આત્માને જાગૃત કરવા માટે પ્રેરણા અન્ય આત્મા પાસેથી આવવી જોઈએ. જે આત્મા પાસે આવી પ્રેરણા મળે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને શિષ્ય કહેવામાં આવે છે. આ પ્રેરણાનો અન્ય આત્મામાં સંચાર કરવા માટે પહેલાં તો સંચાર કરનાર આત્મામાં તેમ કરવાની શક્તિ હોવી જોઈએ; અને બીજું, જેનામાં તેનો સંચાર કરવામાં આવે તેમાં તેને ગ્રહણ કરવાની યોગ્યતા હોવી જોઈએ. બીજ જીવંત હોવું જોઈએ અને ક્ષેત્ર ખેડેલું તૈયાર હોવું જોઈએ; આ બંને શરતો પૂરી થાય ત્યારે ધર્મ ભાવનાનો અદ્‌ભુત વિકાસ થાય છે. ‘ધર્મનો વક્તા અદ્‌ભુત હોવો જોઈએ અને તેનો શ્રોતા પણ તેવો જ હોવો જોઈએ.’ आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा।  જ્યારે આ બંને અદ્‌ભુત અને અસામાન્ય હોય ત્યારે જ સુંદર આધ્યાત્મિક વિકાસ થાય છે.  તે સિવાય નહીં. સાચા ગુરુઓ અને સાચા શિષ્યો આવા જ હોવા જોઈએ……

તો પછી ખરા ગુરુને આપણે ઓળખીએ શી રીતે? પહેલવહેલું તો એ કે સૂર્યને જોવા માટે કોઈ પ્રકાશની જરૂર નથી હોતી; તેને માટે આપણે મીણબત્તી સળગાવતા નથી. સૂર્ય ઊગે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને તેના ઉદયનું ભાન થાય છે. તે જ પ્રમાણે જ્યારે માનવજાતિના ગુરુ આપણી સહાય માટે આવી ચડે છે ત્યારે આત્માને આપોઆપ પ્રતીતિ થાય છે કે તેને સત્યની પ્રાપ્તિ થઈ છે. સત્ય પોતાના જ આધાર પર નભે છે; બીજા કોઈ પુરાવાની જરૂર તેને રહેતી નથી; તે સ્વપ્રકાશ છે. આપણા સ્વભાવના અંતર્ગત ઊંડાણમાં તે પહોંચી જાય છે અને આખુંય વિશ્વ ઊભું થઈને પોકારે છે કે ‘આ સત્ય છે’. આ તો થઈ કોઈ મહાન ગુરુઓની વાત. પરંતુ આપણે તેથી ઊતરતી કક્ષાના ગુરુઓ પાસેથી પણ મદદ મેળવી શકીએ. જે માણસ પાસેથી આપણે જ્ઞાન મેળવવા ધારીએ તે માણસ કઈ કોટિનો છે તે નક્કી કરવા જેટલું સ્વભાવસહજ જ્ઞાન કે શક્તિ આપણામાં પૂરતા પ્રમાણમાં ન હોય; તેથી તે સારુ કેટલીક કસોટીઓ હોવી જોઈએ.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ-૪, પૃ. ૩૨૬-૨૮)

Total Views: 214

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.