ભારત આજે વિશ્વનો અતિ વિશાળ, લોકશાહી રાજ્યપદ્ધતિ ધરાવનાર અને સૌથી પ્રાચીન એવો દેશ છે. ભારતમાં લોકશાહી ભલે સંપૂર્ણ સફળ નથી પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી કફોડી હાલતમાં પણ નથી. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય પૂર્વે ભવિષ્યવાણી કરી હતી કે સંસદીય લોકશાહી ભારતમાં સફળ નહિ થાય અને બન્યું પણ એવું જ. છેલ્લી ચાર ચૂંટણીઓ સંસદ દ્વારા કોઈ રચનાત્મક કામ થઈ શકે એવા સ્વરૂપની સંસદનું નિર્માણ કરી શકી નથી. અવિશ્વસનીયતાના આધાર ઉપર એકત્ર થયેલા પક્ષોની મિશ્ર સરકારી જ ભારતના લલાટે લખાયેલી હોય તેમ માનવું પડે.

લોકશાહી તંત્રના ત્રણ ઘટકો છે – વૈધાનિક તંત્ર, વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર. આ ત્રણેય તંત્રની પારસ્પરિક સ્વતંત્ર ભૂમિકાનો આદર્શ ભારતે સ્વીકારેલ છે. આ ત્રણેય તંત્રમાં વૈધાનિક તંત્ર અને ન્યાય તંત્રની તુલનામાં વહીવટીતંત્રની ભૂમિકા કંઈક વિશેષ છે. વૈધાનિતંત્ર માત્ર કાનૂન નિર્માણ કરે છે. ન્યાયતંત્ર કાનૂનનું અર્થઘટન અને અન્યાયનિવારણનું કામ કરે છે. આ બંને તંત્ર સાધારણ માણસના દૈનંદિન જીવનને સીધાં અસરકર્તા નથી. કાનૂન દેશના માહોલ-વાતાવરણનું નિર્માણ કરે છે. જ્યારે કોઈને અન્યાય થાય અથવા તેને એવું લાગે કે પોતાને અન્યાય થયો છે, કાનૂની વિટંબણાઓમાંથી પસાર થવાની તેની માનસિક તૈયારી હોય અને આર્થિક ક્ષમતા પણ હોય તો જ ન્યાયતંત્ર સમક્ષ જવાનું તે પસંદ કરે છે. કેટલાંક સંજોગોમાં ન્યાયતંત્ર suo moto કાર્યવાહી કરે છે, પણ તે અપવાદરૂપ. અને તેને કેટલાક બુદ્ધિજીવીઓ ન્યાયતંત્રની ક્રિયાત્મકવાદીતા (judicial activism) તરીકે ઓળખે છે. પરંતુ વહીવટીતંત્ર તો સામાન્ય માણસના દૈનંદિન જીવનમાં ડગલે ને પગલે અસરકર્તા છે. કેરોસીન લેવું છે, રેશનકાર્ડ લઈને સસ્તા અનાજની દુકાને જવું પડે છે. મકાન બનાવવું છે, કૉર્પોરેશનના ધક્કા ખાવા પડે છે. વાહનનું લાયસન્સ લેવું છે, આર.ટી.ઓ. કચેરીનો આધાર લેવો પડે છે. આવાં અનેક કાર્યોમાં વહીવટીતંત્ર વચ્ચે આવે છે. વહીવટીતંત્ર કાનૂનનું વ્યવહારમાં અમલીકરણ કરવાનું કામ કરે છે. માટે વહીવટીતંત્રનું મહત્ત્વ વૈધાનિકતંત્ર અને ન્યાયતંત્ર કરતાં વિશેષ છે.

ભારતની લોકશાહીના ત્રણેય તંત્રોની વિશેષતા એ છે કે તેમની કામગીરીની સ્પષ્ટ વહેંચણી હોવા છતાં ત્રણેય તંત્રો પરસ્પર સંકળાયેલાં છે. મંત્રીઓ લોકોના પ્રતિનિધિઓ છે અને વિધાનસભામાં રહીને વૈધાનિક કામગીરી બજાવે છે. પરંતુ આ મંત્રીઓ પોતાના ખાતામાં વહીવટી કામગીરી પણ બજાવે છે. આ રીતે વહીવટીતંત્રમાં કેટલાંક પદ ઉપર સામાન્ય જવાબદારી નિભાવવી પડે છે. કલેક્ટરે પોતાની વહીવટી કામગીરી ઉપરાંત ન્યાયિક કામગીરી પણ કરવી પડે છે. આમ લોકશાહીના ત્રણેય ઘટકો તદન ભિન્ન નથી.

ઉપરોક્ત તંત્રની મર્યાદા એ છે કે તેની સફળતા માટે ત્રણેય ઘટકોએ સાથે મળીને અથવા સામંજસ્યથી પોતાની જવાબદારી સ્વયંસ્વીકૃત અનુશાસન સાથે નિભાવવી આવશ્યક છે. એક પણ તંત્ર ખામીયુક્ત રહે તો તેની અસ૨ બાકીના બંને તંત્રો ઉપર પડશે એ નિશ્ચિત છે.

ભારતીય વહીવટીતંત્રની વર્તમાન અવસ્થા : ભારતની શાસન વ્યવસ્થામાં છેલ્લાં સેંકડો વર્ષો વિકૃતિ ઉત્પન્ન કરનાર પરિબળોની ભૂમિકા પ્રભાવી રહી છે. સિકંદરના આક્રમણના સમયમાં શાસન વ્યવસ્થામાં સારા એવા પ્રમાણમાં દૂષણો જોવા મળતાં હતા. મોગલ આક્રમણો અને શાસન બંનેની આંશિક સફળતામાં ભારતની તત્કાલિન શાસન વ્યવસ્થાના દોષો મહદ્ અંશે જવાબદાર હતાં. અંગ્રેજોનું આગમન અને તેમના શાસનના પ્રસ્થાપન માટે પણ આવું જ કહી શકાય. અંગ્રેજોએ છેવટે ભારતમાં એક નવી શાસન પ્રણાલી-વહીવટીતંત્રની પ્રસ્થાપન કરી જે ભારતે અગાઉ ક્યારેય જોઈ નહોતી. વર્ષો સુધી ભારત વિદેશી-વિધર્મી આક્રમણોની ક્રુરતા હેઠળ કચડાયેલો રહ્યો અને અંગ્રેજો વ્યવહારમાં અતિ ચતુર હતા, તેમને દંભ અને ડોળ કરતાં આવડતું હતું. તેથી ભારતમાં તેમની શાસન પ્રણાલી ત્વરિત સ્વીકૃત બની. ભારતના તત્કાલીન બુદ્ધિજીવીઓએ તેની પ્રશંસા કરી. વાસ્તવમાં એક ગુલામ દેશનું તંત્ર ચલાવવા માટે નિર્માણ થયેલી શાસન પ્રણાલી ભારતના સ્વાતંત્ર્યની સાથે અપ્રસ્તુત થઈ ગઈ હોવા છતાં ગાંધીજી સિવાયના ભારતના તમામ નેતાઓ પશ્ચિમના પ્રભાવ તળે હોવાના કારણે તે શાસન પ્રણાલીના આગ્રહી રહ્યા અને પરિણામે અંગ્રેજો ગયા પણ ભારતમાં અંગ્રેજી વહીવટીતંત્ર ‘કથ્થાઈ ચામડીવાળા અંગ્રેજો દ્વારા’ ચાલતું રહ્યું. એક સ્વતંત્ર રાષ્ટ્ર પોતાના કલ્યાણ માટે જે વહીવટી તંત્રની સ્થાપના કરે તે ઇચ્છનીય છે, પરંતુ તે ત્યારે જ શક્ય બને જ્યારે તે રાષ્ટ્રની સ્વતંત્રતાનો સાક્ષાત્કાર કરનાર લોકો દ્વારા નૂતન તંત્રનું નિર્માણ થાય. ભારતમાં આવું શક્ય ન બન્યું.

સ્વાતંત્ર્યના પાંચ દાયકા પછીની અવસ્થાનો વિચાર કરીએ તો ધ્યાનમાં આવે છે કે અંગ્રેજોના સમયમાં wooden administration શબ્દપ્રયોગ પ્રચલિત હતો, અત્યારે એથી પણ વધુ જડ વહીવટીતંત્ર જોવા મળે છે. પેન્શનના કાગળો કઢાવવા જાય ત્યારે માણસને ખબર પડે છે કે એક સરકારી કર્મચારી બીજા સરકારી કર્મચારી સાથે કેવો વ્યવહાર કરે છે. રસ્તા પર અકસ્માત થાય તેની જાણ થયા પછી પોલીસ ચા- નાસ્તો કરીને નિરાંતે જ અકસ્માતના સ્થળે પહોંચે છે અને તાત્કાલિક સારવારના અભાવે અકસ્માતના ભોગ બનેલાનું મૃત્યુ થાય છે.

વહીવટીતંત્રમાં આટલો બધો બગાડ રાતોરાત નથી થયો. બગાડ ફેલાવનારા લોકોની ચતુરાઈ અને બાકીના લોકોની મૂર્ખતા, લાલચ અને કાયરતાના કા૨ણે બગાડ ધીરે ધીરે ફેલાતો ગયો. બગાડ કઈ રીતે ફેલાય છે તેનું એક જ ઉદાહરણ પર્યાપ્ત છે. એક વખત એક મંત્રી પોતાની રાજનૈતિક કારકિર્દીમાં પ્રથમ વખત જ મંત્રી બન્યા પછી પોતાની ચેમ્બરમાં જાય છે. તેમના સેક્રેટરી એક ફાઈલ લાવે છે. મંત્રીને બહુ અનુભવ ન હોવાથી તેમને બતાવવામાં આવેલ સ્થાને સહી કદી દે છે. આ ફાઈલ મંત્રીશ્રી માટે નવી કોન્ટેસા કારની ફાળવણી માટે હતી. થોડા જ દિવસમાં સેક્રેટરી તરફથી બીજી ફાઈલ આવે છે જે પોતાના માટે નવી એન.ઈ. ૧૧૮ની મંજૂરી વિષયક હતી. મંત્રીશ્રીએ તેની ઉપર પણ સહી કરવી જ રહી. અર્થાત્ પહેલાં ઉપરીને બગાડો અને પછી સંજોગોનો પૂરો ગેરલાભ લો એ જ તમારી આવડત.

અનેક પક્ષોની સરકારો અલગ અલગ પ્રાંતોમાં ચાલે છે. ભ્રષ્ટાચાર ક્યાં વધારે છે તેનો નિર્ણય થઈ શકતો નથી. કોઈ પણ રાજનૈતિક પક્ષ અપવાદ નથી. સમાજ સ્વીકૃત ભ્રષ્ટાચારને માટે કોઈ એક વ્યક્તિ કે પરિબળને દોષિત ઠેરવાય એમ નથી. જેટલાં દૂષણોની કલ્પના કરો તે તમામ વડે ગ્રસિત એવું વહીવટીતંત્ર આજે ભારતમાં જોવાં મળે છે. 

આપણે લોકશાહીનાં ઉપર જોયેલાં ત્રણેય ઘટકો પોતાની કાર્યક્ષમતાનો વિધેયાત્મક ઉપયોગ કરવાને બદલે સમાજના શોષણની કામગીરીમાં વ્યસ્ત જોવા મળે છે.

શાસ્ત્રનિર્દિષ્ટ મૂલ્યો : સ્વામી વિવેકાનંદ કહેતા કે પશ્ચિમ હજી પ્રયોગશાળાની અવસ્થામાં છે ભારત સમયની કસોટીમાંથી પાર ઉતરેલ સિદ્ધ રાષ્ટ્ર છે. હજારો વર્ષોથી ભારત અનેક વિષયો પર અભ્યાસ અને ચિંતન કરવું રહ્યું છે અને એમાંનો એક વિષય છે રાજનીતિ, અનેક રાજનીતિજ્ઞો ભારતે વિશ્વને પ્રદાન કર્યાં, જેવા કે રામ, કૃષ્ણ, યુધિષ્ઠિર, ભીષ્મ, વિદુષ્ટ, રંતિદેવ, વિક્રમાદિત્ય, વગેરે. વૈદિક સિદ્ધાંતોને વ્યવહારમાં ચરિતાર્થ કરનારા અનેક ચિંતકોના જ્ઞાનનો ભંડાર ભારત પાસે આજે પણ છે. તેનું આજના સંદર્ભમાં મૂલ્યાંકન કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો ભારતની અનેક સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય તેમ છે.

ભારતે શાસન વ્યવસ્થામાં ઘણા પ્રયોગો પણ કર્યા છે. પરંતુ હજારો વર્ષોના ઈતિહાસ ઉપર ઉપરથી જોઈએ તો સમજાય કે શાસનવ્યવસ્થામાં ઉત્પન્ન થતાં રહેતાં દૂષણોની વચ્ચે પણ લોકતંત્ર, લોકમત અને મૂલ્યપરાયણતા વારંવાર પ્રસ્થાપિત થતાં રહ્યાં છે. તેનું મૂળ કારણ એ છે કે ભારતની સમાજવ્યવસ્થામાં કેટલાક શાસ્ત્રનિર્દિષ્ટ મૂલ્યો જે વેદોમાં, ઉપનિષદોમાં, રામાયણમાં, મહાભારતમાં, ભગવદ્‌ગીતામાં, શ્રીમદ્ ભાગવતમાં વિભિન્ન સ્વરૂપે પ્રસ્તુત થયાં અને તેના વારંવારના રટણથી સમાજ સંસ્કારિત થતો ગયો અને તે સમાજના લોહીમાં વણાઈ ગયાં અને તે સમાજનાં બની ગયાં. આમ આ મૂલ્યો ચિરંતન બની ગયાં.

શાસન વ્યવસ્થા માટેના આ મૂલ્યો પૈકીના કેટલાંક મૂલ્યો જે આજના સંદર્ભમાં પ્રસ્તુત છે અને જેની આજે ઊણપ વર્તાય છે તે સંક્ષિપ્તમાં નીચે વર્ણવ્યાં છે.

શાસ્ત્રોમાં રાજા એટલે શાસક, અર્થાત્ જેની પાસે શાસનની સંપૂર્ણ અથવા આંશિક સત્તા છે તે. આજના સંદર્ભમાં વહીવટી કર્મચારીઓ અથવા અધિકારીઓ પણ તેમાં આવી જાય.

(૧) ઉદ્દેશની સ્પષ્ટ સમજ : કેટલાક નિયમોની જોગવાઈઓ અમુક સંજોગોમાં સુસંગત નથી હોતી અથવા તેનું અક્ષરશઃ પાલન કરવાથી નિર્દોષ મનુષ્યને અન્યાય થાય છે. કેટલીક જોગવાઈ સમાનતાનું ઉચ્છેદન કરનારી હોય છે. આવા સંજોગોમાં વહીવટીતંત્ર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે, જે તે કિશાનું મુલ્યાકન કરે, તેનાં સઘળાં પાસાંઓનો અભ્યાસ કરે અને તેને અનુરૂપ કાનૂની જોગવાઈઓના તત્ત્વનું ન્યાયસંગત પદ્ધતિથી અવલંબન લઈ નિર્ણય લે તે આવશ્યક છે, નિયમના પાલનથી નિયમના ઉદેશનો ભંગ ન થાય તે જોવું તે કર્તવ્ય છે. વહીવટીતંત્રનો મૂળ ઉદ્દેશ સર્વ લોકોના કલ્યાણની છે અને તેના માટે નિયમો બનાવવામાં આવે છે નહિ કે નિયમોનું પાલન કરવા માટે જ નિયમો બને છે.

યથા સર્વાણિ ભૂતાનિ ધરા ધારયતે સમમ્।
તથા સર્વાણિ ભૂતાનિ બિભૃતે પાર્થિવવ્રતમ્ ॥

પૃથ્વી જેમ સર્વ પદાર્થોને સમાન ભાવે ધારણ કરે છે, તેમ સર્વ પ્રાણીઓનું પાલન કરવું એ રાજાનો ધર્મ છે.

કૃપણાનાથવૃદ્ધાનાં યદશ્રુપરિમાર્જતે ।
હષઁ સંજનયન્‌ મૃણાં સ રાજ્ઞો ધર્મ ઉચ્યતે ॥

દીન, અનાથ અને વૃદ્ધ, એઓનાં દુઃખથી ઝરતાં અશ્રુનું નિવારણ કરવું તથા તેવા મનુષ્યોનાં હૃદયમાં હર્ષ ઉપજાવવો એ રાજાનો ધર્મ કહેવાય છે.

(૨) પ્રજા પાસેથી કરવેરાની વિવેકપૂર્વક વસૂલાતઃ આજે કરવેરાની વસૂલાતમાં ઘણી અસમાનતાઓ જોવા મળે છે. સચ્ચાઈપૂર્વકની કમાણી ક૨ના૨ાઓ કરનો બોજ ઉઠાવે છે જ્યારે બેઈમાન લોકો કરમાંથી બાકાત રહેવાનો લાભ મેળવે છે. પરિણામે Parallel Economy – સમાંતર અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે. તેના કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે.

આ સંબંધમાં અનેક ઠેકાણે પ્રાચીન ગ્રંથોમાં માર્ગદર્શન જોવા મળે છે.

સામ્વત્સારિકમાપ્તૈથ રાષ્ટ્રાદાહારયેદ્ બલિમ્ ।
સ્યાચ્ચામ્નાયપરો લોકે વર્ત્તેત પિતૃવન્નૃષૃ: ॥

રાજાએ સમર્થ મંત્રીઓ દ્વારા વર્ષમાં લેવા લાયક ધાન્ય વગેરેના હિસ્સા મંગાવી લેવા અને લોકમાં કરવેરા વગેરે લેવામાં રાજનીતિ મુજબ વર્તવું તથા પોતાના દેશના રહેનારાઓ સાથે સ્નેહાદિથી પિતાની પેઠે વર્તવું.

પુષ્પં પુષ્પં વિચિન્વીત મૂલચ્છેદં ન કારયેત્ ।
માલાકાર ઈવારામે ન યથાંગારકારક: ॥

બાગના માળીની પેઠે વૃક્ષ પરથી ફૂલ-ફૂલ વીણી લેવાં; પરંતુ કોયલા બનાવનારની પેઠે તેનું મૂળ કાપવું નહિ.

(૩) અનુશાસનનું પાલન અને વ્યવહારશુદ્ધિ : ક્યારેક અનુભવમાં આવે છે કે સર્વોચ્ચ અધિકારીએ અમુક કિસ્સામાં નિર્ણય કે આદેશ આપી દીધો હોય પરંતુ નીચેનો વર્ગ તે નિર્ણયનું પાલન ટલ્લે ચડાવવાની કોશિશ કરતો હોય. આ અનુશાસન અને વ્યવહારશુદ્ધિની વિષય છે. અનુશાસન અને વ્યવહારશુદ્ધિનો અભાવ વિનાશ લાવે છે.

અવજ્ઞાદ્રાજ્ઞો ભવતિ મતિહીનઃ પરિજનઃ
તતસ્વપ્રામાણ્યાદ્ ભવતિ ન સમીપે બુધજનઃ ।
બુધૈસ્ત્યક્તે રાજ્યે ન હિ ભવતિ નીતિર્ગુણવતી
વિપન્નાયાં નીતૌ સકલમવશં સીદતિ જગત્ ॥

રાજાની અવજ્ઞા થવાથી નોકરો બુદ્ધિહીન થાય છે. તેઓની અપ્રામાણિકતાથી પંડિતજનો પાસે રહેતા નથી. પંડિતો ત્યજી જવાથી રાજ્યમાં શુભ નીતિ રહેતી નથી અને નીતિ જવાથી સર્વ રાજ્ય નિરંકુશ થઈ નાશ પામે છે.

રામાયણમાં એક વિશેષ પ્રસંગ આવે છે. શિવધનુષ્યનો રામચંદ્રજી દ્વા૨ા ભંગ થયા પછી સીતારામના લગ્નની પત્રિકા જનકરાજા દશરથજીને દૂતો દ્વારા મોકલી આપે છે. દશરથજી દૂતો પાસેથી રામચંદ્રજીના પરાક્રમ અને ગુણોની ગાથા સાંભળે છે અને પ્રસન્ન થઈને દૂતોને ભેટ આપવાની કોશિશ કરે છે. અયોધ્યાના રાજા તરફથી મળનાર ભેટ પણ કંઈ સામાન્ય તો ન જ હોય. તુલસીદાસ લખે છે –

સભા સમેત રાઉ અનુરાગે । દૂતન્હ દેન નિછાવરિ લાગે ॥
કહિ અનીતિ તે મુદહિં કાના । ધરમુ બિચારિ સબહિ સુખુ માના ॥

આખી સભા સહિત રાજા ખુશ થઈ ગયા અને દૂતોને ભેટ આપવા લાગ્યા. પરંતુ દૂતો ‘આ નીતિ વિરૂદ્ધનું છે’ એમ કહી જ્યારે કાન બંધ કરી ગયા ત્યારે તેમની ધર્મબુદ્ધિનો ખ્યાલ આવતાં સૌ સુખનો અનુભવ કરવા લાગ્યાં.

જનકજી જેવા રાજાને ત્યાં આવા ધર્મનિષ્ઠ દૂતો જ હોય ને!

આવા અનેક પ્રસંગો રામાયણમાં જોવા મળે છે.

(૪) અપરાધીઓને દંડ અને ન્યાયપ્રિયતા : ચોર કોટવાળને દંડે એમાં હવે આપણને નવાઈ લાગતી નથી. અપરાધીઓ રાજ્યાશ્રય મેળવી નિર્દોષ પ્રજાને પીડિત કરે તે સામાન્ય બની ગયું છે. આવું વહીવટીતંત્ર લોકનિંદાને પ્રાપ્ત કરે છે.

અનુબન્ધં પરિજ્ઞાય દેશકાલૌ ચ તત્વતઃ ।
સારાપરાધૌ ત્રાલોક્ય દણ્ડં દંડ્યેષુ પાતયેત્ ॥

અપરાધીનો અપરાધ, દેશ, કાળ વગેરે યથાર્થ જાણીને જે અપરાધીને જે દંડ આપવો યોગ્ય હોય, તેને તે પ્રમાણેનો દંડ આપવો.

સ રાજા પુરુષો દંડઃ સ નેતા શાસિતા ચ સઃ ।
ચાતુર્ણામાશ્રમાણાં ચ ધર્મસ્ય પ્રતિભૂઃ સ્મૃતઃ ॥ 

દંડ રાજા છે, દંડ પુરુષ છે, દંડ ખરે રસ્તે ચલાવનાર છે અને દંડ જ ચારે આશ્રમોના ધર્મનો જામીન છે.

રામાયણમાં એક અતિ પ્રખ્યાત પ્રસંગ છે. વાલી મૃત્યુ સમયે રામને પૂછે છે કે તેમનો અવતાર તો ધર્મની રક્ષા માટે હતો, તો શિકારીની જેમ પોતાને કેમ માર્યો અને સુગ્રીવ વ્હાલો અને પોતે દુશ્મન, એવું કેમ? ક્યા અવગુણને કારણે તેને માર્યો? તુલસીદાસજી રામાયણમાં લખે છે કે રામચંદ્રજી તેનો ઉત્તર આપે છે –

અનુજ બધુ ભગિની સુત નારી । સુનુ સઠ કન્યા સમ એ ચારી ॥
ઈન્હહિ કુદૃષ્ટિ બિલો કઈ જોઈ । તાહિ બધેં કછુ પાપ ન હોઈ ॥

‘હે મૂર્ખ! સાંભળ, નાના ભાઈની પત્ની, બહેન, પુત્રની પત્ની અને પુત્રી એ ચારે બરાબર ગણાય. એને જે ખરાબ નજરે જુએ એનો વધ ક૨વામાં કશું પાપ લાગતું નથી.’

(૫) યોગ્ય ગુણો ધરાવનારાઓની યોગ્ય સ્થાન પર નિયુક્તિ સામાન્ય રીતે મંત્રીઓના ખાતાં નક્કી કરવાં, મંત્રીઓને તેમની યોગ્યતા અનુસાર જવાબદારીઓ સોંપવી, અધિકારીઓની તેમના ગુણો અનુસાર નિયુક્તિ કરવી, વગેરે બાબતો બહુ કઠિન છે. અનેક સરકારો અને મંત્રીઓ તેમાં ભૂલ કરવાથી બદનામ થાય છે.

નાપરીક્ષ્ય મહીપાલઃ કુર્યાત્ સચિવમાત્મનઃ ।
અમાત્યે અર્થલિપ્સા ચ મન્ત્રરક્ષણમેવ ચ ॥

પરીક્ષા કર્યા વિના રાજાએ કોઈને પોતાનો પ્રધાન નીમવો નહિ; કારણ કે ધનની લાલચ અને ગુપ્ત વાતની રક્ષા એ પ્રધાનના જ હાથમાં રાખવું પડે છે.

યો યન પ્રતિબુદ્ધઃ સ્યાત્ સહ તેનોદયી વ્યચી ।
સુવિશ્વસ્તો નિયોક્તવ્યઃ પ્રાણેષુ ચ ધનેષુ ચ ॥

જે પુરુષના સહવાસથી રાજા પ્રવીણ થાય, જે યોગ્ય રીતે દ્રવ્યની વૃદ્ધિ કરનારો તથા યોગ્ય વ્યય કરનારો હોય અને જે પ્રાણ તથા ધનની બાબતમાં વિશ્વાસ કરવા યોગ્ય હોય, તેવાને જ મંત્રી તરીકે નીમવો.

દશરથ રાજાના મંત્રી સુમંત્ર, સુગ્રીવના મંત્રી હનુમાન, વગેરે શ્રેષ્ઠ મંત્રીઓનાં ઉદાહરણો છે.

(૬) યોગ્ય ગુણોની કેળવણી : ક્યારેક નાના મોટા ગુણીની ખામીના કારણે યોગ્યતા ધરાવનાર વ્યક્તિ પણ નિર્ણય લેતાં ખચકાય છે અથવા કાર્યક્ષમતા બતાવી શકતી નથી.

અતિભીરુ પ્રતિકલાબં દીર્ઘસૂત્ર પ્રમાદિનમ્ ।
વ્યસનાદ્વિષયાક્રાન્તં ન ભજન્તિ નૃપં પ્રજાઃ ॥ 

અતિ બીકણ, અતિ નપુંસક, વિલંબ કરનાર, આળસુ અને વિષયાસક્ત કે વ્યસની રાજાને પ્રજા ભજતી નથી.

યઃ કુલાભિજનાચૌ૨૨તિશુદ્ધઃ પ્રતાપવાન્ ।
ધાર્મિકો નીતિકુશલઃ સ સ્વામી યુજયતે ભુવિ ॥

જેનાં કુળ, કુટુંબીજનો તથા આચાર અત્યંત શુદ્ધ હોય તથા જે પ્રતાપી, ધાર્મિક અને નીતિમાં કુશળ હોય તે જ પૃથ્વીમાં રાજા થવાને યોગ્ય છે.

વર્તમાન વહીવટીતંત્રમાં સુધારપ્રક્રિયા : વહીવટીતંત્ર હજારો વર્ષોથી ભારતમાં અને થોડાંક વર્ષોથી પશ્ચિમમાં ચાલતું આવ્યું છે. તેમાં કાળક્રમે આવતાં દૂષણોને અટકાવવા અને નાબૂદ કરવા માટેના પ્રયત્નો થતા રહ્યા છે. પ્રાચીન કાળમાં કૃષ્ણ, વિદુર, યુધિષ્ઠિર, વગેરે મહાન પ્રતિભાઓએ અનેક પ્રયત્નો કર્યાં છે. પશ્ચિમમાં પણ સુધારકોએ આવા વિચારો વ્યક્ત કર્યા છે. અર્થાત્ પશ્ચિમમાં પણ દૂષણો આવતાં રહ્યાં છે. ઈમર્સન લખે છે – –

When the church is social worth
When the state-house is the hearth,
Then the perfect State is come,
The republican at home.

સમગ્ર સુધાર પ્રક્રિયાનો ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો બે પ્રકારની પ્રક્રિયાઓ વિચારી શકાય. વહીવટીતંત્રમાં રહેલી ઊણપો દૂ૨ ક૨વી અને વહીવટીતંત્રમાં કામ કરનારા લોકોમાં રહેલી ઊણપો દૂર કરવી. તંત્રની ઊણપ દૂર કરવી એ આંટીઘૂંટી વાળી પ્રક્રિયા છે અને બંધારણમાં સુધાર કરવો પડે તેવી પ્રક્રિયા છે. પણ સાથોસાથ એ પણ સમજવા જેવું છે કે આ જ તંત્રની મર્યાદામાં રહીને તંત્રમાં બેઠેલા લોકો સારી રીતે કામ કરે તો તંત્ર સારી રીતે ચલાવવું શક્ય છે. કોઈ પણ તંત્રમાં જો કામ કરનારા લોકો સારા હોય તો તંત્ર સારી રીતે કામ કરી શકે છે. આ માટે આવશ્યકતા છે મનુષ્ય નિર્માણ અર્થાત્ વ્યક્તિ સુધારની.

હજી ભારતમાં એટલી હદે પતન નથી થયું કે તંત્ર સુધરી ન શકે. ભારતે રાજાશાહીમાં લોકતંત્રના તમામ લક્ષણો ચરિતાર્થ કરી બતાવ્યાં છે. આપણે અગાઉ જોયું તેમ શાસ્ત્રોક્ત મૂલ્યો વ્યક્તિમાં હોવાં આવશ્યક છે. માટે મનુષ્ય નિર્માણ એ સર્વરોગની એક માત્ર દવા છે. સ્વામી વિવેકાનંદ પણ ‘મનુષ્ય નિર્માણ એ જ રાષ્ટ્રનિર્માણ છે’ એમ કહેતાં.

આ મહાન કાર્ય માટે ત્રણ પ્રકારની વ્યવસ્થાઓ સંભવ છે. એક વ્યવસ્થા જેમાં ઉપરથી નીચે સુધારનો પ્રસાર થાય. બીજી વ્યવસ્થા જેમાં વહીવટીતંત્રની બહારના પરિબળો સુધારનું સિંચન કરે અને ત્રીજી વ્યવસ્થા જેમાં વહીવટીતંત્રમાં કામ કરતો નીચલો વર્ગ જે વિશાળ સંખ્યામાં છે તે સંગઠિત બની સુધાર માટે કટિબદ્ધ બને. આ ત્રણેય વ્યવસ્થાઓ પરસ્પર ભિન્ન છે, એક્બીજા પર આધારિત નથી. માટે ત્રણેય અથવા ત્રણમાંથી અમુક, સમાંતર પણ ચાલી શકે.

ત્રીજી વ્યવસ્થા કે જેમાં વહીવટીતંત્રનો નીચલો વર્ગ સંગઠિત થઈને પ્રયત્ન કરે તે વર્તમાન સંજોગોમાં સંભવ લાગતું નથી. બાકીની બંને વ્યવસ્થાઓ સમાંતર ચાલી શકે તેમ છે.

પહેલી અને બીજી વ્યવસ્થાના અનેક ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં મળી આવે છે. રામરાજ્યમાં રામચંદ્રજી એક એવો આદર્શ પૂરો પાડે છે કે કર્મચારીવર્ગ ધર્મનું આચરણ કર્યા વગર રહી શકતો નથી. શ્રીમદ્ ભાગવતમાં રતિદેવનું ઉદાહરણ પણ શ્રેષ્ઠ છે. રાજ્યમાં દુષ્કાળ પડે છે ત્યારે તે પોતાના તમામ ભંડારો સમાજ માટે ખુલ્લા મુકી દે છે. એક વખત તેને માત્ર એક કોળિયો અન્ન અને થોડું પેય મળે છે અને એક દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષા માગવા આવે છે. રંતિદેવ તેને અન્ન આપી દે છે. ત્યાં જ એક કૂતરો આવે છે, રાજા તેને પેય આપી દે છે અને તેના મુખેથી શબ્દો સરી પડે છે –

નત્વમહં કામયે રાજ્યં ન સ્વર્ગમ્ ના પુનર્ભવમ્ ।
કામયે દુઃખતપ્તાનામ્ પ્રાણીનાં આર્તનાશનમ્ ॥

મને રાજ્યસુખની કે સ્વર્ગની પણ કામના નથી. મને સર્વ પ્રાણીઓના સર્વ દુઃખો નાશ પામો તેમ હું ઇચ્છું છું.

આવા આદર્શોની પ્રસ્થાપનાની આવશ્યકતા છે. આ પ્રકારની પ્રથમ વ્યવસ્થા આજે પણ સંભવ છે. લાલબહાદુર શાસ્ત્રી અને સરદાર પટેલ આવાં જ ઉદાહરણો છે. તેમના હાથ નીચેના કર્મચારીઓ ધર્મ અનુસાર વર્તે તેમાં નવાઈ નથી. ભલે રાતોરાત તમામ દૂષણો દૂર ન થાય પણ વિજિગિષુવૃત્તિથી કામ કરનાર ઉચ્ચ વર્ગ અને મંત્રીગણ સ્વયં પોતાની જવાબદારી સમજે એટલી જ આવશ્યકતા છે. વધુમાં સીધી ભરતીથી આવતા ઉચ્ચ અધિકારીઓ જે પ્રમાણમાં યુવાન હોય અને સરકારી ઘરેડમાં રીઢા થયા ન હોય તે પણ મોટું યોગદાન આપી શકે. જેમ રાષ્ટ્રનિર્માણ માટેની સૌથી વધુ અપેક્ષા યુવાન પાસેથી રાખી શકાય તેમ વહીવટીતંત્રમાં સુધાર માટેની અપેક્ષા આવા વર્ગ પાસે રાખી શકાય.

બીજી વ્યવસ્થા જેમાં બહારથી સુધાર માટેના પ્રયત્નો થઈ શકે. ન્યાયિક ક્રિયાત્મકવાહીતા (judicial activism) ઘણો ફરક પાડી શકે છે. ચૂંટણી પંચ, લોકાયુક્ત, વગેરે જેવી સ્વતંત્ર સંસ્થાઓ પણ ઘણો સુધાર લાવી શકે છે. ગ્રાહક સુરક્ષા અને જાગૃતિ સંગઠનોએ ઘણું યોગદાન આપેલ છે. આ રીતે ભ્રષ્ટાચારવિરોધી સંગઠનો નિર્માણ થાય અને ભ્રષ્ટાચારી કર્મચારીઓને લાંચરૂશ્વત વિરોધી બ્યુરોના છટકામાં પકડાવે અને તેની વ્યાપક પ્રસિદ્ધિ કરે તો પણ ઘણું પરિવર્તન આવી શકે. સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સંન્યાસીઓ હજારો વર્ષોથી ચારિત્ર્યનિર્માણની પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે, તેમાં પણ ઘણી તીવ્રતાની આવશ્યકતા છે. પ્રાચીન ભારતના સાંસ્કૃતિક વારસાને લોકો સુધી પહોંચાડવાથી પણ મૂલ્યોની પ્રસ્થાપના થઈ શકે.

આદર્શ વહીવટીતંત્રનું ઉદાહરણ : રામચંદ્રજીને વનવાસ આપ્યા પછી રાજા દશરથજી વિયોગ સહન કરી શક્તા નથી અને તેમનો સ્વર્ગવાસ થાય છે. રાજા તરીકે જેની વરણી થઈ છે તે ભરતજી મોસાળ છે. રાજ્ય ઉપર ગમે ત્યારે આક્રમણ થઈ શકે તેમ છે, પણ મંત્રી સુમંત્ર અને સેના એટલાં વ્યવહારકુશળ છે, એટલાં સમર્પિત છે કે વહીવટીતંત્ર ક્યાંય ચાશ રાખતું નથી, સલામતિને કોઈ આંચ આવતી નથી ભરતજી આવ્યા પછી પણ નંદીગ્રામમાં પર્ણકુટી બનાવી નિવાસ કરે છે અને તે પણ ચૌદ વર્ષ માટે, રામચંદ્રજીની પાદુકાના ધ્યાનમાં લીન છે, સિંહાસન પર રામચંદ્રજીની પાદુકાઓ છે, રાજા વગર ચૌદ વર્ષ સુધી રાજ્ય એમ ને એમ ચાલે છે. આ છે આદર્શ વહીવટીતંત્રનું ઉદાહરણ. સ્વયંપ્રેરણા, સ્વયં સંચાલન અને ક્ષમતાવાન વહીવટીતંત્ર ગમે તેવી કારમી સ્થિતિમાં પણ રાષ્ટ્રને બચાવી શકે છે.

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.