(ગતાંકથી આગળ)

૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?

કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને? અને આપણે પણ જો એવું જ ઇચ્છીએ તો આપણે એક કામ કરવું પડશે અને તે છે, પોતાના ચારિત્ર્યનું ઘડતર. મનુષ્ય જ કેન્દ્રમાં છે અને લક્ષ્ય પણ તે જ છે. મનુષ્ય વિશ્વની કોઈ પણ વસ્તુ કરતાં મૂલ્યવાન છે. તેની પોતાની સત્‌તાથી જ તેનું પુનર્નિર્માણ અને સંવર્ધન કરીને તેને મુક્ત કરવો પડશે. તેનો ઉપાય છે, ચારિત્ર્ય-નિર્માણ.

પ્રશ્ન ઊઠે છે, ચારિત્ર્ય શું છે?

મનુષ્ય ખરા અર્થમાં જે છે તે તેનું ચારિત્ર્ય છે. જેવું તેણે બનવું જોઈએ તે તેની પ્રતિષ્ઠા છે. ચારિત્ર્ય અને પ્રતિષ્ઠાનું એકરૂપ બની જવું એ જીવનની આદર્શ સ્થિતિ છે. ગ્રીક ભાષામાં ચારિત્ર્યના પર્યાય શબ્દનો અર્થ છે – ‘જગતમાં પોતાના અસ્તિત્વની છાપ અંકિત કરી જવી.’ ચારિત્ર્યથી જ ઈતિહાસનું સર્જન થાય છે.

ચારિત્ર્ય એટલે એવા ગુણો અને વિશિષ્ટતાઓ કે જે કોઈ વ્યક્તિ કે વસ્તુને બીજાથી અલગ કરે છે, કોઈ વ્યક્તિ કે રાષ્ટ્રના વિશિષ્ટ માનસિક—નૈતિક ગુણોનો સમન્વય, અથવા તો કોઈ વ્યક્તિ કે અસ્તિત્વ પર પ્રકૃતિ, શિક્ષણ કે રીતભાતો દ્વારા અંકિત થતી વ્યક્તિત્ત્વની છાપને ચારિત્ર્ય કહી શકાય.

સ્વામી વિવેકાનંદ કહે છે, ‘સંકલ્પશક્તિની દૃઢતા ને ચારિત્ર્ય – આની તમને ખાસ જરૂર છે. તમારી સંકલ્પશક્તિને હંમેશા યોગ્ય રીતે વ્યવહારમાં પ્રયોજતા રહો તો એ તમને ધીમે ધીમે ઊંચી ભૂમિકાએ લઈ જશે. સંકલ્પશક્તિ અત્યંત સમર્થ બળ છે. મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલોને આ ચારિત્ર્યબળ જ ભેદી શકે છે.’

અને તેઓ ચારિત્ર્યની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે :

‘માણસના માનસિક વલણો ને રુચિઓનો સરવાળો તેનું નામ જ ચારિત્ર્ય. આપણે આજે જે છીએ તે આપણે સેવેલા વિચારનાં પરિણામરૂપે જ છીએ. વિચારો જ જીવે છે; બહુ દૂર દૂર સુધી ફેલાઈ શકે છે. અને તેથી જ તમે જે કાંઈ મનમાં વિચારો તેના પર ખાસ લક્ષ આપજો. આપણે જે કાંઈ કાર્ય કરીએ, શરીરનું હલનચલન કરીએ કે જે કાંઈ વિચારીએ એ બધાંની આપણાં મન ઉપર છાપ અંકાઈ જાય છે. આપણી અત્યારની સ્થિતિ ઘડનારા આવા સંસ્કારો જ છે. પ્રત્યેક માણસનું ચારિત્ર્ય આવા સંસ્કારોના સરવાળામાંથી જ ઘડાતું હોય છે. જો શુભ સંસ્કારો વધારે પ્રમાણમાં હશે તો ચારિત્ર્ય પણ સારું હશે, જો ખરાબ સંસ્કારો વધારે પ્રમાણમાં હશે તો ચારિત્ર્ય પણ ખરાબ હશે.’

ચારિત્ર્ય કોઈ પણ વ્યક્તિના હૃદય તથા મસ્તકના એ ગુણોનો સરવાળો છે કે જેની રચનાત્મક સહાયથી તે જીવનનાં તત્ત્વો અને શક્તિઓ પર પ્રભુત્વ મેળવી લે છે અને એ રીતે ધીમે ધીમે આત્મિક પરિપૂર્ણતા પ્રાપ્ત કરીને બીજાને પણ તે મદદરૂપ નીવડે છે.

ચારિત્ર્યવાન મનુષ્ય જો પ્રગતિ તરફ આગળ વધે છે, તો ચારિત્ર્યહીન મનુષ્ય અધોગતિ તરફ નીચે ઊતરે છે. ચારિત્ર્યવાન વ્યક્તિ જો ઈતિહાસનું સર્જન કરે છે, તો ચારિત્ર્યહીન મનુષ્ય ઈતિહાસનો માર ખાય છે. ચારિત્ર્યવાન વ્યક્તિ આશા, સાંત્વના, ભલાઈ, શાંતિ અને પ્રેરણા રૂપ બની શકે છે. જ્યારે ચારિત્ર્યહીન વ્યક્તિ સમાજમાં મુશ્કેલીઓ, સંઘર્ષો, ચિંતા અને દુ:ખ ઉત્પન્ન કરે છે.

જીવન માટે ચારિત્ર્ય એટલું બધું મહત્ત્વનું છે કે એના વગરનું જીવન એ મૃત્યુથી પણ બદતર છે. એવું કદાચ શક્ય બને કે આપણે જગતને એટલા બધા ખાદ્યપદાર્થોથી ભરી દઈએ કે લોકો પછી તે લેવાની ના પાડી દે, પરિવાર નિયોજનમાં કદાચ આપણે એટલા સફળ બની જઈએ કે જગતમાં બધા પુખ્ત મનુષ્યો જ ફરતાં દેખાય. એવું પણ કદાચ બની શકે કે લોકોને જોઈએ તેટલી લઈ જવા માટે રસ્તાની બંને બાજુએ સોનાની ઈંટોના ઢગલા કર્યા હોય અને કોઈ ન લઈ જાય. આપણે જગતમાં ઔદ્યોગિકીકરણ એટલું બધું વિસ્તારી દઈએ કે ધૂમાડાથી ભરેલા ધુમ્મસથી આપણો શ્વાસ રૂંધાવા લાગે અને કદાચ એમ પણ શક્ય બને કે આપણા દ્વારા સ્થપાયેલી વિશ્વ સરકાર નિર્વિઘ્ને ચાલતી રહે. તો પણ એક વસ્તુ વગર કોઈ ચોક્કસપણે નહીં બતાવી શકે કે આપણા જીવનની નવી અને જુદા જુદા પ્રકારની ગૂંચવાડા ભરેલી સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું? અને તે વસ્તુ છે, ચારિત્ર્ય.

ચારિત્ર્યમાં જ જીવનના પ્રત્યેક કોયડાના ઉકેલની ચાવી છુપાયેલી છે. તેનામાં પ્રત્યેક કુચક્રને તોડવાની ક્ષમતા છે. એવું કોઈ પણ રહસ્ય નથી કે જેનું ઉદ્‌ઘાટન ચારિત્ર્ય ન કરી શકે. એવો કોઈ પણ ઘાવ નથી કે જેને તે ન ભરી શકે. એવી કોઈ પણ ઇચ્છા નથી કે જેની એ પૂર્તિ ન કરી શકે અને એવું કોઈ પણ નુકશાન નથી કે જેને તે ભરપાઈ ન કરી શકે. આથી જીવનના સમગ્ર રચનાત્મક પ્રયત્નોમાં સહુથી વધારે મહત્ત્વનું તો એ જાણવાનું છે કે આપણે કઈ રીતે આપણા ચારિત્ર્યનું ઘડતર કરી શકીએ. અને આપણા સંપર્કમાં આવનારા અન્ય લોકોના ચારિત્ર્યનિર્માણમાં સહાય કરી શકીએ.

ભારતીય મનોવિજ્ઞાન અનુસાર બાળકનું ચારિત્ર્ય તેની ગર્ભાવસ્થામાં જ ઘડાવા લાગે છે. માતાપિતાના વિચાર કેટલેક અંશે આકારવિહોણા શિશુમાં અંકિત થઈ જાય છે. પ્રાચીન સ્મૃતિકાર મનુના મત પ્રમાણે માનવનો ઉછેર કરનારા સામાજિક સમૂહોમાં કુટુંબ સહુથી મહત્ત્વપૂર્ણ છે. લગ્નથી એક કુટુંબ સર્જાય છે અને બાળક માતાપિતાની પ્રત્યક્ષ એકતા અને તેમના અસ્તિત્વની પ્રાપ્ય સ્થિતિનું પ્રતીક બની જાય છે.

માતાપિતા અને બાળક આ ત્રણ મળીને બનતા કુટુંબ રૂપી પાયાનું સામાજિક એકમ જ બાળકના ચારિત્ર્ય નિર્માણની પ્રથમ શાળા છે. જાણતાં કે અજાણતાં, માતાપિતા પોતાના વિચારો અને કાર્યોથી બાળકનું ચારિત્ર્ય ઘડે છે. પ્રારંભમાં બાળક સહજ રીતે જ તેમનાં સારાં-નરસાં બધાં આચરણો ગ્રહણ કરતું હોય છે. ત્યારે તેનામાં વિવેકબુદ્ધિ કે પ્રતિકાર કરવાની શક્તિ હોતી નથી. મોટું થતાં બાળક કેવું ચારિત્ર્ય દાખવશે એનો આધાર મોટે ભાગે એના કુટુંબ પર હોય છે.

 જ્યારે બાળક જાગ્રતપણે અવલોકન કરવાની ક્ષમતા ધરાવતું થાય છે, ત્યારે તે પોતાના માતાપિતાને જોઈને તેનું અનુકરણ કરતાં પોતાના ચારિત્ર્યનું ઘડતર કરવાનું શરૂ કરી દે છે. આથી જો તેને જોવા, સાંભળવા કે અનુકરણ કરવા માટે સારી, ઉમદા અને મૂલ્યવાન વસ્તુઓ મળે તો આપણે સ્પષ્ટપણે કહી શકીશું કે આ બાળક યોગ્ય સમયે ઉત્તમ ચારિત્ર્ય ધારણ કરશે. પરંતુ નાનપણમાં જો એથી ઊલટી પરિસ્થિતિ હશે તો તેનું ચારિત્ર્ય પણ તેવું જ બનશે. માતાપિતા તેનાં ઊછરતાં બાળકોને કેવો માનસિક આહાર આપે છે, તેના ઉપર મોટે ભાગે ચારિત્ર્ય-નિર્માણનો આધાર રહેલો છે. વળી કુટુંબમાં બાળકના ચારિત્ર્યને ઘડવામાં માતાનો પ્રભાવ અગણિત છે. તેથી જ તો મનુ કહે છે:

उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता।
सहस्रं तु पितृन्माता गौरवेणातिरिच्यते।।

એક સામાન્ય શિક્ષક કરતાં વેદના આચાર્ય દશ ગણા વધારે, આચાર્ય કરતાં પિતા સો ગણા વધારે, પૂજનીય છે. પણ પિતાથી પણ હજાર ગણી વધારે માતા પૂજનીય છે.

એક રીતે જોતાં એ સાચું છે કે તમે તમારાં બાળકોને જેવાં ઇચ્છો છો, અથવા તે માટે જેવો પ્રયાસ કરો છો, તેનાથી વધારે સારાં તો બનાવી શકતાં નથી. પરંતુ તેનાથી ઊતરતાં જરૂર બનાવી શકો છો. મોટે ભાગે સંતજનો મહાન ચારિત્ર્યવાળાં સ્ત્રી પુરુષોને ત્યાં જ જન્મ લેતા હોય છે. ચારિત્ર્ય-નિર્માણ માટે આપણે બાળકો પર જેટલું વહેલું ધ્યાન આપીએ તેટલું વધારે સારું છે. આ ધ્યાન આપવાનું બાળકના જન્મ પહેલાં પણ બની શકે છે. શરત એટલી કે માતાપિતાનું મન શુદ્ધ અને વિચારો ઉમદા હોવા જોઈએ.

જેઓ જીવનભર અવિરત પોતાના ચારિત્ર્યનું ઘડતર કરી રહ્યાં હોય ફક્ત એવાં જ માતાપિતા સાચી રીતે પોતાનાં બાળકોનાં ચારિત્ર્યનું ઘડતર કરી શકે.

બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં માતાપિતા પછી શિક્ષકોનો પ્રભાવ પણ મહત્ત્વનો છે. જો માતાપિતા અને શિક્ષકો ઉમદા ચારિત્ર્યવાળાં હશે, તો તેમના આશ્રયે રહેનારાંઓ પણ ચોક્કસપણે એ જ છાપ ગ્રહણ કરશે. એટલા માટે પ્રાચીનકાળમાં શિક્ષણની જવાબદારી આદર્શ ચારિત્ર્યવાળા ઋષિઓ ઉપર હતી. અને તેમની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કરવું એ વરદાન સમાન હતું.

જો માતાપિતા અને શિક્ષકોમાં ચારિત્ર્યનો અભાવ હશે તો તેમના આશ્રયે રહેનારાં બાળકો પણ તેવાં બનવાની શક્યતા છે, પણ જે બાળકો ચારિત્ર્યવાન માતાપિતા દ્વારા ઊછેરીને ચારિત્ર્યહીન શિક્ષકોના હાથમાં પડે છે અથવા તો એથી ઊલટું બને તો એમના વ્યક્તિત્વમાં આ બંને અસરોનું દ્વન્દ્વ જોવા મળશે.

માતાપિતા તથા શિક્ષકો દ્વારા અજાણતાં જ પરંતુ નિશ્ચિતપણે પડનારી આ સારી-નરસી અસરો સિવાય બાળકો પર સામાજિક વાતાવરણની પણ ઘણી પ્રબળ અસર હોય છે. ચારિત્ર્ય ઘડતર દ્વારા અસરોને ફક્ત ઘરોની અંદર જ રચનાત્મક માર્ગે વાળી શકાય.

૭. ચારિત્ર્ય-નિર્માણનાં ઉપયોગી સાધન

ચારિત્ર્ય ઘડતર માટે કેટલાંક ઉપયોગી સાધન છે. જેમને સભાનતાપૂર્વક વિકસાવી શકાય છે. તે આ પ્રમાણે છે :

(૧) શરીર અને મન અંગેનું સમન્વિત જ્ઞાન અને તેની તાલીમ. (૨) શ્રીકૃષ્ણે ગીતામાં પ્રબોધેલ દેહ, મન અને વાણી દ્વારા ત્રિવિધતપસ્યાઓનો અભ્યાસ.(૩) દૈવીસંપત્તિની પ્રાપ્તિની તાલીમ. (૪) પતંજલિએ આપેલાં યમ-નિયમનાં સાધનોનો અભ્યાસ. (૫) નૈતિક સદાચારની વૃત્તિ. (૬) ઉચ્ચતર મૂલ્યોમાં વચનબદ્ધતા. (૭) વિવેક, એકાગ્રતા, અનાસક્તિ તથા ઇચ્છાશક્તિનો વિકાસ. (૮) સાચા શિક્ષણાર્થી માટે પાંચ શક્તિઓના વિકાસની તાલીમ.

વ્યવહારિક રૂપે કહીએ તો ચારિત્ર્યનિર્માણનો અર્થ છે, આત્મસંયમ. આત્મસંયમથી દેહ-મનરૂપી સાધનનું જ્ઞાન અને એના ઉપર નિયંત્રણની શક્તિ જાગ્રત થાય છે. હવે આપણે વિસ્તારથી જોઈએ.

શ્રીકૃષ્ણે ગીતામાં બતાવેલી દેહ, મન અને વાણી દ્વારા થતી ત્રિવિધ તપસ્યાનો અભ્યાસ :

देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्राचर्यमहिंसा च शारीरं तप उच्यते ।।

દેવતાઓ, બ્રાહ્મણો, આચાર્યો, તથા જ્ઞાનીઓની પૂજા, સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા- આને શારીરિક તપ કહે છે.                (ગીતા. ૧૭ : ૧૪)

अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत्।
स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते।।

એવી વાણી કે જે કોઈના મનને પીડા આપતી નથી, જે સત્ય પ્રિય અને હિતકારી હોય તેવું બોલવું અને વેદોનો નિયમિત રૂપે અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહે છે. (ગીતા. ૧૭ : ૧૫)

मन:प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: ।
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ।।

મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, મૌન, આત્મનિગ્રહ અને ભાવોની સંશુદ્ધિ એને મનનું તપ કહે છે. (ગીતા. ૧૭ : ૧૬)

તપસ્યાના નામથી ભડકી જવું એ આપણી આધુનિકોની સામાન્ય વૃત્તિ છે. પરંતુ એ જાણી લેવું જરૂરી છે કે સઘળે તપશ્ચર્યાનું જ સામ્રાજ્ય છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં ૧૭મા અધ્યાયના ૫મા અને ૬ઠ્ઠા શ્લોકમાં ખોટી રીતની તપશ્ચર્યાને વખોડી કાઢી છે. પરંતુ શારીરિક, વાચિક, માનસિક આ ત્રણ પ્રકારની તપશ્ચર્યાઓનું તેઓ સમર્થન કરે છે. શ્રીકૃષ્ણે દર્શાવેલી આ ત્રણ પ્રકારની તપશ્ચર્યાઓનું કાળજીપૂર્વક અધ્યયન કરવાથી એ જાણી શકાય છે કે મૂળભૂત રીતે આ મનો-દૈહિક કાર્યકુશળતા પ્રાપ્ત કરવાનાં સૂત્રો છે. જેના પ્રભાવથી આપણે ઉચ્ચ પ્રકારનું જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. નિ:ષ્પ્રાણ મનુષ્યોમાં નવજીવનનો સંચાર કરવા માટે આ ત્રિવિધ તપસ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. એનું સફળતાપૂર્વક આચરણ કરવાથી તેની આડપેદાશ રૂપે વ્યક્તિનું મહાન ચારિત્ર્ય ઘડાશે અને તેથી તેનું આ દુનિયામાં સર્વ પ્રકારે સારું તો થશે જ પણ સાથે સાથે આધ્યાત્મિક કલ્યાણ પણ થશે.

ગીતામાં શ્રીકૃષ્ણે આપેલી દૈવી સંપત્તિનું વિવરણ :-

अभयं सत्त्वसंश्रुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः |
दानं दमश्र्च यज्ञश्र्च स्वाध्यायस्तप आर्जवम् ||

નિર્ભયતા, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં વિશેષ સ્થિરતા, દાન, આત્મસંયમ યજ્ઞ, શાસ્ત્રોનું અધ્યયન, તપ અને સરળતા. (ગીતા, ૧૬ : ૧)

अहिंसा सत्यमक्रोधस्त्यागः शान्तिरपैश्रुनम् |
दया भूतेष्वलोलुप्त्वं मार्दवं ह्रीरचापलम् ||

અહિંસા, સત્ય, ક્રોધનો અભાવ, ત્યાગ, શાંતિ, કોઈની નિંદા ન કરવી, દયાભાવ, અલોલુપતા, નમ્રતા, લજ્જા અને સ્થિરતા. (ગીતા,૧૬ : ૨)

तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता |
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत ||

તેજસ્વીપણું, ક્ષમા, ધીરજ, પવિત્રતા, વિશ્વસનીયતા, અત્યધિક અભિમાનનો અભાવ – આ બધા ગુણો હે ભારત, દૈવી સંપત્તિની સાથે જન્મ લેનારાંઓમાં સ્વભાવથી જ હોય છે.     (ગીતા,૧૬ : ૩)

આપણામાંના ઘણા દૈવી સંપત્તિ સાથે કદાચ ન પણ જન્મ્યા હોય તો પણ તે પ્રાપ્ત કરી શકાય છે. કેવી રીતે? સર્વ પ્રથમ તો આપણે વારંવાર ચિંતન કરીને આ શબ્દોના ગૂઢ રહસ્ય પ્રત્યે આંતરદૃષ્ટિ વિકસાવવી પડશે. તેથી ધીમે ધીમે આપણને સમજાવા લાગશે કે શા માટે તેને ‘દૈવીસંપત્તિ’ કહેવામાં આવે છે. જાગ્રત મનુષ્ય માટે આ જગતમાં આ દૈવીસંપત્તિથી વધારે મૂલ્યવાન બીજી એકેય વસ્તુ નથી. જ્યારે આપણા અંતરમાં આ સમજણ શક્તિ વિકાસ પામશે ત્યારે તેને પ્રાપ્ત કરવા માટે આપણા અંતરમાં આપોઆપ તીવ્ર આકાંક્ષા જાગી ઊઠશે.

એ પછી આપણો આંતરિક સંઘર્ષ શરૂ થશે. આપણે કોઈ પણ જાતના ભય પામ્યા વગર કે નિરાશ થયા વગર તેનો સામનો કરવો પડશે. આપણા પોતાના જૂના અને ખાસ કરીને ખોટા સંસ્કારો તેનો તીવ્ર વિરોધ કરશે. પરંતુ જો મનુષ્યને  સંપૂર્ણ વિશ્વાસ હોય કે આ દૈવીસંપત્તિ વગર જીવન નિરર્થક છે, અને તેને મેળવ્યા વગર છૂટકો જ નથી તો તે ફક્ત મહાન જ નહીં પણ દિવ્યચારિત્ર્યવાળો મનુષ્ય બનશે. એ જ મનુષ્ય આ પ્રાપ્ત કરી શકે કે જે યુવાન, ઉત્સાહી, ને બુદ્ધિમાન હોય અને જેનામાં આંતરિક જગતમાં ડૂબકી લગાવવાનું અદમ્ય સાહસ હોય ને સાથે સાથે વીરતા, સમર્પણ અને આત્મવિશ્વાસ હોય.

યમ નિયમનાં સાધનનો અભ્યાસ :-

મહાન આચાર્ય પતંજલિએ પોતાનાં યોગસૂત્રો (૨/૩૦-૩૨)માં ચારિત્ર્યનિર્માણના પાયાની રચના માટે યમ અને નિયમ આ બે સાધનો દર્શાવ્યાં છે. આ સાધનો તેના પૂર્ણ સ્વરૂપમાં સમૃદ્ધ જીવનની સાથે સાથે દિવ્ય અનુભૂતિ કરાવી શકે તેવાં સમર્થ છે. જેઓ પોતાના ચારિત્ર્ય ઘડતર માટે ગંભીર છે, તેમણે આ સાધનો વિશે જાણ્યા બાદ તુરત જ તેના અભ્યાસમાં લાગી જવું જોઈએ. જીવન ક્ષણિક છે અને ચારિત્ર્યઘડતર એ લાંબી પ્રક્રિયા છે. આથી કોઈએ પણ વધુ સમય બરબાદ કરવો ન જોઈએ.

યમ શું છે? પતંજલિના શબ્દોમાં —

अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमा:।

અહિંસા, સત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આને યમ કહે છે.     (યોગ સૂત્ર, ૨ : ૩૦)

તેઓ આગળ કહે છે —

एते जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम्।

આ જાતિ, સ્થળ, કાળ તથા ઉદ્દેશ્યના નિયમોથી નિરપેક્ષ  સાર્વભૌમિક મહાવ્રત છે.  (યોગસૂત્ર ૨ : ૩૧)

शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः।

આંતરિક તથા બાહ્યશુદ્ધિ, સંતોષ, તપશ્ચર્યા, શાસ્ત્ર પાઠ અને ઈશ્વરોપાસના- આ નિયમ છે. (યોગસૂત્ર ૨ : ૩૨)

શ્રીકૃષ્ણે કહેલી ત્રણ પ્રકારની તપસ્યાઓ અને દૈવી સંપત્તિની સાથે પતંજલિએ આપેલા યમ-નિયમના સાધનોનો સમન્વય કરીને અભ્યાસ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે એમાં ક્યાંક ક્યાંક પુનરાવર્તન છે.

પરંતુ આ પુનરાવર્તન ચારિત્ર્યનિર્માણમાં તેનું કેટલું મહત્ત્વ છે, એ દર્શાવે છે.

હવે આપણે અંતિમ બાબત સાચા શિક્ષણાર્થી માટેની આવશ્યક પાંચ શક્તિઓનો વિકાસ લઈએ.

‘અંગુત્તર નિકાય ગ્રંથ’માં ભગવાન બુદ્ધ પોતાના શિષ્યોને માટે આવશ્યક પાંચ શક્તિઓના વિકાસનો ઉપદેશ આપે છે. આ પાંચ શક્તિઓના વિકાસનો લાભ મેળવવા કોઈએ નિર્વાણના સાધક બનવાની જરૂર નથી. પરંતુ આ કોઈ પણ વ્યક્તિને એવું ચારિત્ર્ય આપે છે કે પછી આંતરિક કે બાહ્ય સ્વરૂપે એનો નાશ કરી શકાતો નથી. તે શક્તિઓ આ પ્રમાણે છે.

એક વાર ભગવાન બુદ્ધે ભિક્ષુઓને શીખનારની શક્તિઓ વિશે ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું :- આ પાંચ શક્તિઓ છે.

(૧) શ્રદ્ધાની શક્તિ :- સાચા શીખનારને પોતાના ગુરુ પર શ્રદ્ધા હોય છે. તેને ગુરુના જ્ઞાન અને પરમ સત્ય વિશે શીખવવાની શક્તિ ઉપર વિશ્વાસ હોય છે.

(૨) વિવેકની શક્તિ :- સાચો શીખનાર સ્વાભાવિક રીતે જ વિવેકી હોય છે અને જ્યારે મન, વચન કે કર્મથી તેના દ્વારા કોઈ અનુચિત કાર્ય થઈ ગયું હોય તો તે આંતરિક બેચેની અનુભવે છે.

(૩) ભયની શક્તિ :- સાચો શીખનાર મન, વચન, કર્મથી, ખોટાં કાર્યથી ઉત્પન્ન થનાર ભૂલોથી ડરતો હોય છે.

(૪) ઉત્સાહની શક્તિ :- સાચા શીખનારમાં સઘળી સારી વસ્તુઓનો સ્વીકાર અને સઘળી ખોટી વસ્તુઓનો ત્યાગ કરવાનો ઉત્સાહ હોય છે.

(૫) અંત: પ્રેરણાની શક્તિ : સાચા શીખનારમાં વસ્તુઓના સાચા સ્વરૂપને જોવાની અંર્તદૃષ્ટિ હોય છે. એને પરિણામે તે વિકાસમાં છુપાયેલા વિનાશને જોઈ લે છે, અને એ રીતે દુ:ખના મૂળ કારણને દૂર કરીને પોતાની જાતને તૈયાર કરી લે છે.

સાંભળો ભિક્ષુઓ, જો તમે દુ:ખનો નાશ કરવા અને પરમ સત્યમાં પ્રતિષ્ઠિત થવા ઇચ્છતા હો તો તમારે તમારા પોતાનામાં શ્રદ્ધા, વિવેક, ભય, ઉત્સાહ અને અંર્તદૃષ્ટિ વિકસિત કરવાની રહે છે. કેમ કે હે ભિક્ષુઓ, સાચા શીખનારની આ જ પાંચ શક્તિઓ છે.

અહીં આપણને મહાન ચારિત્ર્ય ઘડવા માટે પુષ્કળ કિંમતી સામગ્રી આપવામાં આવી છે. હવે શિલ્પીએ પોતાના કલ્પના, ઇચ્છા, શક્તિ અને ઉત્સાહને કામે લગાડી જીવનની આ ભવ્ય ઈમારત કે જેને ચારિત્ર્ય કહેવામાં આવે છે, તેના નિર્માણમાં લાગી જવું જોઈએ.

Total Views: 980

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.