ભૌતિકશાસ્ત્રના સ્નાતક, ગણિતના સ્નાતક અને અર્થશાસ્ત્રના સ્નાતક માટે એક કસોટી આપવામાં આવી. ત્રણેયને ચર્ચમાં લઈ ગયા. તેમને એક બેરોમિટર આપવામાં આવ્યું અને ત્રણેયને ચર્ચના શિખરની ઊંચાઈનું માપ શોધવાનું કહેવામાં આવ્યું.

થોડો સમય થયો એટલે ભૌતિકશાસ્ત્રનો સ્નાતક પોતાના ઉત્તર સાથે હાજર થયો. તેમની દૃષ્ટિએ શિખરની ઊંચાઈ ૧૫૪ ફૂટ થતી હતી. તેણે ઊંચાઈ શોધવાની પોતાની વાત કરતાં કહ્યું : પહેલાં તો હું શિખર પર ચડી ગયો અને ત્યાંથી બેરોમિટર નીચે નાખ્યું. બેરોમિટર ચર્ચના બેલટાવરની નીચેની ફર્શ પર પડે ત્યાં સુધી હું રાહ જોતો ઊભો રહ્યો. બેરોમિટરના પડવાના સમયની નોંધ કરી મેં ભૌતિકશાસ્ત્રના નિયમ મુજબ ગણતરી માટેના સમીકરણના ઉકેલ દ્વારા આ શિખરની ઊંચાઈ નક્કી કરી છે.

થોડી વારમાં પેલો ગણિતનો વિદ્યાર્થી પણ આવી પહોંચ્યો અને તેણે કહ્યું : આ શિખરની ઊંચાઈ ૧૫૭ ફૂટ છે. મેં શિખરની છાયાના સમતલનું માપ લીધું પછી લંબ અંતરના માપના સળિયા રૂપે બેરોમિટરનો ઉપયોગ કર્યો. પછી સમભૂજ ત્રિકોણના ગુણધર્મ પ્રમાણે ગાણિતિક ગણતરી કરીને આ શિખરની ઊંચાઈ મેં માપી છે અને તે ૧૫૭ ફૂટ ઊંચું છે.

ત્યાં અર્થશાસ્ત્રનો સ્નાતક આવ્યો અને તેણે જાહેર કર્યું કે આ શિખરની ઊંચાઈ ૧૫૫ ફૂટ અને ૭ ઈંચ છે. તેણે પોતાના સમર્થનમાં કહ્યું : પહેલાં તો જાણે હું મુંઝાઈ ગયો. ચર્ચની ચારે બાજુની ખુલ્લી જગ્યામાં મંડ્યો આંટા મારવા. ફરતાં ફરતાં એક સેવકને ચર્ચનું મેદાન સાફ કરતાં જોયો. મેં તેને કહ્યું, ‘જો ભાઈ, આ શિખર કેટલું ઊંચું છે એ તું બતાવીશ તો તને આ બેરોમિટર આપી દઈશ.’ એટલે એણે મને આ ઊંચાઈ બતાવી. એ રીતે આ શિખર ૧૫૫ ફૂટ ૭ ઈંચ ઊંચું છે. 

(* ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બુદ્ધિના ખેલ તો આપણે કરીએ છીએ પણ જો એનો ભેદુભક્ત મળી જાય તો આપણા માટે પ્રભુપ્રાપ્તિ સરળ અને નિશ્ચિત સમજવી. આપણને પ્રભુપ્રાપ્તિનો સાચો અને ઝડપથી પહોંચી શકાય એવો માર્ગ તે અનુભવી દ્વારા મળી રહે છે. આ છે ઉપરની વાતનો સારાંશ.) 

એક ભક્ત પ્રભુની તપશ્ચર્યામાં પડ્યો છે. આકરી તપશ્ચર્યા પછી  ભગવાને એને દર્શન આપીને કહ્યું : માગ, માગ બેટા, તારે શું જોઈએ છે?

ભક્ત બોલ્યો : હે પ્રભુ, તમે તો કેટલા શક્તિશાળી અને દયાળુ છો! દશ લાખ રૂપિયાની  તમારે મન શી કિંમત છે?

ભગવાને જવાબમાં કહ્યું : ભાઈ, એક પાઈ જેટલી!

ભક્તે પૂછ્યું : મહારાજ, એક હજાર વર્ષ એ તમારે મન કેટલો સમય? 

પ્રભુએ જવાબ આપ્યો : એક ક્ષણ માત્ર!

ભક્તે વિનંતી કરતાં કહ્યું : હે પ્રભુ! તો મને તમારી એક પાઈ આપશો?

પ્રભુએ કહ્યું : ભાઈ, તું એક ક્ષણ થોભી જા. હું તને તારી એક પાઈ આપી દઈશ!……

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.