(ડો. કમલકાંતે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી છે. તેઓ શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમજ વરિષ્ઠ ટ્રસ્ટી છે. તેમના પર સદ્‌ગુરુની કૃપા કેવી વરસી અને નિરંતર કેવી વરસતી રહે છે તેનો સુંદર ચિતાર અહીં તેઓ રજૂ કરે છે. – સં.)

૪થી જુલાઈ ૧૯૩૭ – એ દિવસે મેં દક્ષિણેશ્વર મંદિર અને બેલૂરમઠના પ્રથમવાર દર્શન કર્યા. એ દિવસ અતિ પવિત્ર હતો; પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિનો. ઘણા ઘણા વર્ષોથી સેવેલું સ્વપ્ન સિદ્ધ થયું. હૃદયનો અતિ આનંદ અને મનનો ભાવ શબ્દો દ્વારા વ્યક્ત કરવો અશક્ય છે. ખૂબ ખૂબ આનંદ થયો.

મારાં માતા-પિતા શ્રીઠાકુર અને સ્વામીજીનાં પરમ ભક્ત હતાં. મારી દસ વર્ષની ઉંમરે એક પુસ્તિકા મેં વાંચી -‘નાનો નરેન્દ્ર’. આ પુસ્તિકાએ મને સ્વામીજી પ્રત્યે ખૂબ આકર્ષણ પેદા કર્યું. જે આજ સુધી દિવસે દિવસે વૃદ્ધિ પામતું ગયું છે. કોલેજના દિવસોમાં શ્રીરામકૃષ્ણકથામૃત તથા સ્વામીજીના લેખો, પ્રવચનો તથા પત્રો વગેરે વાંચવાની અને એનો અભ્યાસ કરવાની તક મળી. ૧૯૩૬માં શ્રીઠાકુરની પ્રથમ જન્મ શતાબ્દી ઉજવાઈ. મુંબઈથી સ્વામી વિશ્વાનંદજી વડોદરા પધાર્યા. એમની સાથેના અંગત પરિચયથી દક્ષિણેશ્વર મંદિર અને બેલુરમઠનાં દર્શન કરવા જવાની ઉત્કટ ઇચ્છા વધુ જોરદાર બની. ૧૯૩૭ના જૂનના અંત ભાગમાં મારે હોમિયોપથીના શિક્ષણ માટે કલકત્તા જવાનું નક્કી થયું. ભાવતુ’તું તે વૈદે કહ્યું.

કલકત્તા જઈને મેં અદ્વૈત આશ્રમમાં સ્વામી પવિત્રાનંદજીનો પરિચય કેળવ્યો. એ પછી થોડા દિવસમાં હું દક્ષિણેશ્વર, કાલીમંદિર અને બેલુરમઠ પહોંચી ગયો. એ આનંદની અનુભૂતિનો ભાવ મેં ઉપર વ્યક્ત કર્યો છે.

બેલુરમઠની અવાર-નવાર મુલાકાતથી મને એ સમયના ઉપાધ્યક્ષ સ્વામી શુદ્ધાનંદજીનો ખૂબ પરિચય થયો. એમણે મને મંત્રદીક્ષાનું મહત્ત્વ ખૂબ સારી રીતે સમજાવ્યું. એમણે કહ્યું કે એક નાના બાળકને પિતા હાથ પકડીને નિશાળમાં દાખલ કરે છે ત્યારે એ બાળકને શિક્ષણ, શાળા તથા શિક્ષક વિશે કંઈ જ્ઞાન હોતું નથી. પરંતુ એના શુભેચ્છક પિતા એને સ્કૂલમાં દાખલ કરી દે છે. વખત જતાં એ બાળકનો વિકાસ થાય છે ત્યારે એને શિક્ષણનું મહત્ત્વ સમજાય છે અને પોતાના ધ્યેય વિશે સ્પષ્ટ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવી જ રીતે સદ્‌ગુરુ મંત્રદીક્ષા દ્વારા એ બાળજિજ્ઞાસુને હાથ પકડીને આધ્યાત્મિકતાના માર્ગ ઉપર મૂકી દે છે અને સહપ્રવાસી તરીકે સાથે ને સાથે હોય છે. પૂજ્ય સ્વામી શુદ્ધાનંદજીએ મને તે સમયના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી પાસેથી મંત્રદીક્ષા લેવાની સલાહ આપી.

પરમ પૂજ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ શ્રીઠાકુરના અંતરંગ શિષ્ય હતા. જે જે યુવાન ભક્તો શ્રીઠાકુરના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા એમાંથી માત્ર સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા. એમણે પૂના કોલેજમાંથી સિવિલ એન્જિનિયરીંગની એલ.સી.ઈ.ની ડીગ્રી પ્રથમ વર્ગમાં પાસ કરી સરકારી નોકરી મેળવી. કૌટુંબિક જવાબદારીઓને લીધે એમને આ નોકરી સ્વીકારવી પડી હતી. પરંતુ થોડાં વર્ષો પછી નોકરી અને સંસારનો ત્યાગ કરીને એમણે સંન્યાસનો માર્ગ અપનાવ્યો. શ્રીઠાકુરે એમને એક ચોક્કસ કાર્ય માટે નિર્માણ કર્યા હતા. આ કાર્ય હતું શ્રીઠાકુરનું ભવ્ય મંદિર બાંધવાનું. આ હેતુ માટે તેઓ પોતાનો સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કરી શક્યા હતા.

મારી બેલુરમઠની પ્રથમ મુલાકાતના દિવસે તેઓ બેલુરમઠમાં હતા. મેં એમનાં દર્શન કર્યાં અને ચરણસ્પર્શ કર્યા. હું ક્યાંથી આવ્યો છું અને કલકત્તા કેમ આવ્યો છું એની પૃચ્છા કરી. બીજી વધારે કંઈ વાતચીત થઈ નહિ.

બીજી મુલાકાત મારી મંત્રદીક્ષાને દિવસે થઈ. મકરસંક્રાંતિનો પવિત્ર દિવસ, ૧૪મી જાન્યુઆરી, ૧૯૩૮. તે શુભદિવસે તેઓ શ્રીઠાકુરની નવા મંદિરમાં પ્રતિષ્ઠા કરવાના હતા. કેટલો સરસ સુયોગ! એ કાર્ય પૂરું કરી પોતાની રૂમમાં આવી મને મંત્રદીક્ષા આપી. પહેલાં મંત્ર કહ્યો પછી એના જપ કેવી રીતે કરવા એ સમજાવ્યું. શોધન કરેલી માળા મંત્રજપ કરવા આપી. આ બધો વિધિ મને સ્પષ્ટતાથી સમજાવ્યો. એ સમયે મારી ઉંમર એકવીસ વર્ષની હતી. મેં કહ્યું, ‘મહારાજ, હું એક અબૂધ બાળક જેવો છું. આ બધું હું નિયમિત અને ખૂબ સારી રીતે કરી શકું એવા મને આશીર્વાદ આપો.’ એમણે મૃદુ હાસ્યથી કહ્યું કે, ‘ઘડિયાળને ચાવી આપી છે. એ ઘડિયાળ ચાલતું રહેશે.’ આજે આ વાતને બાસઠ વર્ષ થયાં. ઘડિયાળ ચાલે છે. તે દિવસે એમના મુખ ઉપર ખૂબ આનંદ અને સંતોષ દેખાતા હતા. કારણ કે શ્રીઠાકુર અને સ્વામીજીએ એમને જે કામ માટે નિયુક્ત કર્યા હતા એ કામ એમણે ખૂબ સારી રીતે પૂર્ણ કર્યું હતું. એ દિવસનું એમનું પ્રસન્નવદન અને એમની અમીદૃષ્ટિ આજે પણ મને સારી રીતે યાદ છે.

ત્રીજી મુલાકાત તા.૬.૩.’૩૮. શ્રીઠાકુરની તિથિપૂજાનો દિવસ. પરમ પૂજ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી અલ્હાબાદથી ખાસ પધાર્યા હતા. તે દિવસે ભક્તોની બહુ ભીડ હતી. એથી કંઈ વાતચીત થઈ શકી નહિ. પરંતુ સ્વામી માધવાનંદજીએ મારી ઓળખાણ આપી કહ્યું કે મેં એમની પાસેથી મંત્રદીક્ષા લીધી છે. મેં એમના ચરણસ્પર્શ કર્યા અને એમણે પોતાના બન્ને હાથ મારા માથા ઉપર મૂકી આશીર્વાદ આપ્યા.

ચોથી અને છેલ્લી મુલાકાત તા.૧૦મી એપ્રિલ, ૧૯૩૮. અલ્હાબાદમાં હું આશ્રમમાં ગયો ત્યારે તેઓ પોતાની રૂમમાં બેઠા હતા. પૂજ્ય સમર મહારાજે મારી ઓળખાણ આપી એટલે એમણે કહ્યું કે આ ગુજરાતી છોકરો મને યાદ છે. મેં એમના ચરણસ્પર્શ કર્યા. એમણે પૂછ્યું કે બધું બરોબર ચાલે છે? મેં કહ્યું મહારાજ, આશીર્વાદ આપો કે હું આધ્યાત્મિક જીવનમાં ખૂબ પ્રગતિ કરી શકું. એમણે બન્ને હાથ મારે માથે મૂકી મારા પર અમીદૃષ્ટિ કરી. એમની એ કૃપાદૃષ્ટિવાળી આંખો આજે પણ હું ભૂલ્યો નથી.

સદ્‌ગુરુની મહાસમાધિ થયા પછી પણ તેમનું માર્ગદર્શન શિષ્યને સતત મળતું રહે છે તેમની અહેતુક કૃપા નિરંતર વહેતી રહે છે. આ હકીકત પ્રત્યક્ષ થઈ છે તેથી જીવનમાં નિશ્ચિંતતા છે.

આ બ્રહ્મનિષ્ઠ સદ્‌ગુરુ મને જન્મોજન્મ મળે એ જ શ્રીઠાકુર, શ્રીમા તથા પરમપૂજ્ય સ્વામીજી પ્રત્યે મારી ખરા અંત:કરણપૂર્વકની પ્રાર્થના છે.

Total Views: 135

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.