. પણ જો આપણે ધીરતા રાખી શકીએ અને જો આપણે એને આપણા ખંત-ધૈર્ય અને સહનશીલતા સામેના પડકાર તરીકે ગણી લઈએ તો મારા મતે આપણા ભાગ્યે સફળતા જ નિર્માઈ છે, નિષ્ફળતા નહીં. મેં કામની આ જીવનફિલસૂફી વર્ષોથી કેળવી છે. કામ એટલે જીવનમાં બંને છેડાને સાંધવા માટેનું વૈતરું માત્ર નથી. પરંતુ તે છે આપણી ભીતર અખૂટ ભરેલા પરમ-પવિત્ર આનંદને બહાર આવતો અટકાવતા અડચણના આવરણને દૂર કરવા માટેનું એક સાધન. માણસ ભલેને ગમે તે કામ-ધંધો કરતો હોય પરંતુ પૂર્ણ એકાગ્રતા સાથે કરેલ કાર્ય સંતોષ અને આનંદ આપે છે. માત્ર પગાર ઈજાફો કામની ઉચ્ચ ગુણવત્તા કે સફળતા માટેનાં પ્રેરણારૂપ સાધનો નથી. પરંતુ કામ પ્રત્યેનું આપણું વલણ અને એને કાર્યાન્વિત કરવાનું આપણું સામર્થ્ય કાર્યની ગુણવત્તાને સુધારે છે. જ્યારે આપણને આ વાત સમજાય કે ખરાદિલના ધ્યાનથી પ્રાપ્ત થયેલાં પરિણામો સાચાં સુખ-આનંદની પ્રતીતિ કરાવે છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારના કાર્યની ઉપેક્ષા નહીં કરીએ. ભલેને નગણ્ય હોય તો ય આપણે તો આપણી ફરજ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતા પૂર્વક બજાવીશું.’

મેં પૂછ્યું, ‘એકરસીલાં-કંટાળાજનક અને યાંત્રિક કાર્યો માટે પણ આ જીવનફિલસૂફી યોગ્ય ગણાય? ક્રિયાત્મક-રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આનંદ અને પ્રેરણા મેળવવાં શક્ય છે પણ આવાં યાંત્રિક અને નીરસ-એકરસીલાં ગણાતાં કાર્યોમાંથી પણ શું એટલાં જ આનંદ-ઉત્સાહ મેળવી શકાય ખરાં?’ તેનો પ્રત્યુત્તર હતો: ‘હું એમ નથી માનતો કે કોઈ પણ કાર્ય સંપૂર્ણ રીતે ક્રિયાત્મક-રચનાત્મક હોય અને તેમાં નીરસતા કે એકરસીલાપણું ન જ હોય. કોઈ પણ પ્રતિભાવાન માનવના કલાભર્યા કાર્ય કે ક્રિયાત્મક-રચનાત્મક કાર્ય પાછળ થોડા પરિશ્રમ-પ્રયાસ અને થોડી મથામણ તો હોય છે. પણ આટલું તો સાચું છે કે આપણે કોઈ અનિવાર્ય કાર્ય ખંતપૂર્વક કરીએ તો પણ તે આપણને અસંતોષભરી પરિસ્થિતિમાં મૂકે છે. આપણને સફળતા નહીં સાંપડે આવો ભાવ – બોજ આપણા મન પર અનર્થકારી અસર ઊભી કરે છે. ગમે તેટલું કંટાળાજનક હોય તો પણ આપણે માથે લીધેલું કાર્ય સારી રીતે પાર પાડીએ તો આપણને શાંતિ – સંતોષ-નિરાંતનો અનુભવ થશે. આ એક સર્વસામાન્ય અનુભવ-નીચોડ છે.’

શું તમે તમને સોંપાયેલાં જવાબદારીભર્યાં કાર્યને તમારાથી બનતા શ્રેષ્ઠ પ્રયત્ને-રીતે પાર પાડવા તમારી જાતને કેવળી છે? આ સુટેવ તમારાં શક્તિ-બળમાં અનહદ વૃદ્ધિ કરી દેશે. જ્યારે તમારા કાર્યની ગુણવત્તા સુધરે એટલે એને પગલે પગલે દેખીતી રીતે તમારા વ્યક્તિત્વમાં સુધારણા પણ થશે.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.