શ્રી રાજમ્ અય્યર સ્વામી વિવેકાનંદે મદ્રાસથી શરૂ કરેલ પ્રથમ અંગ્રેજી પત્રિકા ‘બ્રહ્મવાદિન’ના પ્રથમ તંત્રી હતા . આજથી સોથી પણ વધારે વર્ષ પહેલાં એમણે લખેલો આ તંત્રીલેખ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. – સં.

દક્ષિણ ભારતના એક દૂર દૂરનાં, રસ્તાથી પણ પહોંચી ન શકાય તેવા, એક ગ્રામ્ય ગૃહસ્થને મદ્રાસ મુકામે મુલાકાતે આવવાનું થયું; અને ત્યાં એક અશુભ પળે તેણે એક ઘડિયાળની ખરીદી કરીને ઘેર લઈ ગયો. તેનાં નેવું વર્ષના વયોવૃદ્ધ દાદીમાએ આવી ઘડિયાળ વિષે કાંઈ પણ સાંભળેલું નહિ. ઘડિયાળ સતત ટિક્ ટિક કરતું હતું અને આરામ લેવાનું સમજતું જ નહોતું તેથી તેને પ્રથમથી જ શંકાશીલ દૃષ્ટિએ જ જોતાં. આ નવતર વસ્તુનાં આવ્યા પછી થોડા જ દિવસોમાં એક બાળકનું મૃત્યુ થયું; અને આ ડોશીમા ઘડિયાળ પ્રત્યે અત્યંત ગુસ્સે થયાં, કારણ આ કમનસીબીનું કારણ તે ઘડિયાળને જ માનતા. ઘરમાં કાંઈ માંદગી આવે તો તે ટિક્ ટિક્ કરતાં દુષ્ટ ઘડિયાળને કા૨ણે જ, અને કોઈ માઠાં શબ્દ સાંભળે તો તેનું કારણ પણ આ દુષ્ટ ઘડિયાળને જ માનતા. દિવસ અને રાત સતત ડોશીમા તેના પૌત્રને આ ઘડિયાળ બહાર ફેંકી દેવા અથવા કોઈને આપી દેવા કહ્યા કરતા. પણ દાદીમાને ઘડિયાળ જેટલી અણગમતી હતી તેટલી જ પૌત્રને તે પ્રિય હતી તેથી તે તેને કાઢી નાખવા તૈયાર નહોતો. પરિણામે એક અંધારી રાત્રે ડોશીમાએ પોતાનાં પૌત્રનાં કમરાનું બારણું ઉઘાડીને ઘડિયાળ કાઢીને તેનાં ઉપર પ્રહારો કરી અને પડોશી, કે જેને દુશ્મન ગણતી હતી તેનાં ઘ૨માં ફેંકી દીધી. બીજે દિવસે સવારે આ ઘડિયાળ મળવાથી પેલો દુશ્મન પડોશી તો ખુશ થઈ ગયો. સંશયનો પ્રભાવ આવો છે!

આ સંશય (વહેમ) કોઈ યુગ કે જાતિમાં જ છે. એવું નથી. એવો જ નવીન પ્રકારનો વહેમ પ્રબળ બની રહ્યો. છે. ઉપ૨ની વાર્તામાં જેમ ઘડિયાળનાં વહેમે બાળકનું મૃત્યુ નીપજાવ્યું અને પરિવારમાં દુર્ભાગ્યનું નિર્માણ કર્યું તેમ, વેદાંતનો અભ્યાસ અને વેદાંત વિચારોનો પ્રચાર તમામ સંસ્કૃતિનો અને ભૌતિક ઉપલબ્ધિઓનો નાશ ક૨શે, જીવન જીવવા લાયક રહેવા દયે નહિ તેવો વહેમ (સંશય) લોકોમાં પ્રચલિત થઈ ગયો છે. વેદાંત આવો કાળો કેર કરી શકે નિહ. તેને લોકોની શક્તિમાં અગાધ શ્રદ્ધા છે. તેવું કદિ પણ વિચારી શકાય? કે ગમે તે પછી તે વિજ્ઞાન, ઉદ્યોગો, ધર્મ, કલા હોય તેને વિકસાવવા તેનો તો એક માત્ર હેતુ, શક્ય હોય ત્યાં સુધી વ્યક્તિ અને સમાજનું ભલું કરવાનો છે.

આમાં, વિષય પ્રવેશ કરતાં જોઈશું કે મનુષ્યમાં બે અગત્યની વૃત્તિઓ : હૃદય અને બુદ્ધિ હોય છે. વેદાંત કહે છે કે તે એકબીજાનાં ભોગે નહિ, પણ સ્વતંત્ર રીતે વિકસાવવી જોઈએ. ગાડી ખેંચી રહેલા ઘોડાની જોડીની જેમ હૃદય અને બુદ્ધિ જોડાયેલા છે. જેથી એકબીજાને મદદ પણ કરી શકે અને દોરી પણ શકે. હૃદયનું કાર્ય લાગણી અને પ્રેમ વ્યક્ત કરવાનું છે. તેમાં તે જ્યારે ઘણીવાર ભુલ કરે ત્યારે બુદ્ધિ તેની મદદે આવે છે અને સુધારે છે. દા.ત. મૃત્યુ શય્યા પર સુતેલો ૨ડી રહ્યા છે કે અત્યાર સુધીમાં જન્મેલા બાળકો તથા હવે પછી જન્મનારા બાળકોનું શું થશે? પરંતુ બુદ્ધિ કહે છે કે તે અનુચિત બાબતો પર ચિંતા કરે છે કારણ બાળકો, મિત્રો, સગા વહાલા, સંપત્તિ, જમીન જાયદાદ આ બધું તેની કબર સુધી જ છે. પછી મૃત્યુ પછી તે કાંઈ સાથે આવવાનું નથી અને પછીનો પ્રવાસ તેણે એકલાએ જ ક૨વાનો છે. તે જ રીતે, જ બુદ્ધિ સ્વભાવ વિવેક, દલીલ, ન્યાય વગેરે કરવાનો છે. તે ભુલ પણ કરે છે પણ હૃદય તેને સુધારે છે. બાલઝાકની નવલકથામાં નાયક તેની રડતી પત્નિને કહે છે કે, ‘જો, આંસુનું મેં વિશ્લેષણ કર્યું છે કે તેમાં શું છે? તો તેમાં ચૂનાનું ફોસ્ફેટ, થોડું સોડાનું કલોરાઈડ તથા થોડું પાણી!’ તેને માટે આંસુનો અર્થ આટલો જ છે! (બુદ્ધિની દૃષ્ટિએ) તેને (બુદ્ધિને) હૃદય કહે છે કે, ‘વિદ્વાન બુધ્ધુ! પાછળ તો જો! હૃદય રડી રહ્યું છે.’ આ પ્રમાણે હૃદય અને બુદ્ધિ એકબીજાને સુધારવાનું જ નહિ પણ એકબીજાને વિકસાવવાનું કાર્ય કરે છે.

સંપૂર્ણ માનવ તે હૃદય અને બુદ્ધિનું મિશ્રણ છે. તેને કોઈ સાથે શત્રુતા નથી કારણ તે દરેકનાં સ્થાન અને હેતુ જાણે છે. વ્યક્તિઓ મળીને સમાજ બનાવે છે. અને ઘણું કરીને તેઓનો હૃદયનો ભાવ ધર્મરૂપે ભક્ત થાય છે, અને બુદ્ધિ સંસ્કૃતિને ઘડે છે. જેમ વ્યક્તિમાં બુદ્ધિ અને હૃદય એકબીજાને સુધારે છે તેમ સુધારે છે તેમ સમાજમાં પણ ધર્મ અને સંસ્કૃતિ કે દુન્યવી પ્રગતિ, શ્રદ્ધા અને વિજ્ઞાન, એકબીજાનાં સાથી અને દોરનારા બનવા જોઈએ. સંસ્કૃતિ એટલે કે દુન્યવી પ્રગતિને મહત્ત્વ આપીને તેમાં જ સંપૂર્ણ, અથથી ઈતિ માનવું ભુલ ભરેલું ગણાશે. તે જ પ્રમાણે ધર્મની જ પ્રશસ્તિ કરીને સંસ્કૃતિને છોડી દેવી તે પણ હાસ્યસ્પદ  — વાહિયાત ગણાશે. અસ્તિત્વનો છેડો – તેવો ધર્મ – શુષ્ક વિજ્ઞાન નથી. તે તો હૃદય અને બુદ્ધિ, પ્રેમ અને પ્રકાશ શ્રદ્ધા અને જ્ઞાનમાં સંવાદી સુમેળમાં છે; જેમાં ધર્મની પરિણામની તત્ત્વજ્ઞાનમાં અને વિજ્ઞાનની પ્રજ્ઞામાં થાય છે.

પ્રેમ એ સંપૂર્ણ જ્ઞાન અને જ્ઞાન એ સંપૂર્ણ પ્રેમ છે. તેથી વેદાંતને વિજ્ઞાન કે સંસ્કૃતિ, કોઈ સાથે ઝઘડો નથી, કે શ્રદ્ધા કે ધર્મ સાથે. એ એમ કહે છે કે વિજ્ઞાનનું આધ્યાત્મિકરણ અને ધર્મનું બુદ્ધિ અનુસરણ થવું જોઈએ. દરેકે પોતપોતાનું સ્થાન સમજી લેવું અને મનુષ્યનાં આંખ અને કાન વચ્ચે કોઈ ઘર્ષણ નથી તેમ તેમની વચ્ચે પણ કાંઈ ઘર્ષણ ન હોવું જોઈએ. એકબીજાને સહાયભુત થતાં થતાં વિકાસ કરવો જોઈએ. આવો સંયોગ, જો કે ભાગ્યે જ થયો છે. કેટલીય પ્રાચીન સંસ્કૃતિનું એકાંગી પ્રગતિને કારણે પતન થયું છે. આપણે કેટલાય પ્રસંગોમાં જોયું છે કે બુદ્ધિ લાગણી ને પૂરક ન થવાથી મનુષ્ય કટ્ટરવાદી બની ગયો છે, અને તેથી પણ આગળ જોઈએ તો કેટલાય બુદ્ધિ-મંડિત વ્યક્તિઓ પોતે પ્રેમ અને સહાનુભુતિથી વંચિત છે. તે જ રીતે સમાજમાં પણ મોટા સામ્રાજ્યોનાં પતન પણ આધ્યાત્મિક આંદોલનનાં ઉદ્‌ભવ સાથે જ થયાં છે. અને તેવી જ રીતે ઈતિહાસ નોંધે છે કે ઈજીપ્સીયન, ગ્રેસીયન, રોમન વગેરે સંસ્કૃતિઓની અને સામ્રાજ્યની પડતી, પોપનાં સામ્રાજ્યનું કડડભુસ થવું અને તેની સાથે જ ફાન્સીસી સુધારાઓ, પ્રોટેસ્ટન્ટ અને એવાં બીજા આંદોલનોનો ઉદ્‌ભવ વગેરે ગણી શકાય. અને આ બંને બાબતોમાં નિષ્ફળતાનું રહસ્ય તે હતું કે હૃદય અને બુદ્ધિએ સમયસર અને જરૂર હતી ત્યારે એકબીજાને પૂરક ન બન્યાં.

પ્રાચીન સંસ્કૃતિમાં જેમ બન્યું તેવું પતન આધુનિક અને મહાન સંસ્કૃતિનું ન થાય તેવું નથી; કારણ અગાઉનાં કરતાં તે વધુ ભૌતિકવાદી છે. તે પ્રકૃતિ ઉપરનાં વિજયમાં રાચે છે, પોતાનાં થોડા વિજય ગર્વ લઈને આત્મ આગ્રહી થાય છે. એ વારે વારે ભુલી જાય છે કે હજુ તો પ્રકૃતિનાં બહારનાં પડને ભેદી નથી અને આવા તો અસંખ્ય, આશ્ચર્યસભર પડો ભેદવાનાં બાકી છે. તેને તદ્દન જીતી લેવી એ અશક્ય વાત છે. 

જેમ જેમ તેમાં જેટલા ઊંડા જશો તેટલા અંજાઈ જશો. પડનાં પડો ઉખેડી લેવામાં આવે તો પણ તેટલા જ પડો બાકી રહેલા છે. આધુનિક સંસ્કૃતિ આવું વિચારવામાં વધુ પડતી ગર્વિષ્ટ છે. અને તે રીતે તે નિષ્ફળતા પ્રાપ્ત કરે છે, સિવાય કે તે અસંતોષી હૃદયનો ચિત્કાર ન સાંભળે. સદ્‌ભાગ્યે આધુનિક જગતમાં, અર્વાચીન જગતમાં અને કદાચ આધુનિક માનવ ઈતિહાસમાં પ્રથમ વખત હૃદયનો નાનકડો ધ્વનિ યોગ્ય પળે જ સંભળાઈ રહ્યો છે. અને બુદ્ધિ અને હૃદયનું મિલન થઈ રહ્યું છે. વિજ્ઞાનનું આધ્યાત્મિકરણ થઈ રહ્યું છે અને ધર્મ બુદ્ધિનાં પાયા ઉપર વૈજ્ઞાનિક ઢબે સ્થિર થઈ રહ્યો છે અને તે રીતે બંને વચ્ચેનું ઘર્ષણ મૃતઃપ્રાય થઈ રહ્યું છે. એકબીજાનાં સહકારથી વિકાસ કરતાં કરતાં બંનેના જોડાણમાંથી વેદાંતના આદર્શ સમાજનો ઉદ્‌ભવ થાય તેવી શક્યતા છે.

ભવિષ્યને પોતાનાં ઉપર છોડી દઈએ અને મુખ્ય વાત પર આવીએ તો વેદાંતને વિજ્ઞાન કે સંસ્કૃતિ કોઈ સાથે સ્પર્ધા નથી. તે કહે છે, ‘તમે વિજ્ઞાનમાં જેટલા ઊંડાણમાં જાવ, જગત વિજય કરો, સામ્રાજ્ય બનાવો, ધરતીને ચીરી નાખો, વિજયીને ચમકાવો, પાણી ઉપર વહો, સૂર્યને માપો, એટલું જ નહિ પણ નવા ગ્રહો બનાવો અને અવકાશમાં છોડો; પણ હંમેશા યાદ રાખો કે અસ્તિત્વનો આ છેડો નથી! બુદ્ધિએ હૃદયને સંતોષ આપવો જોઈએ અને હૃદયનો અવાજ સાંભળવો જોઈએ અને પ્રેમની લાગણી, દયા, દાન અને ધર્મને અવગણના જોઈએ નહિ.’ અર્વાચીન સંસ્કૃતિનું જોખમ એ છે કે, મનુષ્ય વધારે ને વધારે બાહ્ય ચીજોમાં પ્રવૃત્ત થાય છે. ઇન્દ્રિયોને સંતોષવી તે જ તેનો મુખ્ય ઉદ્દેશ છે અને તેમ માનવામાં તેને વધુ આનંદ આવે છે. પોતાનાં માટે કૃત્રિમ જરૂરિયાતો અને અકુદરતી ભૂખને ઉત્પન્ન કરે છે. આ માનસ તદ્દન રોગીષ્ઠ છે.

વંચિત મનુષ્ય પણ આવી હરિફાઈમાં પોતાની પાસે ધન હોય કે ન હોય પણ પોતાની ઇચ્છા પૂરી ક૨વા માંગે છે અને તેમ ન થાય ત્યારે તેમાં ઝઝુમતાં જ મૃત્યુ પામે છે. માત્ર બુદ્ધિથી પ્રશ્નો ઉકેલવા તે માર્ગ નથી; હૃદયથી પણ ઉકેલી શકાય. જો આ મહાપુરુષાર્થ મનુષ્યને વધારે પવિત્ર, નમ્ર, સહનશીલ બનાવવામાં વપરાયો હોત તો આજે જે છે તેનાં કરતાં હજારગણું સુખ મનુષ્યને પ્રાપ્ત થયું હોત.

હા, જ્ઞાન તો પ્રાપ્ત થાય છે પણ ધૈર્ય આવતાં ઢીલ થાય છે. એક મહાબલી નામનો સમ્રાટ હતો. તેણે સમસ્ત વિશ્વનો  — સર્વ દેવો, અસૂરો અને મનુષ્યો ઉપર વિજય મેળવી લીધાં છતાં તેનાં હૃદયથી તે સંતુષ્ટ ન હતો. તેણે તેનાં અમાત્યને પૂછ્યું ‘હવે વધારે રાજ્યો જીતવાનાં નથી?’ તેને કહેવામાં આવ્યું કે હા, એક એવું રાજ્ય છે. અને તે છે. તેમનો પોતાનો આત્મા! ‘મનુષ્ય જો સકળ વિશ્વને પામે પણ પોતાનાં આત્માને ખોઈ બેસે તો તેનો શું લાભ?’ ભગવાન ઈસુએ કહેલું. અને આ આત્માની જીત તે જ સૌથી મુશ્કેલ વાત છે. અને તે માટે હૃદય અને બુદ્ધિનું અને જ્ઞાન અને સર્વ પ્રત્યે પ્રેમનું સામંજસ્ય જરૂરી છે. એક તામીલ મહા કવિએ કહ્યું છે, ‘હે પ્રભુ! જે જ્ઞાન પ્રકાશ અને આનંદ સ્વરૂપ છે, તે મારા હૃદયમાં નિવાસ કરો.’ હાથી પાસે ધાર્યુ કામ કરાવવું, વાઘ અને રીંછનું મોઢું સીવવું, જંગલના રાજા સિંહ ઉપર સવારી કરવી, ઝેરી નાગ સાથે રમવું, જુદી જુદી ધાતુઓને સોનામાં રૂપાંતર ક૨વી અને તેનાં ઉપર નિર્વાહ કરવો, અદૃશ્ય રહીને જગતમાં ભટકવું, સનાતન યૌવન ભોગવવું, અન્યનાં શરીરમાં પ્રવેશ કરવો, પાણી ઉપર ચાલવું, અગ્નિ ઉપર ઉભું રહેવું અને અનિર્વચનીય શક્તિ પ્રાપ્ત કરવી – આ બધું જ, મનનો સંયમ કરી, આનંદમાં મસ્ત રહેવું તેનાં કરતાં  — સહેલું છે.

મનુષ્ય જાતિનો ઉચ્ચતમ અને ગૌ૨વપૂર્ણ આદર્શ એ છે કે સર્વવ્યાપક પ્રેમ અને જ્ઞાનનાં પોતાની જાતને સમર્પણ કરીને બ્રહ્મ કે જે જગતથી મહાન છે, મહત્તમ, અનન્ત, જે સર્વમાં વ્યાપેલ છે અને વિશ્વમાં વ્યાપી રહેલ છે તેનો સાક્ષાત્કાર કરવો – એટલે કે આત્માનો સાક્ષાત્કાર કરવો. ઉચ્ચ અને આનંદમય સંસ્કૃતિની પ્રાપ્તિ માટે હૃદયની કેળવણી, પ્રેમનો પ્રસાર અને સ્વાર્થ પરાયણતાનો અભાવ જરૂરી છે.

વેદાંતનો અર્વાચીન સંસ્કૃતિ પ્રત્યેનો અભિગમ લગ્ન તરફનાં અભિગમ જેવો છે. જે લોકોને લગ્નની જરૂરિયાત લાગતી હોય તેને ખુશીથી પરણવા દો; પરંતુ તેનો હેતુ ઇન્દ્રિયો સુખનો જ હોવો જોઈએ નહિ પણ પ્રજોત્પતિ અને શુભ હેતુ માટેનો હોવો જોઈએ. ઉચ્ચ જીવનની તૈયારી રૂપે જ લગ્નને જોવું જોઈએ કે જેવી ખરેખરો ત્યાગ શક્ય બની શકે. કેટલાકને લગ્નની જરૂરિયાત નથી લાગતી તે ભલે લગ્ન કરે નહિ. ત્યાગ  — મનથી ત્યાગ એ જ બંને માટે સામાન્ય આદર્શ છે. કા૨ણ અર્વાચીન સંસ્કૃતિ તમસનો નાશ ક૨વામાં અમૂલ્ય મદદ કરે છે અને પોતાની જાતને ઓળખવા માટે કુતૂહલતા ધરાવે છે. તે સૌ માટેનો આદર્શ એક જ છે – આત્મજ્ઞાન અને ડહાપણ, નિમ્નતર સંસ્કૃતિ અને ઉચ્ચતમ સંસ્કૃતિ એ ઉચ્ચતમ સંસ્કૃતિની તૈયારી છે. જેમ સંતને માટે પરિવારમાં રહે અથવા એકલો રહે, પરિણિત કે અપરિણીત રહે, સમાજમાં રહે કે એકલો રહે તે સરખું જ છે. તે અરણ્યમાં શુકદેવની જેમ રહે કે જનકની જેમ રાજ્ય કરે તે સરખું જ છે. કારણ કે રાજા જનકે રાજ્ય કર્યુ, લડાઈઓ લડી, વ્યાપાર ઉદ્યોગ વધાર્યા અને લોકોને સુખી કર્યા અને તે વિશ્વનાં ન્યાયી રાજાઓમાં શિર્ષ સ્થાને ગણાયો? એટલું જ નહિ પણ ભારતીય વેદાંતીઓમાં પણ તેઓ ટોચ ઉપ૨ ગણાય છે.

અંતમાં અર્વાચીન સંસ્કૃતિ જો કે એકાંગી છે પણ તેનામાં પૂર્ણતા પામવાની શક્યતાઓ છે જ. વર્તમાન જીવનમાં ઇન્દ્રિયજન્ય આનંદ કરવો તે જ માત્ર જીવનનો હેતુ. એવું વલણ તેની મુખ્ય ખામી છે. તેમ જ યોગ્ય આદર્શની ઉણપ છે. તે પણ એક કારણ છે તેમ છતાં અર્વાચીન સંસ્કૃતિ એ માત્ર ઉચ્ચ અને સત્યની પ્રાપ્તિની તૈયારી જ છે, તેમ માનીને તેનાં હાલનાં વલણોમાં સુધારો કરી વેદાંતના હેતુને પાર પાડી સાર્થક કરવું તે તેનો મુખ્ય આદર્શ હોવો જોઈએ.

અનુવાદક : શ્રી કનુભાઈ માંડવિયા
ઍડવોકેટ, જૂનાગઢ.

Total Views: 134

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.