સારાંયે વિશ્વને અને સમગ્ર માનવજાતને ભારતે આપેલ કોઈ સર્વોત્કૃષ્ટ અને અણમોલ ભેટ હોય તો તે અદ્વૈત વેદાંતના તત્ત્વજ્ઞાનની છે. આ તત્ત્વજ્ઞાન જો, શુષ્ક, નિરસ કે જીવન- વિમુખ હોત તો, સદીઓથી દેશ-વિદેશમાં તેનાં જે આટલાં આકર્ષણ, પ્રભાવ અને ગુણગાન જોવા મળે છે તે સતત ટકી શક્યાં ન હોત. વાસ્તવમાં અને સાચે જ આ એક વ્યાપક સર્વગ્રાહી અને જીવનસ્પર્શી તત્ત્વજ્ઞાન છે. બુદ્ધિને નિઃસંશય કરી સમાધાન આપનારું અને તે સાથોસાથ હૃદયને પરમ શાંતિનો અનુભવ કરાવનારું, અદ્વૈત વેદાંત એક અલૌકિક અને દિવ્ય દર્શન છે. માનવ બુદ્ધિનો ઉંચામાં ઉંચો કુદકો આ દર્શનમાં જોવા મળે છે.

અદ્વૈત વેદાંતનાં મતે, સમગ્ર વિશ્વમાં, મનુષ્ય, પશુ, પક્ષી, કૃમિ, કીટક, વૃક્ષ, વનસ્પતિ, સ્થાવર, જંગમ, ચેતન, અચેતન, નામરૂપયુક્ત એવું જે કાંઈપણ છે તે તમામ સર્વશ્રેષ્ઠ એવું પરમ તત્ત્વ જેને બ્રહ્મ કહ્યું છે તેનાથી ભિન્ન નથી. જે કાંઈ દૃષ્ટિગોચર થાય છે તેની સત્તા-અસ્તિત્વ બ્રહ્મના અસ્તિત્વથી અલગ નથી. બ્રહ્મતત્ત્વનાં જ્ઞાનની પ્રાપ્તિ કરી, એક્તાના આ અનુભવ માટે, તે તત્ત્વમય બની રહેવું એ મનુષ્યનું એકમાત્ર કર્તવ્ય ઠરે છે. વેદાંત, આવું સર્વોચ્ચ ધ્યેય અને તે પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવનારું ભારતીય વૈદિક પરંપરાનું અંતિમ દર્શન છે. વેદ, એટલે જાણવું અને વેદોનો અંત એટલે કે તેનો સાર, નિષ્કર્ષ, તારતમ્ય, એનું નામ વેદાંત. જ્ઞાનની ચરમસીમાનાં તેમાં દર્શન થાય છે. વેદોનાં છેવટનાં ગ્રંથો એટલે આરણ્યકો અને ઉપનિષદો અને તેમાં આ શાન સમાયેલું હોય, તે દૃષ્ટિએ પણ તેને વેદાંત એવી સંજ્ઞા બિલકુલ સમુચિત રીતે આપવામાં આવી છે. ઉપનિષદો, તેનો સમન્વય કરનાર બ્રહ્મસુત્ર, તથા સારરૂપિણી ભગવતગીતા આ ત્રણેય, પરંપરા અનુસાર, વેદાંતગ્રંથો – વેદાંતની પ્રસ્થાનત્રયી – તરીકે પ્રસિદ્ધિ પામ્યાં છે અને પરમ આદરનું સ્થાન ધરાવે છે.

સમગ્ર બ્રહ્માંડ એક જ પરમ ચૈતન્ય – બ્રહ્મનો જ વિલાસ છે, તેનાથી જુદું કંઈ જ નથી. એકમેવાદ્વિતીયમ્ નેહ નાનાસ્તિ કિંચન ‘એક અને અદ્વિતીય એવું આ તત્ત્વ છે, અહીં તેનાથી અલગ જેવું કંઈ જ નથી.’ આ અદ્વૈત વેદાંતની ઘોષણા છે. સર્વત્ર એકમાત્ર બ્રહ્મની જ સત્તા છે. જે નિત્ય, અનંત, અનાદિ અને દેશકાળથી પર છે. એને પારમાર્થિક સત્તા કહી છે. આ પારમાર્થિક કે ઈશ્ સત્તા સંબંધે કોઈ પ્રશ્ન કે વિવાદ ઉપસ્થિત કરવામાં આવતા નથી. પરંતુ, સવાલ વ્યવહારિક જગત અને તેનાં અનંત પદાર્થોની સત્તા તેમજ સ્વપ્નમાં અનુભવાતાં અનેકવિધ પદાર્થોની સત્તા વિશે ઉઠાવવામાં આવે છે. જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં અનુભવાતા અસંખ્ય જીવી તથા પદાર્થોની સત્તા ક્યા પ્રકારની ગણવી તે એક સમસ્યા છે. અદ્વૈત વેદાંતનાં ત્રણ મુખ્ય દર્શનો (૧) કેવલાદ્વૈત, (૨) વિશિષ્ટાદ્વૈત અને (૩) શુદ્ધાદ્વૈત. દરેકે એક જ પરમતત્ત્વ બ્રહ્મની સત્તાને કેન્દ્રમાં રાખી જીવ અને જગતની અલગ સત્તાને લગતી સમસ્યાનો પોત પોતાની રીતે ઉકેલ આપ્યો છે. વિશિષ્ટાદ્વૈત મતના પુરસ્કર્તા શ્રી રામાનુજાચાર્યનાં મત અનુસાર – જેમ, શરીર અને આત્માની સત્તા પરસ્પર એક અને અભિન્ન છે તેમ ચિત્ત અને અચિત્ત જીવ, અજીવ, જડ ચેતન વિગેરે સર્વ કાંઈ જે દૃશ્યમાન થાય છે તે તમામ પરબ્રહ્મ પરમાત્માનું શરીર છે અને તેની કોઈ અલગ સત્તા નથી. જેમ શરીર અને આત્મા અલગ અનુભવાતા છતાં, તે પરસ્પર અભિન્ન સત્તારૂપે રહેલાં છે તે જ પ્રમાણે જગત અને પરમતત્ત્વનું આવા વિશિષ્ટ સ્વરૂપે અદ્વૈત રહેલું છે. વ્યવહારિક જગતની સત્તા વિશેનો વિશિષ્ટાદ્વૈત દર્શનનો આ ખુલાસો છે. શુદ્ધાદ્વૈત દર્શનના પુરસ્કર્તા શ્રી વલ્લભાચાર્ય જીવ જગત વિગેરેને પરબ્રહ્મનાં માત્ર નામરૂપાત્મક પરિણામ સ્વરૂપ માને છે. પણ આ પરિણામ કોઈ વિકારી પરિણામ નથી. તેનાથી મૂળ સ્વરૂપમાં કોઈ વિકાર થતો નથી. જેમ સુવર્ણ અને સુવર્ણનાં નાનાવિધ અલંકારોમાં નામરૂપને બાદ કરતાં શુદ્ધ સ્વરૂપે એકમાત્ર સુવર્ણની જ સત્તા રહેલી છે, માટી અને માટીનાં અનેકાનેક ઘાટનાં પાત્રોમાં, જેમ શુદ્ધ સ્વરૂપે માટીની જ સત્તા રહેલી છે તે જ પ્રમાણે અનંત સ્વરૂપે વિસ્તરેલ આ વિશ્વ પાછળ શુદ્ધ બ્રહ્મની જ સત્તા રહેલી છે. તેમનો આ અવિકૃત પરિણામવાદ છે. પરમાત્માની આ સૃષ્ટિ અને તેનાં પદાર્થો વાસ્તવમાં કોઈને સુખ પણ આપતાં નથી કે દુઃખ પણ આપતાં નથી. અને તે બ્રહ્મની જેમ જ તટસ્થ અને નિર્દોષ છે. તેમ છતાં, સુખ-દુઃખાદિ ભાવોનો જે અનુભવ થાય છે તે કેવળ, જીવનાં રાગદ્વેષનું પરિણામ છે. માણસની અંદર જે પ્રત્યાઘાતો નિર્માણ થાય છે, તે સંસાર છે. શ્રી વલ્લભાચાર્યનાં મત અનુસાર જગત સુખદુઃખાત્મક નથી, પણ, માણસની અંદરનો આ સંસાર સુખ દુઃખાત્મક ભાસે છે. જગત પાછળ બ્રહ્મની જ શુદ્ધ સત્તા રહેલી છે, એવો તેમનો સિદ્ધાંત રહેલો છે. આમ, વિશિષ્ટાદ્વૈત અને શુદ્ધાદ્વૈત બંને દર્શનો પોત પોતાની રીતે જગતની સત્તા માન્ય રાખતાં હોય, તેમને કોઈ વિરોધનો સામનો કરવો પડ્યો નથી. પરંતુ, કેવલાદ્વૈત દર્શનની વાત જુદી છે. આ દર્શને માત્ર બ્રહ્મની સત્તા જ માન્ય રાખી છે. અને જગતને મિથ્યા ઠરાવેલ છે. તેથી, તેને ભારે વિરોધ અને ટીકાનો સામનો કરવો પડેલ છે. કેવલાદ્વૈત દર્શનનાં મતે, જો જીવ અને જગત ખરેખર જ સાચા હોય તો, દરેક અવસ્થામાં તેનો અનુભવ થવો જોઈએ. પણ તેવું જણાતું નથી. ગાઢ નિદ્રા, મુર્છા વિગેરેમાં જગતનો કોઈ અનુભવ નથી. જીવ અને જગતનાં તમામ પદાર્થો, અનિત્ય, ક્ષણિક, વિનાશધર્મી છે તેવો દરેકનો અનુભવ છે. સત્ય તો તે જ કહેવાય કે જે નિત્ય, શાશ્વત, દેશકાલાબાધિત હોય અને જેનો કોઈપણ અવસ્થામાં બાધ થઈ શકે નહિ. આવું તત્ત્વ તો એકમાત્ર બ્રહ્મ જ છે. સ્વપ્નના પદાર્થો ક્ષણિક છે અને જાગૃત અવસ્થામાં તેનો બાધ થઈ જાય છે. પણ, આ બધી અવસ્થાઓથી પર અને અતિ સૂક્ષ્મરૂપે રહેલ અસ્તિત્વ અને તેનું ભાન – બ્રહ્મસત્તા નિત્ય એકરૂપે અનુભવાય છે અને તે જ પરમ સત્ય છે. તો, પછી સ્વપ્ન અને જાગૃત અવસ્થાનાં પદાર્થોની સત્તા કેવી ગણવી? કેવલાદ્વૈત દર્શને, બ્રહ્મને પરમાર્ષિક સત્ય – ઠરાવવાની સાથો સાથ જગતને વ્યવહારિક સત્ય અને સ્વપ્નને પ્રતિભાસિક સત્યનો દરજ્જો આપ્યો છે. સત્ય વિશેનાં આ દર્શને કરેલા ગહન ચિંતનમાં માત્રા અને પ્રમાણભેદે કરીને વ્યવહારિક અને પ્રતિભાસિક સત્યની – Absolute reality – ની જે કલ્પના કરી છે તે ખરેખર અદ્‌ભૂત છે અને તત્ત્વ દર્શનોમાં તે બેજોડ અને અભુતપૂર્વ છે. દરેક અવસ્થાનું એક અનોખું સત્ય – Degrees of Truth ની જે કલ્પના કરી છે તે ખરેખર અદ્‌ભુત છે અને વિશ્વભરનાં તત્ત્વ દર્શનોમાં તે બેજોડ અને અભૂતપૂર્વ છે. દરેક અવસ્થાનું એક અનોખું સત્ય અને સત્તા છે. પારમાર્થિક દૃષ્ટિએ તેને સત્તા નથી. પરંતુ, તે સાવ મિથ્યા છે એવા અર્થમાં નથી. તે અવસ્થા પુરતો તેનો અનુભવ સત્ય છે. સ્વપ્નમાં રોજ પાણીની તૃષા લાગે અને કૂવા દેખાય, પણ, દોરડું અને સિંચણ ડોલના અભાવે તરસ્યાં રહી જવાય તેવું થાય. પણ, તેથી કરીને રોજ રાત્રે ઓશિકા પાસે ડોલ અને દોરડું સાથે રાખીને સુઈએ તો તે કામ આપતું નથી. સ્વપ્નમાં તો સ્વપ્નનાં જ સિંચણ અને ડોલ કામમાં આવી શકે. આવું જ જાગૃત અવસ્થાનું છે. કેવલાદ્વૈત મતનાં સમર્થ અને મહાન પુરસ્કર્તા શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યનાં જીવનની એક પ્રસિદ્ધ થટના છે. ‘જગત મિથ્યા છે’ એવા તેમનાં સિદ્ધાંતની હાંસી ઉડાવનારા તેમનાં જમાનામાં ઘણા હતા. એક વખત, વારાણસીની એક શેરીમાંથી શંકરાચાર્ય પસાર થઈ રહ્યા હતાં તે વખતે, સામેથી એક વિશાળકાય હાથી મદોન્મત્ત થઈ સૂંઢ ઉછાળતો ફેરવતો સામેથી ધસી આવતો જોઈ, શેરીના લોકોમાં બુમાબુમા અને ભાગદોડ મચી ગઈ. તે જોઈ સાંભળી, શંકરાચાર્ય પણ દોડીને સલામત જગ્યાએ નાસી ગયા. આ બનાવની વાત સાંભળી, તેમના વિરોધીઓ પુછવા લાગ્યા કે, ‘આચાર્યશ્રી આપના મતે તો જગત મિથ્યા છે તો પછી. ગાંડા હાથીને આવતો જોઈ ભાગ્યા કેમ? શંકરાચાર્ય કહે, જગત મિથ્યા છે તેનો જો તમો આવો જ અર્થ કરતા હોય તો પછી હાથીને પણ મિથ્યા માનો અને તેની સાથોસાથ મારે ત્યાંથી નાસી જવું તેને પણ મિથ્યા જ સમજોને! આચાર્યશ્રીનાં પ્રત્યુત્તરમાં રહેલ વિનોદને બાજુએ રાખીએ તો તેમાં જગતની વ્યવહારિક સત્તાનો અસંદિગ્ધ સ્વીકારની વાત રહેલી છે. જગતનું મિથ્યાત્વ, બ્રહ્મની સત્તાનાં સંદર્ભમાં જ છે. જ્યારે, બ્રહ્મનો – પારમાર્થિક સત્તાનો વિચાર કરતાં હોઈએ ત્યારે, જગતને મિથ્યા ગણવાનું છે. દેશકાળથી પરિમિત એવાં સ્વપ્ન, જાગૃત, સુષુપ્તિ દરેકનાં પરિણામ જુદાં છે. માણસ જે તે પરિણામ નીચે હોય તેની સત્તાનો પ્રભાવ અનુભવવાનો રહે છે. દેશકાળથી પર એવી બ્રહ્મની પારમાર્થિક સત્તાની દૃષ્ટિએ જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય મિથ્યા છે. તેને મિથ્યા ઠરાવ્યા વગર, માણસનાં ચિત્તની બ્રહ્મની સત્તામાં પ્રવેશ જ શક્ય નથી. જગત મિથ્યા છે એવો સિદ્ધાંત કેવળ પરમાત્મ સત્તાની દૃષ્ટિએ જ કહ્યો છે. તમામ વ્યવહારિક હેતુઓ માટે જગતની વ્યવહારિક સત્તા અદ્વૈત વેદાંત માન્ય કરેલ જ છે. તે જ સમજતાં, જગત મિથ્યાના સિદ્ધાંતનો કેવળ શાબ્દિક અને આત્યંતિક અર્થ કરી, તેનાં પર ટીકા પ્રકારોની ઝડી વરસાવવામાં આવે છે તે બિલકુલ અનુચિત અને અસ્થાને છે. એટલું જ નહિ પણ તે આ દર્શનને ભારે અન્યાયકર્તા છે. વેદાંત દર્શનના પુરસ્કર્તા આચાર્યો જ કહે છે કે, જગત મિથ્યાના સિદ્ધાંતનો એવો જ જ અર્થ કરવામાં આવે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિગેરે પુરુષાર્થ, હું, તમે અને આ તત્ત્વચર્ચા કશાનો જ કંઈ અર્થ કે અવકાશ રહે નહિ. પરંતુ, તેવું નથી. ઉપર જણાવ્યા પ્રમાણે, પરમતત્ત્વનો વિચાર કરતી વખતે, તેનું ચિંતન-મનન, તેમાં એકાગ્રતા, ધ્યાન કરતી વખતે, જગત અને જગતના પદાર્થો અને વિચારોને મનમાંથી દૂર કર્યા વગર છુટકો નથી અને તે જગતને અસત્ ઠરાવીને જ શક્ય છે. પરમતત્ત્વોનો અનુભવ લેવા જગતને મિથ્યા ગમ્યું છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યે તેમનાં ‘સાધન પંચકમ્’ સ્તોત્રમાં, આ વાત, બહુ હૃદયસ્પર્શી રીતે સમજાવી છે. ‘એકાન્તે સુખમાસ્યતાં પરતરે ચેત: સમાધીયતાં પૂર્ણાત્મા સુસમીક્ષ્યતાં જગદિદં તદબાધિતં દૃશ્યતામ્।

‘એકાંતનાં સુખાસને બેસો – આજની ભાષામાં કહેવું હોય તો પુરા રીલેકસ્ડ થઈ બેસો અને પરબ્રહ્મમાં ચિત્તને લગાડી દયો અને જુઓ કે આ (અસત્) જગત તેનાથી કેવું બાધિત થઈ જાય છે!’ પરબ્રહ્મની સત્તામાં મન પ્રવેશે પછી દેશ-કાળ જગત કંઈ અનુભવાતું નથી.

વેદાંત, જગતની વ્યવહારિક સત્તા સ્વીકારતું હોઈ, આગળ વધીને કહે છે કે, એકમાત્ર વેદાંતજ આત્મિક સ્વાતંત્ર્યની ઘોષણા કરે છે. રાજકીય, સામાજિક અને આર્થિક સ્વાતંત્ર્ય કરતાં પણ જેનું માનવ જીવનમાં સૌથી વધારે મૂલ્ય આંકી શકાય એવું આત્મિક સ્વાતંત્ર્ય છે. વાસના, વિષયો, ઇંદ્રિયો, મન, બુદ્ધિનું દાસત્વ મટી જાય ને તેમનાં પરનું સ્વામીત્વ પ્રાપ્ત થાય એમાં જ માનવજીવનની સાચી દીપાવલી છે. આ જ ખરું આત્મગૌરવ છે અને દરેક માનવ તે પ્રાપ્ત કરી શકે છે. દરેકનો તે જન્મસિદ્ધ હક્ક છે. કારણ કે, તે જ તો તેનું અસલ સ્વરૂપ છે એવી ઘોષણા વિશ્વમાં કોઈએ કરી હોય તો તે કેવળ અદ્વૈતવેદાંતે કરી છે. સામાજિક, આર્થિક ન્યાય, રાજકીય સ્વાતંત્ર્ય, સમાનતા અને વિશ્વ બંધુત્વનાં આધુનિક આદર્શોની યથાર્થતા પણ એકમાત્ર વેદાંત જ સિદ્ધ કરી શકે તેમ છે. આ આદર્શોની આધારશિલા વેદાંત છે. તેનાં મૂળ વેદાંતનાં તત્ત્વજ્ઞાનમાં રહેલા છે અને વેદાંત જ વિશ્વભરનાં આ આદર્શોને સાચું સમર્થન અને બળ પુરું પાડી શકે તેમ છે. આ વૈચારિક નિષ્કર્ષને સ્વામી વિવેકાનંદનાં પ્રેરણાદાયી શબ્દોમાં જોઈએ, “અદ્વૈત વેદાંત જ નીતિમત્તા માટેનો ખુલાસો આપે છે. દરેક ધર્મ ઉપદેશ આપે છે કે સર્વ પ્રકારની નીતિમત્તાનો સાર, બીજાનું ભલું કરવું એ છે. પણ ભલું શા માટે કરવું? કહે છે કે, નિઃસ્વાર્થી બનો, પણ શા માટે નિઃસ્વાર્થી બનવું? અમુક એક ભગવાને કહ્યું છે માટે? એમાં હું માનતો નથી. અમુક એક ગ્રંથે કહ્યું છે માટે? ગ્રંથો ભલે કહે મારે તે સાથે કોઈ નિસ્બત નથી. તે બધા એમ કહેતા હોય તો મારે શું? પહેલું પોતપોતાનું સંભાળો. છેલ્લો રહે એ મરે દુનિયામાં એને જ નીતિમત્તા કહેવાય છે, અને ઘણાં ખરાં એમ જ માને છે. તો શા કારણસર મારે નીતિમાન થવું? જ્યાં સુધી ગીતામાં કહેલા સત્યને તમે સમજી ન શકો કે, ‘સમં પશ્યન્ હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ -ન હિનત્યાત્મનાત્મનમ્ ।’ જે સર્વને પોતાનામાં જુએ છે અને પોતાને સર્વમાં જુએ છે તે મુનિ એક જ આત્માને સર્વમાં રહેતો જોઈને આત્માને આત્માથી હણતો નથી. ત્યાં સુધી તમે તે સમજાવી શકી નહિ, તમે અદ્વૈત વેદાંત દ્વારા જાણો કે જ્યારે તમે બીજાને કોઈ ઈજા પહોંચાડો છો ત્યારે તમે તમને પોતાને જ ઈજા પહોંચાડો છો; એ સર્વ તમે પોતે જ છો. તમે તે જાણો કે ન જાણો પણ બધા હાથો વડે તમે જ કામ કરી રહ્યા છો. બધા પગ વડે તમે જ ચાલી રહ્યા છો, મહેલમાં આનંદ માણનારો રાજા તમે જ છો અને દુઃખી જીવન ગાળી રહેલો રસ્તા પરનો ભિખારી પણ તમે જ છો, અશાનીમાં તેમજ વિદ્વાનમાં, દુર્બળમાં તેમજ સબળમાં તમે જ રહેલા છો. આ સમજો અને સૌ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવો. એટલા સારું આપણે બીજાઓને ઈજા ન પહોંચાડવી જોઈએ. એટલા માટે જ મારે ભુખે મરવું પડે તેની હું પરવા કરતો નથી. કારણ કે, બીજાં કરોડો મોઢાં તે જ વખતે ભોજન કરી રહ્યાં હશે અને તે બધાં એ મારી જ મુખ્ય છે. એટલા માટે મારું શું થશે એની હું પરવા કરતો નથી. કારણ કે, વિશ્વ આખું મારું છે. એક જ વખતે હું સર્વ આનંદનો ઉપભોગ કરું છું અને મને કે વિશ્વને કોણ મારી શકે? આનું જ નામ નીતિમત્તા છે. બીજાઓ આ બધું ભલે શીખવે પણ તેનો ખુલાસો, તેનું કારણ તેઓ તમને આપી શકતા નથી. એકમાત્ર વેદાંત જ તમને આ બધાનો ખુલાસો આપે છે. વેદાંત કહે છે ‘તત્ત્વમસિ’ તું તે જ છો. અદ્વૈત વેદાંતનાં ઉપદેશની આ વ્યવહારિક બાજુ છે. માટે તમે તમારા પોતાનામાં શ્રદ્ધા રાખો. તમારે જે કાંઈ જોતું હશે તે આવી શ્રદ્ધાથી મળશે. આ વેદાંત ધર્મ એટલો મહાન છે કે કૃષ્ણ ભગવાન તેના માટે ગીતામાં કહે છે તેમ ‘સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્’ ‘આ વેદાંત ધર્મનો જરા સરખો અંશ પણ જો આચરણમાં ઉતારવામાં આવે તો એ મહાન ભયમાંથી ઉગારે છે.’

માટે ઓ આર્યોનાં સંતાનો! આળસુ થઈને બેસી ન રહો. ઉઠો, જાગો અને અટક્યાં વગર ધ્યેય પ્રાપ્ત કરો. આ અદ્વૈત વેદાંતને વ્યવહારિક ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાનો સમય હવે આવી પહોંચ્યો છે. આપણા પૂર્વજોનો અવાજ આપણને પોકાર કરી રહ્યો છે. આ વેદાંતને સ્વર્ગમાંથી નીચે લાવો. તેનો ઉપદેશ સમસ્ત વિશ્વમાં ફેલાવી દો. એને, સર્વ સાધારણ જનતાની સંપત્તિ બનાવો. આપણાં જીવનનાં અણુએ અણુમાં એને ઉતારી, આપણી રગેરગમાં એને વહેવડાવો કે જેથી આપણા રક્તનું બિંદુએ બિંદુ વેદાંતની આ એક્તાની ભાવનાથી ઝણઝણી ઉઠે.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.