૧૯૯૮ની ૨૭મી જૂને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે સ્ટોન રિજ, ન્યુયોર્કમાં સ્વામી વિવેકાનંદ રીટ્રીટ રિજલીની સર્વશ્રેષ્ઠ ઈમારતનો સમર્પણવિધિ સંપન્ન થયો. સ્વામી આત્મરૂપાનંદજી મહારાજના વડપણ હેઠળ ચાલતી વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા દ્વારા એનું સંચાલન થાય છે. શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના આદર્શને વરેલા ભાવિકજનો માટે ‘ધ વિવેકાનંદ રીટ્રીટ, રિજલી’ એક અનન્ય યાત્રાધામ અને ધ્યાનભક્તિની ભૂમિ બની રહેશે. અહીં પહોંચવા માટે ૮૭, કિંગ્સ્ટનમાંથી રૂટ ૨૦૯ દક્ષિણના માર્ગે આગળ ૮ માઈલ જેટલું અંતર કાપીશું એટલે સ્ટોન રિજ નામના ગામમાં પ્રવેશીશું અને મોબિલ ગેસ સ્ટેશન પહેલાં ડાબીબાજુએ લેગેટ રોડ પર ડાબે વળો. અહીંથી આ રીટ્રીટ ૧૦૧ લેગેટ રોડ પર થોડા શતવાર અંતરે આવેલ છે. ૧૮૯૨ની ઈમારત શ્રીરામકૃષ્ણ સંઘ અને તેના અનુયાયી તેમજ ચાહકો માટે આટલી બધી મહત્ત્વની કેમ બની છે એ વાત સમજવા આપણે આપણા સ્મૃતિપથમાં થોડુંક પાછું – ભૂતકાળમાં જવું પડશે.

હડસન નદી પરની વાયવ્ય દિશામાં આવેલા કિંગ્સ્ટન શહેરથી આઠ માઈલના અંતરે અલ્સ્ટર કાઉંટીના સુંદર આસમાની રંગની પર્વતમાળામાં પારણાની જેમ ઝૂલતા અને રોમાંચક પર્વતીય સંગીતમય ૧૯૬૯ના સ્થળ વૂડસ્ટોકની દક્ષિણે ૧૦માઈલ પર સ્ટોન રિજ આવેલું છે. ઓલ્ડ પાઈન રોડના નામે જાણીતો જૂનો ઈંડિયન વનપથ જે આજે રૂટ નં. ૨૦૯ બન્યો છે અને તે યુ.એસ.એ.નો સર્વપ્રથમ ઓટોમોબાઈલ હાઈવે આ ગામમાંથી પસાર થાય છે. આ વિલક્ષણ ગામમાં ૧૮૯૨માં ફ્રાન્સિસ લેગેટે (ફ્રેંકે) પોતાનું નિવાસ સ્થાન બંધાવ્યું ત્યારે તેમને આ ખ્યાલ ન હતો. ફ્રેંકે પોતાના વહાલાં અને વડાં કાકીના નામે આ ગામનું નામ રિજલી રાખ્યું.

ફ્રાન્સિસ એચ. લેગેટ ન્યુયોર્કના એક સફળ વેપારી હતા. પોતાનાં પ્રિયપાત્ર બેટ્ટી મેક્લાઉડ સ્ટર્જિઝ અને એમનાં બહેન જોસેફાઈન મેક્લાઉડ દ્વારા ૧૮૯૫ના માર્ચમાં એપ્રિલની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદ સાથે તેમની પહેલી મુલાકાત થઈ. થોડા સમયથી આ બંને બહેનો ન્યુયોર્કમાં સ્વામીજીનાં વ્યાખ્યાનો સાંભળવાં જતાં. એકવખત શ્રીમાન લેગેટને પણ સાથે લઈ ગયા. વ્યાખ્યાન સાંભળ્યા પછી અત્યંત પ્રભાવિત થઈને શ્રી લેગેટ સ્વામીજી પાસે ઉપરના ખંડમાં ગયા અને તેમની સાથે હસ્તધૂનન કર્યું. તેમણે સ્વામીજીને રાત્રિભોજન માટે આમંત્રણ પણ આપ્યું. અહીંથી સ્વામીજી અને એમની વચ્ચે કાયમ માટે ગાઢ મૈત્રી સંબંધ બંધાયો. આ મૈત્રી સંબંધ અનેક રીતે વિકસ્યો અને એનાથી અમેરિકામાં વેદાંત ચળવળ માટે સ્વામીજીને ઘણી સહાય પણ મળી. વિશ્વભરની સર્વપ્રથમ વેદાંત સોસાયટીની સ્થાપના ન્યુયોર્કમાં ૧૮૯૪માં થઈ. જો કે ઓક્ટોબર ૧૮૯૮ સુધી શ્રી લેગેટના અધ્યક્ષપણા હેઠળની આ સોસાયટી સંસ્થાપિત મંડળીના રૂપે ન્યુયોર્કના નિયમો પ્રમાણે નોંધાયેલી મંડળી બની શકી ન હતી. ન્યુયોર્કની વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલમાં  શ્રીલેગેટ સાથે બંને બહેનો ભોજન લેતી હતી ત્યારે તેમને સ્વામીજી પાસે લઈ જવા બંનેને વિનંતી કરી. આ જ હોટેલમાં સ્વામીજીને શ્રીલેગેટ પોતાની સાથેના પ્રથમ ભોજન માટે લઈ ગયા હતા. એમ કહેવાય છે કે આ પ્રસંગની સ્મૃતિમાં આ હોટેલની જગ્યાએ એક સ્મૃતિભવન બાંધ્યું હતું. તે એમ્યાયર સ્ટેટ બિલ્ડિંગના નામે જાણીતું છે. જો કે આ ઈમારત સ્વામીજીએ અહીં લીધેલા પ્રથમ ભોજનની સ્મૃતિમાં બંધાઈ ન હતી પણ આ ઈમારત જૂની વોલ્ડોર્ફ એસ્ટેરિયા હોટેલ જેનો સ્વામીજીએ અનેક પ્રસંગે અવારનવાર ઉલ્લેખ કર્યો છે તે સ્થળે બંધાઈ છે.

સ્વામીજી રિજલી મેનોર ત્રણ પ્રસંગે આવ્યા હતા. ૧૮૯૫માં પ્રથમવાર તેઓ શ્રી લેગેટના મહેમાન બનીને આવ્યા અને દસ દિવસ રોકાયા હતા. સતત વર્ગો અને વ્યાખ્યાનોથી થાકેલા સ્વામી વિવેકાનંદને આ અનેરા શાંતિધામમાં શાંતિ અને નિરાંત સાંપડ્યાં સાથે ને સાથે તેમને આ શાંતિધામ આરામપ્રદ અને તાજગીભર્યું સ્વાસ્થ્યપ્રદ સ્થળ લાગ્યું. વળી પાછા તે જ વર્ષના ક્રિસમસના તહેવારોમાં તેઓ શ્રી અને શ્રીમતી લેગેટના મહેમાન બનીને ગયા હતા. ત્યાર પછી ૧૮૯૯ના અંતે યુ.એસ.એ.ના બીજા પ્રવાસ વખતે સ્વામીજીએ રિજલીમાં ગાળેલો સમયગાળો સૌથી વધારે સ્મરણીયકાળ બની ગયો છે. આ વખતે રિજલીમાં તેઓ દસ સપ્તાહ રોકાયા હતા. કેવાં અદ્‌ભુત અને રોમાંચક હતાં એ દસ સપ્તાહ! અહીં તેઓ ક્યારેક પ્રભુભાવમય અવસ્થામાં રહેતા. તો વળી ક્યારેક તેમને જ્ઞાનીની જેમ જ્ઞાનપથનું અનુસરણ કરતા જોવા મળતા. નિરાંતના સમયે ગોલ્ફ રમવા જતા તો ક્યારેક તેઓ કવિની જેમ ઊર્મિલ બનીને કાવ્યો લખવા બેસી જતા. ક્યારેક તેઓ પોતાના યજમાનને આનંદોત્સાહ સાથે અંગકસરત કુસ્તીના કુશાગ્ર બુદ્ધિયુક્ત દાવપેચ પણ બતાવતા. ક્યારેક તો તેઓ ત્રણ વર્ષની બાળકી પર સંસ્કૃતનાં સ્તોત્રો-શ્લોક બોલતા બોલતા આશીર્વાદની વૃષ્ટિ કરતા, તો વળી ક્યારેક ભોજન પછી એક નાના બાળકની જેમ ચોકલેટ આઈસ્ક્રીમ આવવાની અપેક્ષા સાથે રાહ જોતા. તેઓ ગમે તે કાર્યમાં મશગૂલ હોય પણ એમનું મન બીજાઓ માટે અસીમ કરુણા અને સ્નેહની લાગણીમાં સૌથી વધારે રમમાણ રહેતું. અહીં સ્વામીજીએ ભારત અને પશ્ચિમમાં પોતાના ભાવિ કાર્યની યોજનાઓ વિશેના વિચારોને વાચા આપી હતી અને એ વિશે પોતાના શિષ્યો, મિત્રો અને સંન્યાસી ગુરુભાઈઓ સાથે ચર્ચા પણ કરી હતી. જ્યારે કોઈ પણ ભાવિકજન આજે આ હરિયાળા ઘાસવાળી પાવનભૂમિ પર કે સુંવાળી રેતીના પથ પર ચાલે છે ત્યારે અહીં આ પાવન ભૂમિ પર સર્વત્ર જેમના પુનિતચરણ પડ્યા છે એવા એ પયગંબર સંન્યાસી સ્વામી વિવેકાનંદની યાદ અનુભવ્યા વગર રહેતા નથી! જે ઓકવૃક્ષ નીચે બેસીને સ્વામીજી ધ્યાન ધરતા તે ‘સ્વામીજીનું ઓકવૃક્ષ’ હવે રહ્યું નથી. એ ક્યાં હતું એ પણ ચોક્કસ કહી શકાતું નથી. સિસ્ટર ગાર્ગી – મેરી લુઈસ બર્ગ કહે છે તેમ સ્વામીજીના સતત સંપર્કથી આ વૃક્ષ આધ્યાત્મિક રીતે એટલું બધું તૃપ્ત થઈ ગયું હતું કે તેને મોક્ષ મળી ગયો! તે વૃક્ષ થડ-મૂળ સાથે સુકાઈ ગયું.

સ્વામીજી મેનોરમાં થોડી રાતો રહ્યા હતા પણ મોટા ભાગની રાત્રિઓ એમણે ‘લિટલ કોટેજ’ (પાછળથી ‘સ્વામીજીના કોટેજ’ના નામે જાણીતું થયું હતું.)માં જ નિરાંતે ગાળી હતી. સ્વામી અભેદાનંદજી અને સ્વામી તુરીયાનંદજીએ પણ પોતાના રિજલીના ટૂંકા રોકાણ દરમિયાન અહીં જ રાતવાસો કર્યો હતો. પણ એ બધા દિવસના ભાગે તો મેનોરમાં જ રહેતા અને ભોજન પણ ત્યાં જ લેતા. ‘સ્વામીજીના કોટેજ’ એ રિજલીની અસ્ક્યામતનો ભાગ નથી. તે થોડાં વર્ષો પહેલાં વેંચાઈ ગઈ હતી અને હવે ત્યાં ‘ઈન’ નામની ઈમારત છે જ્યાં સ્વામીજીએ સારાબુલ અને માર્ગારેટ નોબલને આધ્યાત્મિક મંત્રદીક્ષા આપી હતી. આ ઉપરાંત આ ઘરના બધા સભ્યો, સ્વામીજીની યાત્રાના સહસાથીઓ અને બીજા અનેક લોકો સ્વામીજીને અહીં મળવા માટે, એમનો સંગાથ મેળવવા માટે, એમની પાસે પહોંચીને એમનાં હૃદયને સ્વામીજીના સંસ્પર્શની અનુભૂતિ કરાવવા ઊમટી પડતાં. એમાંથી થોડાંકનાં નામ આપીએ તો, સારાબુલ, મેરીયન બ્રિગ્સ, સારાહ એલન વાલ્ડો, ફલોરેન્સ એડેમ્સ, ફલોરેન્સ ગ્યુર્નસે એમ્મા અને ઈના થર્સબી, ડો. હેલ્મર, ઈસાબેલ અને હેરિયેટ મેકકાઈન્ડલી, મૌડ સ્ટુમ્મ વગેરે હતાં. સ્વામીજી એ બધાંને મળીને ખૂબ રાજી થતા અને તેમની સાથે વાતો કરતા, ચર્ચા કરતા, હસીમજાક કરતા. પોતાનાં અધ્યાત્મભાવભર્યાં વ્યાખ્યાનો, ચર્ચા દ્વારા એ બધાંના જીવનને વધુ સમૃદ્ધ બનાવી દેતા. ‘ધ પ્રોફેટ પાઈન’ ૧૮૯૯ કે ૧૯૦૦ના વર્ષથી આ સ્થળનું અમૂલ્ય ઘરેણું બની ગયું. ગ્રિનેકર મેઈનમાંથી ‘સ્વામીજીના પાઈન’ના રોપા જોસેફાઈન મેક્લાઉડ રિજલી લાવ્યાં હતાં. અને ફ્રેંક લેગેટના પુત્રી ફ્રાન્સેસ લેગેટે આ ભૂમિમાં રોપી દીધાં. માસી જોસેફાઈન મેક્લાઉડે ફ્રાન્સેસને કહેલા શબ્દો એના પોતાના પુસ્તક ‘ન્ચાી ચહગ જીર્ર્હ’માં આ રીતે મૂક્યા છે : ‘મને લાગે છે કે તું બે ત્રણ વર્ષની હઈશ ત્યારે આપણે અહીં ત્રણ વૃક્ષો વાવ્યાં હતાં. સ્વામીજી એલ્લિયેટ અને મેઈનમાં જે મોટા પાઈન વૃક્ષની નીચે બેસતા અને વ્યાખ્યાન ચર્ચા કરતા તેની નીચે ઊગેલા ત્રણેય છોડને હું મૂળસાથે ઉખેડીને અહીં લાવી હતી. એમાંથી એક મેં તારી સ્કોચ આયાને વાવવા માટે આપ્યું, બીજું તેં વાવ્યું અને મેં પોતે એક વાવ્યું. આ ત્રણમાંથી મારું અને આયાનું વૃક્ષ ઉછર્યું નહીં અને તારું વાવેલું વૃક્ષ ઊગ્યું અને આજે ઊભેલું આ પાઈન વૃક્ષ બની ગયું છે.’ આ ‘પ્રોફેટપાઈન’ વૃક્ષ માટેની પ્રેમહર્ષસભર લાગણીની વાત આ વૃક્ષને વાવનાર સિવાય બીજું કોણ વધારે સારી રીતે વર્ણવી શકે? ફ્રાન્સેસ લેગેટે પોતે આ શબ્દોમાં તેનું વર્ણન કર્યું છે: ‘ઘાસની હરિયાળી ભૂમિ પર ઊભેલા આ વૃક્ષની ડાળીઓ નીચે સુધી પ્રસરી જાય છે. ઘણાં વર્ષો પહેલાં અહીં આવેલા અને જેમણે આ ભૂમિ પર પોતાનાં પાવન પગલાં કરેલાં અને જે ભૂમિ પર ચર્ચા વ્યાખ્યાનો કરેલાં એવા મહાન પયગંબર સ્વામી વિવેકાનંદનું સુયોગ્ય સ્મારક આ સુંદર મજાનું વૃક્ષ બની ગયું છે.’ અમેરિકામાં વેદાંત ભાવઆંદોલનના વિકાસના પ્રમાણમાં જાણે કે આ વૃક્ષની પણ વૃદ્ધિ થઈ છે.

ફ્રાન્સેસ લેગેટના પુત્ર લોર્ડ માર્ગેસ્સન આ રિજલીના છેલ્લા માલિક હતા. લોર્ડ ફ્રેંક અને લેડી હેલેના માર્ગેસ્સને શ્રીરામકૃષ્ણ સંઘ સાથે મૈત્રીપૂર્વકના સંબંધો જાળવી રાખ્યા. લોર્ડ માર્ગેસ્સનના પિતા ડેવિડ અને તેમનાં માતા ફ્રાન્સેસને – તેઓ જ્યારે નાનાં બાળક હતાં ત્યારે – સ્વામીજીએ વિશેષ આશીર્વાદ આપ્યા હતા. લોકો માને છે કે તે બંનેના ગૃહસ્થ જીવનના મિલનમાં સ્વામીજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સ્વામીજીની સ્મૃતિઓને હંમેશા જીવંત રાખવા માટે આ દંપતીએ અને એમના વંશજોએ ઘણી વિશેષ કાળજી લીધી છે. ૮૩ એકરની આટલી મોટી અસ્ક્યામતની જાળવણી કરવી એમને માટે મુશ્કેલ બની એટલે એમણે ૯૦ના દાયકાના પ્રારંભમાં એને વેંચી નાખવાનું નક્કી કર્યું. ન્યુયોર્કના સેલકિર્કની સારદા સોસાયટીએ આ જમીન ખરીદીને ત્યાં બહેનો માટેનું ધ્યાનશાંતિધામ બનાવવા અને તે માટે જરૂરી ફંડ ઊભું કરવા ઘણા પ્રયત્ન કર્યા પણ તેમને સફળતા ન મળી. ધ વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયાએ આ ભગીરથકાર્ય કરવાનું સ્વીકાર્યું. બેલુડ મઠની મંજૂરી અને સહાયથી આ સંસ્થાએ તત્કાળ ઘણી ઓછી રકમ આપીને અને બાકીની રકમ પાંચ વર્ષમાં ભરપાઈ કરી આપવાની શરતે આ ભૂમિનું સંપાદન કાર્ય પૂર્ણ કર્યું. મેનોરમાં રહેવા માટે માર્ગેસ્સનના કુટુંબને વિનંતી કરવામાં આવી. ૧૯૬૯માં રામકૃષ્ણ સંઘમાં જોડાયેલા અને સાન્‌ડિયાગોની વેદાંત સોસાયટીમાં અધ્યક્ષ સ્થાને રહેલા સ્વામી આત્મરૂપાનંદજી ૧૯૯૭ના સપ્ટેમ્બરમાં આ રિજલી કેન્દ્રના સંચાલક રૂપે સ્ટોન રિજ પહોંચી ગયા. આ અમેરિકન સંન્યાસી શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે બંગાળીમાં લખેલા ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું વાંચન એક કલકત્તાવાસી બંગાળીની જેમ કરી શકે છે.

સ્વામીજી જ્યારે જ્યારે પશ્ચિમમાં આવતા ત્યારે શિકાગો સ્વામીજીનું ઘર કે વતનભૂમિ જેવું બની જતું. જ્યાં સ્વામીજી સૌથી વધુ રહ્યા તે મકાન અત્યારે નથી. ૬૦ના દાયકામાં ‘હેઈલ હાઉસ’ને નેસ્તનાબૂદ કરવામાં આવ્યું. અલબત્ત યુ.એસ.એ.ની પોતાની બીજી યાત્રામાં જ્યાં સ્વામીજી બે વખત રોકાયા હતા તે ‘હેઈલ એપાર્ટમેન્ટ’માં સ્વામીજી કુલ મળીને દસ દિવસ રોકાયા હતા. આ એપાર્ટમેન્ટમાં લોકોનાં રહેઠાણ સિવાય વધારાની જગ્યા નથી. યુ.એસ.એ.માં બે ત્રણ એવાં સ્થળ છે કે જ્યાં સ્વામીજી રહ્યા હતા અને રામકૃષ્ણ સંઘે તેનું સંપાદન કરી લીધું છે. સિરેક્યુઝ ન્યુયોર્કની નજીક થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કના એક મકાનમાં સ્વામીજીએ ૧૮૯૫ના ઉનાળામાં આઠ સપ્તાહ નિવાસ કર્યો હતો. સાઉથ પેસેડેના કેલિફોર્નિયાના એક મકાનમાં સ્વામીજી ૧૯૦૦ના પ્રારંભના દિવસોમાં થોડાં સપ્તાહ રોકાયા હતા. માલિકો બદલવાથી આમાંના કોઈ સ્થળે સ્વામીજીની સ્મૃતિ જળવાઈ નથી. સંપાદન સમયે આ ઈમારતો બિસ્માર હાલતમાં હતી. પણ રિજલી મેનોર આમાં એક અનેરી ઈમારત છે કારણ કે રામકૃષ્ણ સંઘે આ ઈમારતની ભૂમિનું સંપાદન કર્યું તે પહેલાંના સમયથી એટલે કે સ્વામીજીના સમયથી માંડીને આજ સુધી તેનું મૂળ રાચરચીલું વગેરેને આ ઈમારતના મૂળ માલિકો અને તેમના વારસોએ ત્રણ પેઢી સુધી એમને એમ જાળવી રાખ્યાં છે. આ એ જ પાવનભૂમિ છે કે જ્યાં પથદર્શક પયગંબર સ્વામી વિવેકાનંદ સૌથી વધુ સમય રહ્યા. આ રિજલી મેનોર હવે આંતરરાષ્ટ્રિય કક્ષાનું એક અનન્ય પાવનધામ અને શાંતિધામ બની ચૂક્યું છે.

(ગ્લોબલ વેદાંત વો. ૪, નં. ૪, માં પ્રસિદ્ધ થયેલા મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ શ્રી મનસુખભાઈ મહેતાએ કર્યો છે.)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.