ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો સાચો ધર્મ શું છે તે દૃષ્ટાંત પૂરું પાડવા’ શ્રીરામકૃષ્ણનો આવિર્ભાવ થયો. હતો. આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ કે સનાતન ધર્મના પુનઃ સ્થાપનનો તેમનો અભિગમ રચનાત્મક હતો અને નિષેધાત્મક ન જ હતો. તેઓ પૂરકતાના પૂરસ્કર્તા હતા અને નિષેધકતાના વિરોધી હતા, તેમણે પોતાની પૂર્વે થઈ ગયેલા કે તેમના સમકાલીન સુધારાવાદીઓની પેઠે પુરાતન વ્યવહારોની તીવ્ર આલોચના ન કરી. પણ પોતાના જીવન અને ઉપદેશ દ્વારા તે પુરાતન વ્યવહારોમાંથી સારતત્ત્વોને નીર-ક્ષીર ન્યાયે તારવી લીધાં અને મૂંઝવણમાં પડેલી આર્યપ્રજાને સાચો ધર્મ શું છે તેનું નિદર્શન પૂરું પાડ્યું. તે તેમણે એટલી હદ સુધી કર્યું કે નરેને (સ્વામી વિવેકાનંદે) જ્યારે કોઈ એક ખાસ પંથની આલોચના કરી ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું કે ‘કોણ જાણે છે કે ઈશ્વરના ઘરમાં પ્રવેશવાનું એ એક પાછળનું બારણું પણ કેમ ન હોઈ શકે?”

હવે આપણે આ ઉદ્ધરણના બીજા મુદ્દા ઉપ૨ આવીએ. શ્રીરામકૃષ્ણના સમયમાં ભારતમાં ‘વિસંવાદી અને એકબીજા સાથે ઝઘડતા, પરસ્પર રીતરિવાજોથી ભરેલા’ અનેક સંપ્રદાયો પ્રચલિત હતા. તેથી એક બાજુ તો ભારતની તત્કાલીન શિક્ષિત યુવા પેઢી ભારે મૂંઝવણમાં પડી ગઈ અને બીજી બાજુ ભારત પરદેશીઓના ધિક્કારને પાત્ર બન્યું. આ તકનો લાભ લઈને વિદેશીઓએ વિવિધ ઉપાયો દ્વારા આપણા આ સનાતન ધર્મનો સમૂળો ઉચ્છેદ કરવાનો પ્રયાસ કર્યો. પણ સ્વામીજીએ આગળ કહ્યું છે તેમ વેદોના અથવા સનાતન ધર્મનાં તથા બ્રાહ્મણત્વના અથવા તો ધર્મસંસ્થાપનકાર્યના સંરક્ષણ માટે ઈશ્વર વારંવા૨ માનવદેહ ધરીને અવતાર લેછે, એ સિદ્ધાંત પુરાણો વગેરેમાં સારી રીતે પ્રસ્થાપિત છે.’

શ્રીશંકરાચાર્ય તેમના ગીતાભાષ્યની ભૂમિકામાં કહે છેઃ

જગતઃ સ્થિતિ પરિપિપાલયિષુઃ સ આદિકર્તા

નારાયણાખ્યો. વિષ્ણુઃ ભૌમસ્ય બ્રહ્મણો બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થ દેવક્યાં વસુદેવાદ્ અંશેન કૃષ્ણઃ કિલ સંબભૂવો બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિતઃ સ્યાદ્ વૈદિકો ધર્મઃ ।

‘જગતની સ્થિતિ સુરક્ષિત રાખવાની ઇચ્છાવાળા આદિકર્તા નારાયણ-શ્રીવિષ્ણુ ભગવાન પૃથ્વીલોકની આધ્યાત્મિકતા- બ્રહ્મના અર્થાત્ ભૂદેવોના બ્રાહ્મણત્વની રક્ષા કરવા માટે શ્રી વસુદેવથી શ્રીદેવકીના ગર્ભમાં રહીને શ્રીકૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા. બ્રાહ્મણત્વની રક્ષાથી જ વૈદિક ધર્મ સુરક્ષિત રહી શકે.’

આ મહાન યુગાંતરકારી ધર્મ સંસ્થાપન વિશે સ્વામી વિવેકાનંદ કહે છે, ‘સનાતન ધર્મના જે સાર્વજનિક મર્મ અને વિશિષ્ટતા કાળક્રમે ભુલાઈ ગયાં હતાં તે સનાતન ધર્મમાં પોતાના અપૂર્વ જીવન દ્વારા પ્રાણ રેડવા ભગવાન શ્રીરામકૃષ્ણનો અવતાર થયો હતો.’

પણ આ અવતારમાં આ મહાન કાર્ય તેમણે એક વિલક્ષણ રીતે કરી બતાવ્યું. તેઓ સ્વયં તો વેદમૂર્તિ હતા પરંતુ આ અવતા૨માં તેઓ નિરક્ષર બનીને આવ્યા અને પોતાના જીવન દ્વારા એક અદ્‌ભુત દૃષ્ટાંત પૂરું પાડ્યું કે સાંસારિક સર્વ સંસ્કારોથી રહિત થયેલી ઋષિઓના મનમાં જ વૈદિક પરમ સત્યનો પ્રકાશ આપોઆપ જ પ્રગટ થાય છે. એના કોઈ વર્ણ, જાતિ, જ્ઞાતિ, ધર્મ કે શૈક્ષણિક લાયકાતનો કશો ભેદ હોતો નથી. તેમણે પોતે જ નિરક્ષર રહેવાનું પસંદ કરીને મોટા મોટા પંડિતોને પણ પરાજય આપ્યો હતો અને એ બતાવ્યું હતું કે ધાર્મિક ઉન્નતિ માટે ઔપચારિક શિક્ષણની કશી જ આવશ્યકતા નથી, કેવળ ભગવદનુરાગ, ત્યાગ અને સત્ય પ્રત્યેની નિષ્ઠાની જ આવશ્યકતા છે. કઠોપનિષદ (૧.૨.૯) પણ કહે છે, નૈષા તર્કોણ મતિરાપનેયા પ્રોક્તાન્યેનૈવ સુજ્ઞાનાય પ્રેષ્ઠ ‘હે પ્રિય શિષ્ય આ શાન તર્કથી પામી શકાતું નથી પણ આત્મસાક્ષાત્કારી મહાપુરુષ દ્વારા સુપાત્રને જ આ જ્ઞાનસાંપડે છે.’ વળી (૧.૨.૨૩)માં એ જ ઉપનિષદ કહે છે કે : 

નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃજીતે તેન લભ્યસ્તઐષ આત્મા વિવૃદ્યુતે તનૂ સ્વામ્॥

‘આ આત્મા કેવળ શાસ્ત્રાધ્યયનથી, તીવ્ર બુદ્ધિથી કે સતત શ્રવણ કરવાથી પ્રાપ્ત થતો નથી. પણ તે આત્મા પોતાના આત્મા પ્રતિ અનુરાગ દ્વારા જ મળે છે અને એવા પુરુષની આગળ પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરે છે.’

સ્વામીજીના મત પ્રમાણે અવતારનું પ્રગટીક૨ણ સમાજની પરિસ્થિતિ અને સામાજિક જરૂરત પર આધારિત છે. તેઓ કહે છે : ‘જેમ નદીનાં જળ જ્યારે ધોધરૂપે પડે છે. ત્યારે તે વધુ વેગ ધારણ કરે છે, જેમ ઊંડું ઊતરી ગયેલું મોજું વધારે ઊંચું ચડે છે, તેવી જ રીતે પતનના પ્રત્યેક ગાળા પછી આર્ય પ્રજા ઈશ્વરની કરુણાપૂર્ણ વ્યવસ્થાથી પોતાનાં સર્વ અનીષ્ટોમાંથી ફરી જાગ્રત થઈ ઊઠીને હંમેશા વધારે તેજસ્વી અને વધારે શક્તિશાળી બની છે, એવી ઇતિહાસ સાક્ષી પૂરે છે.’ શ્રીરામકૃષ્ણની ભાવધારાનો પ્રચાર-પ્રસાર ભારતમાં તેમ જ વિદેશમાં આટલો વેગીલો અને વ્યાપક કેમ બની ગયો તેનું એક મહત્ત્વનું ઐતિહાસિક કારણ પણ ધ્યાન ખેંચે તેવું છે. વૈદિક ધર્મના સાચા સ્વરૂપના માર્ગમાં અવારનવાર અનેક ઉત્થાનપતનો તો આવ્યાં જ કર્યાં છે અને એનું નિવારણ પણ અનેક અવતારોએ આવાશ્યકતા અનુસાર કર્યું છે. પણ શ્રીરામકૃષ્ણના અવતરણ પહેલાં આ અવરોધમાં એક નવું વિલક્ષણ અને સબળ તત્ત્વ ઉમેરાયું. એ ભારતની સંસ્કૃતિ ઉ૫૨ વિદેશી ભૌતિકવાદનું બૌદ્ધિક આક્રમણ હતું. આ આક્રમણ ચાર્વાકો કરતાંય વધુ તર્કયુક્ત, વ્યાપક, સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક હતું. ભૌતિકવાદથી ઉત્પન્ન થયેલા આદિભૌતિક સુખવાદનો સામનો. શ્રીરામકૃષ્ણે પોતાના અદ્‌ભુત કામિની-કાંચનના ત્યાગ દ્વારા કર્યો. એટલે જ શ્રીમા સારદાદેવીએ કહ્યું હતું કે આ અવતારનું તેમનું મુખ્ય પ્રદાન ‘ત્યાગ’ હતો અને સર્વધર્મસમન્વય તો તેમનો ગૌણ અવતારહેતુ હતો.

આ અવતરણની ભાવિ અસર વિશે બોલતાં સ્વામીજી આગળ ભારપૂર્વક તેમની આર્ષદૃષ્ટિ દ્વારા કહે છે : ‘આપણો દેશ વાંરવાર જાણે કે મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને – ભાગ્યવિધાતાઓએ પ્રગટ થઈને તેને પુનર્જાગ્રત કરેલ છે. હવે લગભગ વીતી જવા આવેલી આ વર્તમાન ઘેરી ઉદાસ અંધારી રાત્રિ કરતાં વધારે મોટો અંધકારપટ આપણી આ પવિત્ર ભૂમિ પર પહેલાં કદી છવાયો ન હતો. અત્યારના પતનના ઊંડાણની સરખામણીમાં પહેલાંનાં બધાં પતન ગાયનાં પગલાં જેવાં નાનાં અને છીછરાં લાગે છે.

તેથી ભારતની આ વખતની નવજાગૃતિના તેજના અંબાર સામે તેના ઇતિહાસમાંની ભૂતકાળની બધી જાગૃતિઓનો મહિમા ઊગતા સૂર્યની સામે તારાઓ ઝાંખા પડી જાય તેમ ફિક્કો પડી જશે. અને આ પુનર્જાગ્રત થયેલી શક્તિની બળવાન અભિવ્યક્તિની સરખામણીમાં આવી જાગૃતિના ભૂતકાળનાં સર્વ સીમાચિહ્‌નો બચ્ચાંના ખેલ જેવાં લાગશે.’

વૈદિકધર્મે રચેલી નિસરણીનાં કેટલાંક પગથિયાંરૂપ · આદર્શો કાં તો તૂટીફૂટી ગયાં હતાં અથવા તો વેર-વિખેર થયાં હતાં અને કેટલાક ખોવાઈ પણ ગયાં હતાં. જેને સાંધવા, શોધવા, મઠારવા અને સુવ્યવસ્થિત કરવાની તાતી જરૂર હતી. આ કપરું કાર્ય સાધવામાં શ્રીરામકૃષ્ણનાં યોગદાનની વાત કરતાં સ્વામીજી શ્રદ્ધાપૂર્વક માનવોને પ્રેરે છે કે ‘પરંતુ આ નવીન આધ્યાત્મિક પુનરુત્થાનના બળે શક્તિશાળી બનેલા લોકો આ વેરવિખેર પડેલા અને અલગ થઈ ગયેલા આધ્યાત્મિક આદર્શોને ફરીથી સંકલિત કરીને તથા તેમને સમજીને પોતાના જીવનમાં ઉતારવામાં તેમ જ ભુલાઈ ગયેલાઓને વિસ્મૃતિપ્રદેશમાંથી પાછા શોધી કાઢવામાં પણ સફળ બનશે. આપણા આ ઉજ્વળ ભાવિની નક્કર ખાતરીરૂપે ઉપર કહ્યું તેમ પરમકૃપાળુ ભગવાન અત્યારના યુગમાં પ્રગટ થયા છે. અને આ વેળાનો અવતાર પ્રાગટ્યની પૂર્ણતાની દૃષ્ટિએ તમામ આદર્શોના સંયોજનપૂર્ણ સમન્વયમાં તેમ જ આધ્યાત્મિક સંસ્કૃતિના દરેક ક્ષેત્રનો વિકાસ સાધવામાં ભૂતકાળના તમામ અવતારોને વટાવી જાય છે.તેથી આ શકવર્તી યુગના ઉષઃકાળે જ આધ્યાત્મિક

વિચારો અને ઉપાસનાઓનાં સર્વ પાસાંઓ અને આદર્શોના સમન્વયની ઘોષણા કરવામાં આવે છે. આ અસીમ અને સર્વસ્પર્શી ભાવના સનાતન ધર્મ અને તેનાં શાસ્ત્રોમાં મૂળથી જ પડેલી હતી, પરંતુ અત્યાર સુધી તે છુપાઈને પડેલી હતી; હવે ફરીથી તેને શોધી કાઢવામાં આવેલી હોઈ એની રણભેરીના ઊંચા નિનાદથી માનવજાત સમક્ષ ઘોષણા કરવામાં આવે છે.

યુગનું આ નવવિધાન સમસ્ત વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણ ભૂતકાળના સર્વ મહાન યુગધર્મપ્રવર્તકોનું નવસંસ્કરણ પામેલું પ્રકટ સ્વરૂપ છે. હે માનવ! એમનામાં શ્રદ્ધા રાખી અને તેને હૃદયમાં ધારણ કર!’

શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય – અદ્‌ભુત આધ્યાત્મિક જીવનમાં આપણે શ્રીરામચંદ્રની કર્તવ્યનિષ્ઠા, શ્રીકૃષ્ણની અનાસક્તિ, કર્મક્તા અને સર્વ અધ્યાત્મમાર્ગોની સાધેલી સંવાદિતા અને શ્રી ચૈતન્યની ભગવદ્‌ભાવમાં વિભોરતા જોવા મળે છે. વળી, તેમના જીવનમાં ઈશુખ્રિસ્તનો ત્યાગ અને શ્રદ્ધા, ભગવાન બુદ્ધની અસીમ કરુણા અને શિવસમી ધ્યાનમગ્નતા. તેમ જ શ્રી મહાવીરની તપશ્ચર્યા અને સાદગીના આપણને દર્શન થાય છે. આ ઉપરાંત તેમના જીવનમાં આદિ શંકરાચાર્યની બૌદ્ધિકતીવ્રતા અને વિશાળ વ્યવસ્થાશક્તિ તેમ જ શ્રી૨ામાનુજાચાર્યનો દબાયેલા-પિસાયેલા તરફનો પ્રેમ અને ભગવન્નામમાં અખૂટ શ્રદ્ધા પણ આપણે જોઈ શકીએ છીએ. જો કે ઉપર્યુક્ત ધર્મ ગુરુઓ અને આચાર્યોએ તેમના કાળમાં જે તે યુગને અનુરૂપ લાગતું મૂળ સમગ્ર સનાતન ધર્મનું કોઈ એકાદ પાસું પકડ્યું હતું અને એમને સ્થાપેલો સંપ્રદાય એ જ પાસાઓને વળગીને ખડો થયો હતો, વિકસ્યો હતો અને કેટલાક કિસ્સાઓમાં પોતાનું યુગધ્યેય સાધીને ક્ષીણ પણ થઈ ગયો હતો. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવન દરમિયાન પોતાની સાધના દ્વારા આ બધા અલગ અલગ, છિન્ન-ભિન્ન, જીર્ણ શીર્ણ ધર્મસંપ્રદાયોમાં એક નવા જ પ્રાણનો સંચાર કર્યો હતો અને તે ધર્મના હતાશ થયેલાં અનુયાયીઓમાં પણ નવું જીવન, નવી શક્તિ અને નવો વિશ્વાસ જગાડ્યો હતો. પરંતુ, વિભિન્ન આદર્શોનાં ઉત્થાન-પતનની ઐતિહાસિક કે અન્ય પીંજણમાં પડ્યા વગર ભાવિ કાર્ય માટે કટિબદ્ધ બનવા માટે ભૂતકાળની ગઈ-ગુજરીને ભૂલીને નવનિર્માણના સ્વામીજીના આ આહ્વાનને ઝીલવા આપણે તૈયાર થઈએ એ જ આજના યુગની માગ છે. સ્વામીજી હાકલ કરે છે કે ‘મરેલાં કદી પાછાં ફરતાં નથી; વીતી રાત ફરી પાછી આવતી નથી; પછડાઈને પથરાઈ ગયેલું ભરતીનુ મોજું નવેસરથી ઊઠતું નથી; માણસ પણ ફરીથી તેનું તે જ શરીર ધારણ કરી શકતો નથી. માટે હે માનવ! અમે તને મરી પરવારેલા ભૂતકાળની પૂજા છોડી દઈ, જીવંત વર્તમાનની ઉપાસના ક૨વા માટે આમંત્રણ આપીએ છીએ; ગઈગુજરીનાં દુઃખદાયક સંભારણાં છોડી દઈને અમે તને વર્તમાનની પ્રવૃત્તિઓ માટે આહ્વાન આપીએ છીએ; ગુમ થઈ ગયેલા અને ભાંગીતોડી નાખેલા ચીલાઓને કરી શોધવામાં શક્તિને વેડફી નાખવાને બદલે, અમે તને સાવ નજીક જ પસાર થતા નવનિર્મિત વિશાળ રાજમાર્ગ પર પાછો આવવા માટે બોલાવીએ છીએ. બુદ્ધિશાળી હો, તે સમજી લેજો! જે શક્તિએ પોતાના પહેલવહેલા ધબકારની સાથે જ પૃથ્વીની ચારે દિશાઓમાં દૂરદૂરના પડઘા જગાવ્યા તેના આવિર્ભાવના પૂર્ણસ્વરૂપનો તમારા મનમાં પૂરો ખ્યાલ કરો, તથા ગુલામ પ્રજાના લક્ષણરૂપ તમામ નિરર્થક શંકાઓ, નિર્બળતાઓ અનેઈર્ષ્યાઓને છોડી દઈને આ નવવિધાનના વિરાટ ચક્રને ગતિમાન કરવામાં સહાય કરો! આપણે ઈશ્વરના સેવક છીએ, ઈશ્વરનાં સંતાન છીએ, ઈશ્વરના હેતુઓની પરિપૂર્તિમાં સહાયક છીએ એવા દૃઢ નિશ્ચયને હૃદયમાં ધારણ કરીને કર્તવ્યના ક્ષેત્રમાં ઊતરી પડો!’ 

સંદર્ભ :

૧. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ-૩, પૃ. ૨૨

૨. એજન, પૃ. ૨૨

૩. એજન, પૃ. ૨૨-૨૩

૪. એજન, પૃ. ૨૩ ૫. એજન, પૃ. ૨૩-૨૪

૫. એજન, પૃ. ૨૪

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.