ભારત માટે રાષ્ટ્રીય સંગઠનનો અર્થ તેની વેરવિખેર પડેલી આધ્યાત્મિક શક્તિઓનું એકત્રીકરણ છે. ભારત માટે રાષ્ટ્રીય સંગઠન એટલે જેમનાં હૃદયો એકસમાન આધ્યાત્મિક સૂર સાથે તાલ મિલાવીને ધબકતાં હોય તેવાઓનું સંગઠન. આ દેશમાં અનેકાનેક સંપ્રદાયો થઈ ગયા છે; અત્યારે પણ પુષ્કળ સંપ્રદાયો છે અને ભવિષ્યમાં પણ પૂરતા પ્રમાણમાં થશે. એટલે સંપ્રદાયો તો અહીં અવશ્ય રહેવાના જ. માત્ર જે ન રહેવા જોઈએ તે છે સંપ્રદાયિક ઝઘડાઓ. સંપ્રદાયો જોઈએ, પણ સાંપ્રદાયિકતાની જરૂર નથી. સાંપ્રદાયિકતા દુનિયાને માટે સારી નથી, જોકે સંપ્રદાયો વિના દુનિયા આગળ ચાલી જ ન શકે. એક જ ઢાળાના મનુષ્યો સર્વ કંઈ ન કરી શકે. આધ્યાત્મિક શક્તિના ઉપયોગ માટે સંપ્રદાયો ભલે રહે; પરંતુ જ્યારે આપણાં પ્રાચીનમાં પ્રાચીન પુસ્તકો પોકારે છે કે આ ભિન્નતા માત્ર ઉપરછલ્લી છે, આ બધા ભેદો હોવા છતાં એ બધાની આરપાર સમન્વયનો, સુંદર ઐક્યનો એક દોરો પરોવાઈ રહેલો છે, ત્યારે આપણે ઝઘડવાની કશી જરૂર ખરી? આપણા પ્રાચીન ગ્રંથોએ પોકારીને કહ્યું છે: ‘एकं सद् विप्रा बहुधा वदन्ति’ — ‘સત્ એક જ છે, ઋષિઓ તેને જુદે જુદે નામે બોલાવે છે.’ એવા કેટલાક મહાન સિદ્ધાંતો છે કે જેમાં, મારા ધારવા મુજબ આપણે વૈષ્ણવ હોઈએ કે શૈવ હોઈએ, શાક્ત હોઈએ કે ગણપતિના ઉપાસકો હોઈએ, પ્રાચીન વેદાંત મતને માનનારા હોઈએ કે અર્વાચીનને અનુસરનારા હોઈએ, પુરાણા જડવાદના અનુયાયીઓ હોઈએ કે આધુનિક સુધારેલા જડવાદના અનુયાયીઓ હોઈએ – આપણે બધા એક છીએ; જે કોઈ પોતાને હિંદુ કહેવડાવતો હોય, તે આ સિદ્ધાંતોમાં માને છે. સંભવ છે કે અહીં હાજર રહેનારા બધા પહેલા મુદ્દા પરત્વે એકમત થશો કે આપણે વેદોને ધર્મનાં રહસ્યોના સનાતન ઉપદેશ તરીકે માનીએ છીએ. આપણે બધા માનીએ છીએ કે આ પવિત્ર સાહિત્ય પ્રકૃતિની પેઠે જ અનાદિ અને અનંત છે; આપણને એ કબૂલ છે કે એ પવિત્ર ગ્રંથોની સમક્ષ આપણા બધા ધાર્મિક મતભેદો, આપણા બધા ધાર્મિક વિખવાદો અટકવા જોઈએ; આપણા બધા આધ્યાત્મિક મતભેદો માટે આખરી સદરઅદાલત, અપીલકોર્ટ, આ છે, એ બાબતમાં પણ આપણે સૌ એકમત છીએ. વેદો શું છે એ બાબતમાં આપણે જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ ભલે લઈએ. એમ બને કે કોઈ સંપ્રદાય એવો હોય કે એના અમુક વિભાગને બીજા કરતાં વધુ પવિત્ર માનતો હોય. પરંતુ જ્યાં સુધી આપણે કહીએ છીએ કે વેદોના પ્રામાણ્યની બાબતમાં આપણે બધા ભાઈઓ જ છીએ, અને આ આદરણીય, સનાતન, અદ્‌ભુત વેદોમાંથી આપણી પાસે આજે જે કંઈ સારું, શુદ્ધ અને શુભ છે તે બધું તેમાંથી આવેલું છે, ત્યાં સુધી ખાસ કાંઈ વાંધા જેવું નથી. વારુ ત્યારે જો આપણે બધામાં માનતા હોઈએ તો સૌથી પ્રથમ આ સિદ્ધાંતનો દેશના ચારે ખૂણે, એક છેડાથી બીજા છેડા સુધી વ્યાપક રીતે પ્રચાર થવા દો. આટલું સાચું હોય તો, સર્વથા યોગ્ય અને આપણે બધા જેને માનીએ છીએ તેને પ્રાધાન્ય આપો. એટલે સૌથી પહેલાં આવે વેદો.

– સ્વામી વિવેકાનંદ

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ-૪, પૃષ્ઠ : ૨૩૩-૩૪)

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.