અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ — ‘હું બ્રહ્મ છું.’ સર્વં ખલુ ઈદં બ્રહ્મ — ‘આ આખું વિશ્વ ખરે જ બ્રહ્મ છે.’ આ રહસ્યને ભેદવામાં અને, પોતાના અનંત સ્વરૂપને જાણવામાં મનુષ્યને સહાયભૂત થવાનો ઉપનિષદોનો સર્વોચ્ચ ઉદ્દેશ છે. મનુષ્ય જીવનની પામરતા અને ક્ષુદ્રતાથી તેને ઉપર ઉઠાવવાના અને, તેના ચીલાચાલુ જીવનની ઉપર આધિપત્ય ભોગવતા તેના મર્યાદિત સ્વત્વથી ઉપર ઉઠાવવાના જ્ઞાનનો પરિચય તેને ઉપનિષદોમાં સાંપડે છે. આપણા કોઈ શહેરની સાંકડી, અંધારી ગલીમાં વસતો માનવી જેટ વિમાને ચડીને આકાશના અનંત વિસ્તારમાં અનવરુદ્ધ ગતિનાં સ્વાતંત્ર્ય અને આનંદમાં વિહરે તેમ, મર્યાદાબદ્ધ માનવીને પોતાના ઇન્દ્રિયબદ્ઘ જીવનમાંથી પોતાની અનંતતાના સાચા સ્વાતંત્ર્ય અને આનંદ તરફ ઉપનિષદો લઈ જાય છે.

બરાબર આ બિંદુઓ, ઈશ ઉપનિષદના છઠ્ઠા અને સાતમા શ્લોકોમાં મનુષ્ય જ્ઞાનના સર્વોત્તમ શિખરે આપણને લઈ જાય છે:

યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મન્યેવાનુપશ્યતિ;
સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે —

‘જે જ્ઞાની મનુષ્ય બધાં પ્રાણીઓને પોતાનામાં જુએ છે અને, પોતાને સર્વ પ્રાણીઓમાં જુએ છે તે, આ દર્શનને પરિણામે, કોઈને ધિક્કારતો નથી.’

યસ્મિન્ સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂત્ વિજાનત: ;
તત્ર કો મોહ: ક: શોક: એકત્વમ્ અનુપશ્યત: —

‘સર્વ ભૂતોને પોતાના આત્મામાં નિહાળી, જે જ્ઞાની પુરુષ સમગ્ર અસ્તિત્વની એકતાનો સાક્ષાત્કાર કરે છે તેને પછી શો મોહ કે શોક રહે ?’

અનંત આત્મા જ મનુષ્યનું સાચું સ્વરૂપ છે, પ્રત્યેક સ્ત્રી-પુરુષનું સાચું સ્વરૂપ છે તે વિચારનું પરિણામ સાધક સામે આ ઉપનિષદ ધરે છે. પોતે આત્મા છે એવો સાક્ષાત્કાર જેને થાય છે તે જુએ છે કે, તે પોતે બધાં પ્રાણીઓ સાથે એક છે અને, કોઈ પોતાનાથી ભિન્ન નથી. પછી કોણ કોનો દ્વેષ કરે ? એ જ્ઞાનપ્રાપ્ત આત્મા, બધાં સાથે એકરૂપ છે; આ દર્શનની જીવન-અભિવ્યક્તિ કેવળ વિશ્વપ્રેમ છે, મુક્ત સેવા છે; પ્રેમ સંયોજક બળ છે ત્યારે, દ્વેષ ભિન્નતાની ભાવનામાંથી ઉદ્‌ભવે છે, અર્વાચીન કે પ્રાચીન ભારતીય ચિંતન પ્રમાણે આ સાક્ષાત્કાર માનવ-ઉત્કૃષ્ટતાનું ઉચ્ચતમ શિખર આંબે છે. આ બે શ્લોકો ઉચ્ચતમ આધ્યાત્મિકતાનો સંદેશ આપે છે, ત્યાં ઉચ્ચતમ દર્શન ઉચ્ચતમ ચારિત્ર્ય તરીકે મૂર્તિમંત થાય છે. ભારતના સઘળા મહાપુરુષોએ આ બે શ્લોકો પ્રત્યે હૃદયની પૂર્ણતાથી પ્રતિભાવ આપ્યો છે. આપણા દેશના સાધુસંતો, બૌદ્ધિકો, ભક્તો આ  આધ્યાત્મિક કથનને અતિ ઊંચે આસને બેસાડે છે. આ અનુભૂતિ દ્વારા બધાં મનુષ્યો સાથે, બધા જીવો સાથે એકત્વનો સાક્ષાત્કાર કરે છે.

તતો ન વિજુગુપ્સતે — ‘પછી એ બધાને ધિક્કારતો બંધ થાય છે.’ વિજુગુપ્સા એટલે દ્વેષ; તેમજ એનો અર્થ મનની સંકુચિતતા અને છૂપું રાખવાની વૃત્તિ પણ થાય છે. મનની સંકુચિતતા, છાનુંછપનું રાખવાની વૃત્તિ અને દ્વેષ હંમેશાં ભિન્નતાની ભાવનામાંથી જન્મે છે. ભેદની ભાવના બધી સ્વાર્થી ઇચ્છાઓની જનની છે; પોતાના વિચારો અને પોતાની માલિકીની વસ્તુઓ એમાંથી પેદા થાય છે; બીજાંનું શોષણ કરવું કે બીજાંઓને પાછળ પાડી દેવાની વૃત્તિ અને એવું બધું એમાંથી જન્મે છે. પરંતુ, આ ભેદની ભાવના નાશ પામે છે ત્યારે, આવી ગણતરીઓ પણ નાશ પામે છે અને તેમને સ્થાને બીજાંઓ પ્રતિ વૈશ્વિક પ્રેમની અને ઔદાર્યની લાગણી અને, પોતાના અંતરમાં આનંદ તથા શાંતિ અનુભવે છે. એટલે તો, સાતમો શ્લોક

તત્ર કો મોહ: ક: શોક: એકત્વમ્ અનુપશ્પત: —

‘જે જ્ઞાની પુરુષ આ એકતાનો સાક્ષાત્કાર કરે છે તેને પછી શો મોહ કે શોક રહે ?’ આ પ્રશ્નથી પૂરો થાય છે.

ભેદની ભૂલની સુધારણા

આ મર્યાદિત દેહ અને મનની સાથે તાદાત્મ્ય સાધવાને પરિણામે, શોક ને વ્યામોહ આવે છે. આમ આપણા અસ્તિત્વના અનાત્મ પાસા સાથે આપણી જાતનું તાદાત્મ્ય સાધ્યાથી, આપણે નિર્બળ, અસહાય, સીમિત અને, બીજાઓથી વિખૂટા પડી ગયા લાગીએ છીએ; અને નિર્બળતાની એ પરિસ્થિતિમાં, આપણે અનેક પ્રકારની ભૂલો કરીએ છીએ, બધા પ્રકારની તાણ અને પીડા અનુભવીએ છીએ અને, બધા પ્રકારનાં પાપ કરીએ છીએ. ભેદના ભ્રમમાંથી આ બધું ઊભું થાય છે. બધી નીતિ, બધાં નીતિશાસ્ત્રો અને અધ્યાત્મ આપણને કહે છે કે, આપણે સૌ, તત્ત્વત:, એક છીએ. જિસસ કહે છે: ‘તારી જાતને ચાહે છે એટલું તારા પડોશીને ચાહજે.’ ઉપનિષદો ઉમેરે છે: ‘કારણ કે તું જ તારો પડોશી છે.’ તત્ત્વજ્ઞાન પુરવાર કરે છે કે, ભેદનું ભાન સત્ય નથી; એ આપણને એકતાનું  જ્ઞાન આપે છે; અને આ જ્ઞાન સાથે નીતિ અને નીતિશાસ્ત્ર આવે છે અને, પ્રત્યેક સ્ત્રી-પુરુષ સાથેનો, સમસ્ત પ્રકૃતિ સાથેનો આપણો સાચો સંબંધ આપણે જાણીએ છીએ. ‘જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન અનેકતા તરફ લઈ જાય છે,’ એમ શ્રીરામકૃષ્ણ કહે છે. એટલે, આ ભેદના ભ્રમને ભાંગવાનો, જીવનના મુખ્ય પ્રવાહમાંથી આપણને આઘા હડસેલનાર અજ્ઞાનના ‘મૂળપાપ’ને દૂર કરવાનો અધ્યાત્મ વિદ્યાનો હેતુ છે. નદીનાં પાણીને એના મૂળ પ્રવાહથી આઘાં વાળવામાં આવે તો તે અસ્પંદ થઈ જાય છે; અને પોતાના મૂળ પ્રવાહથી અલગ પડેલો માનવી બંધિયાર થઈ સડવા લાગે છે અને, દોષમાં, દુ:ખમાં, ભ્રમમાં સબડે છે. સાતમો શ્લોક જે વ્યક્તિ દોષ, દુ:ખ અને ભ્રમની પાર ગયો છે તેનાં ગુણગાન ગાય છે :

યસ્મિન્ સર્વાણિ ભૂતાનિ આત્મૈવાભૂત્ વિજાનત: —

‘એ જ્ઞાની છે જે બધાં ભૂતોને (પ્રાણીઓને) પોતાનામાં જુએ છે.’

નાગરિક તરીકે સામાજિક જાગૃતિની તાલીમથી અને, આધ્યાત્મિક સાધક તરીકે અંતર્મુખતાની તાલીમથી, આ એકતાના સાક્ષાત્કારની શક્તિ આવે છે. વેદાન્ત અનુસાર આ સર્વાંગીણ તાલીમ ધર્મ છે. નિર્દોષં હિ સમં બ્રહ્મ — ‘બ્રહ્મ બધા દોષથી મુક્ત છે અને બધાંમાં સમાન છે; એમ ગીતા (૫.૧૯) કહે છે અને, અનેક શ્લોકોમાં સાચા માનવ જીવન અને કાર્યના પરિણામ તરીકે આ એકત્વદર્શિતાનાં ગુણગાન ગાય છે. ઉપનિષદો અનુસાર, જ્ઞાની મનુષ્ય અસ્તિત્વની આ તાત્ત્વિક એકતા વિશે સદા જાગ્રત રહે છે અને તેથી, ભેદના ભ્રમથી મુક્ત હોવાને લીધે, એ કોઈનો દ્વેષ કરી શકતો નથી.

સમગ્ર ઉપનિષદ સાહિત્યમાં અને, ભારતના સમગ્ર આધ્યાત્મિક સાહિત્યમાં પણ, ભેદના ખ્યાલને તિરસ્કારવામાં જ આવ્યો છે; બધી સૃષ્ટિ સાથે મનુષ્યની એકતાના ભાવ ઉપર ફરી ફરીને ભાર મૂકવામાં આવ્યો છે. તેમ જ, આ તાત્ત્વિક એકતા, આ અભેદ અર્વાચીન વૈજ્ઞાનિક વિચારણાનું પણ મુખ્ય વસ્તુ છે. પદાર્થ વિજ્ઞાનમાં તેમજ જીવવિજ્ઞાનમાં, વિજ્ઞાનની મોટામાં મોટી શોધ, પદાર્થો અને પ્રકૃતિનાં પરિબળો વચ્ચેની અને, પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેની એકતાની છે. પાર્થિવ અને અવકાશની ઘટનાઓ વચ્ચેના આંતર સંબંધો ભૌતિકશાસ્ત્ર શોધે છે. સજીવ પ્રાણીઓ વચ્ચેના અને, તેમની તથા તેમના પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેનાં સંધાનોની શોધ કરે છે. એક જીવ બીજા જીવ સાથે જીવનસાતત્યમાં જોડાયેલો છે. સપાટી પરની દૃષ્ટિ ભેદો જુએ છે ત્યારે, ઊંડેરી શાસ્ત્રીય દૃષ્ટિ સંધાનો શોધે છે. ઉત્ક્રાંતિનો સિદ્ધાંત શરૂ થયો હતો જીવશાસ્ત્રના સિદ્ધાંત તરીકે પણ આજે તેનો વિસ્તાર વૈશ્વિક થઈ ગયો છે અને બધી વિજ્ઞાન શાખાઓનું મૂળ તત્ત્વ રજૂ કરે છે. (ધ યુનિવર્સ એન્ડ ડો. આઈન્સ્ટાઈન, મેણ્ટોર એડિશન, પૃ. ૧૨૦-૨૨ પર) લિંકન બાર્નેટ કહે છે:

‘સદીઓથી, શોધ, સિદ્ધાંત, સંશોધન અને બુદ્ધિના વિવિધ પ્રવાહો આસ્તે આસ્તે એકકેન્દ્રી થયા છે, ભળી ગયા છે અને, નિત્ય પહોળા અને ઊંડા થતા માર્ગોમાં આગળ વધ્યા છે. જગતના અનેકવિધ પદાર્થોને ૯૨ મૂળ તત્ત્વોમાં સમાવી દેવાનું કદમ પહેલું અગત્યનું કદમ હતું. પછી આ મૂળ તત્ત્વોને થોડાક કણો (Particles)માં ઘટાડી નાખવામાં આવ્યા. સાથોસાથ, જગતનાં વિવિધ ‘બળો’ વિદ્યુત્‌ચુંબકીય બળના જુદા જુદા આવિષ્કારો તરીકે ઓળખાતાં થયાં અને, વિશ્વમાં વિકિરણના બધા પ્રકારો—પ્રકાશ, ઉષ્ણતા, ક્ષ-કિરણો, રેડિયો તરંગો, ગામાકિરણો-વિભિન્ન તરંગ લંબાઈનાં અને કંપનાવૃત્તિના વિદ્યુત્‌ચુંબકીય તરંગોથી વિશેષ કશું નથી. અંતમાં વિશ્વનાં રૂપો અવકાશ, કાલ, પદાર્થ, ઊર્જા, ગુરુત્વાકર્ષણ જેવી તાત્ત્વિક માત્રાઓમાં નીતરી રહે છે. પરંતુ વિશિષ્ટ સાપેક્ષતામાં, પદાર્થ અને ઊર્જા વચ્ચેનું સમાનત્વ દર્શાવ્યું અને, સામાન્ય સાપેક્ષતામાં, સ્થલ-કાલના સાતત્યની અવિભાજ્યતા દર્શાવી. એકત્રીકૃત-ક્ષેત્ર-સિદ્ધાન્ત (the unified Field Theory) આ સંયોજન વ્યાપારને એની ટોચે લઈ જાય છે. કારણ, એના ભવ્ય દૃષ્ટિક્ષિતિજેથી જોતાં, આ અખિલ બ્રહ્માંડ એક મૂળ ક્ષેત્ર તરીકે પ્રગટ થાય છે જેમાં, દરેક તારો, દરેક અણુ, રખડતો પ્રત્યેક ધૂમકેતુ અને મંદગતિએ વિહરતી આકાશગંગા તેમજ ઊડતો વીજાણુ, આ અનુસ્યૂત સ્થલ-કાલની એકતામાં કેવળ બુદબુદ સમ દેખાય છે. અને આમ, સપાટી પરની પ્રકૃતિની સંકુલતાનું સ્થાન ગહન સરળતા લઈ લે છે. ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત્‌ચુંબકીય બળ, પદાર્થ અને ઊર્જા, વિદ્યુત્ બળ અને ક્ષેત્ર, કાલ અને સ્થલ સર્વ આ પોતાના પ્રકાશિત સંબંધના તેજમાં અદૃશ્ય થઈ જાય છે અને, ચાર પરિમાણના સાતત્ય એવા વિશ્વમાં નિશ્ચિત અંતરે પરિભ્રમણ કરે છે. આમ, મનુષ્યની જગતની બધી સંવેદનાઓ અને તેની બધી અમૂર્ત આંતરપ્રેરણાઓ અંતે એકમાં મળે છે અને, વિશ્વની અનુસ્યૂત, ઊંડી એકતા અહીં ખુલ્લી કરવામાં આવે છે.

અગણિત રીતે વિજ્ઞાનની દરેક શાખા આજે, બ્રહ્માંડની એકતાના મનુષ્યના જ્ઞાનની મર્યાદા વિસ્તારી રહેલ છે. મનના અભ્યાસ દ્વારા અને, આંતરિક ધ્યાન દ્વારા, આ મૂળભૂત એકતાને ઉપનિષદોએ જાણી હતી. આજનું વિજ્ઞાન બાહ્ય પ્રકૃતિનાં રહસ્યોની ખોજથી આરંભાયું પણ, આ ખોજને અંતિમ છેડે, સૌથી ગહનતમ રહસ્ય એવા મનુષ્ય અનેએના મનના રહસ્યની સન્મુખ પોતાને ઊભું રહેલું ભાળે છે. અહીં આપણે પ્રાચીન વેદાન્ત અને અર્વાચીન વિજ્ઞાન, માનવીની બે મોટી વિદ્યાઓનો ધીમો સંગમ થતો જોઈએ છીએ. આ વેદાન્તની શ્રદ્ધા રહી છે, એ શ્રદ્ધા કે, અનેકતામાં એકતા એ પ્રકૃતિનું આયોજન છે અને, આ એકતાને મનુષ્ય અંદરથી તેમજ બહારથી પામી શકે છે. વીસમી સદીના ભૌતિકશાસ્ત્રના કે જીવશાસ્ત્રના દૃષ્ટિકોણથી, પ્રકૃતિનું સૌથી મોટું રહસ્ય માનવી છે. બાર્નેટમાંથી ફરી અવતરણ જોઈએ (એજન, પૃ. ૧૨૬-૧૨૭):

‘વૈજ્ઞાનિક વિચારણાની ઉત્ક્રાંતિમાં એક બાબત ખૂબ સ્પષ્ટ છે : પોતાનાથી પર એવા કોઈ રહસ્યને ન ચીંધતું હોય એવું, ભૌતિક જગતનું એક પણ રહસ્ય નથી. બુદ્ધિના બધા રાજમાર્ગો, સિદ્ધાંતની અને અનુમાનની બધી ગલીઓ એક એવી ખાડ તરફ લઈ જાય છે જેને મનુષ્યયુક્તિ આંબી શકે નહીં. કારણ, પોતાના અસ્તિત્વની, એની સીમિતતાની અને પ્રકૃતિમાં પોતાની સંડોવણીને કારણે, મનુષ્ય બંધાયેલો છે. પોતાની ક્ષિતિજો એ જેમ વધારતો જાય છે તેમ તેમ, ભૌતિકવિજ્ઞાની નાઈલ્સ બોહ્રના જણાવ્યા પ્રમાણે, એને સ્પષ્ટ ભાન થાય છે કે, ‘અસ્તિત્વના નાટકમાં આપણે પ્રેક્ષકો અને અભિનેતાઓ બેઉ છીએ.’ આમ મનુષ્ય જાતે જ પોતાનું મોટામાં મોટું રહસ્ય છે. મનુષ્ય જે વિશાળ, અવગુંઠિત વિશ્વમાં ફેંકાયો છે તેને સમજી શક્તો નથી કારણ કે, એ પોતાની જાતને જાણતો નથી.

પ્રકૃતિને લગતાં વિજ્ઞાનશાસ્ત્રોનું અધ્યયન માત્ર મનુષ્યના વિજ્ઞાનના અધ્યયન તરફ લઈ જાય છે; કોટિ વર્ષોની અંધ ઉત્ક્રાંતિ પછી મનુષ્યમાં પ્રકૃતિ આત્મભાન અને મુક્તિ પામી છે. મનુષ્યની જાગૃતિના આ બિન્દુનું અધ્યયન આજે ગંભીર શાસ્ત્રીય અધ્યયનને આકર્ષી રહ્યું છે. (ધ ફિલોસોફી ઓફ ફિઝિકલ સાયન્સ, પૃ. ૫ ઉપર) એડિંગ્ટન કહે છે:

‘આપણે શોધ કરી છે કે, આપણે જે જ્ઞાનની ખોજ કરીએ છીએ તેનું સ્વરૂપ સમજવા માટે આ જ્ઞાન સહાયરૂપ છે.’

‘અવકાશમાં, બ્રહ્માંડ મને આવરી લે છે  અને મને બિન્દુ જેવડો બનાવી દે છે; ચિંતન વડે હું બ્રહ્માંડને સમજી શકું છું’; બ્લેઈઝે પાસ્કાલમાંથી આ અવતરણ આપતાં,  પ્રિન્સ લુઈ દ બ્રોગ્લિ, માત્રા (quantum) સિદ્ધાન્ત અને તરંગ યંત્રશાસ્ત્રના જ્ઞાતા, લંડનના આંતરરાષ્ટ્રીય માસિક મિરર (ક્ર.૧૭)માં આપેલા, ‘ધ પોએટ્રી ઓફ સાયન્સ’ના પોતાના લેખમાં કહે છે:

‘એ ભવ્ય શ્લેષમાં સૌન્દર્ય, શુદ્ધ વિજ્ઞાનનું કાવ્ય અને એનું ઊંચું બૌદ્ધિક મૂલ્ય રહે છે.’

પ્રકૃતિના રહસ્યમાંથી નિષ્પન્ન થતા મનુષ્યના રહસ્ય વિશે લખતાં, પોતાનું સ્પેઈસ, ટાઈમ એન્ડ ક્રિયેશન પૂરું કરતાં એડિંગ્ટન લખે છે:

‘ભૌતિક શાસ્ત્રના સમગ્ર વિષયવસ્તુનું અવલોકન સાપેક્ષતાનો સિદ્ધાન્ત કરે છે. મનુષ્યની જ્ઞાન સમૃદ્ધિમાં ભૌતિક શાસ્ત્ર જે માનભર્યું સ્થાન ધરાવે છે તેના કારણભૂત નિયમોના ઘડતરમાં ચોક્સાઈ અને સ્પષ્ટતા દર્શાવતા મહાનિયમોને તેણે એકત્રિત કર્યા છે. અને છતાંય, પદાર્થોના સ્વરૂપની બાબતમાં, આ જ્ઞાન ખાલી કોચલા જેવું છે. પ્રતીકોનું રૂપ છે. એ જ્ઞાન સંરચનાત્મક આકારનું છે. અંદરના સત્ત્વનું નથી. સમગ્ર ભૌતિક જગતમાં અજ્ઞાત સત્ત્વ વહી રહ્યું છે જેમાંથી જ આપણું ચૈતન્ય ઘડાયું છે. અહીં ભૌતિકશાસ્ત્રના જગતના ઊંડામાં ઊંડાં પાસાંઓનું સૂચન છે અને છતાંય, ભૌતિકશાસ્ત્રની પદ્ધતિઓથી એ પામી શકાતાં નથી. અને આપણે જોયું કે, જ્યાં વિજ્ઞાન આગળમાં આગળ વધ્યું છે ત્યાં, મનુષ્યે પ્રકૃતિને જે આપ્યું છે તે પાછું મેળવી લીધું છે. અજ્ઞાતને તટે આપણને અજાણ પગલી સાંપડી છે. એની ઉત્પત્તિના ખુલાસા માટે આપણે, એક પછી એક, ગહન સિદ્ધાંતો શોધ્યા છે. અંતે આપણે પગલું પાડનાર પ્રાણીને ફરી ઊભું કરવા સફળ થયાં છીએ ને જુઓ ! એ આપણું પોતાનું જ પગલું છે.’

મનુષ્યના રહસ્યને પામવાનો વેદાન્તનો અભ્યાસ સંપૂર્ણત: શાસ્ત્રીય અભ્યાસ છે અને તેમાં, સૌથી અગત્યના લક્ષણ, ચકાસણીનો પણ, સમાવેશ થાય છે. વળી તે પદ્ધતિસરનો અને સંપૂર્ણ છે; વ્યક્તિત્વના બાહ્ય કોશો ભેદી એ સાધકને મનુષ્યના અંતરતમમાં, આત્મામાં, લઈ જાય છે. બ્રહ્માંડનો અંતેવાસી બ્રહ્મ પણ તે જ છે. બ્રહ્મજ્ઞાન સર્વાત્મભાવ છે. અર્થાત્, એક જ આત્મા બધામાં વિલસી રહ્યો છે તેનું જ્ઞાન મનુષ્ય માટે શક્તિનો ઉત્તમોત્તમ સ્રોત છે; આત્મના વિન્દતે વીર્યમ્ — ‘આત્માના જ્ઞાન દ્વારા મનુષ્ય મહાન શક્તિ પ્રાપ્ત કરે છે; એમ કેન ઉપનિષદ કહે છે. આ શક્તિનું અનન્ય લક્ષણ એ છે કે એ સંપૂર્ણપણે રચનાત્મક અને ઉપકારક છે કારણ, એ પ્રેમની શક્તિ છે.

વ્યવહારુ વિનિયોગ

ઉપનિષદોનું જ્ઞાન આ છે અને, ઈશ ના આ છઠ્ઠા-સાતમા શ્લોકો એ જ્ઞાનને એકદમ સ્પષ્ટ કરે છે. કેટલીક સદીઓ પછી, ભગવદ્‌ગીતાએ સમાનતાના આ દર્શન પર પોતાનું વ્યવહારુ અધ્યાત્મ માંડ્યું. આજનું જગત છેલ્લાં ત્રણસો વરસોથી રાજકીય, આર્થિક અને બીજા પ્રકારોની સમાનતાના પ્રયોગો કરી રહ્યું છે. માનવવિચારણામાં, સમાનતાનો કોયડો હજી ઉકેલાયો નથી. ઇતિહાસના શાણપણ સામે માથું ઊંચકે તેવી કેવળ આધ્યાત્મિક સમાનતા છે. માણસની આધ્યાત્મિક ચેતનાને ઘૂંટ્યાથી, એ આત્મા છે તેના જ્ઞાનથી જ સમાનતા સામાજિક સ્વીકૃતિ પામશે. સમાનતાલક્ષી પર્યાવરણ ઊભું કરવા માટે, સામાજિક – રાજકીય પગલાં જરૂરનાં અને આવશ્યક છે; પણ એમનો વ્યાપ મર્યાદિત છે એમ, ઇતિહાસ માનવીને રોજ શીખવી રહ્યો છે. આવી પદ્ધતિઓ હેઠળ, મનુષ્યની સમાનતામાં થયેલા દરેક વધારા સામે તેની સ્વતંત્રતામાં કાપ મૂકાયો છે. આ સામાજિક વિરોધાભાસ દૂર કરવો હોય તો, સામાજિક – રાજકીય પગલાંની સાથોસાથ, વેદાન્ત જેને આત્મજ્ઞાન કહે છે તેનું શિક્ષણ મનુષ્યને વધારે ને વધારે આપવું ઘટે. પૂર્વમાં શું કે પશ્ચિમમાં શું, બધે જ સ્વામી વિવેકાનંદે આ પ્રબોધ્યું હતું.

Total Views: 37
By Published On: August 5, 2022Categories: Ranganathananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram