તમારા પોતા પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ, પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ; કારણ કે તમે સૌ એક છો. આ મહાન શ્રદ્ધા જ જગતને વધારે સારું બનાવશે; મને એની ખાતરી છે. જે માણસ સાચે સાચ કહી શકેઃ ‘હું મારા વિશે સર્વ જાણું છું’ તે સર્વોચ્ચ માનવ છે. તમારી આ દેહયષ્ટિની પાછળ કેટલી શક્તિ, કેટલી સિદ્ધિઓ, કેટકેટલા બળો હજી પણ ડોકિયાં કરી રહ્યાં છે તેની તમને ખબર છે?… સપાટી પર દેખાતા અધઃપતન તળે શી શી શક્યતાઓ પડેલી છે, તે તમે ક્યાંથી જાણો? તમે તો તમારામાં જે રહેલું છે તેનો થોડોક જ અંશ જાણો છો; તમારી પાછળ તો અનંત શક્તિ, કલ્યાણનો મહાસાગર પડેલો છે.

‘આ આત્માનું પ્રથમ શ્રવણ કરવાનું છે.’ રાત અને દિવસ સાંભળ્યા કરો કે તમે આત્મા છો. દિવસ અને રાત એનું એટલું રટણ કરો કે તે તમારી રગે રગે ઊતરી જાય, તમારા રક્તના બુંદે બુંદમાં ઝણઝણી ઊઠે, તમારા માંસમાં એ ઓતપ્રોત થઈ જાય. તમારું આખું શરીર એ આદર્શથી ભરપૂર કરી દો કે, ‘હું અજન્મા, મૃત્યુરહિત, આનંદમય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સદામહિમામંડિત એવો આત્મા છું.’ રાત દિવસ એનો વિચાર કરો, તેના પર એટલો વિચાર કરો કે તે આખરે તમારા જીવનનો અણુએ અણુ બની જાય. તેનું ધ્યાન કરો; એટલે તેમાંથી કાર્યશક્તિનો આવિર્ભાવ થશે. ‘હૃદયની પૂર્ણતામાંથી વાણી પ્રગટે છે’ અને હૃદયની પૂર્ણતામાંથી હાથ પણ કાર્ય કરે છે. તેમાંથી કાર્યશક્તિ આવશે. તમારી જાતને આદર્શથી ભરી દો; તમે જે કાંઈ કરો તેના પર પૂરો વિચાર કરો. વિચારની ખૂદ શક્તિથી જ તમારાં સર્વ કાર્યો મોટાં દેખાશે, તેમનું સ્વરૂપ પલટાઈ જશે, તેમનામાં દિવ્યત્વ આવશે. જડદ્રવ્ય જો શક્તિમાન હોય તો વિચાર સર્વશક્તિમાન છે. આ ભાવના તમારા જીવનમાં ઊતરે એમ કરો; તમારી જાતને તમારા સર્વશક્તિમત્તાની, તમારી ભવ્યતાની અને તમારા મહિમાની ભાવનાથી ભરપૂર કરી મૂકો. તમારા મગજમાં કોઈ વહેમો ન ઘૂસ્યા હોય તો ઈશ્વરની મોટી કૃપા! ઈશ્વરકૃપાથી આપણે જન્મથી જ આ બધી વહેમપૂર્ણ અસરો અને આપણને નિષ્ક્રિય બનાવનારી આપણી નબળાઈઓ તથા અધમતાના વિચારોથી ઘેરાયેલા ન હોય તો કેવું સારું! ઉમદામાં ઉમદા અને ઉચ્ચમાં ઉચ્ચ સત્યો પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ માનવજાત પાસે હોત તો કેવું સારું! પરંતુ માનવ જાતને આ બધામાં થઈને પસાર થવું જ પડે છે; તો હવે તમારી પાછળ આવનારાઓને માટે માર્ગને વધુ કઠિન ન બનાવો.

આ બધા સિદ્ધાંતોનો ઉપદેશ આપવો એ કેટલીવાર ભય ઉપજાવે એવું છે. હું એવા લોકોને જાણું છું કે જેઓ આ વિચારોથી ડરી જાય છે; પરંતુ જેમની વહેવારુ બનવાની ઇચ્છા હોય, તેમણે આ વસ્તુ પહેલી શીખવાની છે. તમારી જાતને કે બીજા કોઈને પણ તમે નબળા છો એમ કદી પણ કહેશો નહિ. બને તો દુનિયાનું ભલું કરો, પરંતુ તેને નુકશાન તો ન જ કરો. . તમને જે જે ઉત્તરો મળ્યા તે બધા તમારા પોતાના હૃદયમાંથી જ આવ્યા છે. તમે જાણો છો કે ભય જેવું કશું નથી; છતાં તમે અંધારામાં પૈસો કે તરત તમારી છાતીમાં કંઈ કંઈ થવા માંડે છે. આમ થવાનું કારણ એ છે કે બાળપણમાં આ બધા ભયપ્રેરક વિચારો આપણા મગજમાં ઘુસાડવામાં આવ્યા હતા. સમાજના ભયથી કે જાહેર અભિપ્રાયના ભયથી કે મિત્રોની ખફગી વહોરી લેવાના ભયથી અથવા દિલપસંદ વહેમોને ગુમાવવાના ભયથી પણ આ બધી બાબતો બીજાને શીખવશો નહિ. આ બધા ઉપર સ્વામિત્વ મેળવો; વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ બે સિવાય ધર્મમાં શીખવા જેવું બીજું શું છે?

 —  સ્વામી વિવેકાનંદ
(‘જીવન વ્યવહારમાં વેદાંત’, પૃ. ૧૪-૧૫-૧૬)

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.