सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै:
यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः ।
वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः
स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।।

‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર ધ્વનિ દ્વારા તેમજ મોહરૂપી અંધકારને ભેદી નાખનાર સુવ્યવસ્થિત વેદાન્ત સત્રો દ્વારા જેની સ્તુતિ કરાઈ છે, જેનું કીર્તન કરાયેલું છે, તે રામકૃષ્ણને હું સતત ભજું છું.’

શ્રીરામકૃષ્ણ વિશે સ્વામી વિવેકાનંદે રચેલો આ શ્લોક આપણને તેમને થયેલા એક અદ્ભુત દર્શનની યાદ અપાવે છે. એક સંધ્યાકાળે પંજાબની પથરાળ રેતકેડી ઓળંગતા તેમણે જોયું:

‘આર્યો સિંધુએ પહોંચ્યા તે યુગની એક સંધ્યા હતી. એ મહાનદી તટે એક વૃદ્ધને મેં બેઠેલો જોયો. અંધકારના ઓળા એક પછી એક એની ઉપર ઊતરતા હતા અને એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરતો હતો. પછી હું જાગ્યો અને ઋચાગાન કરવા લાગ્યો. અમારા પ્રાચીન સ્વરો એ જ હતા.’ એ આગળ કહેવા લાગ્યાઃ ‘વેદોનો-રાષ્ટ્રનો સંગીત લય શંકરાચાર્યે બરાબર પકડ્યો હતો. હું સદા કલ્પના કરું છું કે એ યુવાન હતા ત્યારે એમને પણ મારા જેવું દર્શન થયેલું અને પ્રાચીનગાન એ રીતે એમણે પુનઃ પ્રાપ્ત કર્યું. વેદો અને ઉપનિષદોના ધબકાર સિવાય એમનું જીવનકાર્ય બીજું કશું નથી.’ ૧ એ જ રીતે ભગિની નિવેદિતાએ પણ એમના ગુરુદેવ સ્વામી વિવેકાનંદની રચનાઓના સંગીતના લયને પકડવાનો પ્રયાસ કર્યો છે.

સ્વામી વિવેકાનંદની અંગ્રેજી ગ્રંથમાળાની ભૂમિકામાં તેઓ લખે છેઃ ‘… શાસ્ત્રો, ગુરુ અને માતૃભૂમિ, એ છે ત્રણ સૂરો કે જેના સંમિલનથી સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું સંગીત તૈયાર થાય છે.’૨

શ્રીરામકૃષ્ણદેવને કેન્દ્રમાં રાખીને આપણા સનાતન વૈદિક ધર્મના પુનરુત્થાન દ્વારા આ પૂણ્ય આર્યાવર્તની ભવ્ય પુનઃપ્રતિષ્ઠાના આયોજનની આર્ષદૃષ્ટિ સ્વામીજીએ સેવી હતી. પછી આ જ રીતે આ પુનરુત્થિત શાશ્વત વિશ્વધર્મ દિવાદાંડીરૂપ બનીને સમગ્ર જગતને ઉજાળશે. સ્વામી વિવેકાનંદ તેમના ‘હિંદુધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના સૂત્રાત્મક લેખમાં આ નવવિધાનના વિરાટ આયોજન અને વ્યાપને તેમની પયગંબરી દૃષ્ટિથી ચિત્રિત કરે છે. આ લેખમાં તેમણે શ્રીરામકૃષ્ણના અગાધ જીવનનો સનાતન વૈદિક ધર્મ સાથેનો નિગૂઢ સંબંધ ઉદ્ઘાટિત કર્યો છે. શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદ સ્વામી શારદાનંદજીએ તેમના મહાન ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના શુભારંભના પ્રેરણાસ્રોત તરીકે સ્વામીજીના આ સૂત્રાત્મક લેખને જ પ્રમાણ્યો હતો.

આ અને આના પછીના સંપાદકીય લેખોમાં આપણે સ્વામી વિવેકાનંદના આ સૂત્રાત્મક લેખની ધારાવાહિક વિવેચના કરવાનો પ્રયાસ કરીશું.

આપણાં શાસ્ત્રો-વેદ

સ્વામી વિવેકાનંદ તેમના લેખના પ્રારંભમાં કહે છેઃ ‘શાસ્ત્ર’ એ શબ્દનો અર્થ અનાદિ, અનંત ‘વેદ’ એવો થાય છે. ધાર્મિક કર્તવ્યની બાબતોમાં વેદ જ એકમાત્ર સબળ પ્રમાણ છે.’

વેદની શાશ્વતતા વિષે બે મંતવ્યો જાણવાં મળે છે. એક મત એવો છે કે ધર્મ અને બ્રહ્મ વિશે આપણા જ્ઞાનનો મૂળ સ્રોત વેદો જ છે તેમ જ શબ્દ અને તેના અર્થ વચ્ચેનો સંબંધ પણ શાશ્વત છે. તેથી વેદો શાબ્દિક રીતે અને સૈદ્ધાન્તિક રીતે – બન્ને રીતે શાશ્વત છે. સાયણાચાર્ય તેમના ઋગ્વેદ પરના ભાષ્યમાં લખે છે કે: ‘सकलदेवतानां धर्मस्य परब्रह्मतत्त्वस्य च प्रतिपादकं वेदम्‌ ।’ એટલે કે, ‘બધા દેવતાઓ, ધર્મ અને પરબ્રહ્મતત્ત્વનું એક માત્ર પ્રતિપાદક વેદ જ છે.’ મિમાંસા સૂત્ર (૧.૧.૧૮) વેદોના શબ્દોની શાશ્વતતાને સ્થાપિત કરે છે.

બીજો મત એવો છે કે વેદોમાં પ્રતિપાદિત અલૌકિક અને આધ્યાત્મિક સિદ્ધાંતો જ શાશ્વત છે અને એના શબ્દો શાશ્વત નથી કારણ કે તે તો આત્મસાક્ષાત્કારી ઋષિઓ અને આપ્તપુરુષોએ રચેલી કૃતિઓ છે. સ્વામી વિવેકાનંદ આ બીજા મતનું સમર્થન કરે છે. તેમણે શિકાગો ધર્મ મહાસભામાં વાંચેલા ‘હિંદુ ધર્મ વિશે નિબંધ’માં કહ્યું છેઃ

‘હિંદુઓ માને છે કે, પોતાનો આ ધર્મ, અપૌરુષેય એટલે કે અનાદિ અને અનંત એવા વેદમાંથી પ્રાપ્ત થયો છે. કોઈ પણ ગ્રંથ આદિ કે અંત વગરનો હોઈ શકે એવો દાવો આજના આ સભાગૃહને હાસ્યાસ્પદ લાગશે. પણ ‘વેદ’ એવો શબ્દ આપણે ઉચ્ચારીએ છીએ ત્યારે એ કોઈ ગ્રંથ છે એવો અર્થ થતો નથી. ‘વેદ’ એટલે જુદા જુદા સમયે જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કિંમતી સંગ્રહ. જેવી રીતે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ થઈ ત્યાર પહેલાં પણ એ નિયમ અસ્તિત્વમાં હતો, માત્ર એની જાણ ન હતી, અને સર્વ માનવજાત એ ગુરુત્વાકર્ષણના નિયમને ભૂલી જશે તોપણ એ અસ્તિત્વમાં રહેવાનો છે, તેવી જ રીતે આધ્યાત્મિક વિશ્વને શાસનમાં રાખતા નિયમો વિશે સમજવાનું છે. આત્મા અને આત્મા વચ્ચેના, તેમજ જીવ અને ઈશ્વર વચ્ચેના નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક સંબંધો, એ બધા શોધાયા ત્યાર પહેલાંના અસ્તિત્વમાં છે; અને આપણે કદાચ એ બધાને ભૂલી જઈએ તોપણ અસ્તિત્વમાં રહેવાના છે.’૩

ઉપલા બંને મતોમાંથી ગમે તે મત ગ્રાહ્ય હોય તો પણ એટલું તો ચોક્કસ છે કે આ બંને મતોનું સામાન્ય તત્ત્વ એ છે કે આ બંને મતોમાંથી કોઈ એકનું પ્રતિપાદન કરનાર આપણા શ્રુતિ, સ્મૃતિ, પુરાણ આદિ બધા શાસ્ત્રો એકી અવાજે વેદોનું સર્વશ્રેષ્ઠ પ્રામાણ્ય સ્વીકારે જ છે.

દાખલા તરીકે પુરુષસૂક્ત કહે છે:

तस्माद्यज्ञात्सर्वहुतः । ऋचः सामानि जज्ञिरे ।
छन्दाग्सि जज्ञिरे तस्मात् । यजुस्तस्मादजायत ।।

(તૈત્તિરીયારણ્યક : ૩.૪)

‘તે સર્વહુત યજ્ઞમાંથી ઋચઃ (ઋગ્વેદ), અને સામવેદ જન્મ્યા. તેમાંથી ગાયત્રી જેવા છંદો તેમજ યજુર્વેદનો જન્મ થયો.’

શ્વેતાશ્વતરોપનિષદ (૬.૧૮)માં કહ્યું છેઃ

यो ब्रह्माणं विदधाति पूर्व
यो वै वेदांश्च प्रहिणोति तस्मै ।
तं ह देव आत्मबुद्धिप्रकाशं
मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॥

‘જેમણે પહેલા બ્રહ્માને ઉત્પન્ન કર્યા અને તેમને વેદો આપ્યા તે આત્મબુદ્ધિના પ્રકાશક દેવને, મુમુક્ષુ એવો હું શરણે જાઉં છું.’

બૃહદારણ્યક ઉપનિષદ (૨.૪.૧૦) પણ કહે છે:

स यथार्द्रैधाग्नेरभ्याहितात्पृथग्धूमा विनिश्चरन्ति, एवं वा अरेऽस्य महतो भूतस्य नि:श्वसितमेतद्यदृग्वेदो यजुर्वेद: सामवेदोऽथर्वाडिगरस हतिहास: पुराणं विद्या उपनिषद: श्लोका: सूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानि; अस्यैवैतानि नि:श्वसितानी।

ભીના લાકડામાં સળગાવેલા અગ્નિમાંથી જેવી રીતે ધૂમાડો નીકળે છે તેવી જ રીતે હે (મૈત્રેયી) આ અનંત સત્ તત્ત્વના નિઃશ્વાસમાંથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઈતિહાસ, પુરાણ, વિદ્યા, ઉપનિષદ્, મંત્રો, સૂત્રો તેમની વ્યાખ્યા સહિત ઉદ્ભવે છે.

બ્રહ્મસૂત્ર (૧.૧.૩) ‘शास्त्र योनित्वात्‌’ એ સૂત્ર દ્વારા બ્રહ્મ જ વેદોનું ઉત્પત્તિ સ્થાન છે એમ કહેવામાં આવ્યું છે.

ભાગવત પુરાણ (૧.૧. ૧) પણ વેદો વિશે કહે છે:

जन्माद्यस्य यतोऽन्वयादितरतश्वार्थेष्वभिज्ञः स्वराट् ।
तेने ब्रह्म ह्रदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः ।।

‘જેમાંથી આ વિશ્વ આવ્યું છે, જેના આધારે એ ટકી રહ્યું છે અને જેમાં એ પાછું વળે છે. એ અજન્મા પરમ પુરુષે જ માનસિક રીતે આદિકવિ બ્રહ્માને આ વેદો આપ્યા છે.’

આ જ રીતે જોઈએ તો બૌદ્ધ અને જૈન દર્શનોની જ્ઞાનસંપત્તિ પણ પરોક્ષ યા અપરોક્ષ રીતે વેદોમાંથી નિપજી છે. એમ કહી શકાય. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદનો આ મત હતો કે બધા ધાર્મિક વિષયોને સંબંધ છે ત્યાં સુધી વેદો પ્રાચીનતમ અને પૂર્ણ હોવાને કારણે એકમાત્ર શ્રેષ્ઠ પ્રમાણ છે. તેઓ કહે છેઃ

‘ઈશ્વર સંબંધી બીજા બધા ખ્યાલો, કે જે સત્ય સ્વરૂપ નિર્વિશેષ ઈશ્વરનાં માત્ર સંક્ષિપ્ત અને સીમિત દૃશ્યો છે, તે નિર્વિશેષ ઈશ્વરનો ઉપદેશ આપનારું એકમાત્ર શાસ્ત્ર છે વેદ. સર્વલોકહિતૈષિણી (સર્વ લોકોનું ભલું ઇચ્છનારી) શ્રુતિ ભક્તને હળવે હળવે હાથ પકડીને એક ભૂમિકાએથી બીજી ભૂમિકાએ દોરતી દોરતી, નિર્વિશેષ બ્રહ્મસ્વરૂપે પહોંચવા માટે આવશ્યક એવી સર્વ ભૂમિકાઓમાંથી પસાર કરાવે છે અને વિશ્વના બીજા બધા ધર્મો પ્રગતિરહિત અને જડ, ગઠ્ઠા બંધાઈ ગયેલારૂપે આમાંની એક કે બીજી ભૂમિકા દર્શાવતા હોવાને લીધે, નામરહિત, અસીમ, સનાતન વૈદિક ધર્મની અંદર સમાયેલા છે.’ ૪

વેદના સ્વરૂપ અને એના અપૌરુષેયત્વ વિશે પુરાણકારોનો તો એવો મત છે કે સર્વપ્રથમ સૃષ્ટિકર્તા બ્રહ્મા સમક્ષ સર્વ વેદો પ્રકાશિત થયા અને એની પરિણતિ રૂપે આ જગત ઉત્પન્ન થયું. પરંતુ આ મતની ચર્ચા અહીં અપ્રાસંગિક છે. અહીં તો આપણે વેદોનો પરિચય સંક્ષિપ્ત રૂપે આપવાનો પ્રયાસ કરીશું.૫ કઠોપનિષદમાં યમ નચિકેતાને કહે છે:

सर्वे वेदा यत्पदमामनन्ति
तपांसि सर्वाणि च यद्वदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं संग्रहेण ब्रवीम्योमित्येत्‌ ॥

(૧.૨.૧૫)

‘બધા વેદો જે પરમપદની પ્રશંસા કરે છે; બધી તપશ્ચર્યાઓ (ઉપાસનાઓ) જેને પ્રાપ્ત કરવા માટે જ છે, અને જેને પામવા માટે સાધકો બ્રહ્મચર્યનું પાલન કરે છે તે પદને હું સંક્ષેપથી તને કહું છું, તે ‘ૐ’ છે.’

તો આનો અર્થ એ થાય છે કે બ્રહ્મ જ એ પરમપદ છે અને પ્રણવ (ૐ) તેનું પ્રતીક છે. આ બ્રહ્મનું નિરૂપણ કેવળ સ્વયં બ્રહ્મ જ કરી શકે અન્ય કોઈ નહીં. એટલે જ શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે, ‘બ્રહ્મ કદી એઠું થતું નથી.’ બ્રહ્મ સિવાય આ જગતમાં બધું જ એઠું જૂઠું છે – શબ્દો દ્વારા વર્ણવી શકાય છે, પણ બ્રહ્મ શબ્દો દ્વારા વર્ણવી શકાતું નથી. એટલે વેદ શબ્દ બ્રહ્મનો જ પર્યાયવાચી માનવો પડે, એ સિવાય કોઈ છૂટકો નથી.

બ્રહ્મ અથવા બ્રહ્મજ્ઞાન જ વેદ શબ્દનો મુખ્ય અર્થ છે. અને આ જ અર્થમાં વેદો અપૌરુષેય છે કારણ તે દેશ અને કાળથી મર્યાદિત નથી. વેદોનો શબ્દદેહ તો વેદોનો ગૌણ અર્થ છે. વાક્શક્તિ અને મંત્રદૃષ્ટત્વરૂપનો આશ્રય લઈને જ્યારે અપૌરુષેય અને અશરીરી વેદ આત્મપ્રકાશ કરે છે ત્યારે તે આ ગૌણાર્થક શબ્દરાશિ વેદ રૂપે વ્યક્ત થાય છે.

મુખ્ય વેદ સ્વયં બ્રહ્મ હોવા છતાં એના શબ્દદેહને અથવા ગૌણવેદને પણ એના સાર અને પ્રતિક રૂપે ઉદ્‌ગીથ વા પ્રણવને પણ શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે.

શ્રુતિ અને સ્મૃતિ

સ્વામી વિવેકાનંદ આગળ લખે છેઃ ‘પુરાણો અને બીજા બધા ધાર્મિક ગ્રંથોને ‘સ્મૃતિ’ શબ્દથી ઓળખવવામાં આવે છે, અને જ્યાં સુધી તેઓ વેદને અનુસરે અને તેનાથી વિરુદ્ધ ન જાય ત્યાં સુધી તેઓ પ્રમાણ ગણાય છે.’

સત્યયુગથી માંડીને દ્વાપરના અંત સુધી વેદોનો શબ્દરાશિ અત્યારે મળે છે તેવા સ્વરૂપમાં ઉપલબ્ધ ન હતો. આ સુદીર્ઘકાળ દરમ્યાન જુદા જુદા મંત્રદ્રષ્ટા ઋષિઓ દ્વારા નવા નવા મંત્રો વેદરાશિમાં ભળતા ગયા. તે પ્રાચીનકાળમાં આ મંત્રદ્રષ્ટત્વનો સહુને સર્વસ્વીકૃત પરિચય હતો. આ મંત્રોનો મંત્રદ્રષ્ટા ઋષિઓ શિષ્યપરંપરા દ્વારા વેદોનો પ્રચાર અને તેનું સંરક્ષણ કરતા. આ રીતે વિવિધ ઋષિસંપ્રદાયોમાં વિભક્ત થઈને આ વેદો પ્રચલિત હતા. પછી કલિયુગના પ્રારંભમાં જ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે વેદનું સંકલન કાર્ય કર્યું. તેમણે તત્કાલીન પ્રચલિત વેદરાશિનો સંગ્રહ કરીને તેને સંહિતા-બ્રાહ્મણ સહિત ચાર ભાગોમાં વહેંચ્યાં. તે છે ઋક્‌, યજુ:, સામ અને અથર્વ, અને તેના સંરક્ષણ અને પ્રચલનનો ભાર તેમના ચાર શિષ્યોને સોંપ્યો.

એ જમાનામાં યજ્ઞાદિ કાર્યોની વચ્ચે વચ્ચે પુરાણકથાઓ ગાવાનો રિવાજ હતો અને એ રીતે વિવિધ પુરાણોનો વિવિધ સ્થળોએ વિવિધ સંપ્રાદાયાનુસા૨ી પુરાણકથાઓનો પ્રચાર પ્રસાર થતો. આ બધી પ્રચલિત કથાઓનો સંગ્રહ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયને અઢાર પુરાણો અને ઇતિહાસ આકારે નવી રીતે પ્રસ્થાપન કર્યાં. આ રીતે પુરાણ-ઇતિહાસ,વગેરે વિવિધ શિષ્યસંપ્રદાયોના માધ્યમથી પ્રસરિત થયા.

વેદોના આ સારરૂપ આ પુરાણો અને ઇતિહાસ, વગેરેને જ ‘સ્મૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. આ સ્મૃતિઓનું કર્તૃત્વ કોઈ પુરુષનું હોવાને કારણે તે ‘પૌરુષેય’ છે. પરંતુ આ પુરાણ – ઇતિહાસ, વગેરે વેદોના સત્યનું જ સમર્થન કરે છે. અને જ્યાં ક્યાંય પણ વેદના સત્યથી પુરાણના સત્ય અલગ પડતા હોય કે વિરુદ્ધ જતા હોય ત્યાં તેનો સ્વીકાર ન કરવો એ વાતમાં સૌ સંમત છે.

એક શુભાષિતમાં કહ્યું છે કે :

‘ઇતિહાસપુરાણાભ્યાં વેદં સમુપબૃંહયેતૂ’ અર્થાત્ ઇતિહાસ અને પુરાણો દ્વારા વેદના સત્યનું જ સમર્થન થવું જોઈએ તો જ તે ગ્રાહ્ય છે.

આપણાં શાસ્ત્રો વિશે સ્વામીજીના અભિપ્રાયની ચર્ચા કર્યા પછી હવે પછીના લેખમાં બે પ્રકારનાં સત્ય – લૌકિક અને અલૌકિક (અતીન્દ્રિય) સત્ય વિશે ચર્ચા કરીશું.

(ક્રમશ:)

સંદર્ભ

૧. (કંપ્લીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ – વૉ.૯, પૃ.૩૬૧)
૨. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ : ૩, ઉપોદ્‌ઘાત, પૃ.૧૩)
૩. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ : ૩, પૃ. ૩)
૪. (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ : ૫, પૃ.૨૭૧)
૫. (સ્વામી પ્રજ્ઞાનંદ રચિત ‘ભારતર સાધના’ પૃ.૧૮, ઉદ્‌બોધન કાર્યાલય, માર્ચ ૧૯૮૬)

Total Views: 226

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.