આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર ઊભી થતી વિવિધ સમસ્યાઓનું કાયમી સમાધાન તે આપે છે. અમુક અર્થમાં એક વિશ્વધર્મની સ્થાપના અસંભવિત જણાતી હોવા છતાં વિવિધ સૂરો જેમ સંવાદી સંગીત સર્જે તેમ વિશ્વમાં સંવાદિતાનો માહોલ તો એ વેદાંત ધર્મ નિ:શંક રીતે સર્જી શકે છે અને એ જ વિશ્વશાંતિનો એક માત્ર ઉપાય છે.

પરંતુ કાળબળે આપણા દેશમાં ઔપનિષદિક કાળ પછી કેટલાક પ્રતિક્રિયાવાદી અને વેદ પ્રામાણ્યને ન સ્વીકારનારા બૌદ્ધ, જૈન અને અન્ય કેટલાક ધર્મ-સંપ્રદાયો ઊભા થયા. આ પ્રતિક્રિયાવાદી ધર્મ-સંપ્રદાયના પ્રવર્તકોનો મુખ્ય હેતુ તો એ હતો કે કાળાંતરે વૈદિકધર્મમાં માનવસહજ નિર્બળતાથી ઘૂસી ગયેલાં હિંસાચાર, ચારિત્ર્યહીનતા અને વિધિવિધાનોની જંજાળમાંથી તેને મુક્ત કરવો. આ રીતે ભારતીય ધર્મનો ઇતિહાસ આ વૈદિક પરંપરાવાદીઓ તેમજ પ્રતિક્રિયાવાદોઓનો અવિરત ચાલતો સંઘર્ષ જ છે. અને ઇતિહાસ એ સાક્ષી પૂરે છે કે જ્યારે પણ આ સનાતન પારંપરિક વૈદિકધર્મમાં ક્ષીણ થવાનાં ચિહ્નો દેખાયાં ત્યારે આ વૈદિકધર્મે પેલા પ્રતિક્રિયાવાદીઓના સંપ્રદાયોમાં રહેલાં વૈદિકધર્માનુકૂલ તત્ત્વોને પોતાનામાં સમાવી દઈને વધારે ને વધારે બળ પ્રાપ્ત કર્યું. એટલું જ નહીં પણ એવા વેદબાહ્ય ગણાતા ધર્મસંસ્થાપકોને પણ સાક્ષાત્ ઈશ્વરના અવતાર બનાવી આપણા પુરાણકારોએ આ વિશાળકાય સનાતન વૈદિકધર્મમાં સમાવી લેવાનો પ્રયાસ કર્યો. પૌરાણિક અવતારવાદનું આ એક ઐતિહાસિક રહસ્ય છે એમ કહેવાય.

હવે આપણે આ મૂળ વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર જરા અછડતી નજર નાખી લઈએ. સ્વામી વિવેકાનંદ તેમના ‘હિંદુધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના લેખમાં આગળ કહે છે : ‘પરંતુ કાળક્રમે આર્યોના વંશજો ધર્માચરણના સાચા આદર્શો અને નિયમોમાંથી વિચલિત થયા અને ત્યાગની ભાવનાઓને પણ ભૂલી ગયા; માત્ર અંધશ્રદ્ધાથી રિવાજોને જ વળગી રહીને તેઓ બુદ્ધિભ્રષ્ટ થયા.’ હવે આર્યોના વંશજોના ધર્માચરણના સાચા આદર્શો ક્યા છે. 

પહેલું, પરમાર્થપ્રાપ્તિની સાધના અને તેનો પ્રચાર. કોઈ ગમે તે સંપ્રદાયનો હોય તો પણ એના જીવનના ચરમ લક્ષ્ય તરીકે એ પરમાર્થપ્રાપ્તિ તો સ્વીકારવી જ પડશે. પરમાર્થ તરીકે એ સાધકની ધારણા ગમે તે હોય – અદ્વૈતભાવથી સમજ્યા હોય, વિશિષ્ટાદ્વૈતભાવથી સમજ્યા હોય કે પછી દ્વૈતભાવે સમજ્યા હોય તો પણ એ પરમાર્થને પામવું એ જ ભારતનું સર્વજનીન લક્ષ્ય છે આમ તેને સ્વીકારવું જ રહ્યું. શ્રીરામકૃષ્ણ પણ તેમના દૃષ્ટિકોણમાં ઘણા આધુનિક હતા છતાં પણ જો એ આધુનિકતા પરમતત્ત્વની પ્રાપ્તિને અને અલૌકિક સત્યને બાધક હોય તો એને ત્યાજ્ય ગણતા. આ પરમતત્ત્વને ભૂલીને જ્યારે પણ જે કોઈ સંપ્રદાયે પોતાનું આધુનિકીકરણ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કર્યું છે ત્યારે તેઓ પતન પામ્યા છે.

વૈદિક આર્યધર્મનો બીજો અને મહત્ત્વનો આદર્શ છે ‘ત્યાગ’. આ ત્યાગ માત્ર વિષયનો જ નથી પણ આસક્તિનો છે. ઉપનિષદોએ પણ ભારપૂર્વક કહ્યું છે કે : 

   ‘ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેનૈકે અમૃતત્ત્વમાનશુ: ।

પ્રજાથી, ધનથી અને ફક્ત કર્મ કરવાથી કંઈ અમૃતત્ત્વની પ્રાપ્તિ થતી નથી. અમૃતત્ત્વની પ્રાપ્તિ  તો કેવળ ત્યાગ દ્વારા જ કેટલાક લોકોએ પ્રાપ્ત કરી છે.’

સ્વામીજી પણ કહે છે : ‘ત્યાગ અને સેવા એ ભારતના રાષ્ટ્રીય આદર્શ છે.’ ‘ત્યાગ’ શબ્દ સાધારણ નથી. આ એક જ શબ્દમાં ધર્મસાધનાની સહજ ગતિ પ્રતિબિંબિત થાય છે. શ્રીરામકૃષ્ણદેવ પણ ગીતાના મર્મ વિશે કહેતા કે ગીતા શબ્દ દશવાર ઉચ્ચારો તો એમાંથી ‘તાગી’ (ત્યાગી) શબ્દ નીકળે અને આ જ ગીતાનું સારતત્ત્વ છે. આપણું આ સમસ્ત સૃષ્ટિચક્ર સ્થૂળ ભોગો તરફ અવિરત દોડી રહ્યું છે. માનવીનો સ્વભાવ પણ આ ચક્રમાં પડીને ભોગલાલસા તરફ ગતિમાન હોય છે. ધર્મસાધનાની સ્વાભાવિક ગતિ તો આ ભોગલાલસાથી વિપરિત હોવી જોઈએ. એટલે કે ‘ત્યાગ’ અથવા ‘અનાસક્તિ’ તરફેણની હોવી જોઈએ. જે કોઈ પણ ધર્મ હોય, જો તે ઠીક ઠીક સાધનાના પથે ચાલે  છે કે નહીં એ જાણવાનો અચૂક ઉપાય છે તેની ગતિ તરફ લક્ષ્ય રાખવું, અર્થાત્ સાધકનો અનાસક્તિનો ભાવ વધે છે કે નહીં, એનું નિરીક્ષણ કરવું. સાધનામાં વિવિધ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવી અથવા શક્તિઓ મેળવવી, તેમ જ વિચિત્ર દર્શન વગેરે થવાં અથવા અનુભૂતિ થવી એ આધ્યાત્મિક ઉન્નતિનું પ્રમાણ નથી. સ્થૂળ અથવા સૂક્ષ્મ ભોગલાલસા જે પરિમાણમાં સાધકના સ્વભાવમાંથી ક્ષીણ થતી જાય છે તે જ પરિમાણમાં ધર્મપથ પર તે ઉન્નતિ કરે છે અને નિત્યસત્ય પરમવસ્તુ તરફ તે અગ્રસર થાય છે. શ્રીરામકૃષ્ણદેવને એકવાર જ્યારે પૂછવામાં આવ્યું કે : ‘સાધુને કેવી રીતે ઓળખવો ?’ તેમણે જવાબ આપ્યો કે : ‘જે ખરેખર સાધુ છે  તે કામ-કાંચનનો ત્યાગી હોય છે.’ તેમણે એમ ન કહ્યું કે જેને અલૌકિક દર્શનાદિ થાય છે અથવા તો જે ભાવવિભોર થઈને પાગલની પેઠે નાચવા માંડે છે કે પછી જેની પાસે ચમત્કારિક શક્તિઓ હોય છે તે જ સાધુ છે, ધાર્મિક છે ! બૌદ્ધ-તાંત્રિક યુગમાં એમ વ્યાપક રીતે મનાતું કે જેની પાસે સિદ્ધિઓ કે ચમત્કારિક શક્તિઓ ન હોય તે સાધુ કહેવા લાયક જ નથી ! સાધનાપથે અગ્રસર થતાં વચ્ચે વચ્ચે સાધકને આવો શક્તિસંચાર થાય છે ખરો પણ સાચો સાધક એની ઉપેક્ષા કરીને પોતાના મનને પેલા પ્રલોભનોથી ઉખેડી નાખીને પરમતત્ત્વની પ્રાપ્તિ તરફ આગળ ધપાવે છે. ત્યાગનો આરંભ ઇંદ્રિય-મનના સંયમથી થાય છે અને એની પરાકાષ્ઠા પરમપદની પ્રાપ્તિમાં રહેલી છે. તેથી સાધક ગમે તે સંપ્રદાય કે ધર્મનો હોય પણ આ ત્યાગના મંત્રે જ એની ગતિને દિશા આપવી જોઈએ. ભારતના સંપ્રદાયોએ જ્યારે જ્યારે આ ત્યાગના મહામંત્ર સાથે કોઈ પણ જાતની બાંધછોડ કરી છે ત્યારે એનાં કડવાં ફળ એને ભોગવવાં પડ્યાં છે અને સમાજમાં એ સંપ્રદાયની અવનતિ થઈ છે. આ બાંધછોડ સામાન્ય રીતે સંસારના પ્રલુબ્ધજનોને રાજી રાખવા માટે થઈ હોય છે.

વૈદિકધર્મની અવનતિનું ત્રીજું મહત્ત્વનું કારણ એ હતું કે ભારતમાં કિરાત, હૂણ, પુલિંદ, પુલકસ, યવન જેવા વિદેશી ટોળાઓનાં આક્રમણો થયાં હતાં. એ બધાં ટોળાંને પોતાનામાં સમાવી લેવા માટે વૈદિક ધર્મને પોતાના આદર્શો અને આક્રમકોના રીતરિવાજો અને અંધશ્રદ્ધાઓ વચ્ચે સમાધાન કરવું પડ્યું. આમ થતાં વૈદિક ધર્મના વિશુદ્ધ આદર્શોમાં કેટલીક વિકૃતિઓ આવી પડી અને એ એટલી બધી રૂઢ થઈ ગઈ કે સાચો વૈદિક ધર્મ એમાં સાવ ઢંકાઈ ગયો. 

આપણે પૂર્વે બતાવી ચૂક્યા છીએ કે ઓટ પામેલા કર્મકાંડપ્રધાન વૈદિકધર્મનો પરિષ્કાર કરવા માટે બૌદ્ધ અને જૈન ધર્મ જેવાં પ્રતિકારાત્મક પરિબળોનો જન્મ થયો હતો. પરંતુ કાળક્રમે સ્વામીજીએ કહ્યું છે તેમ હાથપરના ફોડલાની શસ્ત્રક્રિયા કરવાને બદલે આખા હાથને જ કાપી નાખવા જેવું થયું અને વૈદિકધર્મનો સંપૂર્ણપણે નાશ કરવા આ પરિબળો તત્પર થઈ ગયાં. પછી પરંપરિત વૈદિકધર્મ અને તેનો વિરોધ કરવાવાળાં પરિબળો વચ્ચે એક આંતરસંઘર્ષનો સમય શરૂ થયો. આ સમય દરમ્યાન, એટલે કે ઈ.સ. પૂર્વે ૨૦૦ થી માંડીને ઈ.સ. ૩૦૦ સુધી. આ સંઘર્ષના પરિણામ રૂપે ભારતમાં ઘણાં મહત્ત્વનાં પરિવર્તનો આવ્યાં. પહેલું તો આ કાળમાં બુદ્ધોના પાછળથી વિકસેલા તર્ક પ્રધાન નાસ્તિક દર્શનોને ડામવા માટે વૈદિક પ્રામાણ્યને સ્વીકારનાર છ આસ્તિક દર્શનોનો જન્મ થયો. તે હતાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને વેદાંત. બીજું શૈવ અને ભાગવત જેવા વેદોની ઉપેક્ષા કરનાર સંપ્રદાયોને આ વૈદિક પરિઘમાં વિલીન કરવામાં આવ્યા અને એ માટે શિવને વૈદિક રુદ્રના અવતાર તરીકે અને વાસુદેવ કૃષ્ણને વૈદિક વિષ્ણુના અવતાર તરીકે સ્થાપવામાં આવ્યા. ત્રીજું, આ કાળમાં રામાયણ અને મહાભારત જેવા ઇતિહાસ અને સ્મૃતિ ગ્રંથોનો વ્યાપ અને પ્રતિષ્ઠા વધ્યાં અને એને પરિણામે જીવનનું વ્યાવહારિક તત્ત્વજ્ઞાન સામાન્ય લોકોને પણ ઉપલબ્ધ થયું. આ ઉદાર અને મહાકાય વૈદિકધર્મે ઘણા પ્રયત્નો કર્યા છતાં-બુદ્ધને તો વિષ્ણુનો અવતાર સુધ્ધાં માની લેવા છતાં-પણ  બૌદ્ધોએ અને જૈનોએ આ પરંપરામાં ભળી જવાનો વિરોધ કર્યો. પરિણામે, થોડા વખત સુધી તો એમનો વિકાસ સ્વતંત્ર રીતે થતો રહ્યો પણ પછીથી તેમણે મોરચો છોડીને ભારતમાંથી બહાર જવું પડ્યું અથવા તો તે ભારતમાં રહીને ક્ષીણ થતો ગયો. પણ જ્યાં સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ધર્મમાં ઉપનિષદોનાં ત્યાગ, તપ અને પરમતત્ત્વની પ્રાપ્તિ જેવાં સનાતન તત્ત્વો હશે ત્યાં સુધી તે ચોક્કસ બચી જવાના છે.

બૌદ્ધો અને જૈનોના  પ્રભુત્વવાળો કાળ સમાપ્ત થયા પછી ઈ.સ. ૩૦૦ થી ૧૨૦૦ સુધી એક નવા પૌરાણિક યુગનો ભારતમાં જન્મ થયો. જેણે વૈદિક ધર્મની પુન: ઉન્નતિ માટે બનતા ઘણા પ્રયાસ કર્યા હતા. આ યુગના ઉદ્‌ભવ થવાનાં કારણો આ પ્રમાણે ગણાવી શકાય એક તો ઉપનિષદનો ધર્મ સામાન્યજનો માટે વધારે પડતો બૌદ્ધિક હતો. બીજું ઉપનિષદના ધર્મે કર્મકાંડની જંજાળને ત્યજી તો દીધી પણ તેને બદલે કોઈ વિકલ્પ આપ્યો નહીં અને એથી સામાન્યજનોના સહજ મનોવલણની ઉપેક્ષા થઈ ગઈ. બહુસંખ્યક માણસો વિધિ-વિધાન સિવાય ધર્મને સમજી શકતા નથી. આ પૌરાણિક ધર્મનાં ત્રણ મુખ્ય લક્ષણો તારવી શકાય. પહેલું, ઉપનિષદોના અપુરુષવિધ બ્રહ્મની જ્ઞાન અને  ધ્યાન દ્વારા ઉપાસનાને બદલે પુરુષવિધ ઈશ્વરની ભક્તિ દ્વારા ઉપાસનાને પ્રાધાન્ય મળ્યું. બીજું પુરાણોએ તર્કોનો જ આશરો લેવાને બદલે એક વ્યાવહારિક તત્ત્વજ્ઞાન રજૂ કર્યું કે જેમાં નૈતિક જીવન દ્વારા મુક્તિલાભ થઈ શકે. ત્રીજું લક્ષણ એ છે કે વેદોમાં થતી નિરર્થક પશુહિંસા અને યાંત્રિક કર્મકાંડનો ત્યાગ કરવો અને પ્રાણી પ્રેમનું પુન:સ્થાપન કરવું.

પરંતુ આપણે એ સમજી લેવું જોઈએ કે પુરાણે દર્શાવેલા પુરાકલ્પિત કથાઓ પાછળ ઉપનિષદોનું જ કોઈક તત્ત્વ રૂપકાત્મક રીતે વ્યક્ત થતું હોય છે. પણ આપણા ધર્માનુયાયીઓ આ મહત્ત્વની વાત ભૂલી ગયા અને જેમ સ્વામીજી આગળ કહે છે તેમ : ‘વળી સામાન્ય બુદ્ધિના માણસોને વેદાંતનાં દુર્બોધ સત્યો નક્કર રૂપમાં તથા સહેલી ભાષામાં સમજાવતાં તેમજ આધ્યાત્મિક આદર્શોનાં માત્ર અમુક સ્વરૂપો પર ખાસ ભાર મૂકવાને લીધે ઉપર ઉપરથી એકબીજાનાં વિરોધી દેખાતાં, પુરાણ વગેરેના હાર્દનું પણ મૂલ્યાંકન કરવામાં તેઓ નિષ્ફળ ગયા; પરિણામે, સર્વ આધ્યાત્મિક આદર્શોના ભવ્ય સમન્વયસમા વૈદિકા સનાતન ધર્મના જુદા જુદા સંપ્રદાયોમાં ટુકડેટુકડા કરી નાખ્યા; તેમ જ એ સંપ્રદાયો પરસ્પર વિરોધ કરીને સંકુચિત ઈર્ષ્યા અને અસહિષ્ણુતાની અગ્નિજ્વાળામાં એકબીજાને હોમી દેવા તત્પર થયા; પરિણામે પુણ્યભૂમિ-ભારતભૂમિને નારકીય અવસ્થામાં મૂકી દીધી.’

કોઈ પણ ધર્મ સંપ્રદાયની અવનતિના બે મુખ્ય કારણોની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. તે છે પરમની પ્રાપ્તિને ચરમ લક્ષ્ય ન માનવી અને ત્યાગનો અભાવ. હવે અવનતિનું એક ત્રીજું કારણ પણ છે. એ છે ‘સાંપ્રદાયિક પૂર્વગ્રહ’. આ પૂર્વગ્રહોએ પોતપોતાના સંપ્રદાયને સાચો ગણ્યો અને અન્ય સંપ્રદાયો તરફ આક્રમક વલણ અપનાવ્યું. એનાં કેવાં કડવાં ફળ આપણને ચાખવાં મળ્યાં તેનો સાક્ષી આપણો ધાર્મિક ઇતિહાસ છે. પણ આનાથી આપણે નિરાશ થવાની જરૂર નથી. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપણને જબરી હૈયાધારણ આપી છે કે:

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનમ્ સૃજામ્યહમ્ ॥ 

એટલે જ સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવમાં આવા એક ધર્મસંસ્થાપકનાં દર્શન કર્યા હતાં અને ઉદ્‌ઘોષણા કરી હતી કે : ‘(ત્યારે) આવી પરિસ્થિતિમાં આર્યપ્રજાનો સાચો ધર્મ શું છે તેનું દૃષ્ટાંત પૂરું પાડવા, અનાદિ કાળથી ચાલ્યા આવતા ઇતિહાસમાં ભારતની સમગ્ર ભૂમિમાં પ્રસરી રહેલા અનેક વિસંવાદી અને એકબીજા સાથે ઝઘડતા, પરસ્પર વિરુદ્ધ રીતરિવાજોથી ભરેલા, અને તેથી આપણા દેશના માણસો માટે દુર્બોધ કોયડારૂપ અને પરદેશીઓના ધિક્કારને પાત્ર બની ગયેલા, ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી સંપ્રદાયો વચ્ચે હિંદુ ધર્મની સાચી એકતા ક્યાં રહેલી છે તે દર્શાવવા અને સર્વોપરી સનાતન ધર્મના જે સાર્વજનિક મર્મ અને વિશિષ્ટતા કાળક્રમે ભુલાઈ ગયાં હતાં તે સનાતન ધર્મમાં પોતાના અપૂર્વ જીવન દ્વારા પ્રાણ રેડવા ભગવાન શ્રીરામકૃષ્ણનો અવતાર થયો હતો.  આ વિશે આપણે હવે પછીના અંકમાં વિસ્તૃત ચર્ચા કરીશું.      

સંદર્ભ :

૧. રામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ – ૩, પૃ. ૨૧
૨. એજન, પૃ. ૨૧-૨૨,
૩. એજન, પૃ. ૨૨

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.