આ વર્ષનાં મહારાષ્ટ્ર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિગમનાં પરિણામો ધ્યાનાકર્ષક, ચોંકાવનારાં અને વિચારપ્રેરક છે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ 500માંથી ૫૮૯ ગુણ મેળવ્યા છે. મહારાષ્ટ્રના લાતુર વિસ્તારના વિદ્યાર્થીઓએ વર્ષના પ્રારંભથી પેપરો લખી પરીક્ષામાં પુછાતા સંભવિત પ્રશ્નોના ઉત્તરી કંઠસ્થ કર્યા હતા. ગયા વર્ષના આવા થોડા વિદ્યાર્થીઓને ઈજનેરી કે દાકતરી ક્ષેત્રે પ્રવેશ મળ્યા પછી, પ્રશ્નો પુછાતા, જવાબ આવડતા પણ તેની પાછળના સિદ્ધાંતોની કે કાર્યકારણની સમજ નહોતી. આવી પરિસ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરતો એક ચિંતન પ્રેરક લેખ ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ની ૨૦જુલાઈ, ૨૦૦૦ની આવૃત્તિમાં છપાયો છે.

આજે ‘કોચીંગ ક્લાસ’ અને શાળા-કોલેજના શિક્ષણ વચ્ચે બહુ ભેદ રહ્યો નથી. બંને સ્થળે પરીક્ષા પસાર કરવાની પ્રવૃત્તિ અને મહત્તમ ગુણ મેળવવાની ચાવીઓ શીખવવામાં આવે છે. શિક્ષકને ચારિત્ર્ય સાથે કે વિદ્યાર્થીના વ્યક્તિત્વ-વિકાસ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ રહ્યો નથી. માબાપ પોતાના સંતાનનું નામ સતત ‘મેરીટ લિસ્ટ’માં ઝંખે છે અને કૉલેજ અને કોચીંગ -કલાસવાળા, પોતાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ‘ટોપ રેન્કર્સ’ બને તેની જ ચિંતા સદા સેવતા હોય છે. દશા તો જુઓ કૉલેજમાં ફી વધે તો માબાપ આંદોલન કરે છે, પણ તેઓ ટયૂશન માટે લખલૂંટ ખર્ચ કરવા તૈયાર છે. તો વળી કલાસવાળા પોતાના વિદ્યાર્થીઓ માટે પેપર ફોડવા જેવી અધમ કક્ષાએ જવા પણ તૈયાર છે. વક્રતાની સીમા તો ત્યાં છે કે, આ વરસે કોલ્હાપુરની એક વિદ્યાર્થિનીનો સિદ્ધિનો યશ મેળવવા મુંબઈના ‘ચાર્ટ’ કલાસવાળા અને કોલ્હાપુરની કૉલેજના પ્રાચાર્ય વચ્ચેની ચડભડ જાહેર નિવેદનબાજી સુધી પહોંચી. આમ શિક્ષણ હેતુલક્ષિતા ખોઈ બેઠું છે અને માત્ર ‘ટોપર્સ’ પેદા કરવાની ‘રેસ’ બની ગયું છે. આ વાત શોચનીય છે. આ વાત સાથે જ મહાન લેખક-ચિંતક એડલ હકસલેનું સ્મરણ થાય છે. માનવજાત યાંત્રિક ‘રોબોટ’ તો પેદા કરી ચૂકેલ છે, પણ હવે તો એ બીબાઢાળ બૌદ્ધિકો પેદા કરવાની સ્પર્ધામાં પડી છે. ‘જીનોમ’ના સંશોધન દ્વારા વકરેલા રાજકારણીઓ આવા એક સમાન બૌદ્ધિકો ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે તેવા દિવસો હવે બહુ દૂર નથી! આ સંજોગોમાં આપણે વ્યક્તિત્વ-વિકાસ અંગે વિચારવાનું છે.

વ્યક્તિત્વનો સામાન્ય અર્થ તો છે, કે એક વ્યક્તિની બીજી વ્યક્તિઓ ઉપર થતી અસર. આપણે બોલચાલની ભાષામાં કહીએ છીએ કે, ‘ઘણા બધા તેમનાથી પ્રભાવિત થાય છે, કારણ કે તેમનું વ્યક્તિત્વ વિશિષ્ટ છે.’ ‘કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ ડિક્ષનરી ઓફ ઈંગ્લીશ પ્રમાણે “તમે જે ચોક્કસ પ્રકારના વ્યક્તિ છો એ જ તમારું વ્યક્તિત્વ, તમે જે રીતે વર્તો છો, વિચારો છો અને લાગણીનો અનુભવ કરો છો તે દ્વારા વ્યક્તિત્વનું દર્શન કરો છો.’ ‘લોંગમેન ડિક્ષનરી કન્ટેમ્પરરી ઈંગ્લીશ’ અનુસાર ‘વ્યક્તિત્વ એટલે વ્યક્તિનું ચારિત્ર્ય કે તેની સંપૂર્ણ પ્રકૃતિ’ મનોવૈજ્ઞાનિકો કહે છે તે મુજબ, ‘વ્યક્તિના સ્વભાવ, વિચારસરણી, વૃત્તિઓ, લાગણીઓ, ટેવો, ચેષ્ટાઓ, રસ, ગમા-અણગમાઓ વગેરેનો સુવ્યસ્થિત મેળ એટલે વ્યક્તિત્વ.’ આમ, ઘણાં બધાં પાસાંઓનું સુસંયોજન વ્યક્તિત્વના ઘડતરમાં ભાગ ભજવે છે. કુટુંબની પ્રણાલિકા, માતાપિતા દ્વારા ઘડતર, તેમની વિચારસરણી, સ્વભાવ, ટેવો વગેરે પણ વ્યક્તિના વ્યક્તિત્વ પર અસર કરે છે. વૃત્તિઓ અને લાગણીઓ જન્મસહજ છે, પરંતુ વાતાવરણ દ્વારા તેને સાચી બાજુએ ઢાળી શકાય છે. ચેષ્ટાઓ, રસ, ગમા-અણગમામાં શેરી, બાળપણના ભેરુઓ અને શાળાનું વાતાવરણ મહત્ત્વનો ભાગ ભજવે છે.વળી સમય જતાં વ્યક્તિત્વ પરિવર્તન પણ પામે છે – એનું કોઈ કાયમી બંધારણ નથી. પરંતુ જન્મથી શરૂ કરી મરણ-પર્યંત સતત વ્યક્તિત્વ વિકસતું રહે છે. મોજશોખમાં વ્યસ્ત શંભાજીએ ધર્મપરિવર્તનની ના પાડી અને મૃત્યુને વહોરી લીધું તેથી તેમનું વ્યક્તિત્વ વધુ ઉજમાળું બન્યું.

વ્યક્તિત્વ માટે વપરાતા “Personality’ શબ્દનું મૂળ ‘Persona’માં છે. ગ્રીક નાટકોમાં અભિનય કરતી વખતે પહેરવામાં આવતા બુરખાને ‘Persona’ કહેતા. ઈ.સ. પૂર્વે ૧૦૦માં રોમન પાત્રોએ પણ આનો ઉપયોગ કરવા માંડ્યો. કહેવાય છે કે, એક લોકપ્રિય રોમન પાત્રે પોતાની આંખોની ખામી છુપાવવા માટે બુરખાનો ઉપયોગ કર્યો ત્યારથી આ શબ્દ પ્રચલિત બન્યો. આ સંદર્ભમાં જોઈએ તો વ્યક્તિત્વ એટલે જાતને છુપાવવી – બાહ્ય વર્તન મ્હોરું પહેરીને કરવું તે. અર્થાત્ ડૉક્ટર જેકિલ અને હાઈડની જેમ જીવવું.

વ્યક્તિત્વ છૂટાછવાયા કે એકબીજાથી તદ્દન જુદા-અલગ ગુણોનો સમૂહ નથી, પણ એકબીજા સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલા અને કાર્યકારણ સંબંધથી જોડાયેલા ગુણો અને વલણોનો એકમ છે. નિરક્ષર, અત્યંત ગરીબ પણ છતાંયે અંદરના ગુણોથી દીપતા સાને ગુરુજીનાં માતાએ, સાને ગુરુજીના વ્યક્તિત્વના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો એ વાત કેમ ભૂલી શકાય?

વ્યક્તિત્વ એ સંકુલ પ્રક્રિયા છે. તેના ઘડતરમાં અનેક પરિબળોનો ફાળો છે. ગુણોનો સરવાળો નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાથી ગુણોનું થતું સંમિશ્રણ છે. વ્યક્તિત્વમાં સ્વભાવ લક્ષણો, સામર્થ્ય, યોગ્યતાઓ, વિશ્વાસો કે માન્યતાઓ, વલણો અને મૂલ્યો, પ્રેરકો વગેરેના સમાયોજનની સ્વાભાવિક રીતોનો સમાવેશ થાય છે. માણસની પ્રેરણાત્મક વિવિધતાઓ જેમકે પ્રેરકોનું બળ, વૈફલ્યની સહિષ્ણુતા, જીવનધ્યેયો અને ભાવનાત્મક વિભિન્નતાઓ વ્યક્તિત્વ માટે અગત્યનાં છે- આવું પ્રવર્તમાન મનોવૈજ્ઞાનિકોનું વિશ્લેષણ છે. સફળ નેતાગીરી માટે તેઓ જે આવશ્યકતાઓ ગણાવે છે તેમાં નિષ્ફળતા વખતની પ્રતિક્રિયા અને નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાની તત્પરતા મહત્ત્વની છે. નેતાને માટે સફળતાનો યશ સાથીઓમાં વહેંચવો. અને અપયશની પોટલી જાતે ઉઠાવવી એ અત્યંત જરૂરી છે. ગાંધીજી જેવા વિરલ નેતા જ ૧૯૨૦ના અસહકારની લડતને સમેટી લેતાં ‘એ મારી હિમાલય જેવડી ભૂલ હતી’ એવું સ્પષ્ટીકરણ કરે છે. એથી જ મેઘાણીએ ગાયું છે કે, 

‘તારી સુખની મહેફિલમાં તું સૌને નોતરજે
પણ જમજે અશ્રુનો થાળ એકલો.’

અહીં અને આમાં જ વ્યક્તિત્વ માટે નૈતિકતાનું મૂલ્ય સમજાય છે. પોતાની જ નહીં, સાથીઓની નાનીમોટી ભૂલો માટે પણ ધર્માચાર્યો અને નેતાઓએ જાગૃતિ રાખવી રહી. ‘સિઝરની પત્ની શંકાથી પર હોવી જોઈએ.”

વ્યક્તિએ પોતે સમાજ તરફથી પ્રાપ્ત કરેલા સત્ય અને અસત્ય વિશેના એવા વિચારો જે મોટે ભાગે તેના સામાજિક સમૂહ પાસેથી શીખેલા હોય છે અને જે તેના આત્માના અવાજના સૂચક હોય છે. એક ઉદાહરણ જોઈએ : જલિયાંવાલા બાગમાં અત્યાચાર માટે જવાબદાર જનરલ ડાયરને ખતમ કરવાનું કામ ઉધમસિંહને સોંપ્યું હતું. ઈંગ્લેન્ડમાં ડાયર પર ગોળીબાર કરી તે બહાર ભાગવા જતા હતા ત્યાં તેના રસ્તામાં એક સન્નારી રસ્તો રોકીને ઊભા રહ્યા. આથી ઉધમસિંહે રિવોલ્વર ફેંકી દીધી અને પકડાઈ ગયા. ફાંસીની સજા પામેલા ઉધમસિંહને મળવા માટે, પેલાં અંગ્રેજ બાનુ જેલમાં ગયાં. પૂછ્યું, ‘તમે મારા પર ગોળી ચલાવીને કેમ ભાગી ન ગયા?’ પ્રત્યુત્તરમાં પૂર્વની સંસ્કૃતિ અને ઉધમસિંહનું વ્યક્તિત્વ ઉજાગર થતું હતું. તેણે કહ્યું, ‘મેડમ, અમારી સંસ્કૃતિ સ્ત્રીઓ, બાળકો અને નિઃસહાય પર ગોળી ચલાવવાની ના પાડે છે. એ કામ તો અંગ્રેજો જ કરી શકે ને?’

પશ્ચિમની સંસ્કૃતિ વ્યક્તિલક્ષી છે. વ્યક્તિ સતત પોતાના જ વિકાસનો વિચાર કરતી હોય છે. આપણી સંસ્કૃતિ સમૂહલક્ષી અને સમષ્ટિલક્ષી છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ બુદ્ધ અને મહાવીર ત્રીસ – ત્રીસ વર્ષ સુધી લોકોને ઉપદેશ આપે છે, સન્માર્ગ ચીંધે છે. પોતાને જ્ઞાન લાધી ગયું એટલે પૂર્ણવિરામ આવી ગયું, એમ તેઓ માનતા નથી. સમાજના ઉત્થાનને માટે સંતો, બૌદ્ધિકો અને નેતાઓ સતત ચિંતિત રહેતા. એ વ્યક્તિત્વના નૈતિકતાના પાયાને કારણે જ શક્ય બન્યું હતું.

ફરી એકવાર સમ પર આવીને વ્યક્તિત્વ એટલે શું એનો જવાબ મેળવીએ. વ્યક્તિત્વ એટલે માત્ર બાહ્ય દેખાવ, પોષાક, રીતભાત કે સમગ્ર વાતાવરણમાં ઊપસતી વ્યક્તિની છાપ? સ્વામી વિવેકાનંદની ઊંચાઈ, મુખના ભાવ પ્રથમ નજરે જ વ્યક્તિને પ્રભાવિત કરતા. તો બીજી બાજુ ઠાકુર કે ગાંધીજી દેખાવે આકર્ષક પણ ન હતા. લોકોને આંજી પણ ન નાખતા. લુઈ ફિશરે તો ગાંધી અને નહેરુના વ્યક્તિત્વની મૂલવણી આ રીતે કરી : નહેરુની પ્રતિભા સામી વ્યક્તિને આંજી નાખતી, સ્તબ્ધ કરી દેતી, જ્યારે ગાંધીજીની પ્રતિભા સામી વ્યક્તિના શુભ અંશોને ઉજાગર કરતી, માટે જ ગાંધીજીની આસપાસ અનેક પ્રકારના વ્યક્તિત્વવાળા માણસોનો મેળો જામતો. ગાંધીજી તો રાજાજી અને નહેરુ બંને પાસેથી કામ લઈ શકતા. ગાંધીજી પાસે નેતાઓની શક્તિઓનો સરવાળો થતો. ત્યારબાદ તો નેતાઓની શક્તિ સામસામે ટક્કર લેવા લાગી – આમ બાદબાકી થતી રહી.

આપણી પરંપરા મુજબ જાત અને જગતને ઉજ્જવળ બનાવતું જીવન જીવે તે સંત, તેની છાયામાં આવતાં જ મનને શાંતિ મળે અને હૃદયના વિકારો દબાઈ જાય. સંતનું આવું વ્યક્તિત્વ અપેક્ષિત હતું. કહે છે કે, રમણ મહર્ષિ પાસે જનાર વ્યક્તિને વગર બોલ્યે સમસ્યાઓનું સમાધાન મળી જતું. આપણે ત્યાં સંત પોતાની જાતના વિકાસ માટે તો સતત મથતા જ, પણ આસપાસના જગતને પણ ઊર્ધ્વગામી બનાવતા. જ્યારે આજની પશ્ચિમની સંસ્કૃતિમાં એકબીજાને ભોગે આગળ વધવાની સ્પર્ધા જામી છે. આપણે ત્યાં એકબીજાની સાથે આગળ વધવાની વાત હતી : સહવીર્યં કરવા વહૈ।

ડૉક્ટર વકીલ માંદો પડે તેની રાહ જુએ છે અને વકીલ ડૉક્ટર કેસમાં સપડાઈ તેની પ્રતીક્ષા કરે છે. ઘણીવાર કહેવાયેલી, વાત છે કે, આજની કેળવણી ‘ઈન્ટલેક્ચ્યુઅલ જાયન્ટ્સ’ પેદા કરે છે, પણ તે સુસંસ્કૃત જંગલીઓ જ. વ્યક્તિત્વના વિકાસનો અંતિમ મૂલાધાર તો આધ્યાત્મિક વિકાસ જ હોઈ શકે. જેમ-જેમ વિજ્ઞાન વિકસતું જાય છે, સૃષ્ટિની સમજણ સ્પષ્ટ થતી જાય છે તેમ-તેમ અગ્રિમ પંક્તિના વૈજ્ઞાનિકો વધારે ને વધારે અધ્યાત્મની નજીક જાય છે. આઈન્સ્ટાઈન કે કોપનહેગન અંતિમ દિવસોમાં તો અધ્યાત્મલક્ષી વાતોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા. આ જ વાત સ્વામીજીએ એક સદી પહેલાં કહી હતી. સ્વામી વિવેકાનંદના કહેવા પ્રમાણે, પોતાની ભીતરની દિવ્યતા પરની શ્રદ્ધા વ્યક્તિત્વ વિકાસનો મુખ્ય આધારસ્થંભ છે. પ્રથમ આત્મશ્રદ્ધા અને પછી આવે છે ઈશ્વર-શ્રદ્ધા, જો કોઈ મનુષ્ય દૃઢપણે એમ માને કે, પોતે આત્મસ્વરૂપ છે, નહીં કે દેહ-મન, તો એ પોતાનાં દૃઢ ચારિત્ર્ય દ્વારા સાચી વ્યક્તિ બની શકે છે.

બીજી વાત છે વિધેયાત્મક વિચારો-નિરંતર પવિત્ર વિચારો કરતાં રહેવું. નબળા સંસ્કારોને દબાવવાનો એક માત્ર રસ્તો છે સત્કર્મ કર્યે જ જાઓ. તમે જે સાચું/શુભ માન્યું હોય તે તુરત જ કરવા લાગો. સ્વામીજી કહે છે કે, પોતાની જાતને વ્યક્તિએ શા માટે નિર્બળ માનવી જોઈએ? ભવિષ્યમાં શું થવાનું છે તેની જ જે ગણતરી કર્યા કરે તે કદી કશું સિદ્ધ કરી શકતો નથી. આપણે જે છીએ એને માટે આપણે જ જવાબદાર છીએ. જે થવાની ઈચ્છા હોય તે શક્તિ આપણામાં જ રહેલ છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો – સબળ કે દુર્બળ, પવિત્ર-અપવિત્ર, સર્વજ્ઞ સર્વ શક્તિમાન. કવિ રાજેન્દ્ર શાહ તો કહે છે કે –

આપણા ઘડવૈયા બાંધવ! આપણે.
પંડની પેટીમાં પારસ છે પડ્યો,
ફૂટેલાં ફૂટે છે કરમ જી.
વાવરી જાણે તે બડભાગિયો,
ઝળહળ એનાં રે ભવન જી.

– અમેરિકન ચિંતકનો ‘સિદ્ધિ પ્રેરણા’ (એચિવમેન્ટ મોટીવેશન)નો ખ્યાલ આ જ વાત તરફનો સંકેત કરે છે. જ્યારે વિવેકાનંદે તો એટલે સુધી કહ્યું કે, ‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્માને પ્રગટ કરવો.’

આપણાં શાસ્ત્રોની કલ્પના મુજબ તો વ્યક્તિમત્તા અત્યંત પારદર્શક હોવી જોઈએ. વાણી, વિચાર અને વર્તન વચ્ચે એકસૂત્રતા હોવાં જોઈએ. જેવા વિચાર તેવી જ વાણી, તેને સુસંગત વર્તન. સત્યની કસોટીએ ચડીને ખુવાર થનારા અનેકનાં દૃષ્ટાંતો આપણે ત્યાં છે. સાચું વ્યક્તિત્વ કોને ગણવું? જવાબ એ છે કે, જે વ્યક્તિની હાજરી જ વાતાવરણને પ્રફુલ્લિત કરે, ઊર્ધ્વગામી વિચારોનો પમરાટ ફેલાવે અને વિકારોને ભગાડે. વિજ્ઞાનને જો અધ્યાત્મનો પુટ નહીં મળે તો વિજ્ઞાન સર્વનાશના માર્ગે જ લઈ જશે. માનવીને વિવેક આ અધ્યાત્મ જ આપશે. વિવેક વિનાનું વ્યક્તિત્વ ‘મહોરું’ બની જશે.

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.