‘અશોચ્ચાનન્વશોયસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે । 

અર્થાત્ ‘જેને માટે શોક ન કરવો જોઈએ, એને માટે તું શોક કરી રહ્યો છે. અને પાછો પંડિતની જેમ વાતોય કરી રહ્યો છે.’ તેનો અર્થ એવો છે કે તમારી વાણીમાં ખોટું છે તો મનમાં કંઈક બીજું, અર્થાત્ તમે સહજ સરળ નથી. જેની વાણી તથા મનમાં ઐક્ય નથી તે ધક્કા ખાય છે. સત્ય અથવા ભગવાન મેળવવા તેને માટે અત્યંત દુષ્કાર, કઠિન છે. પરમહંસદેવ કહેતા કે મન અને વાણીને એક કરવાં પડશે. કારણ તેજ મુખ્ય સાધન છે. ગીતા પણ આ કહે છે. ધર્મરૂપ મહાન વૃક્ષનું બીજ સરળતા સિવાય બીજું કશું જ નથી. સાથે જ જે પ્રકારે પ્રત્યેક મંત્રની શક્તિ હોય છે. તે પ્રકારે ગીતાની વિશેષ શક્તિ આ શ્લોકમાં સમાયેલી છે.

સર્વ ધર્માન્ પરિત્યશ્રયં મામેકં શરણં વ્રજ ।
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષ પિષ્યાણિમા શુચ: ॥

બધું છોડીને મારા શરણમાં આવીશ તો બધા મનોરથ અવશ્ય પૂર્ણ થઈ જશે. આપણે કેટલાં પ્રકારનાં?? અગર કલ્પનાઓ કર્યા કરીએ છીએ – આ કરવાનું છે, તે કરવાનું છે. આ કરીશ પછીને કરીશ, પરંતુ એક જ ફટકામાં બધું નષ્ટ થઈ જાય છે. જાણે કે કોઈ મહાશક્તિ તે બધાંનો નાશ કરે છે. જાણે કે આપણે તેની મૂઠ્ઠામાં છીએ અને તેની આજ્ઞા વિના આપણે હાલી-ચાલી પણ શકતા નથી. એને લઈને કોઈ એમ ન સમજી બેસે કે મનુષ્યને સ્વાધીન ઇચ્છા છે જ નહીં. એક બાજુ સ્વાધીન ઇચ્છા અને બીજી તરફ અદૃષ્ટ-આ બેની વચ્ચે મનુષ્ય પડ્યો છે. જાણે એક પ્રકારનો અદ્‌ભુત પ્રકાશ તથા અંધકાર છે. યથાર્થ રૂપે કંઈ કરી પણ શકાતું નથી. પ્રકાશ કહેવા માગો તો પ્રકા, અને અંધકાર કહેવા માગો તો અંધકાર છે. સૃષ્ટિના પ્રારંભથી જ મનુષ્ય આ ઇંદ્રિયાતીત વસ્તુને જાણવાની ચેષ્ટા કરી રહ્યો છે. યુરોપમાં સોક્રેટિસથી માંડીને પ્રત્યેક વિચારશીલ વ્યક્તિ આ જગત શું છે? કોઈ શક્તિનાં આવલંબનથી એ પ્રકાશિત છે. એ સ્વાધીન છે કે પરાધીન, વગેરે વાત જાણવાનો પ્રયત્ન કરી રહેલ છે. પરંતુ કોઈ પણ નિર્ણય ઉપર અવી શક્યા નથી. મન તો સીમિત છે. જેનો અંત છે તે વસ્તુ દ્વારા અનંતને કઈ રીતે જાણી શકાય? ઇંદ્રિયાતીત ભૂમિકામાં ન જવાથી જે પ્રશ્નોની મીમાંસા સંભવિત નથી, તેનું સમાધાન મન કેવી રીતે કરી શકે? એક વાત છે; એક પંડિત આ બધાં તત્ત્વોને સમજવા ને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ સફળ ન થવાને લીધે સમુદ્રમાં ડૂબી આપઘાત કરવા ગયો. ત્યાં એણે એક બાળકને એક અદ્‌ભુત રમત કરતાં જોયો. સમુદ્ર કિનારે રેતીમાં એક ખાડો ખોદીને પોતાનાં નાના હાથો વડે સમુદ્રમાંથી પાણી લાવી તે બાળક નાના ખાડામાં ભરી રહ્યો હતો. અથાક પરિશ્રમ અને લાંબા સમય સુધી દોડા દોડી ચાલતી હતી. પંડિતની દૃષ્ટિ એ તરફ ગઈ. અને તે બાળક શું કરે છે તે જાણવાની તેને ઇચ્છા થઈ. તેની પાસે જઈને તેણે પૂછ્યું: ‘બાળક, આ શું કરી રહ્યો છે?’ બાળકે જવાબ આપ્યો: ‘સમુદ્રનું બધું પાણી આ ખાડામાં ભરું છું.’ આ વાત સાંભળી પંડિતથી હસ્યા વિના રહેવાયું નહીં. પરંતુ સાથે જ તે વિચારવા લાગ્યો કે મન દ્વારા મનથી અતીત વસ્તુને સમજવાનો મારો પ્રયત્ન શું સાચી જ ભૂલ તે નથી કરી રહો? સ્વામી વિવેકાનંદ કહેતા:

‘આપણે સૌ ગજ લઈ નીકળ્યા છીએ. ભગવાનને કાપકૂપ કરીને માપીને છોડવો છે’ આ બની ન શકે. મન જડ છે. આપણા ઋષિઓ જાણતા હતા કે સુક્ષ્મજડ મન આ સ્થૂળજડને ચલાવી રહ્યું છે. પરંતુ તેની પોતાની કોઈ પણ શક્તિ નથી. આત્માની શક્તિથી તે શક્તિમાન છે. તે બધાને ચલાવે છે. યુરોપમાં ઘણાં લોકોનો એ વિશ્વાસ છે કે મન એ જ આત્મા છે. પરંતુ આ વાત બરાબર નથી. ગીતા કહે છે કે આ બધા પ્રશ્નોનાં સમાધાન પહેલાં યોગ્ય અધિકારી બનવું જોઈએ. કઈ રીતે અધિકારી બની શકાય? (તે માટે) વિશ્વ-મનની વિશ્વ-ઇચ્છા સાથે આપણાં ક્ષુદ્ર મન અને ઇચ્છાને એકરૂપ કરી દેવાં પડશે. (પછી) વિશ્વ-મનમાં જે પ્રકારનાં ભાવ, જે સ્પંદન ઊઠશે તેવાં જ ભાવ અને સ્પંદન આ ક્ષુદ્રમનમાં પણ ઊઠશે. અને ત્યારે જે જ્ઞાનના માર્ગમાં આવતી વાસના જનિત અડચણો-વિઘ્નો દૂર થશે અને આ ક્ષુદ્ર મનમાં વિશેષ શક્તિનો વિકાસ થશે. આ માટે ગીતામાં કહેલ ધર્મની સર્વ શક્તિ આ શ્લોકમાં સમાઈ છે :

સર્વ ધર્માન્ પરિત્યશ્ય મામેકં શરણંવ્રજ ।

તે જગતનો નિયન્તા છે. જેની જે ઇચ્છા છે, તે જ ઇચ્છા મારી પણ હોય તે સિવાય હું શકું ઇચ્છતો નથી. જેઓ આ ભાવ મનમાં દૃઢતાથી ધારણ કરે છે તેઓ પેલી મહાશક્તિની સાથોસાથ ચાલે છે. તેમનો જ અહંકાર નષ્ટ થાય છે અને જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. પરંતુ હંમેશા આપણામાં તો બરાબર તેનાથી ઊલટો ભાવ રહે છે. વિશ્વ-ઇચ્છાની વિરુદ્ધ અનિત્ય ને લાંબા કાળથી પકડી રાખવાનું પસંદ કરે છે. આ ન ભૂલશો. ઈસપની એક કથા આ પ્રસંગે યાદ આવે છે. એક નિર્ધન વૃદ્ધ પુરુષ માથા ઉપર લાકડાંનો ભારો લઈને અત્યંત કષ્ટ સાથે જઈ રહ્યો હતો. એક તો ગરમીના દિવસ અને ભારોય ખૂબ ભારે અને તેમાં વળી વૃદ્ધની મર્યાદિત શક્તિ, થોડેક દૂર ગયો ત્યાં તો પરસેવાથી રેબઝેબ થઈ ગયો અને અત્યંત થાકીને એક જગ્યાએ બેઠો. પોતાના ભાગ્યને ધિક્કારતા તે કહેવા લાગ્યો, ‘અરે મૃત્યુ પણ મને ભૂલી ગયું?’ એટલું બોલ્યો ત્યાં તો ભીષણાકાર મૃત્યુ તેની સાથે આવીને ઊભું રહ્યું અને પૂછ્યું, ‘વૃદ્ધ, મને કેમ યાદ કરે છે? જીવતા રહેવાની પૂરી ઇચ્છા વૃદ્ધનાં મન પ્રાણમાં હતી જ. ગભરાઈને ભયભીત બોલ્યો. ‘મહાશય, આ લાકડાંની ભારીનો બોજો બહુ ભારે છે. હું એકલો તેને ઉપાડી શકતો નથી. એટલે તેને ઉપાડવા માટે મેં આપને યાદ કર્યા હતા.’ અનિત્ય વિષયને છોડતી વખતે આપણી પણ બરાબર એવી જ દશા થાય છે.

ગીતાનો પ્રારંભ ખૂબ જ સુંદર છે. બે સેનાઓ યુદ્ધ માટે ઊભી છે. બંને પક્ષોમાં મોટા મોટા વીર પુરુષો છે. બધાની પાસે એક એક શંખ છે. શંખ ધ્વનિ વડે યોદ્ધાને ઓળખાવામાં આવતો ચારેબાજુ શંખધ્વનિ થવા લાગ્યા. ત્યારે અર્જુને કહ્યું, ‘બંને દળો વચમાં મારો રથ રાખો જેથી હું જોઈ શકું કે મારી સાથે કોણ કોણ યુદ્ધ કરવા ઇચ્છે છે. ત્યાં સુધી અર્જુનને મોહ થયો નહતો. તેનામાં સાહસ શૌર્ય પૂરેપૂરાંભર્યાં હતાં. શ્રીકૃષ્ણ રથને વચમાં લઈ ગયા. અર્જુને જોયું કે વિરોધી પક્ષમાં ઇચ્છામૃત્યુ ભીષ્મ પિતામહ ઊભા છે. જેમની પાસેથી એણે અસ્ત્રવિદ્યા મેળવી છે. તેવા દ્રોણાચાર્ય અને અમર કૃપાચાર્ય અને તેના સમોવડિયા યોદ્ધા એવા કર્મ વિ. ઊભા છે.  (અહીંથી હિંદીમાં નથી) કોઈ કોઈ ટિકાકાર કહે છે કે તેમને જોઈને અર્જુન ડરી ગયો. કેમ કે ભીષ્મનું ઇચ્છામૃત્યુ વરદાન તથા પરશુરામને યુદ્ધમાં પરાજય આપેલો તેની વાત તેમજ સિંધુરાજાના પુત્ર જયદ્રથને શિવભગવાનનું ખાસ વરદાનનાં વૃતાંત અને કર્ણના પરાક્રમ વ. થી તે અજ્ઞાત ન હતો. એટલે તેને ભય લાગ્યો હોય તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. આ હકીકતના સમર્થનમાં તેઓ કહે છે કે ગીતાનાં અગિયારમાં અધ્યાયમાં અર્જુને જે વખતે ભગવાનનું વિશ્વરૂપ જોયું હતું. ત્યારે ખાસ કરીને દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, તથા કર્ણને તેણે મરેલા જોયા. એને લઈને સંગ્રામમાં તે પોતે વિજયી થશે એ સમજવામાં અને જય-પરાજય ઇત્યાદિ ઘટનાઓ તથા કાર્યોની પાછળ કોની શક્તિ વિદ્યમાન છે તે વાત તે જાણી શક્યો. હવે એક પ્રશ્ન થાય છે. સંપૂર્ણ ગીતાશાસ્ત્રને સાંભળીને કુરુક્ષેત્રના યુદ્ધમાં નિશ્ચલભાવથી અર્જુને ભીષણ હત્યાકાંડ કર્મો અને ને તેને પ્રત્યક્ષ જોયા — આ હકીકત દ્વારા તેના ધર્મભાવ અથવા ધર્મથી વિપરિત એ બે ભાવોમાંથી ક્યા ભાવનો પરિચય આપણને થાય છે? એટલે ગીતાશાસ્ત્ર અર્જુનને યુદ્ધમાં પ્રવૃત કરાવવા માટે કેટલાંક મનગમતાં વાક્ય માત્ર છે. તથા ભગવાન શ્રીકૃષ્ણ કુટુંબનો વધ કરાવવાનાં આ નૃશંપકાર્યમાં અર્જુનને પ્રવૃત્ત કરાવવા માટે મિથ્યાને સત્યના રૂપમાં દેખાડવામાં પણ જરાય અચકાયા નહીં. નરસંહાર કરવો, ખાસ કરીને કુટુંબ-વધ કરવો એ શું કોઈ મહાન સત્કાર્ય છે? જવાબમાં એમ કહી શકાય કે ઉદ્દેશ જો મહાન હોય તો આ નરસંહારમાં પણ સત્ય, ધર્મ તથા યશની પ્રાપ્તિ થાય છે. ઉદ્દેશ અનુસાર જ ભલાઈ કે બુરાઈ માનવામાં આવે છે. સ્વદેશનું રડઈણ કરવા માટે યુદ્ધમાં નરહત્યા, સ્ત્રીઓ પર થતાં અત્યાચારના નિવારણ માટે અત્યાચારી પિશાચને પ્રાણદંડ વગેરે ને પ્રામાણિક અને વ્યાજબી કર્મ માનવામાં આવે છે. ચિત્તોડના ઘેરા સમયે સ્ત્રીઓએ શત્રુઓને મારવા માટે ધનુષની દોરી બનાવવા પોતાનાં વાળ કાપી આપ્યા હતા. એની પાછળ નરહત્યા કરવા માટેનો જ ઉદ્દેશ હોવા છતાં શું તેઓને દેવી કહીને પૂજવાની આપોઆપ ઇચ્છા થતી નથી? પરંતુ પોતાના સુખને માટે હત્યા કરવામાં ખૂનીનું મન બની જઈને નિષ્ઠુર પિશાચ જેવું બની જાય છે. એટલે ક્ષુદ્રત્વ-મહત્ત્વ, ભલાઈ-બુરાઈ, કર્મમાં નથી મનાતી. પરંતુ કર્તાના ઉદ્દેશ અનુસાર સમજવામાં આવે છે.

મનની ગતિ વિચિત્ર છે. પરસ્પર અત્યંત વિપરિત ત્રણચાર પ્રકારની ભાવનાઓ એક જ સમયે મળી જઈને માનવ-મનમાં ઊઠે છે. જેનો આપણને ખ્યાલ પણ આવતો નથી. અર્જુનને એવું જ થયું હતું. દ્રોણાચાર્ય, ભીષ્મ તથા આત્મીય સ્વજનોને યુદ્ધમાં મારવા પડશે. તે જોઈને તેનાં હૃદયમાં મોહ ઉત્પન્ન થયો હતો. તેનું કારણ પ્રીતિ પણ હતી. સાથોસાથ હારવાની ભીતિ પણ સંભવ છે કે ભયને તે સમજી શક્યો ન હોય. આસક્તિભર્યા-પ્રેમથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહ દુર્બળતા લાવી મનને કર્તવ્ય તથા સત્યના માર્ગથી ભ્રષ્ટ કરી દે છે. યુદ્ધ થયા પહેલાં અર્જુન સત્ય માટે લડવા તૈયાર થયો હતો. સ્વાર્થ માટે નહીં. માત્ર પાંચગામ લઈને સમાધાન કરવા તે તૈયાર થયો હતો. યુદ્ધ ન થાય તે માટે ખાસ પ્રયત્નશીલ હતો. જ્યારે તેણે જોયું કે યુદ્ધ ન કરવાથી અન્યાય, અવિચાર, અને અધર્મને ટેકો મળે છે. ત્યારે સત્ય માટે તે યુદ્ધ કરવા તૈયાર થયો હતો. અત્યાચારનું નિવારણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. જ્યાં અન્યાય, અત્યાચાર જુઓ, ત્યાં તેનો પ્રતિકાર-વિરોધ કરો, આ સંસારમાં સૌ એક સૂત્રમાં ગોઠવાયેલાં છે. તમને ચોટ લાગવાથી તે મને પણ લાગશે. મારી ઉપર અત્યાચાર થતો જોઈ જો તમે ચૂપ રહો અને એમ સમજો કે ‘થવા દો, મારા ઉપર તો નથી થતો. મારે બીજાની વાતો સાથે શું લેવા દેવા છે?’ તો તમે મોટા ભ્રમમાં છો મારી સાથોસાથ તમારી પર પણ અત્યાચાર થયો છે એમ સમજવું જોઈએ. તમારા મનની સદ્‌વૃત્તિ પર અત્યાચાર કરવામાં આવ્યો અને સ્વાર્થથી અંધ થઈને સ્વેચ્છાપૂર્વક તમે અન્યાયનો પ્રતિકાર ન કર્યો તો કાલે જ્યારે તમારા પર અત્યાચાર થશે તેવે વખતે તેનો સામનો કરવાની શક્તિ તમારામાં નહિ રહે. આ રીતે ધીમે ધીમે અધ:પતન અને ગુલામીના માર્ગમાં સરી પડશો.

યુદ્ધક્ષેત્રમાં અર્જુનને પણ મોહ થયો. તેણે કહ્યું કે આ સુખની જરૂર નથી. આત્મીયજન જ જો જીવતા ન રહે તો રાજ્ય લઈને શું કરવું? શ્રીકૃષ્ણે જોયું કે અર્જુન ભયને છુપાવે છે. અને પોતાના ઉદ્દેશને ભૂલે છે. તે એવું સમજી રહ્યો છે કે તે પોતાને જ માટે લડવા ઊભો થયો છે. સત્ય માટે બીજાઓ ઉપર થયેલ અત્યાચારના પ્રતિકાર માટે, કર્તવ્ય પાલન માટે તે લડવા તૈયાર થયો છે. તે વાત તે ભૂલી ગયો છે. આ પહેલાં બકરાક્ષસવધ વગેરે વખતે જ્યાં જ્યાં અન્યાય-અવિચાર થતો જોયો ત્યાં ધર્મ જ્ઞાનથી તેનો સામનો કર્યો. અહીં આ વાતને તે ભૂલી બેઠો છે. એવું સમજી રહ્યો છે કે રાજ્યલાભ માટે જ જાણે યુદ્ધ કરવા તે ઊભો થયો છે. સંસારમાં બધે આપણે આ જોઈએ છીએ કે રૂપનાં મોહમાં કે કાંચનનાં મોહમાં ફસાઈને આપણે ઉદ્દેશ કે આદર્શને ખોઈ બેસીએ છીએ. જો સાધના ચાલુ હોય તો તો તે આદર્શ ફરી પ્રાપ્ત થઈ પણ શકે. નહિતર માત્ર દોડધામ જ હાથમાં આવે છે. એટલા માટે પ્રથમ બે શ્લોકમાં તેને વિશેષ શિખામણ આપતાં શ્રીકૃષ્ણ કહે છે:

કૃતસ્ત્વા કશ્મભમિદં વિષમે સમુપસ્થિતમ્ ।
અનાર્થજુષ્ટમસ્વર્ગ્યમ્ અકીર્તિકરમર્જુન ॥

ક્લેષ્યં માસ્મગમપાર્થ નૈતત્ત્વય્યપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદય દૌર્બલ્યં તયક્ત્વો ત્તિષ્ઠ પરંતપ ॥

‘હે અર્જુન, આ સમયે તને મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? સ્વર્ગના માર્ગમાં બાધક એવો મોહ તારી જેવી શ્રેષ્ઠ વ્યક્તિને કેમ થયો?’ – ‘હે અર્જુન આ મોહને છોડી દે! આ પ્રકારની હૃદયની દુર્બળતા તારા જેવા શક્તિશાળી પુરુષને શોભા નથી આપતી, એને ત્યાગીને ઊભો થા, યુદ્ધ કર!’ આનાથી આ ખાસ શિખામણ આપણને મળે છે કે જેને લઈને મોહ ઉત્પન્ન થાય છે, દુર્બળતા આવે છે. તે મહાપાપ છે. આ વાત જેવી રીતે મનને લાગુ પડે છે. તેવી રીતે શરીરને માટે લાગુ પડે છે. જેનાી શારીરિક દુર્બળતા આવતી હોય તેનું અનુષ્ઠાન કરવું એ જ પાપ છે. આજકાલનાં છોકરા પરીક્ષા માટે અધ્યયન કરવાના ફેફસા શરીર તરફ લક્ષ્ય નથી આપતા. આ પણ એક પ્રકારનું પાપ છે. તે આપણા મનમાં ઊતરતું નથી. વિશ્વ વિદ્યાલયમાંથી અભ્યાસ કરીને બહાર આવતા આજકાલ વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય બગડી જાય છે. તેઓ પોતાના હાથે પગે કામ કરવાનું જ જાય છે. પરિણામ એ આવે છે કે અનેક કાર્યની બાબતમાં તેનામાં અક્ષમતા આવી જાય છે એટલે શરીર સંબંધમાં જાગ્રત રહેવું વધુ જરૂરી છે. એમ ન કરવાથી દુર્બળતા વધે છે. શરીર અને મન ઉપર અત્યાચાર કરવાથી તેનું પરિણામ અવશ્ય ભોગવવું જ પડે છે.

ત્યારબાદ અર્જુન કહે છે કે ભીષ્મની સાથે યુદ્ધ કેમ કરવું? અને ગુરુ દ્રોણની હત્યા કેમ કરી? પરંતુ પછી જ તેને ખ્યાલ આવ્યો કે મોએ મોઢે તે ધર્મની જેવી મોટી મોટી વાતો કરે છે તેવો ભાવે ખરેખર તેનાં મનમાં નથી. કેમ કે મન તો બધું જાણી લે છે, સાથે ને સાથે તેઓ કહે છે.

કાર્પણ્ય દ્રોષોપહત સ્વભાવ: ।
પૃચ્છામિ ત્વાં ધર્મ સંમૂઢચેતા: ॥

યચ્છ્રેય: સ્યાન્નિશ્ચિત બ્રુહિ તન્મે ।
શિષ્યસ્તેઽહં શાધિ મા ત્વાં પ્રયન્નમ્ ॥

‘મારામાં કાર્પણ્યદોષ આવી ગયો છે. હું દયાનું પાત્ર બની ચૂક્યો છું. (કૃપણ શબ્દ ‘દયાને પાત્ર’નાં અર્થમાં વપરાય છે.) મારા મનની શક્તિ નાશ પામી ચૂકી છે. બધું કંઈ ખોઈ બેસી ‘હું દયાનો ભિખારી બની ગયો છું. દયાની ભીખ માગું છું. એટલા માટે પ્રાર્થના કરી રહ્યો છું, વિનંતી કરું છું કે હું તમારો શિષ્ય છું. જે મારે માટે શ્રેયસ્કર હોય તે મને નિશ્ચિંત બનીને કહો.’ અર્જુનના મનમાં આવી ગરબડ ક્યાંથી ઉત્પન્ન થઈ છે. તે સ્પષ્ટ કરતાં ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું:

અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ।

‘તું પંડિતની જેમ વાતો કરે છે. પરંતુ પંડિત જેને માટે શોક કરતા નથી. તેને માટે તું શોક કરી રહ્યો છે.’ આ બંને વાતોની અર્જુનના હૃદય પર ગાઢ અસર પડી. પંડિત શું કહે છે? નિત્ય વસ્તુ કઈ છે? શરીર તો પરિવર્તનશીલ છે. પંડિત લોકો આ અનિત્ય શરીર માટે ક્યારે ય શોક કરતા નથી અને તું શોક કરી રહ્યો છે. એટલે તારું મન અને વાણી એક નથી. તું પંડિત નથી.’ ભગવાન શ્રીકૃષ્ણની આ ઉક્તિઓથી ધર્મરાજ્યની બે પ્રધાન આવશ્યક વસ્તુઓનો આપણને સંકેત મળે છે. પહેલી કોઈ પ્રકારની દુર્બળતાને આપણામાં આવવા ન દેવી જોઈએ. એનાથી ઉદ્દેશ સિદ્ધિ કઠિન બને છે. બીજું મન અને વચન એક કરવાં પડશે. આપણે આપણાં જીવનમાં જો આ બે ઉપદેશનું પાલન કરીએ તો આપણા માટે ઉન્નતિનાં બારણાં ખુલી જશે. જેઓ આ બંનેનું જેટલું પાલન કરે છે, તેઓ ભલેને સંસારમાં હોય, સંસારની બહાર ગમે ત્યાં હોય પણ તેને યથાર્થત: કામમાં જ સફળતા સાંપડે છે.

(ક્રમશ:)

Total Views: 63
By Published On: August 6, 2022Categories: Saradananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram