સ્વામી વિવેકાનંદે લંડનમાં ‘જીવન વ્યવહારમાં વેદાન્ત’ વિષય પર સન ૧૮૯૬માં ચાર વ્યાખ્યાનો અલગ અલગ દિવસોએ આપેલાં તેમાં ૧૦ નવેમ્બરના પ્રથમ વ્યાખ્યાનમાં ભૂમિકા બાંધતા આમ કહેલું,

‘મેં તમને કહ્યું તેમ સિદ્ધાંત તો બેશક સાચો છે પણ આપણે તેને આચરણમાં કેવી રીતે મૂકવો એ પ્રશ્ન છે. કોઈ પણ સિદ્ધાંત જો તે જરા પણ આચરણમાં મૂકી શકાય તેવો ન હોય, તો કેવળ બુદ્ધિની કસરત સિવાય તેની કશી કિંમત નથી. માટે એક ધર્મ તરીકે વેદાંત સચોટ રીતે વ્યવહારુ બનવું જોઈએ. જીવનના દરેક વિભાગમાં આપણે તેને આચરણમાં મૂકી શકીએ તેમ થવું જોઈએ. એટલું જ નહિ, પરંતુ ધર્મ અને વહેવારુ જીવન વચ્ચેનો કાલ્પનિક ભેદ અદ્દૃશ્ય થઈ જવો જોઈએ; કારણ કે વેદાન્ત એકત્વનો-સર્વત્ર એક અખંડ જીવનનો ઉપદેશ કરે છે.’

વેદાન્ત રૂઢ અર્થમાં ઉપનિષદ્ સાહિત્ય છે. મન્ત્ર બ્રાહ્મણાત્મક વેદનો અંત- ઉપનિષદોમાં છે. પણ બ્રહ્માત્મૈકત્વનો બોધ કરનારાં ઉપનિષદો જ માત્ર પ્રમાણ શાસ્ત્રો નથી. વેદાનુકૂલ ગીતા જેવાં ધર્મ શાસ્ત્રો, ભગવાન બાદરાયણ વ્યાસ રચિત ૫૫૫ સૂત્રો અને ચાર અધ્યાયોવાળું બ્રહ્મસૂત્ર નામનું શાસ્ત્ર પણ પ્રસ્થાનત્રયીમાં માન્ય છે. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ

વેદાઃ શ્રીકૃષ્ણવાક્યાનિ વ્યાસસૂત્રાણિ ચૈવ હિ ।
સમાધિભાષા વ્યાસસ્ય પ્રમાણં તચ્ચતુષ્ટયમ્॥
(તત્ત્વાર્થદીપ નિબંધ)

વેદો, ગીતા, વ્યાસૂત્રો, ઉપરાંત શ્રીમદ્ ભાગવતને શ્રી વ્યાસનારાયણની ‘સમાધિ ભાષા’ શ્રીમદ્ ભાગવતને સમાવી પ્રમાણ ચતુષ્ટય માનેલ છે.

વળી, શ્રી ગૌરાંગ મહાપ્રભુએ તો શ્રીમદ્ ભાગવત જ સ્વયં વ્યાસદેવનું બ્રહ્મસૂત્ર ભાષ્ય છે એમ કહેલ છે. શ્રીમદ્ રામકૃષ્ણદેવ પણ ‘ભાગવત ભક્ત ભગવાન’ એમ ત્રણેયને એક રૂપ માની પ્રણામ કરતા.

વળી ખુદ, ભાગવતમાં અને મહાત્મ્યમાં

(૧) સર્વ વેદાન્ત સારં યદ્ બ્રહ્માત્મૈકત્વ લક્ષણમ્…

(૨) નિગમ કલ્પતરોર્ગલિતં ફલમ્…

(૩) ઈદં ભાગવતં નામ બ્રહ્મ સમ્મિતમ્…

(૪) યસ્મિન્‌ પારમહંસ્યમેવ મમલં જ્ઞાનં પરં ગીયતે…

(૫) શ્રીમદ્ ભાગવતસ્યાથ શ્રીમદ્ ભગવતઃ સદા ।
સ્વરૂપમેકમેવાસ્તિ સચ્ચિદાનંદ લક્ષણમ્ ॥

(૬) અહં બ્રહ્મ પરં ધામ બ્રહ્માહં પરમં પદમ્

એમ આ વેદાન્તનો જ ગ્રન્થ છે તેવાં હજારો વચનો મળે છે. પણ પ્રશ્ન એ છે કે શું શ્રીમદ્ ભાગવતમાં વેદાન્તનો માત્ર કોરો બોધ છે કે તે સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ ‘વ્યવહારું વેદાંત’ની કોઈ વાત કરે છે કેમ? આ પ્રશ્નનો ઉત્તર નિશ્ચિતપણે વિધેયાત્મક છે. એનાં પારાવાર દૃષ્ટાન્તો શ્રીમદ્ ભાગવતમાં ઉપલબ્ધ છે, કેટલાંક જોઈએ. (૧) પંચમ સ્કંધમાં જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસોના બે આદર્શો બતાવ્યા છે. ભગવાન ઋષભદેવ જ્ઞાન માર્ગથી દેહાધ્યાસ, ઇંદ્રિયાધ્યાસહ પ્રાણાધ્યાસ અને અંતઃકરણાધ્યાસથી મુક્ત બન્યા છે, જ્યારે જેમને લોકો જડભરત કહે છે એ વાસ્તવમાં ગંડકી ચક્રનદીના કિનારે પુલહાશ્રમમાં અતિ આર્દ્રહૃદયે શ્રી ભગવાનની ભક્તિ કરતા કરતા મૃગશાવકમાં પ્રારબ્ધયોગે ફસાયા પછી ફરીથી આંગિરસ ગોત્રના બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા ત્યારે વ્યવહારુ વેદાંત જીવે છે. રસ્તામાં ચાલતા કીડા મકોડા પણ પગનીચે કચડાય ન જાય તેમ ચાલે છે. એમનો આત્મભાવ સર્વત્ર વિસ્તરેલો છે. કાલીને બલિ ચડાવવા માટે તેમને લઈ જવાય છે ત્યારે દસ્યઓ પર પણ તેમને રોષ નથી. શાંત અસંગ સમદર્શિતા તેમને સહજ છે.

(૨) નવમા સ્કંધમાં રન્તિદેવ અપરિગ્રહી છે. તેમને અને પરિવારને ભારે કષ્ટ પડે છે. એક વાર તો ૪૮ દિવસ પછી તેમને ૪૯મા દિવસે થોડું ઘી, લાપશી, દૂધ, ખીર અને જળ મળ્યાં. ભૂખ અને તરસથી રન્તિદેવ અને પરિવાર વ્યાકૂળ છે. જ્યાં આ સામગ્રી વહેંચી જમવા બેસે છે ત્યાં એક બ્રાહ્મણ અતિથિ આવ્યો. રનિદેવે તેને ભોજન કરાવ્યું.

વધેલી સામગ્રીમાંથી સૌ ફરીથી જમવા બેસે છે ત્યાં ઈતર વર્ણનો અન્ય અતિથિ આવતાં તેને થોડી ભોજન સામગ્રી અર્પણ કરી. વળી પાછો રન્તિદેવ બચેલ સામગ્રી વહેંચી જમવા જાય છે ત્યાં શ્વાન સાથે વીંટળાયેલ વળી એક અતિથિ પધાર્યા. રન્તિદેવે ખૂબ આદર સાથે ભૂખ્યા શ્વાન અને આ અતિથિને જમાડ્યા. હવે ભોજન સામગ્રી તો રહી નથી માત્ર જળ જ રહ્યું. પાણી પણ અતિ અલ્પ હતું. સૌ પાણી વહેંચી પીવા જાય છે ત્યાં વળી એક અતિ તાપિત ચાંડાલ અતિથિ પધાર્યા. તેની અવસ્થા જોઈ જળ તેને આપી દેતાં રન્તિદેવ ભગવાન પાસે આમ બોલ્યા છેઃ

ન કામયેઽહં ગતિમીશ્વરાત્ પરા –
મષ્ટર્દ્ધિ યુક્તામપુનર્ભવં વા ।
આર્તિં પ્રપદ્યેઽખિલદેહભાજાં
અન્તઃ સ્થિતો યેન ભવન્ત્યદુઃખાઃ ॥ (૯.૨૧.૧૨)

‘હું ઈશ્વર પાસેથી પરમગતિ, જે આઠ સિદ્ધિઓ યુક્ત છે તેને માગતો નથી. મુક્તિ પણ માગતો નથી પણ અત્યંત પીડિત પ્રાણીઓના અંતઃકરણમાં હું વસું અને તેમના દુઃખો મને મળો જેથી એ બધા દુઃખદર્દથી મુક્ત થાય.’

રન્તિદેવની પાસે આ ત્રણે દેવો પ્રકટ થયા ત્યારે રન્તિદેવે

સ વૈ તેભ્યો નમસ્કૃત્ય નિઃસંગો વિગતસ્પૃહઃ ।
વાસુદેવે ભગવતિ ભક્ત્વા ચઢે મનઃ પરમ્ ॥
(૯.૨૧.૧૬)

રન્તિદેવે તેમની પાસે કશું અન્ય ન માગતાં મન ભગવાનમાં સમર્પિત રાખ્યું. શ્રી શુકદેવજી મહારાજ આવા વ્યવહારુ વેદાંતમાં જીવનાર રન્તિદેવના સંગથી તેની પછીના વંશજો પણ નારાયણપરાયણ યોગીઓ બન્યા એમ ૧૮મા શ્લોકમાં કહે છે.

(૩) પોતાના પાંચ પાંચ પુત્રોને નિઃશસ્ત્ર અને નિદ્રામાં હોવા છતાં તેને નિર્દય રીતે હણનાર અશ્વત્થામાને પશુની જેમ દોરડાથી બાંધી અર્જુન લાવે છે ત્યારે દ્રૌપદી ‘વામસ્વભાવા નનામ’ સુંદર સ્વભાવવાળા હોઈ અશ્વત્થામાને નમી રહ્યા. અને અશ્વત્થામાને છોડી મૂકવા જે દલીલો કરી તેમાં ‘આની માતા પતિવ્રતા ગૌતમી હું પુત્રોને ચરણે રડું છું તેમ રહે એવું મારાથી નહિ સહન થાય,’ ‘ધર્મ્યમ્ ન્યાય્યં સકરુણં નિર્વ્યલીકં સમં મહત્’

(૧) ધર્મમય (૨) ન્યાય સંગત (૩) કરુણાસભર (૪) નિષ્કપટ (૫) સમત્વપૂર્ણ અને (૬) મહાન-એવું દ્રૌપદીનું સંભાષણ છ ગુણોવાળું છે.

ભગવાનમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, શાન અને વૈરાગ્ય ૬ ઐશ્વર્યો છે. તો સર્વત્ર પોતાના આત્માને સર્વમાં જોનાર અને સર્વના આત્માને પોતાનામાં જોનાર, તદનુસાર વર્તતા વ્યવહાર સર્વત્ર જય પામો.

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.