સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા બહાર પડતી અંગ્રેજી પત્રિકા ‘વેદાંત કેસરી’ના તંત્રી તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓ જૈનધર્મના અભ્યાસુ છે.  —  સં.

જૈનધર્મ વિશ્વના પ્રાચીનતમ મુખ્યધર્મોમાંનો એક છે. કેટલાક વિદ્વાનોની માન્યતા છે કે જૈનધર્મનો ઉદ્‌ભવ હિંદુધર્મનાં કર્મકાંડ તેમજ યશોમાં ધર્મના નામે થતા પશુબલિના વિરોધ કે વિદ્રોહના રૂપમાં થયો હતો. જૈન પૌરાણિક કથાઓમાં પશુબલિના વિરોધના આ પ્રમાણોના સંકેતો પણ સાંપડે છે. બીજા વિદ્વાનોની માન્યતા છે કે જૈનધર્મ હિંદુધર્મથી પ્રાચીન ભલે ન હોય પણ તેના સમકાલીન ભારતમાં તે પ્રતિષ્ઠિત અને લોકપ્રિય ધર્મ હતો. આ વિદ્વાનોના મત પ્રમાણે ભારતમાં અતિપ્રાચીન કાળથી સંસ્કૃતિની બે ધારાઓ સમાનાંતર રૂપે વહેતી રહી છે. એક વૈદિક યા બ્રાહ્મણસંસ્કૃતિ અને બીજી શ્રમણ યા માગધી સંસ્કૃતિ. પ્રથમ સંસ્કૃતિનો ઉદ્‌ભવ સિંધુ નદીની ઘાટી અથવા આધુનિક માન્યતા પ્રમાણે સરસ્વતી નદીની ઘાટીમાં થયો. હતો. જ્યારે શ્રમણ સંસ્કૃતિ મગધ-આધુનિક બિહાર-દેશમાં વિકસી હતી. આ બે સંસ્કૃતિઓમાં કેટલાંક મૌલિક મતભેદો હતા જે આજ સુધી અકબંધ છે.

વૈદિક બ્રાહ્મણ સંસ્કૃતિનું કેન્દ્ર બ્રાહ્મણ તેમજ બ્રાહ્મણત્વ છે જ્યારે શ્રમણ સંસ્કૃતિનો આધાર છે શ્રમણ-સંન્યાસી- ભિક્ષુ, વૈદિક સંસ્કૃતિમાં જીવન્મુક્તિને જીવનનું લક્ષ્ય માનવામાં આવે છે. ગૃહસ્થ પણ જીવન્મુક્ત બની શકે છે. તે મંત્રદૃષ્ટા ઋષિ હોય છે અને હિંદુ શાસ્ત્રોમાં આવા ગૃહસ્થ ઋષિઓનાં પર્યાપ્ત દૃષ્ટાંત જોવા મળે છે. શ્રમણ સંસ્કૃતિ મુજબ મોક્ષ મેળવવા માટે સંન્યાસ અનિવાર્ય છે તથા આદર્શ છે. અર્હત એટલે જેણે બધા પ્રકારની ક્રિયાઓ-શારીરિક, માનસિક તેમજ વાચિક પ૨ પૂર્ણ વિજય પ્રાપ્ત કરી લીધો. છે. ચાર પુરુષાર્થમાં બ્રાહ્મણ સંસ્કૃતિમાં ધર્મને મહત્વ અપાયું છે જ્યારે શ્રમણ સંસ્કૃતિ મોક્ષને વધારે મહત્વ આપે છે. જૈન ધર્મ અને વેદાંતના આલોચનાત્મક વિશ્લેષણને સમજવા માટે આવાં કેટલાંક મહત્વનાં તત્ત્વોને ધ્યાનમાં રાખવાં આવશ્યક છે. એ પણ સમજી લેવું જોઈએ કે બ્રાહ્મણ સંસ્કૃતિ કે હિંદુ ધર્મ તથા વેદાંત એક વસ્તુ નથી. એવી જ રીતે શ્રમણ સંસ્કૃતિ તથા જૈનધર્મ પણ એક નથી. બીજું વેદાંત અને જૈનધર્મબંનેને દાર્શનિક અને વ્યાવહારિક પક્ષો છે. કેટલીક બાબતોમાં બંનેમાં સમાનતા છે જ્યારે કેટલીક બાબતોમાં બંને વચ્ચે અંતર છે.

વેદાંત દ્વારા સામાન્યતઃ આચાર્ય શંકર દ્વારા પ્રણીત અદ્વૈત વેદાંતદર્શન એમ સામાન્ય રીતે સમજાય છે. વેદાંતનો શાબ્દિક અર્થ છે વેદનો અંત કે સાર. આ અર્થ પ્રમાણે વેદોનો અંતિમ ભાગ, ઉપનિષદમાં વર્ણવાયેલ સિદ્ધાંત વેદાંત ગણાશે. વેદાંત એક દર્શન પ્રણાલી છે જે હિંદુ ધર્મનો આધાર છે. વેદાંત યા ઉપનિષદોની કેટલીક વ્યાખ્યાઓ છે જેના પ્રમાણે વેદાંતના અનેક મતવાદ છે જેવા કે, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, ઇત્યાદિ.

હવે જો આપણે એમ માનીએ કે જૈનધર્મનો ઐતિહાસિક વિરોધ હિંદુધર્મના ક્રિયાકાંડ સાથે છે તથા તે બ્રાહ્મણત્વનો વિરોધી છે તો ઉપનિષદોના સિદ્ધાંતો સાથે જૈનધર્મનો વિરોધ ન હોવો જોઈએ. ઉપનિષદોમાં પણ વેદોના ક્રિયાબહુમૂલ કર્મકાંડોની નિંદા કરી છે અને આત્માને ચૈતન્ય સ્વરૂપ તથા એના સાક્ષાત્કાર કે મોક્ષને જીવનના લક્ષ્ય રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. આ મૌલિક સિદ્ધાંતો સાથે જૈનધર્મને કોઈ વિરોધ કે મતભેદ હોઈ ન શકે. જૈનધર્મના મૌલિક સિદ્ધાંત અને વેદાંત બંને આત્માને માનવ તેમજ બધાં ઈતર જીવજંતુઓના વાસ્તવિક સ્વરૂપના રૂપે સ્વીકાર કરે છે. આ આત્મા દેહ, મન, પ્રાણ આદિ જડ પદાર્થથી જુદો છે. આને જૈનધર્મમાં પુદ્‌ગલ કહેવાય છે. વેદાંત પ્રમાણે જીવાત્મા અવિદ્યા અથવા અજ્ઞાનને કારણે દેહાદિની સાથે સંલગ્ન બનીને પોતાનું વાસ્તવિક સ્વરૂપ, મૂળ સ્વરૂપ ભૂલી જાય છે. જૈનધર્મ પણ મિથ્યાત્વને બંધનના મુખ્ય કારણ રૂપે સ્વીકારે છે. તેમજ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ (દેહાદિની ક્રિયા) ને પણ બંધનનું કારણ માને છે.

જૈનધર્મ અને વેદાંત બંને કર્મવાદનો સ્વીકાર કરે છે. જૈનધર્મમાં કર્મનું અતિવિશદ વિશ્લેષણ જોવા મળે છે. પૂર્વજન્મોનાં કર્મને કારણે ઉત્પન્ન આત્માનાં બંધનોને દૂર કરવા માટે બે મુખ્ય ઉપાય બતાવવામાં આવ્યા છેઃ (૧) સંવર (૨) નિર્જરા, સંવરનો અર્થ છે નવાં કર્મો બાંધવાં કે બનાવવાથી રોકવો અને નિર્જરા એટલે જુનાં બંધનોને દૂર કરવાનો પ્રયત્ન કરવો. નિર્જરાના ઉપાય છે- સમ્યક્ દર્શન,સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્ય. આ ત્રણેય જૈનધર્મના ત્રિરત્ન ગણાય છે. જૈનધર્મમાં તપને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને સામાન્યતઃ આ તપની ગણના આ ત્રણ રત્નો સાથે ચતુર્થ મહત્વપૂર્ણ અંગ રૂપે કરવામાં આવે છે. સમ્યક્ દર્શનનો અર્થ છે સાચા સિદ્ધાંતોમાં શ્રદ્ધા. સ્વામી વિવેકાનંદ પણ શ્રદ્ધાને અધ્યાત્મ-સાધનામાં અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન દેતા હતા. જૈનધર્મમાં શુદ્ધગુરુ, શુદ્ધદેવ અને શુદ્ધ ધર્મમાંની શ્રદ્ધાને સમ્યક્દર્શન કહેવામાં આવે છે. પરંતુ સ્વામી વિવેકાનંદ પોતાની જાતના વિશ્વાસને જઅધિક મહત્ત્વ આપે છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે, ‘પ્રાચીન ધર્મ કહે છે કે જે ઈશ્વરમાં માનતો નથી તે નાસ્તિક છે. નવો ધર્મ કહે છે કે જે પોતાનામાં વિશ્વાસ નથી રાખતો તે નાસ્તિક છે.’ પોતાની જાતમાં વિશ્વાસની વાત તો જૈનધર્મને પણ સ્વીકાર્ય છે. જૈનધર્મ જગતના સૃષ્ટિ સર્જન અને પાલન કરતા એવા કોઈ ઈશ્વરમાં શ્રદ્ધા નથી રાખતું. તે તીર્થંકરોની ઈશ્વર અથવા દેવના રૂપે ઉપાસના કરે છે. જૈનધર્મ પ્રમાણે કોઈપણ વ્યક્તિ પોતાના પુરુષાર્થ તેમજ સ્વપ્રયત્નને લીધે તીર્થંકરત્વ પ્રાપ્ત કરી શકે છે. આ વાત સ્વામી વિવેકાનંદ પ્રણીત વેદાંતને અનુરૂપ જ છે. સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યોને કહેતા, ‘તમે બધા મારા સમાન નથી, મારાથી પણ મહાન બની શકો છો.’ જૈનધર્મમાં સમ્યક્ ચારિત્ર્યને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદે પણ ચારિત્ર્યને અત્યધિક મહત્ત્વપૂર્ણ ગણાવ્યું છે. વસ્તુતઃ એમની સમગ્ર કાર્યયોજનાનું કેન્દ્રબિંદુ હતું ચારિત્ર્ય નિર્માણ. તેઓ એક માનવનિર્માણ કરનારા ચારિત્ર્ય ગઠન કરનારા શિક્ષક ઇચ્છતા હતા. જૈનધર્મ પ્રમાણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમને અણુવ્રત કે મહાવ્રતના રૂપે પાલન કરવું એ ચારિત્ર્યનિર્માણની ભૂમિકા છે. આ પાંચ સદ્‌ગુણ પાંતજલ યોગસૂત્રમાં યમ રૂપે ગણવામાં આવ્યા છે અને સાર્વભૌમિક રૂપે સર્વત્ર અને સર્વ માટે છે, આનું પ્રતિપાદન સ્વામી વિવેકાનંદે પણ કર્યું છે. વસ્તુતઃ શ્રીરામકૃષ્ણ એમનામાં પૂર્ણરૂપે પ્રતિષ્ઠિત હતા તેથી વેદાંત સાથે એમને ક્યારેય મતભેદ ન જન્મે એ નિઃશંક વાત છે. મતભેદ તો માત્ર કોઈ વિશેષ વ્રત ૫૨ વધારે મહત્ત્વ આપવાથી કે ન આપવાથી ઊભો થાય. જૈનધર્મમાં અહિંસાને સર્વોપરિ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જ્યારે સ્વામી વિવેકાનંદે સત્ય અને બ્રહ્મચર્યને વધારે મહત્ત્વનાં ગણ્યાં છે. 

સમ્યક્‌જ્ઞાનને વેદાંતમાં સર્વોપરિ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અજ્ઞાનનો નાશ જ્ઞાન દ્વારા જ સંભવ છે. વેદાંતની મુખ્ય વિદ્યા ‘જ્ઞાનયોગ’માં જ્ઞાનલાભ જ સર્વોચ્ચ લક્ષ્ય છે. આ વિષયમાં જૈનધર્મ અને વેદાંત વચ્ચે થોડો ભેદ છે. અદ્વૈત વેદાંત અનુસાર વ્યષ્ટિ જીવ અને સમષ્ટિ પરમાત્મા યા બ્રહ્મ વસ્તુતઃ એક જ છે. પરંતુ જૈનધર્મ એમ માને છે કે જીવ અનેક છે અને આ અનેકતા સદા બની રહે છે. આ અવશ્ય સત્ય વાત છે કે પ્રત્યેક જીવ પોતાની વિશુદ્ધ દશામાં શુદ્ધ, બુદ્ધ, નિત્ય, મુક્ત સ્વભાવ છે.

જ્ઞાનમાર્ગની મુખ્ય સાધના છેઃ ‘ત્વમ્’ એવં ‘તત્’ના પથની શોધના. ‘ત્વમ્’ સાધનાનો અર્થ છે : પોતાના વ્યક્તિગત સીમિત સ્વરૂપનું અનુસંધાન  —  ‘હું કોણ છું’ એ જાણવાનો પ્રયત્ન કરવો. આ વિચાર કરતાં કરતાં વ્યક્તિ સ્વયંને દેહ, મન, પ્રાણ, બુદ્ધિ, અહંકાર આદિથી પૃથક્ કરે છે અને અંતતઃ પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખી જાય છે  —  જાણી લે છે જે આ બધાં પુદ્‌ગલોથી પૃથક્ છે. આ પ્રક્રિયા સુધી વેદાંત અને જૈનધર્મમાં કોઈ મતભેદ નથી.

સાધનાની દૃષ્ટિએ જૈનધર્મ નિવૃત્તિ૫૨ક ધ્યાનપ્રધાન છે. એમાં ધ્યાનને સર્વોચ્ચ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તીર્થંકરો એવું અન્યાન્ય સંતોની પદ્માસનમાં આસીન કે ઊભી મૂર્તિઓ સામાન્યતઃ ધ્યાનસ્થ મુદ્રામાં જ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદે પણ પોતાની વ્યાવહારિક વેદાંતની યોજનામાં ધ્યાનને ઘણું મહત્ત્વ આપ્યું છે. તેઓ પોતે ધ્યાનસિદ્ધ યોગી હતા અને ચિત્તની એકાગ્રતાને બધાં ક્ષેત્રોની સફળતા માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ચાવી ગણતા હતા. જૈનધર્મમાં કેટલોય પ્રકારનો ધ્યાન દર્શાવવામાં આવ્યો છે અને અનનુપૂર્વી જેવી વિધિઓનું પ્રચલન પણ કર્યું છે જે વિક્ષિપ્ત મનને એકાગ્ર કરવા માટે ખૂબ ઉપયોગી બને છે.

જૈનધર્મના બે મહત્ત્વપૂર્ણ પરંતુ પરસ્પર સંબંધિત સિદ્ધાંતો છેઃ અનેકાંતવાદ અને સ્યાદવાદ, આ બંનેએ જૈન ધર્મને ઉદાર અને વ્યાપક બનાવ્યો છે. એ પ્રમાણે કોઈ પણ વસ્તુ અથવા સ્થિતિના અવલોકનના કેટલાય દૃષ્ટિકોણ હોઈ શકે છે, તેમ જ એ બધા દૃષ્ટિકોણ પોતપોતાના સંદર્ભ પ્રમાણે સત્ય હોઈ શકે છે. પરંતુ આ સાર તત્ત્વ આંશિક સત્ય જ હોય છે, પૂર્ણ સત્ય નહિ. જેવી રીતે કેટલાક આંધળા એક હાથીના વિભિન્ન અંગોને સ્પર્શીને તેના વિશે ભિન્ન ભિન્ન ધારણા કરે છે, એ ધારણાઓ આંશિક રૂપે સત્ય હોવા છતાં પણ પૂર્ણ સત્ય નથી હોતી. એવી રીતે વિભિન્ન મતવાદ સત્ય વિશે ભિન્ન ભિન્ન સિદ્ધાંત પ્રસ્તુત કરે છે જે આંશિક રૂપે સત્ય હોય છે પણ પૂર્ણરૂપે સત્ય નથી હોતા. અનેકાંતવાદનો સ્વીકાર કરવાવાળી વ્યક્તિ ક્યારેય અનુદાર નબની શકે. આ સિદ્ધાંત શ્રીરામકૃષ્ણદેવના ‘જતો મતતતો પથ ‘- જેટલા મત તેટલા પથ-ના સિદ્ધાંત સાથે મળતો આવે છે. શ્રીરામકૃષ્ણદેવ અનેક ઉદાહરણો દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરતા કે ઈશ્વરનાં કેટલાંય રૂપ હોઈ શકે છે અને તે નિરાકાર પણ હોઈ શકે છે, એટલું જ નહિ એને મેળવવા માટે ભિન્ન ભિન્ન માર્ગ પણ હોઈ શકે છે. એ બધા માર્ગ સત્ય અને પ્રભાવી પણ હોઈ શકે એટલે મતવાદને કારણે ઝઘડવું વૃથા છે. પોતાના મતને દૃઢતાથી પકડી રાખવો પરંતુ બીજા મતની-પથની નિંદા ન કરો.

વ્યાવહારિક વેદાંત અને જૈનધર્મ

આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદે વેદાંતને એક નવી દિશા પ્રદાન કરી છે. જેને વ્યાવહારિક વેદાંત એવી સંજ્ઞા આપવામાં આવી છે. સર્વ પ્રથમ તો તેમણે ધર્મની એક નવી પરિભાષા આપી : ‘પ્રત્યેક આત્મા અવ્યક્ત બ્રહ્મ છે. (દિવ્ય છે). અંતઃ પ્રકૃતિ બહિર્‌પ્રકૃતિના નિયમ દ્વારા આ દેવત્વને વ્યક્ત કરીને મુક્ત બનવું એ જીવનનું લક્ષ્ય છે.’ કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અથવા રાજયોગ એમાંથી એક, એકથી વધુ કે બધાની સહાયથી આ બધું કરીને મુક્ત બની જાઓ. આ જ ધર્મનો સાર સર્વસ્વ છે. ગ્રંથો, મતવાદ, મંદિર, ક્રિયાઅનુષ્ઠાન, આદિ બધી બાબતો ગૌણ છે.

શું સ્વામી વિવેકાનંદ પ્રણીત વેદાંતના આ સિદ્ધાંતો સાથે જનધર્મના સિદ્ધાંતોનો કોઈ મતભેદ હોઈ શકે ખરો? જૈનધર્મ પણ આત્માના ચૈતન્યત્વનો સ્વીકાર કરે છે અને એની મુક્તિને જીવનનું લક્ષ્ય માને છે આવું આપણે પહેલાં જોઈ ગયા છીએ. આપણે એ પણ જોયું કે જૈનધર્મમાં રાજયોગની પદ્ધતિને અધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. મંદિરમાર્ગી અને દિગંબર જૈન સંપ્રદાયોમાં ભક્તિને પણ એક સાધના પદ્ધતિ માનવામાં આવી છે. મંદિરોમાં મૂર્તિઓની પૂજા, આરાધના, સ્તવપાઠાદિ પ્રચલિત છે અને જૈન ભક્તોને એનાથી ઘણો ભાવલાભ પણ પ્રાપ્ત થાય છે. જૈનધર્મમાં જ્ઞાનવિચાર પર્યાપ્ત માત્રમાં વિદ્યમાન છે તથા જૈનધર્મે પ્રકાંડ વિદ્વાનો પણ આપ્યા છે. જૈન વાડ્‌મયનો એક અતિ વિશાળ ભંડાર પણ છે.

કર્મયોગની વાતને એટલે કે કર્મયોગને જે સ્થાન ગીતામાં આપવામાં આવ્યું છે એવું સ્થાન જૈનધર્મમાં નથી મળ્યું. સ્વામી વિવેકાનંદના વ્યાવહારિક વેદાંતનો મૂળ મંત્ર છે : શિવજ્ઞાને જીવસેવા  —  જૈનધર્મમાં સેવાને વૈયાવૃત્ત નામના એક તપનું સ્થાન આપવામાં આવ્યું છે અને આ સેવા સામાન્યતઃ સાધુ અને સાધ્વીઓની સેવા સુધી જ સીમિત રહે છે. ગૃહસ્થો ભલે દાનાદિ ક્રિયાને શ્રેષ્ઠ ક્રિયા માનતા હોય પણ જૈનધર્મ બધા પ્રકારનાં કર્મને બંધનનું કારણ માને છે. કર્મ દ્વારા ચિત્તશુદ્ધિને મહત્ત્વ અપાયું નથી. નિર્જરાનો મુખ્ય ઉપાય તપ છે નહિ કે કર્મ.

જેવી રીતે સ્વામી વિવેકાનંદે ક્રિયાનુષ્ઠાન, મતવાદ, મંદિર આદિને ધર્મનાં ગૌણ અંગોની સંજ્ઞા આપી છે તેવી જ રીતે જૈનધર્મ પણ બાહ્યાચરણને બદલે આંતરિક ભાવને અધિક મહત્ત્વનું ગણે છે. એને જૈન ધર્મમાં વ્યવહારનય અને નિશ્ચયનયની સંજ્ઞા આપવામાં આવી છે. કોઈપણ વ્યક્તિનો વ્યવહાર ધણો સારો હોય પરંતુ એની દાનત ખરાબ હોય તો એનું શુભકર્મ પણ પ્રભાવશાળી બની શકતું નથી. આ સિદ્ધાંત વેદાંતના કર્મયોગની સાથે કેટલેક અંશે મળતો આવે છે. એમાં કહેવામાં આવ્યું છે કે નિર્લિપ્ત બનીને કર્મ કરવાવાળો મનુષ્ય કર્મના ફળથી પ્રભાવિત થતો નથી. જૈનધર્મમાં હિંસાના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : દ્રવ્યહિંસા અને ભાવહિંસા  —  માનસિક વિદ્વેષ. એ બંનેમાંથી ભાવહિંસાને વધારે ખરાબ ગણવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે અદ્વૈત વેદાંતને નૈતિકતાની આધારશિલા બનાવી છે. એ પ્રમાણે આપણે બીજાની સેવા એટલા માટે કરવી જોઈએ કે એ મનુષ્યો આપણાથી ભિન્ન નથી અને કોઈને કષ્ટ એટલા માટે ન આપવું જોઈએ કે બીજાને કષ્ટ આપવું એટલે પોતાને જ કષ્ટ આપવા જેવું છે. ભગવાન મહાવીરે પણ આ જ વાત કહી છે : જેને તું મારવા ઇચ્છે છે, તે તું જ છે; જેને તું બંધનમાં નાખવા ઇચ્છે છે તે તું જ છે. કોઈપણ પ્રાણીને મારવું એ પોતાની જાતને જ મારવું છે. ભગવાન મહાવીરનો આ સિદ્ધાંત અદ્વૈત વેદાંતનો સંકેત કરે છે.

ઉપસંહાર

વેદાંત અતિ પ્રાચીન હોવા છતાં પણ વ્યાવહારિક જીવનમાં વેદાંતનો સ્વામી વિવેકાનંદે પ્રતિપાદિત કરેલો સિદ્ધાંત નવીનતમ સિદ્ધાંત છે. વસ્તુતઃ એમ કહેવું યોગ્ય ગણાશે કે સ્વામી વિવેકાનંદે પુરાતન વ્યાવહારિક વેદાંતને આધુનિક યુગને અનુરૂપ એક નવી વ્યાખ્યા પણ આપી છે. ઉપર્યુક્ત વિશ્લેષણથી એ પણ સ્પષ્ટ થઈ જશે કે જૈનધર્મનો પરંપરાગત હિંદુ ધર્મો સાથે વ્યાવહારિક અને સૈદ્ધાંતિક મતભેદ હોવા છતાં પણ વ્યાવહારિક વેદાંત સાથે એ બંને વચ્ચે સમાનતાઓ વધારે છે અને મતભેદ ઘણા ઓછા છે. સ્વામી વિવેકાનંદની વેદાંતની પરિભાષા અત્યંત વ્યાપક છે. એમના અનુસાર ધર્મનો અર્થ વેદાંત જ છે. અને વેદાંતના આ વ્યાપક દાયરામાં-જૈન, ઈસાઈ, બૌદ્ધ, ઈસ્લામ આ બધા ધર્મોનો સમાવેશ થઈ જાય છે. આ વ્યાપક પરિભાષાનો સ્વીકાર ન કરવા છતાં જેમ આપણે આગળ કહ્યું છે તેમ જૈનધર્મ અને વેદાંત વચ્ચે સારા પ્રમાણમાં છે સમાનતાઓ છે. એટલું જ નહીં એ બંનેની પદ્ધતિઓ પણ પરસ્પર એકબીજાની સહાયક અને પરિપૂરક બની શકે છે અને એવું હોવું પણ જોઈએ. વેદાંત જૈનધર્મ પાસેથી થો શીખી પણ શકે છે અને જૈનધર્મ પોતાની મૌલિકતા જાળવી રાખીને વેદાંતનો લાભ ઉઠાવી શકે છે.

ઉદાહરણરૂપે વ્યાવહારિક વેદાંતના શિવજ્ઞાને જીવસેવા ના સિદ્ધાંતને સરળતાથી આત્મસાત કરી શકે છે, કારણ કે આત્માના ચૈતન્ય, નિત્ય, શુદ્ધ, બુદ્ધ સ્વરૂપમાં તો તે વિશ્વાસ ધરાવે છે. બીજી બાજુએ આધુનિક વ્યાવહારિકવાદી જૈનધર્મમાં ત૫ પર અપાયેલ મહત્ત્વનો લાભ પણ થવી શકે છે. ક્ષમાપના તેમજ નવકાર મંત્રનો વધારે વ્યાપક ઉપયોગ જૈનેતર વેદાંતીઓ કરી શકે છે. સંવત્સરીના દિવસે બધા જૈનો સંસારનાં બધા પ્રાણીઓની ક્ષમાયાચના કરે છે અને સ્વયં બધાને એમ કહીને ક્ષમા કરે છે કેઃ

ખમ્મામિ સવ્વ જીવેસુ સવ્વે જીવા ખમ્મન્તુ મે ।
મિત્તિ મે સવ્વ ભૂદેસુ વેરં મે ન કેન વિ ।।

અર્થાત્ હું બધા જીવોને ક્ષમા આપું છું. બધા જીવો મને ક્ષમા કરે. મારી બધા સાથે મૈત્રી છે. કોઈની સાથે વેર નથી. નવકાર મંત્ર પણ એક અતિ સુંદર, પ્રભાવકારી અને ઉદાર મંત્ર છે જેમાં સંસારના બધા સંતો, ઉપાધ્યાયો, આચાર્યો, તીર્થંકરો, અવતારો, પયગંબરો તેમજ સિદ્ધમુક્ત આત્માઓને પ્રણામ કરવામાં આવ્યા છે. વેદાંતીઓને આવા શુભ મંગલ મંત્રનો સ્વીકાર કરવામાં કઈ આપત્તિ હોઈ શકે?

સાચો ધર્મ મતભેદ નથી શીખવતો. તે તો બધા પ્રાણીઓને એકબીજાંની નજીક લાવે છે. વેદાંત અને જૈનધર્મ એ બંનેનો ઉદ્દેશ્ય એ જ છે. આ જ કારણે ભારતમાં જૈનધર્મ અને આધુનિક નવવેદાંતવાદીઓની વચ્ચે સદાસર્વદા મૈત્રી અને સદ્‌ભાવ રહ્યાં છે અને એ નિરંતર વૃદ્ધિ પામતાં જાય છે.

Total Views: 377

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.