સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જગતના ક્લ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છેઃ ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું : ‘દ્રરિદ્રદેવો ભવ’, ‘મૂર્ખદેવો ભવ’, ગરીબ, અભણને, અજ્ઞાનીને, દુઃખીને ઈશ્વર માનો. આવા લોકોની સેવા એ જ પરમ ધર્મ છે.’

શ્રીરામકૃષ્ણદેવ પાસેથી ‘શિવજ્ઞાને જીવસેવા’નો પરમ આદર્શ-સેવામંત્ર મેળવીને સ્વામી વિવેકાનંદ અત્યાર સુધી ગુફામાં રહેલા ધર્મ અને સંન્યાસીઓને બહાર લાવીને માનવસેવા એજ સાચી પ્રભુપૂજાનો મંત્ર આપીને નિષ્કામભાવની સેવાની એક અનોખી જવાબદારી એમના સંન્યાસી મિત્રોના ખભે એમણે નાખી દીધી. માનવસેવાના ઉદ્દેશને નજર સામે રાખીને માનવી ભૌતિક કલ્યાણ સાથે આધ્યાત્મિક કલ્યાણ સાધી શકે, પ્રેયશ્રેયનો સાધક બનીને સર્વસેવામાં લાગી જાય એ હેતુથી ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ’ એ બેવડા ઉદ્દેશ સાથે રામકૃષ્ણ મિશનનું સેવાકાર્ય શરૂ થયું.

‘છે કામના એક ખપી જવાની, પીડિતનાં દુઃખ નિવારવામાં’ – ની લગની લગાડીને શ્રીરામકૃષ્ણ મઠ-મિશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, કૃષિવિકાસ, વ્યવસાયવિકાસ, ગ્રામવિકાસ, આદિવાસીવિકાસ સેવાયોજના અને આગ, દુષ્કાળ, વાવાઝોડાં, પૂર, ધરતીકંપ જેવી કુદરતી આફતોના સમયે થતી વિવિધ સેવાઓનું અનન્ય સંચાલન થાય છે.

કુદરતી આફતગ્રસ્ત લોકોની રાહતસેવા

શ્રીરામકૃષ્ણ મઠ-મિશન દ્વારા સમગ્ર ભારતવર્ષમાં તેમજ બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશોમાં કુદરતી આફતથી પીડાતા લોકો માટે અનેકવિધ રાહતસેવા કાર્યો અને પુનર્વસવાટ સેવાકાર્યો થયાં છે. એમાંથી બે મહત્ત્વના અને વિશાળ પાયે હાથ ધરાયેલ સેવાકાર્યો ઉલ્લેખ અહીં કરીશુંઃ

(૧) લાતુર (મહારાષ્ટ્ર) ધરતીકંપ રાહત અને પુનર્વસવાટ સેવાકલ્યાણકાર્ય :

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ૧૯૯૩ના ધરતીકંપે આજુબાજુના વિસ્તારમાં મહાવિનાશ સર્જ્યો હતો. શ્રીરામકૃષ્ણ મઠ, મુંબઈ અને રાજકોટના સંન્યાસીઓએ ત્યાં પહોંચીને લીંબાલા, ઇરેગાંવ, જવલગાંવ, બાણુગાંવ,વેગાંવ, મોંગકલ ગામોમાં ઘઉં, જુવાર, ચોખા, દાળ, ગોળ, કપડાં, ધાબળા, સ્ટવ વગેરે જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ સેવાકાર્ય પૂરું થયા પછી ઔસા તાલુકાના સંપૂર્ણપણે નાશ પામેલા હરેગાંવનું પુનર્નિર્માણ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. રજી મે, ૧૯૯૫ના રોજ ધરતીકંપનો સામનો કરી શકે તેવાં પુનર્નિર્માણ કરેલાં ૪૨૩ મકાનો મુંબઈ સમાચાર લિ.ના ડાયરેક્ટર શ્રી મહેલી કામાના વરદ્‌હસ્તે અસરગ્રસ્તોને સોંપવામાં આવ્યાં. પિયરલેંસ, કલકત્તાના મૅનૅજિંગ ડિરેક્ટર શ્રી સલિલ દત્તાના વરદ્‌હસ્તે કૉમ્યુનિટિ હૉલ, સમાજમંદિરનો ઉદ્‌ઘાટનવિધિ સંપન્ન થયો. ઍક્સલ ઈન્ડસ્ટ્રિઝ, મુંબઈના મૅનૅજિંગ ડિરેક્ટર શ્રી કે. સી. શ્રોફે નવા બંધાયેલ વિવેકાનંદ વિદ્યાલયનાં મકાનોનું ઉદ્‌ઘાટન કર્યું હતું. લગભગ ૫ કરોડ રૂપિયાના ખર્ચે રામકૃષ્ણ મિશન દ્વારા લાતુર જિલ્લાના હરેગાંવ, ઝવલગાંવ અને કવાલી ગામોના કુલ ૬૪૬ પરિવારો માટે ૨૦૦ ચો.ફૂટ ક્ષેત્રફળ ધરાવતાં બધી સુવિધાઓ સાથેનાં ધરતીકંપનો સામનો કરી શકે નવાં ૪૬ પાકાં મકાનો તેમજ ત્રણેય ગામો માટે એક એક શાળાસંકુલ, સમાજમંદિરભવન, અને બબ્બે બબ્બે બાળક્રીડાંગણ પણ બનાવવામાં આવ્યાં છે. આ પ્રકલ્પ હેઠળ આશરે રૂ.પ કરોડનો ખર્ચ થયો છે.

(૨) ઓરિસ્સામાં ફૂંકાયેલા મહાચક્રવાતથી પીડિત લોકો માટે થયેલ રાહતસેવા અને પુનર્વસવાટ સેવાકાર્ય :

૨૯ ઓક્ટોબર ૧૯૯૯ના રોજ ઓરિસ્સા પર આ સદીએ ન જોયેલા મહાવિનાશક વાવાઝોડાંએ અને દરિયાનાં ઊછળતાં મોજાંઓએ મહાવિનાશ સર્જ્યો હતો, એમાંય થયેલી અતિવૃષ્ટિએ લોકોના જીવનમાં દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિ સર્જી, આને કારણે ઓરિસ્સાના ૩૦ જિલ્લામાંથી ૧૪ જિલ્લા તારાજ થયા અને હજારો માણસો તેમજ અસંખ્ય પશુધનનો નાશ થયો. ઊભા પાક, ઘરમકાનો અને અન્ય ભૌતિક સંપત્તિઓના વિનાશને કારણે કરોડો લોકો પર મહાન આપત્તિ આવી પડી. રામકૃષ્ણ મિશને પોતાની પ્રણાલી પ્રમાણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કપડાં, રાંધેલાં અનાજ, ધાબળા, કાચું અનાજ, રાંધવાનાં વાસણો, પ્લાસ્ટિક શીટ અને બીજી અનેક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કાર્ય કર્યું. આ પ્રાથમિક રાહતસેવા પાછળ ૧.૫ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ઓરિસ્સાના જગતસિંઘપુર, કેન્દ્રપાડા, ભદ્રાક, કટક, જાજપુર, ખુદા અને પુરી જિલ્લાના ૧૦,૦૦૦ જેટલાં કુટુંબોને આ સહાય પહોંચાડવામાં આવી હતી.

પ્રાથમિક રાહતોવા કાર્ય પૂરું કરીને ૨૦ ડિસેમ્બર ‘૯૯ની આજુબાજુ દરિયાથી ૩-૪ કિલોમીટર દૂર આવેલા એરસામા તાલુકાના કુંજકુઠી ગ્રામપંચાયતનાં સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારજનો માટે પુનર્વસવાટ સેવાકાર્ય હાથ ધરવાનું નક્કી થયું. એ માટે કાનાગુલી ગામની પસંદગી કરવામાં આવી. પરવાનગી માટે ઓરિસ્સા સરકારની મુલાકાત લેવામાં આવી અને કાનાગુલી ગામના એક મંદિરમાં પુનર્વસવાટ કાર્યક્રેમ્પ શરૂ થયો, ગ્રામ્યજનો સાથે અનેક સભામિલનો યોજાયાં અને આ કાર્યને સારી રીતે પાર પાડવા માટે કાર્યયોજના ઘડી કાઢવામાં આવી. આ પુનર્વસવાટ કાર્યયોજનાનાં પાંચ પાસાં છે : ૧. મકાનોનું ફરીથી બાંધકામ ૨. સેનિટેશન ૩. વિદ્યાલય તેમજ વાવાઝોડા આશ્રયકેન્દ્રનું બાંધકામ ૪. કૃષિવિકાસ યોજના ૫. પીવાના પાણી માટે ટ્યુબવેલ બનાવવા.

રામકૃષ્ણ મિશન, શિલ્પમંદિર પૉલિટૅકનિકના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ આ વિસ્તારનાં સર્વે, બાંધકામ અને સ્ટ્રકચરલ ડિઝાઈન તેમજ નકશાઓ તૈયાર કરવામાં ઘણી સહાય કરી છે. રામકૃષ્ણ મિશન, લોકશિક્ષા પરિષદ નરેન્દ્રપુરની એક ટુકડીએ આ ગામના લોકોનો સામાજિક આર્થિક સર્વે પણ કર્યો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ફૉર ઍગ્રિકલ્ચરલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટુકડીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને આ વિસ્તારમાં કૃષિસુધારણા અને કૃષિવિકાસ માટે મહત્ત્વનાં સૂચનો કર્યાં હતાં. આંધ્રપ્રદેશ સરકારે હેમરેડિયો સર્વિસની સેવાઓ ઉપલબ્ધ કરી આપી છે. ૨૮મી એપ્રિલ, ૨૦૦૦ના રોજ ઓરિસ્સાના સન્માનીય મુખ્યમંત્રી શ્રીએ ૨૫૦ ચો.ફૂટના જાજરૂ વગેરેની સુવિધા સાથેના એક ‘મોડેલ હાઉસ’નો ઉદ્‌ઘાટનવિધિ કર્યો હતો. તેમજ એમના વરદ્હસ્તે વિદ્યાલય કમ વાવાઝોડા આશ્રય ભવનનાં મકાનનો શિલાન્યાસ થયો હતો. આ પુનર્વસવાટ કાર્યના પ્રથમ તબક્કામાં ૧૧૨ મકાનોનું બાંધકામ હાથ ધરાયું છે. માધ્યમિક શાળા તથા વાવાઝોડા આશ્રય કેન્દ્રનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. ૬૦૦ ફૂટ ઊંડાઈવાળા બે ટ્યુબવેલનું કામ પૂરું થયું છે. પુરી જિલ્લાના કોટગ ગામમાં ૧૨,૦૦૦ ચો.ફૂટ ક્ષેત્રફળવાળી એક શાળા કમ વાવાઝોડા આશ્રય કેન્દ્રનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આ સમગ્ર પ્રકલ્પ હેઠળ ૩.૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

આરોગ્યચિકિત્સા સેવાકાર્ય

શ્રીરામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન

શ્રીરામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવનનો ‘માનવસેવા એજ પ્રભુપૂજા’ના આદર્શને ધ્યાનમાં રાખીને કેટલાંક સ્થાનિક સગૃહસ્થોના પ્રયાસોથી નાના એવા હોમિયોપથી-દવાખાનાથી ૧૯૦૭માં પ્રારંભ થયો. એ જ વર્ષે ૪ પથારીવાળી એલોપથી હૉસ્પિટલ શરૂ થઈ. ૧૨ જાન્યુઆરી, ૧૯૦૮ના રોજ આ હૉસ્પિટલની સમગ્ર વ્યવસ્થા રામકૃષ્ણ મિશને સંભાળી લીધી. આમ એક નાના દવાખાનાથી શરૂ થયેલી આ હૉસ્પિટલમાં આજે ૧૫૧ પથારીની સુવિધા છે. આ હૉસ્પિટલમાં જનરલ સર્જરી, નેત્રચિકિત્સા, કાન-ગળા નાકનાં દર્દીની સેવા, દંતચિકિત્સા, બાળરોગચિકિત્સા, સ્ત્રીરોગ ચિકિત્સા સેવા ઉપરાંત પેથોલોજી, અલ્ટ્રાસોનોગ્રાફી, એકસરે, ઈ.સી.જી., જનરલ મેડિસિન, હોમિયોપથી અને આયુર્વેદિક સેવા પ્રાપ્ય છે. મથુરા-વૃંદાવનની પવિત્રભૂમિની યાત્રાએ 

આવતા અસંખ્ય યાત્રાળુઓ અને આજુબાજુના વિસ્તારના લોકોને આ હૉસ્પિટલની સેવાનો લાભ મળે છે. ૧૯૬૨માં અત્યારના સ્થાને બંધાયેલી નવી હૉસ્પિટલના મકાનનું ઉદ્‌ઘાટન આપણા સન્માનીય વડાપ્રધાનશ્રી પંડિત જવાહરલાલ નહેરૂના વરહસ્તે અને રામકૃષ્ણ મઠ-મિશનના દસમા ૫૨માધ્યક્ષ શ્રીમદ્ સ્વામી મહારાજની નિશ્રામાં થયું હતું.

આ સેવાશ્રમની વિશિષ્ટતા એ છે કે, અહીં બધી સેવાઓ વિનામૂલ્યે અપાય છે. તેમજ આ સંસ્થાનું મોબાઈલ મેડિકલ યુનિટ પલ્લીમંગલ યોજના હેઠળ દૂરસુદૂરના ગ્રામ્ય વિસ્તારોના લોકોને વિનામૂલ્યે સેવાઓ આપે છે. સ્વામી વિવેકાનંદની આ હૃદયેચ્છા હતી કે રોગીઓને નારાયણ ગણીને એમની નિસ્વાર્થ સેવા કરવી. રાજ્ય કે કેન્દ્ર સરકારની કોઈપણ સહાય લીધા વિના આ સંસ્થા પવિત્ર સેવાનું મિશનકાર્ય કરે છે.

સેવાશ્રમની પ્રવૃત્તિઓ :

બે અત્યંત આધુનિક અને સાધનસુવિધાથી સજ્જ ઓપરેશન થિયેટરમાં ઓપરેશનવિધિ થાય છે. તેમજ કાન-ગળા-નાક, હાડકાંના રોગો, સ્ત્રીરોગો, સુવાવડ વગેરે કાર્યો તેમાં થાય છે. આધુનિક સાધનસુવિધાવાળા ફિજીયોથેરાપી કેન્દ્રમાં ઘણાં દર્દીઓ સારવાર લે છે. હૃદયરોગના નિષ્ણાતો હૃદયરોગના દર્દીઓની વિવિધ માંદગીમાં સારવાર આપે છે. આ ચિકિત્સાસેવા ૧૦૦% નિઃશુલ્ક સેવાઓ છે.

આયુર્વેદ અને હોમિયોપથી વિભાગ આ બંને વિભાગોમાં જૂનાં હઠીલાં દર્દના દર્દીઓ અને મોટી ઉંમરના લોકો આ નિઃશુલ્ક સેવાનો લાભ લે છે.

દૃશ્ય-શ્રાવ્ય સાધનો દ્વારા આરોગ્ય શિક્ષણ તાલીમ : દર્દીઓ અને કર્મચારીઓને આરોગ્યની તાલીમ અને આરોગ્યનું શિક્ષણ મળી રહે તે માટે નિયમિત રીતે ૧૬ એમ.એમ.ના પ્રોજેક્ટર દ્વારા અને વિડિયો પ્રોજેક્ટર દ્વારા આરોગ્ય વિષયક દૃશ્ય-શ્રાવ્ય શિક્ષણના કાર્યક્રમો યોજાય છે? ક્લોઝ-સર્કીટ વિડિયો દ્વારા વિવિધ વિષયો ઉપર ફિલ્મનિદર્શન બતાવવામાં આવે છે. એ દ્વારા આરોગ્ય-તંદુરસ્તી અને રોગો અને તેના ઈલાજો વિષે લોકોને માહિતી સાંપડે છે. દાક્તરી વિજ્ઞાનનાં પુસ્તકો અને સામાયિકો પણ મગાવવામાં આવે છે.

પલ્લીમંગલ યોજના મથુરા જિલ્લાના વિવિધ ગામડાંમાં અમારા મોબાઈલ મેડિકલ સર્વિસના વાહન દ્વારા સ્વયંસેવકો, કાર્યકરો, પરિચારિકાઓ, ડોક્ટરોની ટુકડી સાથે જાય છે અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના આરોગ્યની સંભાળ રાખે છે.

નર્સિંગ સ્કૂલ : ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ઉત્તરપ્રદેશ મેડિકલ ફેકલ્ટી દ્વારા માન્ય એવા આ અભ્યાસક્રમમાં ધો. ૧૦+૨માં વિજ્ઞાનપ્રવાહમાં ૬૦% જેટલા માર્ક મેળવનાર ગરીબવર્ગની બહેનોને ત્રણ વર્ષની તાલીમ દ્વારા જનરલ નર્સિંગ અને મિડવાઈફરી ડિપ્લોમાનું શિક્ષણ આપવામાં આવે છે. ઉપર્યુક્ત તાલીમ ઉપરાંત શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય એવું વાતાવરણ અહીં મળી રહે છે.

રાહત સેવા કલ્યાણ પ્રવૃત્તિઓ : રક્તપિત્તથી પીડાતા કુટુંબોમાં ગરીબ વિધવાઓ અને વિદ્યાર્થીઓને રાંધેલું અનાજ, કાચું અનાજ, કપડાંવાસણ, સાબુ, તેલ, કેરોસીન, બુટચપ્પલ અને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. સેવાશ્રમની અડોઅડ આવેલા વિસ્તારના લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. અહીં સાધુ-સંન્યાસીઓ અને વૈષ્ણવો માટે અને આધ્યાત્મિક સાધનાની વ્યવસ્થા જૂના સેવાશ્રમ કેમ્પમાં છે.

ડેરી અને કૃષિવિષયક સેવા : સેવાશ્રમના બધા દર્દીઓ અને અંતેવાસીઓને તાજું અને શુદ્ધ દૂધ મળી રહે તે માટે સંસ્થાની પોતાની ડેરી છે. આજુબાજુની જમીન પર ગાયો માટેનો ઘાસચારો ઉગાડવામાં આવે છે. અનાજ અને રાયડાનું વાવેતર પણ થાય છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, પુસ્તકાલય સેવા અને અનૌપચારિક શિક્ષણ કેન્દ્ર તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

અનાથ બાળકોનું અનન્ય શિક્ષણધામ
રહરા (પ. બંગાળ)નું ભારતનું સર્વશ્રેષ્ઠ અનાથાશ્રમ

બંગાળના ૧૯૪૨-૪૩ના ભયંકર દુષ્કાળમાં અનાથ બનેલાં ૩૭ અનાથ બાળકો સાથે ૧૯૪૪માં આ અનાથાલયનો પ્રારંભ થયો. આ અનાથાલયના વિકાસ અને સ્થાપના માટે સતિષચંદ્ર મુખરજી અને એમના પરિવારજનો, નિર્મળ ડે, શ્રી માયામય મિત્રા, ઉપાદા મુખરજી વગેરે સદ્‌ગૃહસ્થોનો હાર્દિક સહકાર સાંપડ્યો હતો. રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી પુણ્યાનંદજી મહારાજ આ સંસ્થાના પ્રથમ સૅક્રેટરી બન્યા. ૧૬ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રેટરી શ્રીમદ્ સ્વામી માધવાનંદ મહારાજના વરદ્હસ્તે આ સંસ્થાનું મંગળ ઉદ્‌ઘાટન થયું. આ સંસ્થા ઉત્તર કલકત્તાથી ૨૨ કિલોમીટર દૂર પૂર્વ રેલ્વેના સ્યાલદા-રાણાઘાટ રેલ્વે લાઈન પરના ખડદા રેલ્વે સ્ટેશનની પૂર્વ બાજુએ આવેલ રહરામાં છે. અહીં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક કાર્યક્રમો યોજાય છે. શ્રીરામકૃષ્ણ મંદિરમાં વિવિધ ઉત્સવો, પયંગરોના જન્મદિનની ઉજવણી થાય છે. અહીં રહેતા વિદ્યાર્થીઓમાં જાતિ-પાંતિ કે ધર્મ-સંપ્રદાયની સંકુચિતતા ન પ્રવેશે અને વહેમોથી દૂર રહે તેમજ સર્વધર્મમાં શ્રદ્ધા રાખતા બને તેવું શિક્ષણ અપાય છે. આ સંસ્થાનો ઉદ્દેશ માત્ર અનાથ બાળકોને પુખ્તવયના બને ત્યાં સુધી તેમને આશ્રય આપવો એ જ નથી, પરંતુ તેઓ તંદુરસ્ત દેહમનવાળા, દૃઢ નૈતિક મનોબળવાળા, રાષ્ટ્ર માટે સન્માન અને અનન્ય દેશદાઝની લાગણી ધરાવનારા, સ્વયંશિસ્તવાળા, ધૈર્ય અને ખંતવાળા, દેશની આધ્યાત્મિક સંસ્કૃતિના ભવ્ય વારસાને ચાહનારા અને સન્માન કરનારા નાગરિકો તરીકે વિકસે તેવા પ્રયાસો અહીં થાય છે. અહીં ચારિત્ર્યનિર્માણ અને માનવઘડતરના આદર્શથી શિક્ષણ અપાય છે. સવારમાં પ વાગે ઊઠીને પોતપોતાનાં દૈનંદીન કાર્યો- પ્રાર્થના, અભ્યાસ,શાળા, રમતગમત, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, ભોજન, શયન સુધીની એક ચોક્કસ અને શિસ્તબદ્ધ પ્રણાલીનું ચૂસ્તપણે પાલન થાય છે. સફાઈ, બાગકામ જેવી પ્રવૃત્તિઓ પણ કરવાની રહે છે. વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવવા માટે પ્રોત્સાહક સુવિધાઓ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ- રમતગમત, નાટ્યાભિનય, વકૃત્વ, પરિચર્ચા, પરિસંવાદ, કંઠ્ય અને વાઘ સંગીતની તાલીમ આપતી પ્રવૃત્તિઓ યોજાય છે. સીવણકામ, સુથારીકામ, બેકરી, પ્રિન્ટીંગ, બૂકબાઈન્ડીંગ અને વિદ્યુતનાં સાધનોનું સમારકામ તથા વિદ્યુતકામની તાલીમ આપવામાં આવે છે. ઈલેક્ટ્રોનિક્સની તાલીમનો પણ અભ્યાસક્રમ પણ ચાલુ થયો છે. જેનાથી ટી.વી., રેડિયો અને કેસેટપ્લેયરના રીપેરીંગની કુશળતા તેઓ કેળવી શકે છે.

સ્વામી પુણ્યાનંદજી મહારાજના અને એમના સાથી સંન્યાસીઓ તેમજ સેવાને વરેલા કાર્યકરોના અથાક પ્રયત્નોથી ૧૯૪૪માં શરૂ થયેલ આ સંસ્થાએ એક દસકામાં ઘણો સારો વિકાસ સાધ્યો હતો. ૧૯૯૮માં આ સંસ્થાના છાત્રોની સંખ્યા ૬૦૦ હતી. પ્રારંભથી માંડીને અત્યાર સુધીમાં ૬,૬૪૫ વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા અને ૬,૦૪૫ વિદ્યાર્થીઓ આ આશ્રમજીવન ગાળીને પોતપોતાનાં ક્ષેત્રમાં સ્થિર બન્યા છે.

જુનિયર બેઝીક સ્કૂલ : ૧૯૪૪થી આ સંસ્થાને પ્રાથમિક શાળા હતી. બુનિયાદી શિક્ષણ પદ્ધતિ અનુસાર ધો. ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે આ શાળાની વ્યવસ્થા છે. અભ્યાસવર્ગો, ‘મુકુલિકા’ નામનું શાળાનું મેગેઝીન અને અન્ય સહાભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજનનો લાભ કુલ ૧૦૨૦ વિદ્યાર્થીઓને છે જેમાં આદિવાસી અને અનાથ બાળકોની સંખ્યા ૨૬૧ છે. આદિવાસી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણનો લાભ મળે છે. માટીકામ, ગાર્ડનીંગની તાલીમ અપાય છે. ફાઈન આર્ટસ, સંગીત, નૃત્ય અને નાટ્યાભિનયનું શિક્ષણ સિદ્ધહસ્ત શિક્ષકો દ્વારા મળે છે.

જુનિયર હાઈસ્કૂલ : સિનિયર બેઝીક સ્કૂલ તરીકે ચાલુ થયેલ આ શાળા ૧૯૭૦થી રામકૃષ્ણ મિશન બોય્‌ઝ હોમ જુનિયર સ્કૂલના નામે ધો. ૬, ૭, ૮ના વર્ગો ચલાવે છે. ખેતીવાડી, ચિત્રકામ, ઈલેક્ટ્રિકલ રિપેરીંગ, વૂડવર્કના શિક્ષણ સાથે રમતગમત, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, મુખપાઠ, ગીત સંગીત, નાટક, પરિસંવાદ, પરિચર્ચા અને વાદ્યસંગીતના કાર્યક્રમો યોજાય છે. આ શાળાનું ‘નિર્માલય’ નામનું સામયિક ઘણું જાણીતું બન્યું છે. કુલ ૪૯૬ વિદ્યાર્થીઓમાંથી ૧૩૭ વિદ્યાર્થીઓ અનાથ, આદિવાસી વર્ગના છે.

હાઈસ્કૂલ : ૧૯૪૯માં કલકત્તા યુનિવર્સિટીની માન્યતાવાળી આ શાળામાં ધો. ૧૧ અને અત્યારે ધો. ૧૦ સુધીનું શિક્ષણ અપાય છે. આ ઉપરાંત ૧૯૫૭થી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિવિધલક્ષી શાળા તરીકે અપાય છે. આ શાળામાં ચાર પ્રવાહી છેઃ હ્યુમેનિટિઝ, વિજ્ઞાન, ટેકનિકલ અને કોમર્સ. આ શાળા પશ્ચિમ બંગાળની શ્રેષ્ઠ શાળા બની છે. શાળાનાં પરિણામો ઉજ્જવળતર રહ્યાં છે. ૧૯૬૩માં ભારત સરકારે આ શાળાને મોડેલ મલ્ટિપરપઝ સ્કૂલ તરીકે પસંદ કરી છે. કુલ ૭૬૩ વિદ્યાર્થીઓ પૈકી ૧૪૪ વિદ્યાર્થીઓ અનાથ અને આદિવાસી વર્ગના છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓ ‘ઉત્તિષ્ઠ’ નામનું સામયિક પણ બહાર પાડે છે. શાળામાં સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, સાધનસજ્જ પ્રયોગશાળાઓ, વર્કશોપ, સમૃદ્ધ પુસ્તકાલય, વિશાળ વાચનખંડ વગેરે સુવિધાઓ મળે છે.

જુનિયર ટેકનિકલ સ્કૂલ : ૧૯૫૭થી સ્થપાયેલી આ સંસ્થા એક ઘણું મહત્ત્વનું એકમ છે. ૧૯૯૦ પહેલાં ત્રણ વર્ષના જુદા જુદા એન્જિનિયરીંગ ટ્રેડ્સ ધો. ૮ પછીના જુનિયર ડિપ્લોમા ઈન એન્જિનિયરીંગના અભ્યાસક્રમરૂપે શિક્ષણ અપાતું હતું. ૧૯૯૦થી ૩ નવા અભ્યાસક્રમો : બે વર્ષનો ટર્નિંગનો ધો. ૧૦ પછીનો અભ્યાસક્રમ, બે વર્ષનો વિદ્યુતવિદ્યાનો ધો. ૧૦ પછીનો અભ્યાસક્રમ, એક વર્ષનો વેલ્ડિંગનો ધો. ૮ પછીનો અભ્યાસક્રમ ચાલે છે. હાલ ૪૩ વિદ્યાર્થીઓ એનો લાભ લે છે.

હાયર સેકન્ડરી વોકેશનલ ઈન્સ્ટિટ્યુટ : ઉચ્ચત્તર માધ્યમિકના ટેકનિકલ સ્ટ્રીમ હેઠળ, ૧૯૭૬-૭૭થી આ સંસ્થા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓને-મિકેનિકલ સર્વિસિંગ એન્ડ મેઈન્ટેનન્સ,ઈલેક્ટ્રિકલ સર્વિસિંગ એન્ડ મેઈન્ટેનન્સ, ઑટોમોબાઈલ સર્વિસિંગ એન્ડ મેઈન્ટેનન્સનું શિક્ષણ અપાય છે. આ સંસ્થાના કુલ ૧૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૨૧ અનુસૂચિતજાતિના વિદ્યાર્થીઓ છે.

પ્રાઈમરી ટિચર્સ ટ્રેઈનિંગ ઈન્સ્ટિીટ્યુટ : ૧૯૫૭માં જુનિયર બેઝીક ટ્રેઈનિંગ કૉલેજ તરીકે ચાલુ થયેલું ૧૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકતી આ સંસ્થા એક વર્ષનો અભ્યાસક્રમ આપે છે. આ અભ્યાસક્રમ પછી પાઠાર્થીઓ પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી મેળવી શકે છે.

બ્રહ્માનંદ, પોસ્ટ ગ્રેજ્યુએટ બેઝીક ટ્રેઈનિંગ કૉલેજ : ૧૯૬૧માં સ્થપાયેલી આ સંસ્થામાં ૧૨૦ વિદ્યાર્થીઓ માટે ૧ વર્ષનો અભ્યાસક્રમ છે. પાઠ્યક્રમ ઉપરાંત સાબુ, ફિનાઈલ, શાહી બનાવવી; ખેતીવાડી, વૂડવર્ક, સીવણ, ઈલેક્ટ્રિકલ ટૅકનોલોજી, કલા અને ડાઈંગ-ડિઝાઈનિંગની તાલીમ પણ અપાય છે. આ અભ્યાસક્રમ બી.એડ. સમકક્ષ છે.

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ સેન્ટેનરી કૉલેજ : સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિની સ્મૃતિરૂપે ૧૯૬૩ના જુલાઈમાં શરૂ થયેલી આ સંસ્થાનો શિલાન્યાસવિધિ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદ મહારાજના વરદ હસ્તે થયો હતો. આ સંસ્થાના વડા રામકૃષ્ણ સંઘના સંન્યાસી રહે છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર અને જીવશાસ્ત્રના અભ્યાસક્રમો ચાલે છે. ૧૯૭૭થી આ સંસ્થા સાથે ઉચ્ચતર માધ્યમિક વિભાગનો વિજ્ઞાનપ્રવાહ પણ ચાલે છે. નવો અને સૌથી વધુ આકર્ષક એવો અભ્યાસક્રમ ‘રેશમકીડા ઉછેર અને રેશમ’ ચલાવે છે. ૧૦૩૯ વિદ્યાર્થીઓ છે જેમાંથી ૧૩૮ અનુસૂચિત જાતિના છે. 

વૉકેશનલ સ્કૂલ : અધવચ્ચેથી અભ્યાસક્રમ છોડી દેનાર વિદ્યાર્થીઓ માટે સુથારી, સીવણ, ઈલેક્ટ્રિકલ મેઈન્ટેનન્સ એન્ડ રીપેરીંગ, પ્રિન્ટિંગ, કંમ્પોઝીંગ એન્ડ બૂકબાઈન્ડિંગ, ઈલેક્ટ્રૉનિક્સની તાલીમ અપાય છે. આ તાલીમ પછી વિદ્યાર્થીઓ સ્વરોજગારી મેળવે છે. સુથારી અને સીવણકામ ત્રણ વર્ષની મુદતના અભ્યાસક્રમો છે. જ્યારે બાકીના બીજા બધા ૨ વર્ષના સમયગાળાના છે.

જિલ્લાના અને હરતાંફરતાં પુસ્તકાલયની સેવા : ઉત્તર ચોવીસ પરગણાનું જિલ્લા પુસ્તકાલય આ સંસ્થા ચલાવે છે. પુસ્તકાલયમાં ૪૭,૯૬૦ પુસ્તકો છે અને આશરે ૯,૦૦૦ જેટલા પુસ્તકોની લેતીદેતી થાય છે અને ૨૫,૦૦૦ જેટલા વાચકો લાભ લે છે. હરતાંફરતાં પુસ્તકાલય દ્વારા ૪૨ સર્વિસ યુનિટને સહાય મળે છે.

ચિકિત્સાસેવા : મુખ્યત્વે સંસ્થાના અંતેવાસીઓ માટે પ૨ પથારીની એક હૉસ્પિટલ ચલાવે છે. સામાન્ય માંદગીની સારવાર અને સાદા સીધા ઑપરેશનની સુવિધા છે. જાહેર જનતા માટે એક દવાખાનું પણ છે. એ દ્વારા સામાન્ય સારવાર ઉપરાંત કાન-ગળા-નાક અને આંખ તેમજ દાંતના નિષ્ણાત ડૉક્ટરોની માનદ સેવાઓ મળે છે. પૅથૉલૉજીકલ લેંબૉરેટરીની સુવિધા સંસ્થામાં છે. હોમિયોપથી દવાખાનાની સુવિધા પણ છે. આ ઉપરાંત સંસ્થા રાહતસેવાકાર્યો પણ ચલાવે છે. 

આ સંસ્થાના વિદ્યાર્થીઓ અનાથ અને પછાત હોવા છતાં ‘સંસ્થાનું એક અમૂલ્ય ધન છે. કુલ ૩,૬૭૯ પૈકી ૬૦૧ વિદ્યાર્થીઓ અનાથ, આદિવાસી વિદ્યાર્થીઓ છે. તેઓ નજીકથી અને દૂરથી અહીં આવે છે અને શાળાનાં ઉજ્જવળ નામ-કીર્તિને દેશના ખૂણેખૂણે ફેલાવે છે.

રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ-વારાણસી

સંક્ષિપ્ત ઈતિહાસ : ગત શતાબ્દિના અંતે બનારસમાં પૂર્વાશ્રમના શ્રીચારુચંદ્રદાસ-સ્વામી શુભાનંદજી, પૂર્વાશ્રમના શ્રી કેદારનાથ મૌલિક-સ્વામી અચલાનંદજી અને જૈમિનીરંજન મઝુમદાર નામના ત્રણ યુવકો- ‘માનવસેવાને જીવનના લક્ષ્યરૂપે સ્વીકાર કરવો’ જેનો એમના ગુરુ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થમ્ જગત્ હિતાય ચ્‌’ એ રૂપે ઉપદેશ આપ્યો હતો. એવા નવા આદર્શથી અનુપ્રાણિત થયા હતા. સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી કલ્યાણાનંદે આ ભાવ એ ત્રણેય યુવકોમાં સંચારિત કર્યો હતો.

આ યુવકોએ ૧૯૦૦માં ‘નિર્ધન રાહતસંસ્થા’ સ્થાપી અને ભિક્ષામાં મળેલ ચાર આનાની મૂડીથી તેનો કાર્યારંભ થયો. ક્ષેમેશ્વર ઘાટમાં ભાડાના એક મકાનમાં એક નાનું ઔષધાલય ‘શરૂ કર્યું. ૧૯૦૧માં રામપુરામાં એક મોટા મકાનમાં આ ઔષધાલયને સ્થાનાંતરિત કરવામાં આવ્યું. આ ત્રણેય યુવકો સડકની ફૂટપાથ પર પડેલા નિર્ધન અને માંદા લોકોને ઉઠાવી લાવતા અને એની સારવાર-દેખભાળ રાખતા. ૧૯૦૨ના ફેબ્રુઆરીમાં સ્વામી વિવેકાનંદ બનારસ આવ્યા. ત્રણેય યુવાનોના સમર્પિત સેવાભાવથી અત્યંત પ્રસન્ન થઈને સ્વામીજીએ આ સંસ્થાનું નામ ‘રામકૃષ્ણ સેવાશ્રમ’ રાખ્યું અને રામકૃષ્ણ મિશન, બેલૂર મઠ સાથે એને જોડી દીધું. સ્વામીજીએ પોતે આ સેવાશ્રમ માટે ધન મેળવવા લોકોને જાહેર અપીલ પણ કરી હતી. ભગિની નિવેદિતા પણ ક્યારેક ક્યારેક સેવાશ્રમમાં આવતા અને ક્યારેક આર્થિક સહાય મેળવવા સાધુઓ સાથે જતાં, સેવાશ્રમના ઉત્થાન માટે એમણે ભાષણ પણ કર્યાં હતાં.

૧૯૦૮માં આજના સેવાશ્રમની જમીનની ખરીદી થઈ અને રામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ અધ્યક્ષ શ્રીમદ્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આ સેવાશ્રમનો શિલાન્યાસવિધિ કર્યો અને શ્રીમદ્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજે આ કાર્ય પૂરું કર્યું. સંસ્થાએ ૧૯૦૯માં પૂર્ણ સાકાર રૂપ લીધું અને તેનું રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું. શ્રીરામકૃષ્ણદેવના અનેક સાક્ષાત્ શિષ્યો અહીં આવ્યા હતા અને આ પાવનકારી સ્થળે રહ્યા પણ હતા. શ્રીરામકૃષ્ણ પરમહંસના દિવ્યજીવન સંગિની શ્રીમા શારદાદેવીએ સેવાશ્રમની આ ભૂમિ પર પોતાનાં પાવન પગલાં કર્યાં હતાં એ સેવાશ્રમના ઈતિહાસની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઘટના છે. શ્રીમા શારદાદેવીએ પોતાનાં આ પાવન પગલાં કર્યાં ત્યારે એટલે કે ૮ નવેમ્બર, ૧૯૧૨ના દિવસે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સુપ્રસિદ્ધ લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત, ‘મ’ પણ ઉપસ્થિત હતા. એમણે શ્રીમાના સેવાશ્રમ વિષેના કથનને આગંતુક નોંધપોથીમાં આ રીતે શબ્દબદ્ધ કરી લીધા હતા ‘આજે શ્રીમાએ સેવાશ્રમમાં પોતાનાં પાવન પગલાં કર્યાં હતાં. અદ્વૈત આશ્રમમાં શ્રી ઠાકુરનાં દર્શન કરીને તેઓ લગભગ સાત વાગે સેવાશ્રમમાં પધાર્યાં હતાં. શ્રીયુત રાખાલ મહારાજ, અધ્યક્ષ : રામકૃષ્ણ મિશન, હરિ મહારાજ, ચારુબાબુ, ડૉ. કાંજીલાલ ઈત્યાદિ સાથે સ્ત્રીભક્તો અને પુરુષ ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રીયુત કેદારે એમની પાલખીની સાથે ચાલતાં ચાલતાં એમને વિભિન્ન વોર્ડ-હરિવલ્લભ સ્મારક વોર્ડ, અટલબાબુના માતાની સ્મૃતિમાં બંધાયેલ વોર્ડ, કૃષ્ણબાબુના પુત્રની સ્મૃતિમાં બંધાયેલ વોર્ડ વગેરે બતાવ્યા હતા. ત્યાર પછી હોલમાં થઈને શ્રીશ્રીમા એલોપથી, હોમિયોપથીનાં ઔષધાલયો, શલ્ય ચિકિત્સા કક્ષ અને અન્ય સ્થળોએ ગયાં હતાં.

ત્યાર પછી ભક્તોની વચ્ચે બેસીને શ્રી શ્રીમા શારદાએ વિવિધ ભવન અને ઉદ્યાન અને સેવાશ્રમની વ્યવસ્થા પર પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. શ્રીમાએ કહ્યું : ‘શ્રી ઠાકુર સ્વયં અહીં વિરાજમાન છે અને લક્ષ્મી (ભાગ્યદેવી)એ આ સ્થાનને પોતાના નિવાસસ્થાનના રૂપમાં પસંદ કરી લીધું છે. સારું, આનો પ્રારંભ કેવી રીતે થયો?’ કેદારબાબુએ તેમને ચારુબાબુ તથા બીજા વિષે બધી વાત કરી તેમણે કહ્યું કે, નિર્માણકાર્ય દરમિયાન દિનાનાથ બાબાજીએ કાર્યસંચાલન કર્યું હતું. શ્રીયુત રાખાલ મહારાજે શ્રી શ્રીમાને કેદારનાથ બાબુનાં અત્યધિક નિષ્ઠા અને શ્રમ વિશે કહ્યું. શ્રી શ્રીમા ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું : આ સ્થાન એટલું આકર્ષક છે કે, અહીં રહી જવાની મને ઈચ્છા થઈ આવે છે. શ્રી શ્રીમા લક્ષ્મીનિવાસમાં આવ્યાં, થોડી મિનિટ પછી એક ભક્તે અધ્યક્ષશ્રી પાસે આવીને સેવાશ્રમ માટે શ્રીમાની તરફથી ભેટરૂપે ૧૦ રૂ.ની એક નોટ આપી.’

અદ્વૈત આશ્રમ, બનારસ
૮ નવેમ્બર, ૧૯૨૨

‘મ’

સમય વિતતો ગયો અને ઉદાર દાતાઓની સહાયતા મળવા લાગી. આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓ સાથે ૪૬ પથારીની સુવિધામાંથી ૨૩૦ની સુવિધા પૂરી પાડવા સક્ષમ બની છે. સેવાશ્રમમાં નવીન સેવાશાખાઓ જોડાતી ગઈ અને આજે આ સેવા અને આધ્યાત્મિકતાની બહુઆયામી સંસ્થાના રૂપમાં પ્રતિષ્ઠિત છે.

સંસ્થાના લક્ષ્ય અને ઉદ્દેશ્ય : ૧. ચિત્તશુદ્ધિના સાધન રૂપે નિઃસ્વાર્થ સેવા કરવી જેથી આધ્યાત્મિક અનુભૂતિની પ્રાપ્તિ થાય. ૨. શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશને અનુરૂપ જાતિ-સંપ્રદાય- વર્ણ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના બધાં પુરુષો-સ્ત્રીઓ અને બાળકોને ઈશ્વરની વાસ્તવિક અભિવ્યક્તિના રૂપે નિહાળવાં અને એમની આવશ્યકતાઓ પૂરી કરવા તેમજ એમનાં દુઃખોને દૂર કરવાનો પ્રયત્ન કરતાં કરતાં એમની સેવાપૂજા કરવી. ૩. નિર્બળ, અસહાય લોકોની રોગ, વૃદ્ધાવસ્થા અને અન્નના અભાવનાં દુઃખમય દિવસોમાં જ્યારે એમને મિત્રભાવની સેવાની સહાયની સૌથી વધારે આવશ્યકતા હોય છે તેવા સમયે તેમની સેવા કરવી. ૪. ગલીઘાટ કે રસ્તામાં પડેલા અસહાય અને નિર્બળ લોકોને સેવાશ્રમમાં દાખલ કરીને એને શક્ય તેટલી બધી ચિકિત્સા રાહતસેવા આપવી અને સ્વસ્થ થતાં સુધી એમને ચિકિત્સા અને ભોજનની વ્યવસ્થા આપવી. ૫. વૃદ્ધ, નિર્બળ, અસહાય અને વિકલાંગ લોકોને, એમનાં ઘરકુટુંબને આર્થિક સહાયતા મોકલવી, પોતાની દેખભાળ નહીં રાખી શકનાર લોકોને સેવાશ્રમમાં આશ્રય અને ભોજન આપવાં, સેવાશ્રમમાં મૃત્યુ પામેલા ગરીબ લોકોના અંતિમ સંસ્કાર માટે સુવિધાઓ પૂરી પાડવી- આ રીતે સહાયતા આપવી.

અંતરંગ સાર્વજનિક હૉસ્પિટલમાં મેડિકલ ચિકિત્સા વૉર્ડ, શલ્ય ચિકિત્સા વૉર્ડ, નેત્રચિકિત્સા વૉર્ડ, ઑપરેશન થિયેટર, બાળ ચિકિત્સા, કાન-ગળા-નાક ચિકિત્સા, સ્ત્રીરોગ ચિકિત્સા અને હાડકાંના રોગોની ચિકિત્સા સેવાઓ મળે છે.

હૉસ્પિટલના બહારના દર્દી વિભાગમાં એલોપથી અને હોમિયોપથી, રોગવિષયક લૅબોરેટરી, કાન-નાક-ગળાનો વિભાગ, નેત્ર વિભાગ, દંત ચિકિત્સા વિભાગ, એકસ-રે, ઈલેક્ટ્રો થેરેપી અને ઈ.સી.જી., ચામડીના રોગોની ચિકિત્સા, હાડકાના રોગોના વિભાગ, બાળ રોગોના વિભાગ, સ્ત્રીરોગોના વિભાગ દ્વારા લોકોની સેવા થાય છે. શિવાલામાં એક હૉમિયોપથી દવાખાનું તેમજ સ્ત્રી-પુરુષો માટે વૃદ્ધાશ્રમ, નિર્ધનોને રોકડ સહાય એ દ્વારા લોકોને સહાય કરવામાં આવે છે.

૧૯૯૬-૯૭ના વર્ષમાં સર્જિકલના ૨,૨૧૬ અને મેડિકલના ૪,૯૭૬ દર્દીઓ મળીને કુલ ૭, ૧૯૨ ઈન્ડોર દર્દીઓની સેવા કરવામાં આવી છે. ૫૦,૯૭૮ દર્દીઓને ઈન્ટ્રામસ્ક્યુલ૨ ઈંજેક્શનો, ઈન્ટ્રવિનસનો લાભ મળ્યો હતો. ઈન્ટ્રાઆટ્રીક્યુલર એસ્પીરિરેશન્સ અને લંબર પંક્ચરનો લાભ ૧,૨૧,૦૭૧ દર્દીઓએ લીધો હતો.

આઉટડોર વિભાગના દર્દીઓમાં કુલ ૭૪,૪૭૦ નવા કેસ; ૧,૫૨,૨૦૫ પુનરાવર્તિત કેસ; ૧૦,૯૩૨ સર્જિકલ કેસ; ૫,૧૧૪ ઈંજેકશનો એમ મળીને કુલ ૨,૨૬,૬૭૫ દર્દીઓની સેવા કરવામાં આવી હતી. હોમિયોપથી વિભાગે જૂના અને નવા દર્દીઓ મળીને ૧૭,૧૦૮ દર્દીઓની સેવા કરી હતી. જુદા જુદા પ્રકારના ૧૧,૦૦૭ એકસ-રે લેવાયા હતા. હેમેટોલોજી, શિરોલોજી, કલીનીકલ પેથોલોજી, બાયોકેમેસ્ટ્રિ અને પ્રકીર્ણ વિભાગો દ્વારા વિવિધ પ્રકારની તપાસ માટે કુલ ૨૮,૩૬૬ બહારના દર્દીઓ અને ૪૨,૧૭૧ અંદરના દર્દીઓની સેવા કરવામાં આવી હતી.

ભાઈઓ-બહેનો માટે બે અલગ-અલગ વ્યવસ્થાવાળા અસહાય વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા પણ છે. પુરુષો માટેના વૃદ્ધાશ્રમના નવા મકાનનું ઉદ્‌ઘાટન ૧ એપ્રિલ, ૧૯૯૨ના રોજ થયું હતું. આ ઉપરાંત અસહાય વિધવાઓને તથા ગરીબ વિદ્યાર્થીને રોકડ સહાય આપવામાં આવે છે.

ઉલ્લેખનીય વિવિધ વિશિષ્ટ સેવાધામો

સાવ અચેતન, ઘાસફૂંસ કે પથ્થર જેવા બની ગયેલાં અને જેમની કોઈએ સારસંભાળ કે દરકાર લીધી નહોતી તેવા ગરીબો, અજ્ઞાની, દરિદ્ર લોકો માટે સ્વામીજીનું હૃદય દ્રવી ઊઠતું હતું. સ્વામીજીએ એમને દેહશક્તિવિહોણી, ઉત્કટતા વિનાની અને પોતાની સ્વતંત્ર વિચારશક્તિવિહોણી પરિસ્થિતિમાં જોયાં હતાં. એમને મન આ બધા દરિદ્રોની દશા હજારો વર્ષથી નિશ્ચેતન અને શાંત પડેલા એક ઊંહકારોએ ય કાઢ્યા વગર હજારો વર્ષથી કચડાતા રહેલા પર્વત સમી લાગી. સ્વામીજી આવા લોકો પાસે જઈને એમને પુનર્જીવિત કરવા ઇચ્છતા હતા. તેઓ કહેતા : ‘આ મૃત્પિંડ જેવાં આ લોકો શું કરશે! એમને પ્રેરીને હું એમને ફરીથી ચેતનવંતા કરવા ઇચ્છું છું, આટલા માટે જ મારું જીવન સમર્પિત કરી દીધું છે. વૈદિકમંત્રોની અસીમ અને અનંતશક્તિ દ્વારા હું તેમને બેઠા કરીશ. ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો – આ નિર્ભયતાનો સંદેશ આપવા માટે જ મારો જન્મ થયો છે.’ ઉત્તર ભારતમાં સાધુઓના આરોગ્યની અત્યંત નબળી સુવિધાઓ વિશે સાંભળીને સ્વામીજીએ પોતાના શિષ્ય સ્વામી કલ્યાણાનંદજીને આ કાર્ય કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી દેવાની હાકલ કરી. પરિણામે વારાણસી સેવાશ્રમ જેવી ભવ્ય સંસ્થાનો ઉદય થયો. રામકૃષ્ણ સંઘની આધિકારિક સંસ્થાપના પહેલાં સૌપ્રથમ રાહત સેવાકાર્ય શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી અખંડાનંદજીએ કર્યું હતું. પછીથી એમણે સારગાછીમાં અનાથાલય સ્થાપ્યું. આ એમનું એક અનન્ય સ્મૃતિસેવા મંદિર બની ગયું છે. એમણે આજુબાજુના ઘણા વિસ્તારોમાં દુષ્કાળરાહત સેવાકાર્ય પણ કર્યું હતું.

૧૯૯૮માં ગ્રામ્ય પ્રજાના સેવાકલ્યાણ માટે સ્થાપેલી સારગાછીની આ સંસ્થા પછી ભારતના ગરીબ, નિરક્ષર, દરિદ્ર, પછાત, કચડાયેલા અને માંદા લોકોની સેવા માટે જુદા જુદા ગ્રામ્યવિસ્તારમાં સેવાકેન્દ્રો શરૂ થયાં : માયાવતી-૧૮૯૯, કોલપાડા-૧૯૦૬, નટ્ટરામપલ્લી-૧૯૧૨, ચાંદીપુર-૧૯૧૪, શ્યામલાતલ અને ક્વિલૅન્ડી-૧૯૧૫, ગારબેતા-૧૯૧૬, સરીશા-૧૯૨૧, જયરામબાટી- ૧૯૨૩, ત્રિચુર-૧૯૨૩, શેલા (ચેરાપુંજી)-૧૯૧૪, જામતાળા-૧૯૨૮.

ચાંદીપુર અને જયરામબાટીમાં નિઃશુલ્ક પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. સરીશામાં કાંતણકામ અને વણાટકામના વિભાગો સાથે એક પ્રાથમિક શાળાનો આરંભ થયો. સારગાછી, શેલા અને ત્રિચુરમાં નિઃશુલ્ક મીડલ ઈંગ્લીશ શાળા તેમજ કાંતણકામ અને વણાટકામની ખાસ વ્યાવસાયિક તાલીમવાળી માધ્યમિક શાળાઓ શરૂ થઈ. ૧૯૩૪માં મઠ-મિશન સાથે જોડાયેલ અને ૧૯૩૦માં શરૂ થયેલ કોઈમ્બતૂર કેન્દ્રને ઘણાં શૈક્ષણિક એકમો છેઃ ઉચ્ચતર માધ્યામિક શાળા, માધ્યમિક શાળા, ઑટૉનોમસ આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, ઑટૉનોમસ પોલિટેકનિક, કૃષિ શાળા સાથે ગ્રામ્ય વિભાગ માટે દવાખાનાની સુવિધા પણ છે.

રામકૃષ્ણ મિશન-આશ્રમ, પથુરિયાઘાટના તત્કાલીન સક્રેટરી શ્રીમદ્ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે ૧૯૫૨માં વિદ્યાર્થીઓના એક સમૂહને આજુબાજુની ઝૂંપડપટ્ટીના લોકોના કલ્યાણ માટે સંસ્થા સ્થાપવા માટે પ્રેર્યો, પરિણામે ‘લોકશિક્ષા પરિષદ’ નો પ્રાદુર્ભાવ થયો. ૧૯૫૫-૫૬માં આ સંસ્થા નરેન્દ્રપુરમાં આવી અને લોકશિક્ષા પરિષદનો વ્યાપ સમગ્ર બંગાળના ગ્રામ્યવિસ્તાર સુધી વિસ્તર્યો, ગ્રામ્ય વિકાસની પ્રવૃત્તિઓના વિકાસ માટે એક સ્વતંત્ર કૃષિ તાલીમ કેન્દ્રનો ૧૯૬૭માં પ્રારંભ થયો. હાલમાં ૫૭૦ સંસ્થા સાથે સંલગ્ન યુવક સંઘો અને ૭૦૦ જેટલી બીજી સંલગ્ન સંસ્થાઓની સાથે રહીને લોકશિક્ષા પરિષદ પોતાનું સેવાકાર્ય કરે છે.

રાંચી કેન્દ્ર દ્વારા ગ્રામ્યવિકાસ યોજનાનો બીજો આદર્શ ધર્યો છે. ‘દિવ્યાયન’ના નામે ૧૯૬૯માં શરૂ થયેલ આ સંસ્થા બિહારના રાંચી અને આજુબાજુના જિલ્લાઓના આદિવાસી યુવાનો માટે એક આશાદીપ બની ગઈ છે. સૌથી મહત્ત્વની વાત તો આ છે કે, આ આદિવાસી લોકોનાં ધર્મ, કલા, સંસ્કૃતિને જરાય આંચ પહોંચાડ્યા વિના તેમના આર્થિક, શૈક્ષણિક, આરોગ્ય વિષયક અને સામાજિક ક્ષેત્રના સઘન-સાર્વત્રિક વિકાસ માટે એ લોકોમાં જાગરણ લાવવાની અનન્ય પ્રયાસ. ૧૯૭૭માં ‘દિવ્યાયન’ દ્વારા ‘કૃષિવિજ્ઞાન કેન્દ્ર’ની સ્થાપના કરી, રાષ્ટ્રનું આ સૌથી શ્રેષ્ઠ કે.વી.કે. કેન્દ્ર બન્યું છે. અહીં કેમ્પસ ઉપર તાલીમી, પ્રેરણાત્મક અને બીજા વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. પાકની મૌસમ આવતાં પહેલાં ટૂંકા ગાળાના તાલીમી કાર્યક્રમો, સેવાસંઘના કાર્યકર્તાઓની માસિક સભાઓ, ભૂતપૂર્વ તાલીમાર્થીઓનું વાર્ષિક સમ્મેલન, ગેટલસુદ અને મહેશપુર નામના બે ગામમાં આવેલાં કૃષિનિદર્શન ફાર્મ્સ અને ‘દિવ્યાયન સમાચાર’ નામના સામયિકનું પ્રકાશન વગેરે પ્રવૃત્તિઓ આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ નીવડી છે. ‘દિવ્યાયને’ સમર્પિત ક્ષેત્રીય કાર્યકરો દ્વારા આદિવાસીઓ સાથે નિકટનો સંપર્ક-નાતો સ્થાપ્યો છે. સાથે ને સાથે કૃષિ શાખાના સભ્યો, નિષ્ણાતો અવારનવાર આદિવાસીઓના ગામડાંની મુલાકાત પણ લે છે.

મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના નારાયણપુર ગામમાં આ ૪૦૦૦ કિલોમીટર વિસ્તારના વેરવિખેર રહેતા ૧૯,૦૦૦ જેટલા આદિવાસીઓને એમની અત્યંત દયનીય દશા અને પછાતપણામાંથી મુક્ત કરવા અને તેની સાર્વત્રિક ઉન્નતિ કરવા રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા ૧૯૮૫માં એક ભવ્ય આદિવાસીવિકાસ યોજનાનો અમલ થયો. નારણપુરમાં મિશન દ્વારા એક નિવાસી શાળા શરૂ થઈ. આ કેન્દ્ર દ્વારા આદિવાસી યુવાનોને કૃષિ, બાગાયતીકામ, મધમાખી ઉછેર, બેકરી, સીવણકામ, સુથારીકામ, વૂડક્રાફટ, બંબૂક્રાફટ, પીત્તળ ફેબ્રિકેશન અને વેલ્ડિંગની તાલીમની સુવિધા પણ કરાઈ છે. આ ઉપરાંત શિક્ષકતાલીમ અને આરોગ્યસેવાની તાલીમ પણ તેમને આપવામાં આવે છે. પરિણામે અબૂઝમાડના આદિવાસી વિસ્તારમાં તેઓ વિવિધ ક્ષમતાવાળા સામાજિક કાર્યકર તરીકે નોકરી મેળવી શકે છે. આ સંસ્થા એક હોસ્પિટલ, હરતું ફરતું દવાખાનું અને કિફાયતી ભાવે મળતી ચીજવસ્તુઓની દુકાનનું પણ સંચાલન કરે છે. અબૂઝમાડના અંદરના વિસ્તારોનાં પાંચ ગામડાંમાં દરેકને શાળા, વિદ્યાર્થીમંદિર અને કિફાયતી ભાવે મળતી ચીજવસ્તુઓની દુકાનો સાથેની સુવિધાઓ માટે ત્રણ સેવાકેન્દ્રો પણ છે. 

મૈસૂરમાં કેન્દ્ર દ્વારા ત્રણ તાલુકાના આદિવાસી લોકોના વિકાસકલ્યાણ કાર્યક્રમ હેઠળ કૃષિ, બાગાયતી અને રેશમ છે. ઉછેરની સઘન તાલીમ અપાય છે.

‘પલ્લી મંગલ’ એ એક નૂતન પ્રયોગ છે. દૂર-સુદૂરનાં ગામડાંમાં ગ્રામ્યવિકાસ કલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં અને રામકૃષ્ણ સંઘ પાસે પૂરતા પ્રમાણમાં સંન્યાસીઓ ન હોવાથી ગામડે ગામડે જવું શક્ય નહોતું એટલે સ્થાનિક યુવાનોને તાલીમ આપીને એમને આ સ્વૈચ્છિક સેવાના કાર્યમાં સમર્પણની ભાવનાથી જોતરવાનું નક્કી થયું. તેમને એ પોતાના વિસ્તારના સાર્વત્રિક વિકાસના મૅનૅજમૅન્ટના અદ્યતન ખ્યાલોથી સુસજ્જ ક૨વા જોઈએ. આ પ્રકલ્પ હુગલી જિલ્લાના કામારપુકુર અને બાલીદેવાગંજના વીસ યુવાનોની સહાયથી ૧૯૮૦માં શરૂ થયો એમને ગ્રામ્યવિકાસની પ્રવૃત્તિઓના વ્યવસ્થાપનની વિધિવત તાલીમ પણ આપવામાં આવી. આ તાલીમ પછી તેમને બાંકુરા જિલ્લાના જયરામબાટી અને હુગલી જિલ્લાના કામારપુકુર અને બાલીદેવાગંજ ગામમાં રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના માર્ગદર્શન હેઠળ સઘન ગ્રામ્યવિકાસ યોજનાનું અમલીકરણ ક૨વા માટે કાર્યરત કરવામાં આવ્યા. તાલીમ પામેલા યુવાનોની સહાયથી વૈજ્ઞાનિક કૃષિપદ્ધતિઓ, મરઘાં-બતકા ઉછેર, ડેરી, મધમાખી ઉછેર,મચ્છી ઉછેરની તાલીમ તેમજ કુટિર ઉદ્યોગો ચલાવી શકાય તેવી અગરબત્તી બનાવવી, હેન્ડલુમનો ઉદ્યોગ, વણાટકામ, કાંતણકામની તાલીમ ગામડાંઓમાં જઈને નિદર્શનપ્રયોગો અને કાર્યશિબિર દ્વારા આપવામાં આવે છે. આ તાલીમ પછી લાભાર્થી યુવાનો પોતાને યોગ્ય લાગે તે સ્વરોજગાર તરફ દોરી જતા આર્થિક કાર્યક્રમને અપનાવે છે અને તેમનું સંચાલન સ્વનિર્ભર, સ્વાયત્ત અને અનૌપચારિક સહકારની મંડળીના સિદ્ધાંતો પર રહીને થાય છે. એમનાં ઉત્પાદનોના વેચાણ માટેની વ્યવસ્થા પણ મિશન દ્વારા કરવામાં આવે છે. આર્થિકવિકાસ સાથે માનવીય મૂલ્યોના વિકાસને પણ પૂરતું મહત્ત્વ આપવામાં આવે છે. હરતાં ફરતાં દવાખાનાનું એકમ કોલપાડા, જયરામબાટી, કામારપુકુર અને બાલીદેવાગંજના અને તેની આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્ય અને ચિકિત્સા સેવાનું કાર્ય કરે છે. કામારપુકુરમાં સાધનસજ્જ જમીનચકાસણીની પ્રયોગશાળા પણ છે. રામકૃષ્ણ મિશન શારદાપીઠ નામની શૈક્ષણિક સંસ્થા ગ્રામ્યવિકાસ પ્રવૃત્તિઓ માટે ૧. જનશિક્ષામંદિર ૨. શિલ્પમંદિર (કૉમ્યુનિટી પોલિટેકનિક) ૩. સમાજસેવા શિક્ષણમંદિરની સુવિધા ધરાવે છે.

જનશિક્ષામંદિર : ૧૯૪૯થી આ સંસ્થા સમૂહશિક્ષણની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. આ સંસ્થા હાવરા જિલ્લાના ૪૧ ગામડાંમાં અનૌપચારિક શિક્ષણ કેન્દ્રો, સાક્ષરતા અભિયાન કેન્દ્રો અને નિઃશુલ્ક શિક્ષણસહાય વર્ગોનું સંચાલન કરે છે. સીવણ, ઊનનું વણાટકામ, સુથારી જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોને તાલીમ આપવાનું કાર્ય પણ કરે છે. આ ઉપરાંત નિર્ધમ ચૂલા, વ્રતાચારી નૃત્ય, શારીરિક કવાયત, યોગાસન વગેરેની તાલીમ ગામડાંના વિદ્યાર્થીઓ અને બાળકોને આપે છે. આ સંસ્થાના દૃશ્ય-શ્રાવ્ય એકમ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક ફિલ્મો ગ્રામ્યજનોને બતાવાય છે.

કૉમ્યુનિટિ પોલિટેકનિક-શિલ્પમંદિર : વેલ્ડિંગ, વાયરીંગ, સુથારીકામ, ટી.વી. રિપેર, રેફ્રિજરેટર અને એરકન્ડિશ્નર રિપેર, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ને જાળવણી જેવા વ્યવસાયલક્ષી કાર્યકુશળતાનો વિકાસ કરતા અભ્યાસક્રમો ચલાવે છે. બહેનો માટે સીવણકામના વર્ગો પણ ચલાવે છે. સ્વામી વિવેકાનંદ કહેતાઃ ‘જો ગ્રામ્યજનોને પોતાની મેળે, પોતાની જાતને મદદ કરવાનું શીખવવામાં ન આવે તો, દુનિયાની બધી સંપત્તિ ભારતના એક નાના ગામડાને કઇ મદદ ન કરી શકે.’ તેઓ કહેતા, ‘આપણાં લોકોને શિક્ષણ આપો કે જેથી તેઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ કરવા શક્તિમાન બને, આ કાર્ય ન થાય ત્યાં સુધી બધાં આદર્શ સુધારાઓ માત્ર આદર્શો જ રહેશે.’

રાષ્ટ્રવિકાસના કાર્યક્રમને નજર સમક્ષ રાખીને રામકૃષ્ણ મિશને ૧૯૮૬માં યુવાનોની તાલીમ માટે સમાજસેવક શિક્ષણમંદિર’ની સ્થાપના કરી છે. ૯ માસના આ તાલીમી કાર્યક્રમને એવી રીતે ઢાળ્યો છે કે જેને લીધે નિષ્ઠાવાન અને સમર્પિત ભાવનાવાળા ગ્રામ્યવિકાસ માટે વ્યવસ્થાપકો કે સામાજિક કાર્યકરો મળી રહે. આ સમાજસેવકો ગ્રામ્યસમાજને અનુકૂળ પડે તેવી ટૅકનૉલૉજી અને સમાજના મહત્તર કલ્યાણ માટે સુધારણા પણ લાવી શકે છે. આ માત્ર કૃષિની તાલીમ આપતું કેન્દ્ર નથી પરંતુ તે સ્વરોજગારીના વિકાસના કોઠાસૂઝવાળા ગ્રામસેવકો ઊભા થાય તેવા કાર્યક્રમો તેમજ સમાજસેવાનો અભ્યાસક્રમ એમાં સામેલ છે. એનો ઉદ્દેશ છે : ૧. પછાત અને ઉપેક્ષિત ગ્રામસમાજના લોકસમૂહોની ઉન્નતિ કરવાના કાર્યમાં યોગ્ય આદર્શ સાથેની તાલીમ આપવામાં આવે છે અને યુવાનોના આ સમૂહને આધ્યાત્મિક અને નૈતિકમૂલ્યોથી ઘડવામાં આવે છે. ૨. ભૌતિક અને આર્થિક સંસાધનોને કામે લગાડીને રાષ્ટ્રીયસંપત્તિમાં વૃદ્ધિ કરવાના કામની તેમજ નોકરી-ધંધો શોધનાર નહીં પણ નોકરી-ધંધો આપનારા ઊભા થાય તેવી તાલીમ યુવાનોને અપાય છે. ૩. આવી રીતે નવીન પ્રેરણા મેળવેલા યુવાનો પોતપોતાના ગામડાંમાં તાલીમ પછી પાછા જાય છે અને પોતાની ભૂમિ, તળાવો કે અન્ય સાધનસંપત્તિ દ્વારા ધનસંપત્તિ ઉપજાવે છે અને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખે છે. પોતપોતાના ગામના લોકોમાં મૂળથી જાગૃતિ લાવવા માટે એમને ટૅકનૉલૉજી હસ્તાંતરિત કરવાની તાલીમ અપાય છે તેમજ ગ્રાંમજનોને પોતાની સુખાકારીનાં સાધનો ઊભાં કરવા શક્તિમાન બનાવાય છે. આવી રીતે તેઓ પોતાનાં જીવન અને ચારિત્ર્ય ઘડતર કરી શકે છે અને પોતાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પણ જાળવી રાખે છે. ટૂંકમાં સમાજસેવક શિક્ષણમંદિર એવા સમાજસેવકોની ટુકડીઓ ઊભી કરે છે કે જેઓ પોતપોતાના વિસ્તારના સાર્વત્રિક વિકાસ માટે જવાબદારીનું વહન કરે છે અને સાથેને સાથે બાબુસાહેબની નોકરીઓ શોધવાની નિરર્થક દોડમાં પડવાને બદલે પોતાના પગ પર ઊભા રહેતાં શીખે છે. એમને વિવિધ ટૅકનૉલૉજી અને કાર્યકુશળતાથી સજ્જ કરવામાં આવે છે અને તેથી ગામડાંના બેકાર યુવાનોને પ્રેરીને તેમને પોતાની વિકાસયોજના શરૂ કરવા માટે ઉત્તેજે છે.

સંદર્ભસૂચિ :

* ‘મહમંદ ગોઝ ટુ માઉન્ટેન’ સ્વામી શશાંકાનંદ, ‘ધ વેદાંત કેસરી’ ડિસે. ’૯૮
* રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વૃંદાવન ‘સંક્ષિપ્ત પત્રિકા’
* ‘રામકૃષ્ણ જ્યોત દીપોત્સવી અંક’ ૧૯૯૭
* ‘રામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસ’ વાર્ષિક અહેવાલ ’૯૬-૯૭
* રહરા અપીલ અને સંક્ષિપ્ત અહેવાલ

Total Views: 102
By Published On: August 7, 2022Categories: Mansukhbhai Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram