યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રાયોજિત ધર્મ અને આધ્યાત્મિક વિભૂતિઓની ‘સહસાબ્દી વિશ્વશાંતિ પરિષદ’
૨૮ થી ૩૧ ઑગસ્ટ’ ૨૦૦૦

સંક્ષિપ્ત અહેવાલ :

૨૦મી સદીના ઉત્તરાર્ધમાં રાજકારણીઓ અને શાસકો દ્વારા વિશ્વશાંતિ લાવવાના પ્રયાસોને નિષ્ફળતા મળતાં ૧૯૯૭માં યુનોને લાગ્યું કે, હવે વિશ્વશાંતિ માટે નવા ઉપાયો શોધવાની જરૂર છે અને સર્વપ્રથમ વિશ્વના ધર્મ-આધ્યાત્મિક જગતના અગ્રેસરોની એક પરિષદ બોલાવવાનો પ્રથમ વિચાર યુનો દ્વારા થયો હતો. ૧૯૯૦ના દાયકામાં હમણાં હમણાંના રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે જે ખૂન વહાવતાં સરહદી યુદ્ધો અને અથડામણો થયા તે વિષે ઈતિહાસવિદ્ એસ.પી. હટિંગ્ટને કહ્યું છે તેમ આ યુદ્ધોની ૭૫ % અથડામણો વિશ્વના બે જડ અને ઝનૂની ધર્મોના પીઠબળને કારણે થઈ હતી. યુનોના જનરલ એસેમ્બલી હૉલમાં ૩૦૦ અગ્રણીઓ અને તેમના ૯૦૦ અનુયાયીઓની એક સર્વપ્રથમ ઐતિહાસિક પરિષદના વિવિધ કાર્યક્રમો, આમંત્રિતો, વક્તાઓ, સમયમર્યાદા વગેરેની ગોઠવણીને પૂર્ણરૂપ આપવા આ પરિષદના સૅક્રેટરી જનરલ શ્રી બાવા જૈનને વિશ્વભરના જુદા જુદા ધર્મના અગ્રણીઓને મળવામાં ત્રણ વર્ષ સુધીનો યાત્રાપ્રવાસ કરવો પડ્યો હતો.

વિશ્વભરના ધર્માધિકારી વિભૂતિઓની આ શાંતિ પરિષદમાં યુનોના સૅક્રેટરી જનરલ શ્રી કૉફી અન્નાને નૈતિક અને વહીવટી જવાબદારી સ્વીકારી હતી; જ્યારે સી.એન.એન.ના વડા શ્રીમાન ટૅડ ટર્નરે મોટાભાગની આર્થિક સહાય આપી હતી. હૉટૅલ વૉલ્ડ્રૉફ ઍસ્ટૉરીયામાં પૂરતી અને ચૂસ્ત સુરક્ષા સાથે પ્રતિનિધિઓ માટેનાં રહેઠાણની વ્યવસ્થા થઈ હતી. આ ઉપરાંત કિમ્બિર્લે અને ઈન્ટરનેશનલ નામની હૉટેલમાં પણ કેટલાક પ્રતિનિધિઓની વ્યવસ્થા હતી.

૨૮મી ઑગસ્ટ, બપોર પછી ૩-૪૫ મિનિટે પોતપોતાનાં વિવિધરંગી ધર્મપોષાક, ધર્મ પ્રતીકોમાં સજ્જ ધર્મની વિભૂતિઓ જ્યારે યુનોના મુખ્યપ્રવેશ દ્વારમાંથી અંદર પ્રવેશવા કતારબંધ ઊભા રહ્યાં એ દૃશ્ય વિરલ હતું. રવીન્દ્ર સંગીતના સૂરોમાં અને અદ્‌ભુત રોમાંચક ઑરકેસ્ટ્રા દ્વારા વેદિકસ્તોત્ર ‘સમ્ ગચ્છધ્વમ્, રામ્ વદમ્’ મોરપિંછના શણગારવાળા પહેરેલા મુગટવાળા ભારતીય બાલકાલિકાઓએ બહારના મેદાનમાં વિશ્વની આ મહાન વિભૂતિઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દૃશ્ય ભારતના સો ધર્મપ્રતિનિધિઓ અને ૨૦૦ પ્રેક્ષકો માટે ચિરસ્મરણીય બની રહે તેવું હતું. ૨૮ ઑગસ્ટની સાંજે ૧૨૦૦ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બધા ધર્મોના-હિંદુ, ખ્રિસ્તી, ઈસ્લામ, બૌદ્ધ, શિંટો, યહૂદી અને ઝોરોસ્ટ્રીયાનિઝમ વગેરે – પ્રતિનિધિઓની પ્રાર્થનાથી પ્રથમ સભાનો મંગલ પ્રારંભ થયો. ૨૮ અને ૨૯ ઑગસ્ટના રોજ યુનોના જનરલ એસેમ્બલી હૉલમાં સામાન્ય સભાઓ યોજાઈ હતી. બીજા દિવસની પ્રારંભિક સભા યુનોના સૅક્રેટરી જનરલ કૉફીઅન્નાન, શ્રી રૅડ ટર્નલ અને બીજાઓએ પરિષદના પ્રતિનિધિઓનું સ્વાગત કરીને પ્રાસંગિક પ્રવચનો આપ્યાં હતાં, પૉપના પ્રતિનિધિ, આર્કબિશપ્સ, બિશપ્સ, ચર્ચના વડાઓ, ઈસ્લામના ઈમામો, બૌદ્ધના ભિખ્ખુઓ, શિંટો ધર્મના અગ્રણીઓ, ભારતના કેટલાક વરિષ્ઠ હિંદુ સંન્યાસીઓ, યહૂદી ધર્મના ધર્મગુરુઓને આ પરિષદમાં બોલવાની પરવાનગી મળી હતી. ધાર્મિક અગ્રણીઓ ઉપરાંત રાજકારણી પ્રતિનિધિઓ, યુનોના વ્યવસ્થાપકો અને ડાયરેક્ટર જનરલ તેમજ વિશ્વવિદ્યાલયોના કુલપતિઓને પણ બોલવા દેવામાં આવ્યા હતા. ભારત વિશ્વની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ ધરાવે છે. એટલે એમને કુલ વક્તાઓમાંથી છઠ્ઠા ભાગના વક્તાઓને બોલવાનું વચન આપ્યું હતું પરંતુ દુર્ભાગ્યે એવું બન્યું નહિ. કુલ ૧૯૪ વક્તાઓમાંથી ભારતના માત્ર ૧૫ વક્તાઓએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. જ્યારે ખ્રિસ્તી વક્તાઓની સંખ્યા ૫૨, ઈસ્લામ વક્તાઓની સંખ્યા ૨૬ અને યહૂદીઓની સંખ્યા ૧૭ હતી. બીજા વક્તાઓમાં રૂઢિવાદી કોરિયન, રૂઢિવાદી આફ્રિકન, મૂળ ઓસ્ટ્રેલિયન, અમેરિકાના રૅડ ઈન્ડિયન્સ, તાઓ અને બહાઈ ધર્મના નેતાઓ, મૂળ અમેરિકન વાસીઓ, નેટિવ ચર્ચિસ, નૉબેલ પારિતોષિક વિજેતા બૅટ્ટી વિલિયમ, બિલ્લી ગ્રહામના પુત્રી, હાર્વર્ડ યુનિ.ના ડાયરેક્ટર અને આફ્રિકન સંસ્કૃતિના અગ્રણીઓ, અઁસસ્કિમો, પેરુ અને ઍમેઝોનના ધર્મ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આર્ષવિદ્યાગુરુકુળના સ્વામી દયાનંદ, રામકૃષ્ણ મિશનના સ્વામી જિતાત્માનંદ, ૫૨માર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ, હરદ્વારના સ્વામી સત્યમિત્રાનંદ, શંકરાચાર્ય મઠ, ભાણપુરના સ્વામી દિવ્યાનંદ આ પાંચ હિંદુ સંન્યાસીઓએ પોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. આ ઉપરાંત સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીશ્રી, બ્રહ્માકુમારીના અગ્રણીઓ, દાદા વાસવાણી, માતા અમૃતાનંદમયી, શ્રીરવિશંકર, ડૉ. કરણસિંહે વક્તવ્ય આપ્યાં હતાં. ડૉ.એલ.એન. સિંઘવીએ જૈનધર્મ અને શ્રી ગોએંકાએ વિપશ્યના વિશે તેમજ હરભજનસિંહે (યુએસએ) શીખધર્મ વિશે વક્તવ્યો આપ્યાં હતાં. પરસ્પર પરિચર્ચા માટે આહ્વાન, સંઘર્ષના નિવારણ અને પરિવર્તનમાં ધર્મનું પ્રદાન, ક્ષમા યાચના અને એક રાગ પ્રતિ, પર્યાવરણનું ઉચ્છેદન અને ગરીબાઈને કારણે જન્મતી હિંસાનો અંત આ ચાર વિષય પર ચાર મુખ્ય પરિચર્ચા સભાનું આયોજન યુનોના હૉલમાં થયું હતું. ૩૦ અને ૩૧ ઑગસ્ટના રોજ આ બધા પ્રતિનિધિઓ ૩ જૂથમાં વહેંચાઈ ગયા અને હૉટેલ વૉલ્ડ્રૉફ આસ્ટોરિયાના કોન્ફરન્સ હૉલમાં- પરિચર્ચા અને કાર્યાન્વિતતા, સંઘર્ષનિવારણ-બાલ્કન્સ, રશિયા અને મધ્ય એશિયા, ગરીબાઈ, પર્યાવરણ જેવાં ૧૧ વિષયો ઉપર વિવિધ ચર્ચાવિચારણા થઈ હતી. અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદે સ્વાગત યુનોના હૉલમાં બધાં પ્રતિનિધિઓ માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. યુનોના સૅક્રેટરી જનરલ કોફિ અન્નાને પોતાના સ્વાગત પ્રવચન બાદ બીજા ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ભારતીય પ્રતિનિધિઓને અમેરિકાના સુખ્યાત હિન્દુઓની હિન્દુ સંસ્થાઓએ ત્રણેક ભોજન સમારંભ અને અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદ આ ચારેય દિવસ ભારતીય પ્રતિનિધિઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરી હતી. વિવિધ સમયે વિશેષ શાંતિ-સંગીત કાર્યક્રમો વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે રજૂ થયાં હતાં. એમાં ભારતના શાસ્ત્રીય સંગીતજ્ઞ ડાગર અને રેડઈન્ડિયન લોકોના બે સંગીત કાર્યક્રમોએ સૌનું મન આકર્ષી લીધું હતું. ૯મી સપ્ટેમ્બરે આ શાંતિ પરિષદની સમાપ્તિ રૂપે અમેરિકાની વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્ટેટેન આઈલેન્ડના મેદાનમાં વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેઈની ઉપસ્થિતિમાં ભારતના ૧૦૦ ધર્મવિભૂતિઓ, ૧૨,૦૦૦ ભારતીયો સાથે એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન થયું હતું. ભારતના વડાપ્રધાનશ્રીએ ભારતીય ધર્મવિભૂતિઓનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે બાર વક્તાઓમાંના સ્વામી દયાનંદ, સ્વામી ચિદાનંદ અને સ્વામી જિતાત્માનંદ હતા. સાડા ચાર કલાક સુધી ચાલેલા આ સન્માન સમારંભને અંતે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રાયોજિત ધર્મ અને આધ્યાત્મિક વિભૂતિઓની ‘સહસ્રાબ્દી વિશ્વશાંતિ પરિષદ’માં સ્વામી જિતાત્માનંદજીએ આપેલું વ્યાખ્યાન

સ્થળ : યુનાઈટેડ નેશન્સ, ન્યુયોર્કનો જનરલ ઍસૅમ્બ્લી હૉલઃ ૨૯ ઑગસ્ટ – રાતના ૮:૨૮ થી ૮:૩૮ વિષય : હિંસા, શાંતિ અને ગરીબી નિર્મૂલન તેમજ પર્યાવરણનું હનન ચેરમેન: શ્રી યુવાન સોમાવિયા, ચેરમેન : ઈન્ટરનેશનલ લેબર ઑર્ગનાઈઝેશન સંવાહક : બાવા જૈન, શાંતિ પરિષદના જનરલ સૅક્રેટરી.

સર્વ દેશોના, સર્વ ધર્મના ભાઈઓ અને બહેનો, વિશ્વના બધા ધર્મના મહાનુભાવો, હિન્દુત્વ અને મારા શ્રીરામકૃષ્ણ સંઘ વતી હું આપને પ્રણામ કરું છું. હિન્દુ ધર્મની દૃષ્ટિએ તમે પાપી નથી પરંતુ જન્મજાત પ્રભુ છો. અનંત પ્રભુ આપણાં આ નાશવંત દેહની ભીતર રહેલો છે. હું તમને ફરીથી પ્રણામ કરું છું. તમે બધાં જીવંત બુદ્ધ છો, જીવંત ઈસુ ખ્રિસ્ત છો. (તાળીઓના ગગડાટ) પ્રાચીન ભારતના હિન્દુઓએ ઈશ્વર અનંત તત્ત્વ છે અને એટલે જ એમને એ અનંત તત્ત્વને પામવાના પથ પણ અનેક છે. એમણે મહાન સત્ય ઉચ્ચાર્યુ : એકમ્ સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ – સત્ય એક જ છે અને પ્રાગનો જુદે જુદે નામે ઓળખે છે, કહે છે. અમે વિવિધ ધર્મો અને ઘણાં વિધિવિધાનોનો સ્વીકાર કરીએ છીએ પણ સત્ય એક જ છે, પ્રભુ એક જ છે અને એ આપણી ભીતર છે- એ વાત અમે જાણીએ છીએ. વિશ્વશાંતિનાં સ્વપ્ન સેવતા યુવાન બાબ જૈન વિષે હું ગઈકાલથી ઘણું વિચારતો હતો અને બીજા વક્તાઓના અદ્‌ભુત વિચારો વિષે પણ વિચાર કરતો હતો. પણ કેટલાક વિચારો દુઃખદ હતા. જ્યારે મેં સાંભળ્યું કે ‘ઈસુ ખ્રિસ્ત જ પ્રભુના એકમાત્ર પુત્ર છે. તો પછી બુદ્ધનું શું? મહાવીર વિષે શું કહેશો અને મહમંદ પયગંબરને શું માનીશું? શું તેઓ ઇચ્છનીય કે પૂજવા લાયક પ્રભુ નથી? શું તેઓ પ્રભુના પનોતા પુત્ર નથી?’ જે પળે હું કહું કે ‘ઈસુ ખ્રિસ્ત પ્રભુના પુત્ર છે.’ તો એ વાત સાચી છે. પણ જે પળે હું કહું કે ‘ઈસુ ખ્રિસ્ત પ્રભુના એકમાત્ર પુત્ર છે’ ત્યારે હું જડવાદ અને વિખવાદનાં બીજ વાવું છું.

ભાઈઓ અને બહેનો, ભારતના હિન્દુઓ ચર્ચ અને મસ્જિદમાં પણ જાય છે. અમે, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને અનુસરનારા હિન્દુઓ માત્ર ચર્ચ કે મસ્જિદમાં જઈએ છીએ એટલું જ નહીં પરંતુ શું તમે બધા એ વાત જાણો છો કે, અમે અમારા પવિત્ર હિન્દુ મંદિરમાં ક્રિસમસની ઉજવણી પવિત્રતા અને ભાવથી કરીએ છીએ? અમે ઈદની ઉજવણી કરીએ છીએ અને મુસ્લિમ બિરાદરોને ભેટીએ છીએ. શું એ વાત જાણો છો કે અમે બુદ્ધ, મહાવીર, ગુરુનાનકના જન્મદિનને પણ ઉજવીએ છીએ, હું જાણતો નથી કે એકેય ખ્રિસ્તી ચર્ચ બીજા બિનખ્રિસ્તી ધર્મના ઉત્સવો ઉજવતું હોય. શાંતિ કંઈ એકપક્ષીય વાત નથી. પરંતુ એ બધાય પક્ષયથી આવવી જોઈએ. આપણે માત્ર સહન નથી કરતા કારણ કે, સહનશીલતા એટલે જે કોઈ અસહ્ય છે એને આપણે સ્વીકારીએ છીએ અને અમે હિન્દુએ બધાને સ્વીકાર્યા છે એટલું જ નહીં પણ અમારા પવિત્ર હિન્દુ મંદિરોમાં તમારા ધર્મોની ઉજવણી કરી છે. બાવા જૈને અમને લખ્યું હતું કે, તે જૂના ચીલાચાલુ ધર્મોથી કંટાળી ગયા એમને હિંસાનો અંત લાવનાર અને શાંતિદાયી ‘નવા ઉપાયો’ જોઈએ છે. ભાઈ બાવા જૈન આટલું યાદ રાખો કે : શાંતિ માટેની નવો પથ એટલે માત્ર સહન જ કરવું કે રવીકાર કરવો એટલું જ નહી પણ બીજા ધર્મોના ઉત્સવો તમારાં મંદિર, મસ્જિદ, ચર્ચમાં ઉજવવા જોઈએ. (તાળીઓ) અમે આ પવિત્ર કાર્ય છેલ્લા ૧૦૦ વર્ષથી કરતાં આવ્યાં છીએ. શું આજનું વિશ્વ કે વિશ્વના ધર્મો એ એને સાચો પ્રતિસાદ ન આપવો જોઈએ?

એક વધુ વાત ઈસુ ખ્રિસ્તનો અનુયાયી કદાચ ઈસ્લામના સિદ્ધાંતો ન પણ સ્વીકારે અને એક મુસ્લિમ પણ ખ્રિસ્તી ધર્મના મતને ન સ્વીકારે પરંતુ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ કે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના નિયમની જેમ બધા ધર્મોનાં સનાતન શાશ્વત સત્યોને તો સ્વીકારવા જ પડશે; કારણ કે એ સનાતન સત્યો છે યુનોની ઈમારતના ૨૦મા માળે જઈ હું કહું કે હું ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમમાં માનતો નથી અને એ સાથે હું હવામાં અદ્ધરપદ્ધર ચાલવાનું શરૂ કરું તો શું થાય? મારે મૃત્યુને આલિંગન કરવું જ રહે. સત્યને કોઈ ધર્મ કે સમાજની પરવા નથી. ધર્મો અને સમાજે સત્યને સ્વીકારવું પડે છે, નહિ તો તેનો નાશ થઈ ચૂક્યો સમજવો. સત્ય વૈશ્વિક છે જો એ સત્ય હોય તો તમારા માટે પણ એ સાચું છે અને મારા માટે પણ એ સાચું હોય તો બાકીના બીજા બધા માટે એ સાચું જ હોવાનું.

ક્વાન્ટમ મિકેનિક્સ, આધુનિક ભૌતિકશાસ્ત્ર, ન્યૂરોફિઝિયોલોજી અને ઍસ્ટ્રૉફિઝિકસનાં છેલ્લામાં છેલ્લા વિકાસસોપાનો દ્વારા બે મહાન સત્યો બહાર આવ્યાં છે. બે મહાન સત્ય, બે વૈશ્વિક સત્ય : પહેલું, સાન્ત સદૈવ અનંત સાથે સંલગ્ન રહે છે. સાન્ત નશ્વર માનવ અનંત પ્રભુ સાથે જોડાયેલો છે. આ છે વિચાર સત્ય, એટલે જ ઈસુએ કહ્યું છે ઈશ્વરનું રાજ્ય તો તમારી ભીતર જ છે.’ અને ‘હું અને મારા પિતા એક છીએ.’ (તાળીઓ), બીજું, આ સત્ય બેલના સિદ્ધાંતોનું પ્રાયોગિક નિદર્શન કરતાં મળી આવે છે; તે છે : ‘આપણે બધાં પરસ્પર જોડાયેલાં છીએ. આપણે બધા શારીરિક રીતે એકબીજા સાથે સંલગ્ન છીએ, કેવળ આધ્યાત્મિક રીતે જ નહીં. આપણે સૌ (એન્દ્રોમેદા પણ) એકબીજાની સાથે જોડાયેલાં છીએ.

‘મૅકબૅથને ખૂનીની ઊંઘ હતી એટલે મૅકબૅથ ક્યારેય ઊંઘી ન શકે.’ જો હું તમને ખતમ કરી નાખું તો હું પણ મારી જિંદગીની ઊંધને હરામ કરી દઉં છું. આ બંને સત્યો, બધાં ધર્મોના પાયાનાં તત્ત્વો છે. ભાઈઓ અને બહેનો, આજે હિન્દુઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ આપણે પોતપોતાનાં રૂઢિવાદી અને હઠાગ્રહી ધર્મનું અનુસરણ કરી રહ્યા છીએ. જો આપણે આવતીકાલના બાળકોને ધર્મની વાત બુદ્ધિ કે તર્કસંગત રીતે નહીં સમજાવીએ તો આ વૈજ્ઞાનિક રીતે વિકસિત અને ટૅકનોટ્રોનિક યુગનાં આપણાં બાળકો આવતીકાલે આપણને સ્વીકારશે નહીં, એ આપણી ઠેકડી કરશે. ભાઈઓ અને બહેનો આપણે ઉદાર અને વિશાળ હૃદયના બનવું પડશે. આપણે વિવેકબુદ્ધિવાળા બનવું પડશે અને આપણા ધર્મોને પણ તર્કસંગત બનાવવો પડશે.

છેલ્લી વાત : બાબા જૈને અમને ગરીબી નિર્મૂલન માટે લખ્યું છે, બિનસરકારી સેવાભાવી સંસ્થાઓએ ભારતમાં ઘણું કાર્ય કર્યું છે. પણ મને એક વાત કહેવા દો : ‘છેલ્લા ૧૦૦ વર્ષથી ભારતનો હિન્દુ એક કાર્યશીલ અને શક્તિશાળી બન્યો છે, જો મને આટલું કહેવાની રજા હોય તો કહું કે ભારતના ગરીબોને માટે બીજા કોઈ ધર્મ કે ધર્મસંગઠનની આવશ્યકતા નથી. (તાળીઓ) રામકૃષ્ણ સંઘના એક સંન્યાસીના રૂપે હું સૌથી વધારે પછાત અને ગરીબ દુઃખી વિસ્તારોમાં ગયો છું. ભારતના ગરીબો માટે હજારો સંન્યાસીઓએ પોતાનાં બલિદાનો આપ્યાં છે. હવે અમારે બીજા કોઈ ધર્મ સંઘની આવશ્યકતા નથી. (તાળીઓ) અમે એ ગરીબીનો સામનો કરવા પૂરા શક્તિશાળી છીએ; આર્થિક રીતે, શાસકીય રીતે, ધાર્મિક રીતે અને આધ્યાત્મિક રીતે આજે અમે સબળ છીએ.

છેલ્લે ગરીબી કાંઈ આર્થિક બાબત જ નથી. જે દેશો અર્ધવિકસિત કે વિકાસશીલ છે ત્યાં આર્થિક ગરીબી દેખાય છે ખરી. જે દેશો આર્થિક રીતે સદ્ધર છે ત્યાં આધ્યાત્મિક ગરીબી દેખાય છે. આ સુંદર મજાના અમેરિકાનું આજે થયું છે શું? હું ગયા વર્ષની ૧૮મી જાન્યુઆરીએ હૉલીવૂડમાં હતો. ધ લાસ ઍન્જલસ ટાઈમ્સમાં જણાવ્યું હતું કે, અમેરિકનોના ૨૧%લોકો પાગલ છે! અને નશાખોરી, નશીલા પદાર્થોનું સેવન, હતાશા અને આપઘાતનું વધતું પ્રમાણ એ વિષે તો શું વાત કરવી? સ્વીડન એવો દેશ છે કે જે વધારેમાં વધારે આપઘાતીયા માણસો પેદા કરે છે. બાવા જૈન, (આટલું સાંભળવા વિનંતી સભાગૃહમાં હાસ્ય અને તાળીઓનું મોજું) તમે એક બુદ્ધિશાળી યુવાન છો, પરંતુ તમે હજી બાળક છો! (હાસ્ય) કદાચ તમે યુનોના સૅક્રેટરી જનરલ પણ બની જાવ. (તાળીઓ) પરંતુ આટલું યાદ રાખજો કે, આ આધ્યાત્મિક ગરીબાઈનું નિર્મૂલન એ આવતીકાલની આવશ્યકતા છે. અને આધ્યાત્મિક ગરીબાઈતો જ દૂર થઈ શકે જો આપણે અવિરતપણે વિચારીએ, ‘હું આ નશ્વર દેહ નથી, હું આત્મા છું, હું અનંત આત્મા છું.’ એમાં છે. કૅલિફૉર્નિયાના દરિયા કિનારે આજથી ૧૦૦ વર્ષ પહેલાં ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના મહાન સંન્યાસી અગ્રણી સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઈસુ ખ્રિસ્ત તો આપણી ભીતર સૂતા છે, ભગવાન બુદ્ધ તો ભીતર છે, પ્રભુ આપણી ભીતર સૂતા છે, આધ્યાત્મિક સંસ્કારોથી આપણે એ સૂતેલા પ્રભુને જગાડવાના છે. માનવના નશ્વર દેહની ભીતર રહેલા આ અનંત તત્ત્વને, પ્રભુને, આધ્યાત્મિક સંસ્કાર જ જગાડી શકે.’ કેવી રીતે આ થઈ શકે? તમે બધા આ વાત જાણો છો, મારે એ કહેવાની જરૂર નથી. તમે બધા ઘણા પથના જાણકાર છો. પરંતુ હિન્દુઓ તો પોતાના મૂળ મંત્ર ૐ નું રટણ કરે છે, આ ૐૐ માંથી આર્યન અને આમીન શબ્દ આવ્યા છે. ચાલો આપણે એ ૐ નું રટણ કરીએ. ૐ એ વૈશ્વિક છે. (સંગીતમય સૂરે ૐ નું રટણ)

હરિ ૐ, હરિ ૐ, હરિ ૐ, હરિ ૐ.

ત્યાર પછી આપણે ગાઈશું : હું પોતે શિવ છું, હું અનંત જ્ઞાન અને તત્ત્વ છું. હું શિવ છું, શિવ આપણી ભીતર જ છે.

ચિદાનંદ રૂપ: શિવોઽહં શિવોઽહમ્,
અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો
વિભૂત્વાચ્ચ સર્વત્ર સર્વેન્દ્રિયાણામ્ ।
ન ચાસંગત નૈવ મુર્ક્તિન મેય,
ચિદાનંદ રૂપ: શિવોહં શિવોહમ્ ॥

આપ સૌનો આભાર,

શ્રીરામકૃષ્ણ મઠ, હૈદરાબાદ

હૈદરાબાદમાં યુવાનો માટેના સ્ટડી સર્કલ તેમજ બાલવિકાસ કેન્દ્રની પ્રવૃત્તિઓ માટે નવા બંધાયેલા વિવેકાનંદ ઈન્સ્ટિટ્યુટ ઑફ હ્યુમન એક્સલેન્સ ભવનનું મંગળ ઉદ્‌ઘાટન શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્‌હસ્તે ૧૦મી સપ્ટેમ્બરે સંપન્ન થયું. આ પ્રસંગે ઘણા સંન્યાસીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સાંજની જાહેરસભાના અધ્યક્ષસ્થાને શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમદ્ સ્વામી સ્મરણાનંદજી રહ્યા હતા. આ પ્રસંગે લોકસભાના સ્પીકર સન્માનીય શ્રી જી.એમ. સી. બાલયોગી તથા આંધ્રપ્રદેશના સન્માનીય મુખ્યમંત્રી શ્રી એન.ચંદ્રબાબુ નાયડુએ સભાને સંબોધી હતી. આ પ્રસંગે એક અઠવાડિયાના વિવિધ કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૧૭મી સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અંતિમ સભાને આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી ડૉ. સી. રંગરાજને સભાને સંબોધી હતી.

તાજેતરમાં આંધ્રપ્રદેશમાં આવેલાં ભયંકર પૂરને કારણે થયેલી તારાજીથી પીડિત લોકોને રામકૃષ્ણ મઠ, હૈદરાબાદ દ્વારા ૩૦ ઑગસ્ટ થી ૪થી સપ્ટે. સુધી ગાંધીનગર, હૈદરાબાદના ૯૦૦૦ લોકોને બે વખતનું ભોજન અપાયું હતું. આ ઉપરાંત ગાંધીનગરના અત્યંત અસરગ્રસ્ત ૧૫૦ કુટુંબોમાં ભોજન ઉપરાંત સાડી, પ્લાસ્ટીક મેટ, વાસણના સેટ અને ધાબળાનું વિતરણકાર્ય થયું હતું. એલ.આઈ.સી. કોલોનીના અસરગ્રસ્ત લોકોમાં ૪૫૯ સાડી, ૧૫૦૮ બાળકો માટેના કપડાંનું વિતરણકાર્ય થયું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી

શ્રીરામકૃષ્ણ મિશન લીંબડી દ્વારા તારીખ ૧૯સપ્ટે, ૨૦૦૦ના રોજ ‘નેત્રયજ્ઞ’નું આયોજન કરવામાં આવેલ. જેમાં કુલ ૧૩૦ દર્દીઓને (પુરુષ ૬૭, સ્ત્રી ૬૩) તપાસીને મફત દવા, ચશ્મા, ફૂડપેકેટ વગેરે આપવામાં આવેલા. તેમજ ૧૬ દર્દીઓ (પુરુષ ૫, સ્ત્રી ૧૧)ને આંખના જુદા જુદા રોગોના ઑપરેશન માટે શિવાનંદ મિશન વીરનગર લઈ જવામાં આવેલ.

Total Views: 51
By Published On: August 7, 2022Categories: Sankalan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram