(ગતાંકથી આગળ)

સર જેય્‌મ્સ જીન્સ કહે છે:

‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર પરિમાણી અખંડિતતા સાથે એને લાગે વળગે છે અને તેમાં, આપણે જેમને ‘સ્થલ-કાલ’ તરીકે ઓળખીએ છીએ તે રૂપમાં અભિન્નરૂપે જોડાય છે. આપણાં માનવીય ચશ્માં એનું સ્થલમાં અને કાલમાં વિભાજન કરે છે  અને એમની વચ્ચે એક ખોટો ભેદ ઊભો કરે છે; દૂષિત કાચવાળાં ચશ્માં પહેરવાથી, સામાન્ય દૃષ્ટિવાળા માણસનું દૃષ્ટિક્ષેત્ર ઊભું અને આડું થઈ જાય છે, તેના જેવું આ છે. પછી, એ બે દિશાઓ વચ્ચે એને ખોટો ભેદ દેખાય છે. દૂષિત કાચવાળાં ચશ્માં ચડાવી એક તરફ માથું ઢાળી, આપણી સામેના દૃશ્યને આપણે, પોતાની મેળે પુન: ગોઠવાતું જોતા હોઈએ એમ લાગે છે. પણ આપણે જાણીએ છીએ કે, દૃશ્યમાંના પદાર્થો કશું પરિવર્તન પામ્યા નથી. એ પરલક્ષી છે; આપણાં ચશ્માંમાંથી થતું આપણું દર્શન આત્મલક્ષી છે.’

આ દૃષ્ટિએ આપણા અનુભવની કોઈ ઘટના કે વસ્તુની વ્યાખ્યા આપવી એટલે, સ્થલ-કાલની અખંડિતતામાં એની વ્યાખ્યા આપવી; એમાં બધા પદાર્થો અને બધાં અસ્તિત્વો ઘટનાઓનું રૂપ ધારણ કરે છે. અને, આજના વિજ્ઞાનની ભાષામાં, ઘટના એ સ્થલ-કાલનો આકાર છે. સાચા પદાર્થો અને સાચી ઘટનાઓની વ્યાખ્યામાં સંદર્ભ બિન્દુઓ હતાં તે સ્થલ અને કાલ, હવે, સ્થલ-કાલનું એકમાત્ર સત્ય થઈ જાય છે અને, બધાં પ્રાણીઓને, પદાર્થોને અને ઘટનાઓને પોતાનાં પસાર થતાં, બદલાતાં રૂપોમાં ગાળી નાખે છે.

આમ, જે સનાતન છે, આધ્યાત્મિક છે અને અનંત છે, જે બધાં સાન્ત અસ્તિત્વોની ભીતર છે અને પાર છે તેની આપણી વિભાવનાની નજીકમાં નજીક આવતી સ્થલ-કાલની આ વિભાવના છે. ઇશ ઉપનિષદના આ શ્લોકોમાં આત્મા વર્ણવાયેલો છે લગભગ તે જ ભાષામાં, અર્વાચીન વિજ્ઞાન સ્થલ-કાલને વર્ણવે છે. એ દરેકની અંદર છે, એ દરેકની બહાર છે. એ ચાલે છે અને એ નથી ચાલતો; એ એક અને અવિભાજ્ય છે પણ, ઇન્દ્રિયાનુભૂતિના જગતની બદલાતી ઘટનાઓ વડે એ વિભાજિત છે.

મન કરતાં વધારે વેગવાન

આ બે શ્લોકોમાં સ્પષ્ટ રીતે મંડાયેલો ઉપનિષદોનો કેન્દ્રીય વિચાર એ છે કે આત્મા એક છે અને એ સર્વવ્યાપી છે. અનેકને ધારણ કરતો, અનેકની પાછળ રહેલો એ એક છે. મને આત્મા છે, તમને આત્મા છે અને દરેક વ્યક્તિને જુદો આત્મા છે એવું નથી. આ આપણો સામાન્ય બુદ્ધિનો ખ્યાલ છે પણ, ઉપનિષદો કહે છે કે, દર્શનશાસ્ત્રની કસોટીમાં એ ટકી શકે એમ નથી. અને બૌદ્ધો પણ એ જ વાત કરે છે. ઝીણવટથી જોતાં બધાં ભિન્ન અસ્તિત્વો કેવળ ખ્યાલો બની જાય છે અને તેથી, અસ્તિત્વહીન બની જઈ આત્માનું એકત્વ પ્રગટ કરે છે. દેહની અને ઇન્દ્રિયોની મર્યાદાઓમાંથી જોતાં એ અનેક તરીકે દેખાય છે. અનંત અને સર્વવ્યાપી હોઈ, એ હાલતું ચાલતું નથી; પણ, જીન્સના કહેવા મુજબ, ‘માનવીય ચશ્માં’માંથી નિહાળતાં, ગતિમાન મન અને ઇન્દ્રિયોના સંયોગમાં તે ચાલતું દેખાય છે. પછી એ મનસો જવીયો, ‘મન કરતાં વધારે વેગવાન’ છે. ‘એ ગતિહીન છે અને તે છતાં, એ મનથી વધારે વેગવાન છે.’

આપણામાંથી કેટલાક આ કથનને વિરોધવાચક અને તેથી નિરર્થક ગણી લક્ષમાં લેશે નહીં. એક વસ્તુ ગતિહીન છે અને તે છતાં તે મનથી વધારે વેગવાન છે એમ કહેવું તે તદ્દન અતાર્કિક છે. પણ પ્રકૃતિ એવી છે કે જેમ જેમ આપણે ઊંડાં ઊતરીશું તેમ તેમ, વધારે ને વધારે આવી અતાર્કિકતાઓ પ્રગટ થશે. હકીકતમાં, સત્યનાં ઊંડાણ આપણે માપી શકીએ તે માટે, તર્કશાસ્ત્ર ઘણું નબળું સાધન છે. તર્કશાસ્ત્ર બે અને બેનો સરવાળો કરી શકે પણ, પ્રથમ આપણી પાસે બે અને બે તો હોવા જોઈએ! પ્રથમ હકીકત, પછી તર્કશાસ્ત્ર. અને તર્કશાસ્ત્ર સાથે હકીકતનો મેળ ન બેસતો હોય તો, તર્કશાસ્ત્રે જવું જોઈએ. તર્કશાસ્ત્ર સારો સેવક છે અને તે પણ, મર્યાદિત વિશેષ કાર્ય માટે જ પણ એ ખરાબ ધણી છે. એકરૂપતા, અવિરોધ, કાર્યકારણ સંબંધ, ઇત્યાદિ, વિચારણાના નિયમો સાથે અને તેમના દ્વારા તર્કશાસ્ત્ર કામ કરે છે. આપણા ઇન્દ્રિયાનુભૂતિના જગતને વ્યવસ્થિત કરવામાં તર્કશાસ્ત્રના નિયમો કામ આવે છે; પણ, અનુભૂતિની ઊંડેરી સપાટીએ એ નિયમો નાકામિયાબ નીવડે છે. ભૌતિક વિશ્વના વીજાણુઓ અને પ્રોટોન કક્ષાએ પણ એ ચાલી શકતા નથી. મનની કક્ષાએ એ નિયમો લગભગ નાકામિયાબ નીવડે છે અને, આત્માની કક્ષાએ એ પૂરા નકામા છે.

ઇન્દ્રિયો અને મન આત્માને આંબી શકે નહીં કારણ, એ બેઉ કરતાં આત્મા વધારે વેગવાન છે એ વાત આ શ્લોકમાં બહુ સુંદર રીતે કહેવાઈ છે. અહીં આપણી સમક્ષ એક ગહન વિરોધાભાસ ખડો થાય છે; વીજાણુને અણુ તરીકે અને તરંગ તરીકે રજૂ કરી આજનું અણુ-ભૌતિકશાસ્ત્ર પણ આવો જ વિરોધાભાસ રજૂ કરે છે. આત્મા ગતિહીન છે. સદા અચલ છે છતાં, બધાં દોડનારાંઓથી તે આગળ નીકળી જાય છે. આ ભાષા આપણને એલિસ ઈન વંડરલેન્ડની યાદ આપે છે. એલિસ અને રાણી હાથમાં હાથ ઝાલીને દોડતાં હતાં અને, વધારે ને વધારે એવી ઝડપથી દોડતાં હતાં કે એ હવામાં તરતાં હોય તેમ લાગતું હતું. પરંતુ એ દોડતાં અટકી ગયાં ત્યારે, હાંફતાં હાંફતાં એમણે જોયું કે, પોતે દોડવાનું શરૂ કર્યું હતું ત્યાં જ તેઓ હતાં. અને લાલ રાણીએ ખુલાસો કર્યો કે : ‘આ લો, તમે દોડી શકો એટલું દોડો ત્યારે જ તમે મૂળ જગ્યાએ રહી શકો છો.’

આમ આત્મા મનના કરતાં વધારે વેગવાન છે અને તે છતાં, એ અચલ છે. ઇન્દ્રિયો વેગવાન છે તે છતાં, તેઓ આત્માને આંબી શકતી નથી. આપણે હવે જાણીએ છીએ તે પ્રમાણે, ઈન્દ્રિયો જ્ઞાનતંતુ-આવેગની પરિભાષામાં કાર્ય કરે છે. ભૌતિક વિશ્વમાં, પ્રકાશને સૌથી વેગવાન માનવામાં આવે છે. પ્રકાશના વેગને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત વેગની હદ માને છે. અને છતાંય, મન અથવા વિચાર પ્રકાશ કરતાંયે વધારે વેગવાન છે. ઈન્દ્રિયો પણ ઘણી ઝડપથી ચાલતી જણાય છે. પણ જેવો શરીરનો એક ભાગ કોઈ બાહ્ય પદાર્થના સંપર્કમાં આવે છે ત્યારે, શરીરના એ ભાગમાંથી મગજને એક સંવેગ પહોંચાડવામાં આવે છે. સંઘાતની ક્ષણ અને એનો સંદેશ મગજને મળે તે ક્ષણ વચ્ચે આશરે .૦૧ સેંકડનો નાનો સમયગાળો હોય છે. પરંતુ આ કંઈ બહુ ઝડપી બાબત નથી; જેટ વિમાનની ઝડપના કરતાં આ ઝડપ ઓછી છે. પણ જ્ઞાનતંતુના સંવેગ કરતાં વિચાર વધારે સૂક્ષ્મ છે, પ્રકાશ કરતાંયે સૂક્ષ્મ છે અને, એ બંનેના કરતાં વધારે વેગવાન છે. ભૌતિકશાસ્ત્રના સ્થલ-કાલના અખંડમાં ધીમી કે ઝડપી, બધી ગતિ કેવળ આકાર છે તેમ, મનુષ્યનો આત્મા સર્વવ્યાપી છે અને, વિશ્વની બધી ઊર્જા પાછળની અનંત ભૂમિકા છે. વિશુદ્ધ અસ્તિત્વ અને વિશુદ્ધ ચેતના તરીકે, ભાવાત્મક અને નકારાત્મક મનની આગળ આત્મા નીકળી જાય છે. આ શ્લોક પરની પોતાની ઓજસ્વી ટીકામાં શ્રીશંકરાચાર્ય કહે છે:

તસ્મિન્ મનસિ બ્રહ્મલોકાદીન્ દ્રુતં ગચ્છતિ સતિ, પ્રથમ પ્રાપ્ત ઇવ
આત્મચૈતન્યાભાસો ગૃહ્યતે ; અતો મનસો જવીય ઇત્યાહ —

‘બ્રહ્મલોક જેવાં દૂરનાં વિશ્વોમાં મન વેગથી ભ્રમણે ચડે છે ત્યારે, એને જણાય છે કે વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવ આત્મા તેની પહેલાં ત્યાં પહોંચી ગયેલો છે; એટલે, એ મન કરતાં વધારે વેગવાન છે. તે કથન;

તત્ ત્વમ્ અસિ —

છાન્દોગ્ય ઉપનિષદ (૬.૮.૭ થી ૬.૧૬.૩)માં ગુરુ શિષ્યને ફરી ફરી કહે છે કે, સમસ્ત બ્રહ્માંડ પિંડમાં કેન્દ્રિત છે;

સ ય એષો અણિમા, ઐતત્ આત્મ્યમિદં સર્વમ્ ;
તત્ સત્યં, સ આત્મા, તત્ ત્વં અસિ, શ્વેતકેતો —

‘વિશ્વમાંના દરેક પદાર્થમાં અણિમા — સૂક્ષ્મ — રૂપે આ પરમ તત્ત્વ રહેલું છે; એ સત્ય છે, એ આત્મા છે. હે શ્વેતકેતુ, તે તું છે.’

ઈશ ઉપનિષદનો ચોથો અને પાંચમો શ્લોક આપણને એ જ સંદેશ આપે છે. બ્રહ્માંડની બધી પ્રવૃત્તિઓને આ આત્મા ધારણ કરે છે; પ્રકૃતિનાં બધાં પરિબળો જેમાં કેન્દ્રિત થયાં છે તે બ્રહ્માંડ-ઊર્જા આત્માની પોતાનામાં ક્રીડાનો અતિ ક્ષુદ્ર ભાગ છે. પ્રકૃતિમાં તો એ સનાતન અચલ છે અને પ્રકૃતિના બધા ગતિવ્યાપારોને અંકુશમાં રાખે છે. ફરી ફરીને કઠઉપનિષદ આત્મા વિશે કહે છે (૪.૯):

તદ્ ઉ નાત્યેતિ કશ્ચન. એતત્ વૈતત્ —

‘આ તે છે જેનાથી મોટું કશું નથી કે જેને પાર કશું જઈ શકતું નથી.’

નિર્ગુણ અસ્તિત્વ એ નિર્ગુણ ચેતના પણ છે. બ્રહ્મ આત્મા છે એમ ઉપનિષદો કહે છે.

મનુષ્યનો અભ્યાસ કરતાં ઉપનિષદોના ઋષિઓને જણાયું કે મર્યાદિત મનુષ્યમાં આપણે જેમ ઊંડે ઊતરતા જઈએ છીએ તેમ, તે વધારે ને વધારે સૂક્ષ્મ થતો જાય છે અને અંતે, ઈન્દ્રિયાતીત અનંત સત્યને એના સાચા સ્વરૂપ તરીકે પ્રગટ કરે છે. આપણામાંનું દરેક જણ બાહ્ય જગત સમક્ષ પોતાનાં મર્યાદિત સ્વરૂપે પ્રગટ થતું હોય છે પણ, એ સીમિત મનુષ્યની પાછળ સનાતન અને નિ:સીમ મનુષ્ય હોય છે. જાણીતા મનુષ્યની પાછળ ‘અજાણ્યો મનુષ્ય’ છે. અને આ ‘અજાણ્યો મનુષ્ય’ એક છે જ્યારે ‘જાણીતો મનુષ્ય’ અનેક છે. તત્ત્વત: મનુષ્ય અદ્વિતીય સત્ય છે. મહાસાગરની સપાટી ઉપર એક મોટો ખડક ડોકાય છે અને આપણે માત્ર બહાર ડોકાતો છેડો જોઈએ છીએ પરંતુ, એ વિશાળ શિલા છે અને મહાસાગરના તળિયા સુધી એ પહોંચે છે. મનુષ્યનું પણ તેમ જ છે, આપણામાંનો પ્રત્યેક સપાટી ઉપર મર્યાદિત દેખાય છે પણ, ભીતરમાં અનંત છે. આ શોધને ઉપનિષદની સમર્થ ભાષામાં વણી લેવામાં આવી છે; તત્ ત્વમ્ અસિ — ‘તે તું છે.’ ઉપનિષદો મનુષ્યને કહે છે કે, ‘તું સાન્ત નથી; તું સીમાબદ્ધ નથી, જાતને માનતો માથું કપાયેલો તું નથી.’ એ મર્યાદિત દેખાય છે કારણ કે, દેહ અને ઇન્દ્રિયોની મર્યાદાઓમાંથી એને એવો જોવામાં આવે છે અથવા એ પોતાને એવો જુએ છે. પણ, એના સત્ય સ્વરૂપમાં એ શુદ્ધ સત્ત્વ છે, શુદ્ધ ચૈતન્ય છે અને આનંદ છે — સત્-ચિત્-આનંદ છે — અને એમ હોઈને એ બધાં સાથે એકરૂપ છે. વિશુદ્ધ ચૈતન્યના ભાગ પાડી શકાય નહીં; એ માત્ર વિભાજિત દેખાય છે, શરીરો અને મનોના પ્રાક્ટયજનિત માધ્યમો દ્વારા તેવું દેખાય છે. પણ એ સદા એક અને અવિચલ છે — અનેજત્ એકમ્ છે એમ આ શ્લોક કહે છે.

મહાન ભૌતિકશાસ્ત્રી અર્વિન સ્ક્રોડિંજર (વોટ ઈઝ લાઈફ? એપિલોગ પૃ.૯૦-૯૧ ઉપર) કહે છે.

‘ચૈતન્ય કદી બહુવચનમાં અનુભવાતું નથી, એક વચનમાં જ અનુભવાય છે… ચૈતન્ય એવો એકવચની શબ્દ છે જેનું બહુવચન રૂપ છે જ નહીં, એ એક જ વસ્તુ છે અને, જે અનેકત્વ દેખાય છે તે, આ એક જ પદાર્થનાં વિવિધ પાસાંઓની હારમાળા છે જે, (ભારતીય માયા) ભ્રમથી ઉદ્‌ભવે છે.’

ગહનમાં પ્રવેશ

ઇશ ઉપનિષદનો આ પછીનો પાંચમો શ્લોક આ જ વિચારને સ્પષ્ટ કરે છે: ‘એ ચાલે છે અને, એ અચલ છે. એ દૂર છે અને, એ નિકટ છે. એ આ બધાંની અંદર છે અને, એ વળી આ બધાંની બહાર પણ છે.’ આ શ્લોક કહે છે કે, પરિવર્તનશીલ દૃશ્યમાન જગતનાં પાસાંઓમાંથી જોઈએ તો આત્મા ચાલતો કહી શકાય; પણ એના સત્ય સ્વરૂપ અનુસાર, એ જરાય ચાલતો નથી. અર્વાચીન વૈજ્ઞાનિક વિચારણા અનુસાર ઊર્જાની વિભાવના બે સ્વરૂપોમાં કરી શકાય : બંધ ઊર્જા અને મુક્ત ઊર્જા; આ બીજા સ્વરૂપને જોઈ શકાય તેવી ગતિ છે તેવું વિધાન થઈ શકે. સત્યનાં આ બે પાસાંઓનો ઉલ્લેખ શ્રીરામકૃષ્ણ અવારનવાર કરતા. એક પાસું નિર્ગુણ બ્રહ્મ છે, એ અનંત છે, અચલ છે અને તેથી, અવ્યક્ત છે. બીજું પાસું શક્તિ છે; દિવ્ય ઊર્જા, બ્રહ્મનું સર્જનાત્મક સ્વરૂપ આંદોલનો રૂપે પ્રગટ થાય છે તે પાસું શક્તિ છે. શ્રીરામકૃષ્ણ સર્પની ઉપમા આપતા. ગૂંચળું વળીને અચલ બેઠેલો સર્પ બ્રહ્મ છે; એ જ સર્પ ગતિમાન બને, એની શક્તિને છૂટો દોર મળે ત્યારે તે શક્તિ છે, આમ બ્રહ્મ અને શક્તિ, વિભુ અને વિશ્વ, બે ભિન્ન અસ્તિત્વો નથી, એકમેકથી ભિન્ન નથી પરંતુ, એક જ વસ્તુનાં બે પાસાં છે, બે જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓએથી નિરખાતું એક જ સત્ય છે. આથી જ તો, આ હકીકતને સમજાવવા માટે, આ ઉપનિષદ એકદમ વિરોધાભાસી ભાષા વાપરી કહે છે: ‘એ દૂર છે અને, એ પાસે છે, એ આ બધાંની ભીતર છે અને, એ આ બધાંની બહાર પણ છે.’

અને, આપણે જોયું તે પ્રમાણે, વિરોધાભાસી ભાષાએ અર્વાચીન વિજ્ઞાન પર પણ હલ્લો કર્યો છે. ઓગણીસમી સદીના અંત સુધી, સાન્ત અને જેમના પ્રાથમિક અને દ્વૈતીયિક ગુણો સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેવાં સત્યોની જ વાત વિજ્ઞાન કરતું. પરંતુ, વીસમી સદીમાં સાન્તતાના આ પડને વિજ્ઞાને ભેદ્યું છે, આ નિશ્ચિત, અનુમાનક્ષમ વિશ્વને વીંધ્યું છે અને, પછી જે પ્રગટ થયું છે તે સામાન્ય અનુભવથી એટલું દૂરનું છે કે, એકદમ પરિશોધિત વૈજ્ઞાનિક ભાષા પણ એને ચોક્સાઈપૂર્વક વ્યક્ત કરી શકે નહીં. ઉદાહરણ તરીકે વીજાણુનું કે પ્રકાશના ફોટોન (photon)નું સ્વરૂપ વર્ણવવાના યત્નમાં, વીસમી સદીના વૈજ્ઞાનિકો વિરોધોવાળી ભાષા વાપરતા જણાય છે. પ્રકાશનું લઘુતમ એકમ, ફોટોન કવચિત્ કણ તરીકે અને કવચિત્ તરંગ તરીકે વર્તે છે. તો એ શું છે? એ કણ છે કે તરંગ છે? બેમાંથી એક પણ પદ યોગ્ય વાચક નથી એટલે, એક નવો શબ્દ ઘડવામાં આવ્યો છે. એ હવે ‘વેવિકલ’ (wavicle) – તરંગકણ – તરીકે ઓળખાય છે!

વિજ્ઞાન પ્રકૃતિમા ઊંડી ડૂબકી મારે છે અને, પ્રવર્તમાન શબ્દપ્રયોગો અને વ્યાખ્યાઓ ટકી શકે નહીં તે અનુભૂતિનાં પડોએ પહોંચે છે ત્યારે, જે બને છે તેને આ એક દાખલો છે. ત્રિપરિમાણી જગતનું તર્કશાસ્ત્ર ચોથા પરિમાણમાં તૂટી જાય છે; અથવા વેદાન્ત કહે છે તે પ્રમાણે, જાગૃતિનું તર્કશાસ્ત્ર સ્વપ્નાવસ્થામાં નાકામિયાબ નીવડે છે. ઘટનાઓની ગહનતર સપાટીને વિજ્ઞાન હવે સ્પર્શ્યું છે અને આ ઘટનાઓ તાર્કિક વ્યાખ્યાઓને પડકારે છે કારણ, એ ભાષા ઓગણીસમી સદીની યાંત્રિક ભાષા છે. સર જેય્‌મ્સ જીન્સ (ધ ન્યુ બેક ગ્રાઉણ્ડ ઓફ સાયન્સ, પૃ. ૨-૬ પર) કહે છે :

‘જૂનું તત્ત્વજ્ઞાન ઓગણીસમી સદીને અંતે-નકામું બની ગયું અને, વીસમી સદીનો ભૌતિકશાસ્ત્રી પોતાને માટેનું તત્ત્વજ્ઞાન ઘડી રહ્યો છે. એનું તત્ત્વ એટલું છે કે, પ્રકૃતિને એ પોતાનાથી ભિન્ન સમજતો નથી. કેટલીક વાર એ પ્રકૃતિ મનુષ્ય જાતે જ ઘડે છે, પસંદ કરે છે કે સંક્ષિપ્ત કરે છે; કેટલીક વાર મનુષ્ય એનો નાશ પણ કરે છે.

‘આપણે જ ઊભી કરેલી ધૂળની ડમરીથી ધૂંધળી થયેલી પ્રકૃતિ આપણે નિહાળીએ છીએ… આમ, વીસમી સદીમાં ભૌતિકશાસ્ત્રનો ઈતિહાસ કેવળ માનવ દૃષ્ટિકોણથી મુક્તિ છે…

‘જે ભૌતિકશાસ્ત્રી પોતાનાં માનવીય ચશ્માં ફગાવી દઈને પોતાની આંખો પર પડતા નવા વિચિત્ર પ્રકાશને સ્પષ્ટપણે જોઈ શકે છે તે પોતાની જાતને એવી અજાણી દુનિયામાં જુએ છે જેને એના પૂર્વજો, કદાચ, ઓળખવા પણ સમર્થ ન થાય.’

મનુષ્યની પ્રકૃતિની ખોજ આપણે કરીએ છીએ ત્યારે બરાબર આવું જ બને છે. મનુષ્ય શું છે? જેની વ્યાખ્યા થઈ શકે તેવું અસ્તિત્વ એ છે? આપણે કોઈ વ્યક્તિની વ્યાખ્યા આપીએ છીએ ત્યારે, એ પુરુષ છે કે સ્ત્રી, એનું વય, એનું વજન, એનો વર્ણ, એની શૈક્ષણિક પાત્રતા, એનાં કાર્યપ્રવૃત્તિ, એની રાષ્ટ્રીયતા વગેરે વગેરે કહીએ છીએ. કોઈ વ્યક્તિ વિશેની આવી માહિતીનો ભંડાર શક્ય તેટલો ઠાલવી શકાય અને છતાંય, આપણને પ્રશ્ન ઊઠે : શું આ પૂરતું છે? આમાંની કોઈ એક વ્યાખ્યાથી કે, બધીય વ્યાખ્યાઓથી, એને વિશે બધું કહેવાઈ ગયું છે? આપણા અંતરમાંથી કશુંક બોલે છે, ના. એ વ્યક્તિમાં હજી કશુંક બાકી રહી ગયું છે. એનાં જે પાસાંની વ્યાખ્યા થઈ શકે છે તે કહેવાયું છે, અવ્યાખ્યાયિત ભાગ હજી અસ્પર્શ્ય રહી ગયો છે, એના અસ્તિત્વનો એ ગહન અને ઊંડો પ્રદેશ છે. એનું પરિમાણ અમેય છે. એલેક્ષિસ કેરેલના કહેવા પ્રમાણે આ અમેય મનુષ્ય ‘ન જણાયેલો મનુષ્ય’ સાંત મનુષ્ય, ‘જાણીતા મનુષ્ય’ના ભેદક અભ્યાસ વડે પ્રગટ થાય છે.

(ક્રમશ:)

Total Views: 35
By Published On: August 4, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram