સદાનંદે પોતાના ‘વેદાંતસાર’ નામના ગ્રંથમાં વેદાંતનું સ્વરૂપ બતાવતાં લખ્યું છે : ‘વેદાંતો નામ ઉપનિષત્પ્રમાણમ્, તદુપકારીણિ શારીરકસૂત્રાદીનિ ચ’ — ‘વેદાંતનું મુખ્ય સ્વરૂપ ઉપનિષદોનું પ્રામાણ્ય છે અને એ મુખ્ય પ્રમાણને ઉપકારક એવા બીજા સ્મૃતિ અને બ્રહ્મસૂત્રો આદિનો સમાવેશ પણ આ વેદાંતદર્શનમાં કરવામાં આવ્યો છે.’ આમ વેદાંત શ્રુતિ, સ્મૃતિ અને તર્કનાં ત્રણ પ્રસ્થાનોમાં વહેંચાયેલું છે. એમાં ઉપનિષદો જ મુખ્ય પ્રમાણ છે, ‘શ્રુતિ’નું પ્રામાણ્ય જ મુખ્ય છે, ગીતા જેવા સ્મૃતિ ગ્રંથો એનું દોહન કરે છે અને શરીરસૂત્રો જેવા ગ્રંથો એને જ તર્કપૂત બનાવે છે. આમ, આ ત્રણેય પ્રસ્થાનો જીવનના ઉચ્ચતમ આદર્શને પ્રબોધે છે.

આ ઉચ્ચતમ આદર્શ માનવ જીવનના દૈનંદિન સર્વ વ્યવહારોમાં પ્રકાશિત બને અને માનવજીવન તેના પરમ લક્ષ્યને – સર્વોચ્ચ આદર્શને – પરમની પ્રાપ્તિને પ્રાપ્ત કરે એ જ વેદાંતનો હેતુ છે. એટલે આ વેદાંતદર્શન કંઈ પ્રવર્તમાન જીવાતા જીવનથી વિમુખ ન જ હોઈ શકે, માત્ર વેદાંતદર્શન જ નહિ, ભારતનાં અન્ય દર્શનોએ પણ એ જ લક્ષ્ય પોતાની સમક્ષ રાખ્યું છે. એથી પશ્ચિમની ફિલસૂફીની પેઠે એ જીવનવિમુખ માત્ર બૌદ્ધિક વિલાસ રહ્યું નથી, પણ જીવનલક્ષી સાધનાપથ – અધ્યાત્મયાત્રા બનેલ છે અને એમાં વેદાંતદર્શન ગિરિશિખરની ગરજ સારે છે.

ઉપનિષદના દ્રષ્ટા ઋષિઓ કંઈ ગુફાવાસી જીવનવિમુખ માનવો ન હતા, એ બધા જ કાં તો રાજકાજમાં રચ્યાપચ્યા મહાનુભાવ રાજર્ષિઓ હતા, અથવા તો એ રાજાઓને રાજ્ય ચલાવવામાં મૂલ્યવાન સલાહ અને આદેશ આપનારા ગૃહસ્થી બ્રાહ્મણ મહાનુભાવો હતા. એ બધા જ સતત કર્મરત પુરુષો હતા. અને એમણે જ જીવનના સર્વોચ્ચ આદર્શની ખોજ કરીને જીવાતા જીવનની સાચી સમજૂતી આ ઉપનિષદોમાં આપી છે. આપણી સાંસારિક બાબતો, ઘટનાઓ, પરંપરાઓ, રીતરિવાજો વગેરેના પડદા પાછળનું સત્ય એમણે બતાવ્યું છે અને એ સત્યને અનુકૂળ જીવનદૃષ્ટિ એમણે આપી છે કારણ કે દૃષ્ટિવિહીન ગતિ માનવને અંધકારમાં ઘસડી જાય છે, એમ ઉપનિષદોનું – વેદાંતન મુખ્ય પ્રસ્થાનનું માનવું છે.

આપણું જીવાતું પ્રવર્તમાન જીવન અને આ વેદાંત દૃષ્ટિ એ બંને પરસ્પર વિરોધી નથી. જો એમ હોત તો સતત કાર્યરત દ્રષ્ટાઓ આ સત્ય શોધી શક્યા ન હોત, સાચી વાત તો એ છે કે અધ્યાત્મજ્ઞાનના રસાયનથી આપણા પ્રવર્તમાન જીવનને કાલવવાનો કમાવવાનો – કેળવવાનો જ આ ઉપનિષદો અને અન્ય પ્રસ્થાનો ઉપદેશ આપે છે. વૈદકની ભાષામાં ચાલુ જીવનમાં અધ્યાત્મનો ‘ભાવ’ આપવાનો, અધ્યાત્મનું ‘મોણ’ ભેળવવાનો જ ઉપદેશ આ ઉપનિષદાદિ પ્રસ્થાનો પાઠવે છે. આપણા જીવનને આવી કેળવણી આપવા માટે ઉપનિષદો આપણી સામે એક ક્રમબદ્ધ તારતમ્યવાળી સીડી જ જાણે કે તૈયાર કરી દીધી છે. આપણે જે સ્તરે જીવન જીવીએ છીએ તેનાથી આગળનું પગથિયું અને એમ પગથિયાં ચડતાં ચડતાં ચરમસીમાએ પહોંચવાની આ યાત્રા છે. એટલે ઉપનિષદોનું અધ્યયન કરતી વખતે આપણે અત્યારે કર્ય સ્તરે જીવીએ છીએ તે નક્કી કરી લેવું કે આવશ્યક છે. ઓચિંતો હનુમાન કૂદકો મારી શકાય જ નહિ. ઉપનિષદોમાં આવતી અને ઉપરથી દૈતમૂલક જણાતી ઉપાસનાઓ – મધુવિધિ, વૈશ્વાનર વિદ્યા વગેરેનું આ જ રહસ્ય છે. આ રીતે પ્રત્યક્ષ દેખાતા જીવનથી માંડીને ઠેઠ ભીતરની જીવનદૃષ્ટિ સુધી ઉપનિષદો આપણને દોરી જાય છે. આ દૃષ્ટિપરિવર્તન જ ઉપનિષદોનું સારતત્ત્વ છે. અને જીવનવિમુખતા તો નથી જ નથી. ગતિ કર્યા પહેલાંનો આદર્શ ગતિ કરવાથી વ્યવહાર બની જાય છે.

પરંતુ આમ સ્પષ્ટ હોવા છતાં માનવનું માયિક અને અવિદ્યાગ્રસ્ત મન ઘણું વિચિત્ર છે. જીવન સ્તરના જે પગથિયે તે ઊભું છે ત્યાંથી આગળ વધીને ઉચ્ચતર પગથિયે ગતિ કરવાની એને ઇચ્છા જ થતી નથી. કોઇ વિરલ વ્યક્તિ જ એમાં અપવાદ હોય છે. પ્રવર્તમાન પગથિયાંનું સામાન્ય માણસને એક ભારે વળગણ, ભારે આસક્તિ, ભારે મોહ હોય છે, એજ માનવમનમાં અવારનવાર વિષાદ જન્માવ્યા કરે છે; તો પણ એને ‘મેલ કરવત મોચીના મોચી’ની સ્થિતિ ગમે છે! અને ‘અડધો રોટલો આખા રોટલાનો દુશ્મન છે’ એવી લોકોક્તિને અવગણીને એ ચાલુ જીવનમાં રાચ્યા કરે છે! પોતાના બચાવ માટે અનુકૂલન પ્રયુક્તિઓ અજમાવ્યા કરે છે અને આદર્શોને અરણ્યોમાં ધકેલી દે છે! મનમનામણાં કરે છે!

ઉપનિષદોએ માનવના મનમર્કટના આ પ્રલોભનકારી અને લાલચુ વલણની નાડ બરાબર પકડી છે અને વારંવાર પરા અને અપરા વિદ્યાના, શ્રેય અને પ્રેયના, અભ્યુદય અને નિઃશ્રેયસના સંવાદી સહઅસ્તિત્વની સમાન્તર અને અનિવાર્ય હસ્તીની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે. મુંડકોપનિષદ કહે છે : ‘દ્વૈ વિદ્યે વેદિતવ્યે, પરા ચાપરા ચ ।’ પરા (બ્રહ્મવિદ્યા) અને અપરા (વ્યવાહારુ વિદ્યા) બન્ને જાણવી આવશ્યક છે.’ ઈશાવાસ્યોપનિષદના તો ઘણાખરા મંત્રોમાં એની જ મીમાંસા કરવામાં આવી છે. પરંતુ એટલું તો ચોક્કસ છે કે ‘પરા’ વિદ્યાના કે ઇશોપનિષદમાં બતાવેલા પારિભાષિક જોડકાંઓમાં ફલિત થતી બ્રહ્મવિદ્યાના કે શ્રેયસ્‌ના રસાયણમાં કેળવ્યા વગરની અપરા વિદ્યા, પ્રેયસ કે જાગતિક અભ્યદુય અપૂર્ણ અને તેથી અર્થ વગરના – મિથ્યા – જ છે. સૂત્રયુગમાં પાછળથી રચાયેલા વૈશેષિક દર્શનનું આ સૂત્ર પણ એને ટેકો આપે છે : ‘યતોડભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિઃ સ ધર્મઃ ।’

આ અપૂર્ણતા દૂર કરવા જ ઉપનિષદોનો ઉદ્‌ગમ થયો. છે. વેદોના કેવળ કર્મકાંડ વિભાગનાં અતિગુંચવણભર્યા ફક્ત બાહ્ય વિધિઓમાં સપડાઈ ગયેલા જનજીવનને અધ્યાત્મનું ઓસડ પાઈને જીવતું રાખ્યું અને બાહ્ય વિધિઓનાં બદલામાં આંતરિક ઉપાસનાઓની ભેટ ધરી. આથી કુદરતના બાહ્ય પદાર્થોનું સ્વરૂપ એનું એ જ રહેવા છતાં ઉપાસકની તે તરફથી ગઈ! સૂર્ય-ચંદ્ર-તારા-વિદ્યુત અને દૃષ્ટિ જ બદલાઈ પ્રાણીઓ સુદ્ધાં સાધકને નવો જ અર્થ આપવા લાગ્યો અને તે તરફનો સાધકનો વ્યવહાર જ બદલાઈ ગયો. દુનિયા એવી જ ચાલુ રહી પણ વ્યવહાર બદલાઈ ગયો! જગતનો ત્યાગ નહિ, પણ જગતનો ખુલાસો, જગતની વ્યર્થતા નહિ, પદ્મ જગતના સાચા સ્વરૂપની સમજણ અને એના અનુપાતનો વ્યવહારનો વિનિયોગ એ જ ઉપનિષદોની નેમ છે. છાન્દોગ્યોપનિષદની સત્યકામ જાબાલની અણઘડ લાગતી કથા આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડે છે.

****

વેદાંતનું બીજું પ્રસ્થાન છે ભગવદ્‌ગીતા. જનજીવનનો મોહ મટાડવા જેમ વ્યવહારુ અને સતત કાર્યરત મંત્રદ્રષ્ટાઓએ રાજસભા કે ઋષિગૃહોમાં ઉપનિષદો નીપજાવ્યાં, તેવી જ રીતે અર્જુનનો મોહ મટાડવા વ્યવહાર અને સતત કાર્યરત શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર ભગવદ્‌ગીતાનો પ્રાદુર્ભાવ કર્યો. આ ગીતાને સ્મૃતિપ્રસ્થાન કહેવામાં આવે છે. અર્જુનને નિમિત્ત બનાવીને સઘળાં ઉપનિષદોનું દુગ્ધ-સારતત્ત્વ સમગ્ર જનજીવનને નિર્ભ્રાન્ત કરવા માટે એમાં એકઠું કરાયું છે. ઉપનિષદો પરનું એ સર્વ પ્રથમ ભાષ્ય છે. ઉપનિષદોની પેઠે ગીતા પણ સર્વલક્ષી છે. અને જીવનનાં સર્વક્ષેત્રોને આંબે છે.

સ્વામી વિવેકાનંદે ગીતાને અને ગીતાકારને આપેલી અંજલિ યાદ કરીએઃ

‘તે (ગીતાગાયક શ્રીકૃષ્ણ) અદ્‌ભુતોત્તમ સંન્યાસી અને અદ્‌ભુતોત્તમ ગૃહસ્થનું સંગમસ્થાન હતા. એમનામાં રજસ્ શક્તિનું અતિ અદ્‌ભુત પ્રમાણ હતું અર્થાત્ શક્તિ હતી અને ગીતા’ના અધ્યયન વિના કૃષ્ણને સમજી શકાય નહિ. કારણ કે પોતાના બોધની એ મૂર્તિમંત પ્રતિમા હતા. એમનો પ્રત્યેક વ્યવહાર પોતાના યોગના જીવંત દૃષ્ટાન્ત તરીકે આવ્યો હતો. એ દૈવી જ્ઞાનની જીવતી જાગતી મૂર્તિએ જે ‘ગીતા’નો બોધ આપ્યો છે. એવા એ શ્રીકૃષ્ણ હતા. સ્થિતપ્રજ્ઞના તેઓ ઉત્તમ ઉદાહરણ હતા.’ (કં.વ.વૉ.૩, પૃ.૨૫૬-૫૭)

ઉપરની ભૂમિકા અને સ્વામી વિવેકાનંદના વિધાનથી એ સ્પષ્ટ થઈ જાય છે કે શ્રીમદ્ ભગવદ્‌ગીતા ઉત્તમ વ્યવહારક્ષમ વેદાંતગ્રન્થ છે. હવે એ વ્યવહારપક્ષનો આપણે જરા વિગતે વિચાર કરીશું.

‘ગીતા’ પર થયેલ અનેકાનેક ભાષ્યો, ટીકાઓ વગેરેને એક બાજુ મૂકીને મૂળ ‘ગીતા’નું જ અધ્યયન કરો તો શ્રીકૃષ્ણે અર્જુનને પૂરી ગીતા સંભળાવ્યા પછી કહ્યું છે કે ‘યથેચ્છસિ તથા કુરુ’ – ‘હવે તારી મરજી પડે તેમ કર.’ જવાબમાં જ્ઞાની થયેલા અર્જુને કહ્યુંઃ ‘કરિષ્યે વચનં તવ’- ‘ભગવાન, તમારું કહ્યું જ હું કરીશ.’ આ ભગવાનનું કહ્યું શું હતું? એ હતું: ‘યુદ્ધેયસ્વ વિગતજ્વરઃ’ – ‘હે અર્જુન, વિગતજ્વર થઈને તું યુદ્ધ કર.’ અને અર્જુને યુદ્ધ કર્યું.

આ સ્પષ્ટ સૂચવે છે કે શ્રીકૃષ્ણનો ગીતોપદેશ વ્યક્તિ સ્વાતંત્ર્યને આંચકી લેતો નથી. સ્વાતંત્ર્ય તો આત્માનું ભવ્ય સંગીત છે અને જેનો મોહ નષ્ટ થયો છે, જેને આત્મસ્મૃતિ ઉપલબ્ધ થઈ છે, એવા જ્ઞાની બનેલ અર્જુને યુદ્ધ કરવાનું પસંદ કર્યું. શ્રીકૃષ્ણે ગીતામાં તો અનેક ઉપદેશો આપ્યા છે, યુદ્ધકર્મ કરવાનો, જ્ઞાની બનવાનો, ભક્ત બનવાનો, ધ્યાની બનવાનો  — વગેરે કેટકેટલા ઉપદેશો ગીતામાં સમાવાયેલા છે! છતાં અર્જુને સ્વેચ્છાથી યુદ્ધ કરવાના કૃષ્ણવચનને જ કેમ પસંદ કર્યું? કારણ એ છે કે શ્રીકૃષ્ણના બોધથી અર્જુન પોતાના મનના વલણને-મનની કક્ષાને-મનની રુચિને, મનના ગુણને બરાબર રીતે પારખી ગયો હતો અને એણે આ મનના સ્વધર્મને અનુકૂળ કર્મનું આચરણ કર્યું. મોહાવસ્થામાં એ પરધર્મ તરફ ઝૂકી ગયો હતો અને પહેલા અધ્યાયમાં એને વિષાદ થયો હતો. હવે પોતામાં ગુણ-ધર્મ-નું એને જ્ઞાન થયું અને એ અનુસાર ક્ષત્રિયગુણવાળા એના માનસે યુદ્ધ કર્મ પસંદ કર્યું.

આનો અર્થ એ જ છે કે એક જ પરમલક્ષ્યને પામવાના માર્ગો તો અનેક છે, પણ માણસે પોતાના સ્વાતંત્ર્યનો સદુપયોગ કરીને પોતાના ગુણકર્માનુસાર સ્વધર્મ પસંદ કરી. લેવો જોઈએ અને બાકીનાને પરધર્મ સમજી લેવા જોઈએ. અસંખ્ય જાગતિક કર્મોના કર્તાઓને જેમ ચાર મુખ્ય વર્ણોમાં જૂના જમાનામાં વહેંચવામાં આવ્યા હતા, તેવી જ રીતે મનનાં અસંખ્ય વલણોને પણ ગીતાના કાળમાં જ્ઞાન, ભક્તિ, કર્મ અને ધ્યાન-આમ ચાર મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યા ‘હતા. ‘ગુણકર્મ વિભાગઃ’ એવું ગીતામાં જણાવાયું છે. અહીં સૃષ્ટમ્ શબ્દનો અર્થ ‘વિભાગ કર્યા’ એવો સમજવો જોઈએ.

આ પ્રકારનું વર્તન અને આવો અભિગમ સ્પષ્ટપણે વ્યવહારુ જ છે. અને એ દ્વારા જ માણસ પોતાનું લક્ષ્ય પ્રાપ્ય કરી શકે છે. અન્યથા વિક્ષિપ્ત થઈને ભટક્યા કરે છે. બધાનું લક્ષ્ય તો એક જ છે, પણ માર્ગ જુદા જુદા છે. પોતાનો જ માર્ગ સાચો અને બીજાનો ખોટો છે કે અધૂરો છે એવો પૂર્વગ્રહ વ્યર્થ છે. બધા જ માર્ગો માનવમનની વિવિધ ચતુ વિવિધ કથાને  — ભાતને – માટે વર્ણવાયા છે. માનવમનની ભાદરનદી કંઈ ગંગાનદીના માર્ગે જ સાગરને મળી ન શ અને છતાં ભાદરનદી કે ગંગાનદી એક બીજીને ખોટામાર્ગવાળી પણ ઠરાવી ન શકે. ‘એક સત્ વિમા બહુ વદન્તિ’ અને ‘જતો મત તતો પથ’ જેવું શ્રુતિવાક્ય અને રામકૃષ્ણવાક્ય આ જ વાત કહે છે. ગીતાના આ સમન્વયકારી ઉપદેશે અર્જુનને ‘નષ્ટમોહ’ અને ‘જ્ઞાની’ બનાવી દીધો કેટલાક વિરલ મનુષ્યોનાં મનોવલણમાં અને સુષુપ્તશક્તિઓમાં બેવડાપણું કે ત્રેવડાપણું પણ હોય છે. તેમને જો એવી સ્પષ્ટ આંતરપ્રતીતિ થઈ હોય તો તેમને એક કરતાં વધારે માર્ગ અનુસરવાની ગીતા ના નથી પાડતી. એમને એ જોગવવાની છૂટ છે. આવા દાખલાઓ જો કે અપવાદરૂપ જ હોય છે. આમ દરેક માણસ ગીતામાંથી પોતાનું મનોનુકૂલ પ્રયોજન પામી શકે છે, ગીતા એકાંગી નહિ, સર્વાંગી છે.

આ મનગમતું જીવનપ્રયોજન હાંસલ કરવા માટે સ્વૈચ્છિક કે અનૈચ્છિક કોઈનું કોઈ કર્મ તો અવશ્ય કરવું જ પડે છે. જીવંત વ્યક્તિ માટે આ કર્મવ્યવહાર અનિવાર્ય છે. આમ ન હોય, તો ચેતન-અચેતનના ભેદ જ ઊડી જાય. એટલે ગીતા ‘કર્મ’ શબ્દથી શ્વાસોચ્છ્‌વાસ, રુધિરાભિસરણ, ખાદ્યપાચન જેવી અનૈચ્છિક દેહક્રિયાઓને પણ પોતાના ‘કર્મ’ શબ્દમાં સમાવી લે છે. વેદના કર્મકાંડ વિભાગમાં દર્શાવેલ અત્યંત આંટીઘૂંટીવાળાં યજ્ઞાદિ વિધિવિધાનોના જૂના ને જર્જર પાંજરામાં કેદી બનેલ ‘કર્મ’ શબ્દને એ ખુબ-વિશાળ અર્થફલક આપે છે. અને ઉપર્યુક્ત માર્ગો પૈકીનો સ્વધર્માનુકૂલ કોઈ એક કે વધારે માર્ગના અનુસરણમાં આ કર્મને કેન્દ્રસ્થાને મૂકે છે. વ્યાવહારિક જગતની સંજીવની સમા આ કર્મનો વિનિયોગ, સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ – ‘પોતાના મોક્ષ માટે અને જગતના હિતને માટે’ કરવાનું કહે છે. અને આ ‘જગતનું હિત’ એ શબ્દોમાં ગીતાના ‘યજ્ઞચક્ર’નો ધ્વનિ સંભળાય છે. વૈદિક કર્મકાંડ વિભાગના ‘યજ્ઞ’ શબ્દની પરિભાષા જ ગીતાએ બદલાવી નાખી છે. ગીતાનો ‘યજ્ઞ’ એ પરસ્પર પરોવાયેલા આ જગત સંચાલનની ગંગોત્રી છે.

આ ‘યજ્ઞચક્ર’માં અનેક પ્રકારના યજ્ઞો-જ્ઞાનયજ્ઞ, દ્રવ્યયજ્ઞ વગેરે અનેકાનેક પ્રકારના ‘યજ્ઞો’નો સમાવેશ થઈ જાય છે, પણ દ્રવ્ય, જ્ઞાન, તપ વગેરે બધાં જ કર્મો ‘જગદ્ધિતાય’ બને, તો જ એ ‘યજ્ઞ’ કહેવાય. વ્યક્તિગત સ્વાર્થ, કામના, પ્રલોભન, લોભ, લાલચ છોડ્યા વગર એ ‘યજ્ઞ’ બની શકતો નથી. દરેક માનવને માટે કર્મ અનિવાર્ય હોવા છતાં જ્યાં સુધી એ બધાં ‘યશ’માં રૂપાન્તરિત ન થાય, જ્યાં સુધી સ્વહિત-સ્વાર્થથી મુક્ત ન થાય, ત્યાં સુધી ‘લોકહિત’ કે ‘જગદ્ધિતાય’નો હેતુ  — એવી દૃષ્ટિ એની ભૂમિકામાં નહિ હોય, ત્યાં સુધી માનવ ‘નષ્ટમોહ’ અને બંધનમુક્ત ન જ થઈ શકે. ગીતાનું પ્રાણતત્ત્વ આ ‘નિષ્કામ કર્માચરણ’ છે. સ્વાર્થત્યાગ છે, સ્વહિતને તિલાંજલિ છે. અને એ જ ગીતાના ઉપર બતાવેલા મુખ્ય ચારેય માર્ગોમાં અર્થાત્ માનવના પ્રત્યેક કર્મમાં અનુસ્યૂત છે. આ જીવનદૃષ્ટિને જ ગીતા કર્મકુશલતારૂપ અને સમત્વરૂપ ‘યોગ’ એવું સમુચિત નામ આપે છે. આ યોગરૂપ- ફલાકાંક્ષારહિત કર્મો જ ગીતાનું ‘નૈષ્કર્મ’ છે. ‘અકર્મણ્યતા’ એનો અર્થ કદાપિ નથી. અને માનવજીવનમાં એનો જરાય સંભવ પણ નથી. ગીતાનું આ નિષ્કામ કર્માચરણ એ જ કઠોપનિષદનો શ્રેયોમાર્ગ છે, જેમાં પ્રયોજન તો છે પણ વ્યક્તિગત બંધનકારી કામના નથી. ‘પ્રયોજન’ અને ‘કામના’નો આ સૂક્ષ્મભેદ વિશુદ્ધ મન જ પામી શકે. ‘ગહના કર્મણો ગતિઃ’નો આ મર્મ છે. પ્રયોજનમાં સ્વરૂપબોધપૂર્વકનો લોકસંગ્રહ હોય છે અને કામનામાં સ્વરૂપબોધરહિત વૈયક્તિક સ્વાર્થપરાયણતા હોય છે, પ્રયોજન લક્ષ્ય તરફની ગતિ છે, કામનાઓ એના અવરોધો છે, પ્રયોજન ‘યોગ’ છે, કામનાઓ ઉદ્વેગ છે. પ્રયોજન સ્વરૂપવિસ્તાર દ્વારા સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવે છે, કામનાઓ સ્વરૂપસંકોચ દ્વારા સંઘર્ષ જન્માવે છે. એટલા માટે જ ગીતા પેલી કર્મયોગની વિખ્યાત ચતુઃસૂત્રીમાં ‘કર્મણ્યવાધિકારસ્તે’વાળા શ્લોકમાં અર્જુનને ફલાકાંક્ષારહિત બનીને માનવજીવનમાં પ્રત્યેક ક્ષણે અનિવાર્ય રહેલ કર્મ કરવાની અને અકર્મણ્યતારૂપ જડતાને છોડી દેવાની શીખ આપે છે. (૨/૪૭). કોઈ પણ કર્મનો અહં ભાવે- અવ્યવહારુ-ત્યાગ નહિ, પણ વાસનાગ્રસ્ત કર્તુત્વાભિમાનપૂર્ણ ફલાકાંક્ષાનો ત્યાગ જ સાચો સંન્યાસ છે, એમ ગીતા સ્પષ્ટ કહે છે, પરન્તુ એવાં કર્મ પૂર્વે સ્વધર્મને અનુકૂલ, જીવનમૂલ્યોનાં સંરક્ષક (નિયત) અને સહજ હોવાં જોઈએ. એટલી જ ગીતાની શરત છે.

શરીરયાત્રા ચાલુ રાખવા માટે અનિવાર્ય એવાં કર્મોમાં, નિષ્કામતાનું રસાયણ ભેળવવાના-કર્મોને ‘યોગ’માં રૂપાન્તરિત કરવાના ગીતાએ મુખ્ય ચાર માર્ગો બતાવ્યા છે. (૧) કર્મયોગ (લોકસંગ્રહ-જગદ્ધિતાય) (૨) જ્ઞાનયોગ (સર્વભૂતોમાં આત્મદર્શન અને આત્મામાં સર્વભૂતદર્શન). (૩) ભક્તિયોગ (સર્વકર્મોનાં ફળ ઈશ્વરાર્પણ કરવાં) અને (૪) ધ્યાનયોગ – રાજયોગ (ઈશ્વરપ્રણિધાનમાં જાગતિક વૈષમ્યનો લય કરવો.) આ ચારમાંથી ગમે તે એક કે તેથી વધારે – પોતાના મનની તાસીર પ્રમાણેના યોગના અનુસરણથી સાધક નિષ્કામતા સાધી શકે. કોઈ પણ એક યોગના માર્ગે ચાલતા સાધકમાં અન્ય યોગમાર્ગોમાં દેખાતા અંશો – કેટલીક સમાનતાઓ  — પણ અવશ્ય જ આવી મળે છે. એટલે આ યોગ માર્ગમાં પરસ્પર જલાભેદ્ય આવરણ જેવું કશું છે નહિ.

અહીં એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે આ યોગો એ મોક્ષમંદિરના દરવાજા સુધી પહોંચાડનારા માર્ગો છે. એ લક્ષ્ય પોતે નથી. માર્ગોને લક્ષ્ય માનવાનો-સાધનને જ સાધ્ય માની લેવાના-પાછળના ચિન્તકોના પૂર્વગ્રહોથી ગીતાને મુક્ત રાખવા આપણે અહીં મૂળ ગીતાનો જ આશરો લીધો છે.

***

જ્યારે ભગવદ્‌ગીતાનો આ ભવ્ય વ્યવહારમાર્ગ ભૂલીને એને માત્ર પૂજા-પાઠમાં રાખવાનો ગ્રંથ સમજવામાં આવ્યો અને તમામ આપ્તવાક્યોમાં અશ્રદ્ધા જન્મી ત્યારે સૂત્રયુગમાં ‘બ્રહ્મસૂત્ર’ નામના વેદાંત દર્શનના ત્રીજા ‘તર્ક પ્રસ્થાન’નો જન્મ થયો. બ્રહ્મસૂત્રોએ દ્રષ્ટાઓની અનુભૂતિઓ અને ઉપદેશોને તર્કની સરાણે ચડાવીને તે પરની અશ્રદ્ધા દૂર કરવા પ્રયાસ કર્યો. જો કે અનુભૂતિને માપવા તર્કનો માપદંડ સાવ ટુંકો છે. છતાં શ્રુતિ કે અનુભૂતિને અનુકૂળ એવા તર્કો બ્રહ્મસૂત્રે આપ્યા અને તત્કાલીન તેમ જ તે પછીના બુદ્ધિજીવીઓની અશ્રદ્ધાને ડામવામાં ઠીકઠીક મદદગાર નીવડ્યા. સર્વશાસ્ત્રોના અભ્યાસ માટે હજારો વરસથી તર્કની એક અનિવાર્ય પ્રણાલિ જ ઊભી થઈ ગઈ છે. માનવના વિકાસને રૂંધી નાખે એવાં જોખમો તો એમાં જરૂર છે, પણ સાપેક્ષ સત્યોના સ્તરે એના ઉપયોગની તાલીમની જરૂર જણાય છે.

આ બ્રહ્મસૂત્રોના રચયિતા વ્યાસ-બાદરાયણ પણ આપણી પરંપરા પ્રમાણે કોઈ સંસારમાંથી ભાગી છૂટીને ગુફાવાસી બની જનાર વ્યક્તિ ન હતા, પણ કર્મપરાયણ, તત્કાલીન રાજકાર્યમાં રત રહેનાર ગૃહસ્થ હતા, શુકદેવના એ પિતા હતા, પૂર્ણતઃ જગતના વ્યવહારમાં પડેલા હતા. એમણે મહાભારત રચ્યું, પુરાણો રચ્યાં, વેદોનું કર્યું, બ્રહ્મસૂત્રો રચ્યાં. અદ્‌ભુત કાર્યો કર્યાં. ઐતિહાસિક વિદ્વાનો આ પરંપરિત વ્યાસમાં શંકા ઉઠાવે તો પણ બ્રહ્મસૂત્રના કર્તા બાદરાયણ વ્યાસ જગતથી વછોડાયેલા વનવાસી તો ન જ હોઈ શકે. એ વ્યવહાર, કર્મપરાયણ મહાનુભાવ જ હતા.

બ્રહ્મસૂત્રના પ્રસ્થાનમાં તેમણે શ્રુતિપ્રસ્થાનમાં છૂટી છૂટી વેરાયેલી શ્રુતિઓનું સંકલન કરીને એનો સમન્વય સાધ્યો; શ્રુતિઓમાં પરસ્પર દેખાતા તેમ જ સ્મૃતિપ્રસ્થાન સાથે શ્રુતિપ્રસ્થાનના દેખાતા આભાસી વિરોધનો તર્કશાસ્ત્રથી પરિહાર કર્યો. મુક્તિ-મોક્ષ માટેના સાધનાપંથનું વ્યવહારુ વિવરણ કર્યું અને છેલ્લે એ મુક્તિની જીવનસ્થિતિનું શાસ્ત્રના પ્રાણામ્ય સાથે તર્કપૂત વિવરણ પણ આપ્યું. આનુષંગિક રીતે શ્રુતિપ્રસ્થાન અને સ્મૃતિપ્રસ્થાનની (મુખ્યત્વે ગીતાની) તમામ બાબતોને આમાં આવરી લેવામાં આવી છે.

પણ આ બ્રહ્મસૂત્રો, અન્યદર્શનોનાં સૂત્રો કરતાં વધુ ધૂંધળો, સંદિગ્ધ અને એક કરતાં વધુ અર્થની સંભાવનાવાળાં – ગૂંચવાડાભર્યાં છે. અને તેથી ભારતીય જનસમાજમાં ઉપેક્ષિત થઈ ગયાં. સૂત્રોના ગૂંચવાડા ઉકેલવા એ જમાનામાં કેટલાંક ભાષ્યો રચાયાં તો હતાં, પણ કાળબળે વૈદિક સંસ્કૃતિની સમાન્તરે ચાલી આવતી શ્રમણસંસ્કૃતિના આવેલા જબરદસ્ત પૂરમાં તણાઈ ગયાં અને ફરીથી જનજીવન અકર્મણ્યતામાં ધકેલાઈ ગયું, વેદાંત વનવાસી, ગુફાવાસી અને અવ્યવહારુ જણાવા લાગ્યું. શ્રમણસંસ્કૃતિએ તપ, ત્યાગ, અપરિગ્રહ શમ-દમ આદિ ઉપનિષદ અને ગીતાના જ અનેક શબ્દો ઉછીના લઈને એનો જીવનવિમુખી, અવ્યવહારુ, અતિરેકી અર્થ કરીને વેદાન્તને જંગલોમાં ધકેલી દીધું. પરિણામે વ્યવહાર વિમુખ ભિખ્ખુ-ભિખ્ખુણીઓ અને સાધુ-સાધ્વીઓનાં ધાડાં ને ધાડાં સમાજમાં સર્જાયાં, બુદ્ધ અને મહાવીર પોતે કરાવતાર અને શદમાદિષ અનુભૂતિવાળા મહા જ્ઞાની મહાનુભાવો હતા. પણ એને અનુયાયીઓની અધૂરી સમજો એમની જીવનની કથા અને ઉપદેશોના મર્મને પારખ્યો નહિ અને સામાન્ય જનસમાજન મનની તસ્વીરની પરવા કર્યા વગર એને જીવન વિમુખતામાં ધકેલી દીધું. આની અસર એટલી બધી ઘેરી પડી શંકરાચાર્યે પોતાના જીવનકાર્ય સાહિત્યસર્જન દ્વાર વેદાંતદર્શનની વ્યાવહારિકતાનું પુનઃસ્થાપન કર્યા પછી લખાયેલ વેદાંતગ્રન્થોમાં પણ ઘણે ઠેકાણે ઉપર લખેલ શબ્દોનો સંકુચિત અને અવ્યવહારુ અર્થ કરેલો જોવા મળે છે. અને અત્યારના કહેવાતા કેટલાક સંન્યાસીઓમાં પણ આ ભ્રાન્તિ આજે પણ જોવા મળે છે.

જ્ઞાનવાદી અને ‘જ્ઞાનકર્મસમુચ્ચય’ના પ્રખર વિરોધી શંકરાચાર્યે ત્યાં ‘કર્મ’નો અર્થ ‘વૈદિક કામ્ય કર્મો’ એવો કરીને તેનો ‘સંન્યાસ’ કર્યો છે અને તે સિવાયનાં અન્ય આવશ્યક અને અનિવાર્ય કર્મોનું ફલાસક્તિરહિત થઈને પોતાના જીવનમાં આચરણ કર્યું છે. તત્કાલીન અવ્યવહાર્ય અને સંકુચિત ખ્યાલોને મટાડવા જગતનું શ્રેય કરવા સ્વલ્પ વયમાં જ તેમણે ભારતભ્રમણ કર્યું, શાસ્ત્રાર્થો કર્યા, મઠો સ્થાપ્યા, પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખ્યાં, વિપુલ સાહિત્ય સર્જન કર્યું પંચદેવપૂજાની પરંપરા શરૂ કરી, ગૂફાઓમાંથી ઉપનિષદોને બહાર લાવ્યા અને કર્મ પરાયણ નૈષ્કર્મનું અદ્‌ભુત ઉદાહરણ અને વેદાંતની વ્યાવહારિકતા જગત સામે મૂક્યાં!

આ વેદાંતશાસ્ત્રને ભાષ્યોથી સ્વતંત્ર ભૂમિકા એ સમજતાં અને વિચારતાં એવું લાગે છે કે એનો આરંભ દ્વૈતવાદી ભક્તિ-ઉપાસના અને એવા બધા વિચારોથી થાય છે અને એની પરિસમાપ્તિ અદ્વૈતવાદી વિચારોની ભવ્ય મહત્તામાં થાય છે. આપણા રાષ્ટ્રિય સમગ્ર જીવનમાં એ દરેક વિચારનું વિશિષ્ટ અનિવાર્ય સ્થાન છે.

પરન્તુ મધ્યકાલીન ભારતમાં થયેલા, શંકરાચાર્યથી માંડીને મધ્વાચાર્ય સુધીના બધા આચાર્યોએ એ બધા વિચારોની સંવાદિતા અને સુવ્યવસ્થા સ્થાપવાને બદલે પોતે માની લીધેલા કોઈ એક જ વિચારને પકડીને પૂર્વગ્રહપૂર્વક અન્ય વિચારોનો નિરાદર કરીને બધાને એક જ લાકડીએ હાંકવાનો અવ્યવહારુ અને અવૈજ્ઞાનિક પ્રયાસ કર્યો. વિચારો તો બધા જ સાચા હતા પણ એ બધાને યોગ્ય અનુપાતમાં લઈને આપણી સંસ્કૃતિનું વિવિધરંગોથી મંડિત એક અખંડ ચિત્ર ઉપસાવવામાં, સપ્ત રંગોવાળું એક અખંડ મેઘધનુષ્ય રચવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા. પરિણામે વેદાંત શાસ્ત્રના શબ્દોના અતિ વિચિત્ર પરસ્પર વિરોધી તોડમરોડ થયા. સંવાદી સંગીત નીપજાવનારા સાત સૂરો અસૂરા ઘોંઘાટ જેવા થઈ ગયા. અને સ્વામી વિવેકાનંદ કહે છે તેમ, વેદાંતધર્મની ક્રમબદ્ધ સોપાનસરણીના ટૂકડે ટૂકડા થઈ ગયા. વિરોધ, સંકુચિતતા, ઈર્ષ્યા અને અસહિષ્ણુતાની આગમાં એકબીજાને હોમી દેવા તત્પર થયા અને ભારત અવદશાના ગર્તમાં પડી ગયું.

આનાં કારણોમાં લોકપક્ષે પણ માનવમનનું સહજ અધોગામી વલણ, ગતાનુગતિકતા, વિદેશી સાંસ્કૃતિક આક્રમણો, રાજકીય ગુલામી, રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, આદર્શોની દુર્બોધતા, એકાંગિતા, વગેરે અનેક ગણાવી શકાય.

આ મધ્યકાલીન ‘આચાર્યો’ પોતાની અધ્યાત્મયાત્રામાં સામાન્ય જનસમાજથી અન્ય સાધુસંત જનોની પેઠે જ ઠીક ઠીક પ્રમાણમાં આગળ વધ્યા હતા તેમ જ પોતપોતાની વિશિષ્ટ ભૂમિકાએ ખડા હતા. એ ભૂમિકા સાથે અવશ્યપણે સંકળાયેલા વેદાંતધર્મના કોઈ ને કોઈ આદર્શને તેમણે પોતપોતાના જીવનમાં ઘણી સારી રીતે જોગવી જાણ્યો હતો, એની ના પાડી શકાય તેમ નથી. પરન્તુ એ જ માત્ર સાચો આદર્શ છે અને બાકીના જૂઠા છે’ – એવા એમણે ઊભા કરેલા હઠાગ્રહી સંપ્રદાયોથી ભારતીય ધાર્મિક જીવનને જબરો ધક્કો લાગ્યો છે એ પણ એટલી જ સાચી હકીકત છે.

આ અણીને સમયે શ્રીરામકૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો. સ્વામી વિવેકાનંદે એનો આવી રીતે મહિમા ગાયો છે, તેઓ કહે છેઃ

‘આવી પરિસ્થિતિમાં આર્યપ્રજાનો સાચો ધર્મ શું છે, તેનું દૃષ્ટાન્ન પુરું પાડવા, અનાદિકાળથી ચાલ્યા આવતા ઈતિહાસમાં ભારતની સમગ્રભૂમિમાં પ્રસરી રહેલા અનેક વિસંવાદી અને એકબીજા સાથે ઝઘડતા પરસ્પરવિરુદ્ધ રીતરિવાજોથી ભરેલા અને તેથી આપણા દેશના માણસો માટે દુર્બોધ કોયડારૂપ અને પરદેશીઓના ધિક્કારપાત્ર બની ગયેલા, ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી સંપ્રદાયોની વચ્ચે હિન્દુધર્મની સાચી એકતા ક્યાં રહેલી છે તે દર્શાવવા અને સર્વોપરિ સનાતન ધર્મના કાળક્રમે જે સાર્વજનિક ધર્મ અને વિશેષતા ભુલાઈ ગયાં હતાં તે સનાતનધર્મમાં પોતાના અપૂર્વ જીવન દ્વારા પ્રાણ રેડવા ભગવાન રામકૃષ્ણનો અવતાર થયો હતો’ (‘હિન્દુધર્મ અને શ્રીરામકૃષ્ણ’ – શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગના બીજાભાગના ઉદ્ધૃત લેખમાંથી)

સ્વામીજીનું આ મહિમાગાન અને એમની આર્ષવાણી આપણને ઢંઢોળીને કહે છે કે પ્રાચીન અને વર્તમાનકાળમાં દૃષ્ટાઓ દ્વારા અનુભૂત સત્યોનો સર્વજનવ્યવહારમાં વિનિયોગ કરવાનો સમય હવે પાકી ચૂક્યો છે. અવસર ચૂકશું તો વિનિપાત નોતરશે. વેદાંતનો જીવનમાં વિનિયોગ કરવા માટે જાતિપાંતિ, ગરીબઅમીર, ઊંચનીચ, સાક્ષર નિરક્ષર, સ્ત્રીપુરુષના કશા જ વેરાવંચા નડતા નથી. એમાં તો ‘જે રણમાં જીતે તે શૂર’નો એક જ નિયમ છે. આ માર્ગ કપરો તો જરૂર છે, પડકારનો એ પંથ છે, છતાં તીવ્ર ઇચ્છાશક્તિ, તાલાવેલી હોય તો ધીરે ધીરે એક એક પગથિયે ડગલાં ભરતાં ભરતાં ક્યારેક ત્યાં પહોંચવાની નેમ આપણે રાખીએ અને આપણી એ તરફની યાત્રા અવિરત ધૈર્યથી અને શ્રદ્ધાથી ચાલુ ને ચાલુ રાખીએ તો અવશ્ય એ લક્ષ્ય હાંસલ થઈ શકે છે. મનને ખૂબ સતેજ કરવાની આમાં ભારે જરૂર છે. એટલે જ કઠોપનિષદ આ માર્ગને ‘ક્ષુરસ્યધારા’ કહે છે.

પણ શ્રુતિપ્રતિપાદિત અને સાધુસેવિત આ જીવન દૃષ્ટિને પામ્યા વગર અને અન્યને પમાડ્યા વગર અત્યારે કોઈ આરોઓવારો દેખાતો નથી. આ ત્રિકાલાબાધિત સત્ય ભૌતિક વિજ્ઞાનની જેમ સાર્વત્રિક છે. આપણે વ્યક્તિગત ઇચ્છા કે અનિચ્છાને એ અધિન નથી. એટલે ભૌતિક વિજ્ઞાનનાં સત્યોની પેઠે જ આ સત્યોનો કશાય તર્કકુતર્ક કર્યા વગર સ્વીકાર કરવો રહ્યો. આ માટે સ્વામી વિવેકાનંદ અને કઠોપનિષદ હાકલ કરે છે કે, ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત’-‘ઊઠો, જાગો અને મહાત્માઓ સમીપ જઈને તમે પ્રકાશ પ્રાપ્ત કરો.’ અર્થાત્, ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ માનવ માટે આ અસંભવ નથી કારણ કે વેદો આપણને ‘અમૃતસ્યપુત્રાઃ’ કહે છે. એને સથવારે સ્વામીજી કહે છે : ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. અંદરની આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે.’

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.